તમે ક્યારેય એ વાતની નોંધ લીધી છે ખરી કે આપણે જયારે બીજાને કશું આપીએ ત્યારે આપણને કેટલી સારી લાગણી થતી હોય છે, ખાસ કરીને જયારે આપણે કોઈ બીજાનું સારું કરી શકતાં હોય ત્યારે? અને જયારે તે બીજી વ્યક્તિ તમારી ભેટની કદર કરે અને કોઈ પણ રીતે તેનો સારો પ્રતિસાદ આપે ત્યારે આ લાગણી ઓર વધુ વધી જતી હોય છે. અહી સુધી બધું બરાબર છે. ઘણી વખત, જો કે, આપણે જે પ્રતિસાદની રાહ જોઈ રહ્યાં હોય તે નથી આવતો હોતો. કાં તો તે બીજી વ્યક્તિ તમે તેનાં માટે શું કરો છો તેની કદર નથી કરતાં, અથવા તો તેમને એવું કશું આવડતું હોતું નથી. અને વધુમાં જો તેમને એવું લાગતું હોય કે આપ્યાં બાદ પણ તમારે ઉલટાનું તેમનાં ઋણી બનીને રહેવું જોઈએ તો તો એ વધુ ખરાબ થઇ જતું હોય છે.

આપણે જેટલી કદરની કમાણી કરી હશે તેનાં કરતાં પણ વધુ કદર જો આપણી કરવામાં આવે તો આપણે ભાગ્યે જ ફરિયાદ કરીશું. આપણે કદાચ એવું પણ વિચારતાં થઈશું કે આપણી જે ખુશામત થાય છે અને આપણને જે વ્હાલ કરવામાં આવે છે આપણે તો તેને લાયક છીએ. પણ, જયારે આપણને એવું લાગે કે આપણા પ્રયત્નો, દાન અને ઉમદા સ્વભાવની કોઈ નોંધ નથી લેવાઈ રહી, ત્યારે આપણે થોડા નારાજ થવા લાગીશું. અને આ નારાજગી ઓછી નથી થતી જતી. હવે પછી જયારે પણ આપણે તે વ્યક્તિને જોઈશું, ત્યારે આપણને સતત તેણે આપણી સાથે કેવું કૃતઘ્નતાપૂર્વકનું વર્તન કર્યું હતું તેની યાદ આવતી રહેશે.

આ દરેક સંબંધોમાં આવતી તકલીફોનું મુખ્ય કારણ હોય છે. કાં તો તમને એવું લાગે છે કે તમે સામેવાળી વ્યક્તિ માટે જેટલું જરૂરી હોય તેનાં કરતાં વધુ કરી રહ્યાં છો અને તે વ્યક્તિ તેની નોંધ પણ નથી લઇ રહ્યાં, કાં તો પછી સામે વાળી વ્યક્તિએ જેટલું તમારા માટે કરવાનું કહ્યું હતું તેટલું તે નથી કરી રહ્યાં અને માટે જવાબદારી પૂર્વકનું વર્તન પણ નથી કરી રહ્યાં. કોઇપણ કિસ્સામાં, મૂળમાં એવી લાગણી રહેતી હોય છે કે મને હળવાશથી લેવામાં આવી રહ્યો/રહી છે ને કાં તો પછી મારી યોગ્ય કદર નથી થઇ રહી.

આજનું મારું કેન્દ્રબિંદુ જો કે, સંબધોમાં કરવામાં આવતાં પ્રતિસાદ વિશેની નથી પરંતુ સેવા તરફનું આપણું વલણ કેવું હોય છે તેનાં વિશેનો છે. કદાચ જો આપણે દાન, દયા અને બીજાને મદદ કરવાં પ્રત્યેનો આપણો દ્રષ્ટિકોણ બદલી નાંખીએ તો, આપણા મોટાભાગનાં પ્રશ્નો કદાચ અદ્રશ્ય થઇ જાય. પણ જો આપણે એ પરિસ્થિતિને ફેરવી નાંખીએ તો કેવું? ચાલો હું તમને પહેલાં એક પ્રખ્યાત વાર્તા કહું.

ભારતનાં બે સંતો કે જે બન્ને અદ્દભુત કવિ પણ હતાં તેમજ તેઓ સમકાલીન અને એકબીજાનાં મિત્રો પણ હતાં. એક હતાં હિંદુ સંત ગોસ્વામી તુલસીદાસ અને બીજા હતાં અબ્દુલ રહીમ ખાન-એ-ખાન, એક મુસ્લિમ સંત. રહીમ, જે અકબરનાં દરબારમાં રહેલાં નવરત્નોમાંનાં એક હતાં, રહીમને એક સરસ આવક હતી અને પોતાની અંગત આવકમાંથી નિયમિત મોટોભાગ તેઓ દાનમાં આપી દેતાં હતાં.

દરરોજ, લોકો તેમને પોતાનાં પ્રશ્નો લઈને મળતાં અને રહીમ તેમને પોતાનાંથી જે કઈ આપી શકાય તે આપતા. જો કે રહીમ માટે એક ખુબ જ નવાઈ લાગે તેવી એક બાબત હતી તેમની ખાસ કરીને ગરીબોને ભીખ આપવાની રીત. જયારે પણ તેઓ દાન કરતાં, ત્યારે કાયમ તેઓ નીચી નજરે આપતા અને ક્યારેય તેમની આંખોમાં ન જોતા.

તુલસીદાસે એક વખત રહીમને પત્ર લખ્યો અને મિત્રભાવે તેમની ટીખળ કરતાં પૂછ્યું કે તેઓ આપતી વખતે આંખ નીચી કરીને કેમ આપે છે. એવું એટલાં માટે છે કેમકે તેઓ નીતિથી નથી કમાઈ રહ્યાં અને માટે પોતાનું આવું ધન આપતી વખતે શરમ આવે છે? મજાકમાં તેમને લખ્યું:

ऐसी देनी देन जु, कित सीखे हो सेन।
ज्यों ज्यों कर ऊंचो करें, त्यों त्यों नीचे नैन ।।

“અરે, મારા વ્હાલા મિત્ર, આવી રીતે ભિક્ષા કોણ આપે? આવું ક્યાંથી શીખ્યા? (મેં સાંભળ્યું છે કે) તમે જેવો તમારો હાથ આપવા માટે ઉંચો કરો છો કે તમારી નજરો નીચી થઇ જાય છે.”

સ્પર્ધામાંથી પોતાની જાતને બહાર નહિ કાઢી લેતાં, રહીમે ખુબ જ બુદ્ધિચાતુર્ય ભરેલો જવાબ આપ્યો કે જે નમ્રતા, ડહાપણ અને ચતુરાઈથી ભરેલો હતો.

देनहार कोई और है, भेजत जो दिन रैन।
लोग भरम हम पर करें, तासो नीचे नैन ।।

આપનાર કોઈ બીજો છે (ભગવાન) જે દિનરાત મોકલી રહ્યો છે. જયારે લોકો મારા ઉપર દાની હોવાની શંકા કરે છે, તેમને લાગે છે હું આપી રહ્યો છું. માટે હું મારી નજર નીચી કરીને આપું છું.”

અદ્દભુત. મને શંકા છે કે કોઈને કશું આપવા પ્રત્યેનું આપણું વલણ આનાંથી વધુ સારું કદાચ ભાગ્યે જ થઇ શકે. એકાદ ક્ષણ માટે પણ જો આપણે એ સ્પષ્ટતા મનમાં રાખી શકીએ કે આપણે જે કઈ પણ આપીએ છીએ તે કદાચ આપણે અહી કમાયા હોઈશું પણ ખરેખર તો તે લઈને આપણે નહોતાં જન્મ્યા. આપણી પાસે, સંભવતઃ જે કઈ પણ હોય તે આપણને કોઈ બીજા દ્વારા આપવામાં આવેલું હોય છે. કદાચ આપણા શિક્ષકો, માતા-પિતા, ભાઈ-ભાંડું, મિત્રો, સમાજ, સરકાર, કુદરત કે કોઈ બીજું તેમાં માધ્યમ બન્યું હોઈ શકે.

એવી જ રીતે, ઘણી બધી વાર, જો કાયમ નહિ તો, આપણે ફક્ત એક માધ્યમ જ હોઈએ છીએ. જે કોઈ પણ આપણી પાસે લઇ રહ્યું હોય તે કદાચ જરૂરી નથી કે એટલાં માટે તે મેળવી રહ્યું હોય કેમ કે આપણે પરોપકારી છીએ. આપણે કદાચ તેમનાં ઋણી હોઈએ તેવું પણ હોઈ શકે. કદાચ, તેઓએ તે તેમનાં કર્મો દ્વારા ઉપાર્જિત કર્યું હોઈ શકે અને આપણે કદાચ આપણા કર્મોનાં ખાતાનો હિસાબ કરવાનો બાકી રહેતો હશે. ખાસ કરીને, જયારે આપવા માટે તમારી પાસે કોઈ પસંદગી ન હોય પણ દયાને લીધે તમે તેમ કરતાં હોય ત્યારે તો ખાસ, શક્યતા છે કે તમે ફક્ત તમારા જુના કર્મોનું દેવું જ ચૂકતે કરી રહ્યાં હોવ છો. હળવાશથી લો. ગુસ્સે ન થાવ. જેટલું વહેલું તમે તે ચૂકવશો તેટલાં વહેલાં તમે તેમાંથી મુક્ત થશો.

ગમે તે હોય તમે તમારી મરજીથી આપતા હોવ કે મરજી વગર, સત્ય તો એ છે કે તમે ફક્ત એક માધ્યમ માત્ર છો. આપણે બધાં જ માધ્યમ છીએ. આપણે જો દરેક ધર્મોનાં ધર્મગ્રંથોનો મૂળ સાર કાઢવો હોય તો, તે એક જ શિક્ષા હોઈ શકે અને તે એ છે કે આપણે દિવ્યતાનાં હાથનું એક હથિયાર માત્ર છીએ. અમુક થોડા વધુ શુદ્ધ અને થોડા વધુ સક્ષમ, બસ એટલું જ.

કલ્પના કરો કે તમારે ૧૦૦૦ લીટર પાણી છાંટવાનું  છે અને તમારી નળીનું મોઢું ૨ સેન્ટીમીટર જેટલું છે. આમાં તમને થોડો સમય લાગશે. અને તે પણ એવું માની લઈએ કે નળી કોઈ જગ્યાએથી પુરાઈ નહિ ગઈ હોય. હવે કલ્પના કરો કે નળીનું મોઢું ૨૦ સેન્ટીમીટર જેટલું પહોળું છે. હવે તમને એટલું જ પાણી છાંટવામાં બહુ થોડોક જ સમય લાગશે.

આવું જ કર્મો માટે પણ હોય છે. જયારે તમારે કોઈ કર્મનું દેવું ચૂકવવાનું હોય તો તમે જેટલાં ઝડપે અને જેટલું વધુ ચૂકવો તેટલા જ ઝડપી તમે તેમાંથી બહાર આવી શકો અને તેની સાથેનો તમારો હિસાબ પૂરો કરી શકો. તેમાં જેટલી વધુ અડચણો આવે, તેટલી જ વધારે વાર પણ લાગે. આવી અડચણોમાં હોય છે કેટલાંક ખોટા મત (હું કરું છું, હું આપું છું વિગેરે), ખોટી અપેક્ષાઓ (ફક્ત હું કોઈના માટે કશું કરું છું તો તેને પણ મારું ઋણી રહેવું જોઈએ), ખોટી લાગણીઓ (તેઓ મારું કરેલું દાનને ઓછું આંકવાની હિંમત કેવી રીતે કરી શકે?) અને આવું બધું.

દરેક સમયે, જો આપણે ફક્ત એટલું જ યાદ રાખી લઈએ કે કોઈને કશું આપી શકવા માટે સમર્થ હોવું એ એક સૌભાગ્યની વાત છે, એક આશિર્વાદ છે, તો જયારે સામેની વ્યક્તિ આપણને તેનો પ્રતિસાદ નહિ આપે ત્યારે આપણને ઓછું દુઃખ થશે. જયારે આપણે કશું આપી શકવા માટે સમર્થ હોઈએ છીએ, તેનો અર્થ છે કુદરતે આપણી અંદર તેનો અમુક ચોક્કસ વિશ્વાસ મુકેલો છે. આપણને લાગે છે કે આપણે આપી શકવા જેટલાં સક્ષમ છીએ અને કોઈના જીવનમાં બદલાવ લાવી શકીએ તેમ છીએ. મારો વિશ્વાસ કરો, આપણે આવા આશિર્વાદ બદલ ક્યારેય પુરતો આભાર નથી માની શકતાં. તો તમે કેવા બની રહેવાનું પસંદ કરશો? કોઈ કૃતજ્ઞતાપૂર્વક લે કે ન લે એવા કે પછી કોઈ દયા અને નમ્રતાપૂર્વક આપે એવા? તમારી પસંદગી જાતે કરો.

જયારે તમે કોઈ અપેક્ષાઓ વગર આપશો (આ સરળ નથી પણ ચોક્કસ થઇ શકે એવું તો છે જ) ત્યારે કુદરત તમને કોઈ પણ પ્રકારનાં આરક્ષણ વગર આશિર્વાદ આપશે. જયારે તમે કશું પકડી નથી રાખતાં, ત્યારે કુદરત પણ કશું પકડી નથી રાખતી. વધુમાં, આ એક વસ્તુ છે જે તમે કુદરત પાસેથી શીખી શકો, અને તે છે, અમુક ચોક્કસ નિર્લેપ અને સમતાનાં ભાવ સાથે આપવું. જુઓ કે કુદરત આપવાની બાબતે કેટલું શાંત રહેતું હોય છે. કદાચ, એ જ તેની સાશ્વતતાનું રહસ્ય છે. પાણીના ધોધ અને નદીનું અવલોકન કરો. તે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કર્યા વગર આપે છે, સતત. કારણકે, એટલું યાદ રાખો આધ્યાત્મિક સંબધ ક્યારેય આપનાર અને લેનાર વચ્ચે નથી હોતો. એ તો હોય છે આપનાર અને તેનાં આત્મા વચ્ચેનો. જો તમારો પોતાની જાત સાથેનો સંબંધ સાચ્ચો અને અર્થપૂર્ણ હશે, તો જીવનમાં બાકીનું બધું બહુ જલ્દી જ ગૌણ થઇ જશે.

કૃતજ્ઞતાપૂર્વક કરેલું દાન એ એક આધ્યાત્મિક કર્મ છે જયારે અપેક્ષા સાથે કરેલું દાન એ ફક્ત એક વ્યાપાર છે.

હવે ફરી વાર જયારે તમે કોઈને કશું આપો અને તે વ્યક્તિ તમને તેનો પ્રતિસાદ ન આપે, તો તેને બહુ ગંભીરતાથી ન લેશો. તેમને તમારી ભલાઈ અને દાનથી થકવી નાંખો નહિ કે તમારી વળતી અપેક્ષાઓ અને માંગણીથી. લાંબા ગાળે, આ બિલકુલ એક કરવાં જેવું કાર્ય છે. ખાસ કરીને, જો તમે તમારી જાતને આધ્યાત્મિક દ્રષ્ટીએ ઉપર ઉઠાવી અને તમારી જાતને મુક્ત કરવાં માંગતા હોવ તો, કે જે, હું કદાચ ઉમેરીશ, આપણા સમગ્ર અસ્તિત્વ અને મારા લખવાનો મૂળ હેતુ છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email