“હું ભગવાન પાસેથી ફક્ત એક વસ્તુ ઈચ્છું છું,” એક યુવાન છોકરીએ કહ્યું. “માફી. માફી સિવાય હું બીજું કશું ઇચ્છતી નથી.”

“મારા પિતા HIV પોઝીટીવ હતાં અને તેમનાં અંતિમ દિવસો અત્યંત પીડાદાયી હતાં,” તેને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું. “તેઓ હલનચ-ચલન પણ નહોતા કરી શકતાં અને સતત તેમને કોઈ બીજાની કાળજી લેવી પડતી હતી. મારા મનમાં તેમનાં પ્રત્યે એટલી બધી ધ્રુણા પેદા થઇ ગઈ હતી કે મેં તેમની બિલકુલ અવગણના કરી દીધી હતી. મારી માં પરિવારમાં એકમાત્ર કમાતી વ્યક્તિ હતી અને માટે તે પણ આખો દિવસ પાસે રહી શકતી નહોતી. હું મારા પિતાની કાળજી લઇ શકી હોત, પણ મેં ના લીધી. આ બાબતને ખાસો સમય થઇ ગયો છે છતાં પણ હું મારી જાતને હજી માફ કરી નથી શકતી.”

“હું માત્ર એટલી પ્રાર્થના કરું છું કે મારી માં તેનાં જીવનમાં આવેલાં આ નવા પુરુષને છોડી દે તો સારું. આ વ્યક્તિ મારી માંને ખુબ નિર્દયતાથી મારે છે કે રોજનાં નવા ઘાવમાંથી લોહી ટપકી પડે છે,” એક બીજી છોકરીએ પોતાની અરજ મને કહી.

“હું ઈચ્છું છું કે કાશ હું મારી સગી માં કે જે HIVથી મૃત્યુ પામી છે તેને મળી શકું,” બીજી એક નાની છોકરીએ આંસુ ભરી આંખે મને કહ્યું. “મને એ ખબર જ નહોતી કે જે સ્ત્રી સાથે હું રહેતી હતી તે મારી માં નથી. જો કે તે પણ AIDSથી મરી ગઈ. હું તેની પણ સેવા ન કરી શકી.”

આ અઠવાડિયે હું એક યુવાન છોકરીઓનાં અદ્દભુત સમૂહને મળ્યો.

૨૦૧૬માં, મેં લગભગ ૪૦૦ કલાક પ્રવચન કર્યું, ૨૦૦૦થી વધુ કલાકો લખવામાં આપ્યાં (પુસ્તકો અને બ્લોગ પોસ્ટ્સ), ૩૦૦ કલાક પિયાનોને આપ્યાં, દુર-દુરનો પ્રવાસ કર્યો ૧૨૦થી વધુ કલાક આકાશમાં વિતાવ્યા અને ૧૦૦થી વધુ કલાકો એરપોર્ટ ઉપર. લગભગ ૩૦૦ જેટલાં કલાક રોડ ઉપર અને ૧૦૦૦થી વધુ કલાકો લોકોને મળવામાં. અને ૧૦૦૦થી પણ વધુ કલાક ઈ-મેઈલમાં. તે થયાં વર્ષમાં ઉપલબ્ધ ૮૭૬૦ કલાકોમાંથી કુલ ૫૨૦૦ કલાક.

પણ, છેલ્લાં ત્રણ દિવસમાં આ બાળકો સાથે પસાર કરેલા ૬ કલાક અને તેમની સાથેની વ્યક્તિગત મુલાકાતમાં આપેલી ૯૦ મિનીટ મારા માટે સૌથી યાદગાર ક્ષણો છે. કેમ, તમે પૂછશો? આ બાળકો મને કશીક અદ્દ્ભુત વાતની યાદ અપાવે છે – માનવ અસ્તિત્વનાં ચાર સત્યોની.

આ કોઈ સામાન્ય કહી શકાય એવા કુટુંબ સાથે રહી સાધારણ જીવન જીવતી બાળાઓ નહોતી. મોટાભાગની યુવાન છોકરીઓ જાતીય શોષણથી પીડાયેલી હતી કે મુંબઈનાં રેડ લાઈટ એરિયાની સેક્સ વર્કરની દીકરીઓ હતી. અમુક તો વિચારી પણ ન શકાય એવા કૃત્યોની સાક્ષી કે ભોગ બનેલી હતી. રોબીન ચૌરસિયા કે જે ક્રાંતિ નામનાં એક NGOનાં સ્થાપક છે, તેઓ તેમને અહી આશ્રમમાં ત્રણ દિવસની શિબિર માટે લાવ્યા હતાં. તેમને સાંભળતા મારે અનેક વાર મારા આંસુને રોકી રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.

છેલ્લાં ૪૦ દિવસમાં, મેં ૧૫૦૦થી વધુ લોકોને સંબોધ્યા હશે અને ૧૨૦૦થી વધુ લોકોને અંગત મુલાકાત પણ આપી હતી. તમાં કરોડપતિઓ, ઉચ્ચ બ્યુરોક્રેટ્સ, બેરોજગાર યુવાનો અને આ બાળકોનો સમાવેશ થાય છે. જો કે દરેકજણ કોઈને કોઈ ચુનોતીઓમાંથી પસાર થઇ રહ્યું હોય છે, પરંતુ અમુક લોકો બીજા કરતાં વધારે હકારાત્મક હોય છે. અને બાકીનાં બધાંની સરખામણીમાં, આ છોકરીઓની હકારાત્મકતા અને જીવન પ્રત્યેનો ઉત્સાહ અને તેમની આંખોમાં રહેલી આશાની એક અનેરી ચમક ખાસ નોંધનીય હતી.

આ બાબત મને જીવનના ચાર સત્યો તરફ દોરી જાય છે. નાં, આ કોઈ ૨૫૦૦ વર્ષ જુના બુદ્ધનાં ઉમદા સત્યોની વાત નથી પરંતુ, મારું પોતાનું આધુનિક વૃતાંત છે એમ કહી શકો.

૧. નિશ્ચિતતા એ એક મિથ્યા છે.

દરેક વસ્તુ ફક્ત અસ્થાઈ જ નહિ પરંતુ તે અનિશ્ચિત પણ હોય છે. જેટલાં વહેલાં આપણે એ સમજી લઈએ કે જીવન કશી બાબતે નિશ્ચિતતાની ખાતરી આપતું નથી હોતું તેટલી જ વધુ આપણે સારી રીતે જીવનની સંભાળ લઇ શકીશું. એવું માની જ લો કે તમે જીવનમાં ગમે તે બાબતે ગમે તેટલા ચોક્કસ કેમ નહી હોય, જેવા તમે વિકાસ પામતાં જશો તેમ-તેમ તમે જોશો કે આ નિશ્ચિતતા અદ્રશ્ય થઇ જતી હોય છે.

તમે એક બીજ વાવી દો અને તેને તમામ પ્રકારનું પોષણ અને સાચું તેમજ સારું વાતાવરણ પણ આપી દો, અને તેમ છતાં તેની કોઈ ખાતરી નથી કે તે અંકુરિત થશે જ. જયારે બીજી બાજુ, કોઈ એક બીજને લાપરવાહીથી ખડકોની વચ્ચે ફેંકી દીધું હશે અને તો પણ તે મસમોટું વૃક્ષ બનીને ઉગી નીકળતું હોય છે. બન્ને બાબતમાં કોઈ ખાતરી કે નિશ્ચિતતા જેવું હોતું નથી.

તમે ગમે તે નિર્ણય કેમ ન કરો, ગમે તે માર્ગ કેમ ન પકડો, તમને તમારા રસ્તામાં કોઈ નિશ્ચિતતા સાથે નહિ પરંતુ શંકા, ચુનોતીઓ, અને આત્મ-શંકા (અને અંતે મળતાં વળતર) સાથે જ ભેટો થવાનો. બસ ચાલતાં રહો. આપણું ભવિષ્ય કોઈ પથ્થર ઉપર લખેલું લખાણ જેવું નથી, બધું જ કઈ પૂર્વ-નિશ્ચિત થયેલું હોય એવું નથી હોતું. તમારા જીવનનાં લેખ તમે ફરીથી લખી શકો તેમ હોવ છો અને તમે ઇચ્છિત પરિણામ માટે કાર્યશીલ પણ રહી શકો છો, તે માટે ફક્ત એટલું સમજી લો કે તમારું જે ખરેખર ધ્યેય હોય તે જ પરિણામ મળે તે જરૂરી નથી. ને કાં તો પછી તમારું ઇચ્છિત પરિણામ તમારો અપેક્ષિત સંતોષ આપે જ તેવું ન પણ બને. જે ક્ષણે આપણે આપણી મુસાફરી શરુ કરીએ ત્યારથી લઈને આપણે આપણી મંઝીલ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં ઘણું બધું બદલાઈ શકે છે, અને મોટાભાગે બદલાતું પણ હોય છે,

આ અનિશ્ચિતતા, અણધારીતા અને અસ્થાયિત્વતા જ છે જે જીવનને રસપ્રદ તેમજ સુંદર એમ બન્ને બનાવે છે.

૨. વિરોધાભાસ સહ-અસ્તિત્વ ધરાવે છે

જો તમે ખરેખર તમારું જીવન જીવવા ઇચ્છતાં હોવ અને તેનો મહત્તમ ફાયદો ઉઠાવવા માંગતા હોવ તો પછી એવું માનીને જ ચાલજો કે જીવન અત્યંત મૂંઝવણભર્યું અને કોઈ વખત તો અન્યાયી પણ છે. ખરાબ બાબત, ભયાનક બાબત સારા લોકો સાથે દરવખતે ઘટતી જોવા મળવાની જ. જો તમે એવું વિચારતાં હોવ કે આ લોકો આ પીડામાંથી પસાર ફક્ત પોતાનાં કર્મોને લીધે જ થતાં હોય છે, તો ફરીથી એક વખત વિચાર કરી લેજો. ઘણીબધી વાર, આપણે અન્ય લોકોના કાર્મિક ક્ષેત્રમાં પગ રાખી દેતાં હોય અને તેમનું કર્મ આપણને પણ અસર કરી જાય તેવું બને. દાખલા તરીકે, જો કોઈ એકદમ તીવ્ર સુગંધ વાળું અત્તર છાંટીને તમારી પાસે આવી જાય તો તમારે પણ તે સુગંધને સુંઘવી પડતી હોય છે. કર્મનું કાર્યક્ષેત્ર કઈક આવું જ હોય છે.

એમ કહેવું કે કર્મનો સિદ્ધાંત કે પછી કોઈપણ બીજો સિદ્ધાંત, એ સુનિશ્ચિત છે તે પ્રથમ સત્યનું ઉલ્લંઘન છે. કશું પણ ચોક્કસ કે સુનિશ્ચિત નથી (અરે આ વાક્ય પણ નહિ). કોઈવખત, કોઈ બાબતો માટે કોઈ સ્પષ્ટીકરણ કે સફાઈ નથી હોતી. વિરોધાભાસી સત્યો અને વિડંબનાઓ પ્રકાશ અને અંધકારની જેમ સહ-અસ્તિત્વ ધરાવતાં હોય છે. તમારી જે પણ માન્યતા હોય અને તમે ગમે તેટલાં તેનાં માટે ચોક્કસ પણ કેમ ન હોવ, તમને પૂરતા પુરાવા મળી રહેશે કે જે તે માન્યતાને નકારતા હોય.

તમે જો કઈ કરી શકો તેમ હોવ તો તે માત્ર એટલું જ કે તમે તમારી ઉત્તમ ક્ષમતાથી એક સત્યપૂર્ણ અને અર્થપૂર્ણ જીવન જીવો. તમે આ તમારા માટે જ કરો છો, તમારા પોતના મનની શાંતિ માટે. જીવન એક સારો શિક્ષક છે અને એક ખરાબ વેપારી. તે તમારી સાથે ન્યાયી કે તમારા ધોરણો સાથે તાલ મેળવીને રહેવાની કોઈ પરવાહ નથી કરતુ, તે કોઈ તર્કને સમજવા તૈયાર નથી હોતું.

કોઇપણ સમયે, જીવન ઘણી બધી મૂંઝવણો અને વિરોધાભાસોને લઇને ચાલવાનું. આ જીવનને સ્વીકારો. જો કે તર્ક આપણી જીજ્ઞાસાને બુઝાવી નાંખે છે અને આપણને વિકસવા માટે સહાયરૂપ બને છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે આપણને વધુ સુખી કે ખુશ કરી શકશે. ખુશી કે સુખ એ કોઈ તર્કમાં નથી મળતું, તે તો મળે છે આપણી સમજણ અને સ્વીકાર કરવાંની ક્ષમતામાંથી. અને જ્યાં સુધી જીવનનો સવાલ છે, તેમાં સમજવા જેવું બહુ ઓછું છે.


૩. જીવન એક આશિર્વાદ છે.

સંજોગો ગમે તેટલા ભીષણ કેમ ન હોય, મોટાભાગે, જીવન એક આશિર્વાદ સમાન છે. જીવન જીવવાનાં ફક્ત બે જ માર્ગ છે: કાં તો તમે તેને એવી રીતે જીવો જાણે કે તે એક આશિર્વાદ સમાન હોય અને કાં તો પછી તે તેવું નથી. કોઇપણ રીતે, યાદ રાખવા જેવી સૌથી મોટી કોઈ બાબત હોય તો તે છે, કે કોઇપણનું જીવન તેનાં વિશે ફરિયાદ કર્યે રાખવાથી કઈ વધારે સારું નથી બની જતું. હકીકતમાં, જીવન આપણી કોઈ ફરિયાદો સાંભળતું જ નથી, અને તે ઘણી વાર એક સારી વાત છે, કેમ કે મન તો કાયમ એક કે બીજી વાતને લઇને હંમેશાં ફરિયાદ જ કરતુ રહે છે. જીવન જો આપણી ફરિયાદોને સાંભળતું બેસે તો તે કાર્યરત જ ન રહી શકે.

તમારો ભૂતકાળ જે હોય તે, તમે જ્યાં પણ હતાં, કે હોઈ શકતાં હતાં કે હોવાં જોઈતાં હતાં, સત્ય તો એ છે કે અત્યારે તમે અહી છો. બસ એટલું જ. આ જ છે જીવન. અને અહી ફક્ત બે જ પસંદગીઓ છે: જીવવા માંડો કાં તો ફરિયાદ કરતાં બેસી રહો. જો તમારે તમારું જીવન જીવવાનું શરુ કરવું હોય, તો તમારે ફક્ત એટલું જ કરવાનું છે કે તમે અત્યારે જ્યાં છો ત્યાંથી જ શરુ કરો અને મનમાં એ બાબતનું ધ્યાન રાખીને કે તમે ફક્ત માર્ગ ઉપર ચાલી જ શકો અને બધી વાતે તૈયાર રહો. તમે માર્ગમાં કદાચ સુર્યપ્રકાશની આશા રાખી રહ્યાં હોય અને વરસાદ પડી જાય એવું પણ બને. હું એમ નથી કહી રહ્યો કે આ એક જુગાર છે પણ સો ટકા પરિણામ એ આપણા હાથની વાત નથી.

જો તમારે એ જોવું હોય કે તમારું જીવન કઈ રીતે એક આશિર્વાદ સમાન છે, તો સરળ રસ્તો એ છે કે એક નોટ અને પેન લો અને તમારા જીવનમાં જે પણ કઈ સારું હોય તેને લખી લો. તે તમારામાં કૃતજ્ઞતા અને કદરની હકારાત્મક લાગણીઓ જન્માવશે કે જેથી કરીને તમે જીવનની ઉજળી બાજુને પણ જોઈ શકશો.

૪. એક આશા છે.

આશા દ્વારા, હું એવું નથી કહી રહ્યો કે તમારા સ્વપ્ના સાચા પડશે (જીવન અનિશ્ચિત અને અન્યાયી છે, યાદ રાખો). મારા કહેવાનો સરળ અર્થ એટલો જ છે કે જંગલમાં આગ લગાડવા માટે એક તણખો જ પુરતો હોય છે. આ તણખો ગમે ત્યાંથી આવી શકે છે. જો કે જીવન તમને તમારા મુજબનું નહિ પરિણમીને તમને નિરાશ કરી શકે છે, તેમ છતાં જો તમે પોતે દરેક પ્રકારની શક્યતા માટે ખુલ્લા રહો તો.
તે ક્યાંક સુંદર જગ્યાએ પણ લઇ જઇ શકે તેમ હોય છે.

તમારી આશા(ઓ)ને એક મોકો આપો, તમારે વાસ્તવિક બની રહેવું પડશે. દિવાસ્વપ્નો જોવામાં એક સમયે કોઈ વાંધો નથી પણ વાસ્તવિક બની રહો. જે મૂળભૂત સત્યો છે તેની તરફ પાછા ફરો, ડ્રોઈંગ બોર્ડ તરફ પાછા જાવ અને જ્યાં છો ત્યાંથી ફરી શરૂઆત કરો. તમારા સ્વપ્નને ખોઈ ન દેશો કે તેને સાકાર કરવાં માટે જરૂરી પ્રયત્નોને પણ છોડી ન દેશો. એક નહિ તો બીજું, કઈક તો કામ લાગશે જ. અને કોઈને કોઈ રીતે તે હંમેશાં સહાયરૂપ બનતું જ હોય છે. જીવન કોઈનાં માટે કોઈ પણ કારણને લઈને ઉભું નથી રહેતું. શ્રદ્ધા રાખો, આશા રાખો.

કદાચ તમારું જીવન તકલીફવાળું હતું, કદાચ તમે બહુ જ સહન કર્યું છે અને કદાચ તમે ખુબ જ તણાવ હેઠળ રહેતાં હશો, તમારા પ્રશ્નો કદાચ ખુબ જ ગંભીર હશે, અને ખુબ જ મુશ્કેલીઓ પણ હશે. સહમત છું. જીવન આવું જ હોય છે. તો હવે શું?

આપણે એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં અસંખ્ય લોકો પોતાનાં કોઈપણ વાંકગુના વગર રોજબરોજનાં ધોરણે પીડાતાં હોય છે, આપણામાંનાં કેટલાંય લોકો મરી રહ્યાં છે કેમ કે તેઓ ખોરાક કે દવા ખરીદવા માટે સમર્થ નથી, અહી લાખો લોકો માન્યામાં ન આવે એવું એકલ જીવન જીવતા હોય છે, અહી અનેક બાળકો પ્રતાડિત થતાં હોય છે, સ્ત્રીઓને માર પડતો હોય છે અને નિર્દોષ લોકોને મારી નાંખવામાં આવતાં હોય છે.

આપણને હવે કોઈ નવાં ધર્મની, ભાગલાની, રાજકારણની કે પ્રવચનની જરૂર નથી. આપણને જરૂર છે સામંજસ્યતા અને દયાની, અને આ બન્ને બાબત ત્યારે જ શક્ય બને જયારે આપણે આશાવાન અને હકારાત્મક બની રહીએ, જયારે આપણે જીવનને એક આશિર્વાદ તરીકે જોતા થઈએ, અને જયારે આપણે જે રીતે આપણું અસ્તિત્વ છે તેનો સ્વીકાર કરતાં થઇએ. સામંજસ્યતા એ એક સુખ છે. મેં વારેવારે એવું જોયું છે કે જે બાબતની આપણે કદર નથી કરતાં હોતા, કુદરત તેને આપણી પાસેથી લઇ લેતું હોય છે અને તે બીજા કોઈ એવાને આપતું હોય છે કે જે તેની ખરી કદર કરી જાણે.

જો તમને એવું લાગતું હોય કે તમારું જીવન વધુ સુંદર બની શકે તેમ છે, તો તમે તેનાં સુત્રધાર બનો અને તેનાં માટે કાર્યશીલ બની જાવ, કારણ કે આપણા પ્રયત્નોથી જ આપનું જીવન ચાલતું રહે છે. એમાં કોઈ શંકા નથી કે આપણા વિચારો, શબ્દો, લાગણીઓ અને ઇચ્છાઓ આપણા જીવનને પ્રભાવિત કરતી રહે છે, પરંતુ અંતે તો ભવિષ્યમાં આપણું સ્વાગત એ બાબતો વડે જ થતું હોય છે કે જેનું સર્જન આપણે વર્તમાનમાં આપણા કર્મો અને પ્રયત્નો વડે કરતાં હોઈએ છીએ. તમારા પ્રયત્નો જેટલાં ખરા, તેટલો જ હકારાત્મક પ્રત્યુત્તર તમને (કુદરત તરફથી) મળતો રહેશે.

તમે કાદવમાં વધુને વધુ ખુંપતા જાવ અને તમારા ભૂતકાળ કે વર્તમાન માટે શું બરાબર નથી તેનાં વિશે ફરિયાદ કરતાં બેસી રહો. અથવા તો, સમગ્ર વિશ્વને તમે એક લાંબી ફલાંગમાં ભરીને જુવો કે જીવન તમને ક્યાં લઇ જાય છે. વિચારો, કર્મ કરો, અને સર્જન કરો.

તમારા પગરખામાંથી પગ બહાર કાઢીને જીવનનાં માર્ગે થોડું ચાલી જુવો. પ્રભાતનાં ઝાકળ વડે લીલા ઘાસને એવી રીતે શણગારવા દો જેવી રીતે કોઈ દિવ્ય જમીન પર કોઈ ચમકતા મોતી વેર્યા હોય અને તમારા ચરણને તેનો સ્પર્શ થઇ રહ્યો હોય. તમારા હૃદયને કુદરતની આ ભવ્યતા, વૈભવ અને પ્રેમને પીવા દો કે જેથી કરીને તમે દરેક અનિશ્ચિતતા અને મૂંઝવણોમાં પણ જીવનનાં એક મિત્ર બનીને રહી શકો. આનંદ તમારા અસ્તિત્વનાં એક-એક છિદ્રમાંથી ચમકતો રહેશે. કઈક સુંદર સર્જન કરો. કઈક અર્થપૂર્ણ કરો.

૨૦૧૭નાં વર્ષની શુભેચ્છાઓ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email