યોગના ભૌતિક દ્રષ્ટિકોણમાં આસન, પ્રાણાયામ, બંધ, મુદ્રા અને ક્રિયાનો સમાવેશ થાય છે. તેમાં ધ્યાનયોગ (ધ્યાનનો એક માર્ગ અને ક્રિયા પછી તે કુંડલિની હોય, સાકાર કે નિરાકારનું ધ્યાન હોઈ શકે), કર્મયોગ (જેમાં ફક્ત એક અર્થસભર જીવન જીવવાનો સમાવેશ થાય છે, અને તેમાં મુખ્ય લક્ષ્ય છે કોઈપણ પ્રકારની ધાર્મિક માન્યતાઓ વિના સાચું કર્મ કર્યે જવાનુ), જ્ઞાનયોગ (કે જેમાં અભ્યાસ, ચિંતન, સ્વાધ્યાય અને જ્ઞાન વડે એક અંતર્દ્રષ્ટિ કેળવવાની વાત આવે છે) અને ભક્તિયોગ (કે જેમાં દિવ્યતાને માટે ભક્તિ અને સંપૂર્ણ સમર્પણના માર્ગની વાત આવે છે.)

છેલ્લાં ૧૫૦ વર્ષમાં ભારતીય ગુરુઓએ જે પણ ચળવળ ચાલુ કરી છે, પછી તેને ગમે તે નામ કેમ ન અપાતું હોય, તે તમામનું મૂળ આમાંના કોઈ એક કે પછી એકથી વધુ માર્ગમાં જ આવેલું છે. અને પછી તેમાં આવે છે મંત્ર યોગ, કે જે વેદોમાં પારંગત એવા અનેક પરંપરાગત ગુરુઓનું મુખ્ય કેન્દ્રબિંદુ રહેલું છે. ઘણાં પંથોએ તેમના અનુયાયીઓને કોઈ એક મંત્ર વિશેનું સંપૂર્ણ શાસ્ત્ર શિખવ્યું હોય છે. અમુક નવા યુગના પંથો મંત્ર યોગને ધ્વનિ ઉપર થતાં ધ્યાન તરીકે વ્યાખ્યાયિત કરે છે. મંત્રયોગ જો કે, તેનાંથી ક્યાંય અનેકગણો વધુ છે. તે પોતાની જ એક રૂપરેખામાં રહેલું એક અદ્દભુત અને ઊંડું શાસ્ત્ર છે.

ચાલો હું આ યુગમાં કઈક અંશે ગુપ્ત રહેલાં આ વિષય ઉપર તમને થોડી વાત કરું. આ વિષયમાં મારી વિશેષજ્ઞતા રહેલી છે, કે જેમાં મેં વર્ષોનાં વર્ષો સુધી પ્રયોગ કરેલો છે. અને, આ માર્ગ આજે પણ મને ખુબ જ લાભદાયી લાગે છે. આ માર્ગ આકર્ષણના નિયમ (law of attraction)ને એક નવા સ્તરે લઇ જાય છે, તે એક સમાધી જેવો અનુભવ છે કે જેનું શબ્દોમાં વર્ણન કરી ન શકાય.

મેં એક વખત સ્વામી રામની સુંદર વાર્તા સાંભળી હતી. તેમના ગુરુએ તેમને તેઓ જયારે પાંચ વર્ષના હતા ત્યારે જ દત્તક લીધા હતાં. તેમની દીક્ષા વખતે તેમના ગુરુએ સ્વામી રામને વચન આપ્યું હતું કે તેઓ ૧૨ વર્ષની અંદર જ સમાધિનો અનુભવ કરી શકશે. નાનકડા સ્વામી રામ તો આ વચનને પૂરી આશા અને અપેક્ષા સાથે વળગી રહ્યાં.

ધીમેધીમે, ૧૯ વર્ષો પસાર થઇ ગયા કે જેમાં તેમને પોતાના ગુરુની ખુબ જ મહેનતપૂર્વક સેવા કરી, પરંતુ સ્વામી રામને તો હજુ પણ કોઈ સમાધી અવસ્થાનો અનુભવ થયો નહોતો. હવે તેઓ ૨૪ વર્ષના થઇ ગયા હતાં. તેઓ ખુબ જ નારાજ અને દુખી થઇ ગયા હતાં, તેમને પોતાના ગુરુ સમક્ષ જઈને કહ્યું કે પોતે ૧૯ વર્ષ આપી દીધા અને તેમ છતાં કોઈ દિવ્ય કૃપા તેમના ઉપર ઉતરી નહિ. તેમના ગુરુએ તેમને થોડી વધુ સાધના કરવા માટે કહ્યું, ગુરુએ કહ્યું કે તે પોતે હજુ સમાધિ અવસ્થા માટે તૈયાર નથી, પણ સ્વામી રામે તો એક નાં બે ન થયા.

“હું તો ગંગામાં જળસમાધી લઇ લઉં છું,” તેમને પોતાનો પ્રતિકાર આપતાં કહ્યું.
“ઓહ, તો પછી,” ગુરુએ મજાક કરતાં કહ્યું, “તું એમ કરજે કે એક મોટો પત્થર બાંધીને જ પડજે કેજેથી કરીને પાણીમાં ગયા પછી જો તારું મન બદલાય જાય તો પણ તું પાછો પાણીની ઉપર ન આવી શકે.”
“સારું!” અને, સ્વામી રામ તો વાયુવેગે ત્યાંથી ચાલી ગયા. ભાગ્યે જ તેઓ ગુફાના દ્વાર સુધી જ પહોંચ્યા હશે કે તેમના ગુરુએ તેમના પાછા બોલાવ્યાં.
“આવ, અહી બેસ,” તેમને કહ્યું. “શાંત થઇ જા અને હું જે બોલું તે મારી પાછળ ફરીથી બોલ.”

ગુરુ એક મંત્ર ગણગણ્યા અને સ્વામી રામે પણ તે મંત્રનું પાછું રટણ કર્યું. એક ક્ષણ પછી, ગુરુએ સ્વામી રામના કપાળ ઉપર સ્પર્શ કર્યો અને સ્વામી રામ તે જ ક્ષણે એક ઊંડા આનંદના ભાવમાં સરી ગયા, અને પછી તેઓ તે અનુભવમાંથી બહાર આવ્યા.

“આ બહુ જ સુંદર અનુભવ હતો,” સ્વામી રામે કહ્યું. “પણ હવે તો હું વધારે મૂંઝવણમાં મુકાઈ ગયો છું.”
“મેં કહ્યું હતું તને, કે તું હજી તૈયાર નથી થયો.”
“શું આ ખરેખર મારી ૧૯ વર્ષની સાધનાનું પરિણામ હતું,” સ્વામી રામે પૂછ્યું, “કે, પછી એ તમારો સ્પર્શ હતો? જો એ મારી સાધના હોય, તો પછી તમારે મને સ્પર્શ કેમ કરવો પડ્યો અને જો તે તમારા સ્પર્શનું જ પરિણામ હતું, તો પછી તમે મને ૧૯ વર્ષ સુધી રાહ કેમ જોવડાવી?”
ગુરુએ સ્મિત વેર્યું. “રે મુર્ખ, અને બોલ્યા, “તે ન તો મારો સ્પર્શ હતો કે ન તો તારી સાધના.”
“તો પછી?”
“એ તો દિવ્ય કૃપા માત્ર હતી.”

મંત્રયોગના માર્ગ ઉપર એવા ૧૬ નાજુક પાસા રહેલાં છે કે જેનાં ઉપર તમારી સફળતા આધાર રાખે છે. આ ૧૬ જરૂરિયાતો, જો કે, ફક્ત એક જ તત્વ ઉપર આધાર રાખે છે – કૃપા. દિવ્ય કૃપા વગર, સિદ્ધિ (સફળતા)નો અનુભવ કરવો અશક્ય છે.

તમારા ઉપર કેટલી કૃપાવર્ષા થાય તેનું પ્રમાણ તમે આ ૧૬ શરતોનું કેટલી પ્રમાણિકતાથી પાલન કરો છો તેના ઉપર છે. આ ૧૬ શરતો છે:

1. ભક્તિ  2. શુદ્ધિ  3. આસન
2. પંચાગ સેવન (પાંચ પ્રકારનું ભોજન) 5. આચાર
3. ધર્મ  7. દિવ્યદેશ સેવન (સ્વની ઓળખ)
4. પ્રાણ ક્રિયા 9. મુદ્રા
5. તર્પણ  11. હવન  12. બલી
6. યાગ (ચિંતન અને અંતર પૂજા) 14. જપ
7. ધ્યાન અને 16. સમાધિ

આ ઘણું બધું હોય એમ લાગી શકે છે, પરંતુ એક પ્રમાણિક સાધક માટે, જે એક પછી એક શરતની સાધના કરતો જાય, તેના માટે આ બધું નૈસર્ગિક રીતે જ સહજ થતું જાય છે.

ભક્તિ સૌથી પ્રથમ આવે છે અને તેનું કારણ પણ છે. કેમ કે મંત્રયોગમાં સફળતા મેળવવા માટેની એક ખુબ જ મહત્વની શરત છે. દરેક શિક્ષિત સાધક મને આ પ્રશ્ન પૂછતાં હોય છે: જો મંત્રની એક વૈજ્ઞાનિક રૂપરેખા હોય તો પછી મને ભક્તિની શું જરૂર? આ એક એવો સવાલ છે કે જે મેં પણ મારી જાતને એક સમયે પૂછ્યો હતો. હું આ સવાલનો જવાબ આપું તે પહેલા, મારે તમને એ પૂછવાનું છે કે શું તમે માનો છો કે વેદિક શાસ્ત્ર સાચું છે અને તે કોઈ કાલ્પનિક કથા નથી. જો તમે એવું માનતા હોવ આપણા ગ્રંથો ફક્ત એક દંતકથા માત્ર છે તો મંત્રયોગ તમને બિલકુલ નિરાશ કરશે. મંત્રમાં એ જરૂરી છે કે તમે તમારા ઇષ્ટદેવમાં પૂરી શ્રદ્ધાનો નિવેશ કરો. દરેક મંત્રના એક ઇષ્ટ હોય છે. જો તમે ભગવાનના અસ્તિત્વમાં જ વિશ્વાસ ન ધરાવતાં હોવ કે પછી ભગવાન પણ આકાર ધારણ કરી શકે છે એવું ન માનતા હોવ, તો પછી સારું એ રહેશે કે તમે ફક્ત શુદ્ધ ધ્યાનનો માર્ગ લો અને મંત્ર ધ્વનિના શાસ્ત્રને સમજવાની માથાકૂટમાં પડવાનું રહેવા દો.

જો તમને મંત્ર જપ કરવાથી સારું લાગતું હોય, તો પછી તમે તેમ કરતાં રહી શકો છો. પરંતુ, જો, તમારે મંત્રસિદ્ધિ મેળવવી હોય તો પછી, તમારે મંત્રની વ્યવસ્થાને તેની સમગ્રતાથી સ્વીકારવી રહી. આ માર્ગે નિરપવાદે ચાલવા માટે તમે વેદિક શાસ્ત્રોનાં સત્યમાં, ઈશ્વરના અસ્તિત્વમાં, અને દિવ્ય શક્તિ કોઈ આકારમાં પણ પોતાને પ્રગટ કરી શકે છે તેમાં શ્રદ્ધા રાખો તે ખુબ જ જરૂરી છે.

આપણે જ્યાં હોઈએ તેનાંથી કોઇપણ ઊંચા સ્તરે પહોંચવા માટે, સૌ પ્રથમ તો આપણે નમ્રતાપૂર્વક એ સ્વીકારવું જોઈએ કે આપણને એવા કોઈની મદદની જરૂર છે કે જે પોતે તે પહેલેથી જ તે ઉચ્ચ સ્તરે પહોંચેલું હોય; કે આપણે હજી બધું સમજીને બેઠા નથી; કે આપણને આપણાથી જે વધુ સમર્થ હોય તેની મદદથી ફાયદો થઇ શકે છે. તે આશીર્વાદ મળવા એ એક કૃપા છે અને તેવી કૃપા મેળવવાને લાયક બનવા માટે ભક્તિની જરૂર પડતી હોય છે.

એક શિક્ષિત મગજ કે જે હંમેશાં તર્ક અને સમજદારીને જ ઝંખતું હોય છે તેના માટે ભક્તિ એ કઈ ફક્ત એક માત્ર અવરોધ હોય એવું નથી. મંત્રયોગમાં એ જરૂરી છે કે તમે કોઈ એક આકારને સમર્પિત થાવ, કારણકે મંત્ર એ શબ્દ કે ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે; મંત્ર એ ઇષ્ટદેવનું શબ્દ સ્વરૂપ છે. દરેક ઇષ્ટદેવને એક મંત્ર હોય છે. જો મારે તમને બોલવવાના હોય, તો મારે તમને કઈક તો નામ આપવું જ પડે. અરે જો મને તમારા નામની ખબર ન હોય તો પણ, મારે તમને કોઈક નામ તો આપવું જ પડે પછી ભલેને તેને હું લખીને ન કહું. હું કદાચ જોરથી એમ પણ કહું, “એક્સક્યુઝ મી!” અથવા તો જો તમે મને જોઈ શકતાં હોવ તો, હું કદાચ તમને ઈશારો કરીને તમને એ પણ જણાવી શકું કે હું તમને સંબોધી રહ્યો છું. કોઈપણ રીતે, મારે મારી જાતને વ્યક્ત કરવાનો કોઈ તો માર્ગ કરવો જ પડે.

જો કે પ્રાર્થના કે પૂજા માટેની કોઈ સાચી કે ખોટી રીત નથી, જયારે મંત્રયોગની વાત આવે ત્યારે સાધકે પોતાની શ્રદ્ધાને એક સાકાર (સ્વરૂપ)માં વાળવી જોઈએ અને લગાવવી જોઈએ. આ એક મૂળભૂત જરૂરીયાત છે, પછી ભલેને શરૂઆતમાં તેનું મહત્વ તમને ન સમજાય તો પણ.

સ્વામી વિવેકાનંદ એક દિવસ રાજાને મળવા ગયા. તે રાજાને મૂર્તિપૂજામાં વિશ્વાસ નહોતો.

“મૂર્તિપૂજા તો અતાર્કિક, આદિમ અને પાયાવિહીન છે,” રાજાએ કહ્યું. “તમે એક પત્થરને કેવી રીતે પ્રેમ કરી શકો? એવું નથી કે તે પત્થર ખરેખર કઈ ભગવાન છે.”

વિવેકાનંદ ચુપ રહ્યાં અને થોડી વાર પછી, તેઓ જયારે જવાનાં હતાં, ત્યારે જ તેમણે ભીત ઉપર ટાંગેલા એક મોટા ચિત્ર તરફ આંગળી ચીંધી.

“આ કોનું ચિત્ર છે?” વિવેકાનંદે રાજાને પૂછ્યું.
“આ મારા પરદાદા છે,” રાજાએ ગર્વ સાથે ઉત્તર આપતાં કહ્યું. “તેમની સાહસિકતાની વાતો અમારા રાજના ખૂણેખૂણે પ્રખ્યાત છે.”
“મહેરબાની કરીને તમે આ ચિત્ર એક મિનીટ માટે નીચે ઉતારશો?”

રાજાને કુતુહુલતા થઇ. તેમ છતાં પણ તેમને જે કરવા કહ્યું હતું તે મુજબ કર્યું.

“હવે, થુંકો તેના ઉપર,” વિવેકાનંદે સુચન કરતાં કહ્યું.
“સ્વામીજી,” રાજાએ જોરથી કહ્યું, “આ જગ્યાએ કોઈ બીજું હોત, તો આવા શબ્દો બોલવા બદલ મેં તેને જેલમાં ખોસી દીધો હોત. આ મારા પરદાદાનું ચિત્ર છે. હું તેમના ઉપર થુંકવાનો વિચાર પણ કેમ કરી શકું? મુલાકાતીઓ અને નોકરો આ ચિત્રને ઝૂકીને પ્રણામ કરે છે.”
“કેમ?” વિવેકાનંદે શાંતિથી પૂછ્યું. “શું તકલીફ છે? આ તો ફક્ત એક ચિત્ર છે. તમે એક ચિત્રને કેવી રીતે પ્રેમ કરી શકો? એવું તો નથી કે આ ચિત્ર કઈ ખરેખર તે વ્યક્તિ પોતે જ છે.”

મૂર્તિપૂજાનો અર્થ એ નથી કે તમે ફક્ત એક મૂર્તિને જ પૂજો છો, તેનો સરળ અર્થ એ છે, તમે જેને પ્રાર્થના કરો છો તેને તમે એક આકાર આપી દીધો છે. તે તમને એક ઘણી બધી આંતરિક શક્તિ બક્ષે છે. કલ્પના કરો, તમારો કોઈ પત્રમિત્ર છે. વર્ષો સુધી, તમે તમારા મિત્ર સાથે પત્રવ્યવહાર કરો છો અને તે તમને એવો અનુભવ કરાવડાવે છે કે તમે મહત્વના છો, તમને પ્રેમ કરવામાં આવી રહ્યો છે અને તમારી કોઈ કાળજી કરી રહ્યું છે. તેની કાળજી કુદરતી રીતે જ તમારા હૃદયમાં લાગણી ઉભી કરશે. એક દિવસ તમને એ જાણવાની ઈચ્છા થાય છે કે આટલો ઉમદા વ્યક્તિ કેવો લાગતો હશે. તમને તેને વ્યક્તિગત રીતે મળીને તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું મન થાય છે.

મૂર્તિપૂજા પણ કઈકઅંશે આવી જ છે. તે એક ભક્તની લાગણી છે. એક ભક્ત કહે છે: જે ભગવાન મારી સંભાળ લઇ રહ્યો છે તે જરૂર સુંદર, અને શ્રેષ્ઠ વસ્ત્રો અને અલંકારોથી શણગારેલો હોવો જોઈએ – આ ફક્ત એક ભક્તની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે.

જો તમને એ વિશ્વાસ ન હોય કે ભગવાનને આકાર હોઈ શકે છે કે પછી જો તમને મૂર્તિપૂજા ન ગમતી હોય, તો તમે ફક્ત બ્રહ્માંડને પ્રાર્થના કરી શકો છો, કે જે એક નિરાકાર ઈશ્વર છે. તે પણ એટલું જ સુંદર છે, કારણકે, અંતે તો, દરેક નદીઓ સમુદ્રમાં જ જઈને ભળી જતી હોય છે. માટે તમારી પ્રાર્થનાનો માર્ગ કયો છે તેનું કોઈ બહુ મહત્વ નથી, જો તમે તે નૈતિકતાથી અને માનસિક તેમજ શારીરિક શુધ્દતાથી કરી રહ્યાં હશો, તો તે વણસાંભળી નહિ રહે. પરંતુ, જો તમારે મંત્રયોગના માર્ગે ચાલવું હોય, તો પછી તમારા ઇષ્ટદેવતાના સ્વરૂપમાં વિશ્વાસ રાખવો ફરજીયાત છે. તમારે મૂર્તિને પ્રાર્થના કરવાની જરૂર નથી, પણ તમારે એટલો તો વિશ્વાસ રાખવો જ પડશે કે ઈશ્વર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને તમે જે સ્વરૂપમાં વિશ્વાસ રાખો છો તે તમારા ઈશ્વરનું છે.

એક મંત્રી એવો વિશ્વાસ ધરાવે છે કે અગાધ બ્રહ્માંડમાં, એક દિવ્ય તત્વ એવું છે કે જે સ્વરૂપ ધારણ કરી શકે છે, અને તે સ્વરૂપ મારી અંદર સિદ્ધિઓ આપી શકે છે કે મારું રક્ષણ કરી શકે છે. એવી અડગ શ્રદ્ધા કે આ દિવ્ય સ્વરૂપ મારા તારણહાર છે, અને તે મારું આ તોફાની જીવન સમુદ્રમાં માર્ગદર્શન કરી શકે છે તેમજ મારી જીવનનૈયાને કિનારા સુધી લઇ જઈ શકે છે. અને આ શ્રદ્ધા એ ભક્તિનો પાયો છે. ભગવાનના પ્રેમમાં પડવું (કે તમારા ઇષ્ટદેવના) અને તમારી પૂજાના વિષયમાં સંપૂર્ણ સમર્પણ કરવું તે એક ભક્તિ છે.

મંત્રો ફક્ત કોઈ ધ્વનિ નથી. જો આપણે આ મત રાખવો હોય તો પછી આપણે તેના મૂળને પણ નકારવું પડે કેમ કે તે પણ ગ્રંથોમાં લખેલું છે. માટે, વ્યાખ્યાયિત રીતે, આપણે તેનું અનેક ગ્રંથોમાં જે મંત્રશાસ્ત્રનું વર્ણન આપ્યું છે તેને પણ નકારી દેવુ પડે. અને જો આપણે તેને એક કાલ્પનિક વસ્તુ માની લઈએ, તો સ્પષ્ટ છે કે આપણે મંત્રની રૂપરેખાને તેની સમગ્રતાથી સ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. અર્ધસ્વીકારથી તો પૂર્ણ સફળતા ન જ મળે.

ક્યાંક તો તમારે તમારા મનમાં નિશ્ચય કરવો પડે કે તમે કઈ બાજુએ છો. તમે એક જ સમયે બે નાવમાં મુસાફરી ન કરી શકો.

દિવ્ય શક્તિનાં કોઈ એક સ્વરૂપમાં વિશ્વાસ અને તે સ્વરૂપ માટેની ભક્તિ એ મંત્રયોગની પ્રાથમિક જરૂરિયાત છે.

ઉપરોક્ત દર્શાવેલ સાર એ મારા નવા પુસ્તક The Ancient Science of Mantrasમાંથી લેવાયેલ છે કે જે મંત્રયોગ ઉપરનું મારું નવું પુસ્તક છે. ફરી, અહી મેં એક વચ્ચેનું પ્રકરણ મુકેલ છે કેમ કે પ્રસ્તાવના તો તમે અમેઝોન પર વાંચી જ શકશો. એ પહેલા કે તમે આ પુસ્તક ખરીદો, હું તમને કહી દઉં કે જો તમારે આ પુસ્તકનો ફાયદો ઉઠાવવો હોય તો, તમારે તેને ખુબ જ ધીરજથી વાંચવું પડશે અને હું તેમાં જે કહું છું તે આત્મસાત કરવું પડશે. મંત્રનો ફાયદો લેવા માટે, મેં પુસ્તકમાં કેટલીક સાધનાઓનો પણ ઉલ્લેખ કરેલો છે કે જે તમે કરી શકો છો. પુસ્તક ખરીદવા માટે નીચે ક્લિક કરો. આશા રાખું છું કે તમને વાંચવું ગમશે અને તેનો ફાયદો પણ થશે.

ભારતમાં ખરીદવા માટે: Amazon.in
દુનિયામાં અન્ય કોઈ જગ્યાએથી ખરીદવા માટે: Amazon.com

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email