કેટલાંક વાંચકોએ નીચેના સવાલો કર્યા છે:

પ્રશ્ન: હરિ ઓમ જી, ઇચ્છાઓની મૂળ પ્રકૃતિ અને તેનાં ઉપરનું વિવરણ કર્યા બદલ તમારો ખુબ ખુબ આભાર. ઇચ્છાઓ એક મોટા વમળ જેવી છે; આપણે બધાં જ કોઈ ઈચ્છાનું ઉદ્દભવસ્થાન ક્યાં છે તે સમજ્યા વગર જ તેની અંદર ઘૂમ્યા કરીએ છીએ. સ્વામીજી, આપ મહેરબાની કરીને બૌદ્ધિક ઇચ્છાઓ ઉપર વધુ લખશો? તમે કહ્યું હતું, “મોટાભાગે, આ બૌદ્ધિક ઇચ્છાઓની લગન સમાજ માટે જો કે કશુંક કિંમતી સર્જન કરતી હોય છે. કોઈ દાન સંસ્થા કે જે કોઈ ભૌતિક કે આધ્યાત્મિક શોધખોળ માટે કાર્યરત હોય. સામાજિક કે ધાર્મિક કાર્યોમાં સમર્પિત થવું એ બૌદ્ધિક ઈચ્છાઓનાં ઉદાહરણ છે.” સમાજ માટે ઉપયોગી કાર્ય કે પછી કોઈ જરૂરિયાતમંદને કોઈ પણ જાતનાં અંગત સ્વાર્થ વગર મદદ કરવી તેને કેવી રીતે બૌદ્ધિક ઈચ્છા કહી શકાય? અમુક લોકો આ કોઈ નામ/પ્રતિષ્ઠા કમાવવા માટે કરતાં હોય તો તે અહંકારને જન્મ આપી શકે. પરંતુ જે લોકો ફક્ત પોતાનાં હૃદયથી જ એક સેવાભાવ સ્વરૂપે કોઈ કાર્ય કરી રહ્યાં હોય તો તેને કયા સંદર્ભમાં સમજવું. મન કદાચ તેમને એક વિચાર આપતું હોય છે, પણ કર્મ તે કોઈ ભાવ દ્વારા કરી રહ્યાં હોય છે, અને માટે, તે કોઈ બૌદ્ધિક ઈચ્છા સાથે સંલગ્ન નથી હોતું. મહેરબાની કરીને આ બાબત વિસ્તારપૂર્વક સમજાવશો. “ઈચ્છાઓને દુર કરતાં પહેલાં પ્રથમ ઓળખો, ત્યાર બાદ તેને નાથો, અને અંતે તેનાં ઉપર પ્રભુત્વ મેળવો અને છેલ્લે તેને જીતો.” – તમે જણાવ્યું હતું કે ધ્યાન દ્વારા આપણે આપણું મન સ્થિર કરી શકીએ, અને માટે ઇચ્છાઓને પણ શાંત કરી શકાય. પરંતુ જો દર વખતે એક વિચાર તમારા ઉપર હાવી થઇ જતો હોય તો શું? ત્યારે આપણે ફક્ત એક વિચાર કરતુ મશીન છીએ તેનું ભાન થતાં ખુબ જ હતાશા આવી જતી હોય છે. તમે પ્રયત્ન કરો તો પણ તમે તમારા મનને કેળવી નથી શકતાં અને આ બહુ અસંતોષ આપનારું હોય છે! કેવી રીતે આપણે તેને જીતી શકીએ? આભાર.

એક સંકલ્પ અને એક ઈચ્છા આ બે વચ્ચેનો તફાવત સમજવો ખુબ જ અગત્યનું છે. એક સંકલ્પ પણ એક વિચાર જ હોય છે કે જે તમારા કર્મને નિશ્ચિત કરે છે. જો કે, જયારે તમે સંકલ્પનાં પરિણામ સાથે ચીટકેલાં રહો છો ત્યારે તે એક ઈચ્છા બની જાય છે, સંકલ્પ નથી રહેતો. મારું મુખ્ય ધ્યેય, મારા દરેક લેખમાં કોઈ પણ પ્રકારનાં અપવાદ વગર ફક્ત આધ્યાત્મિક પરિપૂર્ણતા માત્ર હોય છે. ધ્યાનયોગનાં દ્રષ્ટિકોણથી જોઈએ તો, દરેક પ્રકારની કે વર્ગની ઇચ્છાઓ સાધકને બંધનમાં મૂકી દે છે. જો એક ઈચ્છા સારી હોય કે ખરાબ એ ફક્ત તમે તેને આપેલા લેબલ માત્ર છે. કોઈપણ કાર્ય તમારા હૃદયથી કરવું શક્ય નથી કેમ કે તેનાં વિશેનો વિચાર પ્રથમ મનમાંથી જ ઉઠતો હોય છે. ઈચ્છા પણ પ્રથમ તો એક વિચાર જ હોય છે, જો કે એ ખુબ ત્વરિત હોય છે, પણ તેમ છતાં તે પ્રથમ તો એક વિચાર જ હોય છે. મન એટલે બુદ્ધિ નહી મહેરબાની કરીને એટલું સ્પષ્ટ નોંધી લેશો.

શરૂઆતમાં વિચારો તમારા ઉપર હાવી થતાં રહેશે, પરંતુ તાલીમથી તમે મન ઉપર સંપૂર્ણ કાબુ મેળવી શકશો, અને ત્યારે વિચારો ઉપર પણ સંપૂર્ણ કાબુ મેળવી શકશો. જો કે હું ફરીને કહી દઉં કે આ સરળ નથી. ધીરજ અને ખુબ જ સાતત્યની જરૂર પડે પરંતુ તેનું વળતર પણ અનમોલ હોય છે. હું ધ્યાનનાં વિજ્ઞાન ઉપર નજીકનાં ભવિષ્યમાં લખીશ. હાલ પુરતું, એટલું જાણી લો કે જો તમે દ્રઢ હશો તો તમને પરિણામ પણ મળશે જ . દરેક વખતે જયારે તમારું મન ભટકી પડે ત્યારે તેને પાછું, ખુબ જ ધીરેથી, તમારા ધ્યાનનાં વિષય ઉપર લાવો. થોડો સમય લાગશે, પણ પછી તે ભટકતું બંધ થઇ જશે. આમાં કોઈ શોર્ટ કટ માર્ગ નથી! મનની શાંતતા એક અસામાન્ય સિદ્ધિ છે અને તેમાં પ્રયત્ન પણ એવો જ અદ્દભુત માંગી લે છે, ઓછાનામે શરૂઆતમાં તો ખરો જ.

પ્રશ્ન: નમસ્તે સ્વામીજી. તમારો બ્લોગ વાંચીને ખુબ જ આનંદ અનુભવાય છે, અનેક વિષયો ઉપર સરસ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર. મારા આ બે સવાલો છે. આત્મજ્ઞાન અને તમારા ખરા સ્વભાવને જાણવો આ બે બાબતોમાં શું ફર્ક છે? જયારે આપણે એમ કહીએ કે “અહંમ બ્રહ્માસ્મિ” તો શું તેનો અર્થ એમ થાય કે આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન બન્ને એકસમાન છે? તમારા માર્ગદર્શનની રાહ જોઇશ. પ્રણામ.

આત્મજ્ઞાન અને તમારા ખરા સ્વભાવને ઓળખવો આ બન્ને બાબત એક જ છે. જયારે તમે એ જાણો છો (જ્ઞાન) કે તમે કોણ છો (આત્મા), તે જ છે આત્મજ્ઞાન. બ્રહ્મજ્ઞાન અને આત્મજ્ઞાન પણ સમાન છે. મહેરબાની કરીને એટલી નોંધ લેશો કે આ સમજણ માત્ર બૌદ્ધિક જ ન હોવી જોઈએ. તે તો બુદ્ધિની પકડથી પણ પરે હોય છે. આ જ્ઞાનનો તમારામાં ઉદય થાય તેનાં માટે તમારે કામ કરવું પડશે. મને ભગવદ્દ ગીતામાંથી અમુક શ્લોકો ટાંકવા ગમશે પરંતુ મારી પાસે મારા લેપટોપમાં અત્યારે સંસ્કૃત અક્ષરો નથી.

અને વધુમાં, મેં થોડા લેખ લખ્યાં છે જે અઠવાડિયે એક વખત આવતાં રહે તેવી રીતે તેમની બ્લોગમાં વ્યવસ્થા કરેલ છે. તો મારી સાથે જોડાયેલાં રહેશો.

હરે ક્રિશ્ના.

સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email