એક દિવસે મને એક યુવાને ખુબ જ નિર્દોષતાથી પૂછ્યું, “મારે કોને ખુશ કરવાના? મારા માતા-પિતા છે, ભાઈ-ભાંડુઓ છે, પત્ની છે, બોસ છે અને બીજા પણ ખરા. હું આ બધાંમાંથી કોને પસંદ કરું કે પછી હું તે બધાંને ખુશ રાખવાની કોશિશ કરું?”
“તું સૌથી મહત્વની વ્યક્તિને તો ભૂલી જ ગયો?” મેં કહ્યું.
“ભગવાન?”
“તારી જાતને.”

અંતે (આ શબ્દની ખાસ નોંધ લેશો), આપણા રોજબરોજના જીવનમાં ખુશીનો આધાર એ બાબત ઉપર રહેલો છે કે હું પોતે મારી જાતને તેમજ બીજાને કેટલા ખુશ રાખી શકું તેમ છું, અને આમાંનું એકેય સરળ તો છે જ નહિ. ટુંક સમય માટે તો તમે ઘણાં બલિદાનો આપી શકો અને દરેકજણને ખુશ પણ કદાચ રાખી શકો, પરંતુ જેમ-જેમ સમય પસાર થતો જાય તેમ-તેમ, આ બાબત તમને નબળા પાડી દેશે, તેમજ તમે એક પ્રકારની અતૃપ્તિ અનુભવતા રહેશો. અરે, બીજા બધાને ભૂલી જાવ, ફક્ત તમારી જાતને જ ખુશ રાખવાનું કાર્ય પણ કરામતી છે, કેમ કે તમે ગમે તેટલાં હોશિયાર, કૌશલ્યવાન કે સફળ કેમ ન હોવ, તમારી જાતને વ્યસ્ત રાખવા માટે તમારી પાસે ગમે તેટલાં શોખ કેમ ન હોય – તમે તમારી જાતને ફક્ત તમારા દ્વારા જ બધો સમય ખુશ તો ન જ રાખી શકો. અલબત્ત સિવાય કે, જો તમે સજગતાપૂર્વક અને કરુણાસભર રીતે તમારી જાતને દુનિયાથી અળગી કરી દીધી હોય, અને તમે જો તમારી અંદરની તરફ વળી ગયા હોય તો વાત જુદી છે, એ કિસ્સામાં, તમે મોટાભાગનાં લોકો કરતાં વધુ ખુશ હશો. જો તમે આવી કોઈ વ્યક્તિ હોવ, તો આ લેખ તમારા માટે નથી. આજનું મારું લક્ષ્ય એ લોકો પ્રત્યે છે કે જે આ વાસ્તવિક દુનિયામાં, વાસ્તવિક ચુનોતીઓ સાથે રહીને દરેક પ્રકારની લાગણીઓમાંથી રોજેરોજ પસાર થતા હોય.

તમે ક્યારેય એ વાતની નોંધ લીધી છે કે આપણે જયારે પણ કોઈ વ્યથા અનુભવીએ છીએ તે સામાન્ય રીતે હંમેશાં કોઈ બીજી વ્યક્તિની આપણા જીવનમાં રહેલી હાજરી કે ગેરહાજરીને લીધે જ હોય છે? આપણે એટલા માટે દુઃખી છીએ કે કોઈ ખોટી વ્યક્તિ આપણા જીવનમાં આવી ગઈ છે ને કાં તો કોઈ સારી વ્યક્તિ હવે આપણા જીવનમાં રહી નથી (કે પછી આપણે તે વ્યક્તિને જેવી રીતે જોઈતી હોય તેવી તે રહી નથી). અહી મને એ વિચાર આવે છે, કે આપણે આપણી જાતને કેટલી હદ સુધી નીચે ઉતારીને લઇ ગયાં છીએ…

નવા ચૂંટાયેલા વડાપ્રધાન એક દિવસે ગાંડાની ઈસ્પિતાલમાં ગયા, એવું જતાવવા માટે કે પોતાને દરેકજણની ચિંતા છે.

“આ માણસ કેમ ગાંડો થઇ ગયો છે?” વારાફરતી હસતા અને રડતા રહેતા એક દર્દીને જોઈને તેમણે વોર્ડનને પૂછ્યું.
“સાહેબ, તે પ્રેમમાં હતો પણ તે છોકરી કોઈ બીજા સાથે ભાગી ગઈ. પરિણામે, તેને એક મોટો માનસિક હુમલો આવી ગયો અને તે પાગલ થઇ ગયો.”
“ખરેખર તે બહુ દુઃખ લાગે તેવું છે,” વડાપ્રધાને સહાનુભુતિ બતાવતા કહ્યું અને બીજા દર્દીઓને જોવા તરફ આગળ વધ્યાં.

થોડા ડગલાં આગળ, તેમણે એક બીજા વ્યક્તિને જોયો જે વિચિત્ર વર્તન કરી રહ્યો હતો. “અને, આને શું થયું હતું?”
“આ એ વ્યક્તિ છે, સાહેબ,” વોર્ડને જવાબ આપતાં કહ્યું, “કે જેની સાથે પેલી છોકરીએ ભાગીને લગ્ન કરી લીધા હતા.”

આપણે ખુશીમાં પણ એટલાં જ પાગલ થઇ જઈએ છીએ જેટલાં દુઃખમાં (પ્રતીકાત્મક સ્વરૂપે કહું છું). સંબંધો બહુ અઘરા છે અને એકલપણુ એનાંથી પણ વધુ મુશ્કેલીભર્યું હોઈ શકે છે. મુખ્યત્વે એટલા માટે કે તમારું એકલાપણું કોઈ સંબંધ બાંધવાથી દુર નથી થઇ જતું, યાદ રહે, એકલાપણાનો અર્થ કઈ સાથે રહેવાના અર્થનો વિરુદ્ધાર્થી અર્થ નથી. લોકો પોતાનાં પ્રિયજનોની મધ્યે રહીને પણ માન્યામાં ન આવે એટલું એકલાપણું અનુભવતા હોઈ શકે છે. એકલાપણું બહુ કઠીન હોય છે કેમ કે તે એક અલગતાની લાગણી છે, તમે તમારી જાતથી દુર થઇ ગયા હોવ છો; બીજા લોકોને તમારા એકલાપણા સાથે બહુ ઓછી કે બિલકુલ જ લેવાદેવા હોતી નથી. તદુપરાંત, મોટાભાગના લોકો એટલા માટે એકલાપણું અનુભવતા હોય છે કે તેમના સંબંધોમાં એક ગુણવત્તાની ખોટ આવી ગઈ હોય છે. તેઓએ સરખું કરવાનો પ્રયત્ન પણ કર્યો હોય છે, કદાચ તેમણે સખત મહેનત પણ કરી હોઈ શકે છે, પરંતુ કશુક ખૂટતું હોવાની લાગણી ત્યાં સતત બનેલી જ રહે છે, બસ એ સંબધ ન ટકી શક્યો. સામાન્ય રીતે, આકાશબાજી થતી હોય ત્યારે શરૂઆતમાં તો સારું લાગે પણ ધીમેધીમે તે મંદ પડી જાય તેમ, જેમ કે નવી કટલરીનો સામાન લાવ્યાં હોઈએ ત્યારે શરૂઆતમાં તો એકદમ ચકચકાટ ચમકતી હોય છે, અને પછી થોડા સમય બાદ એક દિવસ અચાનક જ, તે તમને જૂની થઇ ગઈ હોય તેવી લાગે છે. તેની ચમક જતી રહી હોય છે. એકલાપણું તમને ત્યારે જ વધુ ડંખતું હોય છે જયારે તમારે એકલા નથી રહેવું હોતું. તમને બઢતી મળી હોય અને તમારે કોઈને ફોન કરીને તમારી ઉજવણીની ખુશીમાં ભાગ લેવા માટે બોલાવવાનું મન થયું હોય કે કાં તો તમને અત્યારે જ તમારી નોકરીમાંથી છુટા કરી દેવાયા હોય અને ફરી એકવાર તમને તમારા દુઃખમાં કોઈ સહભાગી જોઈતો હોય. એકલાપણું ત્યારે વિશેષ કરીને દુઃખતું હોય છે. આપણે આપણી એકલતાથી પીડાતા હોઈએ કે પછી સાથે હોવાથી પીડાતા હોઈએ, મોટાભાગે તો એવું આપણા કોઈની સાથેનાં સંબંધમાં રહેલી ગુણવત્તાની ખોટને લીધે જ બનતું હોય છે. ગુણવત્તા – બસ આ જ એક ચાવી છે. ગુણવત્તા દ્વારા હું શું કહેવા માંગું છું અને એક ગુણવત્તાસભર સંબંધ કેવો હોઈ શકે?

મેં તાજેતરમાં નસીમ તાલેબની The Bed of Procrustesમાં એક સરસ લખાણ વાંચ્યું હતું:

ગ્રીક દંતકથા મુજબ પ્રોકૃસ્ટસ એ એથેન્સ અને એલુસીસ તરફ જતા એટીકામાં આવેલાં કોરીડેલુસ નામનાં શહેરમાં એક નાનકડી જાગીરનો માલિક હતો, જ્યાં રહસ્યમય વિધિઓ કરવામાં આવતી. પ્રોકૃસ્ટસ એક વિચિત્ર રીતે યજમાનગીરી કરતો હતો (જો તેને યજમાની કહી શકાય તો): તે વટેમાર્ગુઓને પકડી લાવતો, તેઓને એક ખુબ જ સરસ ભોજન કરાવતો, અને પછી એક ખાસ પથારીમાં તેમને રાત્રી પસાર કરવા માટે આમંત્રણ આપતો. તે હંમેશાં એવું ઈચ્છતો કે પલંગ તે મુસાફર માટે બિલકુલ માપસરનો હોય. જો કોઈના પગ વધારે લાંબા હોય તો તે તિક્ષ્ણ કુહાડીથી તેમના પગ કાપી નાખતો, અને જો ટૂંકા હોય તેમના પગ ખેંચી કાઢતો.

એક શુદ્ધ કાવ્યિક ન્યાયસર એક દિવસ તે પોતે ખોદેલા ખાડામાં જાતે જ ફસાઈ જાય છે. એક દિવસ એક મુસાફર, થેસસ જે બિલકુલ નિડર હોય છે તે આવે છે, કે જે પોતે, ભોજન પછી, પ્રોકૃસ્ટસને તેના પોતાના પલંગમાં સુવાડે છે. પછી, તે રીવાજ મુજબ પલંગમાં બરાબર આવી રહે તે માટે થઇને તેનું માથું જ કાપી નાંખે છે.

આપણે માનવ, જયારે આપણી સમજ શક્તિની મર્યાદા આવી જતી હોય ત્યારે, અને જયારે જે વસ્તુને આપણે જોઈ ન શકીએ ત્યારે, આપણે આપણો તણાવ, આપણા જીવન અને આ દુનિયા વિશેના આપણા વિચારોને  એટલા તુચ્છ બનાવી દઈને, તેમજ તેને ઉતરતી કક્ષાએ લઇ જઈને, અમુક ચોક્કસ શબ્દો અને વર્ણન દ્વારા આ જીવનને નીચોવી નાંખતા હોઈએ છીએ. જેનું પરિણામ કોઈ વખત ખુબ જ વિનાશકારી આવતું હોય છે. વધુમાં, આપણે ઘણી વાર આ ઉંધા પ્રકારના મેળ બેસાડવાની પ્રક્રિયાથી અજાણ હોઈએ છીએ, જેમ કે કોઈ દરજી પોતે બરાબર માપસરનો સુટ સીવીને આપવામાં કોઈ વિશેષ ગૌરવ ન અનુભવતો હોય – અને સુટનું એવું બંધબેસતું માપ તે ગ્રાહકના હાથ-પગ કાપીને કરતો હોય છે.

મને લાગે છે આવું જ સંબંધોમાં પણ હોય છે: જાણે કે તે કોઈ પ્રોકૃસ્ટસનો પલંગ ન હોય. બીજી વ્યક્તિ પણ આપણને ગમતી વસ્તુને જ ગમાડે એના માટે આપણે ખુબ જ પ્રયત્ન કરતાં હોઈએ છીએ. આપણે આપણા સંબંધોને સમગ્ર રીતે સંતોષકારક બનાવવાની એક ભૂલ કરતા હોઈએ છીએ. જો તમે દરેક સંબંધને આવી રીતનો બનાવવા માંગતા હોવ, તો મને ડર છે કે તેવું કદાચ ક્યારેય નહિ થાય. માનવ બંધનની ગુણવત્તા બે વ્યક્તિઓ એક-બીજા સાથે કેવી રીતે બંધબેસતા આવે છે તેના ઉપર કે પછી એકબીજાને કેટલા અનુકુળ થાય છે તેના ઉપર પણ આધારિત નથી હોતો. તેનો આધાર તો તેઓ એકબીજાને કેટલી મોકળાશ આપે છે તેના ઉપર હોય છે. વધુમાં, જયારે તેઓ એક સળગતા ઘરની જેમ એકબીજા સાથે ટકી રહેલાં જણાતા હોય ત્યારે બેમાનું કોઈ એક ચુપચાપ સળગી રહ્યું હોય છે. સ્વાતંત્ર્ય એ કોઈપણ સંબંધની ગુણવત્તાનું બીજ છે. સ્વતંત્રતા દ્વારા મારા કહેવાનો અર્થ એ પણ નથી કે તમારે જે કરવું હોય તે કરતા રહો. વાસ્તવમાં, આવી બેજવાબદારી વાળી સ્વતંત્રતા તો એક ઉધઈ જેવી હોય છે કે જે ગમે તેવા શ્રેષ્ઠ સંબંધોને પણ પોલા બનાવી દે છે.

મારા મત પ્રમાણે, સ્વતંત્રતાનો અર્થ છે સહ-અસ્તિત્વનું સન્માન કરવું, તેમાં એકબીજાની સાથે રહેવાની બાબતને ઉજવવા જેવું છે અને સાથે-સાથે વિવિધતાનું પણ માન રાખવાનું, તેમાં એક જાતની નિર્ભયતા રહેલી હોય છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો, તેમાં એક પીઢતા હોય છે. તમારો સંબંધ સ્વતંત્ર સંબંધ નથી હોઈ શકતો જો તેમાં બે વ્યક્તિ પોતાની ચિંતા, ઈચ્છા અને સત્યને કહી શકવા જેટલી પીઢ ન થઇ હોય. કોઈપણ બંધનમાં જો આવી પીઢતા નહિ હોય, તો તે સંબંધ બન્ને જણને થકવી નાંખનારો જ સાબિત થશે.

મેં ક્યાંક વાંચ્યું હતું કે, “આપણને એ ખબર જ હોવી જોઈએ કે, દુનિયામાં રહેલી દરેક વ્યક્તિને તેનું પોતાનું ધ્યેય હોય છે, તેના પોતાના રસના વિષયો તેમજ તેનો પોતાનો એક મત હોય છે, અને તેને પોતાની જાતની ચિંતા હોય છે. જયારે તમે તે બીજી વ્યક્તિ પણ તમારા રસના વિષયોમાં રસ લે તેવું ઈચ્છવા માંડો છો, ત્યારે તે વ્યક્તિના મનની શાંતિનો ભંગ થતો હોય છે. જયારે તમે તેના ઉપર તમારો પોતાનો મત લાદવા માંડો છો ત્યારે, તે વ્યક્તિ તમને ગમે તેટલી વ્હાલી કેમ ન હોય કે તમારી સૌથી નજીકની વ્યક્તિ કેમ ન હોય, તે તમારાથી ખુશ નથી રહી શકતી.”

આપણા આ સાપેક્ષતાથી ભરેલી ખુશીઓ વાળા વિશ્વમાં વાસ્તવિક બનવું થોડું વધારે પડતું વર્ગીકરણ કરતાં હોય તેવું લાગે, પરંતુ આ એક થોડું અસ્વસ્થ કરી દે તેવું માનવ અસ્તિત્વનું સત્ય છે: આપણને હંમેશાં આપણી જાત વિશે સૌથી વધુ ચિંતા રહેતી હોય છે. આપણને એવું શીખવવામાં તો આવતું હોય છે, કે બીજા સાથે વહેંચો, ભલા બનો અને એવી બીજી અનેક વાતો પણ ખરી, પરંતુ સાથે-સાથે આપણને એવું પણ ભણાવવામાં આવતું હોય છે કે તમારી જાતનું પણ ધ્યાન રાખો. અરે મેં પોતે પણ તે યુવાનને એ જ તો સલાહ આપી હતી કે તેની ખુશીની ખોજમાં તેણે પોતાની તો ગણતરી કરી જ નહોતી. કેમ કે તમે પોતે તમારી જિંદગીનો એક મહત્વનો ભાગ છો. પરંતુ, તમારા માટે જો જીતવાનું મહત્વ ખુબ વધારે હોય કાં તો હંમેશાં સાચા હોવાનું મહત્વ વધુ હોય તો, તમે વારેવારે નિરાશ થવા માટેના જ દાવ ખેલી રહ્યાં છો. કારણકે તમે ગમે તેટલા સક્ષમ કેમ ન હોવ, તમારી હારવાની સંખ્યા તમારી જીત કરતા હંમેશાં વધુ રહેશે. અને ત્યાં જ મારો નાજુક સંતુલન સાધવાનો સવાલ ઉપસ્થિત થાય છે.

મને એ ખબર હોવી જ જોઈએ કે મારે જીવનમાંથી ઓછામાં ઓછું શું જોઈએ છે અને બીજી વ્યક્તિ માટે હું સારામાં સારું શું કરી શકું તેમ છું. જયારે બે વ્યક્તિઓ સાથે બેસીને ચર્ચા કરીને કોઈપણ પ્રશ્નનો હલ લાવતા હોય તો તેનું નામ પીઢતા છે. સમજણ ત્યારે જ ઉગતી હોય છે જયારે તેઓ એ હકીકતને સ્વીકારે અને સન્માને કે આપણામાંની દરેક વ્યક્તિને તેના જીવનમાં પસંદગી કરવાનો હક છે. અને સૌથી મહત્વની વાત, જો તમારો માર્ગ અલગ હોય તો તેનો અર્થ એ બિલકુલ નથી થતો કે તમે બીજી વ્યક્તિને પ્રેમ નથી કરી રહ્યાં. અને આ, વાસ્તવમાં, પીઢતાનું પ્રતિક તો એ છે કે જ્યાં તમે દરેક બાબતનો તમારા માટે તેનો અર્થ શું છે કે મહત્વ શું છે તેની સાથે નથી જોડતા.

આવા પીઢ સંબંધમાં એક સંતોષ અને સાથે હોવાની લાગણી બની રહેતી હોય છે, કેમ કે તમને ખબર હોય છે કે અહી તમે તમારું દુઃખ અને આનંદ બન્ને એકબીજા સાથે વહેંચી શકો છો અને અહી તમને પરખવામાં કે ઠપકો આપવામાં નહિ આવે. કે અહી એક સ્વતંત્રતા અને સમજણ બન્ને છે. પછી કોને ખુશ કરવાનાં અને કેવી રીતે ખુશ કરવાનાં તે સવાલ જ ત્યાંથી અદ્રશ્ય થઇ જશે. બીજી વ્યક્તિ સાથે વહેંચવાનો આનંદ તમારા હૃદયની ઊંડાઈમાંથી ઉભરાઈને સપાટી પર આવી જશે.

એક પાદરી એક રવિવારે ફોન કરીને પોતે માંદો હોવાનું કહીને ગોલ્ફ રમવા માટે જાય છે. ફક્ત પોતે એકલો જ જાય છે. તે પોતે આવનારી ટુર્નામેન્ટ માટે પોતાનો સ્વીંગ સુધરે એનો અભ્યાસ કરવાં માંગતો હતો. તેને પોતાને ખબર જ હતી કે પોતાની ગોલ્ફ રમવાની આવડત ઉપર કશું લખવા જેવું નહોતું.

પણ ચમત્કારિક રીતે, તે દિવસે જો કે તે જેવો દડાને ઉછાળે કે તે સીધો ખાડામાં જઈને પડતો હતો. ખરેખર, જે દડો દક્ષિણ તરફ ઉડતો હોય તે ઉત્તર બાજુએ વળીને સીધો ખાડામાં જઈને પડતો. પેલો પાદરી તો આનંદમાં આવીને કૂદકા મારવા લાગ્યો. સોળે-સોળ ખાડામાં એક જ ફટકાથી દડો પડી જતા જોઇને તે પોતાની જાત પ્રત્યે અભિમાનથી જાણે કે તાજી ફૂટેલી ધાણી ન હોય તેમ ફુલાવા લાગ્યો.

“આવું કેમ?” બે કલાકથી જોઈ રહેલાં એક દેવદૂતે ભગવાનને પૂછ્યું.
“તમે એક પાદરી કે જે પોતાની આજની ફરજ ચુકીને ગોલ્ફ રમવા માટે આવ્યો છે તેને કેમ મદદ કરી રહ્યાં છો? તેને તો સજા ન થવી જોઈએ? પણ અહી તો તે તેની જિંદગીની સૌથી શ્રેષ્ઠ રમત રમી રહ્યો છે!”
“વારુ,” ભગવાને જવાબ આપતાં કહ્યું, “તે પોતાની રમત વિશે કોને કહી શકવાનો હતો?”

શું આપણા જીવનનો સૌથી મોટો આનંદ આપણી સફળતા અને સિદ્ધીની વાત આપણા પ્રિયજનને કરી શકવામાં રહેલો નથી? અને એટલું જ આરામદાયક એ પણ છે કે જયારે આપણે આપણી નિષ્ફળતાની વાત પણ એ વ્યક્તિને કરી શકીએ કે જેના પ્રત્યે આપણે એવી અપેક્ષા રાખી શકતા હોઈએ કે તે વ્યક્તિ આપણને આપણા વિશે કોઈપણ પ્રકારનો મત બાંધી લીધા વગર સાંભળશે. જો સંબંધમાં પીઢતા ન હોય તો આ શક્ય નથી બનતું. બદલામાં, પીઢતા એ જવાબદારીવાળી સ્વતંત્રતા વગર પણ નથી આવતી હોતી. અને સ્વતંત્રતા એ સાચા પ્રેમનો સમાનાર્થી શબ્દ છે. જો તમારે બીજી વ્યક્તિને બાંધીને રાખવી હોય તો, તેમના જીવન વિશે નિયમો ઘડી નાંખો (પછી ભલેને તે નિયમો તમને ગમે તેટલાં વ્યાજબી કે નૈતિક કેમ ન લાગતા હોય), આવી રીતનો સાથ તો ગૂંગળાવી નાંખનારો જ હોય છે. અને જયારે એવું થાય, ત્યારે એક વિરોધાભાસી અસર ઉભી થવા લાગે છે: હવે તેમની ગેરહાજરી નહિ પરંતુ તેમની ઉપસ્થિતિ તમને એકલા હોવાનો અનુભવ કરાવવા લાગે છે. ઘણીબધી વાર, આ સમસ્યાનું સમાધાન ફક્ત સાથે બેસીને એકબીજાને એટલું પૂછવામાં જ આવી જતું હોય છે કે, “તમને શેનાથી ખુશી થશે?” ત્યારબાદ, શું કરી શકાય તેમ છે તેની ચર્ચા કરી લો. જો બન્ને પીઢ હશો તો એક સામાન્ય સમાધાન ઉપર આવી શકવાની શક્યતા સારી એવી રહેશે. અને, જો પીઢતાની કમી હશે, તો, વારુ તો પછી, આવા સંબંધનો બહુ ઓછો અર્થ હોય છે. સંબંધભંગ થવામાં હવે બસ સમયની જ વાર છે.

પ્રેમની અંદર પીઢતા કુદરતી રીતે જ આવતી હોય છે, જેવી રીતે શિયાળાના સુરજમાંથી આવતી હુંફ, બાકીનું બધું પ્રેમની ભ્રમણા માત્ર છે, કદાચ તેમાં ફક્ત આકર્ષણ જ હશે.

હળવાશથી લો. અને આ બાબત ઉપર કામ કરતા રહો.

શાંતિ.
સ્વામી

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email