દરેક માણસનાં પ્રયત્નોમાં, અને આપણે જે કઈ પણ બધું કરતા હોઈએ તેમાં, મોટાભાગે આપણું ખરું ધ્યેય અંતે તો ખુશીનો અનુભવ કરવાનું જ હોય છે. કે જેમાં, કોઈ વખતે આપણે ખુશીની ઉર્જામાં આનંદના ફટાકડા ફોડતા હોઈશું એવું માની લેવાની ભૂલ કરી લેતા હોઈએ છીએ. જો કે જયારે તમે ખરેખર ખુશ હોવ છો ત્યારે આનંદનો પણ કઈ બહુ અર્થ રહેતો નથી હોતો. દાખલા તરીકે જો તમે બીમાર હોવ તો તમે ભોજનનો પણ સ્વાદ માણી શકતા નથી તેવું જ કઈક. તો શું ખુશીનું કોઈ રહસ્ય હોય છે ખરું? હા, હોય છે.

ખુશીનું રહસ્ય એ છે કે તેનું કોઈ રહસ્ય નથી. તેમાં કશું બંધ મુઠ્ઠી જેવું નથી. તમારા વિચારો, વાણી અને વર્તન એવા રાખો કે જેથી તેમાંથી જ ખુશી ફૂટી નીકળે, અને તમે જોશો કે તમે વધુને વધુ ખુશ અને સુખી થતાં જશો. જયારે આપણે ખુશીની ખોજ કોઈ રહસ્યમયતામાં, ધ્યાનમાં, મંત્રજાપમાં વિગેરેમાં શોધવા લાગીએ, ત્યારે તેમાં અંતે તો આપણે નિરાશા જ મળતી હોય છે. કારણકે, આ બધી વસ્તુઓ તો ફક્ત તમારામાં એક જાગૃતિ વધારવા માટે તેમજ આપણામાં અનુકુળતાનો વધારો થાય તેના માટે જ બનાવવામાં આવી હોય છે, કે જેને લીધે આપણને શાંતિનો અનુભવ કરવામાં મદદ મળતી રહે. તમે ધ્યાન કરતાં હોવ અને આકાશમાંથી એક અંગૂર આવીને તમારા મોઢામાં ટપકી પડશે એવી અપેક્ષા રાખવી એ બિલકુલ મૂર્ખતા છે. સિવાયકે, જો ઉપરથી કદાચ કાગડો ઉડી રહ્યો હોય અને જેની ચાંચમાં કશુંક પકડ્યું હોય (જે ખુશીનું અંગૂર તો બિલકુલ નહિ હોય, એ તો તમને કહી દઉં, કદાચ કાગડા માટે અંગૂર હોઈ શકે…)

ખુશી એ તો એક કૌશલ્ય છે. તે તો જાતે જ પ્રાપ્ત કરવું પડે અને ખીલવવું પડે. જો તમે સખત મહેનત કરો તો, તમને પરિણામ જરૂરથી જોવા મળશે.

માટે, ખુશીનું કોઈ રહસ્ય નથી, પણ તેના માટેનું એક માર્ગદર્શન જરૂર છે. આ રહ્યો મારો મત; ખુશીનાં પાંચ સિદ્ધાંતો:

૧. પ્રામાણિક બનો

તમે તમારી જાત સાથે કામ લેતા હોવ કે પછી બીજા કોઈની સાથે, બસ તેમાં પ્રામાણિક બની રહો. ખોટું કરવું કે પછી વાણીથી કે વર્તનથી કોઈ મોટો આડંબર કે દેખાડો કરવાથી તો તમારી જ શાંતિ હણાઈ જવાની અને સામેની વ્યક્તિને તો તેની ખબર પડી જ જવાની. ફક્ત જેવાં છો તેવાં બની રહો, સાચા બની રહો. કૃત્રિમ રીતે વર્તન કરતાં રહેવું એ તો બહુ બોજદાઈ થઇ પડતું હોય છે. અને આપણા આ દેખાડાને સાચો માની લેવાની ભૂલ કરવી એ તો બહુ મોટી દુઃખદ વાત છે.

એક અંધ વ્યક્તિ કે જે એક ઝેન ગુરુ બાંકેઈની નજીક રહેતો હતો તે જયારે બાંકેઈનું અવસાન થઇ ગયું ત્યારે તેને તેમનાં માટે ઢગલાબંધ વખાણપુષ્પો વેર્યા. તેણે બાંકેઈનાં વ્યક્તિત્વ વિશે, ચારિત્ર્ય વિશે અને તેમના પ્રભાવ વિશે અનેક વાતો કરી. “પણ, મને માફ કરશો આવું કહેવા બદલ,” તેનાં કોઈ મિત્રે સવાલ પૂછતા કહ્યું. “તમે તો અંધ છો. તમે તો એ જોઈ પણ શકતા નથી કે બાંકેઈ શું કરતાં હતા કે તે પોતે કેવું વર્તન કરતાં હતા?”

“પ્રામાણિકતા, મિત્ર, એ પ્રામાણિકતા હોય છે,” પેલા અંધ વ્યક્તિએ જવાબ આપતા કહ્યું. “હું માણસની પ્રામાણિકતા તેના અવાજ ઉપરથી પારખી લઉં છું. સામાન્ય રીતે જયારે હું કોઈને કોઈ બીજાને અભિનંદન આપતાં સાંભળું ત્યારે મને તેમાં તેની ઈર્ષ્યાનો છૂપો અવાજ પણ સંભળાતો હોય છે.. જયારે કોઈને તેના બદનસીબ બદલ આશ્વાસન અપાતું હોય છે ત્યારે તેમાં મને તે આપનાર વ્યક્તિનાં મનમાં ઉઠતાં આનંદ અને સંતોષને પણ દેખાતો હોય છે.  મારા અનુભવ પ્રમાણે, જો કે બાંકેઈનાં અવાજમાં કાયમ પ્રામાણિકતા છલકાતી હતી.તેઓએ જયારે પણ ખુશી વ્યક્ત કરી હોય ત્યારે, મને બીજું કશું નહિ પણ ફક્ત ખુશી જ સંભળાતી, અને જયારે તેઓ દુઃખ વ્યક્ત કરતાં ત્યારે તેમાં બીજું કશું નહિ પણ ફક્ત દુઃખ જ મને સંભળાતું.”

જયારે તમે પ્રામાણિક હોવ ત્યારે તમે કુદરતી રીતે જ મજબુત પણ હોવ છો અને ભરોસાપાત્ર પણ. જયારે તમારા કર્મો, વિચારો અને શબ્દો એ તમારા હેતુ સાથે એકતાલમાં હોય છે, ત્યારે તમે ખરા પ્રામાણિક હોવ છો.

તમે માનતા હોવ તે બોલો, અને જે બોલો તે માનો. તમારા શબ્દોમાં ઘણું બધું વજન આવી જશે. સમગ્ર બ્રહ્માંડ તમને ગંભીરતાથી લેતું થઇ જશે.

૨. વાંચન

સિવાય કે હું સઘન એકાંતમાં કે સાધનામાં હોવ તો અલગ વાત છે, બાકી મને યાદ નથી કે કોઈ દિવસે હું ક્યારેય કશુંય વાંચ્યા વિના સુતો હોય. મારો દિવસ, ગમે તેટલો થકાનભર્યો કેમ ન હોય, હું ફક્ત એક જ પાનું કેમ ન વાંચું, પણ હું એટલું તો ચોક્કસ કરું. વાંચન એ તો વગર પૈસા કે સમય ખર્ચ્યે સમગ્ર વિશ્વભ્રમણ કરવાં જેવું છે.

જયારે તમે કોઈ પુસ્તક વાંચો, ત્યારે તમે ફક્ત કોઈએ કરેલી હજાર કલાકની મહેનતને નથી વાંચી રહ્યાં હતાં, પરંતુ તમે કોઈના જીવનભરનાં ડહાપણને એક નાનકડી પોથીમાં વાંચી રહ્યાં હોવ છો. અરે તમને કોઈ સારા પુસ્તકમાં ફક્ત એક જ વિચારપ્રેરક વાક્ય કેમ સાંભળવા ન મળે, તેમાં તેના માટે ચૂકવેલી કિંમત વસુલ છે.

જો કે મહત્વનું તો એ છે કે તમે કયા પ્રકારનું સાહિત્ય વાંચો છો. સારું વાંચન કરો. એવું લેખન કે જે તમને પ્રેરણા આપે અને તમને એક વ્યક્તિ તરીકે વિકસવામાં મદદ કરે. સુતા પહેલાં વેબ સર્ફિગ કે ઓનલાઈન કોઈ લેખ વાંચી લેવો તેને કઈ વાંચન તરીકે ન ગણી શકાય. વેબ સર્ફિગ તો અંધારી રાતમાં તોફાની સમુદ્રમાં કોઈ એક નાનકડી નાવ લઈને નીકળવા જેવું છે, જયારે પુસ્તકનું વાંચન એ તો કોઈ ગામડાની પગદંડીએ હાથમાં દીવો લઈને ચાલતા જવા જેવું છે.

આદર્શ રીતે જોવા જઈએ તો, સુતા પહેલાં તમારી  છેલ્લી પ્રવૃત્તિ એ કોઈ શાતા આપનારી, તમને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોચે તેવી અને આરામદાયક હોવી જોઈએ. તમે ધ્યાન પણ કરી શકો છો પરંતુ વાંચનની મજા કઈ ઓર જ છે. મેં એવું જોયું છે કે નાનાં બાળકોને પણ વહેલી ઉંમરે વાંચનકાર્યમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા હોય તો તેઓ મોટા થતાં એક પીઢ વિચારક અને આત્મવિશ્વાસુ પુખ્ત બને છે.

વાંચનકાર્ય ઉપાડો. તમને એ માટે ક્યારેય અફસોસ નહિ થાય. સારું સાહિત્ય વાંચો.

૩. કસરત

આ તો સ્વયંસ્પષ્ટ છે. રોજ કસરત કરો અથવા તો અઠવાડિયામાં ૬ દિવસ કસરત કરો. ત્રણ દિવસ કસરતના અને એક દિવસ આરામનો અને ફરી પાછા બીજા ત્રણ દિવસ કસરતના. કાં તો તમે ૧૫ મિનીટ તીવ્રતાપૂર્વક કસરત કરો ને કાં તો ધીમે-ધીમે ૩૦ મિનીટ સુધી એકધારી કસરત કરતાં રહો જ્યાં સુધી તમે શરીર ઉપર પરસેવાના ટીપા ન જોવો. સંશોધન એવું કહે છે કે આ બન્ને પદ્ધતિ અસરકારક છે.

કસરતથી તમારું શારીરિક અને લાગણીકીય સ્વાસ્થ્ય દુરસ્ત રહે છે. જયારે આપણે કસરત કરીએ ત્યારે આપણું મગજ એવા ઘણાં ન્યુરોટ્રાન્સમીટર્સનો સ્રાવ કરે છે કે જે આપણને  હળવાશ, ખુશી અને તણાવ-મુક્તતાનો અનુભવ કરાવે છે. ખાસ કરીને, નોરેપીનેફ્રીન, સેરોટોનીન, અને, મુખ્યત્વે ડોપામાઈન પણ. આ એ જ ખુશીના રસાયણો છે કે જે જયારે આપણે બીજી અનેક આનંદદાયક પ્રવૃત્તિ કરીએ ત્યારે પણ તેનો શરીરમાં સ્રાવ થતો હોય છે. કસરત કરવાથી ઘરડા થવાની પ્રક્રિયાને મંદ પાડી શકાય છે, તે તમારા સ્નાયુઓમાંથી ઉર્જાનો વ્યવ્ય થતો અટકાવે છે અને તેના આયુષ્યમાં વધારો કરે છે.

તમે યોગા કરો કે દોડો, એરોબીક્સ કરો કે સાયકલિંગ કરો, વેઇટલીફટીંગ કરો કે પછી કોઈ બીજી કસરત કરો, ફક્ત એટલું ધ્યાન રાખો કે તેનાથી તમને થોડો પરસેવો થવો જોઈએ (એ.સી બંધ કરીને ટીવી સામે બેસવાથી કે તીખી થાઈ-કરી ખાવાથી થતા પરસેવાની ગણતરી આમાં ન થઇ શકે). અરે, જે રમતવીરો કે જે સઘન શારીરિક રમત રમતાં હોય છે તેઓને પણ સહનશીલતા અને તાકાત વધે તે માટેની કસરત કરવાની ભલામણ થતી હોય છે. જે કામ કસરતથી થાય તે ફક્ત કસરત કરવાથી જ થઇ શકે. તેનો કોઈ વિકલ્પ હોતો નથી. ઉભા થાવ, શ્વાસ લો, થોડા સ્ટ્રેચ કરો.

કસરત કરવાનું ચાલુ કરો. તેને તમારા રોજીંદા જીવનમાં સ્થાન આપો. બસ કરતાં રહો. થોડો પરસેવો પાડો.

૪. ફરિયાદ કરવાનું બંધ કરો

આપણે એક સૌથી મહત્વના મુદ્દા ઉપર આવ્યા છીએ. આપણામાંના મોટાભાગનાં લોકો ફરજીયાતપણે ફરિયાદીઓ હોય છે. આપણે હવામાન, ખોરાક, અર્થવ્યવસ્થા, બીજા લોકો, નેતાઓ, અને બીજા કશા પણ માટે બસ ફરિયાદો જ કરતાં રહેતાં હોઈએ છીએ. જો આપણે બેદરકારીથી ચાલવાને લીધે કોઈ થાંભલા સાથે અથડાઈએ કે પછી કોઈ નિર્જીવ ફર્નીચર સાથે આપણો અંગુઠો અથડાય, તો એક ક્ષણ માટે તો આપણને એવું જ લાગતું હોય છે કે આ થાંભલો કે ફર્નીચર જ કોઈએ રસ્તામાં આડા મુકેલા છે. કે કોઈ બીજાએ થોડું ધ્યાન દઈને કામ કરવું જોઈતું હતું. અને સૌથી ખરાબ વાત તો એ કે આપણે તેનાં વિશે એવા લોકોને ફરિયાદ કરીએ છીએ કે જે તેના માટે કશું જ કરી શકે તેમ નથી હોતા. જો તમારું નવું વોશિંગમશીન બગડી જાય, તો તમારા મિત્રને તેની ફરિયાદ કરવાથી તે કઈ સરખું નથી થઇ જવાનું. તેના માટે તો તમારે તેના કારીગર સાથે વાત કરવી પડશે.

૨૪ કલાકના સમયમાં એક સરેરાશ વ્યક્તિ ત્રણ વખત ભોજન કરે છે પરંતુ ઓછા નામે ૩૦ વખત ફરિયાદ કરતાં હશે. હવામાન નથી સારું, ભોજન ખરાબ છે, તે તો ક્યારેય સમયે જવાબ જ નથી આપતો હોતો, મારી પત્ની કંટાળાજનક છે, તેને વસ્તુની સારી રીતે ખબર પડવી જોઈએ, કોઈ મને પ્રેમ નથી કરતુ કે મારી કાળજી નથી કરતુ, મને મારી નોકરી નથી ગમતી… વિગેરે.

ફરિયાદ એ આપણા આધ્યાત્મિક વિકાસ માટે તેમજ આપણા લાગણીકીય સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક છે. જયારે ફરિયાદ કરતાં રહેવાની આપણને ટેવ પડી જાય ત્યારે, દરેક્વસ્તુ બસ ઓછી લાગવા માંડે છે. તમને તે થોડી વધારે જ મેળવવાની ઈચ્છા થવા લાગે છે અને પછી શરુ થઇ જાય છે એક સંઘર્ષ.

હું જયારે ફરિયાદ-મુક્ત રહેવાનાં રસ્તા ઉપર વિચાર કરતો હતો, ત્યારે મેં એક જર્નલ કે રીમાઇન્ડર સેટ કરવાનો વિચાર પણ કર્યો હતો. તે ત્યાં સુધી કે જયારે મેં પૂજ્ય. વિલ બોવેનના વિચારો વાંચ્યા. બોવેન પોતે અમેરિકાના એક ચર્ચમાં પ્રવચનકાર છે અને તેઓએ એક ચળવળ ચાલુ કરી છે કે જેમાં ૨૧ દિવસ સુધી સતત ફરિયાદ નહિ કરવાનો સંકલ્પ કરવામાં આવે છે અને તે દરમ્યાન જાંબલી રંગનું બ્રેસલેટ પહેરવાનું હોય છે. જયારે તમે ત્રણ અઠવાડિયા જેટલો સમય પસાર કરો ત્યારે બોવેનના મત મુજબ, તેમજ સંશોધનકારો પણ તેમના મતનું સમર્થન કરે છે કે, આ હવે તમારી એક નવી ટેવ બની જાય છે, તમે વધુને વધુ હકારાત્મક અને ખુશ બનતાં જાવ છો.

“તમારા કાંડા ઉપર ‘ફરિયાદ નહિ’ એવું લખેલું બ્રેસલેટ પહેરવા માંડો,” તેવું તે પોતાના સંમેલનમાં કહેતા હોય છે, “અને જે પણ વખતે, તમારાથી ફરિયાદ થઇ જાય, તો તેને ઉતારીને બીજા કાંડા ઉપર પહેરી લો.”

આ એક પ્રકારની અદ્દભુત સજગતા તમારી અંદર વિકસાવે છે. “બીજી વ્યક્તિને પણ તે આપો, તમે એકબીજાને પણ યાદ કરાવી શકો છો.” તેઓ વધુમાં એવું પણ કહે છે કે તમારે નિષ્ઠુરતા પૂર્વક ટીકા કરતાં રહેવાનું, અન્ય કોઈની નિંદા કરતાં રહેવાનું અને કટાક્ષ કરતાં રહેવાનું પણ ફરિયાદની સાથે-સાથે ટાળવું જોઈએ.

તમે કોઈ પણ સીલીકોનનું કે પછી બીજુ કોઈપણ બ્રેસલેટ ઓનલાઈન ખરીદી શકો છો કે જે સહેલાઇથી કાઢી શકાય, અને પાછું પહેરી શકાય. તે તમને એક કપ કોફી કરતાં પણ સસ્તું પડશે પરંતુ તમારી ખુશી અને હકારાત્મકતાની આધારરેખાને તે ક્યાંય ઉંચી લઇ જશે.

માટે, હવે ફરી વખત તમારા ભોજનમાં મીઠું ઓછું હોય, તો ફરિયાદ ન કરતાં. ફક્ત કૃતજ્ઞ બની રહેશો કે ઓછાનામે તમારી પાસે ખાવા માટે તો કઈક છે. મીઠાની ડબલી લઇને થોડું મીઠું જાતે નાંખી લો.

“મને પેલું મીઠું આપોને.” આ એક સારી વિનંતી છે. (મહેરબાની કરીને તમે મને પેલું મીઠું આપી શકશો? તે તો હજી વધારે સારી વિનંતી છે. નમ્ર વાણી તમને શાંત રાખતી હોય છે.)

“મીઠું નથી?!” આ એક ફરિયાદ છે.

જયારે તમને કશું ન ગમતું હોય તો ત્યારે તમારે તે વસ્તુ બદલી નાંખવી જોઈએ. જો તમે તે વસ્તુને બદલી શકતાં ન હોવ તો, તમારા તેના પ્રત્યેના વિચારોને બદલી નાંખો. ફરિયાદ ન કરો. – માયા એન્જેલો

૫. પાંચમો સિદ્ધાંત

પાંચમો સિદ્ધાંત એ છે કે જેના વિશે કોઈ તમને કશું કહી શકે નહિ. એ તમારી અંગત માર્ગદર્શિકા છે કે જે તમે તમારા સ્વભાવ, સંજોગો અને ધ્યેય પ્રમાણેની હોઈ શકે. દાખલા તરીકે, તમારો પાંચમો સિધ્ધાંત પ્રાર્થના કરવાનો, ધ્યાન કરવાનો કે પછી માછીમારી કરવાનો પણ હોઈ શકે. તે જે હોય તે, તે કઈક એવું હોય છે કે જેની શોધ તમે જાતે જ કરતાં હોવ છો.

તમારા પોતાના સિદ્ધાંતો લખી રાખો.

ત્રણ બાંધકામ કરનારા કામદાર મિત્રો તેમનું બપોરનું ભોજન હંમેશાં સાથે ખાતા. ત્રણે જણ પોતાના ઘરેથી ભોજન લાવતા અને તે પણ એક જ પ્રકારનું. રોજ એનું એ જ ખાઈને તેઓ કંટાળી ગયા હતા.

“હવે જો એક પણ વધુ વખત મારે આની આ જ સેન્ડવીચ ખાવી પડશે તો,” પહેલી વ્યક્તિએ કહ્યું, “હું આ ઈમારત પરથી છલાંગ લગાવી દઈશ.”

બીજા વ્યક્તિએ પોતાનું લંચબોક્સ ખોલ્યું અને ફરિયાદ કરતાં કહ્યું, “જો હવે આવતીકાલે પણ મારે આ જ પાસ્તા ફરીથી ખાવાનાં થશે, તો હું મારી જાતને મારી નાંખીશ.”

ત્રીજી વ્યક્તિએ પોતાનું ટીફીન ખોલ્યું અને જોરથી ચિડાઈને ચિલ્લાયો, “અરે, હવે જો ફરી એક પણ વખત મારે આનું આ સલાડ ખાવાનું થશે તો ભગવાનની કસમ, હું અહીથી કુદી પડીશ.”

બીજા દિવસે, તેઓ રોજની જેમ જ સાથે જમવા બેઠા. પ્રથમ કામદારે પોતાનું બોક્સ ખોલતા મોટી રાહત સાથે બોલી ઉઠ્યો, “મહેરબાની ભગવાનની, આજે તો ભાત છે.”
બીજા વ્યક્તિએ પોતાનું લંચબોક્સ ખોલ્યું અને આનંદથી બોલી ઉઠ્યો, “આખરે! મને આ બ્રેડ-રોલ તો ખુબ જ ભાવે છે.”
“અરે આ શું!” ત્રીજી વ્યક્તિએ પોતાનું લંચબોક્સ કપાળ ઉપર પછાડતા કહ્યું. “એનું એ જ સલાડ!” બીજો એકપણ શબ્દ બોલ્યા વગર, તે ઈમારત ઉપરથી કુદી પડ્યો અને મરી ગયો.

ખુબ જ વ્યથિત થઇ ગયેલા તેના મિત્રો તેની સ્મશાન યાત્રામાં તેની પત્ની પાસે ગયા અને તેને સવાલ કર્યો.
“તમે તેને શા માટે લંચમાં બીજું કશું બનાવી ન આપ્યું? હવે જુઓ શું થયું. બિચારાએ પોતાના જીવનનો જ અંત આણી દીધો.”
“મને એ જ તો નથી સમજાતું,” પત્નીએ જવાબ આપતાં કહ્યું. “તે હંમેશાં પોતાનું લંચ જાતે જ બનાવતો હતો!”

ક્યાંક ને ક્યાંક આપણે બધા જ આપણું લંચ જાતે જ ભરતા હોઈએ છીએ. એ સંપૂર્ણપણે આપણા હાથની વાત છે કે આપણને જે ન ગમતું હોય તેના માટે પણ તેની ઉજળી બાજુને જોઈને તેના પ્રત્યે કૃતજ્ઞી રહેવું (અને તેમ છતાં પણ તેમાં બદલાવ લાવવા માટે સખત મહેનત પણ કરતાં રહેવું જોઈએ) અથવા તો પછી ફરિયાદ કરતાં બેસી રહો. આપણી ખુશી એ આપણા હાથની વાત છે, અને એમાંનું ઘણું બધું આપણે કેવી રીતે અને ક્યાં આપણો સમય અને ઉર્જા ખર્ચીએ છીએ તેના ઉપર આધાર રાખે છે. વધુ પડતું વેબ સર્ફિંગ, સોશિયલ મીડિયા કે પછી ટીવી, અને ફરિયાદો કરતાં બેસવું એ બધું તમારી ખુશીને એવી રીતે હણી નાંખે છે, જેવી રીતે ઈર્ષ્યા, સ્વાર્થ અને નફરતનું ઝેર અસર કરે છે તેમ. પ્રસંગોપાત, તમે થોડીઘણી બિન-ઉત્પાદક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઇ પણ શકો કે પછી થોડી આળસ પણ કરી શકો, કારણકે આપણને બધાને ઢીલું મુકવામાં જે આનંદ આવે છે તેની ખબર જ છે. જો કે, ઉપર કહ્યા તે પાંચ સિદ્ધાંતોનું પાલન જરૂર કરો અને થોડા અઠવાડિયાના સમયમાં જ તમારામાં જે પરિવર્તન આવશે તેના સાક્ષી તમે જાતે જ બનો. જેવી રીતે કોઈ પણ કૌશલ્ય શીખવાની વાત આવે ત્યારે જો તમે તેમાં સમય સાથે ધીરજ અને મક્કમતા બતાવશો, તો પછી ખુશીના ચેમ્પિયન તમે બની શકશો જ, અને તેમાં કોઈ સવાલ જ નથી.

વ્યવહારુ માર્ગદર્શન આપતો આવો લેખ  તમને કદાચ ફિલસુફીથી ભરેલા લેખ જેટલો ઉષ્માભર્યો ન પણ લાગે, પરંતુ જો ખુશી ફક્ત ફિલસુફી ઉપર જ આધાર રાખતી હોત, તો પછી આપણો ઈતિહાસ આ તણાવભરેલા વિચારકો અને તત્વચિંતકોથી ભરેલો ન હોત. માટે, કોઈ ઉત્તેજક કે લાગણીમય લેખન (કે જે આમ પણ મારી ખાસિયત નથી) કરતાં મેં મારો મત ખુશીનું વ્યવહારુ માર્ગદર્શન કરી શકે તેવો લેખ લખીને રજુ કર્યો છે. આ કદાચ નજીવું લાગે શકે, પરંતુ હું એ ક્યારેય ભૂલતો નથી કે તમે જયારે મારો લેખ વાંચવા માટે બેસતા હોવ છો, ત્યારે તમે ૭ મિનીટ સુધી મારો વિશ્વાસ કરતાં હોવ છો. એક વાંચક તરીકેની તમારી શ્રદ્ધાને ન્યાય મળે તેના માટે મારાથી બનતી શ્રેષ્ઠ કોશિશ કરું છું.

આ સિદ્ધાંતોનું પાલન કરો અને તમે જોશો કે તમે વધુને વધુ હસતા થઇ જશો. અને જો તે કામ ન કરે, તો ચિંતા નહિ કરતાં, મારી પાસે….મને ગણવા દો….૭૪૩ બીજા ખુશીનાં સિદ્ધાંતો મારી ડાયરીમાં છે જે તમારી સાથે વહેચતા મને આનંદ થશે (મજાક કરું છું).

અને, હા પેલું બ્રેસલેટ જરૂરથી લાવજો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email