“હું હંમેશાં એક સારો પિતા બની રહ્યો છું અને મારા બાળકોને મેં દરેક પગલે ટેકો આપ્યો છે,” થોડા પરેશાન એવા બાપે મને થોડા અઠવાડિયા પહેલાં જ કહ્યું, “અને તેમ છતાં પણ, તેઓ મને સન્માન નથી આપતા. તેઓ તેમનાં જીવનમાં સંઘર્ષ કરી રહ્યાં છે અને મને કહે છે કે હું એક ખરાબ પિતા છું. મને સમજાતું નથી, મેં હંમેશાં તેમને પ્રેમ કર્યો છે, તેમને જે કરવું હોય તે કરવાં દીધું છે. તેમને સૌથી સારા કપડાં, ગેજેટ્સ વિગેરે અપાવ્યાં છે. મને નથી લાગતું કે મેં કોઈને છેતર્યા હોય, મેં હંમેશાં ભગવાનનો ડર રાખ્યો છે. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે મારા બાળકો આવા થઇ જશે. હું ક્યાં ખોટો પડ્યો?”

મને આવાં સવાલો અનેક વાર પૂછવામાં આવતાં હોય છે. ખરેખર અદ્દભુત કહી શકાય એવું કશું હોય તો તે એ છે કે બાળકો અને માં-બાપ ફક્ત સારું જ ઇચ્છતાં હોય છે. તેઓ ઘણી મહેનત કરતાં હોય છે. બાળકો એવું ઇચ્છતાં હોય છે કે તેમનાં માં-બાપ તેમનાં માટે ગૌરવ અનુભવે અને સામે માં-બાપ પણ એવું જ ઇચ્છતાં હોય છે. તો પછી આમાં મેળ ક્યાં બેસતો નથી? મને એવું વારંવાર સાંભળવા મળતું હોય છે અમુક વ્યક્તિ એ ખુબ જ ખરાબ પિતા કે માતા છે, તેઓ અધાર્મિક, અનૈતિક વિગેરે છે. અને તેમ છતાં તેમનું કુટુંબ ખુબ જ ફૂલતુંફાલતું હોય છે અને તેમનાં બાળકો પણ બહુ જ સારું કરતાં હોય છે. આમાં ન્યાય ક્યાં રહેલો છે?

મારા મત પ્રમાણે જીવન તરફ જોવાનો આ ખોટો દ્રષ્ટિકોણ છે. હું માનું છું કે, પરવરિશની વાત આવે ત્યારે હું કોઈ તેમાં વિશેષજ્ઞ નથી (યાદ રાખજો કે હું એક સંન્યાસી છું). છેલ્લાં કેટલાંક વર્ષોમાં હજારો માં-બાપો અને બાળકોને મળ્યાં પછીનાં મારા અવલોકનો અને જીવન વિશેનું મારું નિદાન જે છે તે તમારી સમક્ષ રજુ કરતાં મને આનંદ થશે. ચાલો હું સ્ટીફન હોજનાં Zen Master Class નામનાં પુસ્તકમાંથી એક વાર્તા સાથે શરુ કરું.

દોજનનાં મઠમાં રહેતાં અનેક સંન્યાસીઓએ નજીકમાં એક હરણને ચરતાં જોયું. તેઓએ તેને ખાવાનું આપવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી તે હરણ એકદમ વિશ્વાસુ બની ગયું અને તે તેમનાં હાથમાંથી ખાવા લાગ્યું. દોજનની દયા ઉપરની શિક્ષા અને બીજું જ્ઞાન પોતાનાં હૃદયમાં ઉતારીને આ સંન્યાસીઓ પોતાનાંથી ખુબ જ ખુશ હતાં. છતાં, દોજને જયારે આ હરણની વાત સાંભળી ત્યારે તે પોતે એટલો બધો ખુશ થયો નહિ. જયારે તેને મોકો મળ્યો ત્યારે, તેને હરણ તરફ લાકડીઓ અને પત્થર ફેંક્યા અને તે ડરીને ભાગી ગયું.

બધાં સંન્યાસીઓ તો દોજનનાં આ વર્તાવથી ખુબ જ દુઃખી થયાં અને તેની સામે ગયા અને તેનાં વર્તન બદલ ખુલાસો માંગ્યો. “અમે ખુબ જ દયાપૂર્વક આ હરણને ખવડાવતાં હતાં, પણ તમે તેનાં તરફ ખુબ જ ક્રુરતાથી પત્થરાં ફેંક્યા અને માટે તે હવે અમને મળવા નથી આવતું.”
“તો તમને એવું લાગે છે કે તમે બહુ દયાવાન બની રહ્યાં હતાં એમ?” દોજને જવાબ આપ્યો. “એક હરણ માટે માણસ સાથે ટેવાવું તે તેનાં માટે ખુબ જ ખતરનાક બાબત છે.”
સંન્યાસીઓ એ વિરોધ કરતાં કહ્યું, “અમે તેને ક્યારેય ક્ષતિ પહોંચે તેવું નહોતાં કરતાં. અમે તો ફક્ત તેને ખવડાવી રહ્યાં હતાં.”
ના, તમારો ઈરાદો તેને દુઃખ પહોંચાડવાનો નહોતો, પણ તમારું પાળીતું હરણ જો કોઈ બીજી વ્યક્તિ પાસે જાય અને તે એક શિકારી નીકળે તો?”

માં-બાપ અને બાળકો વચ્ચેનાં બંધનમાં એવું જ છે. “તેમને જે જોઈતું હોય તે આપવાથી” તમે કઈ જરૂરી નથી કે એક સારા માતા-પિતા બની જતાં હોવ. બાળકોને ઘણું બધું જોઈતું હોય છે. દરેકને જોઈતું હોય છે. પણ તેનો અર્થ એ નથી કે તેઓ જે ઇચ્છતાં હોય તે બધું તેમનાં માટે બરાબર જ હોય. હું એક ક્ષણ માટે પણ એવું નથી કહી રહ્યો, કે તમે એક સખ્ત માતા-પિતા બની જાવ. જો કે એ જાણવું જરૂરી છે કે ક્યાં આગળ કડક બની રહેવું જોઈએ. જો તમે બાળકોનો વાસ્તવિકતા સાથે સંપર્ક બનાવી રાખો તો, તેઓ જયારે બહાર નીકળશે ત્યારે તેમનાં માટે વાસ્તવિક દુનિયામાં બાંધછોડ કરીને રહેવું સરળ થઇ પડશે.

ભગવાનથી ડરવું, નૈતિક હોવું, પ્રમાણિક હોવું વિગેરે બાબતોનો અર્થ છે કે તમે એક સારા વ્યક્તિ છો. તમે જો તમારા કાર્યાલયમાં સફળ હોવ તો તેનો અર્થ છે કે તમે એક સક્ષમ કામદાર છો. તમે જો તમારા સાથી પ્રત્યે પ્રેમાળ અને કાળજી કરનાર હશો તો તમે એક સારા પતિ કે પત્ની છો. તમારી કોઈપણ વિષયમાં રહેલી સક્ષમતા તમને તે વિષયમાં વળતર આપશે. આમાંની એક પણ બાબતનો અર્થ એ નથી કે તમે એક સારા માતા-પિતા છો. નિ:શંક આ પરિબળો તમારા કુટુંબનાં કલ્યાણ માટે યોગદાન આપે છે. જયારે એક મજબુત પરવરિશની વાત આવે ત્યારે તેમાં તમારા બાળકોને જે જોઈતું હોય તે આપવાં-અપાવવાંની બાબત કરતાં બીજું ઘણું બધું આવતું હોય છે.

ઉપરની દંતકથાની જેમ જ, એક સારા માવતરને ખબર પડવી જોઈએ કે ક્યારે અને ક્યાં તેમને કડક બનવું જોઈએ. તેઓ પોતે જે ઇચ્છતાં હોય તેમ તમે કરો તેનો અર્થ પ્રેમ છે એવો નથી. તે બાબતે તો ક્યારેય કોઈને લાંબાગાળે સુખી કે ખુશ નથી કર્યા. ઉલટાનું પ્રેમ કરવો એટલે તો તમારા બાળકોનાં ભલા માટે થઇને પણ તમારા યોગ્ય મતને વળગી રહેવું તે છે. તેઓ તેમની નાખુશી વ્યક્ત કરશે અને તેનાં માટે એક દુઃખી બાળકને જોવા માટે પત્થરનું કલેજું પણ જોઈશે, પણ પાછળથી તેઓ તમારો આભાર માનશે. ફરી એક વાર કહી દઉં, કે તમારે સખ્ત બનવાની જરૂર નથી. તમારે બરાડા પાડવાની, હિસંક દલીલો કરવાની કે પછી ગુસ્સે થવાની જરૂર નથી. તમે હળવા રહીને પણ કડક બની શકો છો.

દયાવાન બનો, કડક બનો, પણ સજાગ રહીને તેમ કરો. યાદ રાખશો, કે કોઈને પણ નિષ્ફળ થવું હોતું નથી, કોઈને પણ ગુસ્સે, દુઃખી કે હારવું હોતું નથી. બાળકોનાં જીવનમાં પણ તેટલો જ તણાવ હોય છે. માટે થોડા હળવા બનો, પણ તેમ સજાગ રહીને કરો. મોટા થતી વખતે, મને એક પણ પ્રસંગ એવો યાદ નથી કે મારી માતા ક્યારેય ઊંચા સાદે બોલ્યાં હોય કે ગુસ્સે થયાં હોય, અને તેમ છતાં પણ તેવાં અનેક પ્રસંગો છે કે જેમાં તેઓ હંમેશાં કડક રહ્યાં હોય. એક નિયમ એવો હતો કે અમારું પરિણામ પત્રક, કે જેમાં માં-બાપની સહીની જરૂર પડે તે હંમેશાં અમારા પિતા દ્વારા જ તેમાં સહી થાય. અમુક વખતે, જયારે અમારા પરિણામ પત્રકમાં ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં મારા ગુણ મારા કૂતરાની ઉંમર જેટલાં જ હોય ત્યારે અમે ઘણું રડીએ અને ફરિયાદ પણ કરીએ પણ માતા ક્યારેય નરમ નહોતાં પડતાં. તેમાં કોઈ બાંધછોડ ચાલતી નહિ. પિતા જ સહી કરે. અંતે, અમે સમજી ગયા અને અમે સારા ગુણ મળે તેનાં માટે અમારી જાતને તૈયાર કરતાં થઇ ગયા.

“આજે મારું પરિણામ પત્રક આવ્યું છે, ડેડી,” ૧૪ – વર્ષનાં જોહનીએ કહ્યું.
તેનાં ગુણ ખુબ જ ખરાબ આવ્યાં હતાં અને પપ્પા તરફથી ખુબ જ મોટી સજા મળશે તેવો તેને ડર લાગતો હતો. તેનાં પિતાએ પોતાનાં ચશ્માં પહેર્યા અને પરિણામ વાંચવા લાગ્યાં.

“અને જુઓ આ બીજું મને શું મળ્યું છે, ડેડી!” જોહનીએ તેમને એક જુનું થઇ ગયેલું પેપર આપ્યું. “મને પણ કબાટમાં જોતા તમારું પરિણામ પત્રક મળ્યું જયારે તમે ચૌદ વર્ષનાં હતાં. આપણા બન્નેનાં ગુણ સરખા જ છે!”
“હં…” પિતાએ પોતાનું ગુણપત્રક પોતના દીકરાનાં ગુણપત્રક સાથે સરખાવતાં કહ્યું. “તારી વાત બિલકુલ બરાબર છે, જોહની. તે બન્ને બિલકુલ એકસમાન જ લાગે છે.”

જોહની તો વિજયી ભાવથી ચમકવા લાગ્યો.
“માટે, દીકરા,” તેનાં પપ્પાએ પગમાંથી સ્લીપર કાઢતાં કહ્યું, “મને જે મારા પપ્પાએ આપ્યું હતું તે જ તને આપવું વ્યાજબી રહેશે.”

નાં, જોહનીને કેન્ડી કે Xbox નહોતું મળ્યું. અને નાં, આ કોઈ માવતરની દયાનું ઉદાહરણ પણ નથી. મજાક એક બાજુ, સત્ય તો એ છે કે, એક અનપેક્ષિત સજા સંબંધને નુકશાન પહોંચાડે છે કારણકે આવી સજાનું પરિમાણ હંમેશાં વિવાદાસ્પદ હોય છે. વ્યવહાર પાલનની શરતો પહેલીથી જ સ્પષ્ટ કરી લેવી જોઈએ જેથી કરીને માં-બાપ અને બાળકો બન્નેને એ સારી પેઠે ખબર પડે કે એકબીજા પાસેથી શું અપેક્ષિત છે. આ બાબત સ્પષ્ટ છે પરંતુ તેમ છતાં તમને એ જાણીને નવાઈ લાગશે કે મોટાભાગનાં માવતરો સરળતાથી અને ધીમેથી પોતાની અપેક્ષાઓ કહેવાને બદલે તેઓ બાળકોને ભાષણ આપવાનું ચાલુ કરી દેશે. હું તેને OLD – Obsessive Lecture Disorder કહું છું. આ વસ્તુથી ક્યારેય કોઈને પણ ફાયદો થયો નથી. સામાન્ય રીતે, માં-બાપ જેટલાં વધુ ઉમર વાળા હોય – તેટલું વધુ આ OLD – Obsessive Lecture Disorder જોવા મળે છે. થોડા સમય પહેલાં મેં લખ્યું હતું કે, દર્દ જરૂરી છે પણ વેઠવું વૈકલ્પિક છે. તેવી જ રીતે: ઘરડા થવું (old) તે તો ફરજીયાત છે પરંતુ OLD – Obsessive Lecture Disorder થી પીડાવું કે નહિ તે વૈકલ્પિક બાબત છે. થોડા હળવા બનો.

જો તમે આ ભાષણ સાવચેતી પૂર્વક, સમજણ રાખીને, અને માવતરે જે દયા રાખવાની હોય તે રાખીને આપશો, તો તમારા સંબધની ગુણવત્તા અનેકગણી સુધરી જશે. આવા બાળકો મોટા થઇને વધુ સંતુષ્ટ, એકબીજા સાથે રહેવાની ભાવના વાળા બનશે અને આપણા વિશ્વને એક વધારે સારું સ્થળ બનાવશે. સાવધાનીપૂર્વકનો દયાભાવ અથવા તો એક હળવી શિસ્ત પોતાની રીતે પુરતી નથી જો કે. (કોઈ એવું નથી કહી રહ્યું કે આમ કરવું એ સરળ છે.) સારા માવતર બનવા માટેનાં ચાર તત્વો રહેલાં છે. આવતાં અઠવાડિયે જોઈશું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email