પેમા ચોન્દ્રનના When Things Fall Apart નામના પુસ્તકમાં તેમના ગુરુ તૃન્ગપા રિન્પોચે – જે એક બિન્દાસ્ત તેમજ વિવાદાસ્પદ પરંતુ ખુબ જ પારદર્શી તેમજ સાચા વ્યક્તિ છે – તેમનાં એક રસપ્રદ પ્રસંગની વાત છે. એક યુવાને તેમને પૂછ્યું કે તેમને પોતાને કોઈ ડર છે કે કેમ? રિન્પોચે જવાબમાં કહ્યું કે તેમની સંન્યાસીની તાલીમના એક ભાગ રૂપે તેમને એવી ડરામણી જગ્યાઓએ જેમકે સ્મશાનમાં જવાનું થતું કે પછી એવી-એવી બાબતો ઉપર ચિંતન કરવું પડતું કે જે તેમને ન ગમતી હોય. પુસ્તકમાં આ મુજબનું વર્ણન છે:

પછી તેમને એક વાત કરી કે જેમાં તેમને પોતાનાં શિષ્યો સાથે એક એવા આશ્રમે જવાનું થયું કે જે તેમને આ પહેલા ક્યારેય જોયો નહોતો. જેવા તેઓ દરવાજાની નજીક પહોંચ્યા કે તેમણે એક ખુબજ મોટા અને તિક્ષ્ણ દાંત તેમજ લાલ આંખો વાળો ડાઘિયો કુતરો જોયો. તે જોર-જોરથી ઘૂરકિયા કરતો હતો, અને જે સાંકળથી બાંધ્યો હતો તેમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરતો હતો. કુતરો તેમના ઉપર આક્રમણ કરવાં માટે આતુર હતો. જેવાં રિન્પોચે નજીક ગયા, તો તેઓ કુતરાની જીભ તેમજ તેમાંથી ટપકતી લાળને જોઈ શકતા હતાં. તેઓ કૂતરાની બાજુમાંથી, એક સલામત અંતર રાખીને દરવાજામાંથી પસાર થઇ રહ્યા હતા કે અચાનક જ સાંકળ તૂટી ગઈ અને કુતરો તેમના તરફ દોડ્યો. પેલા શિષ્યો તો ભયથી ચીસ પાડીને ત્યાં જ થીજી ગયા. રિન્પોચેએ પાછું વળીને જોયં  અને તે તો સીધા કૂતરા તરફ જેટલું ઝડપથી દોડી શકાય તેટલું દોડ્યા. કુતરાને તો એટલી નવાઈ લાગી કે તે પોતાની પૂછડી બે પગ વચ્ચે દબાવીને ભાગી ગયો.

મેં જયારે આ વાંચ્યું, ત્યારે મને કઈક આવો જ પ્રસંગ કે જે મારી સાથે ઘટી ગયો હતો તે યાદ આવી ગયો, કે જેમાં મેં પણ હિમાલયમાં એક જંગલી કુતરાઓના ટોળા સાથે કઈક આવું જ કર્યું હતું. તેમનાં માલિકોએ તેમને ત્યાગી દીધા હતાં, આ કુતરાઓ પાસે હવે ન તો કોઈ તાલીમ હતી કે તે તેમના ઘેટા-બકરાનું રક્ષણ કરી શકે. જંગલ જો કે એવું સ્થળ નહોતું કે જ્યાં કુતરાઓને કોઈ ભોજનનો સ્રોત મળી રહે, માટે તેઓ સતત ભૂખ્યા અને પરિણામે સતત ચિડાયેલા રહેતાં હતાં. માર્ગમાં મને અનેક ગ્રામીણોએ આ કુતરાઓ માટે ચેતવ્યો હતો. અને મોટાભાગે આ કુતરાઓ ટોળામાં જ ફરતાં જાણે કે કોઈ શિકારી કુતરાઓ ન હોય. જયારે મેં આ ભસતા કુતરાઓને જોયા ત્યારે મારું તેમના તરફનું વલણ જો કે થોડું જુદું હતું, હું પણ તેમના તરફ જ ચાલવા માંડ્યો એક મક્કમતાથી તેમની તરફ પ્રેમ અને કરુણાનો ભાવ રાખીને. મેં તો મનમાં નક્કી જ કરી લીધું હતું કે ગમે તે કેમ ન થાય, હું તેમને કોઈ ક્ષતિ નહિ પહોંચાડું કે પછી તેમને ડરાવી પણ નહિ દઉં. એ અર્થમાં આ તૃન્ગ્પા રિન્પોચેના વલણથી થોડા અંશે જુદું વલણ હતું. પણ એ કામ કરી ગયું. તે કુતરાઓ હું જેવો તેમની ખુબ જ નજીક ગયો કે તરત જ શાંત થઇ ગયા. મારી પાસે કશું ખાવાનું નહોતું, નહિતર તો હું તેમને ખવડાવત પણ ખરો. છતાં પણ, આ એક એવી મુક્તિનો અનુભવ હતો કે જે પાછળથી મેં તેનો અખતરો અનેક જંગલી પ્રાણીઓ પ્રત્યે કર્યો હતો, અને દરેક વખતે પરિણામ એકસમાન જ મળતું હતું.

આવું જ કોઈ પણ ભય કે ડર માટે પણ થઇ શકે. અનેક વાર એવું કહેવામાં આવે છે કે તમારા ભયનો સામનો કરો, પરંતુ ભયનો સામનો કરવો એટલે ખરેખર તેનો અર્થ શું થાય? અને તેનો અર્થ જે થતો હોય તે, પણ તેમાં ખરેખર તો કરવાનું શું હોય? શરૂઆત તમારા ભયને એક મૂર્ત રૂપ આપીને કરો. અર્થાત તમારો જે ભય હોય તેને મૂર્ત રૂપ આપો, અને તેના પ્રત્યે મનમાં એક ઊંડું કલ્પનાચિત્ર ઉભું કરો. કલ્પના કરો કે તમારો ભય એ હકીકતમાં કોઈ વ્યક્તિ સ્વરૂપ છે અને તમે તેનો સામનો કરી રહ્યાં છો. તમારા ભય સાથે વાત કરો, તેના પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ રાખો, તેના પ્રત્યે મિત્રતા ભર્યો વ્યવહાર રાખો. એ જ ઉર્જા કે જે તમારા ભયને બળતણ પૂરું પાડતી હતી તે હવે તમારી તાકાત બનશે. પ્રયત્ન કરી જુઓ.

ભય દ્વારા, મારો કહેવાનો અર્થ એ નથી કે આપણા મૂળભૂત ભય જેવાં કે મૃત્યુનો ભય. હું એવા ભયની વાત કરી રહ્યો છું કે જે ખરેખર તો આપણે આપણા ઉછેર તેમજ બીજા સામાજિક વ્યવહારોને લીધે થઇને આપણા મનમાં ઉભા કર્યા છે કે સંઘરી રાખેલાં છે.

વિક્ટર ફ્રેન્કલની પ્રખ્યાત લોગોથેરાપીમાં તેમને એકવાર લખ્યું હતું કે કોઈ એક વ્યક્તિ હતી કે જેને જાહેરમાં ખુબ જ પરસેવો થતો હતો. દર વખતે, જયારે તેને મંચ ઉપર કે જાહેરમાં બોલવાનું થતું તો તેને ખુબ જ પરસેવો વળી જતો, આ એક એવી પરિસ્થિતિ હતી કે જેનાથી તે ખુબ જ શરમ અનુભવતો. અને જે પરિસ્થિતિને લઈને તેને એવો વિચાર આવતો કે હવે તેને ખુબ પરસેવો વળી જશે, તો તેને લઈને વાસ્તવમાં ઓર વધુ પરસેવો વળી જતો. “તારો ડર છે તે જાહેર કરી દે,” વિક્ટરે તેને સલાહ આપી. “જો તું શ્રોતાઓને બરાબર ઓળખતો ન હોય તો પછી તારા ડરની જાહેરાત તારા મનમાં કરી દે.”

એક અઠવાડિયા પછી, તે વ્યક્તિ વિક્ટરને મળવા આવ્યો અને કહ્યું જયારે પણ તે પોતે કોઈ એવી વ્યક્તિને મળે કે જેને લઈને પોતાને પરસેવાનો વિચાર આવે ત્યારે તે પોતાનાં મનમાં જ કહી દેતો કે, “મને પહેલાતો ફક્ત એક લીટર જેટલો પરસેવો જ વળતો, પણ આજે તો હવે મને દસ લીટર જેટલો પરસેવો વળવાનો છે!”

પરિણામ એ હતું કે દસ વર્ષ સુધી આ પીડા ભોગવ્યા પછી, આ ફક્ત એક સ્વ-જાહેરાત માત્રથી, તે પોતે એક અઠવાડિયામાં જ બિલકુલ તેનાથી મુક્ત થઇ ગયો હતો.

ડૉ. ફ્રેન્કલ તેને હાઇપર-ઇન્ટેન્શન કહે છે-એક એવો ઈરાદો કે જેમાં અમુક ચોક્કસ રીતે અનુભવવાનો, વર્તવાનો કે હોવાનો ભાવ આવે. કોઈ બે સાથી હોય કે જે સંબંધોની નજદીકીમાં એક આતુરતા અનુભવતા હોય, કે કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે જતો હોય, કે કોઈ વક્તાને કોઈ શ્રોતાગણ સમક્ષ બોલવાનું હોય, હાઇપર-ઇન્ટેન્શન તમારી ક્ષમતાને ખુબ જ મર્યાદિત કરી મુકે છે કે તમે તમારી પૂરી ક્ષમતા સાથે સારો દેખાવ કરી શકતા નથી.

તમારા ભયને મૂર્ત સ્વરૂપ આપી દેવાથી અને તેના પ્રત્યે પ્રેમ અને કરુણાનો ભાવ દાખવવાથી તમે તેની સાથે ખુબ સારી રીતે કામ લઇ શકો છો. ઊંડા શ્વાસોચ્છશ્વાસ કરો. બીજું, તમારા ડર, ભીતિઓ, અને વ્યાકુળતાના કારણોને જાહેર કરી દેવાથી તમે પોતે શાંત થઇ જશો. તમારી ચિંતા કે વ્યાકુળતાને જેવી ઉઠે કે તેને છુપાવવાને બદલે તરત જ તેને છતી કરી દો. તેને છુપાવવાની કોઈ પણ કોશિશ કરશો તો તે કાં ઓર વધી જશે કે પછી તમે ૧૦૦% તમારા હાથ પરના વિષય ઉપર ધ્યાન નહિ આપી શકો, કેમ કે તમે તમારી ચિંતાને લઇને ખુબ જ ચિંતિત છો, તે તમારી ઘભરાટને ઓર વધારી મુકશે. તમારી હિમ્મત, બહાદુરી અને પ્રમાણિકતા માટે તમારું પોતાનું મન (અને બીજા લોકો પણ) તમને એક માનની નજરે જોતા થઇ જશે. સામેથી કહી દઈને તમે બીજાને તમારા તરફથી શું અપેક્ષા રાખવી તે જણાવી દો છો. આ વલણ હંમેશાં કામ કરે છે કેમ કે તે સીધો તમારા ભયના સ્રોત સુધી જાય છે.

અને, ભયનું સ્રોત શું હોય છે, તમે કદાચ પૂછશો?

અપેક્ષાઓ.

મારા મત મુજબ, આપણી અપેક્ષાઓ એ આપણા ભયનો, ભીતિઓનો અને વ્યાકુળતાનો (અને તેથી થતા અનેક માનસિક રોગોનો) પ્રાથમિક સ્રોત છે. અપેક્ષાઓ કે જે આપણને આપણી જાત પ્રત્યે તેમજ બીજા લોકો પ્રત્યે હોય છે તે. આપણામાંના દરેકજણ અપેક્ષાઓના ભારને દરબરોજના જીવનમાં અનુભવ કરતાં જ હોય છે. જેને “સામાન્ય” ગણવામાં આવતું હોય તેનાંથી જો તમે કઈક જુદા હોવ તો, ત્યાં આગળ એક સતત દબાણ રહેતું હોય છે, કે કાં તો તમે બીજા જેવા છે તેવા બનો ને કાં તો તમારા અપવાદરૂપ હોવાનું વિશેષ મુલ્ય શું છે તે સાબિત કરો. ઉદાહરણ તરીકે, લાખો બાળકો સારા બનવાની અપેક્ષાઓનું દબાણ અનુભવતાં હોય છે. જયારે માતા-પિતાઓ પ્રેરણાત્મક શબ્દોનો ઉપયોગ કરીને તેમનાં બાળકોને જયારે એવું કહેતા હોય છે કે તેઓ તેમનાં પ્રત્યે કેટલું ગૌરવ અનુભવે છે, ત્યારે બાળકો પણ બદલામાં તે શબ્દોમાં રહેલી અપેક્ષા મુજબનું જીવન જીવવાનું દબાણ અનુભવે છે. અને આ સરળ નથી હોતું. આ તેમને ઓર વધુ વ્યાકુળ કરી મૂકતું હોય છે.

આવી વ્યાકુળતા અને ભયના ઓથાર નીચે બેમાંથી એક બાબત બને છે. કાં તો આપણે આપણી અંદર જે ભય પેદા કરતુ હોય તેનો જ વિરોધ કરવા લાગીએ છીએ (પછી તે વ્યક્તિ હોય, અપેક્ષા હોય, પરિસ્થિતિ હોય કે બીજું કઈ પણ), અથવા તો પછી આપણે બિલકુલ બધું પડતું મૂકી દેતા હોઈએ (કે હવે મને કશાની નથી પડી). આ બન્ને વલણો આપણી આધ્યાત્મિક અને લાગણીકીય પ્રગતિ માટે ઘાતક બને છે. આદર્શ રીતે જોઈએ તો, જરૂરી છે આપણા ભયનાં મૂળમાં રહેલી આપણી અપેક્ષાઓના અજ્ઞાનને જ દુર કરવું. કોઈ એક સમયે તો આપણે આપણા વિરોધને શોષી લેવાનું, આપણી બેદરકારીને જાગૃતતામાં બદલવાનું શીખવું જ પડશે.

જ્યાંથી મેં શરુ કર્યું હતું તે તરફ પાછા ફરીએ તો પેમાં ચોન્દ્રનનાં પુસ્તકમાં એક સુંદર સંદેશ છે:

આપણા જીવન પ્રત્યેનાં વિરોધને ઓગળવાનો એક માત્ર રસ્તો છે તે વિરોધની આંખમાં આંખ નાંખીને જોવું. જયારે આપણને ઓરડો ગરમ હોય ત્યારે ચીડ ચડી જતી હોય, ત્યારે આપણે એ ગરમીને મળવાનું અને તેની આગનો અને તેના ભારનો અનુભવ કરવાનું પસંદ કરી શકીએ છીએ . જયારે આપણને ઠંડા ઓરડા માટે ચીડ ચડતી હોય તો, આપણે તે ઠંડીને પાસે જઈ શકીએ અને તે કરડતી ઠંડકને આપણે મળી શકીએ. જયારે આપણે વરસાદ માટે ફરિયાદ કરતા હોઈએ છીએ, તેના બદલે આપણે તેની ભીનાશનો અનુભવ કરવાનું પસંદ કરી શકીએ છીએ. જયારે પવન આપણી બારીનાં બારણાને હલાવે ત્યારે આપણને જે ચિંતા થતી હોય ત્યારે તેને બદલે આપણે પવનને મળીને તેના ધ્વનિને સાંભળી શકવાનું પસંદ કરી શકીએ. પોતાની અપેક્ષાઓ ઉપર કાપ મુકીને જો ઉપાય શોધીએ તો તે આપણી જાત માટે એક મોટી સોગાદ ગણાશે. ઠંડી અને ગરમીનો કોઈ ઉપાય નથી. તે તો સતત ચાલ્યાં જ કરવાનાં. આપણા મર્યા પછી પણ સમુદ્રમાં ભરતી અને ઓટ તો આવતાં જ રહેશે જેવી રીતે દિવસ અને રાત ચાલતાં રહે છે તેમ – એ તમામ તો એવસ્તુની પ્રકૃતિમાં જ રહેલું હોય છે. બસ આપણે તેની કદર કરતાં થઈએ, તેને નજીકથી જોતા થઈએ, આપણું મન-મગજ તેનાં પ્રત્યે ખુલ્લું રાખીએ – આ જ તેનું હાર્દ છે.

આપણી ભીતિઓનો સામનો કરવા માટે જરૂરી છે થોડી માત્રામાં હિંમત, થોડી નિર્ણય શક્તિ ને થોડી કટિબદ્ધતા. જ્યાં સુધી આપણે તેનો સામનો નહિ કરીએ ત્યાં સુધી આપણે તેને સમજી પણ નહિ શકીએ. અને જ્યાં સુધી આપણે આપણા ભયને નહિ સમજી શકીએ, ત્યાં સુધી આપણે શક્યત: તેની ઉપર પણ ક્યાંથી ઉઠી શકવાના હતા? કોઈ પણ કિંમતે, આપણા અજ્ઞાનને તેમજ આપણા ભયને હટાવવા માટે, એક પ્રેમાળ-ભલાઈ ભર્યું વલણ અપનાવવું અને જાગૃતતામાં રહેવું અતિ આવશ્યક છે. તે આપણને આપણી નબળાઈનો સામનો કરવા માટે તૈયાર કરે છે.

મુલ્લા નસરુદ્દીન એક દિવસ પોતાના મિત્રો સાથે થીએટરમાં મુવી જોવા ગયા. તે પોતાની ખુરશીમાં ટૂંટિયું વાળીને બેસી ગયા હતા, અને જયારે પણ મુવીમાં સિંહ ગર્જના કરે ત્યારે તે આમથી તેમ ફરતાં હતા. તે પોતાનું મોઢું બે હાથ વડે સંતાડી દઈને બુમો પાડતા અને પોતાના મિત્રને જોરથી પકડી રાખતા હતા.

“તમને શું થાય છે?” તેમના મિત્રે તેમને વઢતા પૂછ્યું. “આ તો ખાલી મુવી છે.”
“હું કઈ મુર્ખ નથી!” મુલ્લાએ જવાબ આપ્યો. “મને ખબર જ છે કે આ તો ફક્ત એક મુવી છે, પણ શું સિંહ તે જાણે છે ખરો?”

તો બસ આવું જ કઈક આપણા ભય વિશે પણ હોય છે. આપણે આપણા ભયને જોતા જ બેચેન બની જઈએ છીએ. પછી કાં તો તેનો વિરોધ કરીએ, તેને ટાળીએ, કે તેનાથી દુર ભાગીએ છીએ. આપણો ભય પણ પેલા સિંહની જેમ, ફક્ત પોતાનું કામ જ કરતો હોય છે. જો કે આવી રીતનું જ હોવું જરૂરી નથી. જે ક્ષણે આપણે આપણી જાતને વધુ ભલા, પ્રેમાળ, સજાગ, અને માફ કરી શકે તેવા બનાવવા માટે કટિબદ્ધ થઈ જઈએ છીએ, ત્યારે વાસ્તવમાં આપણે આપણા ભય કરતા વધુ મજબુત બનતા હોઈએ છીએ. જયારે તમે તમારી અપેક્ષાઓને (તમારી જાત પ્રત્યેની તેમજ બીજા લોકો પ્રત્યેની) ચકાસવા લાગો છો કે તે તમારા અધિકારમાંથી ઉઠી રહી છે કે અજ્ઞાનમાંથી, ત્યારે તમે તમારા ભયનાં સ્રોતમાં આપોઆપ જવા માંડો છો. જયારે તમે તેના મૂળ સુધી જાવ છો, ત્યારે તમારા ભયને મૂળ સહીત ઉખેડી નાંખવાનું સરળ બની જતું હોય છે. વધુમાં, ભય કઈ હંમેશાં ખરાબ બાબત જ હોય તેવું પણ નથી. કોઈ વખત, ભય આપણને વધુ સારી રીતે આયોજન કરવા માટે, તૈયારી કરવા માટે, કે આપણા ઉપર સંયમ રાખવા માટે, કે આપણા કર્મોનું ફળ શું આવશે તેના ઉપર વિચાર કરવા માટે મદદરૂપ પણ થતો હોય છે.

વૈદિક શાસ્ત્રો કહે છે કે આપણા ભયથી ઉપર ઉઠવા માટે ચાર વસ્તુની જરૂર પડે છે.

૧. દક્ષતા, અર્થાત તૈયારી
૨. ઉદાસીનતા, અર્થાત વૈરાગ્ય કે નિર્લેપતા.
૩. સમર્પણ, અર્થાત એવી સમજણ કે મારી આજુબાજુ જે કઈ પણ ચાલી રહ્યું છે તેના ઉપર મારો હંમેશાં કઈ સંપૂર્ણ કાબુ નથી હોતો.
૪. કૃપા, અર્થાત એવી અડગ શ્રદ્ધા કે દિવ્યતા જે આ અનંત સર્જનમાં રહેલી છે તે મારા જીવન દ્વારા પણ વહી રહી છે.

જે મૂળ ભય છે તે હજી પણ આવતાં રહેશે અને તમને વારંવાર સતાવતા રહેશે, પરંતુ જો તમે ઉપર કહ્યાં મુજબના સદ્દગુણો તમારા જીવનમાં વિકસાવશો તો જે પાયાવિહોણા ભય છે તે જતા રહેશે. જ્ઞાનનો પ્રકાશ ભયના તિમિરને દુર કરી દે છે. અને યાદ રહે, પ્રકાશ એ આપણો કુદરતી ધર્મ છે. તમે અંધારા ઓરડામાં એક નાનકડો દીવો હાથમાં છુપાવીને ચાલી શકો છો. પરંતુ જે ક્ષણે તમે તમારા હાથ ખોલો છો ત્યારે આખો ઓરડો તરત જ પ્રકાશી ઉઠતો હોય છે. તમે અંધકાર સાથે એવું ન કરી શકો. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને તમે અંધકારને ન તો  છુપાવી શકો છો, કે ન તો એક પ્રકાશિત ઓરડામાં અંધકાર ફેલાવી શકો છો. આપણે પ્રકાશિત જીવ છીએ, આપણે ફક્ત એટલું જ કરવાનું છે કે આપણી જાતને છુપાવવાની નથી.

તમારી ચેતનાને પ્રકાશિત કરો કે જેથી કરીને તમારા હૃદયમાં અંધકાર માટે કોઈ જગ્યા જ ન બચે. તમારા ભયથી ઉપર ઉઠવા માટે તમે તેનાથી પણ મોટા બનો. કોઈ પણ સમયે, તેમ કરવું સર્વથા યોગ્ય જ છે.

શાંતિ.
સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email