હું જ શા માટે? મને હજી સુધી કોઈ એવું મળ્યું નથી કે જેણે આ સવાલ પોતાના જીવનમાં ક્યારેય કર્યો ન હોય. મારી પાસે જેટલા પણ લોકો પોતાની દુઃખભરી દાસ્તાન લઇને આવે છે તેઓ કહેતા હોય છે, “મારી સાથે જ આવું કેમ થાય છે?” આ એક કુદરતી સવાલ છે; આપણે બધાએ આ બાબત પર વિચાર કરેલો છે. ચાલો હું તમને એક વાર્તા કહું.

આર્થર એશ (૧૯૪૩ – ૯૩) એક અસામાન્ય ટેનીસ રમતવીર હતો જે ભરપુર આશાવાન હતો. ૩૩ કરિયર ટાયટલ સાથે કે જેમાં ૩ ગ્રાન્ડ સ્લામ સામેલ હતા, તે પોતે ૧૯૬૮માં દુનિયાનો પ્રથમ ક્રમાંકનો રમતવીર હતો. ૩૬ વર્ષની ઉમરમાં જ જો કે જયારે તે ટેનીસ ઉપર એક વર્ગ લઇ રહ્યો હતો ત્યારે તેને એક હૃદયનો જોરદાર હુમલો આવ્યો. આ એક ખુબ જ આઘાત લગાડે તેવું હતું કેમ કે આર્થર પોતે દુનિયાના કોઇપણ એથ્લેટ જેટલો જ સ્વસ્થ અને સ્ફૂર્તિલો હતો. એ જ વર્ષે, તેને ચાર વાર બાય પાસ સર્જરી કરાવવી પડી. તેની પોતાની જે જીવન જીવવાની રીત હતી તે ખતમ થઇ ગઈ. તેને દરેક બાબતને હળવી રીતે લેવી પડતી, ટેનીસ કોર્ટમાં હવે જોરથી કુદકા મારી શકે તેમ નહોતો અને એવું બીજું બધું અનેક. તે હવે જીવન સાથે એક શરતમાં આવી ગયો હતો.

આટલું જાણે પુરતું ન હોય તેમ, તરત તેની સર્જરી બાદ, આર્થરને તેના જમણા હાથે લકવો થઇ ગયો. વધુ ટેસ્ટ કરાવતા ખબર પડી કે પોતે HIV પોઝીટીવ પણ છે. તેના માટે આ ખુબ જ ભયંકર બાબત હતી કેમ કે આ રોગ તેને પોતાના કોઈ પણ જાતના વાંક વગર મળ્યો હતો. તેના ડોકટરે જણાવ્યું કે જયારે તેની બીજી વખતની બાય પાસ સર્જરી થઇ ત્યારે તેને જે લોહી ચડાવવું પડ્યું હતું તે વાસ્તવમાં HIV ઈનફેક્ટેડ હતું.

તરત જ, દુનિયાભરના તેના ચાહકો અને બીજા અનેક લોકો તરફથી તેના ઉપર સહાનુભુતિના પત્રોની વર્ષા થવા લાગી. અસંખ્ય લોકો તેને પૂછતાં હતા, “આર્થરની સાથે જ આવું કેમ બન્યું? તારી સાથે જ કેમ? ભગવાન તારી સાથે આવું કેમ કરી શકે?”

આ રમતવીર જો કે, પોતાના માટે ભવિષ્યના પેટાળમાં હજી શું છુપાયેલું છે તેના વિચારથી થોડો ડરતો હતો, તેમ છતાં જો કે તેને નિડર તેમજ સહનશીલતા ભર્યો જવાબ આપ્યો:

“દુનિયાભરમાં ૫૦ મિલિયન બાળકો ટેનીસ રમવાનું સ્વીકારે છે, અને તેમાંથી ૫ મિલિયનથી પણ ઓછાને ટેનીસની પ્રાથમિક તાલીમ ઉપલબ્ધ હોય છે. આ ૫ મિલિયનમાંથી, લગભગ ફક્ત ૧૦%, કે ૫૦૦,૦૦૦, ને જ ટેનીસ એક વ્યાવસાયિક પણે રમવાનું શીખતા હોય છે. તેમાંથી લગભગ ૫૦૦૦૦થી ઓછાને સર્કીટ Aમાં રમવાનું મળતું હોય છે. ૫૦૦૦ જેટલા સ્પર્ધકો ગ્રાન્ડ સ્લામ માટે હરીફાઈમાં હોય છે અને ભાગ્યે જ ૫૦ જણા વિમ્બલડન સુધી પહોંચતા હોય છે. હકીકતમાં ફક્ત ૪ જણા સેમીફાઈનલ સુધી અને ફક્ત ૨ જણા ફાઈનલમાં પહોંચતા હોય છે. અને કલ્પના કરવા માટે કોઈ ઇનામ નથી કે ફક્ત એક જ જણને કપ ઉચકવાનો મળતો હોય છે. ફક્ત એક વિજેતાને જ.

“આટલા વર્ષો સુધી, મને જે સફળતા મળી છે અને જેટલી વાર પણ મેં વિજયનો કપ ઊંચક્યો છે, ત્યારે મેં ક્યારેય એ સવાલ નથી કર્યો, ‘હું જ શા માટે?’ જયારે ઈશ્વરે મને વિજય અને ખુશી આપી હતી, ત્યારે એકપણ વાર મેં એમ નહોતું પૂછ્યું કે હું જ કેમ? અને હવે જયારે મને આ રોગ મળ્યો છે, ત્યારે હું કયા આધારે તેને ચુનોતી આપું? હું જ શા માટે એ હવે શા માટે પૂછવાનું?”

મોટાભાગે આપણે આપણી અંધકારમય ક્ષણોમાં જ એવું પૂછતા હોઈએ છીએ કે હું જ શા માટે. આપણે કદાચ આપણા સારા સમયમાં પણ એવું પૂછતા હશું કે હું જ શા માટે, પણ આ કૌતુક આપણે જયારે હતાશ હોઈએ ત્યારે કરીએ તેના જેવું તો નથી જ હોતું. આપણે ત્યારે ફરિયાદ નથી કરતા જયારે હવામાન ઉજાસ વાળું અને આલ્હાદક હોય. આપણને નવાઈ લાગી શકે પરંતુ આપણે ફરિયાદ નથી કરતા હોતા. આપણા હૃદયમાં ઊંડે ઊંડે આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણી સાથે જે કઈ પણ સારું બની રહ્યું છે તેને તો આપણે લાયક જ છીએ, આપણે તે જાતે કમાવેલું હોય છે.

લોકો મને પ્રેમ કરે છે કારણ કે હું કેટલો સારો/સારી છું, મારી કંપની મને સારું વળતર આપે છે કેમ કે હું બદલામાં કામ એવું કરી આપું છું, મારી પાસે વારસામાં સંપત્તિ છે કેમ કે હું મારા સારા કર્મોના લીધે થઇને શ્રીમંત કુટુંબમાં જન્મ્યો છું. પરંતુ, જયારે લોકો મને પ્રેમ ન કરે, તો તે એટલા માટે કે તેઓ કૃતઘ્ની છે. મને હું લાયક હોય તેટલું વળતર નથી મળી રહ્યું કેમ કે કોઈ મારા કામની કદર જ કરતુ નથી. મારી પાસે વારસામાં કોઈ પૈસો નથી કેમ કે મારા માં-બાપે કશું કામ જ કર્યું નથી. વિગેરે વિગેરે. તમને આ ભેદ દેખાયો?

અડધા ખર્ચે બમણી ઉજાણી કરવા માટે થઇને, એક કુટુંબમાં એક જ સમયે બે લગ્નો લેવાયા. તેમની દીકરીના લગ્ન એક ડોક્ટર સાથે થયા અને તેમનો પુત્ર એક કલાકાર સાથે પરણ્યો.

“તમારી વહુ કેવી છે?” ઘરની સ્ત્રીને કોઈએ ચાર મહિના પછી પૂછ્યું.
“અરે બાપા! ક્યાંથી શરૂઆત કરવી તે જ ખબર નથી પડતી,” તેને વધારીને કહેતા કહ્યું. “ આખો દિવસ, તે ઘરમાં બેસી રહે છે, કશું કરતી નથી. દર અઠવાડિયે તેને બહાર જમવા જવું જ પડે. તે અમુક બ્રાંડના જ કોસ્મેટીક્સ વાપરે. તે મારા દીકરાના પૈસા પોતાના કપડા અને વેકેશન ઉપર ખર્ચાવે છે. તે ખરેખર માથાના દુઃખાવા જેવી છે.”

“આ તો બહુ ખરાબ કહેવાય,” તેમની બહેનપણીએ સહાનુભુતિ દાખવતા કહ્યું. “હું આશા રાખું કે ઓછા નામે તમારી દીકરી તો તેના નવા ઘરે સુખી હોય.”
“અરે, તે તો ખુબ જ ખુશ છે!” પેલી સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, તેની પોતાની આંખો પણ આનંદથી ચમકી ઉઠી. “મારા જમાઈ તો તેનું ખુબ જ ધ્યાન રાખે છે. તે તેને બિલકુલ કામ કરવા દેતા નથી, તેને તો દર અઠવાડિયે બહાર જમવા અને પિક્ચર જોવા લઇ જાય, અને તેને ફક્ત બ્રાન્ડેડ વસ્તુઓ જ લઇ આપે. છેલ્લાં ચાર મહિનામાં ૩ વાર તો તે બહાર ફરવા પણ જઈ આવ્યા! તેને તો ખુબ સારું મળ્યું છે.”

આપણે આપણી અનુકુળતા મુજબ આપણા અભિપ્રાયો બદલી નાંખતા હોઈએ છીએ. આ મર્યાદિત અને આત્મકેન્દ્રી દ્રષ્ટિકોણ સાથે, આપણે ક્યારેય સુખી કે ખુશ શકીએ નહિ. આત્મકેન્દ્રી દ્વારા મારા કહેવાનો અર્થ સ્વાર્થ સાથે કે પછી ફક્ત પોતાના વિષે જ ચિંતિત રહેવા પ્રત્યેનો નથી. ઉલટાનું આત્મકેન્દ્રી શબ્દ દ્વારા હું એવું કહેવા માંગું છું કે આપણે આપણી જાત વિષે બહુ ઉંચો અભિપ્રાય બાંધીને બેસી જતા હોઈએ છીએ, આપણે આપણને બહુ વધુ પડતું મહત્વ આપીએ છીએ. આપણામાંના મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે આપણે અન્ય કરતા વધુ હોશિયાર છીએ, આપણું કામ બહુ જ મહત્વપૂર્ણ છે અને કોઈક રીતે આપણે બહુ જરૂરી છીએ. આ મર્યાદિત દ્રષ્ટિકોણથી આપણને હું જ શા માટે તે પ્રશ્નનો ઉત્તર નહિ પામી શકીએ.

વધુમાં, અને વધારે અગત્યનું, હું તમને, પૂર્વીય અને પાશ્ચાત્ય ધર્મો અને ફિલસુફીના અનેક પુસ્તકો કે જે દુનિયાનાં તમામ મોટા ધર્મો અને ફિલસુફીઓને આવરી લે છે તે તમામનો અભ્યાસ કર્યા પછી એટલું ચોક્કસ કહી શકું કે, તેમાનું કશું પણ એ પ્રશ્નનો જવાબ આપી શકે તેમ નથી. દરેક પાસે એક પરિકલ્પના જરૂર છે, પણ કશો જવાબ નથી. કર્મ, ભૂતકાળનો પશ્ચાતાપ, જ્યોતિષશાસ્ત્ર, અતીન્દ્રિય દ્રષ્ટી, કોઈ અતીન્દ્રિય સંવેદી વ્યક્તિ, તેમાંનું કશું કે કોઇપણ તમને તે જવાબ નહિ આપી શકે. અને આ રહ્યું તેનું કારણ:

સઘન ધ્યાનના લાંબા ગાળા દરમ્યાન, મેં આ સવાલનો જવાબ મેળવવા માટે કે તેના વિષે કઈક અંત:દ્રષ્ટી મળે તે માટે તેના ઉપર ચિંતન કરેલું છે. સત્ય એ છે કે, કોઈ જવાબ છે જ નહિ, કોઈ અંત:દ્રષ્ટી પણ નહી સિવાય કે આપણો કાબુ કશા ઉપર ચાલતો નથી. આપણા જીવનની થોડી બાબતો સિવાય બીજા કશામાં ભાગ્યે જ આપણો મત ચાલતો હોય છે. જયારે કુદરત એક વિશાળ પરિમાણ ઉપર ખુબ જ નિર્દયભરી ચોક્કસાઈથી ચાલી રહ્યું છે. આપણી સાથે શું થશે તેના વિષેની ગૂંચવી નાંખે તેવી, અરે પરેશાન પણ કરી મુકે તેવી એક અણધારીતા આપણી આજુબાજુ અને ચારેકોર છવાયેલી રહે છે.

અરે, દરેક સારા કર્મો, ઈરાદાઓ અને પસંદગીઓ સાથે પણ, તમે એક હાઇજેક થયેલા વિમાનમાં આવી જાવ છો કે જે આગલી થોડી ક્ષણોમાં જ રાખ થઇ જવાનું હોય છે, ને કાં તો તમે એક બિલ્ડીંગ ઉપર તમારું પ્રમાણિકતાથી કામ કરી રહ્યાં હોવ છો જ્યાં આ વિમાન જઈને ટકરાવાનું હોય છે. તમે કોઈ પીડા આપનાર, બળાત્કારી કે લુટારાના હાથનો શિકાર પણ થઇ જઈ શકો છો. તમે તમારી નવી નક્કોર ગાડી રસ્તા પરના તમામ નિયમોનું પાલન કરતા ચલાવતાં જઈ રહ્યા હોવ છો ને કોઈ દારૂડિયો તમારી ગાડી સાથે અથડાઈને તમને એટલી ઈજા પહોંચાડી જાય છે કે તમે સાજા પણ થઇ શકો તેમ નથી રહેતા. એ ગાડી કે જે તમે તમારા પરસેવાની કમાણી ઉપર લીધી હતી, એ શરીર કે જેને તમે વર્ષો સુધી સાચવ્યું હતું, તેને હવે એટલું નુકશાન પહોંચી ગયું હોય છે કે તેને હવે સરખું પણ કરી શકાય તેમ નથી હોતું.

હું એવું નથી કહી રહ્યો કે કર્મના સિદ્ધાંતમાં કોઈ તથ્ય નથી રહેલું, પણ જેમ કે મેં પહેલા પણ જણાવ્યું છે, તે કોઈ સૌથી મહત્વનો કે અંતિમ સંપૂર્ણ જવાબ હોય તેવું નથી. તે કઈ દરેક બાબતના જવાબ જેવું પણ નથી. આપણા જીવનમાં આપણી સાથે જે કઈ પણ ઘટે છે તે કઈ એટલા માટે નહિ કે આપણે કશુંક ખરાબ કરેલું હોય છે (કે સારું કરેલું હોય છે) અને માટે તેને લાયક હોઈએ છીએ. તેમાં કોઈ શા માટે આમ કે શા માટે આમ નહિ નો સવાલ જ નથી. સારા લોકો જોડે ખરાબ કાયમ થતું રહેતું હોય છે. ધૂર્ત વ્યક્તિઓ નેતા બની જાય છે. સંતોને સજા થાય છે અને પાપીઓને હાર પહેરાવાતો હોય છે. મોટાભાગનું આપણી જોડે જે થાય છે તે નિ:શંક આપણી પસંદગીઓ અને કર્મોથી અસર પામતું હોય છે, પરંતુ કોઈવખત કશુક બસ આમ અણધાર્યું જ ઘટી જતું હોય છે. તે કદાચ જીવન બદલી નાંખનારો પ્રસંગ હોય શકે કે પછી બિલકુલ નહીવત જેવું. જ્યાં સુધી કુદરતનો સવાલ છે, તો તેમાં આ એક નાનકડી અમથી ઘટના છે. મોટાભાગના ભૂકંપો થોડી ક્ષણોથી વધુ નથી ચાલતા અને તેમ છતાં હજારો જીવનો નાશ થઇ જતો હોય છે. અરે રસ્તા ઉપરનો અકસ્માત પણ એક ક્ષણમાં થઇ જતો હોય છે. કુદરતની આંખમાં આ એક માત્ર પ્રસંગ તરીકે ઘટી જાય છે, પછી ભલે ને તમારા માટે તેમાં જીવનભર અપ્રત્યક્ષ પરિણામ કેમ ભોગવવાનું ન રહેલું હોય.

બીજા શબ્દોમાં, હું જ શા માટે, તે કદાચ એક કુશળ રીતે કોઈ પરિકલ્પના દ્વારા, કોઈ આશ્વાસન દ્વારા, સમજાવી શકાય, તેમ છતાં જો કે, તે કોઈ કાયમી જવાબ નથી. આ જેટલું જલ્દી આપણી સમજી લઈએ, તેટલા જ વધુ આપણે જીવનમાં કુદરતી થઇ શકીશું.

હું આ લેખ એક પીપળાના વૃક્ષ નીચે બેસીને લખી રહ્યો છું જ્યાં સ્વર્ગીય પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક છોડ નાચી રહ્યા છે જયારે અમુક મંદમંદ હાલી રહ્યાં છે. એક શ્વાન ૮ રોટલી (ઘી ચોપડેલી) ખાઈને સંતુષ્ટિથી મારી બાજુમાં બેસી રહ્યો છે. ત્રણ નોળિયા બાજુમાં રમી રહ્યા છે અને બીજા ચાર ખોરાક માટે ફાં ફાં મારી રહ્યા છે. એક બિલાડી ઈરાદાપૂર્વક પોતાના શિકાર તરફ નજર તાકીને બેસી રહી છે: એક પંખી તરફ કે જે નીચી ડાળ ઉપર બેઠેલું છે. ખળખળ વહેતી નદીનો અવાજ સતત ચાલુ છે જાણે કે કુદરતનું ચક્ર. અમુક પુષ્પો ખુશ જણાય છે, તો કેટલાક તટસ્થ. પાંદડાઓ ફડફડી રહ્યાં છે અને કુદરતની શકિત અને વિજયને જાણે વધાવતા ન હોય. દરેક મિનીટે એક પર્ણ ખરીને નીચે ઘાસ પર પડે છે. કેટલાંક પર્ણો સુકાઈ ગયેલા છે અને તેમની ઉમરની પેલે પાર વીતી ગયેલા છે, છતાં પણ તે ડાળીને ચોટીને રહેલા હતા, જયારે કેટલાંક લીલા પર્ણો નીચે પડી ગયા હતા. શા માટે?

શા માટેનો અહી કોઈ સવાલ નથી.

કુદરત પોતાનું જીવન જીવી રહ્યું છે. બિલાડીઓ, કુતરાઓ, વૃક્ષો, કંકરો અને નદીઓની જેમ આપણે પણ આ બ્રહ્માંડીય શરીરનાં નાના કોશ માત્ર છીએ. એક અમર્યાદિત સર્જનમાં રહેલું એક મર્યાદિત અસ્તિત્વ. એક અનિશ્ચિત ઘરમાં નિશ્ચિત સમય માટેનો ઠહેરાવ. એક અલિખિત નાટક. ખુશ થઇને ભજવો કે પછી નાખુશ થઈને, આપણે ભજવવું તો પડશે જ. The show must go on.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email