જેવી રીતે પાણીમાં રહેલી ભીનાશને અને આગમાં રહેલ પ્રકાશને દુર નથી કરી શકાતા તેવી જ રીતે મનમાં રહેલી ઇચ્છાઓને દુર નથી કરી શકાતી હોતી. કારણકે, ઇચ્છાઓ તે નહિ ત્યજેલા વિચારો હોય છે. વિચારો ફક્ત વિચારો હોય છે. તે સારા કે ખરાબ નથી હોતા, કે કોઈ ઉંચે લઇ જનાર કે હાસ્યાસ્પદ પણ નહિ, ને સાચા કે ખોટા પણ નહિ. આ બધાં જ લેબલો તમે તમારી શરતો મુજબ ઇચ્છાઓને આપેલા હોય છે. મૂળભૂત રીતે, તમામ વિચારો સરખા જ હોય છે – એક સમાન. વિચારને લઈને તમે શું કરો છો તે મહત્વનું છે, અને નહિ કે મૂળ વિચાર તેની પોતાની રીતે એટલો મહત્વનો હોય છે. કોઈ વિચાર ઉદ્દભવ્યા પછી તેનો પીછો કર્યે રાખવાથી તે કાં તો ઈચ્છાનું સ્વરૂપ લઇ લેતું હોય છે કે કાં તો પછી એક લાગણીનું, પછી તે હકારાત્મક હોય કે નકારાત્મક. દરેક કર્મ વિચારમાંથી જન્મે છે. એક સતત ચાલતો વિચાર તમારા મનને અસ્થિર બનાવી દે છે, જેમ શાંત તળાવમાં ઉઠતાં એક વમળની જેમ તે તમારી શાંતિનો ભંગ કરી નાંખે છે. એક શાંત અને શુદ્ધ મન ઇચ્છાઓની પરિપૂર્તિ કે ત્યાગ બંનેમાં સમ રહેતું હોય છે; અને આ બન્ને પરિણામો જો કે મન દ્વારા જ અનુભવાતાં હોય છે. માટે, જો તમારે સંતોષ જોઈતો હોય કે આનંદદાયક આદર જોઈતો હોય, સંતોષ આપનાર પ્રેમ જોઈતો હોય કે એક નાનો લાડવો જોઈતો હોય, આ તમામ ઇચ્છાઓમાં ખરેખર કોઈ ફરક નથી.

જો કે કર્મનાં સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ શક્ય નથી, તમે નિ:શંક તમારી પોતાની ઇચ્છાઓની જ પેદાશ હોવ છો. તમારી ઇચ્છાઓ જ તમને કર્મ કરવાં માટે પ્રેરે છે અથવા તો કોઈ એક ચોક્કસ પથ પર આગળ વધવા માટે પ્રેરે છે. તમે તમારી ઇચ્છાઓનો સ્વભાવ ઓળખી શકો તે પહેલાં તમારે તમારા મનનો સ્વભાવ ઓળખવો પડશે.

જયારે એક ઈચ્છાની પૂર્તિ થઇ જાય છે ત્યારે તે તમને હંગામી આનંદ અને સુખ આપે છે. તેનું પરિણામ પણ ઈચ્છા જેટલું જ દુન્વયી અને છેતરામણુ હોય છે. જો ઇચ્છાઓને કાયમ સંતોષી શકાતી હોત તો પરિપૂર્ણતાને પામવામાં કોઈ શક ન રહેત. જો કે, જયારે ઇચ્છાઓની પૂર્તિ થઇ જાય છે ત્યારે, અસંખ્ય બીજી ઇચ્છાઓ ઉગી ઉઠતી હોય છે. એક વખત જયારે તમે ઇચ્છાઓનો સ્વભાવ ઓળખી લો છો ત્યારે તે તમને હેરાન કરતી બંધ થઇ જાય છે. કારણ કે હવે તમારી તમારા મનની શાંતિ ઉપર એટલી જોરદાર પકડ હોય છે કે તમારા વિચારો ઉદ્દભવતાની સાથે જ અદ્રશ્ય થઇ જાય છે. જો કે ઇચ્છાઓનું વર્ગીકરણ કરવું શક્ય નથી, પરંતુ તેને સહેલાઇથી સમજવા માટે, હું તેને અહી તમારા માટે વર્ગીકૃત કરું છું:

શારીરિક ઇચ્છાઓ

દરેક પ્રકારની ઇન્દ્રિયનો સંતોષ એક શુદ્ધ શારીરિક ઇચ્છા હોય છે. તમે આવી ઇચ્છાઓની પૂર્તિથી તમને આનંદ મળશે એવું ધારતા હોવ છો. આવો અનુમાનિત આનંદ તમને તે વિચારને પકડી રાખવા માટે અને તમારી ઈચ્છાને સંતોષવા માટે પ્રેરે છે. પરિણામે, તમારા કર્મો, લાગણીઓ અને બુદ્ધિ સાથે મળીને તેની પ્રાપ્તિ માટે કાર્ય કરે છે. આવી ઇચ્છાઓ હંમેશાં અસંતોષાયેલી અને તમારી અંદર હંમેશાં છુપી રીતે (કોઈ વખત તેમ બન્ને રીતે) રહેતી હોય છે. જે કઈપણ તમે શરીર દ્વારા આનંદ ઉઠાવો છો તે મૂળભૂત રીતે તમારી ઇન્દ્રિયોનાં સંતોષ માટે હોય છે. મોટાભાગનાં લોકો તેમનું જીવન આવી ઇચ્છાઓનાં સંતોષ માટે જ ખર્ચી નાંખે છે. તેઓ દરેક વસ્તુને શરીર દ્વારા જ અનુભવે છે, શરીર માટે જ જીવે છે અને શરીર માટે જ મરી જાય છે. તેમનું જીવન શરીરની જરૂરિયાતો જેવી કે ભોજન, કપડા, સંભોગ, આરામ, કાળજી વિગેરની આજુબાજુ જ ફરતું રહે છે. શારીરિક ઇચ્છાઓની પૂર્તિ મૂળભૂત રીતે શરીરની કાળજી સાથે જોડાયેલી હોય છે. માનવશરીર, જો કે, બગડવાનું ચાલુ જ રાખે છે અને અનેક લોકો તેને સારું રાખવા માટે સતત સઘન મહેનત કરતાં રહે છે. એક ઠાલી કવાયત જેવું હોય છે તે.

લાગણીમય ઇચ્છાઓ

પ્રેમની, પ્રતિભાવની, આદરની, બીજા સાથે વહેંચવાની ઇચ્છાઓ આ વર્ગમાં આવે છે. આ ઇચ્છાઓ એક અજ્ઞાન મનમાંથી અને મનના શરતીપણામાંથી (કે જે તમારા વર્તમાન જીવન કે સંભવતઃ તમારા પાછલાં જન્મોનાં કર્મસંચયથી) આવે છે. આવી ઇચ્છાઓ તમને તેની પરિપૂર્તિ માટે બહાર જોવાની ફરજ પાડે છે. તમને કોઈ સાથ માટે, કશું વહેંચવા વિગેરે માટે “કોઈ બીજા”ની જરૂર પડતી હોય છે. કેમ કે હવે તમે તમારી અંદરની પરિપૂર્તિ માટે બહાર ખોજ ચલાવતા હોવ છો માટે તમે આ એક મોટી તલાશ માટે નીકળી પડો છો જેનો પટ આ બ્રહ્માંડનાં એક છેડાથી બીજા છેડા જેટલો વિશાળ હોય છે. તમારા છેલ્લાં શ્વાસ સુધી તમે આ ઇચ્છાઓની એક કટપુતળી જેવા બનીને રહી જાવ છો. શારીરિક ઇચ્છાઓ શરીરની નબળાઈ સાથે ઢીલી પડતી જાય છે, પરંતુ લાગણીમય ઇચ્છાઓ સદા જીવંત રહીને તમને અંદરથી સતત લાતો મારતી રહે છે. આવી ઇચ્છાઓ ત્યારે ઉદ્દભવે છે જયારે તમે તમારો મૂળ સ્વભાવ ભૂલી જાવ છો અને તમે એક પરાવલંબી બની જાવ છો (આ શબ્દને સમજવા માટે મારો આગળનો લેખ “મારું સત્ય” વાંચો). “લાગણીમય જરૂરિયાતો” એ એક ખોટો શબ્દપ્રયોગ છે. લાગણીઓ એ એક શરતી મનની પેદાશ છે અને આમ જોવા જઈએ તો મનની કોઈ જરૂરિયાતો હોતી જ નથી. કતલખાનાનું દ્રશ્ય તમારી અંદર એક નકારાત્મક લાગણી જન્માવી શકે છે, જયારે એક ધંધાદારી વ્યક્તિ માટે તે હકારાત્મક હોઈ શકે છે, અને એક મશીન ચાલક માટે તેનાં પ્રત્યે એક તટસ્થ ભાવ હોય છે. તે તમે તમારા મનને કેવી શરતોથી ભરેલું છે બધું તેનાં ઉપર આધાર રાખે છે. તમારા અસલી સ્વભાવની ઓળખ થયાં પછી અને તે અવસ્થા જાળવી રાખવાથી આ લાગણીમય ઇચ્છાઓ અદ્રશ્ય થઇ જશે.

બૌદ્ધિક ઇચ્છાઓ

એક શરતી મન, કે જે હંમેશાં બહાર કેન્દ્રિત થયેલું હોય છે તે જયારે શારીરિક અને લાગણીમય ઇચ્છાઓની પૂર્તિથી હંગામી રીતે સંતોષાય છે, ત્યારે તે બૌદ્ધિક ઇચ્છાઓને જન્મ આપતું હોય છે. આ ઈચ્છા વ્યક્તિને કઈક નવું સર્જવાની કે પછી કોઈ નિ:સ્વાર્થ જણાતા સામાજિક કાર્યમાં પ્રવૃત થવાની પ્રેરણા આપે છે. આવી ઇચ્છાઓની પુરતી પ્રથમ બે પ્રકારની ઇચ્છાઓ કરતાં વધારે લાંબો સમય ચાલે છે. જયારે બાકીનું બીજું બધું ચાલ્યું જાય છે, અને તમને એવું લાગે છે કે ઇન્દ્રિયોનો સંતોષ અને લાગણીઓની પૂર્તિ એ પુરતું નથી, ત્યારે બૌદ્ધિક પ્રકારની ઇચ્છાઓ જન્મ લે છે. તેમનાં મૂળ સ્વભાવથી જ તેમાં અમુક ચોક્કસ માત્રાની જાગૃતતા રહેલી હોય છે. જો કે, એક આત્મશ્લાઘી, અસ્થાઈ અને અજ્ઞાની મન તમને હજુ પણ બંધનમાં પકડી રાખતું હશે ખરું. છતાં તમે તમારો સારો એવો સમય અને ઉર્જા બૌદ્ધિક ઇચ્છાઓમાં ખર્ચો છો, જો કે પ્રથમ બે પ્રકારની ઇચ્છાઓ તમને હજી પણ છોડતી નહિ હોય. મુખ્યત્વે એટલાં માટે કેમ કે તમે તમારું મન સ્થિર કરવાને બદલે બીજે ક્યાંક લગાવ્યું હોય છે. મોટાભાગે, આ બૌદ્ધિક ઇચ્છાઓની લગન સમાજ માટે જો કે કશુંક કિંમતી સર્જન કરતી હોય છે. કોઈ દાન સંસ્થા કે જે કોઈ ભૌતિક કે આધ્યાત્મિક શોધખોળ માટે કાર્યરત હોય. સામાજિક કે ધાર્મિક કાર્યોમાં સમર્પિત થવું એ બૌદ્ધિક ઈચ્છાનું ઉદાહરણ છે. પ્રથમ બે પ્રકારની ઈચ્છા કરતાં તો સારી જ ગણી શકાય, તે તમને અંતર્મુખી બનાવે છે. મહાન ચિંતકો, શોધકો અને વૈજ્ઞાનિકો આવી બૌદ્ધિક ઈચ્છાઓની પેદાશ હતાં.

ઉત્તમ ઈચ્છા

ઉપરોક્ત જણાવેલ ત્રણ ઇચ્છાઓ કરતાં આ પ્રકારની ઈચ્છા અલગ તરી આવે છે. જયારે તમારા ખરા સ્વભાવની શોધ એ એકમાત્ર તમારી પ્રબળ ઈચ્છા બનીને રહી જાય છે, ત્યારે અડધું કામ તો થઇ જ ગયું સમજો. શક્ય છે કે તમને આ ઈચ્છા એટલાં માટે થાય છે કારણકે તમને એ બાબતનું ભાન થઇ ગયું હોય છે કે પ્રથમ ત્રણ પ્રકારની ઇચ્છાઓ કે જે પૂરી થઇને પણ કાયમ અધુરી જ રહી જતી હોય છે માટે એવી ઈચ્છાઓની સતત પૂર્તિ કરતાં રહેવું એ તદ્દન અર્થહીન કવાયત છે. ઉત્તમ ઈચ્છાની પૂર્તિ તમને અજ્ઞાનનાં બંધનોમાંથી મુક્ત કરીને તમારી તમામ શરતોની બેડીઓ તોડી નાંખશે. આ પ્રકારની ઈચ્છા એ તમારા સત્યની ખોજની એક ઉત્તમ તલાશ બની જાય છે. બહુ વધુ કીધા વગર, તમે કૃષ્ણ, જીસસ, બુદ્ધ, મહાવીર કે પછી દુનિયાએ ક્યારેય ન જોયા હોય તેવાં કોઈ મહાન ઉપદેશક, પયગંબર કે તત્વચિંતક બની શકો છો.

તમારો જુઠો અહંકાર ઇચ્છાઓનાં કિલ્લાને પકડી રાખે છે અને તેની પૂર્તિથી તે અહંકાર વધુને વધુ મોટો થતો જાય છે. તમારી લાગણીમય ઇચ્છાઓ તમારા અહંકારને ઇંધણ પૂરું પડે છે અને તમારી બૌદ્ધિક ઇચ્છાઓ તેને સંતોષે છે. અહંકાર, જે એક બહુ મોટો વિષય છે, જેનાં ઉપર આપણે ફરી કોઈ વાર વાત કરીશું. હું તેને નજીકનાં ભવિષ્યમાં વણી લઈશ. અત્યાર માટે, એટલું જાણી લો કે તમારો ખોટો અહંકાર તમે આ દુનિયાનો યુગો યુગો સુધી અનેક બાહ્ય અને અનેક સાચી ઘટનાઓ દ્વારા જે અનુભવ કર્યો હોય છે તેનાં થકી જે કર્મોનો સંચય થયેલો હોય છે તેનાં લીધે હોય છે. જો તમે ડુંગળીનાં પડોને એક પછી એક ઉકેલવા માંડો તો અંતે તેમાં કશું બાકી નહિ રહે. તેવીજ રીતે, તમે જયારે તમારી જાતને શુદ્ધ કરતાં જાવ તેમ તેમ અહંકારની કોઈ નિશાની તમારી અંદર નહિ રહે, કારણકે તે એક અશુદ્ધિ અને અજ્ઞાન હોય છે કે જે આ અપ્રત્યક્ષ પરંતુ નક્કર એવાં અહંકારને તમારી અંદર પેદા કરે છે.

તમારી શારીરિક, લાગણીમય અને બૌદ્ધિક ઇચ્છાઓ જયારે અધુરી રહી જાય છે ત્યારે તે તમારા અહંકારને ક્રમશ: હલાવે છે, ઠેસ પહોંચાડે છે અને તેને બદલી પણ નાંખે છે. તેનાંથી ઉલટું જે ઉત્તમ ઇચ્છાઓ છે તે જો અધુરી રહી જાય તો તે તમારી અંદર એક વૈરાગ્ય જન્માવશે જે તમને તમારા ખરા સ્વભાવની ખોજ માટે હજુ વધારે કામ કરવાની ફરજ પાડશે. અને જયારે તમે તમારા સત્યને પામી લેશો ત્યારે તે તમારામાં અહંકારને બિલકુલ ઓગળી નાંખશે. પ્રથમ બે પ્રકારની ઇચ્છાઓ તમને આનંદની ખોજ બહાર કરાવડાવે છે. પરમાનંદ ક્યારેય બહારથી મળી શકે નહિ. માટે, તમે ગમે તેટલો પ્રમાણિક કે સઘન પ્રયત્ન તેને પ્રાપ્ત કરવાનો કેમ ન કરો પરંતુ તેમ કરવાથી તમે ફક્ત આવી ઇચ્છાઓની પૂર્તિમાં જ લાગેલાં રહો છો અને બીજી અનેક તેવી ઇચ્છાઓને પેદા કરતાં રહો છો. જયારે તમારી શાંતિનો પોષાક બૌદ્ધિક સત્ય અને વિચારપૂર્ણ જ્ઞાનનાં તાંતણે વણાયેલો હશે તો જયારે પણ તમારી છુપી ઇચ્છાઓ ફૂટી નીકળશે (કે પછી કોઈ સંકટ આવી પડશે) ત્યારે આ પોષાક ઉતાવળમાં ખુલી જશે, ખબર પણ નહિ પડે. તમે કોઈ પણ જંગલી જનાવરને ત્યારે જ નાથી શકો જયારે તમે તેનાં સ્વભાવને ઓળખી લો. ઈચ્છાઓને દુર કરતાં પહેલાં પ્રથમ ઓળખો, ત્યાર બાદ તેને નાથો, અને અંતે તેનાં ઉપર પ્રભુત્વ મેળવો અને છેલ્લે તેને જીતો.

એકાગ્રચિત વાળું ધ્યાન તમારા મનને સ્થિર કરશે, અને પરિણામે ઇચ્છાઓ પણ સ્થિર થઇ જશે. ચિંતનાત્મક ધ્યાન કે શુદ્ધ ભક્તિ ઇચ્છાઓને બિલકુલ ખતમ કરી નાંખશે. અંતે, જયારે ઈચ્છાઓ ઉઠે ત્યારે તમારા મનને તેનાં ઉપરથી કેવી રીતે હટાવવું તે તમારે શિખવું પડશે. થોડી તાલીમ પછી તમે ઇચ્છાઓને ફક્ત એક વિચાર તરીકે જોતા થશો કે જેનું કોઈ મૂળભૂત મુલ્ય હોતું નથી. વિચારોનો આવિર્ભાવ પામવા માટે એક સતત જાગૃત અને સજાગ મનની જરૂર પડતી હોય છે – જેમ કે એરપોર્ટ ઉપર રહેલી કોઈ સલામતીની વ્યવસ્થા કે જેની અંદરથી જો તમે પોતાનાં ખિસ્સામાં સિક્કો લઈને પણ જતાં હશો તો તરત તે અવાજ કરવા લાગે છે. શારીરિક ઇચ્છાઓમાંથી છુટકારો મેળવવા માટે ચિંતન અને સંન્યાસની જરૂર પડશે. લાગણીમય ઇચ્છાઓનો ત્યાગ કરવાં માટે જરૂર છે ચિંતન અને વૈરાગ્યની. બૌદ્ધિક ઇચ્છાઓથી દુર થવા માટે બુદ્ધિ અને અંદરથી આવતાં જ્ઞાનની જરૂર પડશે. અતિશ્રેષ્ઠ ઈચ્છાઓની પૂર્તિ માટે જરૂર છે ઉપરોક્ત બતાવેલ બધી જ રીતોનું મક્કમપણે પાલન કરવાનું તેમજ જો તમે એક ભક્ત હોવ તો સંપૂર્ણ સમર્પણની જરૂર પડશે કાં તો જો તમે એક યોગી હોવ તો એક અવિચલ અને દ્રઢ ધ્યાનની જરૂર પડશે.

જયારે ઇચ્છાઓ તમારો દરવાજો ખટખટાવે ત્યારે તમારે ચોંકી જવાની જરૂર નથી, એ તો સામાન્ય બાબત છે. તેનો ઉપાય છે લડ્યા વગર જ જીતી જવું, સમાધાન કર્યા વગર જ સમાધાન સુધી પહોંચી જવું. જયારે તમે તમારો સાચો સ્વભાવ શોધી કાઢો છો ત્યારે તમને તમારી જરૂરિયાતો કે ઇચ્છાઓ માટે કોઈ ભ્રમણા રહેતી નથી.

ઇચ્છાઓ મનવૃક્ષ ઉપર આવતાં આકર્ષક ફળ છે. તમે આખરે કેટલાં ચૂંટી શકો; તમારે મૂળ સુધી પહોંચવું પડશે. અને ઈચ્છાવૃક્ષનાં મૂળને કહ્યું છે મન. અપેક્ષાઓ તે તમારા અજ્ઞાન મન અને શરતીપણાનાં અવૈધ સંતાનો છે – ઇચ્છાઓ તેમનાં પારકા ભાઈ-બહેનો જેવી હોય છે. જયારે તમે ઇચ્છાઓ સાથે પરણી જાવ છો ત્યારે તમારે ઘણાં લાંબા સમય સુધી ખોરાકી આપવી પડતી હોય છે. સાથે સાથે અનેક બીજી ઇચ્છાઓ જોડે પણ પ્રણય ચાલુ રાખવાનું હોય અને તેની વાસ્તવિક અપેક્ષાઓને પણ જો સતત સંતોષતા રહેવાનું હોય તો તેનું આ ગણિત તમે જાતે જ ગણી લેજો. ડાહ્યા લોકો કહે છે કે વફાદાર રહેવાની એક કિંમત ચૂકવવી પડતી હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email