એક દિવસમાંથી બીજા દિવસમાં મારા પગ ઘસેડીને ખરેખર હું શું કરી રહ્યો છું? આ સવાલ દરેક જવાબદાર વ્યક્તિનાં જીવનમાં ટાળી ન શકાય તેવો છે. તેને અસ્તિત્વની કટોકટી કહો, મધ્યવયે આવતી કટોકટી કહો કે પછી તમને જે ગમે તે કહો. જો તમે તમારું જીવન એકદમ નિયમાનુસાર જીવ્યાં હોય, અને બીજાને તેમજ તમારી જાતને તમારાથી બની શકે તેટલી મદદ કરી હોય, તો પછી આ તબક્કો અનિવાર્ય છે.

દરેક ડાહી વ્યક્તિ, પોતાનાં જીવનનાં કોઈને કોઈ તબક્કે તો એક સતત ખાલીપાની લાગણીથી ગ્રસ્ત થઇ જ જતી હોય છે. બધું હોવાં છતાં તમને કશું નથી અનુભવાતું હોતું. દુઃખી થવા માટે કોઈ ખરું કારણ નથી હોતું અને તેમ છતાં ખુશી કે સુખ કશામાં નથી મળતું. મારી પાસે સંપત્તિ, કુટુંબ, સ્વતંત્રતા, મોભો છે, મારે ખુશ રહેવું જોઈએ, તમે એવું વિચારો છો પરંતુ જીવન તેમ છતાં કઈક નક્કામું જ લાગે છે. જાણે કે જેટલું વધારે મેળવીએ તેટલું જ વધારે ખાલી ન લાગતું હોય.

દરેક શ્રીમંત માણસ કઈ ખાલીપો નથી અનુભવતો હોતો અને દરેક ગરીબ માણસ કઈ પરિપૂર્ણતા નથી અનુભવતો હોતો. બધાં સમયે તો નહિ જ. સુખ એ એક નખરાબાજ સાથી છે. તમે તેની વફાદારી કે સ્થિરતા ઉપર શરત ન લગાવી શકો.

આપણે ઘણી વખત વિચારતાં હોઈએ છીએ કે સુખ એ આપણી સ્વપ્નસૃષ્ટિમાં વસે છે, એક એવું સ્થળ કે જ્યાં દરેક બાબત (અને દરેક વ્યક્તિ) મારી અનુકુળતા મુજબ ચાલે છે. અને તેથી, જીવન પણ હું ઈચ્છું તેમ ચાલશે, મારે કોઈ અધૂરપ, ઈર્ષ્યા, ક્રોધ વિગેરે લાગણીઓ સાથે નહિ કામ લેવું પડે. આ એક અતિ ઉન્નત અને અજ્ઞાની દ્રષ્ટિકોણ છે.

ચુનોતીઓ અને સંઘર્ષોથી મુક્ત જીવન જરૂરી નથી કે કોઈ સુખી જીવન હોય. વાસ્તવમાં, એ તો એક અતિ કંટાળાજનક હોય છે અને અંતે એક તીવ્ર દુઃખ અને એક મોટા ખાલીપા તરફ લઇ જશે. આપણા સંઘર્ષો આપણને શીખવાડે છે, આપણને ઘડે છે.

ડૉ. વિક્ટર ફ્રેન્કલ કે જેમની ફિલસુફીનો આજનાં મારા લેખમાં રજુ કરેલાં મારા મત સાથે એકદમ સૂચક અને સીધો પ્રભાવ છે:

માણસને માટે જે જરૂરી છે તે કોઈ તણાવ વગરની અવસ્થા નથી પરંતુ તે તો છે કોઈ યોગ્ય ધ્યેય માટે, નક્કી કરેલાં કાર્ય માટે મહેનત કરવી અને સંઘર્ષ વેઠવો. તેનાં માટે કોઈપણ કિંમતે તણાવથી મુકિત મેળવવી તે જરૂરી નથી, પરંતુ જરૂરી છે એક એવાં સંભવિત અર્થની કે જે તેનાં દ્વારા પરિપૂર્ણ થવાની રાહ જોઈને બેઠો છે.

જેમ કે આપણે જોઈએ છીએ, કે માણસ એ કોઈ સુખની શોધમાં નથી પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં છુપાઈને રહેલાં કોઈ સંભવિત અર્થને સાકાર કરીને તે સુખી થવાં માટેનાં કોઈ એક કારણની શોધમાં લાગેલો હોય છે.

મને લાગે છે ડૉ. ફ્રેન્કલે અહી બહુ સ્પષ્ટ વાત કરી છે. આપણે સૌને સુખી થવા માટેનું એક કારણ હોવું જ જોઈએ. આપણી માલિકીનું જે કઈ પણ આપણી પાસે હોય કે આપણા પોતાનાં લોકો એ એક સુખી થવાં માટેનું , તેનાં માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાં માટેનું કારણ છે, પરંતુ તે કોઈ કાયમ ચાલે તેવાં કારણો નથી કેમ કે તે આપણા જીવનને અમુક માત્રાથી વધુ અર્થ આપી શકે તેમ નથી. નિ:શંક તેનાંથી જીવનમાં રંગો, વિવિધતા, આનંદ, અને સુખ તેમજ પરિપૂર્ણતાની ક્ષણો પણ આવતી હોય છે. છતાં, તેનો અર્થ એ નથી કે આપણે એક અર્થપૂર્ણ જીવન જીવી રહ્યાં છીએ. નહિતર, લાખો કરોડો લોકો કે જે ભૌતિક રીતે સુખી છે તેઓને એકલતા, ઉદાસીનતા અને તણાવ જેવા મોટા દૈત્યો સાથે લડવું પડતું ન હોત.

ફ્રેડરિક નિત્સે કહ્યું છે, “જેની પાસે જીવન જીવવાનું કોઈ કારણ હોય છે તે કોઈપણ રીતે ટકી રહી શકે છે.”

જો તમારી પાસે દરરોજ સવારે પથારીમાંથી ઊઠવાનું કારણ હશે, તો તમે ઉઠશો. જો તમારી પાસે જીવવાનું કારણ હશે, તો તમે જીવશો જ. જો તમારી પાસે પ્રેમ કરવાનું કારણ હશે, તો તમે કરશો જ. જો તમારી પાસે ખુશ કે સુખી રહેવાનું કોઈ કારણ હશે, તો તમે ખુશ કે સુખી રહેશો જ. અને કારણ ફક્ત એક વસ્તુનાં લીધે હોય છે: અર્થ. જો તમારા જીવનને કોઈ અર્થ હશે, જો તમારા સંબંધને કોઈ અર્થ હશે, તો તમે કુદરતી રીતે જ પરિપૂર્ણતા અનુભવશો. અર્થ એકમાત્ર એવો પ્રકાશ છે કે જે ખાલીપાનાં અંધકારને દુર કરે છે.

અને જીવનમાં અર્થ પામવા માટેનાં ત્રણ રસ્તા છે.

ભલાઈ કે સારાપણું

વેદાંતિક વિચારધારામાં એક પ્રખ્યાત સૂત્ર છે સત્યમ્ શિવમ્ સુંદરમ્. સત્યમ્ અર્થાત સત્ય, શિવમ્ અર્થાત દિવ્યતા અને સુંદરમ્ અર્થાત સુંદરતા. જે ક્ષણે તમે તમારા જીવનમાં જે કઈ પણ સારું રહેલું છે તેને જોવાની અને તેની કદર કરવાની કલા શીખી લો છો, ત્યારે તમે જીવનનાં માર્ગે રહેલાં સત્યને જોઈ શકો છો. જીવન તમને જેમાંથી પણ પસાર કરાવે તેમાં તમે એક દિવ્યતાને જોઈ શકશો. તમને તેમાં રહેલી દરેક સુંદરતાથી પ્રેરણા મળશે. દરેક આવનાર ક્ષણમાં રહેલી ભવ્યતા, ગરિમા, અને ચમત્કાર તમને અંદરથી પીગળાવી નાંખે છે, તે તમને તમારા જીવનની આજુબાજુ રહેલી ભલાઈને જોવા માટે હળવેથી જોર કરે છે. ભૂરું આકાશ, તંદુરસ્ત શરીર, સાબૂત મન, લીલા વૃક્ષો, અગાધ સમુદ્ર, દરેક વસ્તુમાં સારું ભરેલું છે. આ એક મનોવસ્થા છે કે જે જાગૃતપણે વિકસાવી શકાય છે. વેદો તેને સત્વ કહે છે, એક સારા હોવાની રીત. સારાઈ કે ભલાઈનો સમાનાર્થી શબ્દ છે પરિપૂર્ણતા. એક સાત્વિક મન (કે જે ભલાઈથી ભરેલું હોય છે) એ શાંત મન હોય છે. માટે, એક રસ્તો છે કે તમારા મનને સારા વિચારોથી ભરી દો. અથવા તો, વર્તમાન ક્ષણમાં રહેલાં સત્યને, દિવ્યતાને, સુંદરતાને જોવા માટેનો પ્રયત્ન કરો. તેનાંથી તમારા જીવનને એક અલગ જ અર્થ મળશે.

સેવા

બીજો માર્ગ છે તમારી જાતને કોઈ એક કારણ માટે ખપાવી દો. તમારા શરીર, મન અને આત્માને કોઈ એક કારણ માટે સમર્પિત કરી દેવાંથી તમારી વ્યક્તિગત ચેતનાનો એક અસાધારણ વિકાસ થાય છે. તમારા જીવનમાં આજુબાજુ જે કઈ પણ ચાલી રહ્યું હશે તેને લઈને તમારા સમયમાં થોડી ઉદાસીન ક્ષણો આવશે પણ ખરી, પણ તેનાંથી તમારું જીવન અર્થહીન નહિ લાગે. તમારા જીવનમાં જેવું તમે કોઈ કારણને ઉઠાવશો કે તમે જોશો કે તમે તમારા મર્યાદિત અને વ્યક્તિગત અસ્તિત્વમાંથી ઉપર ઉઠી શકશો અને એક વિશાળ પટમાં ડગલું ભરી શકશો. એક પંખીનું બચ્ચું ઉડવાની આશાએ જયારે માળામાંથી કુદી પડે છે ત્યારે તે જમીન પર ઊંધા માથે નથી પછડાતું, એક ચોક્કસ ક્ષણે તેને ખબર હોય છે કે ક્યારે પોતાની પાંખો ફડફડાવવી. કુદરત તેને મરવા નહિ દે. તમારી જાતને કોઈ એક કારણ માટે સમર્પિત કરી દેવાંથી તે તમને તમારી ક્ષમતાની ટોંચ પર પહોચવામાં બળ પૂરું પાડે છે. વેદો તેને રજસ કહે છે, જેનો અર્થ છે એક ધૂન સવાર થઇ જવી. જયારે તમે રાજસિક હોવ છો ત્યારે તમે ઉર્જાથી ભરપુર હોવ છો અને તમે તમારાં કામે લાગવાં માટે અધીરા બની જાવ છો, કેમ કે તમારા કારણે તમારા જીવનને એક અર્થ આપી દીધો હોય છે. તમારું કારણ તમારી અંદર એક સેવાનાં ભાવથી શ્વસતું રહે છે, જે તમારી નકારાત્મક લાગણીઓને એક ઉપયોગી શક્તિમાં પરિવર્તિત કરે છે.

દુઃખ

દુઃખ દ્વારા મારા કહેવાનો અર્થ એ નથી કે તમાર જીવનમાં કઈ ભયંકર ઘટવું જોઈએ. ઉલટાનું આપણા જીવનમાં જે કઈ ભ્રમણાઓથી આપણે હલી જતાં હોઈએ છીએ તે તમામ વસ્તુ આપણને દુઃખી કરતી હોય છે. આવાં પ્રસંગો અને અનુભવો કે જે આપણને વિક્ષુબ્ધ કરી નાંખે તેવાં હોય છે, અને તે આપણને આપણા વિરામક્ષેત્રમાંથી બહાર કાઢે છે. તે આપણને નમ્ર બનાવે છે અને અન્ય લોકોનાં દ્રષ્ટિકોણ પ્રત્યે આપણને વધુ ખુલ્લા મન વાળા બનાવે છે. તે આપણને આપણા જીવન ઉપર, આપણી પસંદગીઓ ઉપર અને આપણા કર્મો ઉપર ચિંતન કરતાં કરી દે છે. તમને અનુભૂતિ થાય છે કે તમે જે કઈ પણ વસ્તુને હળવાશ પૂર્વક લીધી હતી તે તમામ એક આશિર્વાદ સમાન હતી. આ નવી જ્ઞાનપ્રાપ્તિ અને નમ્રતાથી, તમે જીવન પ્રત્યે જુદા દ્રષ્ટિકોણથી જોતા થાવ છો. તેનાં માટેનો વેદિક શબ્દ છે તમસ, એક પ્રકારનું અજ્ઞાન. અજ્ઞાન આપણને સહન કરાવડાવે છે. (હાં, આ ૧૦૦% સાચું છે. કારણકે, દુઃખ એ કોઈ એવી બાબત નથી કે જે આપણા ઉપર પડતું હોય છે, આપણે તેનું કેવું અર્થઘટન કરીએ છીએ તેનાં ઉપર તે આધારિત છે. દાખલા તરીકે, એક અજ્ઞાની વ્યક્તિ પોતાની ખોટ એટલી ગરિમાપૂર્વક નથી પચાવી શકતું જેટલું એક જ્ઞાની વ્યક્તિ પચાવી શકે છે.) મારા મત પ્રમાણે, અજ્ઞાન એ વ્યક્તિનાં દુઃખનું મુખ્ય કારણ છે અને દુઃખ એ અર્થનું બીજ છે. બુદ્ધ માટે પણ, એ એક દુઃખનું દ્રશ્ય હતું કે જેણે તેમને એટલાં બધાં પીગળાવી નાંખ્યા કે તેમને રાજપદ ત્યાગીને ભગવા પહેર્યા અને પોતાની યાત્રાએ નીકળી પડ્યાં.

એક યુવાન માણસ પોતાની માતાને કહે છે કે પોતે એક છોકરીનાં પ્રેમમાં પડ્યો છે અને તેની સાથે લગ્ન કરવાં માંગે છે.

“મજાક માટે, મમ્મી,” તેણે કહ્યું, “હું ત્રણ છોકરીઓને લાવીશ અને તારે મને અનુમાન લગાવીને કહી દેવાનું કે એમાંથી કઈ સાથે હું લગ્ન કરવાનો છું.”

અને બીજા દિવસે, ત્રણ સુંદર છોકરીઓ તેની માં સામે બેઠી હોય છે.
“તું કહી શકે છે, કઈ છોકરી મારી પત્ની બનશે?” છોકરાએ ઉત્સાહપૂર્વક પૂછ્યું.
“જમણી બાજુએ બેઠી છે તે,” માં એ આંખના પલકારામાં જવાબ આપ્યો.
“ઓહ, માય ગોડ! તું ખુબ જ અદ્દભુત છો, તને કેવી રીતે ખબર પડી?”
“કારણકે…” માં એ બેલાશક જવાબ આપતાં કહ્યું, “મને એ નથી ગમતી.”

જીવન ફક્ત આપણને કશું આપે છે તેનાં માટે થઇને આપણે તેને નથી ગમાડવાનું એવું નથી. અમુક સમયે, એક દ્રષ્ટા બની રહેવું, એક બિનનિર્ણયાત્મક સાક્ષી બની રહેવાં માત્રથી જ આપણે કઈ દિશા લેવી જોઈએ તેની સમજ પડવા લાગતી હોય છે.

આપણો મૂળભૂત સ્વભાવ આપણને જીવનનો અર્થ શોધવા માટે ફરજ પાડે છે. જયારે એક ઉત્સુક મનની વાત છે ત્યાં અર્થની ખોજ એ સુખનું રહસ્ય છે. તમને ખબર છે, જયારે તમે કોઈ ટુંચકાનો અર્થ સમજો છો ત્યારે તમે હસો છો ત્યારે કેવી એક ઉર્જા મુક્ત થતી હોય છે. જીવનનું પણ એવું જ છે. તમે જેવો તેનો અર્થ સમજો છો તે જ ક્ષણે તમને મુક્તિનો અનુભવ થાય છે. જુદી જુદી વસ્તુઓ જુદા જુદા લોકો માટે જુદો જુદો અર્થ ધરાવે છે. તે એક અંગત બાબત છે.

જયારે તમે ભલાઈથી, સુંદરતાથી અને દિવ્યતાથી બેખબર રહો છો, કે પછી જયારે તમે નિ:સ્વાર્થ ભાવે તમારો થોડો સમય કોઈ એક કારણ માટે સમર્પિત નથી કરતાં, ત્યારે જીવન તમને એક ત્રીજો દ્રષ્ટિકોણ આપે છે: દુઃખનો. તે એક અચાનક કંટાળો, ઊંડા દુઃખ, અને એક ગંભીર તણાવ સાથે આવતું હોય છે કે પછી અંગત ખોટ દ્વારા તમને ઊંઘમાંથી ઉઠાડી મુકે છે. તમારે જે પણ રસ્તે જવું હોય તે પ્રથમ, બીજો કે ત્રીજો જે પણ રસ્તે જવું હોય તે, પસંદગી તમારી.

હિમાલયમાં કમળ તાજા પાણીનાં તળાવમાં નથી ઉગતાં, તે કાદવમાં ખીલે છે. ખાલીપો અથવા તો દુઃખ તે જીવનની શિથિલ અવસ્થા નથી. તે કોઈ તમારા મનની ખરાબી પણ નથી. તેનો અર્થ ખાલી એટલો છે કે જીવન તમને એવું કહી રહ્યું છે કે તમે હવે તમારા અંદરનાં અવાજને વધુ વાર ન અવગણો કે પછી તમારા ધ્યેયને શોધી કાઢો. સુગંધનું બીજ તમારા અસ્તિત્વનો આધાર છે. જયારે નિષ્ક્રિયતા આવે, ત્યારે બદલાવનું કમળ ખીલવાની તૈયારીમાં હોય છે. તમારે ત્યારે ફક્ત તેનો વિરોધ નથી કરવાનો.

પ્રવાહ સાથે વહેતાં રહો અને જુઓ કે જીવન તમને ક્યાં લઇ જાય છે. બીજને ખીલવા દો.

જેની પાસે જીવન જીવવાનું કોઈ કારણ હોય છે તે કોઈપણ રીતે ટકી રહી શકે છે…

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email