સમય હતો મેં ૧૯૮૬, હું ત્યારે સાડા છ વર્ષનો હતો અને હમણાં જ બીજા ધોરણમાં આવ્યો હતો. ભણવાનું ખુબ જ નીરસ હતું. બધાં તાસ એક જ વર્ગશિક્ષક દ્વારા લેવાતા હતાં. દરરોજ, બધાં જ વિષયનું, અમે જે નિશાળમાં ભણ્યા હોઈએ, તે જ વસ્તુનું ઘરે જઈને મારે પુનરાવર્તન કરવાનું રહેતું. આ હોમવર્ક હતું. રોજેરોજ. ઉદાહરણ તરીકે, જો મેં નિશાળમાં પાંચ દાખલા ગણ્યાં હોય અને અંગ્રેજીનાં ચાર વાક્યો લખ્યા હોય, તો ઘરે આવીને મારે તે જ વસ્તુને ફરીથી લખવાની રહેતી.

આવું મેં થોડા અઠવાડિયા સુધી તો કર્યું પણ પછી તો એમાંથી બિલકુલ રસ જ ઉડી ગયો. મને લાગ્યું કે હું મારા શિક્ષક કરતાં વધારે હોશિયાર છું, અને તેમની સૂચનાનું પાલન કરવાની કોઈ જરૂર નથી. આખરે હું જે વર્ગમાં કરું છું અને ઘરે આવીને કરું છું તેમાં ફક્ત તફાવત એટલો જ છે કે એક C.W. (classwork) કહેવાતું અને બીજું H.W. (homework). હું જો મારી નોટની ડાબી બાજુએ જે C.W. છે તેને છેકીને જો H.W. કરી નાંખું તો તે થઇ ગયું હોમવર્ક.

આવડું મોટું ગહન જ્ઞાન થયાં પછી, મેં નક્કી કરી લીધું કે ઘરે અભ્યાસ કરવાની કોઈ જરૂર છે નહિ. જેવો હું ઘરે પહોંચું કે, સીધો મારી નોટબુક ખોલીને, C છેકી નાંખીને H લખી નાંખતો. થઇ ગયું હોમવર્ક. જયારે પણ મારા માતાપિતા પૂછતાં કે મેં મારું હોમવર્ક પૂરું કરી લીધું છે? ત્યારે હું મારું આત્મવિશ્વાસથી ભરેલું મસ્તક હલાવીને હા પાડતો અને મારી નોટબુક ખોલીને બતાવતો. આવું એક મહિના સુધી તો બરાબર ચાલ્યું. અને પછી તો જે અનિવાર્ય હતું તે જ ઘટ્યું.

“તમારી નોટબુક તપાસવા માટે જમા કરાવો,” મારા શિક્ષકે વર્ગમાં જાહેરાત કરતાં કહ્યું.
મેં અવગણવાની કોશિશ કરી જોઈ પરંતુ એ બહુ જ નાનો વર્ગ હતો. મેં મારી શિક્ષિકાને કહ્યું કે હું મારી નોટ ઘરે ભૂલી ગયો છું અને કાલે લઇ આવીશ. મેં એવી આશા રાખી હતી કે કાલે તો તે ભૂલી જશે, પણ તેઓ ભૂલ્યા નહિ. તેમને મને ફરી પૂછ્યું અને મારે મારી નોટ આપવી પડી.

“આ શું છે?” તેમને નોટબુકનાં પાના ફેરવતા પૂછ્યું. “આ બધું જ હોમવર્ક છે. તો પછી તારી કલાસવર્કની નોટબુક ક્યાં છે?”
તેમને લાગ્યું હશે કે મેં ક્લાસવર્ક અને હોમવર્કની જુદીજુદી નોટબુક બનાવી હશે.
“હું તે ઘરે ભૂલી ગયો છું,” હું ખોટું બોલ્યો. “હું કાલે લઇ આવીશ.”
હું એક હાશ તેમજ બીક અનુભવતો મારી બેઠક પર પાછો ફર્યો. બીજા દિવસે, હું માંદો પણ નહોતો, અને સાંબેલાની ધારે વરસાદ પણ નહોતો પડ્યો, કોઈ પ્રખ્યાત રાજકારણીનું ખૂન પણ નહોતું થઇ ગયું, મને પેટમાં પણ નહોતું દુઃખી રહ્યું, મારું માથું પણ બરાબર હતું માટે મારી પાસે નિશાળે નહિ જવાનું કોઈ બહાનું નહોતું. મારે નહોતું જવું પણ તેમ છતાં જવું પડ્યું.

“તારી નોટબુક ક્યાં છે?” જેવો વર્ગ શરુ થયો કે મારી શિક્ષિકાએ પૂછ્યું, કેમ જાણે એ મારી નોટબુક નહિ પણ તેમનો કોઈ બોનસ ચેક ન હોય કે જે જોવાની તે રાહ જોઈ શકતાં નહોતાં.

હું થોડો હિચકીચાયો અને મારી બેગમાં ફંફોળવાનો ડોળ કરવાં લાગ્યો.

“અહી આવ!” તેમને હુકમ કર્યો.
મારું હૃદય ધડકી રહ્યું હતું. હું તેમની પાસે મારું ડોકું નીચું રાખીને ખુબ જ ધીમેથી ચાલતો ચાલતો ગયો, હું નીચે જ જોઈ રહ્યો. મને સિમેન્ટનાં ફ્લોર પર પડેલા ધૂળનાં રજકણો દેખાયા અને જ્યાં બે લાદીઓ જોડાતી હતી તેમની વચ્ચે ચોકનો નાનો ટુકડો પડેલો દેખાયો.

“તારી નોટબુક ક્યાં છે?” તેઓ ચિલ્લાયા. સ્પષ્ટ હતું કે તે મારાથી ખુબ જ ચિડાઈ ગયા હતાં તેમ જ હતાશ પણ થઇ ગયા હતાં.
“મારી પાસે નોટ નથી.”
“નોટ નથી, તું કહેવા શું માંગે છે?”

મેં છેલ્લાં એક મહિનાંથી હું જે કરી રહ્યો હતો (C.W. નો C છેકીને H કરી દેતો હતો) તે કહ્યું. હું સોરી કહેવાની તૈયારી જ કરી રહ્યો હતો, ત્યારે જ, સટાક! અને તેમને મને એક તમાચો ચોડી દીધો.

મારી દુનિયા થંભી ગઈ, મારી આજુબાજુનું દ્રશ્ય અદ્રશ્ય થઇ ગયું.

આ એક અસાધારણ રીતે પડેલી એક જબરદસ્ત થપ્પડ હતી જેની મને બિલકુલ અપેક્ષા નહોતી. મારી ડાબી બાજુનો ગાલ ડંખી રહ્યો હતો અને બળી પણ રહ્યો હતો. મને આ પહેલા ક્યારેય થપ્પડ મારવામાં આવી નહોતી અને મને બિલકુલ ખ્યાલ નહોતો કે તે આટલું બધું દુઃખી શકે. વર્ગમાં એકદમ શાંતિ છવાઈ ગઈ કે એક ટાંકણી પડે તો પણ અવાજ આવે. ત્યાં હું મારું માથું નીચે ઝુકાવીને ચુપચાપ ઉભો હતો, એક શરમની લાગણી મારા ચહેરા ઉપર છવાઈ ગઈ હતી. હું કલંકિત થઇ ગયો હતો.

એક બાળક ગમે તેટલું મજબુત કે તોફાની કેમ ન લાગતું હોય, તે ગમે તેટલું સારી રીતે બધું કેમ સહન ન કરી લેતું હોય, સત્ય તો એ છે કે, શારીરિક માર તેમના આત્મ-ગૌરવને બિલકુલ નષ્ટ કરી નાંખે છે.

તે શિક્ષિકાએ મારી નોટબુકમાં એક મોટી નોંધ લખી કે હું ફક્ત એક બેજવાબદાર અને જુઠ્ઠો જ નહિ પરંતુ મેં છેતરપીંડી પણ કરી છે અને ક્યારેય મેં મારું હોમવર્ક કર્યું જ નથી. (સ્પષ્ટ હતું કે C.W. ને H.W. માં ન ગણી શકાય.) મને આ નોટબુકમાં મારા પિતાની સહી કરાવી લાવવાનું કહેવામાં આવ્યું.

એક લાંબો દિવસ પસાર થઇ ગયો અને હું ઘેર ગયો અને મેં મારી માતાને વિનંતી કરી કે પિતાને બદલે તે સહી કરી આપે. તેમ કરવાથી બધું સરળ થઇ જશે, મેં તેમને કહ્યું. પરંતુ, તેમણે નમ્રતાથી ના પાડી અને કહ્યું કે જયારે મારા શિક્ષણનો સવાલ હોય ત્યારે તેમને મારા પિતાથી સત્ય છુપાવવાનું નહિ ગમે. બીજું કઈ પણ હોત તો તેમણે ચલાવી લીધું હોત. “તારા પિતાને જે સત્ય છે તે કહી દે,” મારી માતાએ મને પ્રોત્સાહન આપતા કહ્યું.

એક અબુધ વાછરડાની જેમ, હું મારા પિતા પાસે ગયો અને શાળામાં જે થયું હતું તેનું તેમની સમક્ષ વર્ણન કર્યું. મેં તેમણે કહ્યું કે હું મારું હોમવર્ક નહોતો કરતો અને તેના માટે હું દિલગીર છું. મેં તેમણે સહી કરવા માટે નોટ આપી.

“તું ખરેખર દિલગીર છું?” તેમણે પૂછ્યું, “તું ફક્ત આ વાતને ટાળવા માટે નથી કહી રહ્યો, બરાબરને?”
“હું ખરેખર દિલગીર છું,” હું ગણગણ્યો.
“તું વચન આપે છે કે ફરીથી આવું નહિ કરે?” તેમણે મારી તરફ મૃદુતાથી જોયું, અને મને તેમની નજીક ખેંચ્યો, અને મારા માથે હાથ ફેરવ્યો.
“હા, પાપા.”
“હું આ વખતે સહી કરી આપું છું,” તેમણે મને હળવો દંડ આપતા કહ્યું, “પણ મહેરબાની કરીને ક્યારેય છેતરવાનું નહિ. જો કોઈ વખત, તને તારું હોમવર્ક કરવાનું મન ન થાય તો, કઈ વાંધો નહિ. તારે મને આવીને જેવું હોય એવું કહી દેવાનું. છેતરવાનો વિકલ્પ અહી નથી.”
મેં માથું હલાવ્યું. તેમણે મને નૈતિકતા ઉપર કોઈ મોટું ભાષણ આપ્યું નહિ. બસ આટલી જ વાતચીત માત્ર થઇ હતી.

“જો તમને કોઈ વાંધો હોય તો મને બોલાવજો,” મારા પિતાએ મારા શિક્ષિકાને લખ્યું, “પરંતુ, તમારે મારા બાળકને ફરીથી અડવાનું પણ નહિ. તમારે મારવાનું તો નહિ જ. બિલકુલ નહિ.”

હું શાળામાં મારું શીશ અધ્ધર રાખીને પાછો ગયો. મારા શિક્ષિકા નોંધ વાંચીને ગુસ્સે તો થયા, પણ શાંત રહ્યા. મારા પિતાનો ટેકો અને શબ્દો તે વખતે ખુબ જ શાંતિ તેમજ રાહત બક્ષનારા હતા, વાસ્તવમાં, તે શબ્દો મારા જીવનમાં સત્ય અને નિર્ભયતાના બીજ બન્યાં. મેં જાણી લીધું કે હું તેમની સાથે મારા વિચારો અને મારી ભૂલો કહી શકું છું. તે મને સમજવાનો પ્રયત્ન કરશે અને મને મારી ભૂલ બદલ કે કોઈ કામ બદલ સજા નહિ કરે તેટલું માત્ર જાણવાથી જ તે મારી શક્તિના એક મોટા આધારસ્થંભ સમાન બની ગયા.

જયારે આપણે જન્મતા હોઈએ છીએ ત્યારે આપણા પ્રથમ આદર્શ આપણા માં-બાપ હોય છે. નિ:શંક મા-બાપ તરીકેનું કામ તે દુનિયાની સૌથી અઘરી નોકરી જેવું છે (અરે એક પતિ કે પત્ની બની રહેવા કરતા પણ). અને એ હકીકત છે કે મા-બાપનું વર્તન – બીજા તરફનું, તેમના સંતાનો પ્રત્યેનું (તેમજ એકબીજા પ્રત્યેનું વર્તન પણ) – એ એકમાત્ર એવું તત્વ છે કે જે બાળકોમાં મૂળભૂત સદ્દગુણોને પ્રભાવિત કરી શકતું હોય છે. બાળકો તમારું અવલોકન કરતા હોય છે.

હું એમ નથી સુચવી રહ્યો કે મા-બાપે પોતાના બાળકોને હંમેશાં પંપાળતા રહેવું જોઈએ. (તે પણ તેમના સ્વસ્થ ઉછેર માટે એટલું જ હાનીકારક છે.) તમારે જયારે મક્કમ બનવાનું હોય ત્યારે તમારે તેમ બનવું જ જોઈએ. હું ફક્ત એમ કહી રહ્યો છું કે એક એવું કુટુંબ કે જેમાં સત્યને પ્રોત્સાહન મળતું હોય, જ્યાં ખુલ્લા મનથી વાતચીત થઇ શકતી હોય, જ્યાં બાળકોના મા-બાપની પસંદગી વિરુધ્ધના દરેક વર્તન માટે તેમને ભાષણો ન અપાતા હોય, તેવા કુટુંબમાં પ્રેમનું બંધન દરેકજણ માણી શકતું હોય છે. આવા કુટુંબમાં ઉછરેલા બાળકો જયારે મોટા થાય ત્યારે એક આત્મવિશ્વાસથી ભરપુર બને છે. આવા બાળકો એક કરુણામય પુખ્ત અને મહાન નેતા બને છે.

એક વિદ્યાર્થીએ આખી રાત પ્રાણીશાસ્ત્રની પરીક્ષા માટે તૈયારી કરી પણ જયારે તે સવારમાં ઉપસ્થિત થયો ત્યારે શિક્ષકે પરીક્ષાનું માળખું નવાઈ લાગે તેવી રીતે બદલી નાંખ્યું. ત્યાં અનેક પંખીઓના પાંજરા મુકેલા હતા. અને આ પાંજરાઓને એવી રીતે ઢાંકી દેવાયા હતા કે ફક્ત પક્ષીના પગ જ દેખાય. આ વ્યક્તિગત લેવાતી મૌખિક પરીક્ષા હતી.

“તમારે પંખીના પગ જોઇને તે કયું પંખી છે તે કહેવાનું છે,” શિક્ષકે જાહેરાત કરતા કહ્યું.

પેલો વિદ્યાર્થી ખુબ જ ગુસ્સે થઇ ગયો, તેને પોતાને આવી અપેક્ષા બિલકુલ નહોતી. તે પોતે પરીક્ષામાં ખુબ જ ખરાબ રીતે નાપાસ થયો અને ઝડપભેર ઓરડામાંથી બહાર નીકળી જવા લાગ્યો.

“ઉભો રહે!” શિક્ષકે બુમ પાડી, “તારું નામ શું છે? મારે માર્ક્સ આપવાના છે.”
“યાર તમે જ કહો ને!” પેલા વિદ્યાર્થીએ પાછા ફરીને, પોતાનું પેન્ટ ઊંચું કરતા જવાબ આપતા કહ્યું. “આ મારા પગ જોઈને મારા નામની કલ્પના કરી લો!”

મને નથી લાગતું કે આપણે અભ્યાસમાં રસ નહિ લેવા માટે ફક્ત બાળકોને સંપૂર્ણપણે જવાબદાર માની શકીએ, કારણકે આપણી વર્તમાન શિક્ષણ પધ્ધતિ ખુબ ઊંડેથી ખવાઈ ગયેલી છે. એ એક ઔદ્યોગિક સમાજ માટેની બનેલી છે, કોઈ સર્જનાત્મક સમાજ માટે નહિ. તે તમને એક સરેરાશ વિચારક જ બનાવે છે, જેથી કરીને તમે એક સરેરાશ સમાજ માટે ઉપયોગી બની રહી શકો. તે એક સુસંગતતાની માવજત કરે છે નહિ કે સંશોધનની. તમારી શોધખોળ, સંશોધન અને તમારું કૌશલ્ય એમ દરેક વસ્તુ હાલના શિક્ષણના ધોરણને જ વળગી રહે તેવું હોવું જોઈએ. શાળામાં ૮૦% થી વધારે જે કઈ પણ હું ભણ્યો છું તેનો મેં ક્યારેય મારા જીવનમાં ઉપયોગ કર્યો નથી. અને આ એક ઘણા બધા સમય અને અને શક્તિનો વેડફાટ કહેવાય. અને માટે તેમાં કોઈ નવાઈ ન કહેવાય કે શા માટે આપણે જીવનમાં પહેલાના કરતાં વધુ ને વધુ બેચેની અને ધ્યાનભંગતાનો અનુભવ કરતા થઇ ગયા છીએ. કારણકે આપણે જે ન ભણવું હોય તે ભણવું પડતું હોય છે, જે કારકિર્દી આપણને પસંદ નથી હોતી તેમાં જવું પડતું હોય છે, અને જેની આપણને ધ્રુણા હોય તેવું જ જીવન આપણે જીવવું પડતું હોય છે.

આમાંનું ઘણું બધું ટાળી શકાય તેમ હોય છે જો બાળકોને સમયસર તેમની પીઠ ઉપર શાબાશી મળતી રહે, પોતાના શિક્ષક તરફથી પ્રોત્સાહનના શબ્દ સાંભળવા મળતા રહે, મા-બાપ તરફથી સમજણની નિશાની મળતી રહે, થોડીક કરુણા, થોડી સમાનુભૂતિ. એક સરેરાશ મગજને અસાધારણ ચિંતક બનાવવા માટે બસ આટલાની જ જરૂર પડતી હોય છે. એક બાળકના જીવનમાં ભાઈ-ભાંડું, સહાધ્યાયીઓ, મિત્રો કે ધર્મ કરતા ફક્ત બે જણથી મોટાભાગનો ફરક પડી શકતો હોય છે, અને તે છે મા-બાપ અને શિક્ષક. અને ઘણી બધી વાર આ ભૂમિકા પરસ્પર બદલાતી પણ હોય છે.

એક માતા-પિતા તરીકે, કોઈ વખત કેટલીક વસ્તુઓ ઘણી બધી અઘરી પણ બની જતી હોય છે અને તમે ગુસ્સે પણ થઇ શકો. હું તમને તે માટે કોઈ ગ્લાની અનુભવો એવું નથી કહી રહ્યો. જો બાળકો ભૂલ કરી શકતા હોય તો મા-બાપ પણ ભૂલ કરી શકે. એક મોટું હ્રદય રાખી, તમારી ભૂલ સ્વીકારો અને પાછા પ્રેમાળ બની રહો.

તમે રાડો પાડીને કે ગુસ્સે થઇને તમારો મુદ્દો ગળે ઉતારી ન શકો. અંતે, પ્રેમ જ એકમાત્ર રસ્તો છે કે જેનાથી સામે વાળાને બદલી શકાય. તમે મક્કમ બની રહીને પણ પ્રેમાળ બની રહી શકો. જો તમે પ્રેમાળ અને ધીરજવાન બની રહેવા માટે કટિબદ્ધ હોવ તો તેઓ ચોક્કસ તમારી પાસે આવશે. આવી હોય છે પ્રેમની શક્તિ, અને મારા મત પ્રમાણે, પ્રેમ જ એક સારા વાલી બનાવાનો અને ઉત્તમ ઉછેર કરવાનો સાર છે. એક પ્રેમાળ મા-બાપનું સ્થાન કોઈ પણ વ્યક્તિ લઇ શકે નહિ.

થોડું હળવાશથી લો. જે કઈ પણ ભૂલ થઇ ગઈ હોય, એનાથી કઈ દુનિયાનો અંત નથી આવી જતો. જો તમારે તમારા બાળકને સત્યવાન અને નિર્ભય બનાવવું હોય તો તેના માટેનું ફળદ્રુપ વાતાવરણ સર્જો.

હળવા બનો, પ્રેમાળ બનો. કારણકે, જે પ્રેમમાંથી જન્મ્યું છે તેનું ફક્ત પ્રેમથી જ પરિવર્તન કરી શકાય.

મારે કઈક બીજું પણ કહેવાનું છે, હું મારી સૌ પ્રથમ સાહિત્યિક નવલકથાની જાહેરાત કરતા અત્યંત હર્ષ અનુભવું છું, જેનું નામ છે – ધ લાસ્ટ ગેમ્બિટ. જે હાર્પર કોલીન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. તેમાં એક યુવાનની અને તેના ચેસ માસ્તરની વાત છે. આશા રાખું છું કે તમને તે વાંચવી ગમશે. આ પુસ્તક હાલમાં કિન્ડલ અને પેપરબેક કોપીમાં ઉપલબ્ધ છે. આ રહી તેને ખરીદવા માટેની લીન્ક્સ:

૧. Flipkart :: Amazon India
૨. Amazon.com

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email