મેં છેલ્લે લખ્યાંને ઘણો સમય થઇ ગયો છે. હું તમારી સૌ સાથે થોડી વાત કરવાં તૈયાર છું. તો આ રહ્યાં મારાં ખબર અંતર (ક્યાં છું, કેમ છું, કેવો છું, શું છું). હું તેને ટૂંકમાં પતાવવાની કોશિશ કરીશ.

૧૫મી માર્ચ, ૨૦૧૦નાં રોજ બપોરે હું મારી આધ્યાત્મિક યાત્રાએ જવાં માટે નીકળ્યો. હું ૧૮મી માર્ચે વારાણસી ગયો હતો, મને વારાણસીથી ૮૦ કિમીનાં અંતરે ઉત્તર તરફ એક નાનકડાં ગામમાં મારાં ગુરુ મળ્યાં. તેમને મને ૧૧મી એપ્રિલનાં રોજ સંન્યાસની દીક્ષા આપી. મારાં ગુરુ એક નાગા સંત છે, જેમની ઉંમર ૭૫ વર્ષની છે. મેં તેમનો આશ્રમ ચાર મહિના બાદ છોડી દીધો કારણકે મેં મારાં સત્યને પામવા માટે સંસારત્યાગ કર્યો હતો જયારે તેઓ મને તેમની મિલકત સાચવવા અને તેમની ગાદીએ બેસાડવાં માંગતા હતાં. મારે કોઈ “આધ્યાત્મિક ધંધો” નહોતો કરવો. પછી હું હિમાલયમાં આવ્યો. બદ્રીનાથથી ઉત્તર તરફ ૬કિમીનાં અંતરે નીલકંઠ જવાનાં માર્ગે મને નારાયણ પર્વત પર એક યોગ્ય ગુફા મળી. ત્યાં આજુબાજુ અનેક ધોધ અને ઝરણાંઓ વહેતા હતાં, હિમાલયની અપ્રદુષિત સુંદરતાથી ભરેલું આ એક શ્વાસ થંભાવી દે તેવું મનોરમ્ય દ્રશ્ય હતું. મેં ત્યાં બે મહત્વની સાધના કરી.

બે મહિનાં પછી, મારી સાધના પૂર્ણ કર્યા પછી, હું જગન્નાથપૂરીએ ગયો. મેં ઓરિસ્સામાં લગભગ બે અઠવાડિયા સુધીનો સમય એક યોગ્ય દરિયાકિનારાની જગ્યા શોધવાં માટે ગાળ્યો, પણ સફળતા મળી નહિ. હું હિમાલયમાં પાછો આવ્યો. આ વખતે મેં હિમાલયનાં જંગલમાં ઓર ઊંડી જગ્યા શોધી. હું તે સ્થળ વિશેની વિગતવાર માહિતી કોઈ ફરી વાર લખીશ. ટૂંકમાં, તે અદ્દભુત જગ્યાં હતી. ત્યાં નિયમિતપણે જંગલી પ્રાણીઓ જેવાં કે હરણ, સુવર, રીંછ અને જંગલી ઉંદરો કાયમી વસવાટ કરતાં. તે જાણે કે કુદરતનાં ગોલ્ફ કોર્સ જેવું હતું. મેં મારી સાધના ત્યાં ૧૯મી નવેમ્બરનાં રોજ શરુ કરી. હું મારી સૌથી મહત્વની સાધના ૫મી જાન્યુઆરીએ ચાલુ કરતાં પહેલાં ૨૭મી ડિસેમ્બરે એક દિવસ માટે તમને લોકોને ઈ-મેઈલ કરવાં માટે નીચે ઉતર્યો હતો. મારી તે સાધના ૧૫૦ દિવસ સુધી ચાલી હતી. ધ્યાન અને તેનાં સંબધિત બીજી ક્રિયાઓ કરતાં દિવસનાં ૧૭ કલાક થઇ જતાં. હું જયારે પાછો આવીશ ત્યારે તેનાં વિશે વિગતવાર વાત કરીશ. ભગવદ્કૃપાથી મારી તે સાધના સફળતાપૂર્વક સંપૂર્ણ થઇ ગયી. છેલ્લાં ૧૦૦ દિવસની સાધના બિલકુલ (મારાં વિચારોથી પણ) અલગ અને એકાંત જગ્યામાં રહીને કરી હતી. જેનું પરિણામ મને પરિપૂર્ણ કરી ગયું.

હું હાલમાં ક્યાં છું તે જણાવી શકું તેમ નથી. પરંતુ હું એકદમ એક સંપૂર્ણ પરમાનંદમાં ખુશ અને સલામત છું. આ આનંદ મારાં સમગ્ર અસ્તિત્વમાં લગભગ બધો સમય રહેતો હોય છે. હું મારી અંદરની ધ્યાનસ્થ અવસ્થા, બહારની દુનિયાની અવસ્થા ગમે તે કેમ ન હોય, તેની પરે ટકાવતાં શીખ્યો છું. હું મારી આધ્યાત્મિક યાત્રામાં આગળનાં અને અંતિમ મુકામે પહોંચવા જઈ રહ્યો છું.

મારી આગળની અને અંતિમ સાધના એ એક સાધના કરતાં પરીક્ષા વધુ છે. મારી મુખ્ય અને મહત્વની સાધના તો પૂર્ણ થઇ ગઈ છે. મારે જે જોઈતું હતું તે મેં મેળવી લીધું છે. તે સામે આવી ગયું છે. મને તે હવે સમજાય છે. બધું જ કાચ જેવું સ્પષ્ટ છે. મને મારાં પ્રભુનું દર્શન સુસ્પષ્ટ ઢંગે ૧૩ ફેબ્રુઆરીનાં રોજ અને ફરી પાછું ૧૧ મેંનાં રોજ થઇ ગયું છે. હવે એક અલૌકિક આનંદ કે જે મારાં સમગ્ર શરીરમાં પ્રવર્તે છે તે મારી સાથે કાયમ રહે છે. હું તે અનુભવમાં મારી ઈચ્છા મુજબ ગમે ત્યારે પાછો જઈ શકું છું. એકાદ ક્ષણિક અનુભવ કે જેને તમે પુન: ઉત્પન્ન ન કરી શકો તો તે કશાં કામનો હોતો નથી. જો આપણે કશુંક આપણા પ્રયત્નોનાં પરિણામે અનુભવ્યું હોય, તો તે અનુભવ આપણે આપણી ઈચ્છા મુજબ ગમે ત્યારે ફરી પાછો કરી શકતાં હોવાં જોઈએ. જો આપણે આપણું વલણ બરાબર રાખ્યું હોય, તો પછી જયારે આપણે એની એજ શરતોનું પાલન કરતાં હોઈએ તો આપણો અનુભવ પણ પાછો એનો એ જ થવો જોઈએ. જવા દો, હું તેનાં ઉપર વધુ પાછા ફર્યા પછી ક્યારેક લખીશ. મારી અંતિમ સાધના પૂર્ણ કર્યા પછી, હું પાછો આવીશ અને તમને બધાંને મળીશ. હું મારાં પાછા ફરવાની તારીખ આ ઈ-મેઈલનાં અંતમાં લખીશ. પરંતુ તે પહેલાં, હું તમારી સૌ સાથે મને જે પ્રાપ્તિ થઇ છે તેનો સાર વહેંચવા ઈચ્છું છું. જે કઈક આ મુજબ છે:

બુદ્ધે એવું સ્થાપિત કરેલું કે કોઈ ભગવાન કે પરમ સર્જનહાર નથી. કૃષ્ણે એવું જાહેર કર્યું હતું કે પોતે જ ભગવાન છે. આઇન્સ્ટાઇન એવું કહેતાં હતાં કે પ્રત્યેક વસ્તુ એ ઉર્જાનો કુલ સરવાળો છે. મીરાંને પોતાનું સત્ય કૃષ્ણમાં મળ્યું હતું, રામકૃષ્ણ પરમહંસને મહાકાલીમાં, તુલસીદાસને રામમાં, શંકરાચાર્યને નિરાકારમાં અને એમ બીજા અનેક જણને પોતાનું સત્ય લાદ્યું હતું. મોટાભાગનાં લોકો એ બાબત સાથે સહમત છે કે કામ, ક્રોધ, અહંકાર વિગેરે તેમનાં માટે નથી સારા; તો પણ પછી તેઓ શાં માટે તેમાં પડતાં હોય છે? મારે મારું સત્ય ખોળવું હતું. જો કે હું મારાં અનુભવ અને વર્તમાન અવસ્થાને શબ્દદેહ આપવા માટે બિલકુલ અસમર્થતા અનુભવું છું.

આત્મજ્ઞાન એ કોઈ અકસ્માત નથી. તે કોઈ આ-હા ક્ષણ પણ નથી. આવા જ્ઞાનની એક બૌધિક સમજ એ કદાચ દિવ્યતાનું પ્રગટીકરણ હોઈ શકે, પરંતુ એક સાચ્ચું જ્ઞાન તેનાંથી ઘણું દુર હોય છે. આત્મજ્ઞાનની સિદ્ધી જો તમે તેનાં માટે જરૂરી પ્રયત્નો કરવાં માટે તૈયાર હોવ તો કોઇપણ દ્વારા સિદ્ધ કરી શકાય તેવી છે. આવા આત્મજ્ઞાનનો ઉદય તમને ફક્ત જવાબો સાથ જ છોડી જશે. તમારી પાસે પછી કોઈ સવાલ નહિ રહે. બૌદ્ધિક રીતે, તમે અંદર રહેલી ફિલસુફી અને સિદ્ધાંતોને સમજી શકો ખરા, પરંતુ આવી સમજણ તમને ફક્ત વધુ જડ બનાવતી હોય છે. આ રીતે તો તમે કોઈ એક સિદ્ધાંતને અનુસરતાં થાવ છો કે જેનાં પ્રમાણ વિશે કોઈ ચોક્કસાઈ થયેલી હોતી નથી.

જો તમે એવું માનતાં હોય કે દિવ્યતાને કોઈ આકાર છે, તો તમે તે આકાર આ જીવન દરમ્યાન જ જોઈ શકો છો. જો તમે એવું માનતાં હોય કે દિવ્યતા એ નિરાકાર છે, તો તમે તેમાં ઊંડી તલ્લીનતાનો અનુભવ (સમાધિ) પણ અનુભવી શકો છો. આ જ વસ્તુનો મેં વારંવાર અનુભવ કર્યો છે. તમારું વિશ્વ તમારાં વિચારોનું બનેલું હોય છે. જો તમારાં વિશ્વમાં બધો જ સમય ભગવાન હશે અને તમારાં બધાં જ વિચારોમાં બધો જ સમય એ હશે તો તે સ્વરૂપ તમારી સમક્ષ પ્રગટ થશે. જો તમારાં વિશ્વમાં આનંદ હશે અને તમારાં બધાં વિચારોમાં બધો જ સમય તમારું ધ્યાન આવા આનંદ ઉપર કેન્દ્રિત થયેલું હશે તો તમે આવા આનંદનો અનુભવ કરશો. આ જો કે એક અઘરું કાર્ય છે કેમ કે એક સંપૂર્ણ સ્થિર અને અવિચલિત મનોવસ્થા પ્રાપ્ત કરવાં માટે એક વિચાર ઉપર ખુબ લાંબો સમય ધ્યાન ટકાવવું પડતું હોય છે. તે શરૂઆતનાં તીવ્ર પ્રયત્નો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે.

જેમ કે એક નવાસવા સાક્ષર માટે વાંચન કાર્ય અઘરું હોય છે પરંતુ સમય સાથે સાથે તે તેમાં પ્રવીણતા પ્રાપ્ત કરે છે, તેમ તમે અનેક અવરોધોનો સામનો કરો છો. જો તમે સતત આગળ ધપતાં રહો, તો તમે ચોક્કસ મંઝીલે પહોંચશો. મેં એવું જાણ્યું છે કે જો તમે ભક્તિ કે ધ્યાન પણ ખોટી રીતે કરો તો તમે ક્યારેય પણ તમારાં અંતિમ લક્ષ્ય સુધી નથી પહોંચી શકતાં. અનેક ગ્રંથો અને વિવરણાત્મક ગ્રંથોમાં દર્શાવેલ પરમાનંદ અને બીજા એવાં અનેક અદ્દભુત અનુભવોનો અનુભવ નહિ કરી શકો. જો તમે તે સાચી રીતે કરી શકો તો તમે તમારી અંદર રહેલી દિવ્ય બાજુને ટૂંક સમયમાં અનુભવી શકશો અને તેને બહાર પણ લાવી શકશો. મારે જો કે એ કહેવું પડશે કે તેનાં માટે તમારે સઘન મહેનત કરવી પડશે.

હું જયારે પાછો ફરીશ ત્યારે “સાચી ક્રિયા” ઉપર મારું વિવરણ આપીશ. સત્ય ખુબ સરળ છે અને તમે બધાં પણ તેને જાણો છો. પણ તેનો અનુભવ કરવો તે એક બિલકુલ અલગ રમત છે. મોટાભાગનાં લોકોને સાચું અને ખોટું શું તેનું ભાન હોય છે, છતાં પણ કેમ તેઓ અનૈતિક અને અનિચ્છનીય કાર્યોમાં ફસાતાં જોવા મળે છે? તે એટલાં માટે કે તેમનું મન તેમનાં વશમાં નથી હોતું. એક બેચેન મન અને તેની ચિત્ત વૃત્તિઓ તેમને આ દુનિયાનો અનુભવ ફક્ત શરીરનાં સ્તરે કરવાં માટે દોરી જાય છે. શિસ્તબદ્ધતા જેટલી શુદ્ધ તેટલી તે તમને ભક્તિ કે ધ્યાનમાં તમારાં મનને કેળવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ તમે એક અવર્ણનીય અને સતત વહેતા રહેતાં આનંદનો અનુભવ કરો છો. મેં તેનાં વિશે વાંચ્યું હતું અને વચ્ચે-વચ્ચે થોડો અનુભવ કર્યો હતો. લાંબી ચાલતી સમાધિનો ખરો અનુભવ એ માન્યામાં ન આવે તેવો હોય છે. ત્યારબાદ બહું થોડા પ્રયત્નથી જ આ આનંદ તમારી અંદર બધો જ સમય ચાલતો રહે છે.

સત્યની એક બૌદ્ધિક સમજ અને તેનાં એક ખરા અનુભવ વચ્ચેનાં તફાવત વિશે મને વિસ્તારપૂર્વક બતાવવાનું ગમશે. ધારો કે કોઈકને આંખે મોતિયો આવ્યો છે. તે વ્યક્તિ પોતે પોતાની બીમાર દ્રષ્ટિ વિશે સુપરિચિત છે. શું આ ખાલી સમજણ તેની દ્રષ્ટિને સાજી કરવાં માટે પુરતી છે? તેને ખબર છે કે પ્રશ્ન ક્યાં છે અને તે જાણે છે કે તેનાં પરિણામ સ્વરૂપે તે સરખી રીતે જોઈ શકતો નથી. તેને તે પણ ખબર છે કે સર્જરી કરાવવાથી આ મોતિયો દુર કરી શકાશે અને પોતે ફરી જોઈ શકશે. બૌદ્ધિક દ્રષ્ટીએ તે આ વાત સમજે છે. પરંતુ ખાલી આ જાગૃતિથી પોતે કઈ સ્પષ્ટ જોઈ શકે નહિ. તેની દ્રષ્ટીની બિમારી કોઈ બૌદ્ધિક ખરાબીનું પરિણામ નથી. માટે તેને ફક્ત બૌદ્ધિક સમજણથી સાજી ન કરી શકાય. તેને સરખી કરવાં માટે તેને સર્જરી જ કરાવવી પડે. એવી જ રીતે, દુનિયા વિશેની તમારી વિકૃત સમજણ કે છેતરામણી ચિત્તવૃત્તિઓ એ કોઈ બૌદ્ધિક પ્રશ્ન નથી.

કોઇપણ ફિલસુફીને અનુસરવી કે અમુક સિદ્ધાંતો સાચા છે એવું માનીને ચાલવું – આ બન્ને બાબતો એ મનનું કાર્ય છે – કે જે તમને તમારી સાચી જાત ઉપરથી પડદો ઉઠાવવામાં કોઈ મદદરૂપ નહિ બને, સમાધિ અને તમારાં આરાધ્ય દેવનાં દર્શનની તો વાત જ જવા દો. સૌથી સુંદર વાત તો એ છે કે તમારાં મનની કેળવણી દ્વારા તમે તમારી સાચી પ્રકૃતિનો અનુભવ કરી શકો છો અને તમે તે સતત વહેતાં આનંદનો અનુભવ પણ કરી શકો છો. એક એવું મન કે જે સ્થિર નથી થયેલું કે પછી સંપૂર્ણ કાબુમાં નથી રહેલું તે તમને સાચી અને શુદ્ધ ભક્તિ કે ધ્યાન કરવાં માટે અસમર્થ બનાવી દેશે. અને આવી શુદ્ધતાનાં અભાવમાં, તમને કશો ગહન અનુભવ નહિ થાય. એક વખત તમે જો તમારો અનુભવની પ્રતિકૃતિનું પુન:સર્જન કરી શકવાં માટે સમર્થ થઇ જશો, તો તમારી દુનિયા કાયમ માટે બદલાઈ જશે. તમે અંતર્મુખી થઇ જશો. સંપૂર્ણરીતે. તમે નીચે બતાવેલી ત્રણ અવસ્થામાંથી પસાર થશો:

આશ્રિત

આ પ્રથમ અવસ્થા છે. પ્રથમ તમે દરેક વસ્તુ માટે દુનિયા ઉપર આધારિત હોવ છો. તેમની ટીકાઓ અને ટીપ્પણીઓ તમારી અંદર હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ પેદા કરતી રહે છે. તેમની હાજરી અને ગેરહાજરી તમને સારું અને ખરાબ અનુભવડાવે છે. તેમનાં કાર્યોથી તમણે પરિપૂર્ણતા કે દુઃખનો અનુભવ થતો રહે છે. ટૂંકમાં, તમારાં વિચારવિશ્વમાં ઘણાં બધાં લોકો રહેલાં હોય છે. પરિણામે તમારુ વિશ્વ તેમની આજુબાજુ જ ઘૂમતું રહે છે. તમે એકાંતમાં રહી શકતાં નથી. એક વખત તમે અંતર્મુખી થવા લાગશો અને નૈતિકતાને તમારાં દરેક દુન્વયી અને આધ્યાત્મિક કર્મમાં પૂરી શુદ્ધતા અને શિસ્તતા સાથે વણી લેશો ત્યારે તમે બીજી અવસ્થા ઉપર પહોંચી જશો.

સ્વાધીનતા

અવિરત ચાલતી નૈતિકતા અને શુદ્ધ શિસ્તતા વડે તમે તમારો પોતાનો મત ધરાવવાની શરૂઆત કરો છો. તમારાં માટે અને દુનિયા માટે તમારો પોતાનો એક મત. આ મત મોટાભાગે બીજા લોકો તમારાં વિશે શું વિચારે છે તેનાંથી બિલકુલ અવિચલિત રહેશે. બીજા લોકો જો કે હજુ પણ, તમે તમારાં વિશે કેવું અનુભવો છો તે નક્કી કરતાં રહેશે. જેવાં તમે વધું ને વધું સ્વાધીન થતાં જશો તેમ તેમ તમે એકાંતને તમારાં એક વ્યાજબી સાથી તરીકે પામતાં જશો, કે જેની સાથે તમે ક્યારેક-ક્યારેક સમય ગાળવાનું પસંદ કરતાં હોવ છો. તમારી મનોસ્થિતિમાં હવે એક સ્થિરતા આવતી જશે અને તમે મોટાભાગે જે કઈ પણ કરતાં હશો તેને તમે આનંદપૂર્વક માણતાં થઇ જશો. જો કે, જયારે પણ તમે મુશ્કેલીઓ માટે તૈયાર નહિ હોવ ત્યારે-ત્યારે તમારી આંતરિક દુનિયા હજી પણ બેચેનીભર્યા વિચારો અને લાગણીઓને અનુભવતી રહેશે. તમારો દુનિયા વિશેનો મત હજી પણ જૂનાં જ્ઞાન ઉપર બંધાતો હશે. જેવી તમને તમારાં ખરા સ્વભાવની ઝાંખી મળતી જશે અને સ્વ-શુદ્ધિનાં માર્ગે જેટલું લગાતાર ચાલતાં રહેશો, વગર લાપરવાહી દાખવ્યાં વગર, ત્યારે તમે ત્રીજા સ્તરે પહોંચશો.

સ્વતંત્રતા

તમે એક એવાં સતત ચાલતાં આનંદનો અનુભવ કરશો કે જે તમારાં અસ્તિત્વમાં કાયમ રહેશે. તમારાં અંદરથી એક એવો પ્રકાશ આવશે અને તમને કશા માટે પણ કોઈ મૂંઝવણ નહિ રહે. તમને બધી ખબર પડતી જશે. તમારી અંદર એક જ્ઞાનનો ઉદય થાય છે. તમે હવે તમારાં મનથી નથી દોરવાઈ જતાં. તમારી પાસે એક સ્થિર મન હોય છે જેમાં કોઈ વિચારો નથી હોતા અને તમે એક અપ્રતિમ જાગૃતિ અને અપ્રતિમ ચેતના વિકસાવો છો. એક વખત જયારે તમે તમારાં મનની મૂળ શુદ્ધતાને પામી લો છો, ત્યારે તમે તમારી આજુબાજુ રહેલી દરેક વસ્તુની હકીકતને સમજી લો છો. જયારે તમે આ સ્તરને પણ પાર કરી જાવ છો, ત્યારે તમારી પાસે દરેક વસ્તુનો જવાબ હશે. તમે જોશો કે તમને દુન્વયી લાગણીઓથી કોઈ અસર થતી નથી. તમને દુન્વયી સુખો અને આનંદ માટે કોઈપણ પ્રકારની તૃષ્ણા કોઈ રુચિ નથી રહેતી. અરે તમારાં આધ્યાત્મિક અનુભવોનું પણ બહુ ખાસ મહત્વ તમારે મન નથી રહેતું. તમે સ્વતંત્ર બની જાવ છો. અને આ તમારો સાચો સ્વભાવ છે. તમે હંમેશાં એક આનંદમાં રહો છો, જે કઈ પણ તમે હાથમાં લો છો તે તમને એક જ પરિણામ તરફ લઇ જાય છે – આનંદ. તમારાં આરાધ્ય દેવનું દર્શન અને તમારી સમાધિની અવસ્થા તમને ક્યારેય છોડશે નહિ. તમારી આજુબાજુનાં લોકો પણ એ આનંદનો અનુભવ કરશે, જેવી રીતે સૂર્યની નીચે આવતી દરેક વસ્તુ સુર્યપ્રકાશથી પ્રકાશિત થઇ ઉઠતી હોય તેમ. જયારે પણ તમે કોઈ વ્યક્તિ કે વસ્તુની સામે જોશો તો તે પણ એક શુદ્ધ આનંદ બની ઉઠશે.

મેં એવું અનુભવ્યું છે કે તમે આ ત્રણ સ્તરો સુધી અને તેનાંથી પણ આગળ આ જ જન્મે પહોંચી શકો છો. જો કે તે સરળ નથી હોતું. એક સઘન મહેનત એક સાચી શરત અને સંતુલનતા સાથે જરૂરી છે. હું તેનાં ઉપર કોઈ વખત ભવિષ્યમાં વિગતવાર લખીશ. આ ઈ-મેઈલ કોઈ યોગ્ય માધ્યમ નથી મારાં સત્યને વિગતવાર બતાવવા માટે. તેમ છતાં જો કે મેં મુખ્ય વિગતો તો અહી લખી જ છે.

હવે કોઈ ભ્રમ નથી રહ્યો. હવે એવું પણ કશું રહ્યું નથી જે મારે મેળવવાનું હોય. મારે હવે બીજું કશું પ્રાપ્ત કરવાનું પણ રહેતું નથી. મારાં પોતાનાં સંકલ્પ માટે થઈને અને મારાં સત્યની પરીક્ષા માટે થઇને, મારે થોડો વધુ સમય એકાંતમાં ગાળવો પડશે. હું મારાં સત્યનો પ્રકાર તમારી સાથે વહેંચવા માટે રાજી છું જો તમારે એવા આનંદનો અનુભવ કરવો હોય જે કદાચ તમને વર્તમાન સમયમાં ફક્ત એક રૂપકકથા સમાન લાગતો હોય.

તમે ક્યાં સુધી બિનજરૂરી મહેનત કર્યે જશો? તમારે સુપરમાર્કેટ સુધી ત્યાં સુધી તમારી ગાડી ચલાવ્યે જવી છે જ્યાં સુધી પરવાનગી અધિકારી તમારું લાઇસન્સ તમે બ્લાઈન્ડ સ્પોટ નથી જોઈ શકતાં એટલાં માટે રદ ન કરી નાંખે? જીવન તો બસ આવું જ હોય એવું જ માનીને જ તમે ક્યાં સુધી ચાલતાં રહેશો? તમે કોઈ વસ્તુ કે વ્યક્તિની રાહ જોઈ રહ્યાં છો? તમે ક્યાં સુધી કડવી ઈન્સ્ટન્ટ કોફી પીધે રાખશો? તમે તમારું વિશ્વ લોકોની આજુબાજુ જ બાંધતા રહેશો? તમે ઘરડાં થઇને તમારાં બાળકોનાં ફોન કોલથી જ માત્ર સંતોષ પામતાં રહેશો?

એક દિવસે તમે એક એવાં ટકોરા સાથે જાગશો કે જે ફક્ત તમને જ સંભળાઈ રહ્યાં હશે. આ ટકોરો તમને કાયમ માટે સુવડાવી દેવાં માટેનો હશે. તે ક્ષણે, તમને એ ભાન થશે કે તમે પહેલેથી જ છેલ્લે વારનું ભોજન આરોગી લીધું છે, તમારો છેલ્લો ફોન કોલ, ઈ-મેઈલ, છેલ્લી ઊંઘ, છેલ્લું સ્નાન અને છેલ્લી વાતચીત થઇ ગયી છે. કોઈબીજા માટે જો કે આ છેલ્લું હોય છે. એ તમારાં માટે નહિ હોય. તમારે રહેવું છે કે જવું છે તે બાબતે તમારી પસંદગીને ક્રુરતાપૂર્વક અવગણવામાં આવશે.

હું એવું નથી કહી રહ્યો કે તમે સંસારત્યાગ કરી દો. એનાં બદલે હું તો એવું સુચવી રહ્યો છું કે જીવન જીવતાં શીખો. એક અદાથી, શાંતિથી, આનંદથી વિશ્વ માટે એક ખરો મત ધરાવીને પોતાનાં સત્યનાં સ્વરૂપ સાથે. તમે તમારાં પોતાનાં ઘરમાં જ રહો છો, તમારો જે પોષાક હોય તે પહેરો છો, જે કામ કરી રહ્યાં હોય તે કરો છો, તમારી પાસે જે ગાડી હોય તે ચલાવો છો, પરંતુ દુનિયા વિશેનો અને તમારાં પોતાનાં વિશેનો તમારો મત જે છે તે સતત તમારી આજુબાજુની દુનિયાથી અસર પામતો રહેતો હોય છે. આવું ન હોવું જોઈએ.

જયારે તમે તમારો અસલી સ્વભાવ શોધી કાઢો છો, ત્યારે તમે તમામ દુન્વયી પ્રવૃત્તિની મધ્યે રહીને પણ એક સંન્યાસી બનીને રહી શકો છો. તમે તમારી વર્તમાન જીવનશૈલી ચાલુ રાખો અને લાગણીઓનાં આ ઉતારચડાવનાં ચકડોળમાં બેસી રહી શકો છો, કાં તો પછી તમે તમારી દિવ્ય બાજુનો અનુભવ કરી શકો છો અને તેને બહાર પણ લાવી શકો છો. સર્ફર ગમેતેટલો નવાસવો કે પ્રવીણ કેમ ન હોય, તે કાં તો પાણીમાં એક મોટું મોજું આવે તેની રાહ જોતો બેસી રહી શકે છે અને કાં તો સર્ફિંગ કરવાનું શરુ કરી દઈ શકે છે. મહત્વ ફક્ત એનું છે કે તમે એક પ્રમાણિક, ટકાઉ, સતત અને ગંભીર પ્રયત્ન કરો છો કે નહિ. જરા તમારી આજુબાજુ એક નજર કરીને જુઓ. કેટલી બધી અસ્તવ્યસ્તતા છે. શું તમારે તમારાં જીવનમાં તે જોઈએ છે? અંદરની અસ્તવ્યસ્તતાને દુર કરી દો અને બહારની તેની મેળાએ જ ઠીક થવાં માંડશે. તમારી બહારની અસ્તવ્યસ્તતાને દુર કરવાં માંડો અને અંદરની સ્વચ્છતા આપોઆપ થવા માંડશે. તમારું પોતાનું જીવન બીજા સાથે જીવો, પણ તેમનાંથી પ્રેરિત થઇને નહિ. તમારું પોતાનું સંસ્કરણ જીવો. તમે તમારાં સત્યની શોધથી ચકાચોંધ થઇ જશો. તે તમને દંગ કરી દેશે, મંત્રમુગ્ધ કરી મુકશે, આશ્ચર્યચકિત બનાવી દેશે અને એકદમ સંપૂર્ણપણે પરિપૂર્ણતાનો અનુભવ કરાવશે. તમે મુક્ત થઇને ઉભા રહી શકશો.

આ જીવન એક લોંગડ્રાઈવ જેવું છે. માર્ગમાં થોડા વળાંકો આવે, અમુક થોભોની નિશાની પણ આવે, કોઈ વખત ગતિ વધારે હોય તો એકાદ-બે દંડ પણ થાય, કોઈ વખત ટ્રાફિકમાં ધીમું પણ ચલાવવું પડે, કોઈ વખત મોનોરમ્ય દ્રશ્ય પણ રસ્તામાં જોવા મળે, તો કોઈ વખતે ખાડા-ખાબોચિયા પણ આવે, કોઈ વખત ગાડી બગડી પણ જાય…તો પણ તમે જ્યાં સુધી મંઝીલ સુધી પહોંચી ન જાવ ત્યાં સુધી આગળ વધતાં રહો છો અને ત્યારબાદ તમારે ઘરે પહોંચવું હોય છે. તમને એ સમજાય છે કે જેટલી મજા મુસાફરીમાં આવી તેટલાં મહત્વની મંઝીલ નહોતી કારણકે મુકામ પણ એક અસ્થાયી ઠહેરાવ માત્ર જ હતો. જાવ અને મજા કરો! પણ અંતર્મુખી થઇને. બહારની યાત્રા એક ભ્રમ છે, અંદરની યાત્રા જે છે તે અસલી છે. બહારની જે છે તે એક ચાલતો રહેલો ટ્રાફિક છે જયારે અંદરની જે છે તે તમારી ગાડી ચલાવવા જેવું છે. તમે માર્ગ બદલી શકો છો અને ટ્રાફિક ઓછો હોય તેવાં સમયે ચલાવી શકો છો કે પછી કોઈ બીજા રસ્તે જઈ શકો છો કે જ્યાં ટ્રાફિક ઓછો હોય. જે નિર્ણય તમે અંદર લો છો તે તમારાં બહારનાં વિશ્વને પણ બદલી શકે છે.

આ ઈ-મેઈલ બસ ચાલ્યાં જ કરે તે પહેલાં હવે હું આ વિષયને અહી સમાપ્ત કરું છું. હું મારાં નિર્ધારિત કર્મો સમાપ્ત કરી લઉં ત્યારબાદ હું તમને સૌને મળીશ. અને તે આ વર્ષે જ હશે. બે તારીખો હાલ મારાં મગજમાં છે ૯-૧૦-૧૧ (૯ ઓક્ટોબર) અથવા તો ૧૧-૧૧-૧૧ (૧૧ નવેમ્બેર). જે મેં પહેલાં કહેલું તેનાં કરતાં એક આખું વર્ષ વહેલું છે. હું તમને બધાંને મળવાની રાહ જોઉં છું અને હું તમારાં સૌનો આભારી છું. મારે જે જોઈતું હતું તે મને મળી ગયું છે. જયારે મળ્યું ત્યારે મને ખબર પડી કે હું પોતે મારે જે જોઈતું હતું તે જ છું. આવું જ્ઞાન થયાં પછી એવું મને સમજાય છે કે હું જ તે જ્ઞાન છું. કાં તો આમ ને કાં તો તેમ જેવું નહિ. હું તમને થોડા અઠવાડિયા પછી ફરી લખીશ. અને હું ઓગસ્ટનાં અંત સુધીમાં ચોક્કસ એક તારીખ નિશ્ચિત કરી નાંખીશ અને તમને સૌને જણાવીશ.

હું તમારાં સૌ માટે શાંતિ ઈચ્છું છું. હું તમારી સાથે ફરીથી વાત કરીશ.

મહેરબાની કરીને આ સંદેશ બીજા લોકોને પણ મોકલશો કે જેમણે પોતાનું નામ આ યાદીમાં લખાવ્યું હોય અને એ સૌને કે જેને માટે તમે જાણતા હોવ કે તેમને આ વાંચીને કોઈ પણ પ્રકારે ફાયદો થશે.

સ્વામી.

[વસ્તુત: આ એક ઈ-મેઈલ સ્વરૂપે લખાયો હતો]

 

નોંધ: પૂજ્ય સ્વામીજીનો આ લેખ તેમનાં અંગ્રેજી બ્લોગ્માંનો સૌ પ્રથમ લેખનો અનુવાદ છે. પૂજ્ય સ્વામીજીએ હવે મહિનામાં બે જ લેખ લખવાનું નક્કી કરેલ છે. છતાં ગુજરાતી બ્લોગમાં  રાબેતા મુજબ જ દર અઠવાડિયે  એક લેખ આવતો રહેશે. વચ્ચેનાં બે શનિવારે પૂજ્ય સ્વામીજીનાં જુના લેખોનો અનુવાદ મુકીશું. વાંચતા રહેશો. આભાર.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email