હાલમાં, જયારે આ લેખ તમે વાંચી રહ્યાં છો ત્યારે હું એક ઝેન શિબિરમાં બીજા એકસો સત્યનાં સાધકો સાથે બેઠેલો છું, જેમાં ઝેન ઉપર પ્રવચન ચાલી રહ્યું છે, ઝેન – કોઈ માર્ગ ન હોવાનો માર્ગ, કોઈ પથ નહિ હોવાનો પથ છે. એક શાંત સરોવરની નજીક, કે જ્યાં એક ધૂંધળો પ્રકાશ ક્ષિતિજ ઉપર દ્રશ્યમાન થઇ રહ્યો છે, અને પ્રશાંતિ અને મૌનની ચાદર આપણા બાહ્ય અને આંતરિક જગતને આવરી લઇ રહી છે, ત્યારે મને લાગે છે કે મારા ઝેન ઉપરનાં વિચારોને તમારી સમક્ષ મુકવા ખુબ જ યોગ્ય રહેશે.

ચાલો હું તમને શોડો હારદા રોષીનાં Moon by the Windowમાંથી એક સુંદર સૂત્ર કહું: હાના વા હીરાકું બંકોકું નો હારું.

“એક પુષ્પનાં ખીલવા સાથે જ સમગ્ર વિશ્વમાં વસંત ઋતુનું આગમન થઇ જતું હોય છે. ઝેનમાં, પુષ્પ શબ્દ વડે મોટેભાગે બુદ્ધને સંબોધવામાં આવતાં હોય છે, એવું માનવામાં આવે છે કે બુદ્ધ પુષ્પોની વચ્ચે જન્મ્યાં હતાં, પુષ્પોની મધ્યે જ તેઓને જ્ઞાન લાદ્યું હતું, અને પુષ્પ વડે જ તેમણે ધર્મનો પ્રસાર કર્યો હતો, અને પુષ્પોની મધ્યે જ તેઓ નિર્વાણ પામ્યાં હતાં.

“જયારે બુદ્ધને બોધીવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ થઇ ત્યારે તેમણે પ્રભાતનો તારો (શુક્ર) દેખાયો હતો, અને તેમને નવાઈ લાગી, “કેવું અદ્દભુત! અતિ અદ્દભુત! દરેક જીવને તેનાં જન્મ સાથે જ આવા સરસ શુદ્ધ મનની પ્રાપ્તિ થતી હોય છે કે જેનો મેં હમણાં જ અનુભવ કર્યો!” ૪૯ વર્ષ જેટલો સમય બુદ્ધે એ શીખવવામાં કાઢ્યો કે દરેક વ્યક્તિમાં જાગૃત થવાની સંભાવના રહેલી છે અને આ જાગૃત થવાની તક એ જીવંત રહેવાનું એક ઊંડું મુલ્ય છે…

“આપણે પણ પુષ્પોની મધ્યે જન્મી શકીએ છીએ અને બુદ્ધની જેમ જ નિર્વાણ પામીને આ જીવનને સપૂર્ણ કરી શકીએ છીએ.”

હાના વા હીરાકું બંકોકું નો હારું.
જયારે એક પુષ્પ ખીલતું હોય છે, ત્યારે સમગ્ર વિશ્વમાં વસંત ઋતુનું આગમન થઇ જતું હોય છે.

આ જ ઝેનનું સાર તત્વ છે. જયારે આપણું મન શાંત થઇ જાય છે, જયારે આપણે અંદરથી ખુશ થઇ જઈએ છીએ ત્યારે આપણું સમગ્ર વિશ્વ પ્રકાશમાન થઇ જતું હોય છે. અને, જયારે આપણું મન અસ્વસ્થ હોય છે ત્યારે બધું જ નિરાશામય બની જાય છે. જયારે એક પુષ્પ ખીલતું હોય છે ત્યારે સમગ્ર વિશ્વમાં વસંત ઋતુ આવી જતી હોય છે. સવાલ એ છે કે આ પુષ્પ કેવી રીતે ખીલે અને કેવી રીતે હંમેશાં ખીલેલું રહે? આ પુષ્પની માવજત કેવી રીતે કરવી?

પ્રખ્યાત સોગેન્જીનાં ઝેન આશ્રમમાં તેનાં મઠાધ્યક્ષ, ગીસન ઝેનરાઈ ઝેન્જીએ એક વખત તેમનાં શિષ્યને એક ડોલ પાણી નહાવા માટે લાવવાનું કહ્યું. ગીસને પોતાનું સમગ્ર જીવન ખુબ જ પવિત્રમય રીતે વિતાવ્યું હતું. તેમને પાણીની એક-એક બુંદની કિમંતની ખબર હતી, કારણકે પોતે નાનપણથી એવા પ્રદેશમાં મોટા થયાં હતાં જ્યાં લોકો વરસાદનું પાણી બચાવીને પોતાનું જીવન ટકાવી રાખતાં હતાં. આશ્રમનાં છોડ, વૃક્ષો અને જડી બુટ્ટીઓનું ગીસને એવી રીતે પાલન કર્યું હતું કે જાણે તેઓ તેમનાં મિતાહારી બાળકો ન હોય કે જે ફકત વરસાદનાં પાણીથી ઉછરી રહ્યાં હોય.

નવો શિષ્ય પાણી લઇને આવ્યો કે જે ખુબ જ ગરમ હતું. પાણીને ઠંડા થવાની રાહ જોતા પોતે ધ્યાન માટે મોડા ન પડે તે માટે થઇને ગીસને ઠંડા પાણીની એક ડોલ લાવવાનું કહ્યું. પેલો શિષ્ય તો સોગેન્જીનાં પાછલાં દરવાજા આગળ આવેલાં કુવામાંથી પાણી લઈને આવ્યો. પાણીને એક યોગ્ય તાપમાને લાવવાં માટે થઇને થોડા વધારે આંટાફેરાં થયાં. ગીસને પોતાનાં શિષ્યને કહ્યું કે હવે પાણીની જરૂર નથી.

હારદા રોષીનાં Morning Dewdrops of the Mindમાંથી લીધેલી આ વાર્તાને પૂરી કરતાં કહું તો:

હવે વધારે પાણીની જરૂર નથી એમ કહ્યાં પછી પેલા સંન્યાસીએ ડોલમાં વધેલા થોડા પાણીને જમીન પર ઢોળી દઈને ડોલ ઉંધી વાળી દીધી. તેને આમ કરતાં જોઈને ગીસન ઝેનરાઈ ઝેન્જી એ બુમ પાડી, “મુર્ખ! તે થોડા વધેલા પાણીને ઢોળી દઈને ડોલ ઊંધી પાડી દીધી!”

ગીસને બોલવાનું ચાલુ રાખતાં કહ્યું: “આ ક્ષણે તે એવું એટલાં માટે કર્યું કે તે વિચાર્યું કે આ તો થોડુંક જ પાણી છે અને માટે તેને બેફીકરાઇથી ઢોળી દીધું, કેમ બરાબરને? તને એક પગલું આગળ વધીને એવો વિચાર કેમ ન આવ્યો કે વર્ષનાં આ સમયે વરસાદ પુરતો નથી પડ્યો? તે વધેલા પાણીને બગીચામાં આવેલાં ફૂલ-છોડને આપ્યું હોત? તે વૃક્ષ ઉપર તે પાણી રેડ્યું હોત તો તે તેને જીવન આપ્યું હોત! તે જો તેને ફૂલ ઉપર રેડ્યું હોત તો તે તેનું જીવન બન્યું હોત અને તે પુષ્પો ખીલેલાં રહેત. તને આટલી નાની મહેનત કરતાં શું જોર પડ્યું?”

આટલાં કટુ શબ્દો કહ્યાં બાદ તેમણે તે શિષ્યને ખુબ જ ઠપકો આપ્યો. વધુમાં તેમણે કહ્યું, “પાણીની નાની બુંદમાં રહેલાં પાણીમાં પણ તેની જે મહાન કિમંત છે તે નથી બદલાઈ જતી! જો તું પાણીની એક નાની બુંદની કિંમત ન સમજી શકતો હોય તો, પછી તું તારી જાતને ગમે તેટલી તાલીમ કેમ ન આપે, તારી એ તાલીમને કોઈ જીવનદાન નથી મળવાનું.”

ગીસન હંમેશાં વરસાદનાં જે પણ થોડા ટીપા પાણી મળી જતું તેનાથી પોતાનું જીવન જીવ્યાં હતાં. પેલા શિષ્યે પોતાનું નામ બદલીને તેકીસુઈ રાખી દીધું જેનો અર્થ થાય છે પાણીની એક બુંદ.

મનની સમતાની શરૂઆત થાય છે મનમાં ઉઠતાં વિચારો પ્રત્યે સજાગતા દાખવવાથી. (કદાચ, ગીસન, પણ પોતાનાં શબ્દો પ્રત્યે થોડા વધુ સજાગ રહી શક્યાં હોત. અંગત રીતે, હું કોઈને આટલું બધું ન વઢી શક્યો હોત, ગમે તે કારણ કેમ ન હોય.) જયારે તમે અને તમારા બેચેન મનમાં દોરડાખેંચ ચાલે, ત્યારે થોડી ક્ષણો માટે થોભી જાવ. થોડા ઊંડા શ્વાસ લો. તમારી જાતને પૂછો, “હું અત્યારે શું વિચારી રહ્યો/રહી છું?” આજુબાજુ જુવો અને તમારી આજુબાજુ આવેલી દરેક વસ્તુથી સજાગ બની જાવ. ઓરડો, દીવાલનો રંગ, ભીતચિત્રો, બારણા, બારીઓ વિગેરે. તમારા મનને જીતવા દો. તેને દોરડું લઇ લેવા દો. હવે બહુ સંઘર્ષ ન કરશો. તેનાં બદલે, આ રમત પ્રત્યે જાગૃત થઇ જાવ. બેસો અને જુઓ કે તેમાં વિચારો કેવી રીતે ઉઠે છે. સાક્ષી બનો. મન તેની મેળે જ ધીમું પડી જશે અને આપોઆપ સ્થિર પણ બની જશે. જેવી રીતે પાણીની કિંમત દરેક બુંદોમાં અરે ધસમસતાં ધોધમાં પણ એકસમાન રહેલી હોય છે, તેમ આપણા સતત ચાલતાં રહેતાં મનમાં પણ ઉઠતો દરેક વિચાર મહત્વનો છે. વિચારવું એ મનનો એક માત્ર ધંધો છે અને થકવી દેનારો છે. આપણા વિચારો પ્રત્યેની જાગૃતિ મનને શાંત કરવાનું પ્રથમ પગથીયું છે. અને, જાગૃતિ, હું વધુમાં કહીશ કે, ધ્યાન વગર શક્ય નથી.

એક સતર્ક મન, વધારે મહેનત કર્યા વગર, તેની કુદરતી અવસ્થામાં – માનસિક, ધાર્મિક અને બૌદ્ધિક ખ્યાલોમાંથી મુક્ત – બસ આ છે ઝેનનો આધાર. સહજ ધ્યાન એ વર્તમાન ક્ષણમાં રહેવાનો એકમાત્ર માર્ગ છે. જ્યાં મન પોતાની વર્તમાન અવસ્થાથી જાગૃત હોય છે ત્યાં જ ઝેન છે. પોતાનાં મનથી જાગૃત થવું અને તેને સમજવું – તે એક માન્યામાં ન આવે તેટલી સામર્થ્યવાન અને શાંત કરી દેતી લાગણી છે.

જેમ કે ડી. ટી. સુઝુકીએ કહ્યું હતું, “ઝેનનો વિચાર એ છે કે પસાર થતાં રહેતાં જીવનને પકડી પાડવું.” આ તેનો સારાંશ છે. જયારે આપણે બધું કેવું હોત અને કેવું ચાલવું જોઈએની ચિંતા કરતાં હોઈએ છીએ ત્યારે આપણું જીવન વહી રહ્યું હોય છે, તે આપણી અંદર બુદબુદી રહ્યું હોય છે. આપણી પાસે આ બધાં વિચારો, ખ્યાલો, અને પ્રાથમિકતાઓ હોય છે કે આપણને કેવા પ્રકારનાં લોકો જોઈએ છીએ અને કેવા સંજોગોમાં આપણે રહેવાં માંગીએ છીએ. કદાચ, તેમાં કશું ખોટું નથી. પરંતુ જો આપણે વહેતા જીવન સાથે વહેવાનું પસંદ કરીએ તો કેવું રહેશે? જો આપણે મૌનનાં મંદિરમાં દાખલ થતાં શીખીએ તો કેવું રહેશે કે જ્યાં જાગૃતિની સોડમ અને જ્ઞાનનો પ્રકાશ અસ્તિત્વની દરેક ચુટકીમાં એક ગૌરવ ભરી દેતો હોય? જો તમે મને સમજી રહ્યાં હોય તો આ હશે એક ઝેન મન. દરેક વસ્તુ જેવી છે તેવી. કોઈ અર્થઘટન નહિ, કોઈ મૂલ્યાંકન નહિ. જયારે તમે જીવનની મજાકથી ઉપર ઉઠી જાવ છો, ત્યારે તમે તેની રમુજને સમજી શકો છો.

તેને બસ રહેવા દો. ચાલો જોઈએ. સરળતાથી તેને એક ઝેન બની રહેવા દો.

શાંતિ.
સ્વામી

નોંધ: બેંગ્લોરમાં ઝેન ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તે ડીસેમ્બર ૧૬-૨૦ દરમ્યાનનાં છે. વધુ વિગત માટે અહી ક્લિક કરો.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email