મને એ કેવી રીતે ખબર પડે કે હું સાચા માર્ગે છું? હું મારી આધ્યાત્મિક પ્રગતિને કેવી રીતે માપું? અને, એક સાચા આધ્યાત્મિક અનુભવની નિશાની શું છે? આ ત્રણ સવાલો એવા છે કે જે મને દરેક સાચા સાધકો ક્યારેક તો તેમની આધ્યાત્મિક યાત્રામાં પૂછતાં જ હોય છે. મોટાભાગે, તેઓ તેમનાં પ્રસંગો વર્ણવતાં હોય છે અને પૂછતાં હોય છે તેમને જે લાગ્યું તે શું સાચું હતું.

તમારા અનુભવો પ્રત્યે શંકા થવી એ કુદરતી છે, ખાસ કરીને જયારે એક સ્પષ્ટ ઊંડા આધ્યાત્મિક અનુભવ પછી પણ તમારા જીવનમાંથી એક પણ પ્રશ્ન અદ્રશ્ય ન થયો હોય ત્યારે તો ખાસ. આટલું કહ્યાં પછી, ખાલી શંકાની હાજરી માત્રથી કઈ તમારો અનુભવ ઠાલો નથી થઇ જતો. તો પછી, એક ક્ષણિક, ભ્રામિક અનુભવ અને એક સાચ્ચા અનુભવ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? ચાલો હું તમને એક સુંદર વાર્તા કહું.

લગભગ ૧૭૦૦ વર્ષ પહેલાં, રોમની અંદર એક અભિનેતા હતો કે જેની ખુબ બોલબાલા હતી. તે પોતાનાં નાટકો અને રમુજ દ્વારા લોકોનું મનોરંજન કરતો. રોમનાં રાજા ડાયોકલેશ્યનને, તે ખુબ ગમતો. દરેક મોટા પ્રસંગે, તેઓ તેને નાટક ભજવવા માટે બોલાવતાં.

આ અભિનેતા જીનેઝીયશનાં નામે ઓળખાતો હતો, તે ખ્રિસ્ત ધર્મની મજાક દ્વારા આ રાજવી શ્રોતાગણનું મનોરંજન કરતો હતો. તેનાં વ્યંગ્યમાં, તે ઈશુ ખ્રિસ્તની અને ખ્રિસ્તી રીવાજોની મજાક ઉડાવતો હતો. આ રીતે તે પોતાનું ગુજરાન ચલાવતો હતો અને લોકોને હસાવતો હતો. રમુજ તેનાંમાં કુદરતીપણે ભરેલી હતી કારણકે તેને પોતાનાં હૃદયમાં ઈશુ માટે કે ખ્રિસ્તી ધર્મ માટે કોઈ આદર નહોતો. (કેમ કે તમે જેનાં માટે પૂજ્ય ભાવ રાખતાં હોવ કે આદર રાખતાં હોવ તેની તમે ક્યારેય મજાક નહિ ઉડાવો.)

એક દિવસે, જયારે રાજદરબાર ભરેલો હતો ત્યારે જીનેઝીયશ (જે જીલેસીનશનાં નામે પણ ઓળખાતો હતો) તે રોજની જેમ પોતાનો અભિનય બતાવી રહ્યો હતો. આજે, Baptism (દીક્ષાસ્નાન)ની ક્રિયાની નિંદા કરી રહ્યો હતો અને તેની બાજુમાં પાણીની એક મોટી ટાંકી રહેલી હતી. તે આધ્યાત્મિક શુદ્ધતા માટેનાં ખ્રિસ્તી પ્રસાદની મજાક કરતાં પોતે બાઈબલનાં શ્લોકો બોલતાં તે ટાંકીમાં થોડું પાણી લેવા માટે ઝુકે છે. બસ ત્યારે જ તે ટાંકીમાં લપસી પડે છે.

તે પોતાની જાતને પાણીમાં તલ્લીન થઇ ગયેલો પામે છે અને પોતે જયારે બહાર નીકળે છે, ત્યારે તેની અંદર ઊંડે કશુંક બદલાઈ જાય છે. તે પોતે જુનો જીનેઝીયશ નથી રહેતો પરંતુ એક નવો માનવ બની જાય છે. ઈશુની કૃપામાં પુરેપુરો ભીનો થઇ ગયેલો પોતે પોતાની જાતને તે જ ક્ષણે ખ્રિસ્તી જાહેર કરે છે અને પોતાનું આજીવન પોતાનાં ભગવાનનાં કારણને સમર્પિત થઇને જીવવાનું વચન આપે છે.

પોતાનું નવઘડતર કરવાં માટે આ એક જ અનુભવ તેને માટે પુરતો હતો. સમ્રાટે તેને તેની માન્યતા છોડી દેવા માટે પ્રથમ લાલચ આપી અને પછી ધમકી પણ, છતાં તે તો પોતાનાં વિશ્વાસ પર અડગ રહ્યો. તેઓએ તેને જેલમાં પણ મુક્યો છતાં આ અભિનેતા તો એકનો બે ન જ થયો. ડાયોકલેશ્યને તેને મોતની ધમકી આપી અને તેમ છતાં પણ જીનેઝીયશે પોતાની શ્રદ્ધાનો ત્યાગ કરવાની ના જ પાડી. અંતે, તેને ઈ.સ. ૩૦૩માં તેનું મસ્તક જાહેરમાં કાપી નાંખવાની સજા કરવામાં આવી. જો કે પોતે તેમ છતાં પણ પોતાનું મન પોતાનાં તારણહાર એવાં નઝરથનાં ઈશુની અંદર પરોવી રાખીને તે શાંત જ રહ્યો.

એક સાચા આધ્યાત્મિક અનુભવની સંજ્ઞા છે પરિવર્તન.

જેટલો ઊંડો અનુભવ, તેટલું વધુ ગહન અને સાશ્વત ચાલતું પરિવર્તન. એક સામાન્ય મન માટે, જીનેઝીયશનું  ખ્રિસ્તી ધર્મની મજાક કરતાં અકસ્માતે પાણીની ટાંકીમાં લપસી પડવું તેને ભાગ્યે જ કોઈ આધ્યાત્મિક  અનુભવ તરીકે ગણશે. પરંતુ જીનેઝીયશ માટે, જો કે, એ જીવન-પરિવર્તન કરી નાંખે એવો અનુભવ રહ્યો હતો. એટલો શુદ્ધ અને પવિત્ર કે તેને અંતે પોતાની શ્રદ્ધા છોડી દેવાને બદલે મોતને વ્હાલું કર્યું. એટલું બધું સૂચક કે તે જીનેઝીયશ – રમુજી અભિનેતામાં થી સંત જીનેઝીયશ કહેવાવા લાગ્યો. બસ એક જ ડૂબકી અને કામ તમામ.

જો તમારો અનુભવ તમારું પરિવર્તન ન કરી શક્યો હોય, તો મારા મત પ્રમાણે, તેમાં કોઈ આધ્યાત્મિક અર્થ રહેલો નથી. હું એવું નથી સુચવી રહ્યો કે દરેક પ્રસંગ જીવન-બદલી નાંખે એવો જ હોય. છતાં કોઈ પણ સાચો અનુભવ તમને થોડું તો થોડું પણ તમારા સારા માટે જરૂર બદલી નાખશે.

જો તમને ઈશ્વરનું સ્વપ્ન આખી રાત આવ્યું હોય અને બીજા દિવસે સવારે તમે એ જ જૂની ઈર્ષ્યા, ક્રોધ, નકારાત્મકતા વિગેરે લાગણીઓને લઇને ઉઠો તો સ્પષ્ટ છે કે તમારા અનુભવમાં કશી આધ્યાત્મિકતા રહેલી નથી. કોઈપણ અનુભવ તમને જો વધુ દયાળુ, પ્રેમાળ અને ભલા બનવાં માટે ન પ્રેરે તો તે આધ્યાત્મિક અનુભવ ન હોઈ શકે.

તમારા માર્ગમાં તમારી પ્રગતિ માપવાનો એકમાત્ર રસ્તો, તમે સાચા પંથે ચાલી રહ્યાં છો કે કેમ તે જાણવાનો એકમાત્ર માર્ગ છે – તમારામાંઆવતાં પરિવર્તનની માત્રાનું મૂલ્યાંકન. જો તમે તમારી જાતને વધુને વધુ કૃપા, પ્રેમ, સત્ય અને પ્રમાણિકતાથી ભરેલા મેળવો, તો પછી તમે જે પણ કરી રહ્યાં છો, તે કર્યે રાખો. તે તમારા માટે કામ કરી રહ્યું છે. કોઈપણ પ્રક્રિયા કે જે તમને વધુ ને વધુ કઠોર, નકારત્મક, સંકુચિત મન વાળા, ક્રોધિત બનાવતું હોય તો તે શક્ય છે કે દિવ્ય નથી.

એક સ્ત્રીએ બાઈબલ લીધું અને જેવું વિમાન ઉડ્યું કે તેને તે વાંચવાનું ચાલુ કરી દીધું.
“તમારે આ બધાંમાં વિશ્વાસ કરવાની કોઈ જરૂર નથી, છે કોઈ?” તેનો સહપ્રવાસી કે જે નાસ્તિક હતો તેણે પૂછ્યું.
“બિલકુલ, મારે જરૂર છે!” તેને નવાઈ પામતા કહ્યું. “આ તો સ્વયં ભગવાનનાં શબ્દો છે.”
“અરે!” પેલા માણસે પોતાનું ડોકું ધુણાવતા કહ્યું, “તું શું ખરેખર એમાં વિશ્વાસ કરે છે કે પેલો વ્યક્તિ જોનાહ વ્હેલનાં પેટમાં ત્રણ દિવસ સુધી જીવતો રહ્યો હતો?”
“હા.”
“અને તને શું લાગે છે તે ત્યાં કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શક્યો?”
“જયારે હું સ્વર્ગમાં જઈશ ત્યારે હું તેને પૂછી જોઇશ.”
“એમ? પરંતુ જોનાહ જો નર્કમાં હોય તો શું?” પેલાએ મજાક કરતાં કહ્યું.
“તો તું પૂછી લેજે,” આંખને પટપટાવ્યાં વગર તેને કહ્યું અને પાછી વાંચવા લાગી.

એક આધ્યાત્મિક માન્યતા કે અનુભવને તર્ક સાથે કોઈ લેવાદેવાં નથી અને તમારે તેને કોઈની પાસે ઉચિત સાબિત કરવાની જરૂર નથી. આધ્યાત્મિકતા એ એક લાગણી છે કોઈ તર્ક નહિ. જો તમારે તર્ક જોઈતો હોય, તો બીજા ઘણાં શાસ્ત્રો છે જેવાં કે ગણિત, વિજ્ઞાન વિગેરે. આધ્યાત્મિકતાનાં માર્ગે રહેલું કોઈપણ શાસ્ત્ર તમને શુદ્ધ “લાગણી”નાં સ્તરે પહોંચવા માટે મદદરૂપ થવા માટે હોય છે. એક એવું સ્તર કે જ્યાં તમારી શ્રદ્ધા એક નવું જ પરિમાણ ધારણ કરે છે અને તમે કુદરતીપણે જ એક કલ્યાણકારી દ્રષ્ટિકોણ તમારી આજુબાજુનાં દરેકજણ માટે કેળવો છો.

કોઇપણ અનુભવ જે તમને બદલી ન શકે તો તેની કોઈ ઉપયોગીતા નથી, અને જે તમારામાં પ્રેમનું સિંચન ન કરી શકતું હોય તો તેનો કોઈ અર્થ નથી. કોઇપણ દિવસે, એક દયાળુ નાસ્તિક એક ક્રૂર શ્રદ્ધાવાન કરતાં સો ગણો સારો હોય છે. કારણકે, આધ્યાત્મિકતા એ નથી કે તમે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવો છો કે નહિ. ઉલટાનું આધ્યાત્મિકતા તો એ છે કે તમે પ્રેમમાં વિશ્વાસ ધરાવો છો કે નહિ. તમે પ્રાર્થનાં કરો છો કે નહિ તે નહિ પણ તમે કોઈની કાળજી કરો છો કે નહિ તે મહત્વનું છે.

તેનો અર્થ શું એ છે કે કોઈપણ આધ્યાત્મિક માર્ગ અર્થહીન છે? બિલકુલ નહિ. કોઇપણ માર્ગ, કે અનુભવ જો કે કોઈક અંત:દ્રષ્ટિ તરફ ચોક્કસ લઇ જ જવો જોઈએ. જેમ કે સંત જીનેઝીયશ માટે પાણીની ટાંકીમાં લપસી પડવું તે હતું કે પછી રામકૃષ્ણ પરમહંસ માટે જેમ માં કાલીનું દર્શન હતું.

તમારું કોઈ પણ દર્શન કે અનુભવ કે માન્યતા કેમ ન હોય, સત્ય તો એ છે તમે તમારા વિચાર, વાણી અને વર્તન જેટલાં જ આધ્યાત્મિક હોવ છો. જે આધ્યાત્મિક સામંજસ્યતાનાં ત્રણ આધારસ્થંભો છે. અનુભવોની ચોક્કસાઈ એટલી મહત્વની નથી જેટલું આ પ્રસંગોમાંથી થતું ભાન મહત્વનું હોય. અંતે તો, તે આશિર્વાદની ક્ષણ જ – એક સાક્ષાત્કાર હોય છે. અને તે જ તો જીવન છે – એક આશીર્વાદ સમાન સાક્ષાત્કાર.

શાંતિ.
સ્વામી

નોંધ: ઝેન શિબિરમાં વધુ સ્થાન ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે અહી ક્લિક કરો

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email