તાજેતરમાં, મારા વિશે ચિંતા કરતાં લોકો તરફથી મને ઢગલો ઈ-મેઈલ મળ્યાં. કેટલાંકની લાગણી ઘવાઈ હતી, તો કેટલાંકને મૂંઝવણ અનુભવાતી હતી અને બીજા સીધા ગુસ્સે જ થઇ ગયાં હતાં (મારા ઉપર નહિ). કારણ? અમુક પાયાવગરની અફવાઓ તેમણે તે વ્યક્તિ વિશે સાંભળી હતી જેને તેઓ ખુબ પ્રેમ કરે છે અને ખુબ સન્માને છે – ઓમ સ્વામી, કે જે આ કિસ્સામાં તે હું પોતે છું. તેઓ અફવા ફેલાવનારને પાઠ ભણાવવા માંગતા હતાં. આ બાબત ઉપરથી મને બુદ્ધનાં જીવનની એક વાત યાદ આવી ગઈ.

એવું કહેવાય છે કે જયારે બુદ્ધે ભિખ્ખુણીઓને દીક્ષા આપવા માંડી, ત્યારે તેમને ઘણાં બધાં પ્રતિકારનો સામનો કરવો પડ્યો હતો, કારણકે બુદ્ધે એક ચાલી આવતી પ્રથા પરથી હઠીને સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ સ્થાન આપ્યું હતું. કેટલાંક લોકોએ તેનો વિરોધ કર્યો અને તેમને ફેરવિચારણા કરવાં કહ્યું. સ્ત્રીઓની બુદ્ધની સાથે આટલી નજદીકી સારી નહિ, તેમને દલીલ કરતાં કહ્યું. દુનિયાનાં આવા મામુલી મતોથી વિચલિત થયાં વગર, બુદ્ધે, તો પોતાને જે સાચું લાગતું હતું તે મુજબ જ કર્યું. સ્ત્રી ભક્તોની સંખ્યા સંઘમાં ખુબ જ ઝડપે વધવાં લાગી અને જે જે જગ્યા એ બુદ્ધ જતાં તે તે જગ્યાએ ભિખ્ખુણીઓ પણ જવાં લાગી. આ અમુક લોકોને ખૂંચ્યું અને જેમ એક બેચેન મનમાં વિચારો ભટકે તેમ અફવાઓ ફેલાવા લાગી.

એક ગામમાં તેમનાં પડાવ દરમ્યાન, એક અસભ્ય લોકોનું ટોળું ગાળો ભાંડતું ત્યાં આવ્યું અને બુદ્ધનાં પ્રવચનને વચ્ચેથી જ અટકાવી દીધું. તેઓ બુદ્ધે ચાલી આવતી પ્રથા તોડી હોવાથી તેમનાં ઉપર ખુબ જ ગુસ્સે થયાં હતાં. તેઓએ તેમને ગાળો દીધી, તેમને નાસ્તિક અને અનૌચિત્ય કૃત્ય કર્યાનો આરોપ પણ મુક્યો. આવું અપમાન સહન ન કરી શકવાથી, સંઘનાં ઘણાં સભ્યો આવા આરોપ મૂકનારાઓની સામે થવા માટે ઉભા થઇ ગયાં.
“થોભો!” બુદ્ધે પોતાનો હાથ ઉંચો કરીને તે સંન્યાસીઓને રોક્યા. “તેઓ આવું વર્તન એટલાં માટે કરી રહ્યાં છે કારણકે તેઓ મને નથી જાણતા.”
બુદ્ધે પોતાનાં આધ્યાત્મિક પુત્રોનાં ગુસ્સાથી અને દુઃખથી લાલ ચહેરાઓ સામું જોયું. બુદ્ધે થોડી ક્ષણો જવા દીધી, “પણ તમે તો જાણો છો. માટે, અહિંસાનાં માર્ગે ચાલો અને બેસી જાવ.”

દરેકજણનાં મગજમાં તેમનાં પોતાનાં વિચારો, લાગણીઓ અને ઈચ્છાઓ (મોટાભાગે અધુરી રહી ગયેલી), અભિપ્રાયો, ખ્યાલો વિગેરેનું એક આખું જગત હોય છે. એક શાંત અને કરુણાસભર મનમાંથી સારા અને પ્રેમાળ શબ્દો ઝરતાં હોય છે. અફવાઓ અને કર્કશ શબ્દો એક બેચેન અને ઈર્ષ્યાળુ મનમાંથી ફૂટતાં હોય છે. આમાં કોઈ મોટી વાત નથી. વધુમાં, મેં કેટલાંક વર્ષો પહેલાં લખ્યું હતું, કે દરેકજણને તમારા માટે મત ધરાવવાનો અધિકાર છે. તેમને તેમ કરવાં દો.

“તેનો અર્થ એમ, સ્વામી,” કોઈએ મને પૂછ્યું, “કે આપણે તેમનો બકવાસ સાંભળતા બેસી રહેવું? શાંત રહેવાનો અર્થ શું એ પણ નથી કે આપણે ફક્ત તે સ્વીકારી નથી લેતાં પરંતું તેમને પ્રોત્સાહન પણ આપીએ છીએ?”

આ એક સારો મુદ્દો છે, પરંતુ હું એમ નથી સુચવી રહ્યો કે તમે ફક્ત શાંતિ અને ક્રોધ એ બેમાંથી જ કોઈ એક પસંદ કરો. જયારે તમે એક અફવા ફેલાવનાર કે ટીકા કરનાર સાથે કામ લો છો, ત્યારે તમે પણ જો ગુસ્સે થઇ જશો તો તમે તેમનાંથી વધુ સારા કેવી રીતે થયાં? શું તમને આવું વર્તન શોભશે? જો કશું થશે તો તે ફક્ત તમારી જ શાંતિનો ભંગ કરશે. જેમ કે હું કહું છું, દરેક સંજોગોમાં, એવું જ વર્તન કરો કે જે તમને શોભે. તે ધીરજ, કટિબદ્ધતા, સાવધાની અને કરુણા માંગી લે તેવું છે પરંતુ, તે બિલકુલ શક્ય છે. કોઇપણ ભોગે, મૌન અને દ્વૈષતાથી પરે એક ત્રીજો માર્ગ પણ છે. વધારે સારો. જે છે સોક્રેટીસનો ત્રણ ગળણી વડે કરાતી પરીક્ષાનો.

“મારે તમને કઈક અગત્યની વાત કરવાની છે,” સોક્રેટીસનાં એક પરિચિત વ્યક્તિએ સોક્રેટીસ જયારે બજારમાંથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે તેમને કહ્યું. “તે તમારા મિત્ર વિશે છે. તે –…”
“ઉભાં રહો!” સોક્રેટીસ પ્રત્યુત્તર આપતાં કહ્યું. “મને ત્રણ ગળણી વડે આ ગાળીને જોવા દો, કે મારે ખરેખર તે જાણવું છે કે કેમ.”
પેલો વ્યક્તિ કઈક અંશે મૂંઝવાઈ ગયો અને સોક્રેટીસ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું, “પ્રથમ ગળણી છે સત્યની. તમે મને જે કઈ પણ કહેવાં જઈ રહ્યાં છો તે તમે જાતે જોયું કે અનુભવ્યું છે?”
“હં…મેં કોઈ બીજા પાસેથી સાંભળ્યું છે,” પેલાં માણસે જવાબ આપતાં કહ્યું, “પરંતુ, તે એક વિશ્વસનીય સ્રોત તરફથી સાંભળ્યું છે. મારું અવલોકન છે – ”
“હશે કદાચ. પણ તેનાંથી મારી પ્રથમ પરીક્ષા પાસ નથી થતી જો કે,” સોક્રેટીસ તેને વચ્ચેથી જ
કાપતાં કહ્યું, “કેમ કે તમને નથી ખબર કે આ સાચું છે કે કેમ.”
“બીજી ગળણી છે ભલાઈની. શું તમે મારા મિત્ર વિશે સારું વાક્ય બોલવાનાં છો?”
“ખરેખર તો નહિ. એ જ તો કારણ છે કે હું ઈચ્છું છું – ”
“તો, તમે મને કોઈ બીજા વિશે ખરાબ કહી રહ્યાં છો પણ તમને પોતાને જ ખબર નથી કે તે સત્ય છે કે કેમ.”
“છેલ્લી ગળણી છે ઉપયોગીતાની,” સોક્રેટીસ કહ્યું. “તમારું મારા મિત્ર વિશેનું એ વાક્ય મને કોઈ પણ રીતે ઉપયોગી થશે ખરું?”
“કદાચ નહિ, મારે તો ફક્ત તમને એ વાત કરવી છે…”
“વારુ, જો આ માહિતી સાચી ન હોય, સારી ન હોય અને ઉપયોગી પણ ન હોય,” સોક્રેટીસે તેને પૂરું કરતાં કહ્યું, “તો મારે તે નથી જાણવી.” આવું કહીને તે ગ્રીક ફિલસૂફ ત્યાંથી ચાલતાં થયાં.

વર્તમાન સમયમાં વધુ પડતી માહિતી સાથે કામ લેવાની મારી રીત પણ આવી જ છે. પૂરી સાવધાની સાથે કોઈપણ વાતચીતમાં સામેલ થતાં પહેલાં હું મારી જાતને પૂછું છું: શું મારે આ વિશે જાણવું છે? આ માહિતી મારા મનમાં સારા વિચારો ભરી શકશે? મારી પાસે આ માહિતી હોય કે ન હોય તેનાંથી કશો ફરક પડશે ખરો? અંતે, જે કોઈપણ તમને ઓળખતું હોય કે ન ઓળખતું હોય તે તમામ ને તમારા વિશે એક મત રહેવાનો. અને, તેમાં કશો વાંધો નહિ.

લોકોને જે જોવું હોય છે તે જ તેઓને દેખાતું હોય છે. અને તેમને જો પોતાની ઈચ્છા મુજબનું ન દેખાય, તો તે તેવું સર્જન કરી લેતાં હોય છે. આ છે અફવાની વ્યાખ્યા. આવી રીતે એક વધુ પડતું સક્રિય મન કલ્પનાઓ કરતું હોય છે.

સામાજિક સંચાર માધ્યમોએ અફવાઓ માટેની આપણી ભૂખમાં ઓર વધારો કરી દીધો છે. આ એક બાધારૂપ તેમજ બિનજરૂરી છે. આપણે અન્ય લોકોનાં જીવનમાં ડોકિયાં કરવામાં ઘણો બધો સમય બરબાદ કરી દેતાં હોઈએ છીએ. માહિતીનાં અગાધ સમુદ્રમાં રહેલી એક નાનકડી નીમો (માછલી). ઓછાંનામે, મારે તો આ સામાજિક સંચાર માધ્યમોમાં ઉમેરો ન કરવો જોઈએ. જેમકે એવું કહેવાય છે કે દરેક સારા કામની શરૂઆત ખુદથી થવી જોઈએ, તો એ રીતે જોતા, આજથી મેં નિશ્ચિત કર્યું છે કે ઓમ સ્વામી ફેસબુક ઉપર કે અન્ય કોઈ પણ સામાજિક સંચાર માધ્યમો ઉપર ન હોવાં જોઈએ. માટે, આજથી, ફેસબુક ઉપર કોઈ ઓમ સ્વામી પેજ નહિ હોય. પીન પ્રિક ઈફેક્ટ માટેનું ફેસબુક પેજ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. હું એક અદ્દભુત ટુકડી દ્વારા એક એપ ઉપર કામ કરી રહ્યો છું કે જે આપણને ફેસબુક વગર પણ એક વૈશ્વિક ધ્યાન કરવાં માટે મદદરૂપ થશે.

પાંચ વર્ષથી, મેં નિયમિતપણે આ બ્લોગ ઉપર અઠવાડિયે એક લેખ લખ્યો છે. આ ઘણો સમય માંગી લેતું કાર્ય છે પરંતુ હું આશા રાખું કે તેનાંથી તમારામાં કોઈને કઈક તો ફાયદો થયો હશે. આગળ જતાં, હું મહિનામાં બે જ લેખ લખીશ. મહિનાનાં પ્રથમ અને ત્રીજા શનિવારે, સવારે ૬ વાગે. (ભારતીય સમય મુજબ).

એક શિષ્યે પૂછ્યું, “ગુરુજી, શું એક સંન્યાસી ઈ-મેઈલનો ઉપયોગ કરી શકે?”
“હાં, પુત્ર,” ગુરુએ ત્વરિત જવાબ આપતાં કહ્યું, “જ્યાં સુધી તેમાં કશું જોડાયેલું (એટેચમેન્ટ = લગાવ) ન હોય.

સમાજિક માધ્યમોમાં બધું બહુ જોડાયેલું છે – બધું એકબીજામાં ફસાયેલું અને ગૂંચવાડા વાળું. બિલકુલ બિનજરૂરી છે, ભાગ્યેજ ફાયદાકારક છે અને બિલકુલ ટાળવા જેવું છે. હું એક સંન્યાસી છું અને નહિ કે કોઈ રોક સ્ટાર. જે ખરેખર મને પોતાનાં જીવનમાં ઈચ્છે છે તેને મારી સાથે જોડાયેલાં રહેવાનો માર્ગ મળી જ રહેશે. ખાસ કરીને જયારે, ઘણાં બધાં સારા માર્ગો ઉપલબ્ધ છે ત્યારે તો ખાસ. આવનાર અનેક નવાં બદલાવની દિશામાં આ મારું પ્રથમ પગલું છે. જેવો સમય પસાર થતો રહેશે, જેમ મારી આજુબાજુ રહેલી ઉર્જાથી મારાંથી ધીરે ધીરે શાંત ગતિ પકડાતી જશે, તેમ તેમ આપણે એકબીજાને વધુ સારી રીતે ઓળખતાં જઈશું. તમને મારો માર્ગ થોડો વધુ સ્પષ્ટતાપૂર્વક સમજાતો જશે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email