ઘણા બધા લોકો સાથેની મારી વાતચીતમાં અનેક લોકો મને ગૃહસ્થો માટે ધ્યાનની શરૂઆત અને આત્મસાક્ષાત્કારની સંભાવના વિષે પુછતા હોય છે. એક વાચકે નીચેના પ્રશ્નો પૂછ્યા હતા. આથી મને પણ મારા જવાબને લખીને વધુ વાચકો સુધી પહોંચાડવાની તક મળી છે. તો જોઈએ:

પ્રભુજી, પ્રણામ, અમારા જેવા નબળા મનનાં લોકોને દૈનિક જીવનમાં આવતા પડકારો વચ્ચે જીવવાનું માર્ગદર્શન આપવા આપ પુન: પધાર્યા છો, એનો મને અત્યંત આનંદ છે. સ્વામીજી, પરમ આંનંદ પામવા કે શુદ્ધ મનોસ્થિતિ મેળવવા માટે કઈ બાબતો જરૂરી છે? તેની શરૂઆત ક્યાંથી થાય છે? જેઓ સાંસારિક કટિબદ્ધતા અને જવાબદારીઓમાં બંધાયેલા હોય છે, તેઓ કઈ રીતે તેમાં કેન્દ્રિત થઈ શકે અને તે કટિબદ્ધતાને નિભાવી શકે? પોતાના જીવનમાં ઘણી બધી અશુદ્ધિઓમાંથી પસાર થયા બાદ આ કઈ રીતે શક્ય બને? – જય માતાજી.

પૂર્વ શરતો:

તમારા સાચા સ્વભાવને અનુભવવાની પ્રબળ ઈચ્છા અને પસંદ કરેલા આધ્યાત્મિક માર્ગ પ્રત્યેનું અચલ સમર્પણ – આ બંને પૂર્વશરતો છે. જો તમે પ્રકૃતિ અને આપણે લેખના અંતે આવેલા ૧૦ મુદ્દા વાંચશો તો તમને આ સમજાશે.
શરૂઆત:

જો તમે ધ્યાનના માર્ગ પર હોવ, તો દરરોજ ધ્યાનનાં અભ્યાસ માટે કટિબદ્ધ થાઓ, ભલે દિવસમાં બે વાર તો બે વાર. જો તમને તમારા ઇષ્ટદેવ કે ઈષ્ટદેવીનાં દર્શન કરવા હોય, તો પહેલા તમારે તેમની સાથે સંબંધ બાંધવો પડશે. ભલે મૂર્ખતા નહિ તો અતાર્કિક લાગે, તો પણ જયારે નામસ્મરણ કે જપ કરો ત્યારે તમારા ભગવાન માટે રડવાનું શરુ કરો. પરિણામ જોવા માટે પ્રયત્ન કરી જુઓ. તમે જે પણ કોઈ કાર્ય કરતા હોવ, તે તમારા ઇષ્ટને સમર્પિત કરવાં માંડો. ખાવાનું, શ્વાસ લેવાનું, જીવવાનું અને સુવાનું તે તમામ તમારા આરાધ્ય દેવ માટે જ કરતાં થાવ. આ એક ધીમો પરંતુ સચોટ રસ્તો છે પણ તે તમને ખુબ જ ઝડપથી શુદ્ધ કરશે.

નિર્ધાર:

આ પ્રાથમિકતા નક્કી કરવાની વાત છે. શું તમે મને તમારા દિવસમાં એક કલાક દરરોજ આપી શકો? જો એ ન કરી શકો, તો, હું જે કહું છું, તેના વિષે સતત ચિંતન કરવાનું કરી શકો, ઉદાહરણ તરીકે જયારે તમે વાહન ચલાવતા હોવ કે સ્નાન કરતા હોવ ત્યારે પણ? એ પણ ના કરી શકો, તો શું ટીવી જોવાનું કે વર્તમાનપત્રો વાંચવાનું બંધ કરીને તેટલો સમય આ માર્ગને આપી શકશો? જો આ પણ ન કરી શકાતું હોય, તો વર્ષના થોડા દિવસો ફક્ત સાધના માટે આપી શકશો, જેમ કે ધ્યાનની શિબિરની જેમ? તમને સીધું માર્ગદર્શન આપવાનું અને તમારી ઉપર નજર રાખવાનું મને ગમશે. જો આ પણ શક્ય ન હોય, તો શું ગમે તેવા સંજોગો કેમ ન હોય, કરુણા અને અહિંસાસભર વર્તન તેમજ જેટલું શક્ય હોય તેટલું સત્યનું પાલન કરી શકશો? અને જો આ પણ ન કરી શકો, તો તમારી સાથે કોઈ ગમે તેવી ભાવનાઓ કે લાગણીઓરૂપી વર્તન કેમ ન કરે, તમે તેનાં જવાબમાં ફક્ત પ્રેમ આપશો? કલ્પના કરી જુઓ કે જો તમે ઉપરનાં બધા રસ્તા અપનાવ્યા તો તમે ક્યાં પહોંચી જઈ શકો!

જો તમે શરૂઆતમાં જ સઘન પ્રયત્નો કરશો, તો વિશુદ્ધ થયેલી ઊર્જાનો પ્રવાહ જરૂરી પરિવર્તન આપોઆપ લાવશે. જો તમે આ માર્ગ પર ધીમા, મક્કમ અને સાચી રીતે ચાલશો, તો તેની તીવ્રતા વધારવાની ઈચ્છા આપોઆપ પ્રબળ બનશે. આથી જે કોઈ પણ માર્ગ પર ચાલશો તે માર્ગ તમને મુકામ સુધી લઈ જ જશે. અને એક તબક્કે કાયમી પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે તમારે સમર્પિત પ્રયત્નો કરવાની જરૂર પડશે. આના માટે ભવિષ્યમાં સમય કાઢીશું તેવા વિચાર કરવાને બદલે અત્યારે જ તમે તેના માટે કામ કરવાનું શરુ કરી દો. ઉપર જણાવેલા ઉપાયોમાંથી કોઈ પણ એક પર કે તે તમામ ઉપર અમલ કરવાનું શરુ કરી દો. મારા મત પ્રમાણે, મને આત્મપરિવર્તનની સંપૂર્ણ પદ્ધતિ આપવાનું ગમશે. તેના માટે ટુકડામાં વાત કરવી કે આગળ વધવું તે કઈ એટલું બધું ઉપયોગી નહીં રહે. અને આ આખી પદ્ધતિને એકઠી કરવા માટે મને થોડો સમય જોઈશે.

અશુદ્ધિઓનો ત્યાગ કરો:

મીઠા વાળા પાણી ભરેલા એક ગ્લાસની કલ્પના કરો. તમે આ પાણીમાંથી મીઠું દૂર કરવા માંગો છો. તેના માટે દ્રાવણને ઉકાળીને મીઠું દૂર કરવું અને એવા અન્ય પ્રયોગો કરી શકાય, જે ધાર્યું પરિણામ લાવશે. પરંતુ આ બધા માટે તમારી પાસે જરૂરી સાધનો અને સામગ્રી જોઈશે. સૌથી સરળ રીત ગ્લાસમાં તાજું પાણી રેડવાની છે જેનાથી થોડા સમયમાં ગ્લાસ છલકાવાનો શરુ થઈ જશે. જો તમે તેમાં તાજું પાણી રેડવાનું ચાલુ રાખશો તો ગ્લાસમાં કોઈ અશુદ્ધિ નહીં બચે અને ગ્લાસ ચોખ્ખા પાણીથી ભરાઈ જશે. આવી જ સ્થિતિ આપણા મનની પણ છે. જો તમને ધ્યાનની પદ્ધતિ (જે પાણીમાંથી મીઠું અલગ કરવાની સામગ્રી માંગી લે છે તેવી) માફક ન આવે તો તમે ભક્તિપૂર્ણ સંવેદનાઓ અને નૈતિક વિચારોરૂપી પાણી રેડવાની પદ્ધતિ અપનાવી શકો. બધી અશુદ્ધિઓ દૂર કરીને આ રીત તમને વિશુદ્ધ અને નિર્મળ બનાવશે.

આપણે ભૂતકાળ બદલી શકતા નથી, તેથી તમે એક મક્કમ નિર્ણય સાથે કોરી પાટીથી શરુઆત કરો અને પોતાની સાથે કડક વ્યવહાર ના કરો. ભૂતકાળમાં જે કંઈ પણ ઘટ્યું હોય, પણ જો તમે આત્મપરિવર્તન સુધી પહોચવા માટે આત્મશુદ્ધિની પ્રક્રિયામાંથી પસાર થવા માંગતા હોવ તો તમે તે ચોક્કસ કરી શકશો. હું એ પણ માનું છું કે ભાગ્યે જ એવા કોઈ ઋષિ હશે જેમણે કોઈ પાપ કે ભૂલ ના કરી હોય. અને જો તેવા ઋષિઓ હોય, તો પાપીમાંથી ઋષિ બનેલા લોકોના ઉદાહરણ પણ આપણી સમક્ષ છે જ. ઋષિ અને પાપી વચ્ચેનો પ્રાથમિક તફાવત ફક્ત એ જ છે કે ઋષિ નૈતિક વર્તન કરે છે અને દરેક લાગણીનો પ્રત્યુત્તર ફક્ત અને ફક્ત પ્રેમથી આપે છે. પાપી પ્રતિભાવ આપે છે, જયારે ઋષિ વગર અપેક્ષાએ આપતા જ રહે છે. તમને કરુણાપૂર્ણ વર્તન કરતાં તમારા પોતાના સિવાય કોઈ રોકી શકે તેમ નથી.

તમે જે કરી રહ્યાં છો તેમાં કોઈ બદલાવ ન લાવી શકો, તો પછી પ્રકૃતિ તમને જે બદલામાં મળી રહ્યું છે તે કેવી રીતે બદલી શકવાની હતી! આખરે આપણે જે વાવીએ છીએ, તેનું જ અનેકગણું લણતા હોઈએ છીએ!

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email