જીવન એ ચાર ઋતુઓનાં ચક્ર સમાન છે. કોઈ વ્યક્તિગત પસંદગીની પરવાહ કર્યા વગર, દરેક ઋતુ જયારે તેનો સમય થાય ત્યારે આવી જ જતી હોય છે, જાણે આવનાર ઋતુ માટે જગ્યા ન થઇ જતી હોય, જેવી રીતે માનવ મનમાં ઉઠતાં વિચારોનું હોય છે. જેવો એક વિચાર બંધ થાય કે બીજો તરત ઉઠે. ઠંડી દરમ્યાન, કુદરત સંકોચાઈ જતું હોય છે; પાનખરમાં તે ખરતું હોય છે; ગ્રીષ્મમાં તે મહોરાતું હોય છે અને વસંતમાં તે ખીલી ઉઠતું હોય છે. જે ઋતુ આપણને ન ગમતી હોય તે વધારે સમય રહેતી હોય એવું લાગતું હોય છે. વસંતમાં પુષ્પો ખીલે છે જયારે ચોમાસામાં વરસાદ પડે છે. શિયાળામાં તાપમાન નીચું જાય છે અને ઉનાળામાં ગરમીનો પારો ઉંચે ચડતો જાય છે જેમ કે આપણી ચેતના આપણા શ્વાસમાં રહેલાં પ્રાણથી અસર પામતી હોય છે તેમ. આ બધાંની બરાબર વ્યવસ્થા થઇ ગઈ હોય છે, મોટાભાગે નિભાવો-અથવા- તો-ચુપ-રહો જેવી વ્યવસ્થા.

તેવી જ રીતે, આપણે સૌ જીવનનાં વિવિધ રંગોનો અનુભવ કરીએ છીએ. વર્ષનાં કયાં સમયગાળા દરમ્યાન તમે જન્મ્યા છો તેને આધારે, તમે કદાચ વસંત ઋતુનો પાનખર પહેલાં ને કાં તો પછી અનુભવ કરો છો. અને ક્યાં સ્થળે જન્મ્યા છો તેને આધારે કાં તો તમને આખું વર્ષ સુંદર સુર્યપ્રકાશ માણવા મળે છે અથવા તો આખું વર્ષ કડવી ઠંડી. તમે હવામાનની શરત સાથે તાલમેલ મેળવતાં શીખો છો. તમે શિયાળામાં ગરમ કપડા પહેરો છો અને ઉનાળામાં આછા. અને વર્ષા ઋતુમાં છત્રી સાથે ચાલો છો. એક રીતે જોતા, જે તમારી સમક્ષ છે તેનાંથી દુર ભાગવા જેવી આ વાત હોય છે. આપણે હંમેશાં આપણા સ્વબચાવનાં પ્રયત્નમાં લાગેલાં હોઈએ છીએ. કુદરત સાથે એક થઇને રહેવું અર્થાત કુદરતને જે કઈ પણ આપવાનું હોય તેનો પૂરો અનુભવ કરવો અને આનંદ ઉઠાવવો. તમારે જરૂરિયાતનાં દિવસ માટે ચોક્કસ બચત કરવી જોઈએ, પણ યાદ રહે તમે કઈ ખિસકોલી નથી – બરાબરને? જાવ, કોઈ વખત વરસાદમાં ભીનાં પણ થાવ – તેમાં કદાચ કૃપા પણ વરસતી હોઈ શકે છે. ઠંડીનો અનુભવ કરો – તે તમને વધુ મજબુત બનાવશે.

જયારે તકલીફોનો સૂરજ તમારા ઉપર ખુબ જ ગરમીપૂર્વક પ્રકાશી રહ્યો હોય ત્યારે જીવનની ઉષ્મા અસહ્ય અને પ્રતાડનારી અગ્નિવર્ષા જેવી બની જતી હોય છે, ત્યારે તમે કોઈ ઠંડા સ્થળે સ્થળાંતર કરવાનું પસંદ કરો. જયારે વિદાય પામતી પાનખરમાં જીવન છે તે નગ્ન વૃક્ષો જેવું નિરુત્સાહી લાગે છે, ત્યારે તમારે થોડી ધીરજ દાખવવાની જરૂર પડતી હોય છે. તમારો સમય તમે વસંત ઋતુનાં ચિત્રો જોઇને પસાર કરો કાં તો પછી દુનિયાનાં એ પ્રદેશમાં ચાલ્યાં જાવ જ્યાં અત્યારે પાનખર ન ચાલી રહી હોય. પરિવર્તન સતત આવતું રહેતું હોય છે; એટલું નાનું, કે તેને માપી પણ ન શકાય ભારેવર્ષામાં રહેલાં પાણીનાં બુંદો જેટલું. તે કદાચ મનપસંદ બદલાવ ન પણ હોય. તમારે જો તમારી ઈચ્છા પ્રમાણેનો બદલાવ જોઈતો હોય તો તમારે એ મુજબનાં નિર્ણયો પણ લેવા પડે. હકીકતમાં તમારે પોતે જ તે બદલાવ બનવું પડે. એક મોટો મૂળભૂત નિર્ણય અર્થાત મોટો બદલાવ અને ફૂંકી ફૂંકીને લીધેલો નિર્ણય અર્થાત સલામત બદલાવ.

અથવા, બીજો વિકલ્પ છે સહજપણે અંતર્મુખી બની જાવ અને એટલું જાણી લો કે બાહ્ય દરેક ઘટનાનો અનુભવ એ ફક્ત આ શરીરનો ક્ષણજીવી અનુભવ જ હોય છે. સાશ્વત આનંદની બુંદો જે તમારી અંદરથી સતત ટીપે ટીપે ઝરતી હતી તે હવે એક દરિયો બની જાય છે. તમે અંદરથી સંપૂર્ણપણે સલામત, ખુશ અને પરમાનંદી બની જાવ છો – દરેક પ્રકારની ઠંડી અને ગરમીથી સુરક્ષિત. હવે તમે શરદ ઋતુનાં રંગો પણ જોઈ શકો છો તેમ છતાં અંદર હંમેશાં વસંત ખીલેલી રહેતી હોય છે જેમાં અસંખ્ય સુંદર ફૂલો અનહત નાદની મધુર ધૂનથી તેની અનેરી મસ્તીપૂર્વક ડોલી રહ્યાં હોય છે. ત્યાં એકદમ માપસરનું તાપમાન હોય છે. કોઈ ભેજવાળું વાતાવરણ નહિ, કડવી ઠંડી નહિ – ફક્ત અવર્ણનીય સુંદરતા.

જાવ, થોડી રજાઓ માણો! તમારી અંદર રહેલાં શાંત સમુદ્ર કિનારે ફરી આવો. હું તમને એકતરફી મુસાફરી માટે મદદ કરી શકું છું. કારણકે, મને પૂરો વિશ્વાસ છે કે એકવાર ત્યાં પહોંચી ગયા પછી પાછા ફરવાની કોઈ જરૂરિયાત કે ફરજ પણ નહિ પડે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email