તે સમય હતો ફેબ્રુઆરી ૨૦૧૧નાં અંતિમ દિવસોનો. હિમાલયનાં જંગલમાં દસહજાર ફૂટની ઉંચાઈએ મારી ઝુપડીનાં છાપરા પર બરફનાં હિમકણો લટકી રહ્યાં હતાં, હું એક સઘન ધ્યાનમાં બેઠેલો હતો. શરીર અને મનની સ્થિરતામાં દસ કલાક એવી રીતે પસાર થઇ ગયા હતાં જેવી રીતે રાતનું સવાર થઇ જાય.

ચંદ્રનું એક શીતળ કિરણ મારી સામે દોરેલાં શ્રી યંત્ર ઉપર પડ્યું. આ યંત્ર એ કુંડલિની કે જગન્માતાનું એક ભૌમિતિક પ્રતિનિધિત્વ હતું, અને એ વખતે જે સાધના હું કરી રહ્યો હતો તેનું એક ખુબ જ અભિન્ન અંગ હતું. ઝુપડીમાં, અનેક તિરાડો અને કાણા હતાં કે જેમાંથી પ્રકાશ જયારે મરજી પડે ત્યારે અંદર આવી શકતો હતો. યંત્રનું કેન્દ્રબિંદુ ચંદ્રકિરણથી પ્રજ્જવલિત થઇ ઉઠે તે  એક અત્યંત ભવ્ય દ્રશ્ય હતું.

મેં તે એક કાગળ ઉપર પેન્સિલ વડે દોર્યું હતું અને આ કાગળ મેં મારી પાસે છેલ્લાં ૭ મહિનાથી રાખેલો હતો. નાનકડી જર્જરિત ઝુપડી તો અંધકારમાં ફસાઈ ગયેલી હતી, પરંતુ ચંદ્રનાં પ્રકાશે શ્રી યંત્રને, જો રહસ્યમય રીતે ન કહી શકાય તો, એક આધ્યાત્મિક કહી શકાય તેવી રીતે પ્રકાશિત કરી દીધું હતું. મેં સાંજના ૫ વાગે શરુ કર્યું હતું અને હવે રાત્રીના ૩ વાગ્યા હતાં. અહી પહોંચતા મને વર્ષો લાગ્યા હતાં, કે જેમાં હું જરૂર હોય તેટલા સમય સુધી એક જ બેઠકમાં બેસી રહી શકું અને તે પણ મારા ધ્યાનની સ્પષ્ટતા અને મારી એકાગ્રતાની તીવ્રતામાં જરા પણ ફરક પડ્યા દેવાં વિના.

મેં ભગવાનને, અને કુદરતની ઘણી બધી ઉર્જાઓ અને શક્તિઓને મારી પ્રાર્થના કરી કે જેમણે મને મારી સાધનાનો એક ઓર દિવસ પૂરો કરવામાં સહાય કરી હતી. મારી સાધનાને દરેક જીવંત જીવનાં કલ્યાણ માટે સમર્પિત કરીને, મેં હાથની દસ મુદ્રાઓ કરી કે જે સઘન સાધનાથી પ્રાપ્ત થયેલી ઉર્જાને યોગ્ય દિશામાં વાળે. ઝુપડીમાં રહેલાં ઉંદરો આમતેમ ભાગવા લાગ્યા, જાણે કે તેઓ જાણતા હતાં કે હવે મારે ઉઠવાનો સમય થઇ ગયો છે અને તેમનો મારા આસનને છોડીને જવાનો.

મારા બેસવાની, ધ્યાન કરવાની અને સુવાની જગ્યા એક જ હતી. લાકડાનાં ત્રણ પાટિયા એકબીજા સાથે જોડીને રાખેલા હતાં માટીના ભોય તળિયા ઉપરની મારી ૩×૬ની પથારી હતી. એ પાટિયા ઉપર એક કોટનની પાતળી ગોદડી હતી. અને એ ગોદડી ઉપર એક ધાબડો હતો અને તેનાં ઉપર એક ઓશીકું. મેં ત્યાં બેસીને ૭ મહિના સુધી ધ્યાન કર્યું હતું, રોજનાં સરેરાશ ૨૦ કલાક. મોટાભાગનાં દિવસોમાં હું ૧૮ થી ૨૨ કલાક ધ્યાન કરતો હતો. રોજ નિયમનું  નિષ્ઠાપૂર્વક પાલન કરીને એક નિશ્ચિત કરેલા સમયે જ હું મારી સાધના કરતો.

હું જયારે આખી રાત સાધના કરતો ત્યારે નાના અને મોટા ઉંદરો મારા ઓશિકા ઉપર આવીને મારી બાજુમાં જ સુઈ જતાં. મારા દસ કલાકનાં ધ્યાનમાં, હું ત્યાં હાલ્યા-ચાલ્યાં વગર જ બેસી રહેતો, ભલેને કોઈ વાર તેઓ મારા ખોળામાં કુદકો મારે તો પણ. મને તેમનાં માટે કોઈ ચોક્કસ લાગણી નહોતી, પરંતુ મારે હવે કોઈ પણ રીતે પરેશાન થવું જ નહોતું, ફક્ત ઉંદરો માટે થઇને મારે મારું ધ્યાન કરવાનું છોડી દેવું નહોતું. પહેલાં-પહેલાં તો ઉંદરો મારી નજીક રહેતાં હોય તે વાતથી જ મને એક ચીતરી ચડી જતી, પરંતુ સમયની સાથે મેં તેમની સાથે એક પ્રકારની દોસ્તી બાંધી લીધી. તેઓ મારા સાથી હતાં, અને તેમની અંદર પણ તે એક જ ઈશ્વર વસતો હતો.

‘તું પણ ધ્યાનનો થોડો ફાયદો લઇ લે,’ એક ઉંદર કે જે નજીકમાં જ સંતાઈને આમતેમ નજર ફેંકી અને મારી હિલચાલ ઉપર નજર રાખી રહ્યો હતો તેને મેં ગણગણીને કહ્યું. એક વસ્તુ ધ્યાન તરત જ ચકાસે છે અને તે છે મનની બેચેન થવાની વૃત્તિઓ.

હું સાત મહિના ત્યાં હતો, પણ ઉંદર ત્યાં એક પણ વસ્તુને બાકી મુકતા નહોતાં. મારી એક માત્ર શાલ હતી તેને પણ નહિ, કે મારી ટોર્ચની એક વધારાની બેટરીઓ હતી તેને પણ નહિ. મારી પાસે લવિંગનાં તેલની એક નાની શીશી હતી, તે પહેલાં અઠવાડિયામાં જ આખી બોટલ તેઓ ખેચી ગયા હતાં. જો કે તે એક નાનકડી બોટલ હતી, મારા અંગુઠા જેવડી મોટી હશે, પણ જંગલી ઉંદરો તેમનાં શહેરી ભાઈ-ભાંડુઓ કરતાં ઘણાં મોટા હોય છે. ઉંદરો બધું કોતરી નાંખતા – લાકડાનાં પાટિયાની બનાવેલી તે ઝુપડીની દીવાલો પણ, ગાયનું છાણ અને માટીનાં મિશ્રણથી અમુક કાણાઓ બુરેલા હતાં તે પણ, ઘાસ-પૂળાનું બનેલું છાપરું હતું તે પણ, થોડી પોલીથીનની બેગો કે જે કામચલાઉ રીતે છતમાંથી પાણી ન ટપકે એટલાં માટે ભરાવેલી હતી તે પણ કોતરી નાંખતા. જે જગ્યાએ તેઓ પોતાનાં દાંત ભરાવી શકે તે બધું જ તેઓ કોતરી ખાતા.

તેમ છતાં, આ આક્રમક ઉંદરોએ ક્યારેય મારી પથારીને નહોતી કોતરી ખાધી, કે જેમાં મારી એક માત્ર ગોદડી, અને બે ઓશિકા હતાં (એક ઉપર હું બેસતો અને એક બાજુમાં રાખતો). જાણે કે તેઓ જાણતા ન હોય કે મારા માટે મારી આ પથારી વગર કાર્યક્ષમ રહેવું અત્યંત મુશ્કેલ હતું. એક જીર્ણશીર્ણ થઇ ગયેલ ગાયો બાંધવાનો વાડો કે જે લાકડાનાં પાટિયા, તાટપત્રી, છાણ અને ઘાસમાંથી બનાવેલો હતો તેમાં મારી પાસે એક શાંત મન સિવાય બીજી કોઈ આરામદાયક બાબત જો હોય તો તે આ હતી. ઉંદરોએ મને ક્યારેય નુકશાન નહોતું પહોંચાડ્યું, એક પણ વખત નહિ. પણ સૌથી મહત્વની બાબત એ હતી કે તેઓ ક્યારેય મારા આધ્યાત્મિક શ્રી યંત્રની નજીક પણ નહોતાં ગયા. એક પણ વખત તેમને મારા લાલ કપડાને કોતર્યું નહોતું કે જે જયારે જરૂર ન હોય ત્યારે શ્રી યંત્રને ઢાંકી રાખવા માટે હું ઉપયોગમાં લેતો, કે કદી તે કાગળને પણ કોઈ નુકશાન નહોતું પહોંચાડ્યું. જાણે કે તેઓ જાણતા ન હોય કે આ કોઈ એક કાગળનો ટુંકડો નહિ પણ એક ઉર્જાનું ક્ષેત્ર ન હોય, શુદ્ધ અને દિવ્ય.

કોઈ વખત મને લાગતું, કે તેઓ રમતિયાળ બની રહ્યાં છે, મારી પરીક્ષા કરી રહ્યાં છે, મને ચીડવી રહ્યાં છે, મારી સાથે મજાક કરી રહ્યાં છે. પ્રકૃતિ જયારે તમે તેની ઉપર ઉઠવાની કોશિશ કરો ત્યારે તે પણ તમારી સાથે તેમ કરતી હોય છે. તમને સિદ્ધી અને શક્તિનાં આનંદ અને જ્ઞાનનું સામર્થ્ય આપતાં પહેલાં, તે પ્રથમ ખાતરી કરતી હોય છે કે તમે તેનાં એક સાચા હક્કદાર છો કે કેમ. અતિશયોકિત બહુ ખતરનાક હોય છે. એક ખોટી વ્યક્તિ, એક હિટલર, સમગ્ર માનવસમુદાયને ભરપાઈ ન કરી શકાય તેટલું અને કાયમ માટેનું નુકશાન પહોંચાડી શકે છે.

મેં નાનકડું બારણું ઊંચક્યું અને બાજુ પર મુક્યું – આ બારણું લાકડાનાં ટુકડા ભેગા કરીને કામચલાઉ ધોરણે બનાવેલું હતું. હું અડધો વાંકો વળ્યો અને બહાર નીકળ્યો. ચંદ્રનું શીતળ તેજ શિયાળાની રાતનાં અંધકારને ચીરીને પ્રકાશી રહ્યું હતું. એક સંપૂર્ણતાની લાગણી સાથે તેમજ સમગ્ર સર્જન પ્રત્યેનાં પ્રેમને લીધે આ પ્રકાશ પ્રેમપૂર્વક આગળ ધસી રહ્યો હતો જાણે કે એમ કરીને તે એવું પુરવાર કરવાની કોશિશ ન કરી રહ્યો હોય કે પ્રકાશ અને અંધકાર બન્ને સહઅસ્તિત્વ ધરાવી શકે છે. દ્વન્દ્વ આપણા અસ્તિત્વની સુંદરતા છે. આનંદ અને દુઃખ, ગરમી અને ઠંડી, સારું અને ખરાબ, તેઓ સાથે રહી શકે છે. આંતરિક પવિત્રતાની એક સંપૂર્ણ અવસ્થા, કે જે સ્વાર્થનાં વમળોથી મુક્ત છે, અને તે ધ્યાનમાંથી આવતી હોય છે, અને તે ફક્ત તમને જીવનાનાં વિરોધાભાસમાં જીવવા માટે ફક્ત મદદરૂપ જ નથી બનતી, પરંતુ, ખરેખર તે વિરોધાભાસની કદર પણ કરે છે.

આજુબાજુ બરફ પથરાયેલો હતો કે જે શાંત ચંદ્રપ્રકાશમાં ચમકી રહ્યો હતો. વૃક્ષો શાંત થઇ ગયાં હતાં જાણે કે ડાળીઓ અને પર્ણો પણ નિંદ્રાધીન ન થઇ ગયા હોય. બર્ફીલો ઠંડો પવન ધીરે ધીરે ફૂંકાઈ રહ્યો હતો. મારા કાન અને નાક પ્રથમ મીનીટે જ થીજી ગયા. દુર, મેં જંગલી જાનવરોની અચાનક હલન ચલન થતી જોઈ, જાણે કે મારી અચાનક ઉપસ્થિતિથી તેઓ ચોંકી ગયાં ન હોય. હરણ જોર જોરથી હણહણવાં લાગ્યું અને બીજા એક હરણે જોરથી તીણો “બાઆઆ” એમ અવાજ કર્યો. તત્ક્ષણ, આ વિશાળ ક્ષેત્ર અનેક પ્રવૃત્તિઓથી ગુંજી ઉઠ્યું. જંગલી રીંછો એકી સાથે લાંબા શ્વાસ, કિકિયારીઓ અને વિચિત્ર અવાજો એમ બધાનું એકસાથે મિશ્રણ થાય તેવાં અવાજ સાથે ટેકરી તરફ આવી રહ્યાં હતાં. હરણ અને હરણીઓ જંગલ તરફ દોડી રહ્યાં હતાં. બીજા પ્રાણીઓ, કદાચ એક રીંછ હતું, તે પણ દુરથી જંગલ તરફ દોડી જતું દેખાયું.

તે રાત્રીએ તેઓ બીજી રાત્રીઓ કરતાં, વધારે દ્રશ્યમાન હતાં, કારણકે આ રાત્રી ફક્ત પૂનમની રાત જ નહિ, પરંતુ આજે આકાશ પણ સ્વચ્છ હતું – છેલ્લાં ત્રણ મહિનામાં અનેક તોફાન, વરસાદ, બરફવર્ષા, અને બરફનાં કરા જ પડતાં હતાં તેમાં આ એક ભાગ્યે જ બનતી ઘટના જેવું હતું. મારી આગળનું સમગ્ર ક્ષેત્ર જાણે કે કુદરતની રમતનું મેદાન ન હોય તેમ ચાંદીની ધૂળથી ચમકી રહ્યું હતું. આ જંગલી જનાવરોની હલનચલનને જોવી એ એક અનેરો આનંદ હતો.

મને કોઈ ડર નહોતો અનુભવાતો (એક સારા ધ્યાનની કોઈ આડપેદાશ હોય તો તે છે નિર્ભયતા). હું મારી આજુબાજુ આવેલી દરેક વસ્તુનાં એક પ્રેમમાં હતો. વેદોએ જેને અદ્વેત કહ્યું છે. ડર ફક્ત દ્વન્દ્વમાંથી ઉઠે છે, એક અલગતાની ભાવનામાંથી, કે તમે કદાચ સામેવાળાને ગુમાવી દેશો કાં તો પછી તેઓ તમને નુકશાન પહોંચાડશે. પણ તમને કોણ નુકશાન પહોંચાડી શકે જો આજુબાજુ ફક્ત તમે જ હોવાનાં હોય તો? દિવ્ય એકતામાં કોઈ ડર નથી હોતો. પૂર્ણ એકતાની અવસ્થા ધ્યાનમાં આવતો એક છેલ્લો પડાવ હોય છે. આ અવસ્થામાં, ધ્યાન એક કાર્ય નથી રહેતું. પરંતુ તે એક ઘટના બની જાય છે, મનની જ એક અવસ્થા.

આ સુંદર જંગલી જનાવરો ફક્ત મારા અસ્તિત્વનો જ એક વિસ્તાર હતો. તમે તમારા જ શરીરથી કઈ ભયભીત નથી થતાં. બ્રહ્માંડમાં રહેલી દરેક વસ્તુની જેમ જ, આજુબાજુ રહેલાં આ જંગલી જનાવરો પણ મારું પોતાનું જ પ્રતિબિંબ હતાં. તેઓ મારું જ એક પાછલું જીવન હતાં. હું પણ એક સુવર, રીંછ, હરણ અને વાઘ રહી ચુક્યો હતો. તમારી આજુબાજુ રહેલાં દરેકજણ અને દરેકવસ્તુ એક વખત તમારો જ એક ભાગ હતાં ને કાં તો પછી તમે તેમનો એક ભાગ હોવ છો. કરોડો વર્ષોથી અને અસંખ્ય જીવોમાં રહેલો મૂળ સાર આપણી અંદર, આપણી સાથે, અને આપણી આજુબાજુ સાશ્વતપણે  હાજર હોય જ  છે. દરવખતે. આ કોઈ ફક્ત કહેવાની જ બાબત નથી. જો તમે ધ્યાનનાં માર્ગે ચાલતાં રહેશો તો, એક દિવસે તમે મારા આ શબ્દોમાં રહેલાં સત્યને અનુભવી શકશો, જાણી શકશો અને સમજી પણ શકશો.

મેં છત પર હાથ લંબાવીને થોડો બરફ હાથમાં લીધો. તે રોજનાં કરતાં થોડો સખત થઇ ગયેલો હતો કારણકે તે તાજો પડેલો નહોતો. આગલી રાતનો પડેલો હતો. જે હોય તે, પણ તે હતો ખુબ સ્વાદિષ્ટ. તીવ્ર ધ્યાનથી મારા શરીરમાં પેદા થયેલી જોરદાર ગરમીમાં તે ખુબ જ શાતા આપનારો હતો. સુક્ષ્મ સ્પંદનો ધીમે ધીમે એક ઊંડી અનુભૂતિઓમાં પરીવર્તવાં લાગ્યાં, જે મારા સમગ્ર શરીરમાંથી પસાર થઇને જાણે કે હિમાલયની ટેકરીઓ પરથી પડતાં ધોધ, ઝરણા અને ઘાટીઓ જેમ ગંગામાં પરિવર્તિત થતી હોય તેમ મારા મગજમાં પહોંચીને ઓર વધુ તીવ્ર થવા લાગ્યા. મારા માથામાં જે સ્પંદનો થતાં હતાં તે સહન કરવાં કે વ્યક્ત કરવાં પણ શક્ય નહોતાં. હું હજી આ સ્પંદનોથી કેવી રીતે મુક્ત થવું તે શીખ્યો જ નહોતો. મનની એક અત્યંત સ્પષ્ટતા, ભૂત, વર્તમાન અને ભવિષ્યની સમજ મારી ચેતનાની સરિતામાંથી વહેતી હતી. કોઈ વખત હું આ સ્પંદનોનો અનુભવ ઈચ્છતો નહોતો કેમકે, તેનાંથી હું એવી અવસ્થામાં આવી જતો હતો કે હું કશું પણ કાર્ય કરી શકવા માટે શક્તિમાન રહેતો નહોતો. અરે સ્નાન કર્યા પછી કપાળ ઉપર એક તિલક કરવાં જેટલું સામાન્ય કાર્ય પણ મારા માટે એક ચુનોતી જેવું બની જતું.

જો હું કશું કરી શકતો હોવ તો તે હતું ફક્ત ધ્યાન અને જયારે પણ હું ધ્યાન કરતો ત્યારે આ સ્પંદનો વધુને વધુ એકત્ર થતાં જતાં અને તે ત્યાં સુધી કે મને મારું શરીર જાણે કે કોઈ હાડમાંસનું નહિ પણ કોઈ સ્પંદનોનું બનેલું ન હોય, એક ઉર્જાનું સંગ્રહસ્થાન, તેવું લાગતું. અને આ સંગ્રહસ્થાન પણ જાણે કે બીજા કશાનું નહિ પણ ઉર્જાનું જ બનેલું ન હોય. હું એવી રીતે ધબકી રહ્યો હતો કે જાણે મારું કોઈ શારીરિક અસ્તિત્વ જ ન હોય. અને તેમ છતાં, મારું શરીર કુદરતનાં નિયમોને આધીન હતું અને માટે હું મારા ભાગના દુઃખ અને પીડામાંથી પસાર થઇ રહ્યો હતો. આ પીડા, જો કે, મને મારા ધ્યેયની પ્રાપ્તિ માટે ધ્યાન પ્રત્યે વધુને વધુ કટિબદ્ધ કરતી ગઈ, કે જેથી કરીને હું આ શરીરની બેડીઓમાંથી મુક્ત થઇ શકું.

ફક્ત એટલું જાણી લેવાથી કે આ શરીર તો માત્ર એક સાધન છે, કે પછી આપણે આપણી અંદર એક આખું બ્રહ્માંડ ધારણ કરી રહ્યાં છીએ તે એક અપૂરતું જ્ઞાન કહેવાશે. આ એક અંતર્દ્રષ્ટિ વગરનું ડહાપણ કહેવાય કે જે આપણને કોઈ આનંદ તરફ નહિ પરંતુ અજ્ઞાન તરફ જ લઇ જનારું સાબિત થશે. હું તેને અજ્ઞાન એટલાં માટે કહું છું કે તેનાંથી તમે આવા ખ્યાલો કોઈ પણ પ્રકારનાં અનુભવજન્ય સમજ વગર જ ઘડી લેતાં થઇ જશો. ધ્યાનથી પડતી તકલીફો એ કોઈ પાણીપોચા હૃદયનાં લોકો માટે નથી. બધાથી પરે, શરૂઆતનાં તબક્કાઓમાં એક અસામાન્ય ધીરજ અને સ્વયંશિસ્તની જરૂર પડે છે.

હું હિમાલયનાં જંગલોમાં ખુબ જ આઘે અંદર સુધી સઘન એકાંતમાં જતો રહ્યો હતો. થોડા ગ્રામજનો મને મારા ધ્યાનનાં અંતિમ દિવસે મળવા માટે આવ્યા હતાં. જયારે હું મારી ઝુપડીમાંથી સાત મહિના બાદ બહાર આવ્યો ત્યારે, તેઓ ચોંકી ગયા હતાં. તેમને લાગતું હતું કે કોઈ એકદમ નબળો અને કમજોર સાધુ આ ઝુપડીમાંથી બહાર આવશે, કેમ કે હું સાત મહિના સુધી બહુ જ કઠોર પરિસ્થિતિમાં રહ્યો હતો. કોઈવાર, તો હું અંધારી રાતે બહાર આવીને ફક્ત બરફ ખાઈને જ રહેતો.

મેં મારો પોતનો જ ચહેરો મહિનાઓ સુધી નહોતો જોયો. ૨૪ કલાકમાં એક વાર બર્ફીલા ઠંડા પાણીથી સ્નાન કરીને હું એક નાનકડા અરીસામાં જોઇને મારા કપાળે તિલક લગાવતો હતો. પરંતુ તે અરીસો એટલો નાનો હતો કે તેમાં મારા આખા ચહેરાનું પ્રતિબિંબ દેખાઈ શકે તેમ નહોતું. મને નહોતી ખબર કે હું કેવો લાગતો હતો. મને એટલી ખબર હતી કે મેં મારું વજન ગુમાવ્યું હતું પરંતુ મને મારા શરીરમાં કોઈ અશક્તિ નહોતી અનુભવાતી.

ગ્રામજનો એટલાં માટે ચોંકી ગયા હતાં કે મારામાં શારીરિક નબળાઈની એક નાની નિશાની પણ નહોતી કે નહોતો કોઈ પણ પ્રકારનો થાક. એક ક્ષણ માટે તો, મને પણ મારો ચહેરો જોઇને નવાઈ લાગી, મારી પોતાની આંખોમા તેજ જોઈને, જો કે તે નવાઈ એકાદ ક્ષણ માટે જ હતી. કારણકે, હું જાણતો હતો કે મારો આત્મા, દરેક પ્રકારનાં સંબંધો, ધર્મો અને આ દુનિયાનાં બંધનોથી મુક્ત થઇ ગયો હતો, અને અનંત વિશ્વમાં ઉંચે વિહરી રહ્યો હતો. મારી શક્તિનો સ્રોત હવે હું જે ખાઉં તે ખોરાક નહોતો પરંતુ હું જે વિચારું તે વિચાર હતો. અને, હું કશાનો વિચાર કરતો જ નહોતો. હું હવે ઘણાં સમય સુધી વિચારહીન હતો. કોઈપણ વિચારો મને આવે તો તે હવે ભગવાન અને પ્રેમના જ હતાં.

જયારે તમે દૂધને વલોવો ત્યારે શું થાય છે? તેમાંથી માખણ બને છે અને એક વખત માખણ બની ગયા પછી, તે ક્યારેય દૂધની અવસ્થામાં પાછું જતું નથી. જો દૂધ ખાટું થઇ જતાં પહેલાં થોડા દિવસો સુધી સારું રહી શકતું હોય તો, માખણ કેટલાંક અઠવાડિયા સુધી સારું રહી શકતું હોય છે. જો તમે માખણને ગરમ કરો તો તેમાંથી ઘી બની જશે, અને ઘીને વર્ષો સુધી કોઈ અસર થતી નથી. તમે તેની સાથે ગમે તે કેમ ન કરો, તે પાછું ક્યારેય માખણ કે દૂધ બનતું નથી.

આનંદની અંતિમ અવસ્થા દૂધમાંથી ઘી બનવા જેવી જ છે – અપરિવર્તનીય.

મારે હિમાલય ઉપરથી નીચે ઉતરીને આવવાની બિલકુલ ઈચ્છા નહોતી. તે અદ્દભુત આનંદનું હું ક્યારેય વર્ણન પણ કરી શકું તેમ નહોતો. અસંખ્ય વખત મેં મારા હૃદયમાં અનહત નાદ સાંભળ્યો છે. અસંખ્ય વાર, હું મારા શરીરમાંથી મારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકતો હતો. અનેક પ્રસંગોએ, મેં અત્યંત સુંદર અવાજો સાંભળ્યા છે, અને સૌથી અદ્દભુત દ્રશ્યો જોયા છે. મારું વિશ્વ એક સંપૂર્ણ બની ગયું હતું. મારે પાછા આવવાની કોઈ જરૂર કે ઈચ્છા પણ નહોતી. ઉલટાનું મારી ઈચ્છા તો શરીરને ત્યાગી દેવાની જ હતી.

પણ સાક્ષાત્કાર તમારી અંદર કશુંક કાયમ માટે બદલી નાખે છે. તમે હવે ફક્ત તમારા માટે જ વિચારતાં નથી હોતા. ભલેને તમારા ઉપર કોઈ જવાબદારી ન હોય કે તમારું કોઈ કુટુંબ ન હોય, તમે ફક્ત તમને ખુશી મળે તે જ ન કરી શકો. ક્યાંક તમને એ ભાન થાય છે કે તમારા ઉપર ખુબ જ પ્રબળ આશીર્વાદ વરસ્યાં છે અને હવે એ તમારી ફરજ છે કે તમે તે આનંદને એવા બીજા લોકો સાથે વહેંચો જે તેની શોધમાં હોય. તમે તેને ગમે તેટલું કેમ ન અવગણો, પણ તમે તમારી આજુબાજુ રહેલાં વિશ્વ માટે જીવવાની ફરજ અનુભવો જ છો. જેમ એક ગાયને પોતાનાં વાછરડાને ધવડાવવામાં આનંદ આવે છે, તેમ તમને તમારો આનંદ માનવતાની સેવા કરીને મળે છે. ભલેને દુનિયા તમારી સાથે ગમે તેવું વર્તન કેમ ન કરે, તમે કરુણામય બની રહેવાનું ક્યારેય બંધ નથી કરતાં. તેવું કુદરતી રીતે જ થતું હોય છે, તમે તમારી ઈચ્છા પહેલાં બીજા લોકોની ઈચ્છાને પ્રથમ સ્થાન આપો છો. તમારા આ નિ:સ્વાર્થ વ્યવહારમાં તમને તમારી સૌથી મોટી ખુશી પ્રાપ્ત થાય છે.

આવી નિ:સ્વાર્થી વ્યક્તિ સાથે કશુંક ચમત્કારીક થાય છે. બ્રહ્માંડનાં બળો તેનાં હુકમની રાહ જોતા તેનાં પગ પાસે બેસી રહે છે. તમે જ્યાં સુધી તમને તે એકાત્મકતાની આંતરિક સુઝ ન પડે, ત્યાં સુધી તમે તમારી જાતને અન્યથી અલગ સમજીને વ્યવહાર કરતાં રહો છો. પરંતુ, એક વખત તમારા મનનાં સાચા સ્વભાવની અને તમારી આજુબાજુ રહેલી દરેક વસ્તુની તમને અનુભૂતિ વાળી સમજ પડી જાય (ફક્ત બૌદ્ધિક નહિ), ત્યારે દરેક સંવેદનશીલ જીવ માટે તમારી અંદર એક દયા કુદરતી રીતે જ ઉભરી આવે છે.

કોઈ પણ પ્રકારની સિદ્ધી અર્થહીન છે જો તે દુનિયાને આગળ લઇ જવા માટે મદદ ન કરી શકતી હોય તો, કોઈ પણ પ્રકારનું ધ્યાન અર્થહીન છે જો તે તમારી ચેતનાનો વિસ્તાર ન કરી શકતું હોય તો, જો એ તમારા અસ્તિત્વને ફેલાવી ન શકતું હોય અને તમારી અંદર દયા, હકારાત્મકતા અને પ્રેમ ન લાવી શકતું હોય તો. ધ્યાન એટલાં માટે જ હોય છે. આ છે મારી યાત્રા.

જાવ, તમે તમારી યાત્રાનો આરંભ કરો.

આ હતું મારા ધ્યાન પરનાં નવા પુસ્તક: A Million Thoughts નો ઉપસંહાર. મેં ઉપસંહાર તમારા માટે લખ્યો છે, કેમ કે તમે શરૂઆતનાં પ્રકરણ તો વાંચી જ શકશો એમેઝોનમાં Look Inside પર ક્લિક કરીને. આ છે ધ્યાન ઉપરનું એક વિગતવારનું પુસ્તક, જે જૈકો પ્રકાશન ગૃહ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ રહ્યાં પુસ્તક મેળવવાનાં કેટલાંક ઉપયોગી સ્રોત:

  1. Amazon India. (જો ત્યાં ઉપલબ્ધ નથી એવું કહે તો, એક બે દિવસ રહીને ફરી ચકાસજો)
  2. Paperback on amazon.com, e-book on amazon.com (ભારત બહારનાં વાંચકો માટે).
  3. આવનાર એક અઠવાડિયા સુધી (નવેમ્બર ૨૬ સુધી), ભારત બહારનાં વાંચકો માટે A Million Thoughts ૧૫% નાં ડિસ્કાઉન્ટથી Createspace  ઉપર ઉપલબ્ધ રહેશે. તેનાં માટે જયારે ખરીદી કરો ત્યારે 44VFGP65 ડિસ્કાઉન્ટ કોડનો ઉપયોગ કરશો. ખાસ નોંધ લેશો કે આ ડિસ્કાઉન્ટ ફક્ત Createspace ઉપર જ છે, નહિ કે Amazon ઉપર.

અંતે, અને ખુબ મહત્વનું એ કે હું જે કોઈ Amazon ઉપર પોતાનો રીવ્યુ લખે છે તે સૌ લોકોનો આભારી છું. હું પોતે દરેક રીવ્યુ વાંચું છું. તમારો ખુબ ખુબ આભાર. ખરેખર.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email