થોડા અઠવાડિયા પહેલાં કેનેડામાં, એક ધીમે રહીને વાત કરતો, હોશિયાર યુવાન ઉભો થયો અને મારી પાસે આવ્યો અને મને એક સવાલ પૂછ્યો કે જે આપણામાંથી ઘણાં બધાં લોકો માટે પણ બહુ લાગતો વળગતો છે. તે પોતાની પિયાનોની સ્પર્ધા માટે ભાગ લેવાનો હતો અને તેની માતાએ તેને કહ્યું હતું કે તેને બીજા વિદ્યાર્થીઓ માટે પણ તાલી પાડવી જોઈએ અને તેમને શુભેચ્છા પાઠવવી જોઈએ. “હું હંમેશાં એવું કરું છું, સ્વામીજી,” તેને મને કહ્યું, “પણ મારા માટે કોઈ એવું નથી કરતુ. મમ્મા કહે છે કે મારે તેમને શુભેચ્છાઓ આપવી જોઈએ, હું હંમેશાં તેમ કરું છું પરંતુ કોઈ મને શુભેચ્છા નથી પાઠવતું. તો પછી તેનો અર્થ શું? તે લોકોને કઈ પડી નથી. તો મારે શાં માટે તાળીઓ પાડવી જોઈએ?”

તે ખુબ પરેશાન હતો, હું તેની આખોમાં આંસુ જોઈ શકતો હતો.

“આપણી દુનિયામાં,” મેં તેને કહ્યું, “તને હંમેશાં એવા લોકો મળવાનાં જ કે જેને કશી પડી ન હોય. તું એવા લોકોને પણ મળીશ કે જે કોઈ પ્રતિભાવ પણ ન આપતાં હોય, લોકો તું તેમનાં માટે શું કરી રહ્યો છે તેની કદર પણ નહિ કરવાં વાળા હશે. આવા લોકો જો કે બહુમતીમાં નહિ હોય કેમ કે દુનિયામાં મોટાભાગનાં લોકો સારા છે. તેમ છતાં, કેટલાંક એવા પણ છે કે જે પોતાની દુનિયામાં જ એટલાં મસ્ત છે કે તે તારી આ ભલાઈને જોઈ જ નથી શકતાં, તેને ઓળખવાની તો વાત જ જવા દે, અને તેની કદર કરવાની તો વાત જ ભૂલી જઈએ. અને, તને ખબર છે તારે આવા લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?”

“મારે વધુ શક્તિશાળી બનવું જોઈએ?”
“હં….ઓકે.”

હું તેને મજબુત બનવાનું નહોતો કહી રહ્યો, હું ફક્ત તેને એવું કહેવા જઈ રહ્યો હતો કે તેને પોતે જેવો છે તેવો જ બની રહેવું જોઈએ. તેનાં શક્તિ પરના મુદ્દા સાથે ચાલવાનું ચાલુ રાખતાં મેં મારો વિચાર બદલી નાંખ્યો અને કહ્યું, “તે શક્તિ ક્યાંથી આવશે?”

તેને માથું ધુણાવ્યું.

“તારી તાકાત છે તે તારા વર્તનમાંથી આવશે. અને, દરેક સંજોગોમાં, તારું વર્તન તને શોભે તેવું જ હોવું જોઈએ. જો તું તેમનાં માટે તાળીઓ પાડવાનું બંધ કરી દઈશ, અને તેમને શુભેચ્છા આપવાનું બંધ કરી દઈશ, તો તું પણ બિલકુલ તેમનાં જેવો જ બની જઈશ. પોતાની ભલાઈ નહિ છોડીને તું તેમનાંથી આગળ નીકળી જઈશ. તું તે રીતે એકદમ અનોખો બની જઈશ. મજબુત. વધુ સારો.”

તેની આંખોમાં એક ચમક આવી ગઈ અને મેં તેને એક સલાહ આપતા કહ્યું કે તેને પોતે ક્યારેય બીજાને ખુશ કરવાં માટે તેમનાં માટે તાલીઓ પાડવાની કે એવું બીજું કશું પણ કરવાની જરૂર નથી. યાદ રહે હું તેને એક કમજોર બનવાની વાત નહોતો કરી રહ્યો. સારા વર્તનનો અર્થ એવો બિલકુલ નથી કે તમારે લોકોને તમને હળવાશથી લેવા દેવાનાં (અમુક લોકો તેમ છતાં પણ તેવું કરશે જ જો કે). તેનો સરળ અર્થ એ થાય છે કે તમને વધારે ખબર પડે છે અને તમારું વર્તન એ બાબત દર્શાવે છે.

ગાંધીજીનું એક વાક્ય છે કે, “આંખને બદલે આંખનો બદલો લેવાથી તો આખું જગત આંધળું બની જશે.” જયારે જગત તમને ચુનોતી આપતું હોય, તમને ગોદા મારતું હોય, કે તમને ઉશ્કેરતું હોય, ત્યારે પોતાને શાંત રાખવા, કે પોતાનાં પગ જમીન પર ટકાવી રાખવા અને પોતાનાં સિદ્ધાંતોને વળગી રહેવું તે કાઈ સહેલું નથી. પણ, તે બિલકુલ કરી શકાય તેવું તો હોય છે જ. આપણી અંદર આ એક આંતરિક ઈચ્છા હોય છે કે આપણી શ્રેષ્ઠતા આપણે કેવી રીતે બહાર બતાવવી. બીજાને એ બતાવી દેવાં માટે કે આપણને તેનાંથી વધુ ખબર પડે છે કે આપણે તેનાંથી વધુ સારા છીએ તે માટે આપણો અહંકાર આપણને અંદરથી ફરજ પાડે છે. જો કે તેવું કરવામાં, મોટાભાગનાં લોકો અંતે તો તેનાંથી તદ્દન ઉલટું જ કરી બેસતાં હોય છે. બુદ્ધિશાળી દલીલો કે ઉચ્ચ અવાજ એ કોઈ આધ્યાત્મિક ઉચ્ચતાની કોઈ સાબિતી નથી.

શબ્દ ક્યારેય એ પુરવાર નથી કરી શકતાં કે તમે આધ્યાત્મિક રીતે ઉપર ઉઠી ગયેલા છો. તમે ગમે તે કેમ ન કહો, કહેવું ક્યારેય પુરતું હોતું નથી. બોલી નાંખવું તો બહુ સહેલું છે. એ તો આપણું વર્તન માત્ર હોય છે કે જે એ બતાવતું હોય છે કે આપણે ખરેખર ક્યાં ઉભા છીએ. જયારે આપણા શબ્દો આપણા વર્તનમાંથી જ અંકુરિત થતાં હોય ત્યારે જ તેની અસર સામે ઉભેલી વ્યક્તિ ઉપર થતી હોય છે. નિ:શંક જો તમે કોઈ મોટી પ્રભાવશાળી વ્યક્તિ હશો તો લોકો તમને તેમની વાણીમાં સન્માન આપશે, તમે જો તેમને ખાલી ખોખા જેવા લાગતાં હશો તો પણ તેઓ તમારા પ્રત્યે આદર બતાવશે. જો તમે એવું ઇચ્છતાં હોવ કે તેઓ તમને હૃદયપુર્વક સન્માન આપે, તો તેનાં માટે તમારે તેમને પ્રેરિત કરે, તેમને પીગળાવી નાખે તેવું વર્તન કરવું જ પડશે. આમ પણ, જેનાં માટે આપણને હૃદયપૂર્વક આદરભાવ હોય તે જ સાચો આદર છે. બાકીનો કોઈપણ પ્રકારનો આદર એ ફક્ત પ્રદર્શન માત્ર હોય છે.

માટે જો એ તમને ઉભા થઇને સન્માન ન આપે તો શું થઇ ગયું? તેમનાં માટે તાલી પાડીને તમે તમારું ઉત્તમ વર્તન તો પ્રદર્શિત કરી જ શકો છો. તમે કદાચ તેમને તમારી સારી ટેવોમાંથી કશું શિખવા માટે પ્રેરિત પણ કરી શકો. પરિણામે, વધુ લોકો ખુશ થશે. અને આપણે આ દુનિયાને રહેવા માટેની એક વધુ સારી જગ્યા બનાવી શકીશું.

મારો વિશ્વાસ કરો, ભલાઈ અને દિવ્યતાપૂર્વક વર્તન કરવું એ અઘરું નથી. તમારે તમારી જાતને ફક્ત એક જ સવાલ કરવાનો છે: મારા સંસ્કાર શું છે? તમારે કેવું વર્તન કરવું તે તમને આપોઆપ ખબર પડી જશે. મોટાભાગે, જયારે તમારી આજુબાજુ ઘણું બધું ચાલી રહ્યું હશે ત્યારે તમે તમારી જાતને આ સવાલ પૂછવાનું ભૂલી જશો. તમને કદાચ પાછળથી જ એ ભાન થશે કે તમે કદાચ જુદી રીતે વર્તી શક્યાં હોત. તો આ બાબતે શું કરવું? ફરી, એકદમ સરળ છે. આ સવાલ તમારી જાતને રોજ કરો – સવારે અને રાત્રે – તમારા સંસ્કાર શું છે? આ રીતે તમારે કેવું બની રહેવું જોઈએ તે તમને એકદમ યોગ્ય સમયે પણ યાદ આવી જ જશે.

મેં એક વખત અલ ટેપરનાં એક મંત્રી કે જે પોતે એક રાબી હતાં તેમનો ટુંચકો સાંભળેલો:

એક વખત એક મંત્રી, એક પાદરી અને એક રાબી પોકર રમી રહ્યાં હતાં અને પોલીસે ત્યાં છાપો માર્યો. મંત્રી સામે જોઇને, પોલીસ અધિકારીએ કહ્યું, “ ઓલ્સવર્ધ, શું આપ એક પ્રતિષ્ઠિત થઇને જુગાર રમી રહ્યાં હતાં?” સ્વર્ગ તરફ નજર ઉંચી કરીને, મંત્રી ગણગણ્યો, “હે ભગવાન, હું જે કરવાં જઈ રહ્યો છું તે બદલ મને માફ કરશો.” પોલીસ ઓફિસર તરફ ફરીને, તેને પછી કહ્યું, “નાં, હું જુગાર નહોતો રમી રહ્યો.”
પોલીસે પાદરી સામે જોઇને પૂછ્યું, “ફાધર મર્ફી, શું તમે જુગાર રમી રહ્યાં હતાં?”
સ્વર્ગ તરફ ઉંચે જોઇને વિનંતી કરીને, ફાધરે જવાબ આપ્યો, “નાં અધિકારી સાહેબ, હું જુગાર નહોતો રમી રહ્યો.”
રાબી તરફ વળીને પોલીસે પૂછ્યું, “રાબી ગોલ્ડસ્ટેઇન, શું તમે જુગાર રમી રહ્યાં હતાં?”
પોતાનાં ખભા ઊંચા કરીને રાબીએ જવાબ આપતાં કહ્યું, “કોની સાથે?”

જો તમે પોતે જ દલીલ ન કરો તો પછી સામે વાળી વ્યક્તિ કોની સાથે દલીલ કરવાની હતી? જો તમે જ આ રમતોમાં ભાગ ન લો, તો તે આવી રમતો કોની સાથે રમવાનાં હતાં? કોઈ આકાશ તરફ જોઇને કેવી રીતે થૂંકવાનુ હતું?

અઘરા લોકો, પરિસ્થિતિ કે સંજોગો વિગેરેમાં કેવું વર્તન કરવું તે વિશેનો મારો મત ખુબ જ સરળ છે. અને તે છે: ગમે તે કેમ ન થાય, તમારું સારાપણું જતું ન કરશો. તે માટે તમારે કદાચ મજબુત, ચુનોતી આપનાર કે કોઈ વખત કદાચ નકારાત્મક પણ બનવું પડે. એમાં કશો વાંધો નહિ. છતાં, તેનો અર્થ એ નહિ કે આપણે આપણી ભલાઈ છોડી દઈએ. શા માટે? કારણ કે કુદરતનાં એક મોટા પરિમાણમાં, હજી સુધી કોઈને પણ પોતાની ભલાઈ છોડી દેવાથી કશું સન્માન પ્રાપ્ત થયું નથી, કે કોઈ પ્રેમ મળ્યો નથી કે દિવ્યતાને કોઈ પ્રેરિત કરી શક્યું હોય.

ભલાઈ, હું વધુ ઉમેરતા કહીશ, કે એ કોઈ ખાસિયત કે જન્મજાત ગુણ નથી. તે કોઈ લાગણી પણ નથી. ભલાઈ એ એક વર્તન છે. તે એક પસંદગી છે. એક ટેવ.

સારા બનો. ભલા બનો. તેમ કરવું હંમેશાં યોગ્ય છે. હંમેશાં. હા, બિલકુલ. હં.મે.શાં.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email