ગયું અઠવાડિયું ખુબ વ્યસ્ત હતું. હું ઘણાં બધાં લોકોને મળ્યો, પ્રવચનો આપ્યાં અને કીર્તનની મજા પણ માણી. દરરોજ ઘણાં બધાં લોકો આવ્યાં અને કલાકો સુધી ભજનો ગાયાં, જયારે હું ત્યાં બેસી રહ્યો અને પરમાનંદને માણતો રહ્યો. મને તેમની ભક્તિ અને પ્રેમ સ્પર્શી ગયા. તેઓ તેમનાં ભારે અને મધુર અવાજે ગાતા હતાં અને સાથે સંમિલિત સંગીત કે જે દિવ્યપ્રેમની અભિવ્યક્તિને વધુ ઉંચે લઇ જઈને આંસુ, હાસ્ય, ગલગલીયાં, કંપનોને મુક્તપણે વહેતાં કરતુ હતું. હવે હું થોડા સમય માટે એકાંતનો સાથ માણવા માટે જવાનો છું, જયારે મારા શરીર અને પ્રાણને યોગિક સાધનામાં વ્યસ્ત રાખીશ. મને ભક્તિ, એક દિવ્ય સેવા વિશે થોડી સ્પષ્ટતા કરવાનું ગમશે. ભક્તિનો પથ ધ્યાનનાં પથ જેટલો કઠીન નથી. જો કે, તમારે ફક્ત એકલી ભક્તિ દ્વારા જ સત્યને પામવું હોય તો તેમાં સંપૂર્ણ સમર્પણ જોઈશે. જો તેમાં ધ્યાન પણ વણી લેવામાં આવે તો ભક્તિ બહુ જલ્દી ખીલી ઉઠતી હોય છે અને તેમાંથી અદ્દ્રભૂત પરિણામો મળતાં હોય છે. નવસ્વરૂપે થતી દિવ્ય સેવા (નવધા ભક્તિ)ની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેમાં તમે તમારું મન દુન્વયી બાબતોમાંથી હટાવીને તમારી ચેતનાને એક દિશા આપી શકો છો. આ અંતિમ સ્તર જો કે ભાગ્યે જ સરળતાથી આવતું હોય છે. એક અસ્થિર મન તમને તેની બેચેન પ્રકૃતિનાં ભોગ બનાવી જ દેતું હોય છે અને તમારી શાંતિ અને સ્થિરતા કે જે દિવ્ય સેવા ખરી રીતે કરવાં માટે જરૂરી છે તેને નષ્ટ કરી નાંખતું હોય છે. ત્રણ પ્રકારના ભક્ત હોય છે. જેવાં કે:

ભાવ વિહીન:

આ એક સામાજિક પ્રકાર છે. આવાં ભક્તને ભગવાનની કે માનવતાની સેવા કરવાની કોઈ ઈચ્છા હોતી નથી. તેઓએ ધર્મને આધ્યાત્મિકતા ગણી લેવાની ભૂલ કરી લીધી હોય છે. વાસના અને દોલતની કામનાને વશ આવા ભક્તોને મંદિરો બાંધવાની બહુ ચિંતા હોય છે, ધાર્મિક સંસ્થાઓ બાંધવા માટે મોટી-મોટી જમીનો ખરીદે છે, બહુ બધાં ભગવાનોની મૂર્તિ સ્થાપના કરીને ધાર્મિક ઝુલુસો કાઢવામાં પડ્યાં હોય છે. તેઓ કોઈ મંદિર કમિટીનાં સભ્ય બનીને બેસી ગયાં હોય છે અને સંસારી બાબતોમાં વ્યસ્ત થઇ જતાં હોય છે. તેમનાં જેવી જ માનસિકતા ધરાવતાં લોકો તેમને બહુ મોટા ભક્ત માને છે, જયારે તેઓ પોતે પોતાને ખુબ જ મહાન માનતાં હોય છે. એક અય્યાશી જીવન જીવતાં હોય છે અને તેમ છતાં દરેક પૂજામાં પોતાને અગ્રસ્થાન મળે તેવી અપેક્ષા રાખતાં હોય છે. હકીકતમાં, આવાં ભક્તો પોતાનાં વિકારોને ત્યજવા માટે અસક્ષમ હોય છે. તેમની કામુક આંખો દરેક સ્ત્રીઓને એક વિષય તરીકે જ જોતી હોય છે. તેમનાં અહંકારથી દોરવાઈને તેઓ એક નાનકડાં અમથા ઘર્ષણથી પણ ક્રોધિત થઇ ઉઠે છે. તેમનાં છેતરામણી વાળા સામાજિક-ધાર્મિક ક્રિયા વાળા સ્વભાવથી, તેઓ પોતાની જાતને જાણે કે એક સૌથી મહાન ભક્ત માની લેતાં હોય છે. પ્રસંગોપાત તેઓ તેમની જાતને અને અન્ય લોકોને એક કે બે ભજનો ગાઈને ખુશ પણ કરતાં હોય છે. આ પ્રકારનો ભક્ત બીજું કઈ પણ હોઈ શકે છે પણ ભક્ત નથી હોઈ શકતો. તેઓને પોતાનાં ચરણસ્પર્શ કરાવડાવવાંમાં મોટો આનંદ આવતો હોય છે અને કોઈ સિદ્ધની જેમ મોટે મોટેથી તેઓ આશિર્વાદ પણ આપતાં હોય છે. સલાહો આપવામાં આગળ પડતાં હોય છે, ખાસ કરીને આધ્યાત્મિક, તેઓ પોતાનો મત તમારા ગળે ઉતારવાં માટે ખુબ મહેનત કરતાં હોય છે.

ભગવાન ક્યારેય ધાર્મિક શોભાયાત્રાઓની મધ્યે પ્રગટ નથી થતો હોતો. તે ક્યારેય કોઈ પથ્થરની બનેલી મૂર્તિમાંથી બહાર નથી આવતો હોતો. તે પથ્થરમાં પણ હોય છે પરંતુ પથ્થર ભગવાન નથી હોતો. આ પ્રકારનાં ભક્તો એક મોટી ભ્રમણામાં જીવે છે. ફક્ત કોઈ દિવ્યતાનો હસ્તક્ષેપ જ, કે જેને કૃપા પણ કહી શકાય, તેમને મદદ કરી શકે તેમ હોય છે, કારણકે તેઓ કોઈની અરજી સાંભળતા હોતા નથી.

ઉછીનો ભાવ

આ વર્ગમાં આવનાર ભક્તો અનેકગણા હોય છે. આ ભક્તે હજી સુધી પોતાનું સત્ય ખોળ્યું હોતું નથી. તેમનાં ઉછેરને લીધે અને કોઈ બીજાનું સાંભળીને મેળવેલ જ્ઞાનને લીધે તેઓ પોતે જેવાં છે તેવાં હોય છે. તેઓ ઉછીનાં જ્ઞાન દ્વારા શરૂઆત કરતાં હોય છે, આગળ વધીને તેઓ પૂજાની રીત, પ્રાર્થના (સ્તુતિ), દિવ્ય ગીતો (ભજનો), અને તેની સાથે જોડાયેલી ક્રિયાઓ પણ કોઈ બીજા પાસેથી લેતાં હોય છે; બધું જ ઉછીનું હોય છે. અને કમનસીબે, તેમને આ બધું જેમનાં દ્વારા મળ્યું હોય છે તેમનો કોઈ સીધો અનુભવ આ બાબતોમાં હોતો જ નથી. ઉપદેશકોએ આ કોઈ બીજા પાસેથી સાંભળ્યું હોય છે કે પછી કોઈ એવાં પુસ્તકમાં વાંચ્યું હોય છે કે જે બિલકુલ જુદાં જ સમયમાં લખાયેલું હોય છે. અલબત્ત, તેઓ તેની અંદરનો ગર્ભિત અર્થ ટકાવવામાં તો નિષ્ફળ જ ગયેલાં હોય છે, ઉલટું તેમને જે કઈ પણ કહેવામાં આવ્યું હોય છે તેને તે સ્વીકારી લેતાં હોય છે. આવો ભક્ત પોતાનો નિત્યકર્મ કરવામાં ખુબ જ ભક્તિમય હોય છે. તે માને છે કે મૂર્તિ તે ભગવાન છે! તે પોતાનાં ભગવાનને એક બાળકમાં, કે જરૂરિયાતવાળી વ્યક્તિમાં, કૂતરામાં, કે વંદામાં જોવામાં નિષ્ફળ જાય છે. તે બીજાનું દુઃખ અનુભવી નથી શકતો; કરુણા અને દયા તો ક્યાંયે જોવા નથી મળતી. કોઈ અગમ્ય કારણોસર તે એવું માનતો હોય છે કે તેનો ઈશ્વર તેનાં ખાલી પોલા કર્મો અને બાહ્ય પૂજાથી ખુબ જ પ્રસન્ન થઇ જશે. તેને પૂજાનું ઘર સાફ કરવાની ચિંતા વધુ હોય છે પરંતુ પોતાનાં હૃદયમાં એક અનોખું પુજાલય બનાવવાની કોઈ ફિકર નથી હોતી. અનેક ધર્મોનાં અનેક પાલકો આ વર્ગમાં આવતાં હોય છે. આ ભક્ત નૈતિકતાને પોતાની અનુકુળતા અને જરૂરિયાત મુજબ અપનાવતો હોય છે. પોતાની જ ઇચ્છાઓથી, ગુસ્સાથી, અને અહંકારથી ગ્રસ્ત થાય છે અને તે જ તેનાં ગુરુ બની જાય છે.

પ્રથમ પ્રકાર કરતાં સારો એવો આ ભક્ત, જો નૈતિકતાને પોતાનાં જીવનનો અને સ્વ-શુદ્ધિકરણનો આધાર બનાવે તો તેને હજી પણ જ્ઞાનપ્રાપ્તિ થઇ શકવાની સંભાવના રહેલી હોય છે. સહજ શુદ્ધ ભાવ તેનાં હૃદયપટલમાંથી ઉગવા લાગશે અને તે તેને ઉન્નત કરવાં લાગે છે.

સ્વ-ભાવ

આ પ્રકારનાં ભક્તો ઉચ્ચ પ્રકારનાં અને બહુ ઓછા જોવાં મળતાં હોય છે, અહી તમે તમારું પોતાનું સત્ય શોધી કાઢેલું હોય છે. તુલસીદાસ, મીરાં, સુરદાસ, ચૈતન્ય મહાપ્રભુ, ગુરુ નાનક વિગેરેની જેમ તમે અંદરની તરફ વળી ચુક્યા હોવ છો. તમે હજી પણ બહારથી તમારા આરાધ્યની મૂર્તિને પૂજતાં હોવ છો, પરંતુ તે તમારા પોતાનાં ભાવથી. તમારી આંતરિક પૂજાનું કર્મ જે બહાર ડોકાય છે તેને દર્શકો બાહ્ય પૂજાનું શુદ્ધ કર્મ માની લેવાની ભૂલ કરતાં હોય છે. અને આ બાબત એક પંથનું સર્જન કરે છે જે સાચા સાધકને ઓર વધુ ગુંચવે છે. આ ભક્ત ચાલી આવતી બાહ્ય પૂજાની રીતીઓને ઉચ્ચ કક્ષાએ લઇ જતાં હોય છે. એક ઉચ્ચ સંસ્કારી જીવન, અને ઉચ્ચ નૈતિક વર્તનથી તમે તમારી જાતને બિલકુલ શુદ્ધ કરી નાંખી હોય છે. ટૂંકમાં, તમે પોતે જ તે મૂર્તિમાંનાં ભગવાન બની ગયાં હોવ છો. એક બાળક જેવી નિર્દોષતા અને દુનિયાની રીતો પ્રત્યેની તટસ્થતાથી તમે તમારો સમય એકાંતમાં ગાળો છો. જો કે, એકાંતમાં પણ તમે તમારા ભગવાનની સોબતમાં જ હોવ છો. અને મોટામાં મોટા ટોળામાં પણ, તમે તમારા ભગવાન સાથે સંપૂર્ણ રીતે એકલાં હોવ છો. ઇચ્છાઓ તેમજ બધાં જ વિકારો તમને સંપૂર્ણ છોડીને ચાલ્યાં ગયાં હોય છે, કારણકે, અંધકાર અને પ્રકાશ બન્ને સાથે કેવી રીતે રહી શકે! તમે જ પ્રકાશ હોવ છો, પ્રેમ, શાંતિ અને જ્ઞાનનો પ્રકાશ. કારણકે તમને તમારા ભગવાન મળી ગયાં હોય છે, તમારામાં મોટો વૈરાગ્ય વિકસી ગયો હોય છે – કે જે આત્મજ્ઞાનની જ એક ઉપ-પેદાશ હોય છે. તમે હવે થોડા ચમત્કારો કરી શકવા માટે સમર્થ હોવ છો અને તમારી હાજરી માત્ર ઉપર જણાવેલ બે પ્રકારનાં ભક્તોને તેમજ બીજા અનેક ભક્તોને બદલવાં માટે પુરતી હોય છે. જેમ પાસ થઇ ગયાં પછી એક વિદ્યાર્થીને પોતાનાં પુસ્તકોની કોઈ જરૂર રહેતી નથી તેવી રીતે તમે કર્મકાંડો અને પુસ્તકિય ક્રિયાઓથી ઉપર ઉઠી ગયાં હોવ છો. કારણકે, કર્મકાંડો અને ક્રિયાઓથી આમ પણ કોને ઈશ્વરપ્રાપ્તિ થઇ છે?

ભક્તિ એ એક દિવ્ય સેવાનું કર્મ હોય છે, નહિ કે કોઈ પાગલપણું. એક ઉછીના ભાવ સાથે શરૂઆત કરવામાં કશું ખોટું નથી. સતત વધતી જતી શુદ્ધતા અને કટિબદ્ધતા તમારા જીવનમાં ઓતપ્રોત થઇ જાય છે, અને ટૂંક સમયમાં જ તમને તમારો સાચો ભાવ મળી જાય છે. એક મહાન ભક્તનું પ્રમાણચિન્હ છે તેનો અવિરત વૈરાગ્ય, અને બધાં જ નહિ તો મોટાભાગનાં સંજોગોમાં રહેલો તેનો સમતાનો ભાવ. જયારે તમે તમારી ઇચ્છાઓને સહજતાથી ત્યાગી દો છો અને તે તમારી પાસે પાછી નથી આવતી, ત્યારે તમારા પ્રભુનું દર્શન તમને ઘટિત થતું હોય છે. ત્યારે તમે ઉત્તેજિત થઇને સ્તુતિ કરી શકો છો કે પછી આદ્ર થઇને માફી માંગી શકો છો. જો તમે ભિખારીનો ભાગ ભજવશો તો તમને ફક્ત પરચુરણ સિક્કાઓ જ મળવાનાં. એક લાયક પ્રાપ્તકર્તા બનો અને તમે જે કઈપણ ઇચ્છશો, જે કોઈપણને નહિ, તે તમારા ખોળામાં જાતે આવીને પડશે. ભક્તિ જયારે શુદ્ધતા, સમર્પણ અને વૈરાગ્ય ભાવ સાથે કરવામાં આવે ત્યારે તે તમામ બંધનોને કાપી નાંખે છે. જો કે તે તમને તમારા પાકી ગયેલા કર્મોમાંથી ન મુક્ત કરી શકે. જો કે તે તમને અવિચલિત જરૂરથી બનાવી મુકશે. કર્મનાં નિયમથી કોઈ ભાગી નથી શકતું. તમારાં પોતાનાં ભાવનું જ્ઞાન પ્રાપ્ત થયાં પછી, તમે ધીમેધીમે એક અંતિમ સ્તરે પહોંચશો – પ્રભાભક્તિ. તેનાં ઉપર હું ફરી ક્યારેક લખીશ.

તો શું તમારે તમારી ઇચ્છાઓને મારી નાંખીને કાયમ પ્રભુનામનો જપ કરતાં બેસવું, કદાચ, શું ભૌતિક સંસારનો પણ ત્યાગ કરવો? જો તમે આ તારણ ઉપર પહોંચ્યા હોવ તો પછી કાં તો મેં બહુ ખરાબ રીતે મારો મત રજુ કર્યો છે ને કાં તો પછી તમે આનાંથી વધુ સારી રીતે મારી ગેરસમજ નથી કરી શક્યાં. તમે પવનને કેવી રીતે મારી શકો? તમે તમારી ઇચ્છાઓને કાબુમાં ન લાવી શકો કે મારી ન શકો, નહિતો તમે એક જ્વાળામુખીની જેમ ફાટી પડશો. જીવનને જે કઈ પણ તમને આપવાનું હોય તેને નૈતિકતાનાં બંધનમાં રહીને માણતાં રહો. તમારા આત્મ-શુદ્ધીકરણ તરફ સતત પ્રયત્ન કરતાં રહો. સાથે સાથે ભક્તિ કરવાનું ચાલુ કરો, જો તમને ભગવાનમાં વિશ્વાસ હોય તો, અને જો તમે સમર્પણ કરી શકતાં હોવ તો જ. ભક્તિની સરખામણી પ્રથમ દ્રષ્ટિના પ્રેમ સાથે ભાગ્યે જ કરી શકાય. તેને એક સંબંધ સાથે સરખાવી શકાય કે જેમાં તમારા ઈશ્વર પ્રત્યેનાં પ્રેમ અને બંધનમાં સમય સાથે ઉત્તરોત્તર વધારો થતો હોય છે. જો તમે સમર્પણ ન કરી શકતાં હોવ તો ભક્તિ તમારા માટે નથી. એ કિસ્સામાં, તમે ધ્યાનથી શરૂઆત કરી શકો અને આ સાધનામાં કઠિનાઈની તૈયારી રાખજો. ફક્ત એક કઠોર પ્રયત્ન જ એક ઠોસ પરિણામ લાવી શકતું હોય છે. સૌપ્રથમ તમારી ઈચ્છાઓનો આંતરિક સ્વભાવ સમજ્યા વગર તેને કાબુ કરવાની કોશિશ પણ ન કરશો. શુદ્ધ ભક્તિમાં કે સાચા ધ્યાનમાં ઇચ્છાઓ તેની મેળાએ જ ચાલી જશે; અને જો ભક્તિ અને ધ્યાન બન્ને હશે તો તે તમને થોડા સમયમાં જ મુક્ત કરી દેશે.

જ્યાં સુધી આંતરિક પૂજા ન મળી જાય ત્યાં સુધી બાહ્ય પૂજાનો ત્યાગ ન કરશો. સત્યને નિરંતર પ્રગટ થવા દો. જયારે તમે આ માર્ગ ઉપર એક અદાપુર્વક, સંકલ્પ સાથે અને પૂજ્ય ભાવથી ચાલતાં રહેશો, અને સત્ય, દયા, માફી અને કરુણા જો તમારા સાથી રહેશે તો ચોક્કસપણે તમે એક કૃપા તરફ આવશો. તેમાં કોઈ શંકા ન રાખતાં!

મહેનત અને આળસની વચ્ચે, ભોગવિલાસ અને આત્મ બલિદાનની વચ્ચે ભકિતનો એક વિસ્મયી દિવ્ય સેવાનો માર્ગ આવેલો છે.

મારા બીજા લેખમાં, હું ઈચ્છાનાં વિષય ઉપર લખીશ. જો તમે તેને બરાબર સમજી લેશો તો તમે તમારામાં એક આમૂલ અને ગુપ્ત પરિવર્તન અનુભવી શકશો. મારી સાથે જોડાયેલાં રહો. આવતો લેખ ઓક્ટોબરનાં પ્રથમ અઠવાડિયામાં હશે. હું મારી બીજી સાધના માટે જવાનો છું અને તે સપ્ટેમ્બર પહેલાં નહિ પૂર્ણ થાય.

હું હવે ભોજન માટે જઈ રહ્યો છું, અને માટે તેનાં પરથી:

જીવન એક થાળી જેવું છે. પ્રથમ વાત તો તમે ખુબ ભૂખ્યા હોવ છો, માટે જ તમે થાળીનો ઓર્ડર કર્યો હોય છે. કાં તો પછી કદાચ તે સસ્તી લાગી હશે કાં તો પછી તેમાં રહેલી વિવિધતાએ તમને લલચાવ્યા હશે. જીવનમાં પણ, તમે તમારી જાતને કોઈ નિર્ણય ઉપર પહોંચતા પહેલાં અનેક કારણો કે પછી બહાના આપતાં હોવ છો. થાળી તમારી સમક્ષ આવી જાય છે. વાહ! તેમાં થોડું થોડું બધું જ હોય છે, તેમાંથી અડધાની તો તમારે મન કશી પરવાહ નથી હોતી. અમુક વાનગી તમારે ચૂસવાની હોય છે, અમુકને ચાવવી પડતી હોય છે, અમુક પીવાની હોય છે અને તેમ છતાં અમુક વાનગીઓને તમે સ્પર્શ પણ કર્યા વગર છોડી દેતાં હોવ છો. જો તમે ડીલક્સ થાળી લીધી હશે તો તેમાં સ્વાદિષ્ટ વાનગીઓ અને ડીઝર્ટ પણ હશે.

તમે એક નિયમ મુજબ રસ ધીમે ધીમે થોડો ઓછો થાય તે પહેલાં શરૂઆતનાં થોડા કોળિયા ઝડપથી ખાવ છો. પાછળનાં કોળિયામાં એટલો રસ હવે રહેતો નથી. તમે હવે દરેક કોળિયાને શરૂઆતની જેમ અનેક પ્રકારનાં શાક ને કઢીમાં બોળીને હવે નથી ખાતાં. તેમાંનો રસ હવે ઓછો થઇ જાય છે. તમે હવે વાતચીત કરવામાં પડી જાવ છો, સામાન્ય રીતે તમારી ખુદ સાથે કે પછી સાથે બેસીને જમણ કરતી વ્યક્તિ સાથે. આહ! આ લોકો શા માટે પનીરને તળતા હશે! તેમને ખબર હોવી જોઈએ કે એમ કરવાથી તે કડક થઇ જાય છે અને એટલું રસીલું નથી રહેતું. મારે ભાતને બદલે થોડી વધુ રોટલી મંગાવવાની હતી. આ શાક જુઓ, બે ફ્લાવરનાં કટકા છે અને મોટો ટુકડો બટાકાનો છે. આ દાળ ચોંકી જવાય એવી છે વિગેરે.

તમે ડીઝર્ટ છેલ્લે ખાવા માટે રાખી મુક્યું હતું પરંતુ હવે તો તમે ધરાઈ ગયા છો. તો પણ તમે તે થોડું ખાવ છો કારણકે તમને લાગે છે કે તમે તેનાં માટે પૈસા ચૂકવ્યાં છે. તમે તેને જતું નહિ કરવાં માટે શરતી હોવ છો. હાથ જો કઢીથી ચોપડાયેલાં નહિ હોય તો તેલ વાળા તો થઇ જ ગયાં હશે,. તમે તરસ છીપાવવા માટે પાણીનો પ્યાલો ઉઠાવો છો. દરેક કટોરીમાં નીચે રહેલું તેલ જોઈને તમને એક બિનતંદુરસ્તીની લાગણીનો અનુભવ થાય છે. તમને લાગે છે તમે સાચી પસંદગી તો કરી હતી કે નહિ. પણ હવે તો બધું પૂરું થઇ ગયું. નોંધ કરવાં જેવું કશું હોય તો તે એ છે કે ફરી પણ તમે જયારે મોકો મળશે ત્યારે તમે આ જ થાળી ઓર્ડર કરશો.

એવી જ રીતે, જીવન પણ બધું પસંદગી જેવું જ છે. પ્રથમ તો, ભ્રમણા અને છેતરામણીથી ભરેલું જગત તમારું ધ્યાન ખેંચે છે જેવી રીતે અનેક વાનગીઓથી ભરેલી તમારી થાળી તમને લલચાવતી હોય છે. અંતે, તમે થાકી જાવ છો – તેને માણવાથી નહિ પરંતુ તમારી એ આનંદને ટકાવી રાખી શકવાની અસમર્થતાથી. થાકી જાવ છો, એક અપરિપૂર્ણતાની સુક્ષ્મ લાગણી તમને છોડતી જ નથી હોતી. તમને એ ખબર જ નથી પડતી કે આમાંથી શું રાખવું અને શું જતું કરવું. જેવી રીતે તમારી થાળીનું કરો છો તેમ તમે તમારા જીવનમાં તમે જે પસંદગીઓ કરો છો તેનું પણ પૃથ્થકરણ કરવાં લાગો છો. અને તમે તમારા ભૂતકાળ અને ભવિષ્યકાળને લગતી બાબતો માટે સારું વિચારીને તેમાં તમારો લગાવ જીવંત રાખો છો. તમે જે સૌથી સારું છે તેને છેલ્લે સુધી સાચવીને રાખી મુકો છો, પરંતુ જયારે “અંત” આવે ત્યારે તમને તેનાં માટેની કોઈ ભૂખ રહી હોતી નથી. જીભનાં સ્વાદની મજા હવે પચાવવાની ચિંતા લઇ લે છે. છેલ્લે તમારી જે તરસ છીપાવે છે તે છે શુદ્ધ પાણીનો એક પ્યાલો. તેમાં કોઈ પોષક તત્વો નથી રહેલાં, ન તો તેની કોઈ કિંમત હોય છે કે ન તો ફરી ભરવાની કોઈ શરત. તે કુદરતની ભેટ છે અને તેમાં રહેલી શુદ્ધતા જ તમને પરિપૂર્ણતાની લાગણીનો અનુભવ કરાવતી હોય છે.

જાવ અને મજા કરો! એક થાળી ઓર્ડર કરો. એક તમારા આત્મા માટે પણ કરો તો કેવું?

ફરી ભરવું છે, કોઈને?

શાંતિ.
સ્વામી

 

નોંધ: આ લેખ સૌ પ્રથમ અંગ્રેજી બ્લોગમાં ઓગસ્ટ-૨૦૧૧ માં આવ્યો હતો.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email