કોઈ વખત  (વાસ્તવમાં જોઈએ તો ઘણી બધી વાર), હું જે એકલાં લોકો હોય તેમને મળતો હોવ છું. સામાન્ય રીતે, તેઓ કોઈ યોગ્ય વ્યક્તિની શોધમાં, કોઈ સાથીની શોધમાં હોય છે કે જેની સાથે તેઓ તેમનું જીવન વિતાવી શકે. તેઓ કાં તો ભૂતકાળમાં કોઈનાથી ઘવાયા હોય છે, કાં તો હજી સુધી તેમને કોઈ યોગ્ય પાત્ર મળ્યું હોતું નથી. સાંજે જયારે તેઓ પોતાનાં ખાલી ઘરમાં પાછા ફરે ત્યારે કોઈ તેમની રાહ જોતું હોતું નથી. તેઓ પોતાની મેળે જ ઉઠતાં હોય છે, તેમની પડખે કોઈ હોતું નથી. એકલવાયાપણું અને ઘરડાં થવાની શક્યતા તેમને વારંવાર ડરાવતી હોય છે. તેમને ફક્ત કોઈ એવું જોઈતું હોય છે કે જે તેમને પ્રેમ કરે અને તેમને તેઓ પ્રેમ કરે, પરંતુ તેમને કોઈ મળતું નથી, એવું તેઓ મને કહેતા હોય છે.

અને પછી, મને જેઓ પરિણીત હોય તેવાં લોકો પણ મળતાં હોય છે. જો કે તેઓ પોતાનાં કુટુંબને ચાહતા હોય છે, તેમ છતાં તેઓ એક શાંતિ અને આરામને ઝંખતા હોય છે. તેઓ પોતાની ફરજપાલનતાને લઈને જ થાકી ગયા હોય છે. તેઓ એવું સમજતા થઇ જાય છે કે લગ્ન એટલે તો બાંધછોડનો સમાનર્થી શબ્દ. અને તેમાં રોજબરોજનાં જીવનમાં અસંખ્ય બલિદાનો આપવા પડતાં હોય છે, અને તે પણ દરેક સ્તરે. પોતે ખુશ રહે તે માટે પહેલાં તેમને ઘરમાં, પોતાનાં સાથીમાં, બાળકોમાં કેટલાંક બદલાવો જોઈતાં હોય છે. તેઓને ફક્ત કોઈ પ્રેમ કરવાં વાળું અને પોતે કોઈને પ્રેમ કરે તેટલું જ માત્ર જોઈતું હોય છે, અને તેઓ વળી કોઈ એવા એક ને પરણ્યા પણ હોય છે કે જેનાં માટે તેમને એવું લાગતું હતું કે તે બધી જવાબદારી લઇ લેશે. પરંતુ, હવે તેમને લાગે છે કે તેઓ ખોટી વ્યક્તિને પરણ્યા છે, એવું તેઓ કહેતા હોય છે.

તેમની સાચા પ્રેમની ખોજમાં, તે પછી ગમે તે કિસ્સામાં કેમ ન હોય, જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી, મારી તેમની સાથેની દરેક મુલાકાતનું પરિણામ એક સમાન જ આવે છે. મોટાભાગે દરેક વખતે. બે બાબતોમાં:

  1.  હું જોતો હોવ છું કે મારા ટીશ્યુ બોક્સમાંથી બધાં ટીશ્યુ પેપર્સ ફટાફટ ખતમ થઇ જાય છે, દિલ્હીની મ્યુનિસિપાલિટીમાંથી પાણી ખતમ થઇ જાય તે પહેલાં.
  2. મને એક સમાન સવાલો સાંભળવા મળતાં હોય છે. આવું કેમ? મારી સાથે જ કેમ? મારા સાથી કેમ સમજતાં નથી? ભગવાન મારી સાથે આવું કેવી રીતે કરી શકે?

ટીશ્યુનો પ્રશ્ન તો સહેલો છે. હું આંખોમાંથી વહેતા આંસુને માટે એક બીજું ટીસ્યુ બોક્સ મૂકી દઉં છું. આપણે રડી પણ શકીએ અને આંસુને લુછી પણ શકીએ. પરંતુ બીજો પ્રશ્ન જે છે, તે જો કે, થોડો પેચીદો છે. ચાલો હું મારો દ્રષ્ટિકોણ તમને કહું તે પહેલાં તમને એક વાર્તા કહું.

મુઘલ સમ્રાટ અકબરે એક દિવસે પોતાનાં દરબારીઓને પૂછ્યું કે આ બન્નેમાંથી વધારે શક્તિશાળી કોણ: ભગવાન કે અકબર. દરબારીઓનાં માથે તલવાર આવી ગઈ, કારણકે સ્પષ્ટ જવાબ એ હતો કે ભગવાન, પરંતુ રાજા કરતાં કોઈ વધુ શક્તિશાળી છે એવું કહેવું તેનો અર્થ જ એ કે બીજી વખત તમે જયારે વાળ કપાવા જાવ ત્યારે કરવત જ તમારે માથે મુકાય. અને ખોટો જવાબ આપવો, તેનો અર્થ પણ એટલો જ કે તમે રાજાની ખોટી ખુશામત કરી રહ્યાં છો, અને તેવું કરવાં જતાં પણ પરિણામ તો એ જ ભોગવવાનું આવે. એક પછી એક જો કે, દરેકજણે સત્ય બોલવાનો નિર્ણય કરીને, કહ્યું કે ભગવાન છે તે અકબર કરતાં પણ વધારે મહાન કહેવાય. દરેકે એ જ જવાબ આપ્યો, સિવાય એક વ્યક્તિ.

અકબરનાં દરબારમાં રહેલ સૌથી હોશિયાર વ્યક્તિ, બીરબલે, કહ્યું કે અકબર ખરેખર તો ભગવાન કરતાં પણ વધુ મહાન છે. બધાં દરબારીઓ મનમાં ને મનમાં ખુશ થયાં કે હવે બીરબલ મર્યો સમજો. તેમને લાગ્યું કે છેવટે હવે બીરબલનું અકબરનાં હાથે આવી બન્યું.

“આ તો સ્પષ્ટ છે બીરબલ, કે તું મને ખુશ કરવાં માટે જ ફક્ત આવું કહી રહ્યો છે,” રાજાએ કઠોરતાપુર્વક કહ્યું, તેમનું મસ્તક હલાવતાં કહ્યું, “મને તારી આવી ચાપલુસીથી ખુબ જ ધ્રુણા આવી ગઈ છે. હું ભગવાન કરતાં પણ કઈ રીતે મહાન હોઈ શકું?”

“જહાંપનાહ,” બીરબલે જવાબ આપતાં કહ્યું, “ખરેખર, અમારા સમ્રાટ તો ભગવાનથી પણ વધુ શક્તિશાળી છે. ભગવાન કોઈ ભેદભાવ નથી કરતાં કે પક્ષપાત પણ નથી કરતાં. તેમને તો ધર્મનું બંધન હોય છે. ભગવાનનું દરેક કાર્ય અનંત બ્રહ્માંડની જે સતર્ક રહીને કાર્ય કરવાની રીત છે તેની સાથે એકદમ બંધબેસતું હોય છે. પરંતુ, આપ જહાંપનાહને તો કોઈ નિયમનું બંધન નથી. આપ તો ગમે તે વ્યક્તિને સજા કરી શકો છો, પછી ભલે ને તે નિર્દોષ પણ કેમ ન હોય. ભગવાન તેવું ન કરી શકે.”

બીરબલના વખાણ કરીને, અકબરે તેને મોટું ઇનામ આપ્યું. તે દિવસે સાંજે, જયારે બીરબલની પત્નીએ આ વાત વિશે સાંભળ્યું, ત્યારે તેને હળવેથી બીરબલને કહ્યું, તેમને આવા સાહસિક જવાબો ન આપવાં જોઈએ, અને વળી રાજા એવું શા માટે કરે?
“કારણકે,” બીરબલે શાંતિથી જવાબ આપતાં કહ્યું, “તે એક અજ્ઞાની સવાલ હતો.”

હું બીરબલ સાથે હૃદયપૂર્વક સહમત છું. તમને શું ખરેખર એવું લાગે છે કે તમે કેટલી હોશિયારીથી યાદ કરો છો તેનાં આધારે કોઈ ઉપર બેઠું-બેઠું ક્યારેક તમને લાકડી ફટકારતું હોય છે કે ક્યારેક લોલીપોપ આપતું હોય છે? મને તો શંકા છે.

ભગવાન આપણા સંબંધોને લગતા પ્રશ્નો જે છે તે ન ઉકેલી શકે કારણકે સૌ પ્રથમ તો એ પ્રશ્નો ભગવાને નથી ઉભા કર્યા. આ પ્રશ્નોને ભગવાન, બ્રહ્માંડ કે કુદરત (તમે જે નામે બોલાવતાં હોય તે)ની સાથે કોઈ લેવા-દેવાં જ નથી.

આપણે એટલાં માટે સહન કરવું પડતું હોય છે કે જયારે આપણે આપણી જાતને, આપણી લાગણીઓને, અને આપણા સંજોગોને નથી સંભાળી શકતાં હોતા. મને ખોટો નહિ સમજતાં, હું ચોક્કસ ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ રાખું છું. એ રીતે જોવા જઈએ તો આ સમગ્ર અસ્તિત્વ જ ભગવાન માત્ર છે. હું ભગવાનને એક અનંત દયા, સુંદરતા અને આનંદ તરીકે જોઉં છું કે જે આપણા અનંત બ્રહ્માંડમાંથી વરસી રહ્યાં છે. પરંતુ, મને નથી લાગતું ભગવાનની નોકરીમાં પ્રેમ-ગુરુ, જોડીઓ બનાવી આપનાર, કે દંડાધિકારી બની રહેવાનું પણ લખ્યું હોય. કુદરત પોતાનું કર્મ બિલકુલ ભેદભાવ રાખ્યાં વગર, એક મોટા વૈરાગ્ય ભાવથી અને કોઈપણ પ્રકારની આસક્તિ રાખ્યાં વગર કરતું હોય છે.

એક માણસ દરજી પાસે એક અઠવાડિયા પહેલાં પોતાનું જે સુટ સિવડાવવા નાંખ્યું હોય છે તે લેવા માટે જાય છે.
“માફ કરજો, સાહેબ,” દરજીએ જવાબ આપતાં કહ્યું, “હજી તૈયાર નથી. ભગવાનની મરજી હશે તો, એ ત્રણ દિવસમાં તૈયાર થઇ જશે.”
નિરાશ થઇને ગ્રાહક પાછો જાય છે અને ત્રણ દિવસ પછી પાછો એ જ જવાબ મળે છે. “ભગવાનની મરજી, હશે તો સાહેબ,” દરજી કહે છે, “હું ચોક્કસ એક અઠવાડિયામાં સીવી નાંખીશ.”

ગ્રાહક દરજી સાથે બોલાચાલી કરીને ગુસ્સે થઇને પાછો જાય છે. એક અઠવાડિયા પછી પણ આ દરજીએ તેનો સુટ સીવ્યો નહોતો.

“ભગવાનની મરજી હશે, તો સાહેબ,” તેને આજીજી કરતાં કહ્યું, “ચાર દિવસમાં જ સિવાઈ જશે.”
“જો ભાઈ, સાંભળ,” ગ્રાહકે કહ્યું, “ભગવાનને આમાંથી એક બાજુએ રાખ. મને એ કહે કે જો ભગવાનની મરજી નહિ હોય તો તને કેટલો વખત લાગશે.”

કલ્પના કરો કે તમને બહારથી કોઈ મદદ મળવાનો સ્રોત જ ઉપલબ્ધ નથી, તો તમે તમારા સુખ કે ખુશીને કેવી રીતે શોધશો? કારણકે, હું તમારી સાથે પ્રમાણિક બનીને કહીશ, કે મને નથી લાગતું કે કૃપાનો અર્થ એ થતો હોય કે આપણા જીવનનાં બધાં પ્રશ્નોનો અંત આવી જશે. હું નથી માનતો કે આપણે એટલાં માટે પ્રાર્થના કરવાની હોય કે ધાર્મિક બનવાનું હોય કે જેથી કરીને આપણે આપણી ઈચ્છાઓનાં પાંજરામાં કેદ થયેલાં ભગવાન સાથે વાત કરી શકીએ.

જો તમે ખુશીને જ ખોજતા હોવ, તો પછી એવી સ્પષ્ટતા સાથે જ શરૂઆત કરો કે ખુશી તમને કોઈ નહિ આપે. કોઇપણ, એવું ઇચ્છતું હોય કે કોઈ બીજા તેમને પરિપૂર્ણતાનો અનુભવ કરાવે, તો તેઓ હંમેશાં અસંતોષી જ રહેશે. જેમકે ગોધે એક વખત કહ્યું હતું કે, “જે શક્તિથી દરેકજણ બંધાયેલું છે, તેનાંથી મનુષ્ય પોતાની જાત ઉપર વિજય મેળવીને મુક્તિ પામી શકે છે.”

આપણી યાતનાઓનો અંત આણવા માટેનો એક માત્ર માર્ગ છે આપણી જાતને જીતવી. બીજા લોકો તો ફક્ત આપણી અંદર રહેલી યાતનાને ઉત્તેજન આપનાર ઉદ્દીપક માત્ર હોય છે. આપણી પીડાનું બીજું નામ એ આપણી જીવન સાથે શરતો રાખવાની અણઆવડત પણ છે. જયારે આંતરિક શાંતિની વાત આવે ત્યારે આપણી આજુબાજુ રહેલાં લોકો અને સંજોગો પ્રત્યે આપણી જેટલી મોટી સ્વીકૃતિ હશે તેટલાં વધુ આપણે શાંત રહી શકીશું.

શાંતિ અને આનંદનાં માર્ગની શરૂઆત જવાબદારી સાથે થાય છે. જવાબદારીપૂર્વકનાં પગલાં લો, જવાબદારીપૂર્વક તમારા શબ્દો બોલો, જવાબદારીપૂર્વકનું વર્તન કરો અને તમે જોશો કે તમારો આંતરિક આનંદ તમારી ચેતનામાંથી એ રીતે ઉઠશે કે જેવી રીતે ઊંડી ખીણમાંથી આવતી વસંત ઋતુનાં પવનની લહેરખીઓ, જે તમારા આત્માને પ્રેમપૂર્વક સ્પર્શ કરીને તમારો ખાલી પ્યાલો ભરી દેશે. અપેક્ષાઓનાં ઘોંઘાટમાં, જેવી રીતે ઉનાળાનાં મધ્યાહ્ને એક તીડની ખરખરાહટ થતી હોય તેમ, ઇચ્છાઓનાં સુકા ઘાસની વચ્ચે, તમારું સમગ્ર અસ્તિત્વ આનંદની ગુનગુનથી એવી રીતે ભરાઈ જશે જાણે કે શિયાળાનાં સૂર્ય તળે પર્વતોમાંથી વહેતું કોઈ ઝરણું.

જવાબદાર બનો. હળવા બનો. ખુશ રહો.

કઈક બીજું પણ તમને કહેવાનું છે, થોડા દિવસો પહેલાં મેં સિડનીમાં થોડા ભક્તો સાથે બેસીને પ્રવચન કર્યું હતું. તે એક સુંદર સાંજ હતી, અને અમે બધાંએ ભેગા મળીને શ્રી હરિની આરતી ગાઈ. તમે તે અહી સાંભળી શકો છો કે ડાઉનલોડ પણ કરી શકો છો. આરતી ગીત પણ ત્યાં જ ઉપલબ્ધ છે.
હું રમોના બોર્ધ્વિકનો ખુબ આભારી છું, કે જે પોતે એક ખુબ જ પ્રતિભાશાળી પિયાનો શિક્ષક છે. તેમને ખુબ ધીરજપૂર્વક મને પિયાનો ઉપર મારી આંગળીઓ ફેરવવા માટે મદદ કરી, કે જે મારે હંમેશાં શીખવાની ઈચ્છા હતી. રમોનાએ આ મેલોડી અને ડ્રોન પિયાનો ઉપર સેટ કરી દીધા હતાં. હું ફક્ત તેને વગાડી રહ્યો હતો. જો એ રમોના ન હોત, તો મને પિયાનો અને ટાઇપ રાઈટર વચ્ચેનો ફર્ક કદાચ ખબર જ ન પડત. આ કોઈપણ પ્રકારની પૂર્વતૈયારી વગરનું રેકોર્ડિગ છે કે જે મારા આઈપેડ પર કર્યું છે. આશા રાખું કે તમને ગમશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email