જાપાનીઝ ભાષામાં એક શબ્દ છે, અને જેમ દરેક ભાષામાં અમુક શબ્દો એવા રહેલા હોય છે કે જેનું ભાષાંતર થઇ શકે નહિ. તે શબ્દ છે વાબ-સાબી. આ ફક્ત એક શબ્દ જ નહિ પરંતુ એક ફિલસુફી છે, જીવન જીવવાની રીત. તેનો સરળ અર્થ કરવો હોય તો એવો કરી શકાય કે, જીવનની અપૂર્ણતાઓમાં રહેલી સુંદરતાને જોવાનો માર્ગ અને કુદરતી રીતે વિકસવાનો તેમજ મોટા થતા રહેવાનું જે કુદરતી ચક્ર છે તેની સાથે સહજ વહેતા રહેવું.

પરંતુ એક ગરિમાપૂર્ણ જીવન જીવવા માટેનો માર્ગ શું હોઈ શકે કે જેમાં ફક્ત ગરિમા જ નહિ પરંતુ કૃતજ્ઞતા અને શાંતિ પણ હોય?

મારા પ્રમાણિક મત મુજબ તો, તે માટે તમારા જીવનમાં, તમારી રોજની દિનચર્યામાં અમુક ગુણોને આત્મસાત કરવા જરૂરી છે, કે જેથી કરીને તે તમારો સ્વભાવ જ બની જાય. ના, તે ગુણો કરુણા, કૃતજ્ઞતા, માફી કે તેના જેવા બીજા અનેક અઘરા ગુણોની વાત જે હું સામાન્ય રીતે કરતો હોવ છું તેના વિશેનું નથી. આ ખાસ ગુણ તો ફક્ત તમારા વિશેની વાત છે. તમે, તમારું જીવન, તમારી દુનિયા. એ પહેલા કે હું તે તમને કહી દઉં, ચાલો પ્રથમ એક સુંદર નાનકડી વાર્તા કહું (જે ૧૯૯૮માં બની હતી) જે મેં Celebration મેગેઝીનમાં વાંચી હતી! જેના લેખક હતા જેરોલ્ડીન એડવર્ડ. શબ્દશ: પ્રસ્તુત છે:

અનેક વખત મારી પુત્રી મને ફોન કરીને કહેતી, “માં, તારે આ ઋતુ જતી રહે તે પહેલાં ડેફોડીલ (પીળા વિલાયતી પુષ્પો), જોવા આવવું જોઈએ.”

મારે જવું હતું, પરંતુ તે લગુનાથી લેક એરોહેડ જતા બે કલાકનું ડ્રાઈવ કરવું પડતું. “હું આવતાં મંગળવારે આવીશ,” જયારે તેને ત્રણ વખત ફોન કર્યો ત્યારે મેં વચન આપ્યું, ના મનનું,

બીજા મંગળવારે ઠંડુ અને વરસાદી વાતારવણ હતું. છતાં, મેં વચન આપ્યું હતું, માટે હું ડ્રાઈવ કરીને પણ ગઈ. જયારે અંતે હું કેરોલીનના ઘરમાં પ્રવેશી અને મારા પૌત્રોને ભેટી, મેં કહ્યું, “ડેફોડીલને ભૂલી જા, કેરોલીન! વાદળો અને ધુમ્મસમાં રસ્તો તો દેખાતો જ નહોતો, અને દુનિયામાં બીજું કશું નહોતું સિવાય તું અને આ બાળકો કે જેને જોવાની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તેના લીધે જ હું એક ઇંચ વધારે ડ્રાઈવ કરતી હતી!”
મારી પુત્રીએ શાંતિથી સ્મિત કર્યું અને કહ્યું, “અમે તો આવા વાતાવરણમાં પણ કાયમ ડ્રાઈવ કરતાં હોઈએ છીએ, માં”
“વારુ, હું તો રસ્તો એકદમ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ડ્રાઈવ નથી કરવાની, અને પછી તરત ઘરે જવા નીકળીશ!” મેં તેને કહ્યું.

“ઓહ, મને તો આશા હતી કે આપણે બેઉ ગરાજમાં મારી ગાડી સરખી કરવા આપી છે તે લેવા સાથે જઈશું”
“કેટલું આઘું છે તે?”
“બસ થોડુક જ,” કેરોલીને કહ્યું. “હું ગાડી ચલાવી લઈશ, મને તો આદત છે.”
થોડીક મિનીટો પછી, મારે પૂછવું પડ્યું, “તું ક્યાં જઈ રહી છે? આ કોઈ ગરાજ તરફ જતો રસ્તો નથી!”
“કેરોલીન,” મેં મક્કમતાથી કહ્યું, “મહેરબાની કરીને ગાડી પાછી વાળ.”
“ઇટ્સ ઓલ રાઈટ, માં, હું સાચું કહું છું. જો તું આ અનુભવ લેવાનું ચુકી જઈશ તો તું તારી જાતને કદી માફ નહિ કરી શકું.”

લગભગ ૨૦ મિનીટ પછી, અમે એક પથરીલા રસ્તે વળ્યાં અને મેં ત્યાં એક નાનકડું ચર્ચ જોયું. ચર્ચની બીજી બાજુએ, મેં એક હાથથી લખેલું પાટિયું જોયું, જેમાં લખ્યું હતું “ડેફોડીલ ગાર્ડન.” અમે ગાડીમાંથી બહાર નીકળ્યાં, અને અમે બન્નેએ એક-એક છોકરાઓના હાથ પકડ્યા અને હું કેરોલીનની પાછળ-પાછળ ચાલવા લાગી. અને ત્યારબાદ અમે એક ખૂણે વળ્યાં અને મેં જોયું તો હું ચકિત જ થઇ ગઈ.

મારી સામે એક સૌથી અદ્દભુત દ્રશ્ય હતું, એવું લાગતું હતું કે કોઈએ ઘણું બધું સોનું લઈને આ પર્વતની ટોચ અને ઢોળાવ ઉપર જાણે રેડી ન દીધું હોય. ફૂલો ભવ્ય, ચક્રાકારે, અને મોટા પટ્ટાની ભાતમાં જાણે ન પાથર્યા હોય, નારંગી, સફેદ, લીલા, પીળા, આછા ગુલાબી, કેસરી અને આછા પીળા રંગો. દરેક રંગને સમૂહમાં વાવ્યાં હતા, કે જેથી તે જાણે એક નદીની જેમ ઘુમાવદાર લાગે અને તે પણ પોતાના આગવા રંગની છટામાં. ત્યાં પાંચ એકર જમીનમાં બસ ફૂલો જ પથરાયેલાં હતા.

“પણ કોણે વાવ્યાં હશે આ?” મેં કેરોલીનને પૂછ્યું.
“બસ ફક્ત એક સ્ત્રીએ,” તેને જવાબ આપ્યો. “તે અહી જ રહે છે. પેલું દેખાય તે એનું ઘર છે.”

કેરોલીને એક સરસ માવજતથી ઉભા કરેલા ફાર્મ હાઉસ તરફ આંગળી ચીંધતા કહ્યું કે જે આ એક ભવ્ય નજારામાં એક નાનકડું અને સુઘડ મકાન લાગતું હતું. અમે તેના ઘર તરફ ચાલવા લાગ્યા.

ઘરના આંગણામાં એક ચિત્ર લગાવેલું હતું.

મને ખબર હોય એવા તમારા સવાલોના જવાબ – એવું તેનું શીર્ષક હતું.

પ્રથમ જવાબ સરળ હતો. “૫૦,૦૦૦ પુષ્પો,” લખ્યું હતું
બીજો જવાબ હતો, “એક પછી એક છોડ, એક સ્ત્રી, બે હાથ, બે પગ અને થોડું મગજ”
ત્રીજો જવાબ હતો, “૧૯૫૮માં શરુ કર્યું હતું.”

બસ આ હતો, ડેફોડીલ સિદ્ધાંત.
મારા માટે, એ ક્ષણમાં મારા જીવનને બદલી નાંખે એવો એ અનુભવ હતો.

મને આ સ્ત્રી કે જેને હું ક્યારેય મળી નહોતી, કે જેણે પોતે ચાળીસ વર્ષ પહેલા, એક પછી એક ફૂલના ગોળાઓ વાવવાનું ચાલુ કર્યું હતું, કે જેથી કરીને સુંદરતા અને આનંદનું તેનું સ્વપ્ન એક છુપાયેલા પર્વત પર સાકાર થાય. અને છતાં પણ, એક પછી એક ફૂલના ગોળાઓ, વર્ષોના વર્ષો સુધી વાવ્યે રાખવાથી તેની આજુબાજુની સમગ્ર સૃષ્ટિ બદલાઈ ગઈ હતી. આ સ્ત્રીએ પોતે જે દુનિયામાં વસતી હતી તે કાયમ માટે બદલી નાંખી હતી. તેણે પોતે કઈક એવું સર્જન કર્યું હતું કે જે અવર્ણનીય, ભવ્ય, સુંદર અને પ્રેરણાદાઈ હતું.

તેના આ ડેફોડીલ ગાર્ડનમાં જે સિદ્ધાંત શીખવા મળતો હતો તે એક ઉત્સવ અને ખુશીનો સિદ્ધાંત હતો. કે, આપણા ધ્યેય કે ઈચ્છાને સાકાર કરવા માટે, એક સમયે એક પગલું ભરતાં રહો – મોટાભાગે એક સમયે એક નાનકડું પગલું માત્ર જ – અને જે કઈ પણ કરતાં હોવ તેને પ્રેમથી કરો, અને સમય ધીમેધીમે ભેગો થતો જશે. જયારે આપણે નાનકડા સમયને નાના-નાના ઉત્તરોત્તર વધતાં જતા રોજના પ્રયત્નો વડે ગુણીએ તો, આપણને જણાશે કે આપણે પણ ભવ્ય સર્જન કરી શકીએ તેમ છીએ. આપણે પણ દુનિયાને બદલી શકીએ તેમ છીએ.

મારો ઈશારો ખંત + ધીરજ તરફ છે. ફક્ત ખંત જ નહિ ધીરજ પણ. ખંત સાથે આપણે એક પછી એક પગલું સતત ચાલતા રહી શકીએ, પરંતુ એ ધીરજ હોય છે કે જેના લીધે આપણે એક-એક પગલું ગરિમાપૂર્વક ભરી શકતા હોઈએ છીએ. એ અદ્દભુત વસ્તુ છે કે જયારે આપણે આપણા મગજની ઠંડક ગુમાવ્યા વિના, ધીરજ રાખીને, સતત કામ કરતા રહીએ ત્યારે આપણે જે ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકતાં હોઈએ છીએ. તમારે જે જોઈએ તે નથી મળી રહ્યું, ધીરજ રાખો. તમારો પુત્ર, પુત્રી, કે સાથી તમને નથી સાંભળી રહ્યાં, કોઈ ચિંતા નહિ, પ્રયત્ન કરતા રહો અને ધીરજ રાખો. (અથવા, તો કદાચ વધુ સામાન્ય ચિત્ર: તમે તેમનું નથી સાંભળી રહ્યા, કોઈ પરસેવો પડવાની જરૂર નથી, તેમને કહો, કે ધીરજ રાખે…).

તમને કદાચ કોઈ વિચાર ન સમજાય કે કોઈ ચોક્કસ પ્રશ્નને તમે ઉકેલી ન શકો, તો તેને હળવાશથી લો, ધીરજ રાખો. સામેની વ્યક્તિ તેનું પોતાનું વર્તન નથી બદલી રહી, તેને સમય આપો, ધીરજ રાખો. મોટાભાગે, જયારે બીજું બધું નિષ્ફળ જતું હોય છે, ત્યારે ધીરજ કામ કરી જાય છે. મને ખબર છે આ કહેવું સરળ છે અને કરવું કઠીન, પણ તે હંમેશાં પ્રયત્ન કરવાને લાયક તો છે જ.

જયારે હું હિમાલયમાં રોજનાં ૨૨ કલાક ધ્યાન કરતો હતો, અને એ દિનચર્યા મારી મહિનાઓના મહિના સુધીની હતી, ત્યારે તેનાંથી ઘણી વાર ખુબ જ થાકી જવાતું. મેં તે પહેલા જે પણ કઈ કરેલું તે તમામ કરતા આ અનેક ગણું કઠીન અને થકવી દેનારું હતું. ચોક્કસ મારું જે ધ્યેય હતું તે સિદ્ધ કરવા માટેની લગન તો મારામાં હતી જ, પરંતુ દુઃખાવા, દર્દ અને થકાનની તિવ્રતા કોઈ-કોઈ વાર વધી જતી હતી. ત્યાં ચુનોતી એ નહોતી કે બસ સ્થિર થઇને બેસી જવું, પણ સાથે-સાથે મારી એકાગ્રતાને પણ છેક સુધી જાળવી રાખવાની હતી. મારી દિનચર્યાને વળગી રહેવા માટે હું મારી જાતને ફક્ત એક વાત કહેતો:

“સ્વામી, તમારે ઉભા થવું હોય તો થઇ શકો છો, પણ ઉભા થઇને શું કરશો? જો બેસી રહેશો અને ધીરજપૂર્વક ધ્યાન કરતાં રહેશો તો, અંતે તમને જ ખુશી થશે, કારણકે એટલા માટે જ તો તમે અહી આવ્યાં છો. ધડીયાળની ટીક-ટીકથી સમય તો એમ પણ પસાર થતો જવાનો.”

અને આ કાયમ મારા માટે કામ કરતુ, અને મેં ક્યારેય મારી જે પ્રતિજ્ઞા હતી કે દરરોજ એક સમયે ધ્યાન કરવા બેસી જવું અને નિશ્ચિત કલાકો સુધી ધ્યાન કરવું તે ક્યારેય તૂટી નહિ. ખંત એ કટિબદ્ધતા છે પણ ધીરજ એ તમારું વલણ છે. અને, તેનાંથી મને ધીરજ ઉપર એક ખુબ અગત્યની વાત કહેવાનું યાદ આવી જાય છે. ધીરજનો અર્થ એ નથી કે બસ બેસી રહેવું અને બધું આપોઆપ થઇ જાય તેની રાહ કંટાળ્યા વગર જોયે રાખવી. એ કદાચ નિષ્ક્રિય ધીરજ હોઈ શકે. પરંતુ સક્રિય ધીરજ એટલે તો શાંત મને સતત પ્રયત્ન કરતાં રહેવો એ છે. તમે સતત ચાલતા રહો, એક પછી એક હથોડી મારતા રહીને આકાર આપતા રહો.

કલ્પના કરો કે તમે તમારી જમીનમાં ખેડીને અને તેની માવજત કરીને થાકી ગયા છો અને તેમ છતાં તમે તેમાં બીજ વાવવા માટે તમારી જાતને ફરજ પાડી રહ્યા છો. અહી ધીરજ ફક્ત જમીનમાંથી ક્યારે અંકુર ફૂટે તેની રાહ જોતા બેસી રહેવામાં માત્ર નથી. પરંતુ રોજ આશા અને હકારાત્મકતા સાથે તેને પાણી પીવડાવતા રહેવામાં છે. ધીરજ એ સમજણમાં છે કે મારાથી જે ઉત્તમમાં ઉત્તમ મહેનત થાય તે હું કરીશ અને પછી જયારે તેનો સમય થશે ત્યારે ફળ આપોઆપ મળશે. ધીરજ રાખવામાં એકમાત્ર અઘરી બાબત જો કોઈ હોય તો તે એ છે કે આપણે તેમાં કોઈ સમયરેખા નથી દોરી શકતા. આપણે વાવેલા દરેક બીજ કઈ અંકુરિત ન થાય, અને તેમાં કશો વાંધો નથી. ધીરજ તો એ છે કે ફરી એ બીજ એ જ માવજત અને આશા સાથે વાવતા રહેવું.

એક સાધક એક દિવસ એક પ્રખ્યાત સિદ્ધ ગુરુને મળવા માટે જાય છે.
“તમે મને દીક્ષા આપશો?” તેણે તે ગુરુને પૂછ્યું. “મારે તમારી પાસેથી શીખવું છે.”
“તેના માટે ઘણી ધીરજ જોઇશે,” ગુરુએ કહ્યું. “તારે રાહ જોવી પડશે.”
“હું ગમે તેના માટે તૈયાર છું! મારે કેટલી રાહ જોવી પડશે?”
“માફ કરજે, પણ હું તને દીક્ષા નહિ આપી શકું. તું જઈ શકે છે.”

જે ક્ષણે આપણે એ ચિંતા કરવા લાગીએ કે આપણે કેટલી ધીરજ રાખવી પડશે, તે ક્ષણે જ અધીરતા આપણી અંદર આવી જ જતી હોય છે. અને એ જ તો ધીરજનો મુખ્ય મુદ્દો છે કે આપણને એ વાતની ખબર નથી કે તેમાં કેટલી વાર લાગશે. મેં ક્યાંક વાંચેલું કે અધીરતા એ મારી જરૂરિયાત પ્રથમ પૂરી થવી જોઈએ તેવી ઈચ્છાનું નામ છે. કદાચ, તમારી જરૂરિયાતો કોઈ વખત પૂરી થવી પણ જોઈએ અને થઇ પણ જાય, પણ તેવું વારંવાર નહિ થાય, અને ચોક્કસ હંમેશાં તો તેવું નહિ જ બને. પ્રકૃતિ, બ્રહ્માંડ, અન્ય લોકો અને આપણા પ્રિયજનોને બીજા પણ કામ કરવાના હોય છે. બીજા લોકોની બીજી જરૂરિયાતો પણ હોય છે જે પૂરી થવી જરૂરી હોય છે. અધીરતાથી હતાશા આવે છે અને તેનાંથી ક્રોધ માટેનો માર્ગ મોકળો થઇ જતો હોય છે. અને ક્રોધ પોતાના સાથી – અહંકાર વગર ક્યારેય આવતો નથી હોતો. અને આપણી ચેતનામાં આ બન્નેનો પ્રવેશ આપણને અંધ બનાવી દે છે અને આપણે આપણી તર્કશક્તિ અને વિચાર કરવાની શક્તિને ગુમાવી દઈએ છીએ. અને જેમ કૃષ્ણ કહે છે, बुध्धि नष्ट प्रणश्यति (ગીતા. ૨.૬૩); જેણે પોતાની તર્કશક્તિ ગુમાવી દીધી છે તેને કોઈ બચાવી શકતું નથી.

કદાચ આપણા પ્રયત્નો નિષ્ફળ પણ જાય. કઈ વાંધો નહિ. આપણે બીજા નવા કરીશું. કદાચ જીવન આપણી અપેક્ષા મુજબનુસફળ નહિ પણ થાય (તેવું જો કે ભાગ્યે જ કદી થતું હોય છે). કઈ વાંધો નહિ. આપણે પ્રયત્ન કરતા જ રહીશું. બીજા શબ્દોમાં કહેવું હોય તો, ધીરજ એ આપણી કાબુ બહારની બાબતો પ્રત્યેનો આપણો ગરિમાપૂર્ણ પ્રતિભાવ છે. આપણા માટે જે પણ મહત્વનું હોય, આપણા લક્ષ્ય ગમે તેટલા ગગનચુંબી કેમ ન હોય, એક સમયે એક પગલું ભરતાં રહો. મસ્તક ઉન્નત રાખીને, ગરિમાપૂર્વક, આશા અને કટિબદ્ધતા સાથે.

ધીરજપૂર્વક, એક સમયે એક પુષ્પ વાવતા રહો અને તમે જોશો કે હજી કઈ વાર લાગે એ પહેલા તો ૫૦,૦૦૦ ડેફોડીલનો બાગ જોતજોતામાં તૈયાર થઇ જશે. અને આપણે એવી રીતે જ જીવનની અપૂર્ણતાઓમાં, તેની ચિડવણીમાં અને ચુનોતીઓમાં સુંદરતાને પામીશું, આવી રીતની આ મુસાફરીનો આનંદ સિદ્ધિનાં ઉલ્લાસથી પણ વધી જશે. વાબ-સાબી.

શાંતિ.
સ્વામી

 

 

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email