હું આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ એક દિવસ પહેલા જ આપું છું જેથી કરીને તમે સૌ શાંતિ, પ્રકાશ અને ઉજવણીના બે દિવસ માણી શકો! અનેક ધર્મો અને દંતકથાઓ પ્રમાણે દિવાળી એ ભગવાન રામની અસુર રાવણનો સંહાર કર્યા પછી માતા સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવવાની ઘટનાની ઉજવણીનો તહેવાર છે. હજારો વર્ષથી આ પર્વ આ રીતે જ ઉજવાતો આવ્યો છે. કોઈ પણ સગુણ ઉપાસક માટે અથવા હિંદુ ધર્મના અનુયાયી માટે આ વાર્તા ઐતિહાસિક છે, કોઈ દંતકથા નહીં. આવા ભક્ત માટે આની પાછળ જે કોઈ છૂપો સંદેશ હોય તે અપ્રસ્તુત છે, કારણકે ભક્તિ અને વિચારશક્તિ સાથે રહી શકતાં નથી.

ભક્તિપૂર્ણ સેવામાં તમારી ભક્તિ પાછળ કોઈ તર્કનો ટેકો હોવો જરૂરી નથી. ભાવ કે ભક્તિમયતા વ્યક્તિને બુદ્ધિથી પર લઈ જાય છે. મનની મૂળ પ્રકૃતિ એ તમામ તર્ક અને વિચારથી પરે છે, કારણ કે તર્ક અને વિચાર બન્ને એક શરતી મનની પેદાશ છે. પરંતુ એક યોગીની દ્રષ્ટી અલગ હોય છે. તે માને છે કે જે બાહ્યદ્રષ્ટિએ દેખાય છે તેના કરતાં ઘણું બધું ગૂઢ રહેલું હોય છે. આખરે શાસ્ત્રોની રચના અને પ્રચાર મહાન સંતો અને ઋષિઓ દ્વારા જ થયો છે.

તો ભગવાન રામની મહાકથા રામાયણનો ગૂઢ કે યોગિક અર્થ શું છે? હું તેના ગૂઢ અર્થને સમજાવવા માટે કોઈ રીતે યોગ્ય નથી. ખરેખર તો એ વિચાર પણ અવિનયી કહેવાય કેમ કે એક નાનું ટીપું સમુદ્રની ઊંડાઈને કેવી રીતે સમજી શકવાનું હતું? સિવાય કે તે પોતે સમુદ્રમાં વિલિન થઈ જાય અને પોતે જ સમુદ્ર બની જાય. પરંતુ એક વાર સમુદ્ર બન્યા પછી તે એક ટીપાંની સ્થિતિ અને સંઘર્ષને સમજી પણ ન શકે! આજે હું તમને એક દિવસ મારી સમાધી દરમ્યાન મને જે મળ્યું તેની વાત કરીશ, જે આ પ્રમાણે છે:

રાવણ એ દસ માથાવાળો અને અનંત શક્તિશાળી દૈત્ય હતો. તેની નાભિમાં અમૃત હતું. વિષ્ણુના અવતાર એવા ભગવાન રામ સુચારિત્ર્યની શક્તિ, ધર્મ અને સદાચારની મૂર્તિ હતા. તેમના પત્ની માં સીતા ભક્તિ, પતિવ્રતા – પતિ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણના જીવંત મૂર્તિ હતા. લક્ષ્મણ સેવા, કટિબદ્ધતા અને એકનિશ્ચયતાનાં પ્રતિક હતા. આ કથાનો પાયો છે…..

રાવણ, એક મહાન તપસ્વી હતો અને શ્રેષ્ઠ એકલક્ષી ધ્યાનની પ્રાપ્તિનું પ્રતિક છે. તેના દસ માથા તે ઈન્દ્રિયો – જ્ઞાનેન્દ્રીયો અને કર્મેન્દ્રિયોનું પ્રતિક છે. આ દર્શાવે છે કે જયારે ઇન્દ્રિયો એક-લક્ષી હોય (એક દિશામાં વાળેલી ચેતનાશક્તિ) પરંતુ જો ખોટા માર્ગે વળેલી હોય, ત્યારે એ વ્યક્તિ પોતાની શક્તિઓનો દુરુપયોગ કરતી હોય છે. એક એવો યોગી કે જેણે આ માનસિક સ્થિતિ તો મેળવી લીધી છે, પરંતુ હજી પણ પોતાની વાસના અને ક્રોધનો ગુલામ જ રહ્યો છે, તેના માટે કોઈ આશા રાખી શકાતી નથી. આવો યોગી, જે સાચી સમાધિ સુધી પહોચવા કરતાં યોગિક ક્રિયાઓમાં નિપુણતા મેળવીને જ અટકી જાય છે, તે આવા વિકારોનો શિકાર થતો હોય છે, જે મનની અધીરતા દર્શાવે છે. જે પણ સાધક પોતાની સમાધીવસ્થામાં સ્થૂળ વસ્તુઓનું સચોટ વિશ્લેષણ ન કરી શકે તો તે આવી વૃત્તિઓનો શિકાર વારંવાર બનતો રહે છે. કારણકે ખરું કામ જ ત્યારે શરુ થાય છે જયારે તમે સમાધિ પ્રાપ્ત કરો અને પછી તેને ટકાવી રાખી શકો. નાભિમાં રહેલું અમૃત યોગીક રહસ્યો તરફ તેમજ મણીપુર ચક્ર તરફ નિર્દેશ કરે છે.

શ્રી રામ સમાધિષ્ટ પુરુષ (કે જે પોતાનાં શાંત સ્વભાવમાં અડગતાપૂર્વક સ્થિત છે)નું પ્રતિનિધિત્વ છે. પરંતુ તેઓ એ સ્થિતિથી આગળ જાય છે અને ધર્મ અને કરુણાનાં માર્ગે ચાલે છે. પરિણામે તેમને સાચા અને ખોટાનું જ્ઞાન હોય છે. માં સીતા પ્રકૃતિની પવિત્રતા અને શક્તિ તેમજ કુંડલીની (સ્ત્રીત્વના તત્વ)નું પ્રતિનિધિત્વ કરે છે. એ દર્શાવે છે કે જયારે યોગી રામ જેવા સિદ્ધ હોય, ત્યારે પ્રકૃતિ તેને સમર્પિત થાય છે અને તેની ભક્ત બની રહે છે. અને ભાન ભૂલેલી ઇન્દ્રિયો (રાવણ) આવા ભક્તને લલચાવી શકતી નથી. લક્ષ્મણ એ યોગી માટે જરૂરી એવા મક્કમ નિર્ધારનું પ્રતિક છે. લક્ષ્મણે ઊંઘ અને વાસનાંને જીત્યા હતાં અને ચૌદ વર્ષ સુધી એકદમ પવિત્ર જીવન જીવ્યા હતાં. યોગનો માર્ગ અંકુશ અને શિસ્ત માંગે છે. સર્વોચ્ચ જ્ઞાન મેળવવા માટે ચૌદ વર્ષ એક સરેરાશ સમયગાળો દર્શાવે છે.

માટે, યોગનાં પંથે સફળ થવા માટે રામની ધર્મ અને મર્યાદા (વાણી, વિચાર અને કર્મમાં નીતિમત્તા તેમજ સત્યાર્થતા), લક્ષ્મણનાં ત્યાગ (અનાસક્તિ અને વૈરાગ્ય) અને સીતાની શુદ્ધતાની જરૂર પડતી હોય છે. આવા સાધક માટે સફળતા બહુ દુર નથી હોતી
મને રામાયણની થોડી પંક્તિઓ યાદ આવે છે. મહેરબાની કરીને તમે સચોટ શબ્દરચના માટે રામચરિતમાનસ વાંચજો. અહી હું જે લખી રહ્યો છું તે મારી યાદશક્તિના આધારે લખી રહ્યો છું, તેથી તેમાં કદાચ નાની ભૂલો હોવાની સંભાવના છે.

नहिं रथ ना तन पद त्राणा, केहि बिधि जितब बीर बलवाना ||
सुनहु सखा कहु कृपा निधाना, जेहि जय होई सो स्यन्दन आना ||૧||

सौरज् धीरज ते रथ चाका, सत्य सील दृढ ध्वजा पताका ||
बल बिबेक दम परहित घोरे, छमा कृपा समता रजु जोरे ||૨||

ईस भजनु सारथि सुजाना, बिरति चरम संतोष कृपाणा ||
दान परसु बुद्धि सक्ती प्रचण्डा, बर बिग्यान कठिन कोदण्डा ||૩||

अमल अचल मन त्रोन समाना, सम जम नियम सिलिमुख नाना ||
कवच अबेध बिप्र गुरु पूजा, एहि सम बिजय उपाय ना दूजा ||૪||

सखा धर्ममय अस रथ जाके, जितन कतहु कहुँ रिपु नहि ताके ||૫||

महा अजय संसार रिपु जित सके सो बीर ||
जाके अस रथ होइ दृढ सुनहु सखा मतिधीर ||૬|| 

અર્થાત:

વિભીષણ રામને પૂછે છે, “હે નાથ! તમારી પાસે કોઈ રથ નથી, શસ્ત્રો નથી અરે પાદુકા પણ નથી, તો તમે મહાન યોદ્ધા રાવણને કેવી રીતે જીતી શકશો?”

કૃપાસાગર રામ કહે છે, “પ્રિય ભક્ત, ધ્યાનથી સાંભળ, અહીં જીતવા માટે જરૂરી એવો રથ જુદા પ્રકારનો છે:

શૌર્ય અને સાતત્ય તેના પૈંડા છે, સત્ય અને ચારિત્ર્ય એ સ્તંભ અને જીતનાં ધજા પતાકા છે. તાકાત, વિવક, શિસ્ત અને પરોપકાર તેના અશ્વો છે. ક્ષમા, કરુણા અને સમતા તેની લગામ છે. ઈષ્ટદેવની ભક્તિપૂર્ણ સેવા તેનો સારથી છે. સ્થિતપ્રજ્ઞા એ શસ્ત્ર છે અને સંતોષ એ તલવાર છે. ભલાઈ એ ફરસી છે અને બુદ્ધિ એ વજ્ર (શક્તિ) છે. જ્ઞાન એ ધનુષની મજબુત પણછ છે.

સ્થિર અને પવિત્ર મન એ બાણનું ભાથું છે અને સ્વનિયંત્રણ, ઇન્દ્રિય નિયંત્રણ અને શિસ્ત એ જુદા-જુદા બાણો છે. ગુરુ અને જ્ઞાનીઓની પૂજા ભેદી ન શકાય એવું બખ્તર છે. આનાંથી વધુ સારી જીતવાની કોઈ પદ્ધતિ હોઈ ન શકે. જેની પાસે આવા ધર્મનો રથ છે, તેને જીતવા કે હારવાની ચિંતા સતાવતી નથી, ખરેખર તો તેને માટે કોઈ શત્રુ એવો બાકી રહેતો જ નથી કે જેનાં પર વિજય મેળવવાનો હોય. જે આવા રથ પર મક્કમતાથી ઉભો રહે છે તે સૌથી શક્તિશાળી શત્રુ (ભૌતિક જીવનના આકર્ષણો)ને પણ જીતી લે છે.”

હું તમને ફરી એક વાર સુરક્ષિત અને ખુશાલીભરી દિવાળીની શુભેચ્છા આપું છું. જાવ, આ દિવ્ય રથની પ્રભાવશાળી સવારી કરો!

પોતાની અને એકબીજાની સંભાળ રાખજો.

હરે કૃષ્ણ.
સ્વામી.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email