યુઆન રાજસત્તા દરમ્યાન ચીનનાં સમ્રાટને પોતાનું ચિત્ર દોરાવવું હતું. “મારાં અત્યાર સુધીમાં દોરેલાં ચિત્રોથી હું સંતુષ્ટ નથી,” તેમને ભેગા થયેલાં ચિત્રકારોની સભામાં કહ્યું. “મારું ખુબજ ચીવટપૂર્વકનું ચિત્ર બનાવી આપો.”

રાજા રોજનાં બે કલાક સુધી બેસતાં અને હોશિયાર ચિત્રકારો તેમનું અવલોકન કરતાં અને જુદાંજુદાં ખૂણેથી ચિત્રો બનાવતાં. ખુબજ સમર્પિત ભાવથી અને કાળજીપૂર્વક તેઓ તેમની પેન્સિલ અને પીંછી કેનવાસ ઉપર ફેરવતાં. મોટા ઇનામની અપેક્ષામાં દરેકજણ આગળ બેસવા માટે હરીફાઈ કરતાં જેથી કરીને તેઓ રાજાને પુરેપુરા જોઈ શકે અને ઝીણાંમાં ઝીણી વિગત જોઈ શકે. સિવાય એક તાઓ ચિત્રકાર.

તેણે રાજાને વિનંતી કરીકે તેને પોતાને એક અલગ ઓરડો આપવામાં આવે કે જેથી કરીને તે પોતાની સ્મૃતિમાંથી એકદમ ચોકસાઈવાળું ચિત્ર દોરી શકે.

“જો હું ઝીણવટપૂર્વક ચિત્ર ન બનાવી આપું તો મને મારી નાંખજો,” તેને જાહેર કરતાં કહ્યું. “પરંતુ, કોઈએ મારું ચિત્ર તે બની ન જાય તે પહેલાં જોવાનું નહિ. મારી ફક્ત આટલી જ શરત છે.”

તેની વિનંતી માન્ય રાખવામાં આવી અને તેનાં ત્રણ શિષ્યો તેની મદદ માટે રહ્યાં. ચારેય જણા ઓરડામાં સાથે દાખલ થતાં, અને તેમાં આખો દિવસ રહેતાં અને છેક સાંજે બહાર નીકળતાં. કોઈ વખત તેમાંથી કશુંક છોલવાનો અવાજ આવતો. બીજા ચિત્રકારોનાં હાથની જેમ તેમનાં હાથ ક્યારેય રંગોથી રંગાયેલા નહોતાં દેખાતાં. કોઈ વખત ધૂળ વાળા દેખાતાં પણ દાગા વાળા ક્યારેય નહિ. કોઈને ખબર નહોતી પડતી કે તેઓ કેવી રીતે ચિત્ર બનાવી રહ્યાં હતાં.

એક મહિનાનાં અંતે જયારે સમ્રાટ કોઇપણ ચિત્રકારનાં ચિત્રથી ખુશ ન થયાં ત્યારે, પેલા તાઓ ગુરુએ જાહેરાત કરી કે તેમનું ચિત્રકામ સંપૂર્ણ થઇ ગયું છે. તેમણે ચિત્ર દીવાલ ઉપર બનાવ્યું હતું, તેમણે વધુમાં કહ્યું.

આતુરતા અને વિસ્મયતાપૂર્વક, સમ્રાટ એક મૌન સાથે ઓરડામાં દાખલ થયાં. દીવાલ રેશમી કપડાંથી ઢંકાયેલ હતી. થોડી મીણબત્તીઓઓ ગોઠવેલી હતી. તાઓ ગુરુ મૃદુતાપૂર્વક સ્મિત વેરી રહ્યાં હતાં. રાજાએ પરદો ખેંચ્યો અને ત્યાં એક ચળકાટ વાળી દીવાલ દેખાઈ.

એકદમ સુવાળી સપાટી ઉપર, કે જે એક સમયે ખરબચડી દીવાલ હતી, રાજાનું પ્રતિબિંબ પ્રભાવશાળી રીતે દેખાયું. રાજાનાં ચહેરા ઉપર એક સ્મિત ફૂટી ગયું, અને અંદરનું ચિત્ર પણ હસવાં લાગ્યું. રાજા ડાબી તરફ ફર્યા, તો અંદરની છબી પણ ડાબી તરફ ફરી. આ એક ફરતું ચિત્ર હતું, એક જીવંત ચિત્ર કે જે બારીકમાં બારીક વિગતને પકડતું હતું.

મહારાજ, આ વું વેઈ છે,” ગુરુએ કહ્યું, “તાઓનો માર્ગ. કશું નહિ કરવાનું કર્મ.”
“મારે કબુલ કરવું જોઈએ,” રાજાએ કહ્યું, “આ બહુ જ ચતુરાઈભર્યું છે. આ એક સૌથી ચીવટ વાળું ચિત્ર છે, જે અત્યાર સુધી ક્યારેય તૈયાર નથી કરાયું.”
“પુરા સન્માન સાથે, ઓ દસ હજાર વર્ષો સુધીનાં ભગવાન, આ ચિત્રનું સર્જન મેં બિલકુલ કર્યું નથી. મેં તો ફક્ત શરતો મૂકી હતી અને ચિત્ર તો તેની મેળાએ જ બની ગયું.”
“મને ખબર નથી પડતી કે મારે તમને તમારા ચિત્રકામ માટે ઇનામ આપવું કે તમારા જ્ઞાન માટે.”
“શરતો બન્ને માટે હતી,” ગુરુએ મજાક સાથે પ્રણામ કરતાં કહ્યું. સમ્રાટે તેમનું ખુબ જ મોટું ઇનામ આપીને સન્માન કર્યું.

હું માનું છું ત્યાં સુધી, જીવન માટે પણ આવું જ હોય છે. આપણને જે પણ ઈચ્છા હોય, આપણે તેનાં માટેની શરતોને જ સર્જવાની હોય છે. આપણા સ્વપ્નો સિદ્ધ કરવાં માટેની લતમાં, આપણે એટલાં બધાં કેન્દ્રિત થઇ જઈએ છીએ, અરે સ્વકેન્દ્રી પણ બની જઈએ છીએ, કે આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યાં સુધી આપણે આપણી આજુબાજુ એક સાચું વાતાવરણ નહિ બનાવીએ, ત્યાં સુધી આપણે આપણા ધ્યેય પુરા નહિ કરી શકીએ. આપણી એક આંધળી દોટમાં, આપણી શરતો જ આપણા અવરોધો બની જાય છે.

તમારે જીવનમાં એક સુસંવાદીતતા જોઈએ છે, તો એક એવું વાતાવરણ સર્જો કે જેમાં તે ઉછરે. પ્રેમ જોઈએ છે? તો તમારાં વલણ ઉપર કાર્ય કરો કે જે તેનું સર્જન કરે. સફળતા જોઈએ છે? તો એવી શરતો રાખો કે જે તેને ટેકો આપે. પરિણામો ક્યારેય પેદા નથી થતાં, તેઓ તેની મેળાએ જ આવતાં હોય છે. આપણે તો ફક્ત શરતોનું જ સર્જન કરતાં હોઈએ છીએ કે જે આપણે જે જોઈતું હોય તેને મેળવવામાં મદદરૂપ બને.

વું-વેઈનોઅર્થ છે કે અંદર એક પ્રવાહ રહેલો છે, એક કુદરતી ક્રમ કે દરેક વસ્તુંમાં હોય છે. તમારે ફક્ત તેની સાથે રહેવાનું છે. કોઈપણ ધ્યેય પાછળ વિચાર્યા વગર લાગી પડવું એ કઈ હંમેશાં તેને પ્રાપ્ત કરવાનો ઉત્તમ માર્ગ નથી હોતો. કોઈ વાર, તમારે તેને છુટું મૂકી દેવું પડે, તેને સમય આપો.

તમે જયારે કોઈ બીજ વાવો છો, ત્યારે તમે તેનાં ઉછેર માટેની જરૂરી બધી શરતો માટે ખંતપૂર્વક કાર્ય કરો છો. જમીનને ખેડો છો, ભેજ વાળી રાખો છો, ખાતર નાંખો છો અને ત્યારે બીજ તેની મેળાએ જ ફૂંટી નીકળે છે. તે નાનો છોડ બને છે અને ત્યારે બાદ થોડું મોટું થાય છે અને એક વૃક્ષ બની જાય છે. બીજ પોતાની માવજત જાતે જ કરી લે છે, તમારે ફક્ત વાતાવરણ ઉપર ધ્યાન આપવાનું છે. એ જ રીતે, જયારે તમે સાચી શરતોનું સર્જન કરો છો ત્યારે તમારા જીવનમાં રહેલી ભલાઈ, તમારા હ્રદયની શાંતિ, તમારા મુખ પરનું સ્મિત આપોઆપ આવતું હોય છે. અને આ જ તાઓ ધર્મનો સાર છે – કુદરતી વસ્તુઓને કુદરતી રીતે થવાં દો. દખલગીરી એ હસ્તક્ષેપની સમાન વસ્તુ નથી. બન્ને વચ્ચે રહેલાં તફાવતને ઓળખો.

એક સ્ત્રીએ પોતાનાં તાઓ ગુરુને ફોન કર્યો અને ફોનનાં આન્સરિંગ મશીને કહ્યું:

“કેમ છો!
આ મારું પ્રશ્ન મશીન છે અને બે પ્રશ્નો છે:
તમે કોણ છો અને તમારે શું જોઈએ છે?
જવાબ આપતાં પહેલાં બરાબર વિચાર કરજો. યાદ રાખજો…મોટાભાગનાં લોકો આ દુનિયા આ બે સવાલોનો જવાબ આપ્યાં વગર જ છોડી જાય છે.
બીપ.”

જીવન માટે પણ, જવાબો સુધી પહોંચવા માટે તેનાં સવાલોને ચકાસવા પડતાં હોય છે. જો તમે તમારી ઉર્જા જવાબો (કે પરિણામો) સર્જવા માટે ન ખર્ચો અને તેનાં માટેની શરતો સર્જવા માટે ખર્ચશો તો તમારામાં જ્ઞાન અને પ્રેરણા એક સુંદર સ્વપ્નની જેમ આવશે.

જીવન તમારા ઘર આંગણે આવશે. અને તે તમારા દરવાજે આવીને તમને એક મધુર અવાજમાં પ્રભાતિયું ગાઈને ઉઠાડશે, જે એક શિયાળાનાં સૂરજની માફક હુંફાળું હશે. તાઓ કહે છે કે મોટાભાગનાં ધ્યેયો તેની પાછળ સંઘર્ષ કરવાંથી નથી પ્રાપ્ત થઇ જતાં પરંતુ ધીરજ રાખવાથી થાય છે. જેમ કે લાઓ ત્ઝુંએ તાઓ તે ચીંગમાં કહ્યું છે: “જ્યોત જેટલી બમણી બળે તેટલી વહેલી બુઝાઈ જાય.”

ધીરજવાન બનો, સરળ બનો અને જીવનને વહેવા દો. આ તમને એ બાબતનું જ્ઞાન મળશે કે ક્યારે તમારે તરવું જોઈએ અને ક્યારે ફક્ત સપાટી ઉપર પડ્યાં રહેવાનું છે. તમે એ જાણશો કે ક્યારે કશાં ઉપર કોઈ કર્મ નહિ કરવું એ જ વાસ્તવમાં સૌથી મોટું કર્મ છે. વું વેઈ.

આ છે સારા જીવનનું એક રહસ્ય – એ જાણવું કે શા માટે, ક્યારે, ક્યાં અને કેવી રીતે કર્મ કરવું અને ક્યારે કોઈ પણ કર્મ ન કરવું. આ જ ફિલસુફી ભગવદ્દગીતાની પણ છે, એક જ વાક્યમાં કર્મનો સાર.

બીજી વાત, એ કે મારે મારી કૃતજ્ઞતા બે વ્યક્તિઓ માટે વ્યક્ત કરવાની છે ઇસ્મીતા ટંડન અને સ્વામી વિદ્યાનંદ. ઇસ્મીતા ખુબ જ કાળજીપૂર્વક મારાં બધાં જ પુસ્તકોનું સંપાદન કરે છે અને સ્વામી વિદ્યાનંદ મારી અંગત સેવામાં પાંચ વર્ષથી પણ વધુ સમયથી છે. તેમની ભક્તિ આ દુનિયાથી પરે છે. પ્રથમ તો મને એક હિચકિચાહટ હતી પરંતુ બાદમાં હું તેમનાં પ્રસ્તાવથી ગદગદિત થઇ ગયો. તેઓ તેમનાં મારી સાથેનાં અનુભવોને એક પુસ્તકમાં લખીને બીજા ભક્તો સુધી પહોંચાડવા માંગતા હતાં. એક પુસ્તક લખવા માટે માન્યામાં ન આવે એટલો સમય લાગતો હોય છે. તેઓનાં બાળ હૃદય અને શાંત કરી દેતી સરળતાથી તેઓ બન્ને અનેક પ્રસંગોને તેમનાં પુસ્તક Om Swami: As We Know Him માં આવરી લે છે. જયારે મેં આ પુસ્તક વાંચ્યું, ત્યારે મને લાગ્યું કે એક ચોક્કસ પ્રમાણિકતા અને ખુલ્લાપણું વાંચકનાં હૃદયમાં હોય તે આ પુસ્તકની સત્યતાની કદર કરવાં માટે જરૂરી છે, ખાસ કરીને તેનાં પ્રથમ ભાગમાં. અને સત્યએ છે કે જેની સાથે હું ઉભો છું. આ રહ્યો તે પુસ્તકમાંથી થોડો ભાગ સ્વામી વિદ્યાનંદનાં શબ્દોમાં:

એક વખત, બે ભક્તો, યુવાન પુરુષો, આશ્રમમાં એક સફરજનની થેલી લઈને આવ્યાં. તેમણે એ આગ્રહ કર્યો કે ગુરુદેવ એક સફરજન તેમાંથી ગ્રહણ કરે. ગુરુદેવે એક સફરજન થેલીમાંથી લીધું, તેની ઉપર એક મંત્ર બોલ્યાં, પણ જેવાં તે આરોગવા ગયા, કે તેમણે તે પાછું થેલીમાં મૂકી દીધું.

‘મને માફ કરજો,’ તેમણે કહ્યું. “હું આ ફળ ખાઈ શકું તેમ નથી કેમ કે હું પ્રથમ દેવીમાંને આ ફળ ધરાવું તે પહેલાં જ કોઈએ આ થેલીમાંથી પહેલી જ ફળ ખાઈ લીધું છે.’

પેલાં બંને વ્યક્તિઓ એ શરમથી પોતાનાં માથા ઝુંકાવી દીધાં. ‘અમારી ભૂલ થઇ ગઈ, સ્વામીજી,’ તેઓએ કહ્યું. ‘અમે રસ્તામાં ભૂખ્યાં થયાં હતાં અને નદી ઓળંગતા પહેલાં જ અમે એક એક સફરજન ખાધું હતું.’

ગુરુદેવ ખુલ્લાં મનથી ખડખડાટ હસી પડ્યાં અને કહ્યું કે બહું સારું – ફક્ત હવે તે આ થેલીમાંથી ફળ ખાઈ શકશે નહિ.

બીજા વખતે, એક સ્ત્રીએ ગુરુદેવ માટે લાડુ બનાવ્યાં હતાં અને કાળજીપૂર્વક બાંધીને તે પોતાનાં પતિ અને નાનકડાં પુત્ર સાથે આશ્રમ આવી. ફરીથી, તેઓએ, આગ્રહ કર્યો કે ગુરુદેવ તેમાંથી લાડુ આરોગે.

‘તે કોઈએ ચાખ્યાં તો નથી ને?’ ગુરુદેવ લાડુ ઉઠાવતાં કહ્યું.
‘નાં બિલકુલ નહિ, સ્વામીજી,’ તેઓએ કહ્યું. ‘અમને સારી રીતે ખબર છે કે નહીતો તમે નહિ ખાવ.’ ગુરુદેવે સ્મિત કર્યું અને એક મંત્ર બોલ્યાં. પણ ખાતાં પહેલાં, તેમને લાડુ નીચે મૂકી દીધો અને કહ્યું, ‘મને માફ કરશો, પણ આ ધરાવવા યોગ્ય નથી.’
‘અમે સોગંદ પૂર્વક કહીએ છીએ, ગુરુજી,’ પત્ની અને પતિએ એકી અવાજે કહ્યું. ‘તે કોઈએ નથી ચાખ્યાં.’
‘તમે ખોટું નથી કહી રહ્યાં, પણ તમને ખબર નથી,’ ગુરુદેવે કહ્યું. અને પછી તેમને બાળક સામે જોયું કે જે તેમની બાજુમાં બેઠો હતો, અને તેને પાસે બોલાવ્યો. અને તેનાં માથે હાથ ફેરવ્યો.

બાળકે કહ્યું, ‘સોરી, મમ્મી. તું જયારે લાડુ ઠંડા થવા માટે મૂકીને રસોડામાંથી બહાર ગઈ હતી ત્યારે મેં એક લાડુ તેમાંથી ખાધો હતો. મારાંથી રહેવાયું નહિ.’

પેલી સ્ત્રી બાળકને વઢવાં માટે ઉભી થઇ, અને બાળક ભયથી પાછળ છુપાઈ ગયો. બિલકુલ ત્યારે જ ગુરુદેવે બાળકને પોતાની તરફ ખેંચ્યો. “વઢીશ નહિ!’ તેમને તેની માંને રોકતાં કહ્યું. ‘તેને ખાઈ લીધું એટલે દેવીમાં એ પણ ખાઈ લીધું’ ગુરુદેવે લાડુનું બોક્સ હાથમાં લીધું અને એક લાડુ બાળકને આપ્યો અને અને એક પોતે પણ આરોગ્યો.

પેલું કુટુંબ પાછું ગયું, પરંતુ ગુરુદેવનો ચહેરો ઉદાસ થઇ ગયો. ‘હવે પછીથી,’ તેમને કહ્યું, ‘હું મારું ભોજન દેવીમાંને અલગ રીતે ધરાવીશ કે જેથી કરીને કોઈને વઢવામાં ન આવે કે પછી મને ધરાવતી વખતે કોઈને ચિંતા ન થાય. પછી તેનો કોઈ વાંધો નહિ રહે કે ભોજન ચાખેલું છે કે નહિ.’

હાર્પર કોલીન્સ દ્વારા ભારતમાં પ્રકાશિત (એક ખુબ જ હોશિયાર અજીતા ગણેશન, કમીશનીંગ એડિટર, હાર્પર કોલીન્સ, ને મારો ખુબ ખુબ આભાર છે), દુનિયાભરમાં પ્રાપ્ત છે. ભારતમાં ખરીદવાં માટે અહી જાવ અને અન્ય પ્રદેશ માટે અહી જાવ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email