તમને ખબર છે, દરેકજણ એક અદ્રશ્ય ભાર લઈને ચાલે છે. કેમ કે તે અદ્રશ્ય છે માટે તમે તેનાં ભારથી પણ અજાણ હોવ છો અને તેમાં થતાં સતત વધારાથી પણ તમે અજાણ રહો છો. જે ક્ષણથી તમને યાદ હોય ત્યાંથી લઈને વર્તમાન ક્ષણ સુધી, તે તમારી ચેતનામાં રહેલું છે. પરિણામે, તમે તેને એટલું સહજ સ્વીકારી લીધું છે કે જેમ એક નાગરિક પોતે જે દેશનો રહેવાસી હોય તેનાં કાયદા કાનુન જેમ સ્વીકારી લે છે તેમ. આ એકદમ સ્પષ્ટ, ચુપચાપ અને બિનશરતી સ્વીકાર હોય છે. જો તમે તેનો અંદાજ હજી સુધી ન લગાવ્યો હોય તો, હું અપેક્ષાઓનાં મોટા ભારની વાત કરી રહ્યો છું. તમે કદાચ એવું માનતાં હોઈ શકો છો કે તમારે તો કોઈ અપેક્ષાઓ નથી કે પછી ફક્ત મૂળભૂત અને વાસ્તવિક અપેક્ષાઓ જ છે. હું તમને વિનંતી કરું છું કે આ લેખ વાંચ્યા પછી તેનાં ઉપર ફરી એકવાર વિચાર કરી લેજો.

અપેક્ષાઓ એવી ઇચ્છાઓ છે કે જેને માટે તમે માનો છો કે તેને પરિપૂર્ણ થતાં જોવી તે તમારો હક છે. અનેક પરિબળોને લઈને તમારી પોતાની શરતોમાંથી અપેક્ષાઓ જન્મતી હોય છે. તેઓ મુખ્યત્વે તમારા દુઃખ અને તણાવનું મૂળ કારણ હોય છે. ઈચ્છાઓ તે એ તૃષ્ણાઓ છે કે જેણે તમે હજી છોડી નથી. એ વિચારો કે જેની પ્રાપ્તિ માટે તમે તેને અનુસર્યા હોવ છો. આ વિચારો તમારી દુનિયાની ઈમારતની ઇંટો સમાન હોય છે. લાગણીનાં સિમેન્ટથી તમે આ દીવાલો ઉંચીને ઉંચી ત્યાં સુધી બાંધતા જાવ છો જ્યાં સુધી તમને એ ભાન ન થાય કે તમે પોતે જ તેમાં કેદ થઇ ગયાં છો અને હવે બહાર નીકળવાનું તેમાં કોઈ દ્વાર નથી. આ એક ખુબ જ ગહન વિષય છે અને તેને વિગતવાર હું ફરી ક્યારેક વણી લઈશ. હાલ પુરતું, હું અપેક્ષાનાં વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાં માંગું છું. અપેક્ષાઓ તમારા જગતને બરબાદ કરી નાંખે છે જયારે ઇચ્છાઓ અપેક્ષાઓને ટકાવે છે અને વિચારો તેનું સર્જન કરે છે. આ બધું જ મનની પેદાશ છે, ખાસ કરીને એક બેચેન અને અજ્ઞાની મન. અપેક્ષા, હું માનું છું ત્યાં સુધી ત્રણ પ્રકારની હોય છે. જે નીચે મુજબ છે:

સ્વ-પ્રત્યેની અપેક્ષાઓ

તમારા શિક્ષણ, સંસ્કાર, ઉછેર, તમારા સામાજિક વર્તુળ અને તમારાં વ્યાવસાયિક જીવનનાં આધારે – કે જે તમામ તમારી શરતો માટે ખુબ અગત્યનો ભાગ ભજવે છે – તમે પોતે બીજા લોકોની સામે અમુક ચોક્કસ પ્રકારે હોવા જોઈએની અપેક્ષા રાખો છો. તમે તમારા માટે ચોક્કસ ધારાધોરણો નક્કી કરી લીધાં હોય છે. કે જે તમને કેટલાંય પ્રકારે ઉપલબ્ધ થતી માહિતીનાં આધારે હોય છે. સામાન્ય રીતે આ માહિતી તમે કયો ધર્મ પાળો છો અને કોની સોબત રાખો છો તેનાં ઉપર આધારિત હોય છે, તદુપરાંત, સામાજિક ને અંગત પરિબળો પણ પોતાનો ભાગ ભજવે છે. જયારે આ અપેક્ષાઓ, કે જે તમને તમારા માટે હોય છે, તે પરિપૂર્ણ નથી થતી, ત્યારે તે એક પ્રકારની શરમ અને ગ્લાનીને જન્મ આપે છે. તમને ઉદાસીનતા અને સંતાપ થાય છે. નકાર અને અવિશ્વાસની લાગણીમાં તમારી હાલત એકદમ દયાજનક બની જાય છે અને તમે ખોવાઈ જાવ છો. તમે જેટલો લાંબો સમય આ અપેક્ષાઓની નીચે દબાયેલાં રહો છો, તેટલાં જ વધુ તમે એક સડતા જતાં કચરા જેવાં બનતાં જાવ છો, બીજું કઈ નહિ. તેને ગાળતાં શીખો. ફક્ત એ જ અપેક્ષાઓ રાખો કે જે તમારી ચેતનાને મજબૂત કરતી હોય અને તમને વધુ કરુણામય બનાવતી હોય. તમે કેવી વ્યક્તિ બનવાં ઇચ્છશો તેનાં ઉપર ચિંતન કરો નહિ કે તમને બીજા લોકો કેવી રીતે જોવા જોઈએ તેનાં ઉપર. તમારી અંતર્દ્રષ્ટિ તેનાંથી ઘણી સુધરશે.

બીજા લોકો તરફથી અપેક્ષાઓ

આ અપેક્ષાઓને તમે ખોટી રીતે ન્યાયી ઠેરવો છો અને એવું માનો છો કે તમે એને ખરી રીતે લાયક છો. પછી આ કોઈ આદાન-પ્રદાન હોઈ શકે છે, પ્રેમ હોઈ શકે છે , વસ્તુ હોઈ શકે છે, શબ્દો હોઈ શકે છે કે કોઈ હાવભાવ હોઈ શકે છે – કે પછી ગમે તે હોઈ શકે છે. તમારું જે કઈ પણ અવલોકન હોય કે પછી તમે જે કઈ પણ ગ્રહણ કર્યું હોય, તમને જે કઈ પણ કહેવામાં આવ્યું હોય અને શીખવવામાં આવ્યું હોય, અને તમને જે લાગતું હોય એ, તેનાં આધારે તમે એક ચોક્કસ પરિણામની ઈચ્છા રાખો છો, મોટાભાગે મનપસંદ પરિણામની. અને કેમ કે તમને એવું લાગતું હોય છે કે તમે જે કઈ પણ ઈચ્છાઓ રાખો છે તે વ્યાજબી છે, ન્યાયી અને કુદરતી છે, ત્યારે તમે તમારા ઉપર ઓર વધારે અપેક્ષાઓનો ભાર મૂકી દો છો. આ સાથે, કોઈ વાર તમે પણ કોઈ બીજા ઉપર દબાવ મૂકી દો છો કે જેનાં માટે તમે પણ અપેક્ષા રાખતાં થઇ જાવ છો અને સાથે સાથે તમારી અપેક્ષાઓ પણ વધારતા જાવ છો. જયારે આ અપેક્ષાઓ પરિપૂર્ણ નથી થતી ત્યારે તે તમને દુઃખ અને નિરાશા આપતી હોય છે. અને તેનું પ્રમાણ તમારી અપેક્ષાનાં પરિમાણ જેટલું જ હોય છે. તમે જેટલાં લોકોની કાળજી કરતાં હોવ તેની અને તમે તેમનાં માટે જે જે અપેક્ષાઓ રાખતાં હોય તેની એક યાદી બનાવો. જયારે યાદી બની જાય, ત્યારે એટલી વાત સમજી લેજો કે તે પણ તમારા તરફથી એટલી જ અપેક્ષાઓ રાખતાં હોય છે. તમે તમારી અપેક્ષાઓ જતી કરો અને તમારી શુદ્ધ ઉર્જા સાથે તેઓ પણ તમને ધીમેધીમે તમે જેવા છો તેવાં સ્વીકારી લેતાં થઇ જશે. અને તેમની પોતાની તમારા તરફની અપેક્ષાઓનું પ્રમાણ પણ તેઓ ધીમેધીમે ઓછું કરતાં થઇ જશે. આ જ રીતે કુદરત કામ કરતું હોય છે. ખાલી મારા શબ્દો પર વિશ્વાસ ન કરી લેશો; કોશિશ કરી જુઓ અને જાતે અનુભવો.

બીજાની તમારા પ્રત્યેની અપેક્ષાઓ

આ અપેક્ષાઓ તમને તણાવ આપવા માટે હોય છે. તમે સહકર્મચારી, તમારા ઉપરી, મિત્રો અને કુટુંબ તરફથી સતત એક દબાણ હેઠળ હોવ છો. તમે તમારી અપેક્ષાઓનું પોટલું તેમનાં ઉપર રાખેલું હોય છે અને તેઓએ તેમનું તમારા ઉપર. મૂળભૂત અપેક્ષાઓ સિવાયની બાકીની તમામ નીચે ફેંકી દઈ શકાય છે. તમે તેમની અપેક્ષાઓ સંતોષો કે નહિ, તેનાં પ્રત્યેની જાગૃતિ જ તમારા પહેલીથી અશાંત મનને શરતી બનાવવામાં અને હેરાન કરવાં માટે પુરતી હોય છે. જયારે તમે પ્રથમ પ્રકારની અપેક્ષાથી (તમારા તરફથી) સજાગ હોવ છો અને તેને જતી કરવાં માટે સમર્થ હોવ છો ત્યારે બીજા પ્રકારની (અન્ય લોકો તરફથી), અપેક્ષા આપોઆપ અદ્રશ્ય થઇ જશે. તમારી નવી શોધાયેલી વ્યક્તિગતતા કશું બોલ્યાં વગર જ બીજા લોકો અને તેમની અપેક્ષાને શરતી બનાવી દેશે.

તમારે જે કરવું પડે તે કરો; તમારે ક્યારેય નૈતિકતાનો ત્યાગ ન કરવો. એ તો પરમ આનંદનો આધાર છે, દરેક સદ્દગુણની જનેતા. એક સદ્દ્ગુણી જીવન, પછી તે ગમે તેટલું વ્યસ્ત કે ગૂંચવાયેલું કેમ ન જણાતું હોય, તેમ છતાં તે એક શાંતિમાં જ પરિણમશે.

જુનમાં મેં છેલ્લો લેખ લખ્યાં પછી હું, કામખ્યા (પૂર્વ ભારત – આસામ)માં ગયો. મારે ત્યાં એક મહત્વની દીક્ષા લેવાની હતી. મારી પાસે ત્યાં એવો સમય અને તક બન્ને હતાં, માટે મેં અનેક પ્રદેશોમાં આવેલાં બૌદ્ધ મઠોની મુલાકાત લીધી. મોટાભાગનાં મઠો પર્વતો ઉપર સુંદર વનરાજીની વચ્ચે આવેલાં હતાં અને અદ્દભુત ભૂતકાળની જાણે સાક્ષી પૂરતાં હતાં. મારી મુલાકાતે મારી વિચારધારાને વધુ મજબુત બનાવી કે આધ્યાત્મિકતાનું સંસ્થાન બનાવવાની કોઈપણ કોશિશ એ તેને બીજા કોઇપણ ધર્મની જેમ જ એક નવાં ધર્મમાં પલટી નાંખશે, જેમાં સૌથી વધું ભાર સંશોધન ઉપર નહિ પરંતુ કર્મકાંડ ઉપર જ હશે. આધ્યાત્મિકતાનાં પ્રાણ જયારે તેનાં ઉપર ધર્મનું લેબલ ચોટે ત્યારે તેમાંથી ઉડી જતાં હોય છે. પછી તેની અંદર બધાં કામ કરવામાં જ વ્યસ્ત થઇ જાય છે કોઈ નવી ખોજ નથી કરતું, બધાં લામાઓ પોતાનું સત્ય શોધવામાં નહિ પરંતુ પ્રથાઓ અનુસરવામાં વધું વ્યસ્ત જણાતાં હતાં.

એક સંન્યાસીની જેમ ભ્રમણ કરવાનાં ઉત્સાહમાં, હું સમગ્ર પૂર્વીય હિમાલયમાં ફર્યો અને પછી હું મારી જાત સાથે જંગલમાં એક નાનકડી ઝુપડીમાં બેસી ગયો. જો કે આ ઝુપડી મારી પહેલાંની જે ઝુપડી હતી તેનાં જેટલી એકાંત જગ્યામાં નહોતી, તેમ છતાં તે એકદમ શાંત અને નિર્મળ જગ્યા તો હતી જ. હું ત્યાં એક મહિના સુધી મંત્ર સાધના કરતો બેઠો. આહ! શું મજા આવી હતી!

મારાં કહેવાનો અર્થ જાણવા માટે તમારે હિમાલયનાં એકાંતનો અનુભવ કરવો પડશે. એ ફક્ત એકાંતમાં જ તમે તમારા વિચારોનાં પ્રવાહને અને તમારા મનનાં સ્વભાવને ઓળખી શકો છો. તમે એક સાચી સુંદરતાને પામો છો. અને, સુંદરતા તેને જોનારની આંખોમાં નથી વસતી પરંતુ તેને સમજનાર મનમાં વસે છે. જેટલું વધું સ્વચ્છ મન, તેટલી જ મોટી સુંદરતા, અને જેટલું વધુ શાંત મન, તેટલો જ લાંબો આ અનુભવ. ખાલી મગજ એ શેતાનનું કારખાનું નથી હોતું; એક ઝનૂની મન તેમ હોય છે. ખાલી મન તો, તેની પોતાની રીતે, એક દિવ્ય આશિર્વાદ સમાન છે.

એક શાંત મન કે જેણે પોતાનો અસલી સ્વભાવ ઓળખી લીધો છે તે તમને મુક્ત કરી દેશે. છેલ્લે ક્યારે તમે મુક્તિ અનુભવી હતી? મારો કહેવાનો અર્થ છે, ખરી મુક્તિ? જેમ કે એક મુક્ત નદી કોઇપણ જાતનાં લગાવ વગર વહેતી રહેતી હોય છે તેમ, જેમ કે પવન કે જેને બિલકુલ બાંધી શકાતો નથી, ઊંચા ગગનમાં વિહરતાં એક પંખીની જેમ કે પછી એક સંન્યાસીની જેમ કે જેણે સંસારની તમામ રીતોને ત્યાગી દીધી છે અને દરેક પ્રકારનાં ભય, ગ્લાની, શરમ અને રીવાજો કે જે પહેલાં તેની ચેતનાને મેલી કરી રહ્યાં હતાં તેને હવે ખંખેરી નાખ્યાં છે?

સમાપ્તિનો વિચાર દાંતની ચોક્ખાઈ પરથી:

જીવન એક ટુથપેસ્ટ સમાન છે, શરૂઆતમાં, તે એકદમ ભરેલું અને પુરતું લાગતું હોય છે. આવી લાગણી શરૂઆતનાં કેટલાંક ઉપયોગ દરમ્યાન એવી ને એવી જ રહેતી હોય છે. ત્યારબાદ, તેનાં આકારમાં એક ખાડો પડી જાય છે. ત્યારબાદ પછી તેને જેટલી વખત દબાવો, તમને જણાશે કે (ખાસ કરીને જો તમે ઝીણી વિગત પ્રત્યે ધ્યાન આપનાર હોવ તો) તમે તેનાં આકાર સાથે હવે અનુકુળ થવાની કોશિશ કરતાં થઇ જાવ છો. ભાગ્યેજ તમે હજી અધવચ્ચે જ પહોંચ્યા હોવ, અને તમારે હવે દરેક ઉપયોગ વખતે તેને નીચેથી ઉપરની તરફ દબાવવી પડતી હોય છે. તમને હજી તેની ખબર પડે તે પહેલાં તો તમે તેનાં અંત સુધી પહોંચી જતાં હોવ છો. પરંતુ જયારે તમને લાગે કે હવે તે પતી ગયું છે, તમે તેને ઓર વધુ જોરથી દબાવો છો, અને તેમાંથી થોડું બહાર આવે છે. કોઈ ભાગ્યે જ ટૂથપેસ્ટથી વંચિત રહેતું હોય છે. છેલ્લાં થોડાંક ઉપયોગ વખતે તમને એ તક મળતી હોય છે કે તમારી આ ટૂથપેસ્ટ (કે જે હવે જાણે કે દેવાં અને અપેક્ષાનાં ભાર નીચે સપાટ થઇ ગયેલા માણસ જેવી લાગતી હોય છે!) બિલકુલ પતી જાય તે પહેલાં એક નવી ટૂથપેસ્ટ ખરીદીને લાવો.

એવીજ રીતે, જીવન શરૂઆતમાં તો લાંબુ, સંપૂર્ણ, અને ઘણું બધું લાગતું હોય છે. બાળપણનાં દિવસો ખુબ જ ઝડપથી પસાર થઇ જાય કે. ત્યારબાદ, તમે તેને વધું ને વધું દબાવતાં તેનાં અંત સુધી પહોંચો ત્યાં સુધી મોટાભાગે તે એક અનુકુળતા જેવું લાગતું હોય છે. જયારે તમે વર્તમાન શરીરને જૂની ટૂથપેસ્ટની માફક ફેંકી દો છો ત્યારે એક નવું શરીર તમારા માટે રાહ જોતું હોય છે. જીવન તમે તેને જે બનાવો છો તે હોય છે. આણ્વીક ઉર્જાની જેમ, શરીરનાં દરેક કોશનાં કેન્દ્રમાં ઉર્જા આવેલી હોય છે, અને શરીરમાં આવાં કરોડો કોશો રહેલાં હોય છે, એ તમારી પસંદગી છે કે તમે રેડીઓએક્ટીવીટીનાં ભય હેઠળ આ શક્તિને દબાવેલી રાખો, અથવા તો ખુબ જ ઉપયોગી એવું ન્યુક્લીઅર રીએક્ટર બનાવો, અથવા તો તમારી અંદર રહેલી નકારાત્મક બાજુને બહાર આવવા દો તો તમે વિનાશકારી એવા અણુશસ્ત્રો પણ બનાવી શકો છો. પસંદગી તમારી છે.

જાવ, તેને માણો! તમારાથી જેટલું સારી રીતે દબાવી શકાય તેટલું દબાવો, એમાંથી જીવ નીકળી જાય એટલું નહિ, જો કે. તમારી ચિંતાઓ ખંખેરી નાંખો કેમ કે આપણા નસીબમાં જે છે તે થવાનું જ છે. એક અર્થવિહીન સંઘર્ષને જતો કરો. ઉકેલાતી જતી દરેક ક્ષણને જોતા રહો. અત્યંત કિંમતી એવી આંતરિક સાશ્વત યુવાની, સુંદરતા, આનંદ અને ખુશીને શોધી કાઢો. તમારા જીવનને એક ટુથપેસ્ટની જેમ અન્ય સાથે વહેંચો પરંતુ જાતે એક ટુથબ્રશ જેવાં બની રહો કે જેને આપણે કોઈની સાથે નથી વહેંચતા હોતાં.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email