મહાન ઋષિ ચાણક્ય એક સર્વોત્તમ ચિંતક અને ભારતનાં મહાન રાજા ચંદ્રગુપ્ત મોર્ય (ઇસ. પૂર્વે ૩૨૧ – ૨૯૭)નાં અંગત સલાહકાર હતાં. ચાણક્ય જો કે વાસ્તવમાં, ફક્ત એક વિશ્વસનીય સલાહકાર જ નહી, પરંતુ એક રાજા નિર્માતા પણ હતાં કેમ કે તેમને ચંદ્રગુપ્ત કે જે એક સામાન્ય પરિવારમાંથી જ આવતો હતો તેની જવાબદારી જયારે તે એક નાનું બાળક હતો ત્યારથી જ લીધી હતી અને તેને એક સમ્રાટ બનવા સુધીની મુસાફરીમાં મદદ કરી હતી. તેઓ એક વખત યુવાન રાજાને સલાહ આપી રહ્યાં હતાં અને તેમની વચ્ચે નીચે મુજબનો સંવાદ થયો:

“એક રાજાનું જીવન બલિદાનોથી ભરપુર હોય છે. તેને બીજા માટે જીવવાનું હોય છે,” ચાણક્યે સૂરજ તરફ આંગળી ચીંધતા કહ્યું. “આપણી પૃથ્વી પરનું સમગ્ર જીવન ફક્ત એટલાં માટે અસ્તિત્વ ધરાવે છે કેમ કે આ સૂર્ય પોતે બળીને ગરમી અને પ્રકાશ પેદા કરે છે. અને નેતાઓ પણ આવું જ કરતાં હોય છે. જો, દરેક જણ કેટલું ખુશ છે જયારે સૂર્ય પ્રકાશી રહ્યો હોય છે. અનાજ પાકે છે, ફૂલ ખીલે છે અને વરસાદ પડે છે.”

“સહમત છું,” ચંદ્રગુપ્તે વિચારપૂર્વક જવાબ આપતાં કહ્યું. “પરંતુ, મારે જો દરેકજણને ખુશ કરવાનાં હોય, તો તેનો અર્થ એ થયો કે હું કોઈ ગુનેગારને પણ સજા ન કરી શકું. કારણકે કોઈ સજા મેળવીને ખુશ નથી થતું.”

“અહા!” ચાણક્યે વિસ્મય પામતાં કહ્યું. “એક રાજાએ ફક્ત બીજા વ્યક્તિનાં સુખનો જ વિચાર નથી કરવાનો હોતો પણ તેનાં હિતનો વિચાર પણ કરવાનો હોય છે. હિત એટલે એ કે જે તેનાં માટે સાચું અને યોગ્ય હોય. અને કોઈ વખત, જે સાચું હોય તે આપણને ખુશ ન પણ કરી શકનારું હોય. કોઈ વખત, આપણને કડવી ગોળી નથી ગળવી હોતી, પરંતુ માંદગીમાંથી સાજા થવા માટે તે જરૂરી હોય છે. એવી જ રીતે, ઘણાં નિર્ણયો, શરૂઆતનાં તબક્કે તકલીફ આપનારા લાગી શકે, પણ લાંબા ગાળે, તે ફાયદાકારી નીવડી શકે, આ છે ખરું હિત.”

અને આવા થોડા વધુ જ્ઞાનનાં રહસ્યો કહીને, ચાણક્યમુનિએ સાર કહેતા કહ્યું, “એક રાજાએ નિર્ણય કરતી વખતે સમગ્ર રાજ્યનો વિચાર કરવો જોઈએ નહિ કે ફક્ત એક વ્યક્તિગત ગુનેગારનો. પરંતુ એવું કરતી વખતે પણ, તારે તેમને કેવી રીતે સજા કરવી જોઈએ તે ન ભૂલવું જોઈએ.”

કોઈએ મને શિબિરમાં એક સવાલ કર્યો હતો અને તે સવાલથી મને આ વાર્તાની યાદ આવી ગઈ કે જે મેં હમણાં જ રાધા ક્રિશ્નન પિલ્લાઇની કથા ચાણક્ય નામનાં પુસ્તકમાં વાંચી હતી (થોડા ફેરફાર સાથે મેં અહી કીધી છે જો કે). હું જે વ્યક્તિને મળ્યો હતો તે ખુબ જ વ્યથિત હતો અને તેને કહ્યું, “મારે સત્ય બોલવું હોય છે પણ શું કરું જયારે મારું સત્ય જ કોઈને દુઃખ આપતું હોય, અને જો હું સત્ય ન બોલું તો તેનાંથી મને દુઃખ થતું હોય છે. મારું કુટુંબ બરાબર રહી શકે તે માટે બીજા પ્રત્યે કરુણા રાખીને શું મારે મારી જાતને જ દુઃખી કરતાં રહેવી? દાખલા તરીકે, શું કરુણાનો અર્થ એ છે કે મારે મારા બાળકોને નહિ વઢવાનું જયારે હું જાણતો હોય કે તેઓ ખોટા માર્ગે જઈ રહ્યાં છે કે પછી મારે મારા સાથીને પણ મને જે વાત તકલીફ આપી રહી હોય તેનાં વિશે વાત નહિ કરવાની?”

આ સવાલ ફક્ત આ વ્યક્તિનો જ નથી. આ એક એવી દ્વિધા છે કે જેનો સામનો આપણે બધાં જ દર અઠવાડિયે આવતી છાપાની પૂર્તિની જેમ નિયમિત રીતે કરતાં હોઈએ છીએ. વારંવાર અને નિયમિત.

કરુણા અને પ્રેમ એ ફક્ત શબ્દપુષ્પો વેરવાની વાત માત્ર નથી ખાસ કરીને જયારે એ ફક્ત ઠાલા શબ્દો માત્ર જ હોવાનાં હોય અને તમે પોતે જ જયારે દુઃખી થયાં હોય. અને સાથે-સાથે તેનો અર્થ એ પણ નથી કે તમારો મુદ્દો રજુ કરવાં માટે થઇને તમારે સામે વાળી વ્યક્તિને દુઃખ આપવું જ પડે. વધુમાં, અને સૌથી અગત્યનું તો એ કે, મને નથી લાગતું કે આપણે દરેક બાબતને ફક્ત એક જ ચશ્માં પહેરીને જોવી જરૂરી છે – કે કાં તો સામેવાળી વ્યક્તિ દુઃખી કરવી પડે ને કાં તો પોતાની જાતને. તમે એક અઘરી વ્યક્તિ સાથે અઘરો સંવાદ હળવી રીતે સાધી જ શકો. કોઈ વખત સામનો કરવો જરૂરી હોય છે, પરંતુ તમે કોઈનો સામનો પ્રેમપૂર્વક અને કરુણાસભર રહીને પણ કરી જ શકો. તમે કોઈપણ ઉપર આરોપ મુક્યા વગર પણ તમારો મુદ્દો રજુ કરી જ શકો.

કોઈપણ રીતે, કરુણા એ કોઈ સ્વીકૃતિ નથી, તે તો છે એક સમજણ. જયારે તમે બીજી વ્યક્તિએ શું કર્યું છે અને તેમનો ઈરાદો શું છે તે સમજો છો, ત્યારે તમે ખરેખર ગુસ્સે નથી ભરાતા. તમે કુદરતી રીતે જ તેમનાં પ્રત્યે એક સમાનુભૂતિ અનુભવો છો. સમાનુભૂતિ કે કરુણાનો અર્થ એ નથી કે તમે એક બાળકને આગ સાથે રમવા દો, કેમ કે તેને પકડીને દુર કરવાથી તે રડતું હોય છે. કોઈવખત, તમારે બધાનાં ભલા માટે થઇ, જતું કરવાં કરતાં મક્કમ બનવાનું પસંદ કરવું પડતું હોય છે.

ઝેન ગુરુ દોજનનાં શિષ્યોએ એક હરણને ખવડાવવાનું શરુ કર્યું કે જે ઘણી વાર મઠ તરફ આવી ચડતું હતું. શરૂઆતમાં તો એ પ્રાણી નજીક આવતાં અચકાતું હતું પણ થોડીવારમાં જ તે આ સંન્યાસીઓનું મિત્ર બની ગયું. દોજનને જેવી ખબર પડી કે તેને દુરથી એક પત્થર હરણ તરફ ફેંક્યો. સંન્યાસીઓ તો પોતાનાં ગુરુનાં આ હિંસક કૃત્ય જોઇને આઘાત પામી ગયા. તેઓએ તેમનો સામનો કરતાં કહ્યું આ કોઈ દયાનું કર્મ નથી.

“તમને શું લાગે છે તમે શું કરી રહ્યાં હતાં?” તેને પોતાનાં શિષ્યોને ઠપકો આપતાં કહ્યું. “આજે તમે એક હરણ સાથે મિત્રતા બાંધી રહ્યાં છો અને તરત તે મનુષ્યોનો વિશ્વાસ કરતું થઇ જશે. કાલે, તે એક શિકારીનાં હાથ તરફ પણ ચાલી જશે અને પોતાની હત્યા કરાવી બેસશે. આ કોઈ દયાનું કૃત્ય નહિ નહિ પણ નરી મુર્ખામીભર્યું કૃત્ય છે. આ એક જંગલનું પ્રાણી છે અને તેને ખબર છે કે જંગલમાં કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવીને રહેવું. અને તેને તેમ જ રહેવા દો.”

ચાણક્ય અને દોજન, આ બે સિવાય મને નથી લાગતું કે હું તમને કોઈ બીજું વધારે સારું ઉદાહરણ આપી શકું. તમે કઈ હંમેશાં કર્ણપ્રિય શબ્દો ન બોલી શકો કે હંમેશાં સામે વાળાનાં હૃદયને પુલકિત ન કરી શકો. કોઈ વખત, તમારે જે ઉપયોગી શબ્દો છે તે બોલવા પણ પડે કે જે સામે વાળાને સાંભળીને મજા આવે એવા ન પણ હોય. પણ તેમનાં પોતાનાં ફાયદા માટે, તમારે વ્હાલા લાગવાંને બદલે મદદરૂપ થવાનું પસંદ કરવું પડે.

એ એક અશક્ય વાત છે કે તમારા બધાં જ નિર્ણયો અને વાતચીતો શાતા આપનાર, સાંભળવા ગમે તેવાં કે ખુશ કરે તેવાં જ હોય. જોકે, તે કોઈ નિર્ણયો ટાળવા માટેનું એક કારણ બને તે પણ યોગ્ય નથી. જયારે તમે મક્કમ બનવાને બદલે અવગણવાનું કે સ્વીકાર કરી લેવાનું પસંદ કરો છો (ખાસ કરીને માતા-પિતા અને બાળકોનાં સંબંધમાં), ત્યારે તમે તમારા બાળકને મદદ નથી કરી રહ્યાં હોતા. નાં, હું એમ નથી કહી રહ્યો કે તમે હંમેશાં કાં તો મક્કમ બની રહો ને કાં તો હળવા બની રહો. તમે સંતુલન સાધતા થાવ.

કરુણાનો અર્થ એ નથી કે તમે કોઈ બીજાને તમારી સાથે ગમે તેમ વ્યવહાર કરવાની, ગાળો આપવાની કે તમારું અપમાન કરવાની મંજુરી આપો. જ્યાં તમારે મક્કમ બનવાનું હોય ત્યાં બનો જ, પરંતુ જેમ ચાણક્યે કહ્યું તેમ, ભલેને આપણે સામનો પણ કેમ ન કરવો પડે, આપણે તે ક્યારેય ભૂલવું ન જોઈએ કે આપણે તે (સામનો) કેવી રીતે કરવો જોઈએ. મોટાભાગે તે તમે શું કહો છો તેનાં વિશે નથી હોતું પરંતુ તમે કેવી રીતે અને કેટલું કહો છો તેનાં વિશે હોય છે. અને ક્યારે કહો છો, તે પણ ખરું.

તમે ફક્ત કેવું (how), કેટલું (how much), અને ક્યારે (when) તેની સંભાળ રાખશો તો પછી શું (what) કહેવાનું અને કોને (who) કહેવાનું તેની બહુ ચિંતા નહિ રહે. શું મહાન લોકોમાંથી આ જ નથી શીખવાનું? ઈશુનો વિચાર કરો, બુદ્ધનો વિચાર કરો, માર્ટીન લ્યુથર કિંગ કે ગાંધીનો વિચાર કરો. તમે કોઈને દુઃખ પહોંચાડ્યા વગર પણ તમારો મુદ્દો રજુ કરી જ શકો.

મુલ્લા નસરુદ્દીન પોતાની પત્ની સાથે એક લાંબી મુસાફરીએ નીકળે છે. તેઓ એક જગ્યાએ રાતવાસો કરવાં માટે રોકાય છે, ત્યાં એક જમવા માટેનું નાનું સ્થળ હોય છે. તેઓ બંને રાતનું જમણ કરવાં માટે બેસે છે. જયારે તેમની પત્ની શું ખાવું તેનાં વિશે વિચાર કરતી હોય છે, ત્યારે જ એક મચ્છર મુલ્લાનાં કાનમાં આવીને ગણગણ કરવાં માંડે છે. સટાક! અને મુલ્લાએ એક તાળીમાં મચ્છરને મારી નાંખ્યું.

“તમે કેટલા ક્રૂર છો,” તેમની પત્નીએ તેમને વઢતા કહ્યું. “તમારામાં જીવો પ્રત્યે કોઈ દયા જેવું જ નથી. એવું નહોતું કે એ મચ્છર તમને મારી નાંખવાનું હતું પણ જુઓ તમે તેને કેવી રીતે કચરી નાંખ્યું.”

મુલ્લાને ખુબ ખરાબ લાગ્યું અને એક ક્ષણ માટે તો એવું પણ થયું કે તેમની પત્ની સાચી છે. પોતે એક નાના જીવને મારી નાંખ્યું.

“તમે જમવામાં શું લેશો?” ચાકરે આવીને પૂછ્યું.
“જો જમવામાં ચીકન હોય તો,” મુલ્લાની પત્નીએ બોર્ડ ઉપર આંગળી ચીંધતા કહ્યું, “મારે બીજું કઈ ન જોઈએ. એક મોટું બટર ચિકન અને કબાબ.”

કોઈને ભાષણ આપવું બહુ સહેલું છે અને કોઈને પોતે તે કેટલા ખોટા છે તેનો અનુભવ કરાવડાવો પણ સહેલું છે. એક કહેવત છે કે આપણે આપણી પોતાની ભૂલોનાં વકીલ અને બીજાની ભૂલોનાં ન્યાયાધીશ બની જતાં હોઈએ છીએ.’

તમે સામનો કરી શકો, તમે તમારા માટે બોલી પણ શકો, પણ એક ક્ષણનો સમય લઇને ઊંડો વિચાર કરો. તમારે જે કહેવું છે તે કહેવું જ પડે તેમ છે? અત્યારે જ? તમે જે રીતે કહેવાનાં છો તે જ રીતે? તમારો એવો જ ઈરાદો છે? તે ઉપયોગી છે? તેનાંથી કોઈ પ્રશ્નનો ઉકેલ આવશે કે? જો દરેક સવાલનો જવાબ હાં હોય તો, જો તમે પૂરો વિચાર કરી લીધો હોય તો, વધો આગળ અને સાવચેતી પૂર્વક તમારા શબ્દોને ગૂંથીને રજુ કરો. અને આવા સંજોગોમાં કોઈને ખુશ કરવાં કરતાં મદદરૂપ બની રહેવામાં કશો વાંધો નથી.

જો તમે સુખ અને હિત એમ બન્ને પ્રત્યે સજાગ હશો, અને તમે જો સત્ય કહેવાના હશો, તો તમારા શબ્દોથી જરૂર ફરક પડશે. સત્યથી હંમેશાં ફરક આવતો હોય છે. અને વાસ્તવમાં ફક્ત સત્યથી જ આવતો હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email