ગયા મહીને, હું સિંગાપુરથી દિલ્હી વિમાનમાં આવી રહ્યો હતો. તે ૫.૫ કલાકની હવાઈ મુસાફરી હતી. આઈલ સીટ ઉપર, અમારી વચ્ચે એક નાનકડી પગદંડી જેટલું અંતર હતું જ્યાં એક છોકરો બેઠો હતો કે જે લગભગ બારેક વર્ષનો હશે. તેની બાજુમાં તેની મોટી બહેન બેઠી હતી, જે તેનાંથી થોડા વર્ષોમાં ડાહી હોય તેવું લાગતું હતું. તેઓ સૌથી છેલ્લે વિમાનમાં ચડ્યાં હતાં, અને હમણાં જ આવીને બેઠા હતાં. દસ મિનીટમાં જ વિમાને ઉડ્ડયન કર્યું.

જેવા અમે હવામાં ઉપર ઉઠ્યાં કે તેણે તરત પોતાનો ફોન બહાર કાઢ્યો અને તેમાં વિડીઓ ગેઈમ રમવાં લાગ્યો. એકાદ કલાક પછી, તેમની માતા તેમને મળવા આવી. પેલા છોકરાએ ખાલી થોડા વાક્યોમાં જ સંવાદ કર્યો અને પાછો પોતાની ગેઈમ રમવા લાગી ગયો. તેમની માતા પણ પછી તરત ચાલી ગઈ. જમવાનું પીરસવામાં આવ્યું. તેને પોતાનો ફોન બાજુ પર મૂકી દીધો અને તરત ટીવી ચાલુ કર્યું. જમવાની થાળીને હાથ પણ ન અડાડ્યો, ખાલી એપેટાઈઝર – સાટાય ચિકનનું થોડું બટકું ભર્યું હશે – વારંવાર તેને પાછું ઓર્ડર કર્યું પણ ભાગ્યે જ તેમાંથી તે કશું ખાતો હતો. જમવાંની વચ્ચે જ, તેને પાછો પોતાનો ફોન બહાર કાઢ્યો અને પોતાની વિડીઓ ગેઈમ રમવા લાગી ગયો. ટીવી પણ હજુ ચાલુ જ હતું.

વીસેક મિનીટ બાદ, ટેબલ સાફ કરી લેવાયું, તેની થાળી સટાય કબાબથી ભરેલી જ હતી અને આંખો ફોનમાં ચોંટેલી હતી. થોડી વાર પછી તરત જ, તેમનાં પિતા ત્યાં આવ્યાં. તે એક ખુશ મિજાજનો વ્યક્તિ હોય તેવું જણાતું હતું અને ત્યાં જ તેને બીયર ઓર્ડર કરી અને પોતાનાં દીકરાને થોડું ખસવાનું કહ્યું કે જેથી કરીને તે પોતે પણ ત્યાં બેસી શકે. જયારે પિતા અને દીકરીએ તો થોડી ઘણી વાતો કરી, પણ પેલાં છોકરાએ તો પોતાની આંખો સ્ક્રીન પરથી હટાવી પણ નહિ.

એકાદ કલાક પછી, તેને પોતાનો ફોન બાજુ પર મૂકી દીધો અને તરત તેનું લેપટોપ ખોલ્યું. જ્યાં સુધી લેપટોપ ચાલુ થતું હતું તેટલી વાર તે ટીવીનાં સ્ક્રીન ઉપર તાકી રહ્યો. જેવું લેપટોપ ચાલુ થઇ ગયું કે તે તરત જ લેપટોપ ઉપર વિડીઓ ગેઈમ રમવા લાગી ગયો. ફાયરીંગ, ઘુર્રાવાનાં અને દુઃખમય ચીસો એવાં બધાં અવાજોથી એવું લાગી રહ્યું હતું કે તે કોઈ હિંસક મિશન પર જાણે કે ન હોય. ૪.૫ કલાક પસાર થઇ ગયા હશે અને અમે દિલ્હીથી એકાદ કલાક દુર હશું. પેલો છોકરો પોતાની સીટમાં ટૂંટિયું વાળીને પડી ગયો, તેનું માથું હાથને ટેકો રાખવાનાં હાથા ઉપર મુક્યું અને પગ બીજા હાથા ઉપર ટેકવીને સુઈ ગયો. મને તેનાં ઉપર બ્લેન્કેટ ઓઢાડવાનું મન થઇ ગયું. મને લાગ્યું કે એ પોતાની સીટ ઉપર સુઈ ગયો હોત તો વધારે આરામદાયક હોત. એક ક્ષણ માટે, મને એવું પણ થયું ઉભો થઇને તેની રીક્લાઈંગ સીટને થોડી પાછળ કરી દઉં જેથી કરીને તે એક સીધી પથારીની જેમ થઇ જાય તો તે બરાબર રીતે સુઈ શકે, પણ પછી મેં તે વિચાર પડતો મુક્યો. તરત, જ અમારું વિમાન નીચે ઉતરી રહ્યું હતું અને ફ્લાઈટ એટેન્ડટે આવીને તેને ઉઠાડ્યો કે જેથી કરીને તે પોતાનો સીટ બેલ્ટ પહેરી શકે.

તેને તરત પોતાનો ફોન બહાર કાઢ્યો અને પાછો બીજી વિડીઓ ગેઈમ રમવા લાગી ગયો. વિમાન નીચે ઉતર્યું અને તે કતારમાં મારી આગળ જ ઉભો હતો, અને પોતાનાં ફોન ઉપર ખુબ જ ઝડપથી ટાઇપ કરી રહ્યો હતો. કદાચ કોઈને મેસેજ કરી રહ્યો હશે. મારી પાછળ ઉભેલાં એક સજ્જન તો પહેલેથી જ પોતાનાં ફોન પર કોઈકની સાથે જોર-શોરથી વાતો કરી રહ્યાં હતાં.

મને ખુબ જ નવાઈ લાગી કે આ ડિજીટલ ક્રાંતિએ આપણી સાથે શું કર્યું છે!

હું એવું નથી કહી રહ્યો કે શેરીમાં બીજા છોકરાઓ સાથે નહિ રમીને, કે પુસ્તકો નહિ વાંચીને, કે મોટાભાગનો સમય મોબાઈલ/લેપટોપ/ટીવી સ્ક્રીન સાથે જોડાઈ રહીને, આજના બાળકો કોઈ મહાન વસ્તુથી વંચિત રહી જાય છે કે પછી તેઓ આગલી પેઢી કરતાં કોઈ વાતે ઓછા ચિંતક થઇ જશે. આપણે એ સ્વીકારવું જ પડે કે આજના યુગની આ જ જીવન જીવવાની રીત છે. કદાચ મોટા થઇને તેઓ જે બુદ્ધિ અને ડહાપણ પ્રદર્શિત કરશે તે કદાચ આપણે ક્યારેય જોયું નહી હોય તેવું પણ બને. અંતે તો, દુનિયાનાં મોટાભાગનાં ક્રાંતિકારી સાહસો બાળકો દ્વારા જ થયેલા છે કે જેમની ઉંમર પબમાં જઈને પીવાની પણ ન થઇ હોય. તેઓ બંડખોર યુવાનો જ હતાં. તેઓ પણ પોતાનો સમય વિડીઓ ગેઈમ્સ રમવામાં જ કાઢતા હતાં પરંતુ એક મુખ્ય તફાવત સાથે – તેમનો મોટાભાગનો સમય અને ઉર્જા કોઈ સર્જનાત્મક કાર્યની ધૂનમાં લાગેલો રહેતો હતો.

તદુપરાંત, પુરતું સંશોધનકાર્ય એવું બતાવે છે કે આજના મોટા ભાગના બાળકો (અને પુખ્તો) ડીપ્રેશનનો ભોગ બનેલાં છે. અને તે મને આજના વિષયનાં સાર તરફ લઇ જાય છે, જે છે: વર્તમાન સમયમાં ખુશી મેળવવી.

વિડીઓ ગેઈમ રમવી કે ઓનલાઈન સમય પસાર કરવો એ કઈ ખોટું નથી. તમે કદાચ તમારું ફેસબુક સ્ટેટ્સ ઉપડેટ કરવાં માટે કે તમારા મિત્રોનાં ફેસબુકને જોવા માટેનાં શોખીન હોઈ શકો. તમને કદાચ વોટ્સએપ પર પિક્ચર કે જોક એકબીજાને મોકલવામાં એક આનંદનો નાનો ઉમળકો આવતો હોઈ શકે. પરંતુ એક લાભદાયી શોખ અને એક બિનલાભદાઈ શોખ વચ્ચેનાં તફાવતની ખબર હોવી જોઈએ. આપણા અમુક શોખ સર્જનાત્મક હોય છે જયારે અમુક આપણને બિલકુલ નીચોવી નાંખે તેવાં હોય છે.

જયારે તમે તમારા લાભદાઈ શોખમાં નિવેશ કરો છો (જેમ કે કોઈ નવી કલા શિખવી કે તેનાં ઉપર પ્રભુત્વ મેળવવું) તો તેમાં તમને એક લાંબો સમય ચાલતો આનંદ મળતો હોય છે. તે તમને એક એવી અવસ્થામાં લઇ આવે છે કે જ્યાં તમે ઓછી બેચેની અનુભવો છો. તમે તમારા ઓનલાઈન મિત્રો તરફથી ધ્યાન ખેંચવા માટે હવે તેટલા આતુર નથી હોતા. તમે કોઈ વિડીઓ ગેઈમનું મિશન પૂરું કરવાં કે પછી કોઈ બોનસ પોઈન્ટ મેળવવા માટે માટે ફરજ નહિ અનુભવો. આ બધાં ઈ-મેડલ અને ઓનલાઈન મિત્રોનો સરળ અર્થ છે કે તમારા મનને ડિજીટલ દુનિયાનાં એક છેતરામણા આનંદની ટેવ પડી ગઈ છે. તમારું મન સતત સારું અનુભવી રહ્યું હોય છે કે પછી કોઈ “લાઈક” અને “કોમેન્ટ”ને ઝંખી રહ્યું હોય છે, જયારે હકીકતમાં તે તમારા વાસ્તવિક જીવનમાં કોઈપણ પ્રકારની કિંમતનો ઉમેરો નથી કરી રહ્યું હોતું. આ બધાં લાઇક્સ, કોમેન્ટ્સ, વાત-ચિત, અને ચેટીંગ આપણને કોઈ વધુ સારી વ્યક્તિ નથી બનાવતું.

મારી પાસે કમ્પ્યુટર નહોતું, પણ મને ફેસબુક અને ટ્વીટર વિશે કહેવામાં આવ્યું હતું અને હું ફેસબુક અને ટ્વીટરની બહાર એ જ સિદ્ધાંતોને અમલમાં મૂકીને મિત્રો બનાવતો રહ્યો.

દરરોજ, હું શેરીમાં ચાલતો હતો ત્યારે રસ્તે પસાર થતાં લોકોને કહેતો જતો કે મેં શું ખાધું, હું કેવી લાગણી અનુભવું છું, આગલી રાતે મેં શું કર્યું અને હવે પછી દિવસમાં હું શું કરીશ.

મેં તેમને મારી પત્નીનું, મારી પુત્રીનું, મારા કુતરાનું અને હું રજાનાં દિવસે મારા બગીચામાં કામ કરતો હોવ, કે સ્વિમિંગ પુલમાં બેઠો હોવ એવા ફોટા બતાવ્યા. મેં તેમની વાતચિત પણ સાંભળી, તેમને એમ પણ કહ્યું તેઓ મને “ગમ્યા” અને મને જે વિષયમાં રસ હોય તે તમામ ઉપરનાં મારા મત વ્યક્ત કર્યા, પછી ભલેને તે બધાં જ વિષય કદાચ તેમને પસંદ હોય કે ન પણ હોય.

અને આ વસ્તુ કામ કરે છે. મારા ચાર ફોલોઅર્સ તો થઇ પણ ગયા: બે પોલીસ અધિકારી, એક સામાજિક કાર્યકર અને એક મનોચિકિત્સક.
– પીટર વ્હાઈટ, હોલબ્રુક

આ એક જોડાવાની રીત લત લાગી જાય તેવી છે, નુકશાનકારી છે અને તમારા માનસિક તેમજ લાગણીકીય સ્વાસ્થ્ય માટે ખુબ જ ખતરનાક છે. સોશિયલ મીડિયા ઉપર તમને તમારા સિવાયની દરેક વ્યક્તિ ખુશ લાગતી હોય છે. અને તમે તેમજ હું આપણે બન્ને જાણીએ છીએ કે આ સત્ય નથી. આપણે ખુબ જ ઝડપથી એવી દુનિયા બનાવી રહ્યાં છીએ કે જે ડીપ્રેશન, બેચેની અને દુઃખ તરફ લઇ જતી હોય. અને સૌથી મોટી ખરાબ વાત જો કોઈ હોય તો તે એ છે કે આ ઈ-દુનિયા એકદમ ખરી હોય એવું લાગતું હોય છે.

મેં એક વખત એક વાક્ય વાંચ્યું હતું, “જો તમે કશાની કીમત ચૂકવી રહ્યાં ન હોય, તો તમે તેનાં ગ્રાહક નથી; તમે એ વસ્તુ છો જેને વેચવામાં આવી રહી હોય છે.”

આ છે સોશિયલ મીડિયાનું સાર તત્વ. એ મોટા મંચ તમારા લીધે ચાલતાં હોય છે, પરંતુ, હકીકતમાં તેઓને રસ હોય છે જાહેરાતોમાં. તમે ઓનલાઈન જોડાયેલાં રહો તે માટે…

અસામાન્ય ઉપભોક્તાવાદી એવા આપણા સમાજમાં, હોશિયાર મગજનાં માણસો તમારું ધ્યાન ખેંચવા માટે ચતુરાઈ વાળા માર્કેટિંગ પ્લાન ઘડી કાઢતા હોય છે, અરે કોઈપણ શોપિંગ મોલમાં ખાલી આંટો મારીને, કશું પણ ખરીદી કર્યા વગર પાછું આવવું એ પણ કોઈ ચમત્કાર જેવું છે. લાખો કરોડો લોકો કેટલાંય કલાકો ઓનલાઈન ખર્ચી નાખે છે (મોટાભાગનાં લોકો આ સમયની બરબાદી માટે અફસોસ પણ અનુભવતા હોય છે), ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જ. દિવસનાં અંતે (ખરેખર), આપણે કોઈ વધુ ડાહ્યાં, ખુશ કે વધુ સંતોષી નથી થઇ જતાં. આ બધું કરવાનો શો અર્થ?

મને યાદ છે કે ઘણાં સમય પહેલાં મેં એક હોલીવૂડ મુવી જોયું હતું જયારે સ્માર્ટફોનની શોધ પણ નહોતી થઇ. તેમાં એવું બતાવ્યું હતું કે મશીન છે તે માનવ બુદ્ધિ ઉપર પ્રભુત્વ મેળવી લે છે. તેમાં ઘણું બધું આગળનું બતાવ્યું હતું. પણ હવે એવું નથી લાગતું. એ સમય હવે આવી ગયો છે. મશીન ખરેખર આપણા જીવન ઉપર કાબુ કરી રહ્યાં છે.

લોગ આઉટ કરવામાં એક સજગતાની જરૂર પડતી હોય છે. તમારા સ્ક્રીન ટાઇમ (ટીવી પણ આવી જાય છે)પર કાપ મુકો અને અચાનક તમે જોશો કે તમારી પાસે તો ઘણો બધો સમય છે તે તમામ બાબતો કરવાં માટેનો કે જે કરવાની તમને હંમેશાં ઈચ્છા હતી. જો તમે એક માતા-પિતા હોવ, તો તમારા બાળકો સાથે કડક બનો. તેમનાં મિત્ર બનાવામાં કશું ખોટું નથી, પણ કોઈ વખત તમારે બાળકોના જ ભલા માટે ખરેખર એક માતા-પિતાની જેમ વર્તન કરવું પડે. અને તમારી ઉંમર ગમે તે હોય, જો તમારે ખરેખર જીવનનો આનંદ ઉઠાવવો હોય, તો તમારે એવી સુંદરતાની કદર કરવી જોઈએ કે જે તમારા હૃદયને પીગળાવી દે, જે મારા નમ્ર મત મુજબ તમને ઓનલાઈન તો નહિ જ મળે. તમે એવી બધી એપ્સનો ઉપયોગ કરી શકો કે જે તમારા ઓનલાઈન સમયને મર્યાદિત કરી દે. તે ખુબ ઉપયોગી હોય છે.

આજે કદાચ મેં કોઈ ફિલસુફી ભર્યો સંદેશ કહ્યો હોત તો તે કદાચ હૃદયમાં વધારે ઉષ્મા ભરવા વાળો હોત. પણ તો પછી, વ્યવહારિકતા પણ તેની રીતે એક ફિલસુફી જ તો છે. વધુમાં તે કાર્યક્ષમ પણ હોય છે.

તમારી કદર કરો, તમારા સમયની કદર કરો, તમારા સ્ક્રીન સમયને મર્યાદિત કરવાંથી શરૂઆત કરો. તમે કદાચ ઓફલાઈન જતાં રહેશો તો પણ દુનિયા સરસ રીતે ચાલતી જ રહેશે. તમારું જીવન જીવો, ખરું જીવન. જીવન સુંદર રીતે પસાર થઇ રહ્યું છે, ચિત્તાકર્ષક દ્રશ્યો સાથે, જયારે આપણે અહી કોઈ રેટીના ડિસ્પ્લે ઉપર આપણી તરસને બીટ્સ અને બાઈટ્સમાં છીપાવતા બેઠા છીએ. શું એ યોગ્ય છે?

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email