ફક્ત આ એક વ્યક્તિ મને અકળાવે નહિ તો મારું જીવન એકદમ બરાબર છે. મારે ગુસ્સે થવાનું કોઈ કારણ નહિ રહે અને મને કશી વસ્તુ કે કોઈ વ્યક્તિ મારામાં ગુસ્સો નહિ પ્રગટાવે.

આવું તમને કેટલી વાર લાગતું હોય છે?

આ એક સારી ઈચ્છા વાળો વિચાર છે. હકીકતમાં, તે એક અશક્ય વાત છે. કારણકે સમગ્ર મુદ્દો ક્યારેય બીજી વ્યક્તિને લઈને હોતો જ નથી.

જો તમે તમારા જીવનમાં પાછું વળીને જુઓ તો કેટલાંય વર્ષો કે કેટલાંય દસકાઓ તમે કદાચ એવા વિતાવ્યા હશે કે જેમાં તમને એ ભાન થશે કે હંમેશાં એવું કોઈ એક વ્યક્તિ કે કોઈ કારણ હશે કે જેને લીધે તમે ગુસ્સે, નારાજ કે હતાશ થયાં કરતાં હશો. જો આજે તમે એ વ્યક્તિને લઈને પરેશાન હશો, તો ગઈકાલે, તમને એવી જ લાગણી કોઈ બીજાને લીધે થઇ હશે અને શક્યતા છે કે આવતીકાલે તમને આ લાગણી કોઈ નવી વ્યક્તિ સાથે ઓળખાણ કરાવશે. ફરીથી આ નવી વ્યક્તિને તમારી સાથે સારી રીતે નહિ બનતું હોય, કે તે તમારી કોઈ કદર નહિ કરતી હોય, કે સન્માન નહિ આપતી હોય કે તમને કદાચ સમજતી પણ નહિ હોય વિગેરે. આખરે, તમે એવું ખાતરી પૂર્વક કેવી રીતે કહી શકો કે જેટલી વ્યક્તિઓને તમે ઓળખતાં હોવ તે તમને બિનશરતી પ્રેમ કરતાં હોય અને તમને સંપૂર્ણપણે સમજતા હોય?

હું એવું પણ નથી કહી રહ્યો કે માની લો કે અમુક એવા લોકો તમારા જીવનમાં કાયમ રહેવાનાં, કારણ કે, હું તમને વચન આપું છું કે આવા લોકો તો હોવાનાં જ. જ્યાં સુધી સૂર્ય પૂર્વમાંથી ઉગતો રહેશે, ત્યાં સુધી તમારા જીવનમાં એકાદી વ્યક્તિ તો એવી રહેવાની જ. આ એક હકીકત છે અને કોઈ પૂર્વાનુમાન નથી. આપણા બધાનાં જીવનમાં આવા લોકો હોય જ છે અને કોઈ વખત, જો હું તમને નર્યું સત્ય કહું તો, આપણે પણ આવી જ વ્યક્તિ તરીકે કોઈ બીજાના માટે તેમનાં જીવનમાં હોઈએ જ છીએ. જેમ કે આપણે એવું ઇચ્છતાં હોઈએ છીએ કે અમુક લોકો આપણા જીવનમાં ન હોય તો સારું તેવી જ રીતે એવા પણ લોકો હોવાનાં કે જે એવું ઇચ્છતાં હોય કે આપણે તેમનાં જીવનમાંથી અદ્રશ્ય થઇ જઈએ તો સારું. કુદરત, જો કે આપણે શું ઇચ્છીએ છીએ તેનાં તરફ બિલકુલ ધ્યાન નથી આપતું હોતું. ખાસ કરીને એ હકીકતને ધ્યાનમાં લેતાં કે આપણે દરેક સમયે જુદુંજુદું ઇચ્છતાં હોઈએ છીએ.

એ સત્ય જ છે કે તમારા જીવનમાં કોઈપણ તબક્કે, તમે એવા લોકોને મળવાનાં કે જે તમને દુઃખ આપે, તમારી સાથે અસમંત થાય કે તમને પસંદ ન કરે, આમાં તમે તમારી સ્થિરતા કેવી રીતે ટકાવો, તેવો તમને વિચાર આવે. એવો કોઈ માર્ગ ખરો કે તમે તમારા મનની શાંતિ અને સ્થિરતા ન ગુમાવો? થોડી ક્ષણો માટે, જયારે બધું આપણા ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે, જયારે લોકો આપણે ઈચ્છતા હોય તેમ અને તેવું વર્તન ન કરે ત્યારે પ્રત્યેકને અંદર ગુસ્સો ઉઠી જ જતો હોય છે. આ એક વીજળી જેટલું ત્વરિત હોય છે. જો તે ક્ષણે, તમે તમારી સજાગતા ગુમાવી દો તો આ વીજળી ત્રાટકી જવાની અને હજી તો તમે કઈ જાણો તે પહેલાં તો શબ્દો તમારા મુખમાંથી નીકળી પડશે અને જે નુકશાન થવાનું હશે તે થઇને રહેશે.

આ ક્રોધનું મોજું નારાજગીની લાગણીઓ કે જેનાં મૂળ ખુબ ઊંડે ઉતરેલા હોય છે તેમાંથી ઉઠતું હોય છે. દરેક લાગણીનું એક બીજ હોય છે, તેનો અર્થ એ કે તમે મૂળ સુધી પહોંચી શકો છો અને
તેને જડમૂળમાંથી દુર કરી શકો છો.

આજથી છ વર્ષ પહેલાં, મેં બુદ્ધનું એક સુંદર પ્રવચન વાંચ્યું હતું અને આજે મને તેનું ભાષાંતર ઓનલાઈન મળી ગયું છે.

હે ભિખ્ખુઓ, નારાજગીને દુર કરવાનાં પાંચ રસ્તાઓ છે, જેનાં દ્વારા ભિખ્ખુ જયારે પણ પોતાની અંદર નારાજગી ઉઠે તો તેને મૂળમાંથી દુર કરી શકે છે. કયા છે આ પાંચ માર્ગ?

જેનાં પ્રત્યે તમને નારાજગી કે ગુસ્સો અનુભવાતો હોય તેમનાં પ્રત્યે પ્રેમાળ-ભલાઈ દાખવી શકાતી હોય છે; આવી રીતે તેનાં પ્રત્યેની નારાજગીનો ભાવ દુર કરી શકાય છે.

જેનાં પ્રત્યે તમને નારાજગી કે ગુસ્સો અનુભવાતો હોય તેમનાં પ્રત્યે દયા દાખવી શકાતી હોય છે; આવી રીતે પણ તેનાં પ્રત્યેની નારાજગીનો ભાવ દુર કરી શકાય છે.

જેનાં પ્રત્યે તમને નારાજગી કે ગુસ્સો અનુભવાતો હોય તેમનાં પ્રત્યે દ્રષ્ટા ભાવે સમતા દાખવી શકાતી હોય છે; આવી રીતે પણ તેનાં પ્રત્યેની નારાજગીનો ભાવ દુર કરી શકાય છે.

જેનાં પ્રત્યે તમને નારાજગી કે ગુસ્સો અનુભવાતો હોય તેવી વ્યક્તિ માટે ભૂલી જાવ અને નજરઅંદાજ કરો; આવી રીતે પણ તેનાં પ્રત્યેની નારાજગીનો ભાવ દુર કરી શકાય છે.

જેનાં પ્રત્યે તમને નારાજગી કે ગુસ્સો અનુભવાતો હોય તેનાં કર્મોની માલિકી આ રીતે સંચિત કરી શકાય છે:
“આ સજ્જન વ્યક્તિ પોતાનાં કર્મોનો માલિક છે, પોતાનાં કર્મોનો વારસદાર છે, તેનાં કર્મો એક ગર્ભ છે કે જેમાંથી તે પોતે જન્મ્યો હોય છે, તેનાં કર્મો જ તેનાં પરિજન છે કે જેનાં પ્રત્યે તે પોતે જવાબદાર છે, તેને તેનાં કર્મોનું જ શરણું છે, તેનાં જ કર્મોનો તે પોતે વારસદાર છે, પછી તે સારા હોય કે ખરાબ.”

આ રીતે પણ આ વ્યક્તિ પ્રત્યેની નારાજગી કે ગુસ્સો દુર કરી શકાય છે. આ છે નારાજગી દુર કરવાનાં પાંચ માર્ગ, કે જેનાં દ્વારા ભિખ્ખુ પોતાની અંદર જેવી નારાજગી કે ગુસ્સો ઉઠે કે તેને સમૂળો દુર કરી શકે છે.
(અનુગુત્તારા નિકાય, ૫.૧૬૧. Ñanamoli Thera translation.)

વધુ અસરકારક બનવાં માટે તમારે કદાચ ઉપરોક્ત બતાવેલ પાંચ માર્ગમાંથી એક પછી એક અમલમાં મૂકીને જોવા પડે કે જેથી કરીને તમે એ શોધી શકો કે કોઈ પણ પરિસ્થતિમાં તમને કઈ રીત વધારે અનુકુળ સાબિત થાય છે. દાખલા તરીકે, કોઈ વખત તમે એ વિચારનું સતત રટણ કરતાં રહો કે સામેવાળી વ્યક્તિ પોતાનાં કર્મો માટે જવાબદાર છે અને તમે તમારા, જયારે બીજા સમયે તમે કરુણા અને પ્રેમાળ-ભલાઈની લાગણી દાખવીને તમે ગુસ્સામાંથી બહાર આવી શકો.
એક દ્રષ્ટાભાવથી સમતા દાખવવવાનો અભ્યાસ એટલે તણાવભરી પરિસ્થિતિમાં મનમાં એક જ ભાવ રાખીને વર્તવું કે બોલવું, જેનાંથી તમે એવી પરિસ્થિતિને ઉભી થતી ટાળી શકો છો કે જેનાં માટે તમને પાછળથી અફસોસ થાય. જે શબ્દો તમે બોલતાં નથી તેનાંથી ક્યારેય તમને દુઃખ પણ થતું નથી.

મારી પોતાની અંગત રીત છે કોઇપણ પરિસ્થિતિમાં સામે વાળાને પ્રત્યુત્તર આપતા પહેલાં મારીજાતને સજાગતાપૂર્વક પૂછવું (અ). મારા પ્રત્યુત્તરની અહી ખરેખર જરૂર છે કે કેમ? (બ). હું મારા હૃદયમાં કરુણા રાખી રહ્યો છું? જો હા, તો (ક). તો શું હું તેમનાં કર્મને એક અજ્ઞાની ભૂલ ગણીને અવગણી શકું? તદુપરાંત (ડ). શું મને નથી ખબર કે તેઓ પોતે જ તેમનાં કર્મો અને અજ્ઞાની ભૂલો માટે જવાબદાર છે? અને અંતે, (ઈ). મને કેવા પ્રકારનું વર્તન શોભે? આ પાંચ દ્રષ્ટિકોણનો વિચાર મારા મગજમાં શરૂઆતની થોડી પળોમાં જ આવી જાય. આ છે સજાગતાની ભેટ. અરે બુદ્ધનાં ઉપરોક્ત પ્રવચનમાં જણાવેલ પાંચ માર્ગને પણ તમે ત્યારે જ અમલમાં મૂકી શકશો જો તમે સજાગ રહેશો કે ઓછા નામે તે સમયે તમારામાં ઉઠતી લાગણીથી સજાગ રહી શકતાં હશો, કે જેથી કરીને તમે તમારો પ્રતિભાવ સાવચેતી પૂર્વક પસંદ કરી શકો. સજાગતા તમને વર્તમાન ક્ષણમાં રહેવામાં મદદરૂપ થાય છે.

એક વ્યક્તિ પોતાનાં મિત્રવર્તુળમાં એ રીતે જાણીતો હતો કે તે એકદમ ટૂંકમાં અને મુદ્દાસર પોતાની વાત કહી શકે છે – તે ક્યારેય વધારે પડતું બોલતો નહિ. એક દિવસ, એક સ્ત્રી અમુક બ્રાંડનાં બ્રશનાં વેચાણ માટે આ વ્યક્તિનાં ઘરનો દરવાજો ખટખટાવે છે અને તેની પત્નીને મળવા માટે કહે છે.

“તે ઘરે નથી,” તેને શાંતિથી જવાબ આપ્યો.
“હું તેમનાં માટે રાહ જોઈ શકું?” અને રાબેતા મુજબ તેને કહ્યું કે “ગયા અઠવાડિયે જ મેં તેમની સાથે વાત કરી હતી અને તેઓને આ બ્રશ ખરીદવામાં રસ હોય તેવું જણાતું હતું.”
પેલા માણસે તો તેને ઘરની અંદર બોલાવીને બેસાડી અને પોતે અંદર ચાલ્યો ગયો. બે કલાક જેટલો સમય પસાર થઇ ગયો હશે, અને અંતે, પેલી સ્ત્રીએ તેને બોલાવ્યો અને પૂછ્યું, “હું પૂછી શકું કે તમારી પત્ની ક્યાં ગયા છે?”
“તે સ્મશાનમાં ગઈ છે,” તેને જવાબ આપ્યો.
“ઓહ, અને તે ક્યારે પાછા આવશે?”
“મને તેની ખબર નથી,” તેને કહ્યું. “તે તો ત્યાં અગિયાર વર્ષથી છે.”

ક્રોધનું પણ કઈક એવું જ છે. તમે કોઈ મૃતકની રાહ બસ જોયા જ કરો એમ. (જરૂરી નથી તે શારીરિક મૃત્યુ હોય પરંતુ અહી કર્મની દ્રષ્ટીએ વાત થાય છે). તેમનાં ભૂતકાળનાં કર્મો, જો તમારી ચેતનામાંથી દુર થયાં ન હોય તો તે તમારી અંદર ક્રોધ અને નકારાત્મક લાગણીને ઇંધણ પુરું પાડ્યા કરે છે અને તમને તમારા સુંદર જીવન સાથે વધુને વધુ દુઃખી, ક્રોધિત, અને હતાશ કર્યા કરે છે.

તમારા પોતાનાં ભલા માટે, તમારી અંદર ક્રોધ, કડવાશ અને ફરિયાદને ધરબી રાખીને તમારી જાતનું અપમાન અને અવહેલના ન કરો. તમારી અંદર જામી જતી આ લીલને ધોવી બહુ સરળ નથી હોતી, પણ જો તમારે આધ્યાત્મિકતાનાં માર્ગે પ્રગતી કરવી હોય તો આ જરૂરી છે. વાસ્તવમાં, ફક્ત આટલાંની જ જરૂર પડે છે. કોઈ રિવાજો, પરંપરાઓ, ધર્મો અને પ્રાર્થનાઓની નહિ પરંતુ એક જરૂરી છે એક એવું હૃદય હોવું કે જે માફ કરી શકે, એક એવું મન હોવું કે જે બધું ભૂલી જઈ શકે, એક એવી ચેતના હોવી કે જે ક્રોધમુક્ત હોય. હું એવું નથી સુચવી રહ્યો કે તમારે મક્કમ ન રહેવું કે પછી તમારે તમારી જાતનું રક્ષણ ન કરવું પરંતુ મક્કમ રહેવું અને બીજાને મક્કમપણે કહી દેવું કે હવે બસ કરો તેનો અર્થ એ નથી તેમનાં માટે હંમેશાં ક્રોધિત રહેવું કે તેમનાં માટે કડવાશ કાયમ ભરી રાખવી.

જો તમે તમારા શબ્દો અને કર્મોને પ્રદર્શિત કરતાં પહેલાં તેનાં ઉપર ચિંતન કરવાનું પસંદ કરો તો તમને જણાશે કે કરુણામય, પ્રેમાળ બની રહેવું અને માફ કરવું એ ખુબ જ સરળ છે. પ્રત્યેક ઉમદા કર્મથી તમે તમારી જાતને આધ્યાત્મિક રીતે ઉપર ઉઠાવો છો. અને આ નિશ્ચિતપણે કામ કરે છે.

જયારે તમે સુગંધિત લાગણીઓનો ગુલદસ્તો રાખી શકતાં હોવ તો પછી શા માટે ગંધાતી લાગણીઓનો કચરો મનમાં ભરી રાખવો? એકથી પતંગિયા આકર્ષાશે અને બીજાથી માખીઓ. સાવધાની સાથે પસંદ કરો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email