વેદિક સાહિત્યમાં એક શબ્દપ્રયોગ છે કે જેનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. તે છે બ્રહ્મચારી, અને તેનો ઘણી બધી વખત મર્યાદિત અર્થઘટન કુંવારાપણા તરીકે કરવામાં આવે છે. જો કે, તેનાં ખરા અર્થને સંયમ સાથે બહુ ઓછી લેવાદેવા છે. બ્રહ્મચારી એટલે એ વ્યક્તિ કે જે બ્રહ્મ (દિવ્ય)ની જેમ પાલન (આચરણ) કરે. આ અર્થનાં સાપેક્ષમાં બૌદ્ધ સાહિત્ય આવી વ્યક્તિને બ્રહ્મ વિહારી – જેનું વર્તન ઉમદા અને દિવ્ય છે તે – કહે છે. આવી વ્યક્તિનાં ચાર લક્ષણો છે. તમે આ ચાર લક્ષણોને તમારી અંદર વિકસાવો અને તમે જોશો કે તમારો ગમે તે સંબંધ હશે તે દિવ્ય થઇ જશે. જયારે પ્રેમ અને પરવરિશની વાત આવે ત્યારે તેમાં એક પાંચમું લક્ષણ પણ છે.

ગતાંકથી ચાલુ કરીએ તો, મેં તેમાં પ્રથમ લક્ષણ – દયા (કરુણા) – ને આવરી લીધું હતું, ચાલો બાકીના ચારની વાત આજે કરીએ, અને શરૂઆત જે સૌથી વધુ મહત્વનું લક્ષણ છે તેનાંથી કરીએ. કે જે આપણો એક રીતનો સ્વભાવ બની ગયો છે, ચાલો હું તમને પ્રથમ એક વાર્તા કહું.

એક કોન્ટ્રાકટ ઉપર કામ કરતાં કામદારને બે શિફ્ટમાં કામ કરવું પડતું હતું. તે થાકથી ચૂર અને ચિડાયેલો ઘરે આવ્યો હતો (તમને આ લાગણીની ખબર છે).
“ડેડ,” તેનાં છ વર્ષનાં દીકરાએ પૂછ્યું, “તમેં એક કલાકમાં કેટલાં પૈસા બનાવો છો?”
“અત્યારે નહિ, બેટા,” તેને કહ્યું. “અને વારુ, તને એ વાતની ખબર હોવી જોઈએ કે આ એક અશિષ્ટ સવાલ છે!”
“પણ મારે ખાલી જાણવું છે!”
“આ શું છે!” પેલો પિતા બરાડ્યો. “તારો થાકેલો બાપ ઘેર આવે છે અને તું તેને એક આલિંગન આપવાને બદલે એક બુદ્ધિ વગરનો સવાલ કરે છે.”
“પણ, મારે તાત્કાલિક કશુંક ખરીદવું છે,” પેલા છોકરાએ જીદ કરતાં કહ્યું.
“સ્વાર્થી નાલાયક!” પિતાનો પિત્તો ગયો. “આઘો જા અહીંથી!”
“પણ – “
“બિલકુલ દલીલ નહિ! તારા રૂમમાં જા.”

પેલો છોકરો માથું નીચું કરીને ત્યાં જ ઉભો રહ્યો. તેની આંખો છલકાઈ ગઈ અને તેમાંથી આંસુ નીચે પડવાં લાગ્યા.
“મેં કીધું તારા રૂમમાં જા! અત્યારે જ!”
છોકરો તો ચુપચાપ પોતાનાં રૂમમાં જતો રહ્યો અને બારણું બંધ કરી દીધું.

રાત્રીનાં જમણ બાદ પિતા થોડો શાંત થયો અને, તે પેલાં નાનાં છોકરાનાં ઓરડામાં ગયો.

“મારી ભૂલ થઇ ગઈ, બેટા,” તેને કહ્યું. “હું ખુબ થાકેલો હતો અને મને ખબર જ નાં રહી કે મેં શું કહી દીધું. બોલ તારે શું લેવું છે?”
“પહેલાં મને એ કહો કે તમને કલાકનાં કેટલાં પૈસા મળે છે,” છોકરાએ બીતાંબીતાં પૂછ્યું.
“કલાકનાં ૨૦ ડોલર.”

પોતાનાં ઓશિકાં નીચેથી તેને થોડાં પૈસા કાઢ્યા. એક ડોલરની ચૂંથાઈ ગયેલી નોટો, થોડા પરચુરણ સિક્કાઓ જે તે કેટલાંય અઠવાડિયાઓથી બચાવી રહ્યો હતો.

“આ રહ્યાં ૧૦ ડોલર, ડેડ,” તેને પૈસા પોતાનાં પિતાનાં હાથમાં મૂકતાં કહ્યું. “તમે મારી જોડે અડધો કલાક રમશો?”
પ્રથમ સવાલ સાંભળીને પિતાનો જે ગુસ્સા વાળો પ્રતિકાર હતો તે કદાચ હવે ગેરવ્યાજ્બી લાગી શકે પરંતુ ક્રોધ હંમેશાં તે જ તો છે: ગેરવ્યાજબી. પાછળથી, જયારે તમે શાંત થઇ જાવ ત્યારે વિચાર કરતાં તમને ભાન થતું હોય છે કે તે કેટલું વધારે પડતું હતું, અન્યાયી હતું પરંતુ જયારે તે લાગણીમાંથી પસાર થતી વખતે, તો તે સાચું જ લાગતું હોય છે. ચાલો જવા દો, મેં આ વાર્તા ક્રોધ સમજાવવા માટે નથી ટાંકી પરંતુ એક તદ્દન જુદા જ કારણોસર કહી છે કે જે મને પરવરિશનાં પ્રથમ સિદ્ધાંત તરફ લઇ જાય છે.

સમય

સૌથી મોટો સવાલ એ છે કે તમારી પાસે શું પરવરિશનો સમય છે? આરામદાયકતા, શ્રેષ્ઠ ભણતર, ગેજેટ્સથી સમયની ભરપાઈ નથી થઇ શકતી. સારી પરવરિશ માટે તમારે તમારા બાળકોને સમય આપવો પડે. હું સમજુ છું કે કામ પર ખુબ અપેક્ષાઓ રહેતી હોય છે અને તમે ઘેર થાકેલાં આવતાં હોવ છો અને એક શબ્દ પણ ઉચ્ચારવાની ક્ષમતા હોતી નથી, પરંતુ એક “સારા માવતર” બનવા માટે તમારે “સારો સમય” આપવો પડશે.

આનો અર્થ એ છે કે તમારા ટીવી જોવાનાં સમયમાં અને બીજું કશું કરવાંનાં સમયમાં કાપ મૂકીને તમારા બાળક(બાળકો) જોડે વધુ સમય પસાર કરો. અથવા તો તેનો અર્થ એ પણ થઇ શકે કે તમે તમારી વ્યાવસાયિક મહત્વકાંક્ષાઓ ઉપર અંકુશ રાખો અને તમારા કુટુંબને તમારી પ્રાથમિકતાની યાદીમાં મોખરે મુકો. એક કુટુંબને ખુશ રહેવાં માટે મિલિયન-ડોલર ઘરની જરૂર નથી હોતી. તમારે તેટલી મોટી લોન કે મોંઘી ગાડી લેવાની જરૂર નથી. કરોડો લોકો આઈફોન વગર પણ આરામથી વાત કરી શકે છે. ખબર પડી?

આ ફક્ત પરવરિશ માટે જ સત્ય નથી, પણ દરેક બાબત માટે છે. તમારે જે બાબતની માવજત કરવી હોય તેનાં માટે તમારે સમય આપવો પડશે. ગુસ્સા વાળા વિચારોને તમારો સમય આપો અને તમારામાં ગુસ્સો વધશે. પ્રેમાળ વિચારોને તમારો સમય આપો અને તમારામાં પ્રેમ વધશે. કઈ પણ શિખવું હોય તો તેને સમય આપો.

મૈત્રી

સામાન્ય રીતે, તેને પ્રેમાળ-ભલાઈ તરીકે ઓળખવામાં આવે છે. જે કઈ પણ મિત્ર તરફથી આવતું હોય કે આપવામાં આવતું હોય કે પછી મિત્રનાં હોવું તે પણ એક મૈત્રી છે. આપણા વિશે તેઓ શું માનશે તેની ચિંતા કર્યા વગર મિત્રો સાથે, આપણે આપણું હૃદય ઠાલવી દેતાં હોઈએ છીએ. જો તમારા બાળકો ઘરે આવીને તેમનાં દુઃખ અને દર્દ, કોઈ ઠપકો કે સજાની ચિંતાનો ડર રાખ્યાં વગર તમારી સાથે વહેંચી શકે તેમ હોય તો, મિત્રતાનું વૃક્ષ પોતાનાં મૂળ ખુબ ઊંડે સુધી ઉતારશે.

અને, આ ફક્ત માં-બાપ અને બાળકો માટે જ નહિ પરંતુ દરેક સંબંધ માટે સાચું છે. મિત્રતા એક જરૂરી ઇંધણ છે. મિત્રતાની ખામી, કે જયારે બે વ્યક્તિઓ એકબીજા સાથે વહેંચવા કરતાં એકબીજાથી બધું દુર રાખવામાં વ્યસ્ત હોય ત્યારે તે બાબત તેમનાં સંબધમાં રહેતાં એક કાયમી તણાવ અને બિનઆરામદાયકતાનાં પ્રવાહને વધુ મોટો બનાવે છે. જેમ કે મેં ઘણી વખત પહેલાં લખ્યું છે કે મિત્ર હોવું તેનો અર્થ એ નથી કે તમે હંમેશાં હાં જ ભણતા રહો. ઉલ્ટાનું, તેનો અર્થ તો એ છે કે તમે નાં પણ હકારાત્મકતાથી કહી શકો. એક તંદુરસ્ત સંબંધ જાળવીને પણ તમે અસહમતી બતાવી શકો. એક પ્રમાણિક સંબંધમાં આ એટલું અઘરું નથી જેટલું લાગે છે.

આનંદ

આ એક સરળ શબ્દ છે જેનો એક સીધો અર્થ થાય છે: આનંદ. અરે જો તમારામાં દયા હોય અને તમે તમારો સમય પરવરિશ માટે આપતાં પણ હોય અને તેમાં એક માત્રામાં મૈત્રી પણ હોય તેમ છતાં જો તમારા સંબંધમાં આનંદની કમી હશે તો બહુ જલ્દી તે બહુ જ અઘરો સંબંધ બની જશે. જીતની ઉજવણી કરવાંનો આનંદ, એક કુટુંબ હોવાનો આનંદ, જીવનમાં આવતાં દરેક તોફાનોને હસી કાઢવાનો આનંદ, નિષ્ફળતાઓની વચ્ચે જીવી શકવા માટેની હૃદયમાં રહેલી જરૂરી હિંમત, માફી માંગવાની અને માફ કરી શકવાની હિંમત, એક જાતનું ખુલ્લાપણું અને પ્રમાણિકતા હંમેશાં તમારી આજુબાજુ રહેલાં દરેકજણ સાથે આરામથી રહી શકવા માટે મદદરૂપ થાય છે.

જો તમારા બાળકો સાથેનો તમારો મોટા ભાગનો વાર્તાલાપ ભાષણબાજી જેવો હશે, પછી ભલેને તે તમને થોડો હળવો કે હકારાત્મક કેમ ન લાગતો હોય, અરે એક મિત્ર તરીકે પણ કેમ ન હોય, તેનાંથી તમારા સંબધમાં રહેલાં આનંદનું બાષ્પીભવન ઘડીભરમાં થઇ જશે. તેઓ તમને ટાળતા થઇ જશે. મોટાભાગનાં માં-બાપોને પોતાનાં બાળકોની ઉપર સલાહનો વરસાદ વરસાવતા રહેવાની એક ખુબ જ મજબુત આદત હોય છે. ચોક્કસ, તે એક સારા ઈરાદા સાથે થતું હોય છે પરંતુ તમને પોતે શું એક “મિત્રતાપૂર્ણ” માલિક ગમશે કે જે તમને સતત કહ્યાં કરતો હોય કે તમારે કેવી રીતે વધુ સારા બનવું? કોઈવખત, બિલકુલ સલાહ નહિ આપવી તે એક ઉત્તમ સલાહ છે.

સંબંધમાં રહેલાં આનંદનું રહસ્ય છે: તમારી જાતને બહુ વધારે પડતી ગંભીરતાથી ન લો.

સ્વતંત્રતા (ઉપેક્ષા)

થીક ન્હાટ હાન્હ જેવાં અનેક વિદ્વાનોએ ઉપેક્ષા શબ્દને સમતા કે સ્વતંત્રતા તરીકે વ્યાખ્યાયિત કરે છે. કદાચ, એક સંબંધમાં રહેલાં વિશ્વાસની સાચી કસોટી એ જોવામાં છે કે તેમાં કેટલી સ્વતંત્રતા રહેલી છે, અને આવા મળતાં વિશેષાધિકારનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. ઉપેક્ષાનો જો કે એક બીજો અર્થ પણ છે: ધીરજ. અને, ધીરજ એક એવી વસ્તુ છે કે મોટાભાગનાં માવતરો તેને અનેકગણી ધરાવે છે અને ગુમાવે પણ છે – કોઈ વાર આ બન્ને એક સાથે જ થતું હોય છે, આ નવાઈ પમાડે એવું છે.

“તને ખબર છે અબ્રાહમ લિંકન જયારે તારી જેટલી ઉંમરનાં હતાં ત્યારે શેરીમાં રહેલી લાઈટ નીચે બેસીને અભ્યાસ કરતાં હતાં?” આવું એક પિતા પોતાનાં ૧૪-વર્ષનાં બાળકને જયારે પણ ઠપકો આપતાં ત્યારે કહેતા, જે સામાન્ય રીતે દરરોજ બનતું. તેમને લાગતું હતું કે તેનાંથી બાળકને કોઈ પ્રેરણા મળશે. મહિનાઓ સુધી, તે પુત્ર આ દલીલ વારંવાર સાંભળ્યા કરતો.

એક દિવસે તેનાંથી વધુ સહન ન થતાં તેણે વળતો જવાબ આપ્યો. “ડેડ,” તેને કહ્યું, “તમને ખબર છે અબ્રાહમ લિંકન તમારી જેટલી ઉંમરનાં હતાં ત્યારે અમેરિકાનાં પ્રમુખ હતાં!”

ધીરજ રાખો. સમજો કે જયારે તમે ૧૫ કે ૨૦ વર્ષનાં હતાં, ત્યારે તમે પણ આવી જ ચુનોતીઓમાંથી પસાર થઇ રહ્યાં હતાં જેવી તેઓ આજે સામનો કરી રહ્યાં છે. તમને પણ આળસ કરવી, મોડા ઉઠવું, જંક ફૂડ ખાવું વિગેરે ગમતું હતું. કદાચ એવો પણ સમય હતો જયારે તમે જુઠ્ઠું પણ બોલ્યાં હતાં, વર્ગમાંથી ગાપચી મારીને રખડ્યા પણ હતાં. આ બધું મોટા થવાનાં એક ભાગરૂપે જ હોય છે.

એક માં-બાપ તરીકે, કે પછી પ્રેમમાં, તમારો ઈરાદો ફક્ત સારો જ હોય છે પરંતુ તમે તેમને બધું નથી શિખવી શકતાં. અને તમારે તેવી કોશિશ પણ ન કરવી જોઈએ. કારણકે અમુક પાઠ ફક્ત જીવન જ શિખવી શકતું હોય છે. અને, જીવન ફક્ત પાઠ નથી કહી દેતું. તે સમયની સાથે તે કામ કરે છે. આપણાથી જે સૌથી સારું શક્ય હોય તે કરવાનું અને બાકીનું સમય ઉપર છોડી દેવાનું. જીવનપુષ્પ ફક્ત સમયની સાથે ખીલતું હોય છે. તેમાં ઉતાવળ કરવાથી તેનો વિનાશ થઇ જતો હોય છે.

ધીરજ રાખો. હળવા બનો. ભલા બનો. હળવાશપૂર્વક લો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email