મારા જીવનનું ધ્યેય શું છે? હું મારા જીવનનું ધ્યેય કેવી રીતે શોધી શકું? આ બે સવાલો મને ઘણી બધી વાર પૂછવામાં આવતાં હોય છે, ખાસ કરીને એવા લોકો તરફથી કે જેમના જીવનમાં બધું જ ખુબ સરસ ચાલી રહ્યું હોય.

જયારે તમારું પેટ તમારા બેંક બેલેન્સ જેટલું ભરેલું હોય અને તમને ઊંઘ ન આવી રહી હોય, ત્યારે તમે કુદરતી રીતે જ તમારા જીવનના ધ્યેય વિશે બેઠા-બેઠા વિચાર કરો છો (કે ચિંતા કરો છો). એવું લાગે છે કે જાણે આપણે કેમ એવું ન ઇચ્છતા હોઈએ કે જીવનમાં કશુંક એવું હોવું જોઈએ કે જે આપણને સતત વિચારમગ્ન કે આત્મચિંતન કરતાં જ રાખે. એવા લોકો કે જેઓ કોઈ મરણતોલ બીમારીથી પીડાતા હોય છે, કે ઊંડા દેવામાં ડૂબેલા હોય છે કે કોઈ કોર્ટ કેસ લડવામાં વ્યસ્ત હોય છે, તેઓ ક્યારેય મને એવું નથી પૂછતાં કે તેમના જીવનનું ધ્યેય શું છે. તેઓ તો જીવનની આકરી વાસ્તવિકતા સાથે જ તાલ બેસાડવામાં વ્યસ્ત હોય છે. આશ્રમમાં છેલ્લાં છ વર્ષથી, કોઈ પણ ગ્રામ્યજને મને તેના પોતાના જીવનના ધ્યેય વિશે કોઈ પ્રશ્ન ક્યારેય પૂછ્યો નથી.

પરંતુ, આખરે તમારા જીવનનું ધ્યેય શું છે? શું તે કોઈ બીજું તમને આપી શકે ખરું? ચાલો હું તમને એક સત્યઘટના કહું.

૨૦૧૧માં, હું એક સુનીલ નામની વ્યક્તિને મળ્યો હતો. મારા પશ્ચિમ-બંગાળમાં એક મહિનાના નિવાસ દરમ્યાન સુનીલે મારા જમવાનું ધ્યાન રાખ્યું હતું. તે એક સામાન્ય કામદાર હતો, તે એક રખેવાળ તરીકેની નોકરી ખુબ સામાન્ય પગાર ઉપર કરતો હતો. એક મહિના સુધી હું ભાગ્યે જ બહાર નીકળ્યો હતો, હું મારા કક્ષમાં જ રહીને ધ્યાન કરતો અને લખતો હતો – જયારે સુનીલ મારા માટે દિવસમાં બે વખત ટીફીન લાવતો હતો.

૮૦૦૦ ફીટની ઉંચાઈએ પર્વત પર આવેલી આ એક રૂમમાં વીજળી હતી અને અંદર જ એક બાથરૂમ હતું, એક વર્ષની ઉત્તર હિમાલયમાં મારી ગુફાઓ અને જંગલમાં કરેલી સાધના પછીનો આ એક આવકાર્ય બદલાવ હતો.

સુનીલ એક મધ્યમ બાંધાનો, ખુબ જ હળવેથી બોલનાર, નાના કદનો માણસ હતો, ૫ ફીટ ૪ ઇંચ જેટલી ઉંચાઈ તેની હતી. તેનો ગોળ અને યુવાન ચહેરો જોઈને તમને કદાચ એ ૩૫વર્ષનો લાગી શકે, જયારે હકીકતમાં, તે ૫૩ વર્ષનો હતો પોતાની નિવૃત્તિમાં લગભગ ૫ વર્ષની વાર હતી તેવું તે મને કહેતો હતો. તે નેપાળી હતો, જો કે તે ભારતમાં જ જન્મ્યો અને મોટો થયો હતો. જો કે એ મને પાછળથી ખબર પડી કે તેના ભલા હૃદય અને તેની અંદર ભરેલી ભલાઈને લીધે પણ તે આટલો આનંદદાયક લાગતો હતો.

એક દિવસે, સુનીલે પોતાના દીકરાને આશીર્વાદ માટે લાવવાની મારી અનુમતિ માંગી. “તમે ફક્ત તમારો હાથ તેના માથે ફેરવી દેજો.” સુનીલે વિનંતી કરી. “હું તેનાથી વધારે સમય નહિ માંગું.” મારે તે એક મહિના માટે કોઈને પણ મળવાની ઈચ્છા નહોતી, પરંતુ મારી અંદર રહેલા કશાકે મને હા જ પડાવી.

બીજા દિવસે, તે જયારે મારું ટીફીન લઇ આવ્યો, ત્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે સુનીલની બાજુમાં તેનાથી ઉંચો અને મોટો એક વ્યક્તિ ઉભો હતો, તે ચાલીસેક વર્ષનો હોવો જોઈએ. તેના માથા ઉપર ઘણા સફેદ વાળ પણ હતા. તે એક ઓટીસ્ટીક હતો, પણ તેની અસર બહુ જ ઓછી હતી. ઓટીઝમનું કારણ હંમેશાં મારા હૃદયની નજીક રહેલું છે અને મને તરત જ વિચાર આવ્યો કે હું આ વ્યક્તિને કઈ રીતે મદદ કરી શકું.

“મહેરબાની કરીને મારા દીકરાને આશીર્વાદ આપો,” સુનીલે કહ્યું. તેણે આ વ્યક્તિને કે જેને તે સંદેશના નામે સંબોધી રહ્યો હતો તેને ઝુકાવતા કહ્યું.
જો કે મેં તેને આશીર્વાદ આપ્યા, પરંતુ મને ખરેખર વિસ્મયતા લાગી.

“સુનીલ, તારે આનો જવાબ આપવાની જરૂર નથી,” મેં સાંજે તેની સાથે વાત કરતા કહ્યું, “પરંતુ, સંદેશની ઉમર તારા પુત્ર કરતા વધારે લાગે છે.”
“જી, બાબાજી,” તેને જવાબ આપતા કહ્યું. “આજથી ૨૫ વર્ષ પહેલા, એક સાંજે હું એક ઓફિસર માટે સમોસા લેવા માટે મીઠાઈની દુકાને ગયો હતો. ત્યાં મેં સંદેશને લાડુ તરફ તાકી રહેતા જોયો. તે ત્યાં પ્રદર્શનમાં મુકેલા થાળને અડવા જતો હતો, અને દુકાનદાર તેને વઢીને હાંકી કાઢતો હતો. સંદેશ મારી પાસે આવ્યો અને મેં જે સમોસા પકડ્યા હતા તેના તરફ આંગળી ચીંધવા લાગ્યો. મેં આજુબાજુ જોયું પણ મને તેની સાથે કોઈ હોય એવું દેખાયું નહિ. મેં તેના વિશે દુકાનદારને પૂછ્યું.”
“ખબર નહિ તે કયા આસમાન પરથી ટપક્યો છે,” દુકાનદારે ચિડાઈને જવાબ આપતા કહ્યું. “તે અહી છેલ્લાં ત્રણ દિવસથી ઉભો છે. મેં તેને પહેલા દિવસે અને કાલે તો ખાવાનું આપ્યું, પણ હું કઈ રોજ ન આપી શકું. તે મારી દુકાનની બહાર સુઈ રહે છે. અને તે એક મરેલા ઉંદર જેવો ગંધાય છે, અને અહી તેની સતત હાજરી મારા ધંધાને પણ અસર કરે છે.”

“મેં સંદેશને પૂછ્યું કે તે આજુબાજુમાં કોઈને ઓળખે છે કે પછી તેને પોતાનો પરિવાર ક્યાં રહે છે તેની ખબર છે, તે પોતાનું સરનામું મને કહી શકે તેમ છે કે કેમ.” સુનીલે મને કહ્યું. “સંદેશ કશું કહી શકતો નહોતો. તે ફક્ત બબડતો અને ઊંચા સાદે રડતો હતો. મેં તેના ખિસ્સા તપાસી જોયા, તે ખાલી હતા. તેના કાંડે કે ગળે કશું બાંધેલું હતું નહિ. તે ખરેખર સહન ન થાય તેવી ગંધથી ભરેલો હતો. એ સ્પષ્ટ હતું કે તે કેટલાય દિવસોથી ખોવાઈ ગયો હતો. મેં તેને દુકાન પાસે જ બેસાડીને ધરાઈને ખવડાવ્યું અને પછી મારી સાથે લઇ આવ્યો. પેલા ઓફિસરે મને તેમના સમોસા આટલા મોડા લઇને આવવા બદલ ખખડાવ્યો.

“મેનેજમેન્ટમાં કોઈને પણ વાત કર્યા વગર જ મેં એક નાનો કોઠારરૂમ સાફ કરીને તેની પથારી ત્યાં લગાવી. મેં તેને ઘસીને નવડાવ્યો અને બીજા સાફ કપડા પહેરાવ્યા. ગમે તેમ કરીને મેં તેને મારા કપડા જ પહેરાવ્યા. મને એવું લાગ્યું કે તે મારો પુત્ર જ છે અને મારે જ તેની સંભાળ લેવાની છે. તે રાત્રે તે રજાઈમાં પેસીને ૧૬ કલાક સુધી સુઈ ગયો. મેં તેનું નામ સંદેશ રાખ્યું કારણકે તે એક ભગવાનનો જ સંદેશ હતો, મને એવું લાગ્યું.”

“થોડા અઠવાડિયા પછી, મેં મેનેજમેન્ટને વાત કરી,” સુનીલે વાત ચાલુ રાખતા કહ્યું, “તેઓએ મને સંદેશને મારી સાથે રાખવાની અને એ જ રસોડામાંથી જમાડવાની મંજુરી આપી. મેં તેને અહી એક નાની નોકરીએ રાખવાનો પ્રયત્ન કર્યો કારણકે તે હવે બિલકુલ સ્વતંત્ર રીતે છોડને પાણી રેડી શકે તેમજ માર્ગ વાળી શકે તેમ હતો. તે હવે પોતાની જાતે સ્નાન કરીને કપડા પણ પહેરી શકતો હતો. હું જયારે મારા ઘરે – કે જે બાજુના ગામમાં હતું- જાઉં ત્યારે તેને મારી સાથે લઇ જતો. તેને ઘરે તો વળી વધારે મજા આવતી.”

સુનીલે મને આગળ વાત કરતા કહ્યું તેને પોતાને એક પુત્રી અને પુત્ર પણ હતો, પણ તેને આ દુનિયા માટે કઈક કરવું હતું માટે તેણે એક બીજી ચાર વર્ષની બાળકીને પણ દત્તક લીધી હતી, કે જે તેમની કામવાળીની દીકરી હતી કે જે કેન્સરમાં મરી ગઈ હતી. તેની દત્તક બાળકી ખુબ જ સારી કલાકાર હતી, તેવું કહેતા તો તેની છાતી ગર્વથી ફૂલી ગઈ. “તે ખરેખર તો મારા બીજા બન્ને બાળકો કરતા વધારે ડાહી છે અને મને ઘરકામમાં પણ મદદ કરતી હોય છે.”

“મને સંદેશ મળ્યા પછી મેં દરેક જગ્યાએ તેનું ચિત્ર વાળું ચોપાનિયું લગાવ્યું,” સુનીલે આગળ ચલાવતા કહ્યું. “વીજળીના થાંભલા ઉપર, ટ્રક પાછળ, બસ પાછળ, દુકાનોની બહાર, બસ-સ્ટેન્ડ પર, મને લાગે તેવી દરેક જગ્યાએ. મેં પોલીસ સ્ટેશનમાં અરજી પણ લખાવી. વર્તમાન પત્રમાં જાહેરાત પણ આપી કે જેથી કરીને મને તેના મા-બાપ કે તેના ભૂતકાળની કોઈ કડી મળી શકે, પણ કોઈ કરતા કોઈ આગળ આવ્યું નહિ. મેં આને ભગવાનની મરજી સમજી લીધી અને તેનો પિતા બની તેની કાળજી રાખવાનો નિર્ણય કરી લીધો.”

મારી આંખો ભરાઈ ગઈ. મેં તો જીવનનું કઈક ગુઢ સત્ય શોધી કાઢવા માટે મહિનાઓ અને વર્ષો ધ્યાન કરવામાં વિતાવી દીધા હતા અને અહી આ એક માણસ કે જે વાસ્તવિકતાની ધરતી ઉપર રહીને, ખરેખર સાક્ષાત દિવ્યતાને શ્વસી રહી હતો – જીવી રહ્યો હતો. મને તેના પ્રત્યે ખુબ ઊંડો આદર થઇ ગયો.

“અને ત્રણ વર્ષ પછી,” સુનીલે મને આગળ કહેતા કહ્યું, “એક દિવસે, અચાનક, મને ઓફીસમાં બોલાવવામાં આવ્યો કે જ્યાં એક યુગલ મને મળવા માટે આવ્યું હતું. તેમને સંદેશ પોતાનો પુત્ર હોવાનો દાવો કર્યો અને મને તેનું ખરું નામ કહ્યું. મને ખુબ જ મોટો આઘાત લાગી ગયો. સંદેશ વગરના મારા જીવનની કલ્પના જ હું કરી શકું તેમ નહોતો. તે પણ મારા પ્રત્યે ખુબ જ લાગણીથી જોડાયેલો હતો. તેમણે મને સંદેશના પરિવાર સાથેના પહેલાના પિક્ચર પણ બતાવ્યા. હું તેમને સંદેશના ઓરડામાં લઇ ગયો. જયારે તેઓએ સંદેશને અને તેના ઓરડાને જોયો ત્યારે તેઓ તૂટી ગયા. તેઓ કઈ કેટલીય મીનીટો સુધી પોતાના આંસુઓને ખાળી શક્યા નહિ. તે યુગલ મારા પગે પડી ગયું. ‘અરે અમે પોતે પણ તેની આટલી સારી કાળજી કોઈ દિવસ લીધી નથી. તમે તેના માટે એ કર્યું છે કે જે અમે એક મા-બાપ થઇને પણ નથી કરી શક્યા,’ તેમને મને કહ્યું. ‘તે આટલો ખુશ ક્યારેય નહોતો.’ તેઓએ તેને પૂછ્યું કે તે તેમની સાથે આવવાનું પસંદ કરશે કે કેમ પરંતુ સંદેશતો મને ખુબ જ જોરથી વળગી રહ્યો અને મને જવા જ ન દે. એ પછી હું તેને બે વાર તેના પરિવારને મળવા માટે લઇ ગયો કારણકે તેની દાદીમાં મૃત્યુ પામી રહી હતી અને તે તેને જોવા ઇચ્છતી હતી. સંદેશ તેમને તરત જ ઓળખી ગયો.”

“સુનીલ, હું જેટલા લોકોને મળ્યો છું તેમાં તું સૌથી વધુ સુંદર વ્યક્તિ છો.” મેં કહ્યું. “તું આ બધા સારા કર્મો તારા જીવનમાં ભેગા કરી રહ્યો છું. તારા જેવા લોકોની દુનિયાને ખુબ જ જરૂર છે. હું ખુબ ખુશ છું કે સંદેશને તું મળી ગયો – તેને સાચો પિતા.”

“બાબાજી,” સુનીલે ભીની આંખે બોલતા કહ્યું, “સંદેશના મળ્યા પછી મારું જીવન જ બદલાઈ ગયું છે. તે એટલો બધો નિર્દોષ છે અને દુનિયામાં જે લુચ્ચાઈ જોવા મળે છે તેનાથી બિલકુલ અજાણ. તેની અને મારા કુટુંબની સંભાળ લેવી તે એક માત્ર મારા જીવનનું લક્ષ્ય છે.”

હું હંમેશાં એવું કહું છું કે તમારા જીવનનું ધ્યેય શું હોઈ શકે કે શું હોવું જોઈએ તે હું તમને ન કહી શકું, આપણામાંનાં દરેક જણે તેને જાતે જ શોધવું પડે. જો કે હું તમને એટલું જરૂર કહી શકું કે જયારે લોકો પોતાના ધ્યેય વિશે વિચારતા હોય ત્યારે કઈ બે મોટી ભૂલો કરતા હોય છે. પ્રથમ, તેમને એવંક લાગતું હોય છે કે તેમનું ધ્યેય કશુક ખુબ જ મોટું હોવું જોઈએ. એવું કઈક કે જેના વડે તેઓ પાછળ કોઈ મોટી ધરોહર છોડી જાય કે તેઓ બીજા ઘણા બધા લોકોને મદદ કરે. (કોઈવાર તો શરૂઆતથી જ). બીજી ભૂલ એ કે, એક વખત તેમને તેમનું ધ્યેય મળી જશે ત્યારે તેઓ શાંતિ અને આનંદથી ભરપુર થઇ જશે.

જો તમારા ધ્યેયની વ્યાખ્યા આવી હોય તો તમને ક્યારેય તમારું ધ્યેય મળશે નહિ. જીવનમાં આવતી સામાન્ય સમસ્યાઓ, કોઈ વાર ચિડાઈ જવાય તેવી જીવનની પ્રકૃતિ, હતાશાઓ, આ બધું તો તમારા ધ્યેયના મળી ગયા પછી પણ ચાલુ જ રહેવાનું. એક જ વસ્તુ જે બદલાઈ જતી હોય છે તે છે તમારી પ્રેરણાની માત્રા. તમારું કારણ તમને આગળ ધપવાની પ્રેરણા પૂરું પાડતું રહે છે. જો તમે તમારા ધ્યેય માટે ગંભીર હોવ તો એક નાની શરૂઆત કરો, એકદમ નાની, એક વ્યક્તિથી. તમે જેટલું કર્યું હોય તેનાથી થોડું વધારે કરો, કદાચ તમે જે કઈ પણ ભૂતકાળમાં કર્યું હોય તેનાથી થોડી જુદું કરી જુઓ.

તમારું ધ્યેય તમને શોધતું આવે તેની રાહ ન જુઓ. ધ્યેય કોઈ દેવાની વસુલી કરનાર કે ક્રેડીટકાર્ડની ઓફર નથી કે વગર બોલાવ્યે આવે. ધ્યેય તો એક નોબલ પ્રાઈઝ જેવું છે. તમારે તમારું ધ્યેય જાતે કમાવવું પડશે. તેના માટે કામ કરો, તેના માટે તૈયાર રહો. એક ઓટીસ્ટીક સંદેશમાં સુનીલને પોતાનું ધ્યેય મળી ગયું જયારે પેલા દુકાનદારને તે એક પરેશાની સમાન લાગતો હતો. તમે જીવન પ્રત્યે કેવી રીતે જુઓ છો તેના ઉપર બધો આધાર છે.

એક વખત તમને તમારું ધ્યેય મળી ગયા પછી, તેને પૂરું કરવા માટે કામ કરતા રહેવાથી પરિપૂર્ણતા તમારા જીવનમાં આવતી હોય છે. તમારું ધ્યેય તમને એક એવા પાગલપણાની ભેટ આપે છે કે જેની જરૂર આપણને સૌને આ દુનિયામાં આગળ ધપવા માટે પડતી હોય છે.

એક દિવસે હું મારા હાથમાં સેનિટાઈઝર લગાવી રહ્યો હતો જયારે સ્વામી વિદ્યાનંદે (કે જે એક ખુબ જ વ્હાલા સંન્યાસી છે અને મારી અંગત સેવામાં છેલ્લાં ૬ વર્ષથી જોડાયેલા છે), મને નિર્દોષતાથી તેમની દક્ષિણ-ભારતીય છાંટ વાળી હિન્દીમાં પૂછ્યું, “સબ જર્મ્સ મર ગયા?”
“હા, સ્વામીજી, ૯૯.૯% ઇસ લેબલ કે અનુસાર”
“કહાં ગયા?”
“કૌન કહાં?”મેં થોડું વિસ્મય પામતા પૂછ્યું.
“મરા હુઆ જર્મ્સ કહાં ગયા?”
“અરે વો તો અભી ભી મેરે હાથમેં હી હૈ, સ્વામીજી.” હું હસી પડ્યો. “મુઝે માનના પડેગા કી આપકે પૂછને સે પહેલે મૈને કભી ભી મરે હુએ માઈક્રોબ્સ કા ક્યાં હોતા હૈ વો નહિ સૌચા થા.”

ત્યાર બાદ હું ક્યારેય તે હેન્ડ સેનીટાઈઝર તરફ એ જ દ્રષ્ટીથી જોઈ શકતો નથી. નિ:શંક, મરેલા જંતુ બિનહાનિકારક હોય છે, પરંતુ હજી પણ હતા તો મારા હાથ ઉપર જ. અને વધુમાં એ મરેલા પણ હતા.

આવુ જ તમારા કર્મો માટેનું પણ છે, આપણે આપણા ભૂતકાળના કર્મોનો નાશ ન કરી શકીએ. તે તો આપણી સાથે જ રહેતા હોય છે, આપણી ઉપર અને આપણી આજુબાજુ જ. દરેક શબ્દ જે આપણે ઉચ્ચારીએ, દરેક કાર્ય જે આપણે કરીએ, દરેક વિચાર જેને આપણે અનુસરતા હોઈએ છીએ, તે બધું જ ભેગું થતું જતું હોય છે.

તમારા સત્કર્મોને વધારો. ભલાઈનું નાનું એક કર્મ, લાગણીભર્યો એક હાવભાવ, કરુણાથી બોલાયેલો એક શબ્દ, કોઈને કરેલી કોઈ પણ પ્રકારની એક મદદ. કોઈ વૃદ્ધ કે અપંગ વ્યક્તિને રસ્તો ઓળંગવામાં કરેલી મદદ, કે પછી એરપોર્ટ પર ચેક-ઇન માટેની કતારમાં તમારી પાછળ ઉભેલી એક બાળક સાથેની સ્ત્રીને તમારા પહેલા જવા દેવા જેટલી ભલાઈ, આ બધું જ આપણા જીવનનું એક ધ્યેય બની શકે છે. આ કર્મો આપણને એવા સમયે સારા બની રહેવાની તાકાત પૂરી પાડે છે જયારે આપણી આજુબાજુની દરેક વસ્તુ આપણને તેનાથી વિપરીત બની રહેવા માટે કોણી મારી રહી હોય.

સારા બનો. માનવ બનો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email