એક વખત એક સ્ત્રી હતી, જે એક સમાજિક કાર્યકર્તા હતી, જે લોકોને દારૂના વ્યસનમાંથી મુક્ત કરતી હતી. તે એક નાનું શહેર હતું અને દર વખતે જયારે પણ તેને ખબર પડતી કે કોઈ દારૂ પી રહ્યું છે, કે તે તરત જ તે વ્યક્તિ સાથે વાત કરવાં માટે ત્યાં થોડા લોકોનું ટોળું લઈને પહોંચી જતી અને તેને દારૂની આડઅસરો વિશે વિસ્તારપૂર્વક સમજાવવા લગતી. હકીકતમાં, તે સમુદાયમાં દારૂ પીતાં વ્યક્તિઓની સંખ્યા ધીરેધીરે ઘટવા લાગી કારણકે કોઈને તેનો સામનો કરવો ગમતો નહિ.

એક વખત એક મુલાકતી તે શહેરમાં રહી ગયેલાં એક માત્ર શરાબખાનામાં બેસીને મોજથી પોતાનો દારૂ પી રહ્યો હતો. જેવી પેલી સ્ત્રીને ખબર પડી કે તે તો થોડા લોકોને લઈને ત્યાં પહોંચી ગયી.

“સાહેબ,” તે ઉત્સાહપૂર્વક બોલી, “તમને ખબર છે ને કે દારૂ એ તમારી સમસ્યાઓનો ઉકેલ નથી”
“એમ મને તે વિશે કહે, પણ તને ખબર છે!,” પેલાં વ્યક્તિએ પણ તેટલાં જ ઉત્સાહથી જવાબ આપતાં કહ્યું, “દારૂથી મને થોડાં સમય માટે તો ચોક્કસ મારા પ્રશ્નોને ભૂલી જવામાં મદદ મળે છે.”
પેલી સ્ત્રીને પોતાની દલીલમાં રહેલી નિરર્થકતા ખબર પડતાં તેને પોતાની દલીલ બીજી દિશામાં વાળી જોઈ. તેને કહ્યું, “તેનાંથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ અસર થાય છે અને મૃત્યુ પણ વહેલું થઇ શકે છે.”
“મને મોતથી ડર નથી લાગતો. કારણકે મને ખબર છે કે હું આ જગ્યાએથી ઉભો થઇને બહાર જઉં તો ત્યાં પણ મને અકસ્માત નડી શકે છે અને હું ત્યાં જ મૃત્યુ પામી શકું છું. તો પછી શા માટે થોડું જીવી પણ ન લેવું.”
“સારું” તેને નિસાસો નાંખતા કહ્યું. “તમે કેટલાં સમયથી પીવો છો?”
“રોજ છેલ્લાં ૨૦ વર્ષથી. અને મારી તંદુરસ્તીને કશું થયું નથી.”
“રોજના કેટલાં ખર્ચો છો?”
“૧૦ ડોલર”
“તો વર્ષનાં તે થયાં $૧૦ × ૩૬૫ = $૩૬૫૦”
“બરાબર”
“અને ૨૦વર્ષનાં કુલ થયાં $૩૬૫૦ × ૨૦ = $૭૩૦૦૦”
“વાહ, મેં તો આ રીતે ક્યારેય વિચાર્યું જ નથી!” પેલા માણસે પોતાનો દારૂનો ગ્લાસ નીચે મૂકતાં કહ્યું.
“બિલકુલ! અને જો આપણે વ્યાજની પણ ગણતરી કરીએ તો તે થયાં $૧૦૦,૦૦૦” પેલી સ્ત્રીએ જોશમાં આવતાં કહ્યું.
“અને $૧૦૦,૦૦૦માં તો શ્રીમાન, તમે BMW ૭-સીરીઝ લઇ શક્યાં હોત!”
“તમારો તર્ક બિલકુલ બરાબર છે, શ્રીમતીજી! હવે હું તમને એક સવાલ કરું?”

પેલી સ્ત્રીએ વિજયી ભાવથી ડોકું હલાવી અનુમતિ આપી અને સાથે આવેલાં લોકો તરફ જોયું કે જેઓ તેનાં બુદ્ધિમતા વાળા તર્કથી ખુબ જ પ્રભાવિત થઇ ગયાં હતાં.
“તમે પીવો છો?” પેલી વ્યક્તિએ નમ્રતાપૂર્વક પૂછ્યું.
“બિલકુલ નહિ! મેં તો છેલ્લાં ૩૦ વર્ષમાં દારૂને હાથ પણ નથી લગાવ્યો!”
“કહેવું પડે હોં બાકી!” પેલા માણસે આશ્ચર્ય પામતાં કહ્યું. “તો તમારી BMW કેવા રંગની છે?”
“માફ કરશો, શું કહ્યું?” પેલી સ્ત્રીએ નવાઈ પામતાં પૂછ્યું.
“મારો કહેવાનો અર્થ એ છે કે જો તમે દારૂ ના પીતાં હોય, તો તમે રોજનાં ૧૦ ડોલર બચાવ્યાં હશે અને હું એવું માનું છું કે તમે BMW લીધી હશે.”

પેલી સ્ત્રી તો પગ પછાડતી શરાબખાનામાંથી બહાર નીકળી ગઈ.

આ ટુંચકો કહેવાનો મારો અર્થ દારૂ પીવાની બાબતને ટેકો આપવા માટેનો બિલકુલ નથી. જો કે મારે એક મહત્વનો મુદ્દો કહેવાનો છે.

આપણને બધાંને જીવનમાં કોઈને કોઈ પસ્તાવો હોય છે. અને હું કોઈ ગંભીર પસ્તાવો કે જે ખરાબ કર્મ કે પાપકર્મ કરવાથી આવતો હોય તેની તો વાત પણ નથી કરી રહ્યો. હું મગજમાં ચાલતાં એક સીધા સાદા ઘોંઘાટની વાત કરી રહ્યો છું. એક એવો સતત ગણગણાટ જે આપણા મગજમાં ચાલતો રહેતો હોય છે કે આપણું જીવન કેવું હોવું જોઈતું હતું, અને કેવું હશે કે કેવું હોવું જોઈએ, જો આપણે આમ કર્યું હોત કે તેમ કર્યું હોત તો કેવું રહેત. પેલી કાર્યકર્તાની જેમ, તમારું મન જયારે પણ તમે શાંતિથી બેસીને તમારી પસંદની પ્રવૃત્તિ કરી રહ્યાં હોય ત્યારે તેનો બબડાટ ચાલુ થઇ જાય છે. તે કોઈને કોઈ રીતે તમારી સળી કર્યે રાખે છે અને તમે ભૂતકાળમાં કરેલી પસંદગીઓ વિશે યાદ અપાવ્યાં કરે છે. એવી પસંદગીઓની કે જેનાં માટે તમે ક્યારેક ખુબ ગર્વ અનુભવતા હતાં પણ હવે નહિ. તમે નિરાશા અનુભવવા લાગો છો, એક પસ્તાવાની લાગણી તમારી અંદર વહેવા લાગે છે અને તે તમારી જ શાંતિને અંદરથી ધોવા માંડે છે. વર્તમાન એકદમ નીરસ લાગે છે ભવિષ્ય અંધકારમય. તમને લાગે છે કે કાશ તમે જુદી રીતે જીવ્યાં હોત.

આ નબળી ક્ષણમાં જયારે તમે પસ્તાવાથી લદાયેલાં હોવ છો, ત્યારે તમારું મન તમે સોનેરી વર્તમાન હોવાં માટે ભૂતકાળમાં શું કરી શક્યાં હોત તેનાં ઉપર કેન્દ્રિત થઇ જાય છે. અને જેમ કે તેઓ કહે છે કે પસ્તાવાની દ્રષ્ટી ૨૦/૨૦ હોય છે. સત્ય એ છે, તમારા ભૂતકાળ વિશે સતત પૃથ્થકરણ કર્યા કરવું તે એક બેચેન મનનું નર્યો બકવાસ જ હોય છે. કારણકે તમને તે સમયમાં જે સાચું લાગ્યું તે જ તમે કર્યું હોય છે. અને, તે, મારા મત પ્રમાણે, પુરતું હોય છે. સૌથી વધારે મહત્વનું જો કશું હોય તો તે છે તમારા વર્તમાન ઉપર ધ્યાન આપવું અને તેને કિંમતી બનાવવો, કારણકે આજનો વર્તમાન આવતીકાલનો ભૂતકાળ છે.

જયારે તમારા જીવનમાં ઉતાર ચડાવ આવે, તે પહેલાં તમારા ભવિષ્ય માટે કટિબદ્ધતા રાખવામાં ક્યારેય મોડું નથી થયેલું હોતું. અઠવાડિયાઓ, મહિનાઓ કે વર્ષો ગણતાં બેસી ન રહો. સરળપણે, ચાલતાં રહો, એક સમયે એક ડગલું. અને યાદ રાખો, જો તમે તમારી યાત્રા પર હવે નહિ નીકળો, તો તમારો પોતાનો સમય જ ઓર વધારે બગડવાનો. કારણ કે સમય તો આમેય સતત પસાર થઇ જ રહ્યો છે.

જો તમારે સમયનું ભાન કરવું હોય તો તમારી વિરામઘડી જુઓ (તમારા ફોનમાં પણ હશે) કે જ્યાં તમે મિલીસેકન્ડ્સ ને ભાગતી જોઈ શકશો. જીવન એટલું ઝડપથી ભાગતું હોય છે. ઘડીનાં છઠ્ઠા ભાગમાં લાખો જીવો જન્મતાં અને મરતાં હોય છે. સમયનું ચક્ર અવિરત ચાલતું રહેતું હોય છે. વિતી ગયેલી ક્ષણો ક્યારેય પાછી આવતી નથી. આ જીવંત ક્ષણમાં એક ડહાપણ અને સજાગતા પૂર્વક વર્તો. ભૂતકાળ મૃત છે, તેમાં તમારા માટે કશું નવું નથી રહેલું. અને ભવિષ્ય એ આવતીકાલનો વર્તમાન છે. વર્તમાનક્ષણ એકમાત્ર જીવંત ક્ષણ છે, એકમાત્ર સાચી ક્ષણ કે જેમાં જીવન તેની સમગ્રતાથી અસ્તિત્વ ધરાવતું હોય છે.

એક શ્રીમંત વ્યક્તિ પાર્ક કરેલી પોતાની બેન્ટલી કાર તરફ જઈ રહ્યો હોય છે અને તે જુએ છે કે તેની આગળની લાઈટ તૂટી ગઈ હોય છે અને બમ્પરને પણ નુકશાન થયેલું હોય છે. તે ઉતાવળો થઇને આજુબાજુ જુએ છે કે કોઈ નુકશાન કરવાં વાળો નજરે પડે છે કે કેમ. તેને, જો કે, ગાડીનાં વાઈપર નીચે મુકેલી એક ચબરખી જોઈને હાશ વળે છે. જેમાં લખ્યું હોય છે:
“માફ કરશો. મારાથી તમારી ગાડીને ટક્કર વાગી ગઈ. મારી આજુબાજુનાં લોકો ડોકું હલાવતાં હતાં અને સ્મિત કરતાં હતાં એવું વિચારીને કે હું મારું નામ અને બીજી વિગત અહી લખીને છોડી રહ્યો છું. પણ નાં, હું તેમ નથી કરી રહ્યો.”

અને જીવન વિશે પણ આવું જ છે. આપણા કોઈપણ પ્રકારનાં સીધા વાંકગુના વગર આપણો વર્તમાન કોઈ વાર આપણી ધારણા કરતાં જુદો તરી આવતો હોય છે, અને આપણે એવું વિચારીએ છીએ કે જીવન આપણને તે કેવી રીતે સરખું કરવું તેનાં વિશે કોઈ સંકેત આપશે. પણ ત્યાં એવું કશું હોતું નથી.
તમારા ભૂતકાળમાંથી અને પસ્તાવાની લાગણીઓમાંથી બહાર નીકળવાનો એક માર્ગ એ છે કે તમારા જીવનને કોઈ અર્થ આપો. એક વખત તમે અર્થ, તમારા જીવનનો હેતુ શોધી કાઢશો ત્યારે તમે પહેલાનાં જેવા જુના રહેતાં નથી. તમારા આ જ શરીરમાં તમે નવાં થઇને જન્મશો. જયારે તમારો નવો શોધેલો અર્થ તમારું માર્ગદર્શન કરવાં લાગશે અને તમને એક પ્રેરક બળ આપતું રહેશે ત્યારે તમારી જૂની આદતો અને પ્રવૃત્તિઓને છોડવી એકદમ સરળ બની રહેશે.

જીવનનો અર્થ કેવી રીતે શોધવો, તમે પૂછશો? હું તેનાં ઉપર મારા વિચારો ટૂંક સમયમાં લખીશ. આશા રાખું છું કે આવતાં અઠવાડિયે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email