સુભુતિ બુદ્ધનાં મુખ્ય શિષ્યોમાંનો એક શિષ્ય હતો અને તે પોતાના ગુરુના ઉપદેશને ફેલાવવા માટેની અનુમતિ માટે ખુબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો. બુદ્ધના જેતવનમાં એક અસ્થાયી પડાવ દરમ્યાન એક સવારે તે, બુદ્ધની ગંધાકુટીરની બહાર ગયો, અને બુદ્ધ સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરીને તેમનો સંદેશો દુર-દુર સુધી ફેલાવવા માટે અનુમતિ માંગવા લાગ્યો.

“ઉભો થા, સુભુતિ,” બુદ્ધે કહ્યું. “પ્રશિક્ષક બનવું સરળ નથી. અરે તું સુંદર શબ્દો બોલતો હશું તો પણ, તેવા કેટલાય હશે જે તારી ટીકા પણ કરશે અને તને અપખોડશે પણ ખરા.”
“તમારા આશીર્વાદ અને કૃપાથી, ઓ શસ્ટા, મને સંપૂર્ણ ખાતરી છે કે તેની મારા ઉપર કોઈ અસર નહિ થાય. તો શું મને તથાગત અનુમતિ આપશે?”

બુદ્ધ થોડી મિનીટો સુધી શાંત જ રહ્યા અને પછી કશું બોલ્યા જ નહિ. સુભુતિ ત્યાં જ પોતાનું શીશ ઝુકાવીને બેસી રહ્યો. આ દરમ્યાન બીજા સંન્યાસીઓ બુદ્ધ પાસે મહત્વના કાર્ય જેવા કે અન્ય વિહારો, ધ્યાન કેન્દ્રો, અને આશ્રમો કે જે ભારતના ખૂણે-ખૂણે પ્રસરી રહ્યા હતા તેના અંગે ચર્ચા કરવા માટે મળી રહ્યા હતા. ત્રણ કલાક પછી, બુદ્ધે પોતાનું ભોજન લીધું અને રાબેતા મુજબ પોતાની કુટીરમાં આરામ કરવા માટે જતા રહ્યા.

થોડા વધુ કલાકો વીતી ગયા અને જયારે બુદ્ધ ફરી સાંજના પ્રવચન માટે કુટીરમાંથી બહાર આવ્યા, ત્યારે જોયું કે સુભુતિ તો ત્યાં નો ત્યાં જ પોતાનું શીશ નમાવીને બેસી રહ્યો હતો.

“સુભુતિ,” બુદ્ધ બોલ્યા, “તું તો હજી પણ અહી જ બેઠો છે. મને તો લાગ્યું કે તને મારો જવાબ મારા મૌનમાં જ મળી ગયો છે.”
“હું તથાગતના મૌનને કળી શકું એટલો જ્ઞાની નથી, ભગવન. હું તો શું કોઈ પણ તેટલો સક્ષમ નથી.”
બુદ્ધે સ્મિત કર્યું અને પદ્માસનમાં બેસી ગયા.

“જો તું કોઈ ગામડામાં ઉપદેશ ફેલાવવા માટે જાય, સુભુતિ, અને લોકો તને સાંભળવાનું જ પસંદ ન કરે તો? તો તું શું કરીશ?”
“મને ખોટું નહિ લાગે, ભગવન, કારણકે હું મારી જાતને એ યાદ અપાવીશ કે ઓછા નામે તે લોકો એ મને ગાળો તો નથી આપીને કે પછી મારા ઉપર કોઈ આરોપ તો નથી મુક્યો ને?”
“જો તેઓ તેમ પણ કરે તો શું?”
“હું તો પણ સ્મિત કરતો રહીશ, ઓ તથાગત, કારણકે, હું મારી જાતને ત્યારે એ યાદ અપાવીશ કે આપનો સંદેશ ફેલાવવા માટેની આ તો બહુ નાનકડી કિંમત કહેવાય. કે, આ લોકો મારી સાથે તેનાથી પણ ખરાબ રીતે વર્તી
શક્યા હોત, કદાચ મને શારીરિક માર પણ મારી શક્યા હોત.”
“અને, જો તેઓ તેમ પણ કરે અને તારા તરફ પત્થર પણ ફેંકે તો તું શું કરીશ?”
“હું તો પણ તથાગતની કૃપાથી કુશળ રહીશ. હું મારી જાતને એ યાદ અપાવીશ કે ઓછાનામે તેઓએ મને પછાડીને મને છરી તો નથી મારીને?”
“જો તેઓ તેવું પણ કરે તો શું?”
“હું તો પણ તેને હૃદય ઉપર નહિ લઉં, એવું વિચારીને કે મને મારી તો નથી નાંખ્યો ને?”
“અને, જો સુભુતિ, ” બુદ્ધ પોતાના સામાન્ય વૈરાગ્યભાવ સાથે બોલ્યા, “તેઓ તને મારી પણ નાંખે તો તું શું કરીશ?”
“હું ખુબ જ ખુશ થઈશ, તથાગત,” સુભુતિ પ્રથમ વાર પોતાનું મસ્તક ઊંચું કરીને બોલ્યો. આંસુભરી આંખે બુદ્ધનું અદ્દભુત સ્વરૂપ પોતાની આંખોમાં ભરી લઈને, તેને બોલવાનું ચાલુ રાખતા કહ્યું, “તથાગતના ચરણ પાસે નિર્વાણ પામવાથી પણ જો કશું અધિક મહત્વનું હોય તો તે છે તથાગતનો સંદેશ ફેલાવતા મૃત્યુ પામવું.”

“સુભુતિ,” બુદ્ધ પોતાની બેઠક ઉપરથી ઉભા થઇને સુભુતિને આલિંગન આપતા કહ્યું, “તું પ્રશિક્ષક બનવાને સંપૂર્ણપણે લાયક છો. સવારમાં તો ફક્ત તારી ધીરજની પરીક્ષા થઇ રહી હતી. એક મહાન કારણ માટે જીવવાનો તારી પાસે જરૂરી એવો આધ્યાત્મિક અભિગમ છે.”

આ જીવનભરના જ્ઞાનમાં, વ્યક્તિના આધ્યાત્મિક વલણ માટે જરૂરી એવા મુખ્ય ત્રણ ગુણોને ખુબ જ સ્પષ્ટતા પૂર્વક દર્શાવવામાં આવ્યા છે, અને મને નથી લાગતું કે તેને આથી વધારે સુંદર રીતે બતાવી શકાયું હોત. આ ત્રણ ગુણો છે: ધીરજ, નિ:સ્વાર્થતા, અને કટિબદ્ધતા. અને સુભુતિના ચારિત્ર્યમાં હું કૃતજ્ઞતા અને સમર્પણની સમજણને પણ જોઈ શકું છું. આપણે ધીરજ અને નિ:સ્વાર્થતા વગર બિનશરતી આધ્યાત્મિક અભિગમ કેળવી શકીએ નહિ.

માનવજીવનની પીડાઓના મૂળમાં ઈચ્છાઓ અને અપેક્ષાઓની અપૂર્તિ રહેલી હોય છે. લોકો મારી કદર શા માટે નથી કરતા? મારા જીવનસાથી મને શા માટે પ્રેમ નથી કરતા? દુનિયા મારી રાહ શા માટે નથી જોઈ રહી? મારા કામની કદર કેમ થતી નથી? અને વિગેરે. જો હું અપેક્ષાઓ રાખવી એ શા માટે ખરાબ છે તે વિષય ઉપર પ્રવચન આપવા બેસું, તો તેનાથી કોઈ કામ થશે નહિ, કારણકે તમે એ બધું તો પહેલેથી જાણો જ છો. વાસ્તવમાં, આપણે આપણી લાગણીઓ અને ઇચ્છાઓને લઈને આપણી ઉપર એક પ્રકારની ફરજ તેમજ તેનો એક કાબુ અનુભવતા હોઈએ છીએ, અને આ ઈચ્છા અને લાગણીઓની તીવ્રતામાં આપણને આપણો મત એટલો બધો સાચો અને યોગ્ય લાગવા માંડે છે કે, કોઈ તર્ક તે સમયે કામ નથી કરતો. તો પણ, જો કે, આધ્યાત્મિક રીતે ઉપર નહિ ઉઠી શકવાનું તે કોઈ બહાનું ન બની શકે.

અને તે લઇ જાય છે મને આજના વિષય વસ્તુના સાર તરફ: આધ્યાત્મિક અભિગમ. જ્યાં સુધી આપણે આપણા સ્વયંના અને અન્યના જીવન પ્રત્યે એક આધ્યાત્મિક અભિગમ નહી કેળવીએ, ત્યાં સુધી આપણે આપણા નબળા વિચારો અને લાગણીઓથી ઉપર નહિ ઉઠી શકીએ. આપણે આપણી આરામદાયકતાને ખુબ વધુ પડતું મહત્વ આપતા હોઈએ છીએ, કે મારી સાથે અમુક રીતે વર્તન કેમ થયું કે કેમ ન થયું વિગેરે. એના બદલે એવું કેમ ન વિચારી શકીએ, કે હું વધારે નિ:સ્વાર્થી કેમ ન બની શકું? હું હજી વધારે મોટો દાતા કેમ ન બની શકું? સુભુતિનો વિરોધીઓનાં ટોળામાં રહેલા માણસો પૈકીનો એક બનવાને બદલે, હું પોતે સુભુતિ જ કેમ ન બની શકું?

આધ્યાત્મિક અભિગમનો મૂળ અર્થ એટલો જ થાય કે આપણે સ્વયંને તમામ નિર્ણયો અને કામોના કેન્દ્રસ્થાનમાં ન રાખીએ. કદાચ આપણે આમાં-મારા-માટે-શું-છે તેવું જોવાની જરૂર જ નથી. આપણા દરેક ઉદાર કર્મનો પ્રત્યુત્તર મળવો
જ જોઈએ એવું શા માટે જરૂરી હોય? અંતે તો, જો તે ખરું નિ:સ્વાર્થ કર્મ જ હોય તો તેને તેવી રીતનું જ રહેવા દો – નિ:સ્વાર્થ.

તમે ક્યારેય એ બાબતની નોંધ લીધી છે કે આપણે કેવા કોઈ વખત કોઈને ભેટ આપ્યા બાદ તે વ્યક્તિ તે ભેટનું શું કરે છે તે જાણવાની તાલાવેલી રાખતા હોઈએ છીએ? અને જયારે આપણે એ વાતને જાણીએ કે તે વ્યક્તિએ આપણી ભેટનો સરખી રીતે ઉપયોગ જ નથી કર્યો કે પછી તે કોઈને આપી દીધી હતી તો આપણને તેનું દુ:ખ પણ લાગતું હોય છે. તેનો અર્થ એ થયો કે આપણે ખરેખર તો આપણી ભેટથી અળગા થયા જ નહોતા. તો પછી આમાં આપવાનું કર્મ કેવી રીતે થયું ગણાય?

જો તમારે કોઈને મદદ કરવાના કારણ માટે જીવવું હોય, એવું કારણ કે જે તમારા અસ્તિત્વને વધારે ઉપયોગી બનાવે, કે જે તમાર જીવનને વળતું વધારે અર્થપૂર્ણ બનાવે, તો પછી જીવન પ્રત્યે અને આ દુનિયા પ્રત્યે એક આધ્યાત્મિક અભિગમ કેળવવો ફરજીયાત છે. અને તેનો મૂળ અર્થ એ પણ થયો કે જયારે કોઈ બીજું મને તકલીફ આપી રહ્યું હોય, કે લોકો મારી સાથે અસહમત થઇ રહ્યા હોય અને મને મારી કદર કરતો પ્રતિભાવ ન આપી રહ્યા હોય વિગરે તો તે કોઈ પૂરતા કારણો નથી કે જેને લઈને તમે ધીરજ, નિ:સ્વાર્થતા, અને દયાને ત્યજી દો. અને કોઈ વખત, તમારી નાની અંગત બાબતોથી ઉપર ઉઠવા માટેનો એક જ રસ્તો હોય છે અને તે એ કે તમારી ઉર્જાને કોઈ મોટી બાબતો તરફ વાળી દો. ચિંતા કરવી કે ચિંતાગ્રસ્ત રહેવું એ આપણી મૂળપ્રવૃત્તિ છે, એક સહજ વૃત્તિ. તો પછી ફક્ત આપણા જ નિરર્થક કારણો માટે રડતા બેસવા કરતા કોઈ પરોપકાર માટેના કારણો માટે પણ થોડી ચિંતા કરી લઈએ.

મુલ્લા નસરુદ્દીન પોતાના મિત્ર સાથે આંટો મારી રહ્યા હતા અને અચાનક ક્યાંકથી આકાશમાં વાદળો ઉમટી આવ્યા. હજી તો તેઓ કઈ સમજે તે પહેલા તો સાંબેલાની ધારે વરસાદ વરસવા લાગ્યો.
“મુલ્લા!” તેમના મિત્રે બુમ પાડી, “તમારી છત્રી ખોલો! અલ્લાહની મહેરબાની કે આપણી પાસે એક છત્રી છે!”
“આ છત્રી નથી સારી,” મુલ્લાએ વરસતા વરસાદમાં તકલીફ સાથે બોલતા કહ્યું. “તેમાં તો ઘણા કાણા પડેલા છે.”
“અરે, તો પછી તમે તે કેમ લઇને ફરી રહ્યા છો?”
“અરે મને શી ખબર કે વરસાદ પડવાનો છે!”

મુલ્લાની જેમ જ આપણે પણ આપણો બોજો લઇને ફરી રહ્યાં હોઈએ છીએ., આપણે હું-સૌથી પહેલાની છત્રી લઈને ફરી રહ્યા છીએ, એવું વિચારીને કે એનાથી આપણને કોઈ મદદ મળી રહેશે, કઈક સુરક્ષા મળી રહેશે, પણ તેમાં તો કાણા જ પડેલા હોય છે. તે ન તો આપણને રક્ષણ પૂરું પાડી શકે કે ન તો આપણી આજુબાજુ રહેલા અન્ય કોઈને. સુર્યપ્રકાશથી પણ નહિ અને વરસાદથી પણ નહિ. નિ:શંક, તમારે તમારી કાળજી તો કરવી જ જોઈએ, તમારે આનંદ પણ માણવો જોઈએ, અને એવું બીજું બધું પણ ખરું, પરંતુ સમગ્ર જીવન બસ એટલું જ કરતાં રહેવું તે તો નરી અજ્ઞાનતા જ કહેવાય. એ ચોક્કસ આધ્યાત્મિક બાબત તો નથી જ અને તેનાથી કોઈ અર્થપૂર્ણતા નહિ અનુભવાય.

જો તમે અર્થપૂર્ણતાની ખોજમાં હોવ, તો તમારી પરે જોતા શીખો. અરે ધ્યાનની દરેક પદ્ધતિઓ, યોગ વિગેરેની પરે પણ જોતા શીખો. જરૂરી નથી કે પદ્ધતિઓ તમને પરિપૂર્ણતા તરફ દોરી જાય. જો કે તે તમને તમારા શબ્દો, કર્મો અને વાણી પ્રત્યે સજાગ બનવા માટે મદદ જરૂર કરી શકે, પરંતુ દિવસને અંતે તો, એ આપણો પોતાનો અભિગમ હોય છે કે જે આપણી પરિપૂર્ણતામાં બળતણ પૂરું પાડી શકે. ઈતિહાસના પન્ના એવા દરેક ધર્મોમાં થઇ ગયેલા નિ:સ્વાર્થ સંતોથી ભરેલા પડેલા છે, કે જેઓએ ક્યારેય કોઈ આ ક્રિયા કે પેલી ક્રિયા એવું કશું કર્યું નથી, તેઓએ ક્યારેય એક જગ્યાએ બેસીને યોગિક ગ્રંથોમાં દર્શાવ્યા મુજબના કોઈ યોગનો કે ધ્યાનનો અભ્યાસ પણ કર્યો નથી, તો શું તેઓ કઈ તેનાથી ઓછા જ્ઞાની થઇ જતા હતા? મને તો એવું નથી લાગતું. તે તમામ સંતોમાં દુનિયા પ્રત્યે જોવાનો એક હળવો અને દયાભાવ વાળો દ્રષ્ટિકોણ હતો.

તમારો દ્રષ્ટિકોણ જેટલો વધુ આધ્યાત્મિક, તેટલું વધુ તમારું જીવન ભવ્ય બનતું હોય છે. માફી, નિ:સ્વાર્થતા, ધીરજ, કરુણા અને કૃતજ્ઞતા કુદરતી રીતે જ તમારી અંદરથી વહેવા લાગે છે જેવી રીતે ચોમાસામાં હિમાલયમાંથી
અસ્ખલિત વહેતા ઝરણા.

ધીરજવાન બનો. લેતા પહેલા આપતા શીખો, જેટલું લેવાની ઈચ્છા હોય તેના કરતા અનેકગણું આપો. કુદરત તેનો જરૂરથી બદલો વાળશે. તે ક્યારેય ચૂકતું નથી હોતું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email