ઘણી વાર લોકો મને પૂછતાં હોય છે કે જયારે કોઈ તેમની સાથે ખરાબ વર્તન કરે તો તેમને શું કરવું જોઈએ? કે પછી જયારે તેઓને વિષમ પરિસ્થિતિનો સામનો કરવો પડે કે જેમાં તેમને એવું બધું કરવું પડે કે જે કદાચ સામાન્ય સંજોગોમાં તેઓ ન જ કરે, તો એ સમયે તેમને કેવું વર્તન કરવું? મને જયારે પણ આવાં સવાલો કરવામાં આવે ત્યારે મને એક સુંદર વાર્તાની યાદ આવી જાય છે કે જે મેં લેન્લી બેકરની Three Times Chai માં વાંચી હતી, યહૂદી ધર્મમાં વાર્તા કહેવાની જે પરંપરા છે તેને પ્રદર્શિત કરતું આ એક પુસ્તક છે. એક ખાસ વાર્તામાં એક ભક્તિવાન ખ્રિસ્તીની વાત છે કે જે અન્ડરગ્રાઉન્ડ નામની ડેનીસ સંસ્થામાં કામ કરતો હતો. આ સંસ્થા ડેન્માર્કમાં નાઝીઓ દ્વારા યહૂદીઓની સામુહિક હત્યા કરવામાં આવી રહી હતી ત્યારે તેમને બચાવવાનું કાર્ય કરતી હતી.

જોર્ડન નુદ્સેન એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતો. અને તે પણ વિશ્વ યુદ્ધ – ૨ દરમ્યાન આ ડેનીસ સંસ્થાનો સક્રિય સભ્ય હતો. આ સંસ્થાને હમણાં જ ખબર પડી હતી કે SS (the Schutzstaffel, નાઝીનું લશ્કર) ડેન્માર્કનાં યહૂદીઓને ડેથ કેમ્પમાં મોકલવાનાં હતાં. આ સમાચારથી અન્ડરગ્રાઉન્ડ સંસ્થા ફૂલ જોરમાં સક્રિય થઇ ગઈ હતી. એકહથ્થું શાસન જયારે ચાલતું હોય ત્યારે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર હોવું તે એક અસામાન્ય રીતે કિંમતી હોદ્દો હતો (અને હજી પણ છે) કેમ કે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર પોતાનાં વાહનનું સાયરન ચાલુ કરીને ગમે ત્યાં જઈ શકે. નુદ્સેન પોતે એમ્બુલન્સ ચલાવતો હોવાથી તેનાં માટે યહૂદીઓને છુપાવીને દેશ બહાર લઇ જવાનું સરળ હતું. પણ તેને એક પ્રશ્ન હતો, અને તે કોઈ ઓછો મહત્વનો નહોતો: તેને કોણ યહૂદી હતું તેની ખબર નહોતી. દેશમાં  પંચોતેર હજાર યહુદીઓ હતાં, અને તે તેમાંના એકપણને ઓળખતો નહોતો. તો શું કરવું?

નુદ્સેન કશું પણ નહિ કરી શક્યો હોત – આવી પરિસ્થિતિમાં હોય એવા કેટલાં લોકોએ આ વિકલ્પ પસંદ કર્યો હોત? પણ તે તો કશુંક કરી છૂટવા માટે કટિબદ્ધ હતો. માટે તેને એક ફોન ડિરેક્ટરી શોધી અને તેનાં પાનાં ઉથલાવા લાગ્યો, તે એવા કોઈ નામને શોધવા લાગ્યો કે જે તેને યહૂદી લાગતું હોય.

નુદ્સેનને ખબર હતી કે અમુક નામ યહૂદીઓમાં સામાન્ય હોય છે. એક વખત તેને યહૂદી જેવા લાગતાં નામોની યાદી બનાવી દીધી, તે આ બધાં સરનામે ડ્રાઈવ કરીને જવા લાગ્યો. જો ત્યાં કોઈ યહૂદી રહેતું હોય તો તે તેમને એમ્બ્યુલન્સમાં બેસાડીને ઈસ્પિતાલમાં લઇ જવા લાગ્યો, કે જે પ્રથમ પગલું હતું કે જ્યાં યહૂદીઓને છુપાવીને સ્વિડન લઇ જઈ શકાય અને જ્યાં તેઓ આ યુદ્ધ દરમ્યાન સલામતીપૂર્વક રહી શકે.

ઘણાં વર્ષો પછી જયારે દ્વિતીય વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું, ત્યારે સંશોધનકારો યાદ વશેમ (એક સંસ્થા કે જે યહૂદીઓનાં સર્વનાશની યાદોને સંઘરીને રાખતું હતું) તેમાં આ કુદ્સેનને મળ્યા અને તેનું ઈન્ટરવ્યું લીધું. તેઓએ તેને પૂછ્યું, “તે આવું શાં માટે કર્યું? તું જો કદાચ પકડાઈ ગયો હોત, તો તને મારી નાંખવામાં આવ્યો હોત. તે તારો જીવ જોખમમાં નાંખ્યો અને તું જેને મદદ કરી રહ્યો હતો તેમને તો તું ઓળખતો પણ નહોતો. અરે તને તો એ પણ ખબર નહોતી કે કોણ યહૂદી છે.”

તેનાં જવાબની સાદગીમાં અદ્દભુત અસામાન્યતા હતી: “તો બીજું તો હું શું કરી શક્યો હોત?” બસ તેણે આટલું જ કહ્યું.

કુદ્સેનનો જવાબ વારે-વારે યાદ આવી જાય એવો હતો કેમ કે જયારે SSનાં અફસરો અને બીજા સભ્યોએ લાખો યહુદીઓને યોજનાબદ્ધ રીતે મારી નાંખવા માટે હિટલરને મદદ કરવાં બદલ નાઝીઓની ન્યૂરેમ્બર્ગમાં વ્યક્તિગત રીતે પુછતાછ કરી હતી, ત્યારે તેઓએ પોતાનાં સ્વબચાવમાં પણ બિલકુલ આ જ શબ્દો ઉચ્ચાર્યા હતાં કે, “તો બીજું તો હું શું કરી શક્યો હોત?”

જેમ કે હું હંમેશાં કહું છું કે દરેક સંજોગોમાં તમે એવું જ વર્તન કરો કે જે તમને શોભા આપે. અને એ બાબતમાં, આપણે દરેકજણ આપણી પ્રકૃતિ મુજબ જ વર્તન કરતાં હોઈએ છીએ કે જે મોટાભાગની પરિસ્થિતિમાં વિચાર્યા વગરનું જ હોય છે. આવી પ્રતિક્રિયાઓ કે પછી આપણા આવા સ્વાભાવિક કર્મો મહત્તમપણે આપણા અવચેતન મનથી પ્રભાવિત થયેલાં હોય છે. અને, આપણું અવચેતન મન, હું કહીશ કે, તે આપણા ભૂતકાળનાં વિચારોનું, અનુભવોનું અને લાગણીઓનું એક મસમોટું ગોદામ છે.

એક રીતે જોતા, આ સવાલ કે કોઈ-મારી-સાથે-ખરાબ-કરે-તો-મારે-શું-કરવું તે બિલકુલ અનાવશ્યક છે, કેમ કે તમે એ જ કરવાનાં છો કે જે તમારામાંથી કુદરતી રીતે બહાર આવવાનું હોય. ચાલો માની લો કે કોઈ તમને એવી સલાહ આપે કે તમારે તમારા ઉપર ગુસ્સો કરનાર વ્યક્તિ ઉપર વળતો પ્રહાર ન કરવો. તમે ગમે તેટલી કોશિશ કેમ ન કરો, પણ તમારા માટે આ સલાહ મુજબ વર્તવું ખુબ જ મુશ્કેલ થઇ જાય છે, કેમ કે આપણા કર્મોમાં રહેલી સ્વાભાવિકતા એ મોટાભાગે કોઈ સજાગપણે કરેલી પસંદગી નથી હોતી. તે તો એક ટેવ મુજબની પ્રતિક્રિયા હોય છે, તમારો ચિર પરિચિત પ્રતિભાવ

માટે, મારી દ્રષ્ટીએ વધુ યોગ્ય સવાલ એ હોવો જોઈએ કે: હું મારો અંતર્ગત સ્વભાવ કેવી રીતે બદલું કે જેથી કરીને હું મને જે શોભે તે વર્તન કરી શકવા માટે સમર્થ બનું? કે જેથી કરીને ભલાઈ મારામાં એટલી સહજ રીતે આવે જેવી રીતે એક ગુલાબમાંથી આવતી સુગંધ? અને આમ કરવું શું ખરેખર શક્ય પણ છે કે કેમ?

જવાબ છે હા. જો કે તે રાતોરાત ન થઇ જાય. અવચેતન મનમાં આવતો બદલાવ એ ક્રમશ: થતી પ્રક્રિયા છે. આ સિદ્ધિ માટે એકધારા પગલાં પૂરી શિસ્તબદ્ધતા સાથે લેવા જરૂરી છે. ચિંતન સાથેની સજગતાનો માર્ગ અવચેતન મનમાં રહેલી દુઃખભરી છાપોને દુર કરે છે અને જેથી કરીને આપણે આપણી ટેવ મુજબનું વર્તન ન કરતાં સાવધાની પૂર્વકનું વર્તન કરતાં થઈએ છીએ. જેથી કરીને પરિસ્થિતિ અને લોકો પ્રત્યે આપણા અચાનક થઇ જતાં વર્તનને બદલે આપણે વિચારીને પ્રતિભાવ આપતા થઇએ છીએ.

આપણી ભૂતકાળની યાદોને ફક્ત ઇચ્છવા માત્રથી દુર ન કરી શકાય. જો કે, ભૂતકાળનાં અનિચ્છનીય અનુભવો અને યાદો સાથે જોડાયેલાં દુઃખને પ્રેમભરી ભલાઈ, તટસ્થતા, અને યાદો પ્રત્યે એક વૈરાગ્ય ભાવ વિકસાવીને શાંત કરી શકાય છે. કાં પછી તમે જાગ્રતપણે ધ્યાન કરીને તે માનસિક છાપોને ભૂંસી શકો. થોડા વર્ષો પહેલાં મેં આ વિષયને સ્પર્શ કર્યો હતો અહી અને અહી. (અને વારુ આ વિષયને મારા ધ્યાન પરનાં પુસ્તકમાં પણ મેં વણી લીધો છે.)

સતત સારા હોવાનાં સ્વાંગમાં તમારો ભાગ ભજતા રહેવાનો અર્થ એ નથી કે તમે મક્કમ ન બનો, કે સામો જવાબ ન આપો, કે તમારી જાતનું રક્ષણ ન કરો. તેનો સરળ અર્થ એટલો જ કે તમે આ બધું કરી શકો પરંતુ સામે વાળા પ્રત્યે કોઇપણ પ્રકારનાં ખરાબ કે નકારાત્મક ઈરાદા વગર. અને તમે તમારા મત ઉપર સામે વાળાને બહુ ઓછું કે બિલકુલ દુઃખ ન આપીને નમ્રતાથી વળગી રહી શકો. તમને એ જાણીને અદ્ભુત આશ્ચર્ય લાગશે કે ફક્ત નમ્રતા દાખવીને જ તમે કેટલી સરળ રીતે મક્કમ રહીને પણ સારા બની રહી શકો તેમ હોવ છો.

ભલાઈપૂર્વક વર્તન કરવું કે એવી રીતે વર્તવું કે જેનાંથી સામે વાળાને પાઠ ભણાવી શકાય, એ તો સરળ છે. તે લલચામણું પણ છે. પરંતુ, તમારા મતને વળગી રહેવું અને ભલાઈનાં માર્ગે એક સંતની અદાથી ચાલતાં રહેવા માટે તમારે તમારી જાત સાથે એક કટિબદ્ધતાથી રહેવું પડતું હોય છે. અને આ કટિબદ્ધતા તમે તો જ જાળવી રાખી શકો, જો તમે ફક્ત તમારા વિચારો અને લાગણીઓથી માત્ર પરિચિત જ નહિ પણ તેનું નિયમન પણ કરી શકતાં હોવ તો.

મુલ્લા નસરુદ્દીન ૫૦ વર્ષથી પરિણીત હતાં અને પોતાની સુવર્ણ વર્ષગાંઠ મિત્રમંડળ સાથે ખુબ દબદબા સાથે ઉજવી રહ્યાં હતાં. ત્યારે એક મિત્રે તેમને પૂછ્યું, “મુલ્લા, લગ્નજીવનમાં તમે સૌથી મોટી વાત કઈ શીખ્યા?”
“ઓહ, કાશ હું ગણી શકું તેમ હોત,” તેમને જવાબ આપતાં કહ્યું. “લગ્નજીવને મને ઘણું બધું શીખવ્યું છે.”
“જેમ કે?”
“વારુ, લગ્નજીવન તમને વફાદારી, ધીરજ, આત્મ-સંયમ અને માફી આપવાનું શીખવે છે,”
મુલ્લાએ કહ્યું. “તે તમને કેવી રીતે સાંભળવું, ક્યારે ચુપ રહેવું તે શીખવે છે, અને એવી ઘણી બધી ખાસિયતો કે જે તમે જો અપરિણીત રહો તો તમને જરૂર ન પડવાની હોય.”

જીવનનાં મોટા પાઠ આપણને અઘરા લોકો તરફથી જ શીખવાનાં મળતાં હોય છે. મુશ્કેલીઓ આપણને મજબુત બનાવતી હોય છે, ચુનોતીઓ આપણને ઉપર ઉઠવા માટે મજબુર કરતી હોય છે. દુઃખમય અનુભવો મોટાભાગે હંમેશાં બદલી નાંખનારા હોય છે, કારણકે તે આપણી અંદરથી ઉત્તમ કે ખરાબ બાજુને બહાર લઇ આવવા માટે સમર્થ હોય છે. કોઇપણ વાતે, તમે તમારી જાતને જ વધુ ઓળખતાં થશો.

જે ક્ષણે તમે તમારી જાત સાથેનાં સંપર્કમાં આવો છો અને તમારુ આધ્યાત્મિક સંતુલન પ્રાપ્ત કરી લો છો, ત્યારે તમને એવો કોઈ સવાલ નહિ રહે કે તમારે કેવી રીતે વર્તવું જોઈએ? ત્યારબાદ, તમને જેટલી પણ વખત દબાવવામાં આવશે ત્યારે તમારી અંદરથી ભલાઈ એક મધપુડામાંથી જેમ મધ ઝરે તેમ ઝરતી રહેશે.

કુદ્સેનની જેમ, તમે લોકોને તમારી અંતર્ગત રહેલી ભલાઈથી આશ્ચર્યચકિત કરી દેતાં થઇ જશો. જયારે તેઓ તમને એવું પૂછે કે તમે જેવા છો તેવાં કેવી રીતે બની રહી શકો છો, ત્યારે તમારી પાસે બીજો કોઈ ઉત્તર નહિ હોય સિવાય કે તો પછી બીજું તો હું શું કરી શક્યો/શકી હોત?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email