“આપણે મૃત્યુ પામ્યા પછી શું ખરેખર સ્વર્ગ કે નર્કમાં જતાં હોઈએ છીએ?” કોઈએ મને એક દિવસ આ પ્રશ્ન પૂછ્યો.

“ના.”
“તો તમે શું એવું કહી રહ્યાં છો કે શાસ્ત્રો ખોટા છે?” તેમણે વિવાદ કરતાં કહ્યું.

મેં તેમણે પ્રથમ તો એક નાનકડી વાર્તા કહી કે જે મેં સુફી સંત હઝરત ઈનાયત ખાનના પ્રવચનમાં વાંચી હતી.

એક શિષ્ય પોતાના ગુરુ પાસે વર્ષોથી શિક્ષા લઇ રહ્યો હતો પરંતુ હજી પણ તે કોઈ દિવ્ય અનુભવની પ્રાપ્તિથી કે કોઈ પણ બાબત વિશેની સ્પષ્ટ સમજણથી વંચિત હતો.

એક દિવસે, તેને પોતાનાં ગુરુને વિનંતી કરી, “હું પ્રાર્થનાપૂર્વક માંગું છું કે મને સ્વર્ગના દર્શનની ઝાંખી કરાવો. હું તમારી ઘણા દિવસથી સેવા કરી રહ્યો છું.”
“બેટા,” ગુરુએ કહ્યું, “જા અને બાજુના ઓરડામાં જઈને બેસ. તારી આંખો બંધ કર અને સ્થિર થઇને બેસી જા. તને સ્વર્ગ દેખાશે.”
“ખરેખર? બસ આમ જ.”
“જા.”

પેલો શિષ્ય તો બાજુના ઓરડામાં જઈને બેસી ગયો અને ધ્યાન કરવા લાગી ગયો. ચોક્કસ તેને દર્શન તો થયું પણ તે તેની ધારણા કરતાં બિલકુલ જુદું હતું. તેને ફક્ત એક વિશાળ મેદાન માત્ર દેખાયું અને બીજું કશું જ નહિ. ત્યાં કોઈ સુંદર મહેલો નહોતાં, કે નહોતી મધની નદીઓ. એવી જ રીતે ત્યાં ન તો કોઈ દૂધના દરિયા હતા કે ન તો કિંમતી પથ્થરની ઇંટો. કે ન તો છત હીરાજડિત હતી. અરે, ત્યાં તો બીજું કશું જ નહોતું સિવાય કે અફાટ ઉજ્જડ જમીન. તેને નિરાશા અને નવાઈ પણ લાગી, તે તો પાછો પોતાના ગુરુ પાસે ગયો.

“મારા મુરશીદ,” તે પોતાની નિરાશાને છુપાવીને આજીજી કરતા બોલ્યો. “હવે સ્વર્ગ જોયા લીધા બાદ મારે ચોક્કસ નર્ક પણ જોવાની ઈચ્છા છે.”
“હં…” ગુરુએ પોતાની ધોળી દાઢીમાં હાથ ફેરવતા કહ્યું. “બહુ સારું, તો પછી જા અને પાછો ધ્યાનમાં બેસ. તને નર્કના પણ દર્શન થઇ જશે.”

તે તો પાછો સુચના મુજબ જઈને બેસી ગયો, તેને બીજું કશું ન દેખાયું પણ તેની તે જ ખાલી જમીન દેખાઈ. તેમાં કોઈ આગ ઓકતા સર્પ નહોતાં, કોઈ રાક્ષસ નહોતાં, કે કોઈ ભયાનક પ્રાણીઓ નહોતાં, કોઈ ત્યાં કોઈને મારી નહોતું રહ્યું, કે ઉકળતા તેલનો તવો પણ નહોતો. તેને જ્યાં પણ નજર કરી, ત્યાં બસ ખાલી જમીન જ હતી, પોતે જ્યાં ઉભો હતો ત્યાંથી લઇને દરેક દિશામાં છેક ક્ષિતિજ સુધી. “હત્ત તારી,” તેને લાગ્યું, “આવું તો બિલકુલ ન હોય.”

“ગુરુજી,” તેને દ્રઢતાપૂર્વક કહ્યું. “આ બીજું ગમે તે હશે પણ કોઈ દર્શન તો ન જ હોઈ શકે. મને કોઈ સ્વર્ગ કે નર્ક દેખાયા જ નહિ.”
“તારો અર્થ એમ છે કે ત્યાં સ્વર્ગમાં તું કોઈ ભવ્ય મહેલો, અદ્દભુત દ્રશ્યો અને અલૌકિક સુંદરતા જોવાની આશા રાખી રહ્યો હતો.”
“હા.”
“કે પછી નર્કમાં કોઈ સર્પ, આગ, શેતાન કે સાંભળ્યા પણ ન હોય તેવા અત્યાચારો જોવા મળશે એવી અપેક્ષા કરી રહ્યો હતો?”
“બિલકુલ.”
“જો બેટા,” ગુરુએ કહ્યું. “ત્યાં કશું પણ નથી. તારે અહીંથી જ બધું ત્યાં લઇ જવું પડશે. આ જ એક એવી જગ્યા છે કે જ્યાં તારે બધું ભેગું કરવું પડશે, સ્વર્ગનો આનંદ હોય કે પછી નર્કની આગ.”

સ્વર્ગ અને નર્ક એ આપણા જીવન પ્રત્યેના બે વલણો છે. આપણી લાગણીઓ અને કર્મોના આ બે મોટા ગોદામ છે. અહી કેટલું ભરચક ભરાઈ જાય, પછી તે સુગંધથી હોય કે દુર્ગંધથી, તેનો બધો આધાર આપણે આ બે ગોદામોમાં શું ભર્યું છે તેના ઉપર છે. જયારે આપણે સંતોષી અને કૃતજ્ઞી હોઈએ, ત્યારે આપણે સ્વર્ગમાં હોઈએ છીએ. જયારે આપણે ક્રોધિત, વિચલિત, કે ઈર્ષ્યાળુ હોઈએ ત્યારે આપણે નર્કમાં હોઈએ છીએ. આ બંને આપણા મનની ચક્રીય અવસ્થાઓ કે સ્તરો હોય છે.

જો તે સ્વર્ગ હોય એવી આપણી ઈચ્છા હોય તો, આપણે આપણા વિચારો, કર્મો અને શબ્દો પ્રત્યે સજગતા રાખવી પડશે. આપણે આપણા હૃદયમાં માફી અને કરુણા રાખવી પડશે. આપણે કૃતજ્ઞતાપૂર્વક જીવવાનું શીખવું પડશે. આપણે ચોક્કસ જીવનમાં મહત્વાકાંક્ષા જરૂર રાખી શકીએ, પણ તેમ છતાં આપને કૃતજ્ઞી તો બની જ રહેવું પડશે. સંતોષ એ દરેક હકારાત્મક લાગણીઓનું બીજ છે. અને કોઇપણ બાબત પ્રત્યેનો વળગાડ એ નકારાત્મક લાગણીઓની જનેતા છે. દાખલા તરીકે, આપણે જયારે સાચું શું છે કે પછી બધું કેવી રીતનું હોવું જોઈએ તેનાં પ્રત્યેના આપણા ખ્યાલોને વળગેલા રહીશું તો આપણને ક્રોધ આવવાનો જ છે. આપણે જયારે કોઈ એક વ્યક્તિને વળગેલા રહીએ ત્યારે કે આપણો તે વ્યક્તિ ઉપરનો જે હક સમજતા હોઈએ તેને લઈને જ આપણે ઈર્ષ્યાળુ બની જતાં હોઈએ છીએ, વિગીરે.

લાગણીઓ એ માનવ મનથી એવી અભિન્ન રહેલી હોય છે જેવી રીતે સમુદ્રથી મોજાઓ હોય છે. અને તેમ છતાં, જેવી રીતે આપણે બીજી બધી વસ્તુઓ જીવનમાં શીખતાં હોઈએ છીએ તેવી રીતે વૈરાગ્યને પણ શીખી જ શકીએ તેમ છીએ, આપણે કૃતજ્ઞતાને આપણા જીવનમાં લાવી જ શકીએ. આપણે મોજાને સમુદ્રથી છુટા તો ન પાડી શકીએ પરંતુ ઇચ્છાઓ અને લાગણીઓની ભરતી અને ત્સુનામી માટે વધારે સારી રીતે તૈયાર તો રહી જ શકીએ. વેદોએ તેને વૈરાગ્ય: એક આનંદ પુર્વંકની અલિપ્તતા કહી છે (કે જે કોઇપણ અભ્યાસ કરીને શીખી શકે તેમ છે) અને વૈરાગ્યમાં તે પછી લાગણીઓનો ફૂટબોલ બનીને આમથી તેમ ફંગોળાયા નહિ કરે.

“સ્વર્ગ એ ઈચ્છાપૂર્તિનું દ્રશ્ય છે, જયારે નર્ક એ આગ લાગેલ આત્માનું”, એવું ઓમર ખય્યામેં કહ્યું છે.

ઇચ્છાઓ, જો કે તેની પૂર્તિ કરીને પૂર્ણ થતી નથી હોતી. ઈચ્છાઓની પૂર્તિ બીજી અનેક નવી ઇચ્છાઓને જન્મ આપે છે. તેના બદલે, આપણે ઇચ્છાઓના મૂળ – મન સુધી પહોંચવું જોઈએ, અને તેની સાથે મિત્રતા કેળવવી જોઈએ. તમારું મન જયારે તમારા અંતર્નાદ સાથે એકતાલમાં રહેતું હોય ત્યારે તે તમારી વાત વધારે સારી રીતે સાંભળતું હોય છે. તમે વધારે સારી રીતે તમારી પ્રાથમિકતા બનાવી, કઈ ઈચ્છાઓ તમારા માટે ખરેખર મહત્વની છે તેના વિશે ચિંતન કરી શકો છો, અને મનમાં ઉઠતી દરેક નવી ઇચ્છાઓ વડે તમે ખેંચાય જતાં નથી. એક કેન્દ્રિત મન જ શુદ્ધ જાગૃતતાને સાચી રીતે ધારણ કરી શકતું હોય છે. કદાચ મોટું ઘર, વધારે ફાસ્ટ ચાલે તેવી ગાડી એ તમારા માટે મહત્વના હોઈ પણ શકે કે કદાચ ન પણ હોય. તમને તેના વિશે ત્યાં સુધી ખબર નહિ પડે જ્યાં સુધી તમે તેનો આરપાર વિચાર નહિ કરી લો કે પછી તેનો અનુભવ નહિ કરી લો. કોઈપણ રીતે, જ્યાં સુધી તમે તમારી પસંદગીઓ પ્રત્યે સભાન રહેતા હશો, ત્યાં સુધી તમે વધારે સમય સ્વર્ગમાં વિતાવી શકશો.

એક શ્રીમંત વ્યક્તિ કે જેને પોતાની સંપત્તિ સાથે ખુબ જ લગાવ હતો, તે ગમે તેમ કરીને સોનાથી ભરેલી બે થેલીઓ સ્વર્ગમાં લઇ જાય છે. તેને દરવાજા આગળ રોકવામાં આવે છે.
“પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ અહી લઇ જવા દેવાશે નહિ,” દેવદૂત કહે છે. “તારે તે અહી જ ફેંકી દેવી પડશે.”
“મહેરબાની કરીને,” પેલો આજીજી કરતાં કહે છે, “આ મારા માટે ખુબ જ મહત્વનું છે. આ મારા જીવનભરની મૂડી છે. મને તે મારી સાથે લઇ જવા દો.”
તેઓ તેને એ સમજાવવાની કોશિશ કરે છે કે આ શક્ય જ નથી પરંતુ જયારે તે એક નો બે થતો નથી ત્યારે તેઓ તેમાં શું છે તે બતાવવાનું કહે છે.
“આ શું!” દેવદૂતે જેવી થેલી ખોલીને સોનું જોતા કહ્યું. “તું પથ્થરા લઈને આવ્યો છે?”

આ કલ્પના પણ ન કરી શકાય તેવા અનંત સર્જનમાં, આપણી મિલકત અને આપણી સિધ્ધિઓનું કશું પણ મહત્વ નથી. સમગ્ર બ્રહ્માંડમાં આપણી દુનિયા એ પોતે આપણી દુનિયામાં રહેલા ધૂળના કોઈ નાનામાં નાના રજકણથી પણ નાની છે. અંતે તો, આ દુનિયામાં તમારું બેંક બેલેન્સ કેટલું તગડું છે તેનું નહિ પણ તમારું હૃદય કેટલું વિશાળ છે તેનું જ મહત્વ હોય છે. એવા કેટલાય છે કે જે કરોડો ઉડાવી શકે તેમ હોય છે તેમ છતાં તેઓ એક દર્દનાક એકાંત જીવન જીવતાં હોય છે. મોટાભાગે તેમની પાસે કોઈ આધ્યાત્મિક મૂડી હોતી નથી.

આપણા નિ:સ્વાર્થ કાર્યો આપણી આધ્યાત્મિક મૂડી બનતા જાય છે. સ્વર્ગમાં એક નમ્રતા સાથે અને નર્કમાં એક અદાપૂર્વક ચાલવા માટે એક બહુ મોટી આધ્યાત્મિક મૂડીની જરૂર પડતી હોય છે. અને તે સંપત્તિ કમાવવા માટે, આપણે આપણું જીવન કૃતજ્ઞતાપૂર્વક જીવવું પડશે. કૃતજ્ઞતામાં ફક્ત આભારી બની રહેવું એટલું જ નથી આવતું, તેમાં ભલા અને દાની પણ બની રહેવાની વાત આવે છે. જયારે તમે કોઈ એક રેસ્ટોરન્ટમાં જમો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ ઉઠાવો છો ત્યારે તમને એક પરિપૂર્ણતાનો અનુભવ થતો હોય છે. બરાબર. તમે ભગવાનનો આભાર માનો છો. સારું છે. પરંતુ, જયારે તમે તમને સેવા આપનારને બક્ષીસ આપો છો, ત્યારે તમે તમારી ખરી કૃતજ્ઞતા બતાવતા હોવ છો. તમે જયારે તેનો પ્રમાણિકતાપૂર્વક આભાર માનતા હોવ છો ત્યારે ખરેખર તો તમે તમારી ખરી આધ્યાત્મિક સંપત્તિ ઉભી કરતાં હોવ છો.

તમારા જીવનમાં તમારે હતાશા કે તણાવનો સામનો તમે આધ્યાત્મિક મૂડીની કેટલી કમાણી અને બચત કરી છે, સીધો તેના ઉપર આધાર રાખે છે. અને તે જ તો તેની ચાવી છે: કે આ આધ્યાત્મિક સંપત્તિને ઉછીની લઇ શકાતી નથી. તે કમાવવી જ પડતી હોય છે.

દરેક નિ:સ્વાર્થ કાર્ય, કૃતજ્ઞતાનો દરેક હાવભાવ, દરેક મૃદુ શબ્દ, પ્રત્યેક ભલો વિચાર, તે બધું જ તમે જે છો તે તમને બનાવતું હોય છે. તે તમામ વડે આપણું પોતાનું વિશ્વ રચાતું હોય છે. સ્વર્ગ કે નર્ક, એ ફક્ત આપણી અંદર જ નહિ પરંતુ આપણે પોતે જ તે હોઈએ છીએ.

ભલા બનો. અને તમારા ઉપર આશીર્વાદની જે વર્ષા થઇ રહી છે તેને ગણતા બેસો.

વારુ, આજે મારે બે ખાસ જાહેરાત કરવાની છે.

૧. તમે જયારે આ લેખ વાંચી રહ્યાં હશો, ત્યારે હું છ મહિનાના લાંબા એકાંતમાં જતો રહ્યો હોઈશ. આ સમય દરમ્યાન, મારો બિલકુલ સંપર્ક સાધી શકાશે નહિ. હું આ બ્લોગ ઉપર મારા લેખ દર બે અઠવાડિયે આવતા રહે તે માટે તેની આગોતરા ગોઠવણી કરી રહ્યો છું, માટે તમને દર પ્રથમ અને ત્રીજા શનિવારે નવા લેખ વાંચવા માટે મળી રહેશે. મારું મંત્ર શાસ્ત્ર ઉપર એક નવું પુસ્તક આવી રહ્યું છે કે જેની જાહેરાત આવતા મહીને આ બ્લોગ ઉપર જ કરવામાં આવશે. અને સૌથી મહત્વની વાત એ કે, મેં બે વર્ષ પહેલા એક મેડીટેશન એપ વિશે વચન આપ્યું હતું, તે હવે આવતા ત્રણ અઠવાડિયામાં લોન્ચ થઇ જશે. અને મારા આવનાર લેખમાં તેને ડાઉનલોડ કરવાની લીન્ક્સ પણ હશે. તે એપનું નામ છે બ્લેક લોટસ (Black Lotus). આ એપ વડે, આપણે સૌ વૈશ્વિક ધોરણે અને એક સમયે સાથે બેસીને કે વ્યક્તિગત રીતે તમે જયારે પણ ઈચ્છો ત્યારે બેસીને ધ્યાન કરી શકશો. અમે તે ધ્યાનની યોજના અગાઉથી જ કરી દીધી છે.

૨. મને એ જણાવતા અત્યંત આનંદ થાય છે કે ૨૦૧૮માં ત્રણ નોન-રેસીડેન્સ્યલ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. રહેવાની વ્યવસ્થા અને અગાઉની શિબિરની વ્યવસ્થાને હટાવી લેતા, અમે આ નવી શિબિરોની કિંમત ૭૦% જેટલી ઓછી કરી શક્યા છીએ. હું આશા રાખું કે હવે આ જેને ધ્યાન શીખવાની ધગસ છે તે સૌને પોષાશે. હંમેશાંની જેમ, બેઠકોની મર્યાદા છે અને તમે તમારું રજીસ્ટ્રેશન નીચે આપેલ લીન્ક્સ દ્વારા કરી શકો છો:

બેંગ્લોર: અંગ્રેજીમાં ધ્યાન શિબિર. જાન્યુઆરી ૨૬ – ૨૮
બેંગ્લોર: અંગ્રેજીમાં ગાયત્રી સાધના શિબિર. ફેબ્રુઆરી ૨ – ૪
દિલ્હી: હિન્દીમાં ધ્યાન શિબિર. એપ્રિલ ૨૧ – ૨૩

તો ત્યાં સુધીમાં તમે તમારી અને એકબીજાની કાળજી કરશો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email