બે વર્ષ પહેલા, એક મેડિટેશન શિબિરમાં મેં એક એવી એપ બનાવવા વિશે સૂચન કર્યું હતું કે જેના દ્વારા આપણે સૌ સાથે ધ્યાન કરી શકીએ. મેં તેને Pin Prick Effect એવું નામ આપ્યું હતું અને તેના વિશે થોડું વિસ્તારથી અહી લખ્યું હતું. મને ખબર છે કે આ સુચનમાં નવું કશું નહોતું કારણકે લોકો એ આ પહેલાં પણ સમૂહ ધ્યાન કરેલું જ છે, એક એવા ઉમદા ઈરાદા સાથે કે તેનાથી આ ગ્રહ ઉપર સારો બદલાવ લાવી શકાશે. લગભગ ૧૨ વર્ષ પહેલા, એક ખુબ જ બુદ્ધિશાળી વ્યક્તિ, જીજ્ઞાસા સાઈએ, મને કઈક આવું જ કહ્યું હતું કે દુનિયાનાં અનેક ભાગોમાંથી લોકો એક સાથે એક જ સમયે બેસીને નિશ્ચિત કરેલા સમયે ધ્યાન કરી શકે એવી કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. બસ એટલું જ. એક પાંચ મિનીટનો વાર્તાલાપ.

એ વખતે, મેં તેના ઉપર બહુ વિચાર નહોતો કર્યો અને તેના તરફ કોઈ નક્કર પગલું પણ ભર્યું નહોતું. હવે, આટલા બધા વર્ષો પછી, અમે એક એવી એપ લઇને આવી રહ્યાં છીએ કે જેના દ્વારા આપણો આ મૂળ હેતુ તો સર થશે જ, પરંતુ તેનાથી પણ વધુ બીજું કરી શકીશું. માટે સૌ પ્રથમ તો મને આ વિચાર માટે કે આ એપ માટે કોઈ વધારાનું માન અપેક્ષિત નથી. જો કે, પ્રમાણિકતા સાથે કહું તો મને એમ હતું કે મને આ વિચાર મારી મેળે જ આવ્યો છે. પરંતુ મને થોડા મહિના પહેલાં જ ૧૨ વર્ષે પૂર્વે થયેલ વાર્તાલાપ યાદ આવ્યો ત્યારે જ મને મારી નાદાની પ્રત્યે ભાન થયું. જેમ કે કહે છે ને કે, તમારો વિચાર ગમે તેટલો બુદ્ધિશાળી કેમ ન હોય, દુનિયામાં બીજા પાંચ વધુ બુદ્ધિમાન લોકોએ તેના ઉપર પહેલેથી કામ માત્ર જ નહિ પણ તેના પછીનું આગળનું પગલું શું હશે તેના વિશે પણ વિચાર કરી લીધેલો હોય છે.

બીજું, તો આ નાનકડી એપને જોતા એ કલ્પના પણ કરવું અઘરું છે કે તેને બનાવવામાં કેટલો પ્રયત્ન લાગ્યો હશે. મારા પોતાના જ (લગભગ ૪૦૦ કલાક) તો બીજા સભ્યોના પ્રયત્ન કરતાં ક્યાંય ઓછા કહેવાય. આ લેખ જો હું તે તમામના નામ અને તેમનું અત્યંત મુલ્યવાન યોગદાનને લખવા બેસું તો કેટલોય લાંબો થઇ જશે. તે દરેકના નામ એપમાં About વિભાગમાં છે. મહેરબાની કરીને તે જરૂરથી વાંચજો. કેટલાય લોકોએ તેના માટે યોગદાન આપેલું છે, અમુકે આર્થિક રીતે મદદ કરી, તો અમુકે પોતાના કલા-કૌશલ્યનું યોગદાન આપ્યું છે. અહી જે ધ્યાનમાં સંગીતનો ઉપયોગ કર્યો છે તેના અધિકાર મેળવવામાં જ અમુક હજાર ડોલરનો ખર્ચો તો થઇ ગયો છે.

ટૂંકમાં, આ તમારો વિચાર છે, તમારી એપ છે. તમારા દ્વારા અને તમારા માટે.

આટલું કહ્યાં પછી એટલું ઉમેરીશ કે ફક્ત વિચાર કે એપ કે તેની ઉપલબ્ધતા માત્ર તમને કશે નહિ લઇ જાય. ૧૯૬૫માં થયેલાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં, પાકિસ્તાની સૈન્યે અમેરિકી બનાવટના પેટન ટેન્ક કે જે બોમ્બપ્રૂફ હતા તેનો ઉપયોગ કરેલો. એવો દાવો કરવામાં આવતો હતો કે તેનું કવચ ભેદી શકાય એવું નહોતું. અનેક યુદ્ધો જીત્યા હોવાથી તે રણભૂમિમાં પૂરી સ્વતંત્રતાથી ફરતી હતી અને ગમે તેવી તોપને ફાવે તેમ કચડી નાંખતી.

“દરેક પ્રશ્નનું સમાધાન હોય જ છે,” એવું ભારતીય કમાન્ડર – એક ઊંચા સજ્જન શિખ, કે જેઓ આ યુદ્ધના પ્રભારી હતાં તેમણે કહ્યું. “કોઈક તો રસ્તો હોવો જ જોઈએ.”

તેમને પોતાના સૈનિકોને કહ્યું કે તે ટેન્કમાં કોઈ એક જ જગ્યાએ ગોળીઓ માર્યે જાય.

“કવચ છે તે ગરમી અને સતત બળની હેઠળ પીગળી જ જશે,” તેમને કહ્યું.

અને આ શું! એવું જ થયું. ગોળીઓ આ ટેન્કમાં જેમ એક ગરમ છરી માખણમાં પસાર થઇ જાય તેમ તેમાં ઘુસી ગઈ. અંતે તેમને ૯૭ જેટલી ટેન્ક જપ્ત કરી લીધી અને ત્યાં હવે એક શહેર છે કે જેનું નામ પેટન નગર છે.

માટે, સફળતાની ચાવી ફક્ત શું કરવું જોઈએ એટલું જાણવામાં જ નથી પરંતુ જ્યાં સુધી તે સફળતા મળી જાય નહિ ત્યાં સુધી જે જાણો છો તે મુજબ એક દ્રઢ નિશ્ચયતાથી, ખંતથી અને ચોક્કસાઈથી કાર્ય કરતાં રહેવામાં છે. અને એવું જ બ્લેક લોટસ વિશે છે. જેટલાં વધુ સાધકો તેનો ઉપયોગ કરશે તેટલું જ વધુ તે સારું બનશે. જેટલાં વધારે તેટલું સારું. આ એપની અમુક વિશિષ્ટ લાક્ષણીકતાઓ આ મુજબ છે:


૧. વૈશ્વિક ધ્યાન

દર મહિનાના બીજા અને ચોથા શનિવારે, આપણે બધા સાથે ભારતીય સમય મુજબ સાંજના ૬ વાગ્યે ધ્યાન કરીશું. તે લગભગ ૭-મિનીટ જેટલું હશે. એક વખત જયારે આ ધ્યાન પૂરું થઇ જશે, ત્યારે તે “Past Meditations” વિભાગની નીચે ઉપ્લબ્ધ થઇ જશે, જેથી કરીને તમે જયારે ફરીથી તે ધ્યાન કરવા ઈચ્છો તો કરી શકશો. મારા એકાંતના સમયની પૂર્તિ સુધી, મારી પાસે કોઈ પણ પ્રકારના ઈન્ટરનેટની ઉપલબ્ધી નથી માટે, આ ધ્યાન અગાઉથી આયોજિત કરી દેવામાં આવ્યાં છે. પરંતુ, જ્યાં સુધી હું મારા એકાંતમાંથી બહાર નહી આવું ત્યાં સુધી હું તમારી સાથે દરેક વૈશ્વિક ધ્યાનમાં હશું. મારું તમને આટલું વચન છે.

૨. વ્યક્તિગત ધ્યાન

કરુણા, માફી, શાંતિ, કૃતજ્ઞતા અને બીજા તેના જેવા અનેક વ્યક્તિગત ગુણ પર ધ્યાન દ્વારા સ્વ-ઓળખની મુસાફરીએ નીકળવા માટે તમને મારું આમંત્રણ છે. આ દરેક ધ્યાન એપ પર બે રીતે ઉપબ્ધ છે એક તો ગાઈડેડ મેડીટેશન (જેમાં એક અવાજ તમને ધ્યાન દરમ્યાન સુચના આપતો રહેશે) અને કા તો ફક્ત સંગીત દ્વારા. તમે આ ધ્યાન એપ પરથી વગાડી શકશો. અથવા તો તમે એપની અંદર જ તેને ડાઉનલોડ કરી શકશો અર્થાત એક વાર ડાઉનલોડ કરી લીધા પછી, તેને જયારે પણ “સ્ટાર્ટ” કરશો કે તે તુરત ચાલુ થઇ જશે (ફરી ડાઉનલોડ થવાની રાહ જોયા વગર).

૩. વિડીઓ

મેં આ એપ માટે ૧૯ ટુંકી વિડીઓ રેકોર્ડ કરી છે. શરૂઆતમાં તમને આમાંની ૫ વિડીઓ દેખાશે. દર મહીને એક નવી વિડીઓ આ શ્રુંખલામાંથી આવતી રહેશે. તમે પ્રથમ વિડીઓમાં જોશો કે હું આ એપને પીન પ્રિક ઈફેક્ટ તરીકે સંબોધી રહ્યો છું. તે એટલાં માટે કે તે વીડિઓ ફેબ્રુઆરીમાં રેકોર્ડ કરી હતી. અમે જયારે એપને રજુ કરવા જઈ રહ્યાં હતાં ત્યારે ગુગલ પ્લેમાંથી અમારા આ નામને સ્વીકારવામાં આવ્યું નહિ. અને તેનાથી સારું જ થયું, આ રીતે બ્લેક લોટસનો જન્મ થયો. અમારી ટુકડીમાંથી એક પણ વ્યક્તિએ જો કે ખુબ જ સમજદારી દાખવી અને “પ્રિક” શબ્દ એપમાં નહિ હોવાને લીધે કોઈ પણ જાતની ફરિયાદ ન કરી.

૪. સુવાક્યો, હાસ્ય, સમાચાર અને પ્રસંગો તેમજ પુસ્તકો

આ વિભાગ તમારા માટે અહી સમય પસાર કરવા માટે બનાવવામાં આવ્યો છે કે જ્યાં તમે શાંતિથી તમારો દિવસ પુસ્તક, પ્રસંગો, કે પછી જાતે હસવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને તમે જયારે કામ પર કોઈ મહત્વની મિટીંગમાં હોવ ત્યારે કે પછી તમારું ત્રિમાસિક મૂલ્યાંકન ચાલી રહ્યું હોય ત્યારે.

૫. સમય પત્રક

  • નવેમ્બર સુધી, દર મહિનાના પ્રથમ શનિવારે, એક નવું વ્યક્તિગત ધ્યાન એપમાં રજુ થતું રહેશે.
  • દર મહિનાના બીજા અને ચોથા શનિવારે એક નવું વૈશ્વિક ધ્યાન તમે કરી શકશો
  • અને દર ત્રીજા શનિવારે તેમાં ધ્યાન ઉપરની એક નવી વિડીઓ આવતી રહેશે.

૬. મહત્વના મુદ્દાઓ

  • મારી ખાસ ભલામણ છે કે તમે આ ધ્યાન કરતી વખતે હેડફોન/ઇઅરફોન પહેરી રાખો કે જેથી કરીને તમને તેનો મહત્તમ ફાયદો થાય. આ ધ્યાનમાં જે અવાજ છે તેની માત્રા જાણી જોઈને એટલા ડેસીબલ સુધી રાખવામાં આવી છે કે જેથી કરીને એક ઉત્તમ અવાજના અનુભવ માટે તમને હેડફોનની જરૂર પડે. ચોક્કસ તમે આ ધ્યાન હેડફોન વગર પણ કરી જ શકો, જો તમને તેવી રીતે પસંદ હોય તો.
  • આ એક બીટા વર્ઝન છે. અમે પ્રયત્ન તો કર્યો છે પણ અમને ખબર નથી કે તે અંતિમ ચરણમાં જયારે રજુ થશે ત્યારે તેમાં શું થશે. માટે, મહેરબાની કરીને થોડી ધીરજ રાખશો. જો આ એપ તૂટે કે પછી ધ્યાનને ડાઉનલોડ થવામાં વાર લાગે તો, મારી જોડે જોડાયેલા રહેશો. આ વસ્તુ તમારામાં ધીરજનો ગુણ વિકસે એટલા માટે મદદરૂપ થશે.
  • તમે આ એપ વિશે તમારો મત એડમિન ટીમને કોન્ટેક્ટ ફોર્મનો ઉપયોગ કરીને આપી શકશો અથવા તો, તમે blacklotusapp.org ઉપરથી પણ કરી શકશો.
  • ધ્યાન અને પ્રવચનની વિડીઓ જયારે એપમાં રજુ થયે એક મહિનો થઇ જશે ત્યારે આ વીડિઓ બ્લેક લોટસ યુ ટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ રહેશે (અહી). તમે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમાં કેટલાંક સુંદર ભજનો તેમજ બીજી સંગીત વિડીઓ પણ છે. અને ફક્ત સંગીત દ્વારા ધ્યાન કરવા માટે જો કે એપ જ એક માત્ર માધ્યમ રહેશે.
  • અઠવાડિક વિડીઓ મારી ચેનલ (omswamitv) ઉપર અને મહિનામાં બે લેખ મારા બ્લોગ પર જેમ છે તેમ આવતાં રહેશે.

એપના પરફોર્મન્સમાં શરૂઆતમાં થોડી અડચણો આવતી રહેશે, પણ હું આશા રાખું કે જ્યાં સુધી અમે અમારું બીજું વર્ઝન રજુ ન કરીએ ત્યાં સુધી તમારા પોતાના ભલા માટે તેમજ એક મોટા સારા કારણને માટે થઇને તમે મારી સાથે જોડાયેલાં રહેશો.

હવે પછી…

અમારી ટીમ આ એપને વધુ સારી અને તેના વધુ મજબુત વર્ઝન રજુ કરવા માટે સતત કાર્યરત છે. વધુમાં બીજા અનેક આયોજિત સુધારાઓ પણ છે, તેમાં એક ખુબ જ સરસ વિશેષતા પણ છે કે જે થોડું રહસ્યમય પણ છે. અને હકીકતમાં એટલું બધું રહસ્યમય કે મને પોતાને પણ તે વિશેષતા વિશે ખબર નથી (મજાક કરું છું). જે પણ હોય, તે આવતાં વર્ષે આવશે.

આ અમુલ્ય એપ બિલકુલ મફત છે. અનેક રાતોના ઉજાગરા, અને ભોજનો ચુકી જવાયા છે, પણ તેમ છતાં બ્લેક લોટસને બનાવવામાં કોઈ હૃદયભંગ થયો નથી.

અને અંતે, આ રહી ડાઉનલોડ લીન્ક્સ
iPhones and iPods માટે
ipad માટે
Android phones અને tablets માટે

હું આશા રાખું કે તમે તેને અજમાવશો અને આ સમગ્ર દુનિયાને એક કુટુંબ તરીકે જોવામાં અને એકબીજાના ભલા માટે પ્રાર્થના કરવા માટેની મુસાફરીમાં મારી સાથે જોડાશો. સીમાઓ, પ્રાંતો અને ધર્મોની પેલે પાર.

શાંતિ.
સ્વામી

 

 

 

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email