હું જ શા માટે? આ પ્રશ્ન ઘણા લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થતો જ હોય છે, કેટલાક એનાથી  હારી જાય છે, તો કેટલાક હાર માની લે છે. તમે બધાએ એ પણ જોયું હશે કે ઘણી વખત સારા માણસો સાથે બહુ ખરાબ વાતો બનતી હોય છે અને ખરાબ માણસો સમૃદ્ધિવાળું જીવન જીવતા હોય છે. એ જોવું પણ અસામાન્ય નથી કે જેઓ પોતાના સ્વાસ્થ્યની ખૂબ કાળજી રાખતા હોય, તેને જ ભયાનક બિમારીથી પીડાવું પડે. તો ઘણી વાર એ પણ જોવા મળે છે કે જેઓ પોતાના શરીરનો દરેક રીતે દુરુપયોગ કરે છે, તેઓ જીવનના નવમાં દાયકામાં પણ સારી તંદુરસ્તી માણી રહ્યા હોય. કોઈ, જે હંમેશા પોતાના સાથીને વફાદાર રહ્યા હોય, તેઓ તે જ સાથી દ્વારા કોઈ દેખીતા કારણ વગર તરછોડી દેવાયા હોય. જે વ્યક્તિ બધા નિયમોનું પાલન કરતી હોય, તે છેલ્લે ભાવનાત્મક, શારીરિક અને ઘણીવાર આર્થિક રીતે પણ સાવ એકલા, એકલતામાં અને ભાંગી પડેલી હાલતમાં જીવતા હોય.

તો આ બધાને કેવી રીતે સમજવું? એક સાચો પ્રશ્ન એક ખરા જવાબ ને જન્મ આપે છે. સમસ્યાઓ વિષે સતત નકારાત્મક રીતે ‘મારી સાથે જ આવું કેમ’ એ વિચાર્યા કરતા, તમારે પોતાના પ્રેરણાસ્ત્રોત વ્યક્તિનું જીવન જોઇને પૂછવું જોઈએ કે ‘મારી સાથે આવું કેમ નહી? અથવા ‘હું એવો કેવી રીતે બની શકું?’ જો તમારે તમારી ક્ષમતાઓને વધારવી હોય, તો તમારે પ્રકૃતિ માતા તરફથી શક્તિઓ લેવી પડશે. પ્રકૃતિ કે જે દિવ્ય ઊર્જાથી ભરેલી છે, તેની પાસે તમને આપવા જેવું કશુંક અદ્દભુત છે –  જે તમારી ભૌતિક અને આધ્યાત્મિક મહત્વાકાંક્ષાઓને સંતોષી શકે.  પરંતુ, પ્રકૃતિને તમારી તરફેણમાં લાવતા પહેલા તમારે પોતાનું પારીતંત્ર  વિકસાવવું પડશે – કે જે પ્રકૃતિની  એક સભાનપણે બનાવેલી પ્રતિકૃતિ હોય.

જો તમે કુદરતને નજીકથી જોશો , તો તમને જણાશે કે તેની રમતમાં કોઈ સંઘર્ષ નથી.  જે એને (કુદરતને) આગળ વધવામાં મદદ કરે છે, તેને તે સ્વીકારે છે અને જે તેનાં પારીતંત્રમાં બંધબેસતું  નથી, તેને તે છોડી દે છે. જો તમે યોગ્ય સમયે તેને બીજ આપશો, તો તે અંકુરિત થશે, નહિતર એ (બીજ) બળી જશે. જો તમે તેને પોલીથીન જેવી અકુદરતી સામગ્રી આપશો, તો તે એનો સ્વીકાર પણ નહિ કરે અને વિનાશ પણ નહિ; કુદરત ફક્ત તેનો ત્યાગ કરશે. આથી, તમે તમારુ પોતાનું પારીતંત્ર વિકસાવો તે પહેલા પોતાની જાતનું વિશ્લેષણ કરવામાં સમય આપો. એ જાણવાની કોશિશ કરો કે તમારા માટે શું જરૂરી અને બિનજરૂરી છે.  એ જાણવાની કોશિશ કરો કે કઈ બાબતો તમારા મનમાં તમે સહમત નહિ થાવ તેવાં પ્રતિભાવો ઉત્પન્ન કરે છે, અને કઈ બાબતો તમને બિલકુલ સાચું કર્મ કરવાં માટે પ્રેરે છે.  તમારે જાણવું પડશે કે કઈ વાત તમને અસર કરે છે, જેનાથી તમારે દૂર જવાની જરૂર છે, કારણકે આનાથી તમે જ અસરગ્રસ્ત થાવ છો અને માટે તમારી જાતને કેન્દ્રમાં રાખીને આ બૌદ્ધિક કસરત તમારે કરવી પડશે. અકરાન્તીયા ન થાવ કે પછી બીજાની કોઈ બાબતને બદલાવાની કોશિશ ન કરો. આપણી નિસ્બત તમારી સાથે છે. તમે જ પોતે કર્તા, સાધન, કારણ અને પરિણામ છો… એક વાર તમે તમારી જાતને જાણવાનું શરુ કરી દેશો ત્યારે  ભલે ને હજી તે બૌદ્ધિક સ્તર પર પણ કેમ ન હોય, હવે તમે એકાત્મકતા સાધવા માટે તૈયાર થાવ છો.

કુદરતની જેમ, જે તમને આનંદ તરફ લઈ જાય તેનો સ્વીકાર કરો અને તેને અંકુરિત થવા દો, અને જે આ પ્રક્રિયામાં સુસંગત નથી તેને છોડી દો. જેમ ખોટી ઋતુમાં વાવેલું બીજ અંકુરિત થવાને બદલે સુકાઈ જવાનું પસંદ કરે છે, તેવી રીતે દરેક યોગ્ય બાબત જે તમને અયોગ્ય સમયે મળતી હોય તેને અંદર શોષી લો. કુદરત બળી ગયેલા બીજની કોઈ નિશાની છોડતી નથી – જેને કહેવાય આત્મસાત કરવું, માફ કરવું અને ભૂલી જવું. એક વસ્તુ યાદ રાખો કે કુદરતની જેમ તમારે પણ ફરિયાદ કરવાની નથી. કુદરતની જેમ જ તમને પણ જે કઈ આપવામાં આવે છે, તેને સ્વીકારો, પોતાનો ભાગ બનાવો ને કાં તો છોડી દો – આ ત્રણ જ વિકલ્પો છે. તમારી મંજુરી વગર કોઈ તમને દુઃખ પહોંચાડી ના શકે. દુર્ભાગ્યે આ વાત બધી સકારાત્મક લાગણીઓ વિષે પણ સાચી છે – તમને તમારી મરજી વગર કોઈ ખુશ ના કરી શકે. પ્રકૃતિ હંમેશા બધું આવકારે છે, પરંતુ છતાં પોતાનો રાહ પકડી રાખે છે. જો કે, યાદ રહે  કે આ હજી એક બૌદ્ધિક કસરત જ  છે, જે તમને તમારા ગંતવ્ય સુધી નહિ લઈ જાય. એ તમને શાંતિ અને આનંદની ખોજ કરાવત સાચા રસ્તા ઉપર મૂકી દેશે… એક વાર તમે પોતાનું સત્ય શોધી લો, એટલે આ બધું તમારા માટે અત્યંત આસાન થઈ જશે – જેમ ડોકટરેટનું ભણતા માણસ માટે બાલમંદિરનું હોય, તેવું સરળ.

પ્રકૃતિની ભૂમિકા ભજવતા, આ બૌદ્ધિક કામ કરવાના ભાગરૂપે તમે ચારમાંથી કોઈ એક ભૂમિકા પસંદ કરી શકો. કોઈ એક જ ભૂમિકાને તમે જેટલાં લાંબા સમય સુધી વળગી રહો તો એટલી વધુ એ ભૂમિકા ભજવવાની તમારી ક્ષમતા પણ વધતી જાય છે. કોઈ વાર આ ભૂમિકામાં બદલાવ જરૂરી બને છે, તો કોઈ વાર સગવડતા. તમે કંપનીના સીઈઓ હોવ તો પણ તમારે સંચાલક સમિતિ ને રીપોર્ટ કરવું જ પડતું હોય છે. . . અથવા તમે ડાયરેક્ટર હોવ તો પણ તમારા પત્ની / પતિનાં મૂલ્યાંકનથી બચી નહિ શકો. હું ચાર ભૂમિકાઓ વિષે વિસ્તારથી વાત કરીશ. તમે નક્કી કરી શકો કે હાલમાં તમે કઈ ભૂમિકા વધારે ભજવી રહ્યા છો – અને ત્યાંથી શરૂઆત કરો. ચાર ભૂમિકાઓ નીચે મુજબ છે:

પશ્ચાતાપી

સદાય પસ્તાવામાં રહેતા લોકો તમને બહુ જોવા મળશે. અફસોસની સ્થિતિમાં  તેઓ પ્રકૃતિ પાસેથી ભીખ માંગવાનું પસંદ કરે છે. . ભીખ હંમેશાં  પાઈ જેટલું જ રળી આપે છે, અને તેટલુ લેવું શરમજનક પણ છે. પશ્ચાતાપી લોકો લાચારી વાળા બરબાદીનાં માર્ગે નીકળી પડે છે, જેમાં તેઓ સતત ફરિયાદ કરતાં રહે છે, અને તેમને પોતાનાં વિશેની આવી છેતરામણી ભરેલી માન્યતા જેવી કે પોતે અર્થપૂર્ણ જીવન જીવવા માટે કેટલાં અસક્ષમ છે – તેને જ વળગી રહેવાનું નક્કી કરી લીધું હોય છે.  એમની ખાસ ઓળખાણ એ છે તે હંમેશા માંગતા રહે છે અને ક્યારેય ખુશ નથી રહેતાં. તે હવે પ્રયત્ન કરવાનું જ છોડી દે છે અને ધારી લે છે કે પહેલા પણ પોતે (પુરતા) પ્રયત્ન કરી જ છૂટ્યાં છે.  તેમને એક હદ ઉપરાંત કોઈ મદદ ન કરી શકે.  જયારે તેઓ પોતે અન્ય ભૂમિકા લેવાનું નક્કી કરે ત્યારે જ પોતે ઉપર ઉઠી શકે છે.

આવા વ્યક્તિઓ હંમેશાં  ‘હું જ કેમ’ એવું વિચારતા રહે છે અને માને છે કે સફળ લોકો કાં તો છળ કરવાથી અથવા નસીબના જોરે સફળ થયા છે. એક  નોંધનીય બાબત: કોઈ વ્યક્તિ જાણી જોઇનેઆ ભૂમિકા નથી ભજવતી. જે આ ભૂમિકામાં છે, તેમણે પોતાનામાં ખૂબ નકારાત્મકતા અને અફસોસને સ્થાપી રાખેલાં હોય છે; એટલી હદ સુધી કે તેઓ કોઈ પણ મદદને નકારી દે છે. અમુક એકલ-દોકલ કિસ્સામાં પ્રારબ્ધને કારણે પણ કોઈએ આ ભૂમિકા ભજવવી પડતી હોય છે. ભગવાન કે કુદરત – તને જે નામ આપો તે – પણ આવી વ્યક્તિની વહારે ધાતી નથી એવું અમુક પૌરાણિક કથાઓ કહે છે. જો તમે પાણીમાં ડૂબી રહ્યા છો, અને તરવાનું જાણતા નથી, તો તમે મોડે સુધી ચમત્કાર થવાની રાહમાં ભીખ માંગ્યા કરો તો પણ કોઈ ભગવાન પ્રગટ થવાનાં નથી. કુદરત તમને મદદ કરે, જો તમે જરૂરતના સમયે તેની મદદ કેવી રીતે લેવી તે જાણતા હોવ તો.

મહાન યોગીઓ, તપસ્વીઓ, ભક્તો અને પવિત્ર આત્માઓનાં જીવનમાં એવા અનેક ઉદાહરણો છે કે જયારે તેમણે બીજાને મદદ કરતી વખતે કુદરત પાસે લાચારીજનક યાચના કરવાને બદલે કુદરતની શક્તિઓનો ઉપયોગ કર્યો હોય. પ્રાર્થનાને ક્યારેય યાચના સાથે સરખાવવાની ભૂલ ન કરવી જોઈએ. પ્રાર્થનામાં જયારે સાચા પ્રયત્નો અને ભાવ ન હોય ત્યારે તે યાચના બની જતી હોય  છે. પ્રાર્થના મનવાંછિત પરિણામ ત્યારે જ આપે જયારે તેમાં અમુક શરતોનું પાલન થતું  હોય. આ એક અદ્ભુત અને સુંદર વિષય છે જેના વિષે હું ફરી ક્યારેક વાત કરીશ – મને તેના પર વિસ્તારથી વાત કરવાનું ગમશે. આજના મુદ્દા પર પાછા આવીએ તો, ગમે તે કેમ ન થાય,  અફસોસ કે પશ્ચાતાપની ભૂમિકા ભજવવાનું ટાળો. તેમાં કોઈ મહત્તા નથી; ફક્ત નિરાશા જ છે. તેના કરતા નીચે બતાવેલી ત્રણ ભૂમિકાઓમાંથી કોઈ એક પસંદ કરો:

દાસ

મોટા ભાગના લોકો આ ભૂમિકા ભજવતા હોય છે. તેમને જે આપવામાં આવે – પછી તે ધર્મ, ફિલસુફી, નિયમો, શિક્ષણ, પદ્ધતિઓ, સંબંધો કે બધું જ. દાસ તે બધું જ સ્વીકારી લે છે, મોટા ભાગે કોઈ પ્રશ્ન કર્યા વગર જ.   તેઓ પોતાનું સત્ય શોધવાની કે કોઈ બદલાવ લાવવાની હિમ્મત પણ નથી કરતા. તેઓને પોતાનું સુગમતાનું વર્તુળ સુરક્ષાની બનાવટી ભાવનામાં મળી ગયું હોય છે.  દુનિયાની મિથ્યા પ્રકૃતિ અને તેની વાસ્તવિકતા વિષે તેને કોઈ  નિસ્બત હોતો નથી. તેના માનવા પ્રમાણે તેને આ બાબતની કોઈ પડી પણ નથી હોતી. તેના માથે છત હોય છે પછી ભલેને તે ભાડુતી કેમ ન હોય, તેને બે ભાણા જમવાનું મળી રહે છે અને પોતાની શારીરિક જરૂરિયાતો સંતોષાય છે. આજીવન તે કામ પર જશે – નિવૃત્ત થવાના દિવસ સુધી, દરરોજ ઘરે જશે, ભોજન કરશે, શરીર સાથ આપે તે રીતે સંભોગ કરશે અને કોઈ એક ધર્મ આંધળી રીતે પાળ્યા કરશે. એક રીતે જોઈએ તો દાસની ભૂમિકા ભજવ્યા કરવામાં ખાસ કઈ ખોટું નથી. કુવામાં રહેલા દેડકા માટે બહાર વિશાળ સમુદ્ર હોય તો પણ શું ફરક પડે? આવી વ્યકિત સારી મદદકર્તા બની રહે છે. કુદરત પણ તેનું ધ્યાન રાખે છે કારણકે તે નિયમ અનુસાર જીવે છે અને પોતાના ભાગનું કામ કર્યા કરે છે. આના પરિણામે, તે જ્યાં સુધી પોતાનું કામ અસરકારક રીતે કર્યા કરે ત્યાં સુધી તેને બધા હક્કો મળે છે. પરંતુ આ ભૂમિકામાં કોઈ રોમાંચ નથી.   દાસ જીવન જીવતો નથી પણ નિભાવ્યે જાય છે. જે દિવસે તે જીવનની ભવ્યતા અથવા તેની સાચી પરંતુ અન્યાયી ક્રૂરતાનો અનુભવ કરે છે, ત્યારે તે પોતાની નિષ્ક્રિયતામાંથી જાગી ઉઠે છે.  એ હવે પછી આ ભૂમિકા ભજવવાનો ઇનકાર કરે છે.

મોટાભાગે દરેક લોકો આ ભૂમિકા પોતાનાં જીવનમાં ઓછાનામે એકવાર તો ભજવતાં જ હોય છે. કેટલાક લોકો અનુકુળતાના વાતાવરણમાં બંધાઈ રહેવાનું પસંદ કરે તો ઘણા લોકો વિસ્તાર પામી મુક્તપણે વિચરવાનું પસંદ કરે છે. જે લોકો આ ઢાંચો તોડીને બહાર નીકળે છે, તે હવે નીચેની બે ભૂમિકામાંથી એક ભૂમિકા ભજવે છે,

મિત્ર

જીવનમાં ક્યારેક, આંતરિક ચેતના જાગૃત થવાને કારણે દાસ જીવનનો સૌથી અગત્યનો પ્રશ્ન પોતાની જાતને પૂછે છે –  શું જીવન  જીવવાનો આનાથી કોઈ સારો માર્ગ છે ખરો? આ પ્રશ્ન પર વિચાર કરવાં માત્રથી  પ્રક્રિયાને વેગ મળે છે.. દાસ કરતા અલગ રીતે, તે પોતાની નવી મળેલી ઓળખને હવે વધુ મજબુત કરવાનું શરુ કરે છે. વસ્તુ કે પરિસ્થિતિ જેવી દેખાય છે તેને તેવી માની ન લેતા આવી વ્યક્તિ પોતાની આસપાસ નવું વાતાવરણ બનાવવાનું શરુ કરી દે છે. એ સવાલ કરતાં શીખે છે અને આ કૌશલ્યને તે સમયની સાથે વિકસાવતો જાય છે. તેના જીવનમાં દાસના જીવન કરતા વધુ ક્રિયાઓ અને રોમાંચકતા હોય છે. પરંતુ મિત્રની ભૂમિકા ક્ષણજીવી હોય છે. મક્કમ નિર્ધાર સાથે તે કાં તો ટોચ પર જશે અથવા તો પાછો દાસ બની જશે. આની એક સારી બાબત એ છે કે જો તે ફરી દાસ બને તો પણ તે પહેલા જેવો નહિ રહે. તે એક વિશિષ્ટ  વ્યક્તિ બનશે. મિત્ર સમજે છે કે કુદરતે તેને તેના પ્રયત્નોમાં જરૂર મદદ કરવી પડશે, કારણકે આ સૌથી સક્ષમનાં અસ્તિત્વનો (survival of the fittest) પ્રશ્ન છે. તે સાદી મધમાખી નહિ પરંતુ રાણી મધમાખી બનવા માંગે છે. મિત્ર એક મોટા આનંદને અનુભવવાનું શરુ કરે છે.. એ જો બુદ્ધિપૂર્વક પ્રયત્નો ચાલુ રાખશે  તો રસ્તાની અડચણો  જાતે જ દૂર થઈ જશે. – કારણકે તે પરિસ્થિતિ પ્રમાણે જયારે અને જેવી જરૂર હોય તે પ્રમાણે પોતાને ઢાળે છે, નવું અપનાવે છે, બિનજરૂરી છોડે છે અને જરૂરી અપનાવે છે. શાષક /  રાજાનો તાજ હવે તેની રાહ જુએ છે.

રાજા

રાજાએ પોતાનું સત્ય શોધી લીધું છે. એ સારી રીતે જાણે છે કે ફક્ત મોટા શારીરિક પરાક્રમોથી અસામાન્ય પરિણામો મળે એવું નથી કોઇપણ ધ્યેયની પ્રાપ્તિમાં અનેક પરિબળો અને કારણો ભાગ ભજવતા હોય છે – તેમાંનું ઘણું પડદા નીચે  ઢંકાયેલું, અદ્રશ્ય, સમજી ન શકાય તેવું અને વર્ણન ન કરી શકાય તેવું હોય છે. રાજાએ એક સંવાદ સાધી લીધો છે – એમ કહી શકાય કે તેણે પ્રકૃતિ સાથે સમજૂતી કરી લીધી હોય છે. કુદરત આ રાજાને પસંદ કરીને પોતાની પવિત્ર શક્તિઓ આપે છે, જેથી તેના દ્વારા તે માનવજાતની સેવા કરી શકે અને સાથે અનેક લોકોને મદદ કરી શકે. ભગવાનનું  ફક્ત સાધન  બની રહેવાને બદલે તે પોતે પ્રકૃતિની પ્રતિકૃતિ સમાનબની જાય છે. તે દરેક પ્રકારનાં કામ ફક્ત પોતાનાં શુદ્ધ મનમાં વિચાર કરીને પોતાની દિવ્ય આભા વડે તે વિચારને બ્રહ્માંડમાં વહેતો કરીને જ કરી શકે છે. આવા રાજાનો અવાજ અને તેનો બોલાયેલો દરેક શબ્દ તેના સંપર્કમાં આવતી  દરેક વ્યક્તિના હૃદયને અસર કરનાર પવિત્ર સાદ બની રહે છે. એણે પોતાની પ્રકૃતિ શોધી લીધી છે અને તેના માટે સાચું જ્ઞાન પોતાની મેળે જ પ્રગટે છે. તે નૈતિક અને સાત્વિક – લોકોના હૃદયનો સમ્રાટ બને છે. તો રાજા બનવા માટે શું જરૂરી છે? જવાબ અહીં જ છે. સાવ ટૂંકાણ તો નહિ, પરનું ટૂંકમાં હું સમજાવીશ:

૧. નૈતિકતા: તમારી વાણી, કર્મો અને વિચારોમાં નૈતિકતા વિકસાવો.
૨. વૈરાગ્ય: ભૌતિક સુખોમાં તટસ્થપણે  રહો.
૩. માર્ગ: તમારો માર્ગ નક્કી કરો – તમે ભક્તિ અથવા ધ્યાન દ્વારા શરૂઆત કરી શકો છો.
૪. શ્રદ્ધા: નિશ્ચિત કરેલાં માર્ગને સમર્પિત થાવ.
૫. પ્રમાણ: પોતાને થયેલા વિશુદ્ધ અનુભવના આધારે પોતાનો મત બનાવો – બૌદ્ધિક વાતોથી નહિ.
૬. તપસ: ધૈર્ય અને બુદ્ધિમતાથી જ્યાં સુધી ધ્યેય સુધી ન પહોંચો ત્યાં સુધી વળગી રહો.
૭. સમાધિ: સત્યને, તમારા પોતાના સત્યને તમારામાં  પ્રગટ થવા દો.
૮. અનુભવ: જ્યાં સુધી તમે એ અનુભવને પુનર્જીવિત ન કરી શકો ત્યાં સુધી (પ્રયત્ન) કરતા રહો.
૯. તુરીય: તમારી અંદર ઉમળતા અનેરા આનંદને તમારી અંદર શોષી લઈને તેની સાથે જીવતા શીખો.
૧૦. સમર્પણ: તમારી જાતને બીજાન મદદરૂપ થવામાં સમર્પિત કરો જેનાથી તમે અન્ય સાધકોને મદદ કરી શકો.

આપવાનો આનંદ બધા આનંદથી ચડિયાતો છે.
શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email