થોડા અઠવાડિયા પહેલાં મેં સત્ય કહેવા માટે શબ્દોની પસંદગી કેવી રીતે કરવી કે જેથી સાંભળનારને દુઃખ ન થાય તેનાં ઉપર એક લેખ લખ્યો હતો. એક મત હોવો અને સત્ય કહેવું તેમાં જે બારીક તફાવત રહેલો છે, મેં તેનાં ઉપર પણ ભાર મુકેલો. ફક્ત આપણે કશામાં વિશ્વાસ કરતાં હોઈએ કે પછી અમુક વસ્તુઓ અમુક રીતે કરવામાં માનતાં હોઈએ, અને અન્ય વ્યક્તિ એવું ન માનતી હોય, તો તેનો અર્થ એ નથી કે આપણો મત કહેવામાં કે તેની આલોચના કે ટીકા કરવામાં, આપણે સત્ય ઉચ્ચારી રહ્યાં છીએ. તેમાં રહેલાં તફાવતને ઓળખો.

ઘણાં બધાં લોકોએ મને લખીને જણાવ્યું કે ઘણી વાર તેઓને સામાજિક, વ્યાવસાયિક કે અંગત જીવનમાં પોતાનો મુદ્દો રજુ કરવો પડતો હોય છે. તે વખતે, તમારે નકારાત્મક પ્રતિસાદ આપવો પડતો હોય છે. જયારે સામે વાળી વ્યક્તિને દુઃખ આપવાનું ટાળી શકાય તેમ ન હોય ત્યારે શું કરવું જોઈએ? ટૂંકમાં, રચનાત્મક પ્રતિસાદ કેવી રીતે આપવો?

તમે ખરેખર શું કહેવા માંગી રહ્યાં છો તે હું સમજુ છું. આપણામાંથી કોને અઘરા માણસો સાથે કામ નથી લેવું પડ્યું? છતાં, મારો અનુભવ કહે છે કે આપણે સત્ય બોલી શકીએ છીએ કે આપણે સત્ય બોલી શકીએ અને આપણે જે કહેવાનું હોય તે પણ કહી શકીએ છીએ અને તે પણ ભલી અને હકારાત્મક રીતે. થોડા સમય પહેલાં, મેં અજાહ્ન બ્રહ્મની Don’t Worry, Be Grumpy વાંચી હતી. તેમાં તેમણે બહુ સુંદર રીતે નકારાત્મક પ્રતિસાદ આપવાની રીત વિશે લખ્યું છે જેને તેઓ સેન્ડવીચ રીત કહે છે.

પ્રથમ, જે વ્યક્તિની તમારે ટીકા કરવી હોય તેનાં વખાણ કરો. પ્રમાણિક વખાણ. અહી વખાણ કરવાનો હેતુ તેમને માન આપવાનો, તેમનાં યોગદાનની કદર કરવાનો છે, અને તેમને એ જણાવવાનો કે આપણે તેમને નીચા નથી પાડી રહ્યાં.

વખાણથી માણસનાં કાન પણ સરવા થઇ જાય છે. લોકો આપણને શું કહી રહ્યાં છે તેનાં પ્રત્યે આપણે બહુ જ ઓછું ધ્યાન આપતાં હોઈએ છીએ, તેઓ આપણને શું કહી રહ્યાં છે તેનાં વિશેનાં આપણા પોતાનાં જ વિચારો સાંભળવામાં આપણને વધારે રસ હોય છે. વખાણ એક એવું પ્રલોભન છે કે જે આપણને આપણા આત્મ-રક્ષણાત્મક આંતરિક સલામતીનાં ઓરડામાંથી બહાર આવવા માટે લલચાવે છે કે જેથી કરીને આપણે આપણને શું કહેવામાં આવી રહ્યું છે તેનાં વિશે સાંભળીએ. આપણને વખાણ ગમતાં હોય છે, માટે આપણા કાન વધુ ખુલ્લા થઇ જતાં હોય છે.

પછી આપણે તેમને ફટકારવાના (અલબત્ત રૂપક અલંકારની ભાષામાં કહી રહ્યો છું), આપણી ટીકાઓથી. “પણ…” કહીને જે ઠપકો આપીએ તે સીધો ખુલ્લા કાનમાં જતો હોય છે.

છેલ્લે, આપણે ફરી એકવાર વખાણનું જાદુ સ્તર ચોપડવાનું, એ બાબત ઉપર ભાર આપતા કે આપણે તેમને એક વ્યક્તિ તરીકે તેમનો તિરસ્કાર નથી કરી રહ્યાં, ફક્ત ઘણી બધી સારી બાબતો કે જેનાં વિશે આપણે વાત કરી તેની વચ્ચે એક કે બે વાંક તરફ ફક્ત અંગુલીનિર્દેશ કરી રહ્યાં છીએ.

પરિણામ એ આવે છે કે જેનો વાંક હોય છે તે આ આલોચનાને સ્વીકાર કોઇપણ ક્ષીણ ભાવ અનુભવ્યા વગર કરે છે, આપણે એક પ્રબંધક તરીકે આપણું કામ કર્યું અને તે પણ કોઈ પણ પ્રકારનાં કટુસ્વાદ વગર, અને જે કઈ પણ પ્રશ્ન હતો તેને પણ આપણે સંબોધ્યો.

વખાણનું પ્રથમ સ્તર એ સેન્ડવીચની ઉપરનાં ભાગની બ્રેડ છે, અને વખાણનું છેલ્લું સ્તર એ સેન્ડવીચની નીચેના ભાગની બ્રેડ છે. ટીકા છે તે અંદરનું પુરણ છે. માટે તેને “સેન્ડવીચ પદ્ધતિ” તરીકે ઓળખવામાં આવે છે.

સેન્ડવીચ પદ્ધતિ એ તમારા શબ્દોનો ઉપયોગ કરવાની કોઈ હોશિયારીભરી કે લુચ્ચાઈભરી રીત નથી. ઉલટાનું, એમાં તો ઘણાં હકારાત્મક પાસા રહેલાં છે. તે તમને સામેવાળી વ્યક્તિમાં રહેલાં સારા પાસાઓ ઉપર વિચારવા માટે મજબુર કરે છે. આ રીત, તમે બીજી વ્યક્તિએ જે પણ ખોટું કર્યું હોય તેનાં વિશે તમને જે પણ ખરાબ કે નકારત્મક લાગ્યું હોય તેનાં વિશે વાત કરતાં પહેલાં તેઓ શું “બરાબર” કરી રહ્યાં છે તેનાં વિશે વિચારતાં કરે છે. તે દરેક બાબતોને એકબીજાનાં સંદર્ભમાં જોવા માટે મદદરૂપ થાય છે.

જો તમારે સામેવાળા માટે ફક્ત નકારાત્મક વાતો જ કહેવાની હોય તો ધ્યાન રાખજો. સંભાવના છે કે, જે તમારે કહેવાનું છે તે આલોચના નથી (અને રચનાત્મક આલોચના તો ચોક્કસ નથી) પણ તે એક પ્રકારની હતાશા છે જે જ્વાળામુખીની જેમ બહાર આવી રહી છે. આવી હતાશાને વ્યક્ત કરવાથી ફક્ત નુકશાન જ થશે કશું સારું નહિ થાય. તમે એક પ્રકારનાં હિંસક વિચારો અને વાણીમાં અટવાઈ જશો. આમાંની એક પણ બાબત, એક આધ્યાત્મિક વ્યક્તિને શોભતી નથી. અને કોઈપણ કિંમતે, એક ઉપકારું સલાહ, ખાસ કરીને વણમાંગેલી, હંમેશાં નકારવામાં જ આવશે. અને વધુમાં, મોટાભાગે તો સામેની વ્યક્તિ કોઈ કામ અમુક પ્રકારે કેમ કરે છે તેનાં માટેના તેની પાસે તેનાં પોતાનાં જ કોઈ કારણો હોવાનાં.

એક આઈ.ટી કંપનીમાં એક ટીમ ડીનર વખતે, એક વધુ પડતાં હોશીયાર પ્રોગ્રામરે પોતાનાં સહકર્મચારીને કે જેણે કાંટો ખોટા હાથમાં પકડ્યો હતો તેને કહ્યું, “માફ કરશો, પણ તમને કહી દઉં કે છરી જમણા હાથે અને કાંટો ડાબા હાથે પકડવાનો હોય છે.”
“પણ હું ડાબોડી હોય તો?” તેનાં સહકર્મચારીએ જવાબ આપ્યો અને પોતાનું ખાવાનું ચાલુ રાખ્યું.

આ ૧૭ વર્ષ પહેલાં સિડનીમાં બનેલી વાત છે જેમાં એ પ્રોગ્રામર હું પોતે હતો કે જેણે આ સલાહ આપવામાં આવી હતી. મેં મારો બીજો કોળીયો શાંતિથી ખાધો અને એક જીવનપર્યંત ચાલે એવો પાઠ શીખ્યો: માંગ્યા વગર કોઈને સલાહ આપવી નહિ.

એક દિવસે, પોતાનું કામ કર્યા બાદ, રાજાનાં હજામે રાજાને કીધું. “તમારી દાઢી સફેદ થવા લાગી છે.”

ગુસ્સો અને ખોટું લાગતાં, રાજાએ આ હજામને એક વર્ષ માટે જેલમાં પુરવાનો આદેશ આપ્યો. અને પોતાનાં એક દરબારીને પૂછ્યું શું ખરેખર પોતાની દાઢીમાં કોઈ સફેદ વાળ દેખાય છે.
“કદાચ એક પણ નહિ,” દરબારીએ બીતાં-બીતાં જવાબ આપ્યો.
“તારો ‘કદાચ’ દ્વારા કહેવાનો અર્થ શો છે?” રાજાએ બુમ પાડીને પૂછ્યું અને તેને બે વર્ષની સજા ફટકારી.
રાજા બીજા દરબારી તરફ ફર્યા અને પૂછ્યું, “તને દેખાય છે એકેય સફેદ વાળ મારી દાઢીમાં?”
“સફેદ?” દરબારીએ પ્રાર્થના કરતો હોય એવી રીતે બે હાથ જોડતા કહ્યું, “તમારી અમુલ્ય દાઢીતો કાળા કોલસા કરતાં પણ કાળી છે, જહાપનાહ.”
“જુઠ્ઠા!” રાજાએ ત્રાડ પાડી. “સૈનિકો! આ માણસનાં બરડા ઉપર દસ કોરડા ફટકારો અને તેને ત્રણ વર્ષ માટે જેલમાં પૂરી દો.”
અંતે તે મુલ્લા નસરુદ્દીન તરફ ફર્યા અને પૂછ્યું, “મુલ્લા, મારી દાઢીનો રંગ કયો છે?”
“જહાપનાહ,” નસરુદ્દીને શાંતિથી જવાબ આપતા કહ્યું, “હું એક રંગઅંધતાથી પીડાઉં છું અને આ સવાલનો જવાબ આપી શકું તેમ નથી.”

જેમ કે કહેવાય છે કે, ફક્ત આપણે કશું કહેવાનું હોય એટલાં માટે જ આપણે કઈ કહેવું જરૂરી નથી. અને, ફક્ત આપણે કહી શકીએ તેમ હોઈએ માટે આપણે કહેવું જ જોઈએ એવું નથી. જો તમે તમારા શબ્દોથી સજાગ હોવ, તો તમે કોઈને પણ દુઃખ નહિ પહોચાડો. અને જો તમે બીજાને દુઃખ નહિ પહોચાડો, તો તમારા સંબધ પણ ખાટ્ટા નહિ થાય. બસ આટલું સરળ છે આ.

અપ્રત્યક્ષ વખાણ (દા.ત. વાહ, તું આ પોષાકમાં બિલકુલ જાડી નથી લાગતી), કટાક્ષભર્યા વેણમાં (મને વિશ્વાસ જ છે કે તું એવું ન કરે), ઉપકારભરી સહાનુભુતિ (દા.ત. મેં તને કહ્યું હતું કે આવું થશે), અભિપ્રાય (તું બિલકુલ બધું જ ખોટું કરે છે), વણમાંગી સલાહ (જો તમે જુદી રીતે જીવ્યા હોત, તો તમે વધુ સફળ હોત વિગેરે) કોઈપણ રીતે કહેવામાં આવે તે ન ગમે તેવાં જ હોય છે. કોઈ શ્રોતા આવા શબ્દોની કદર નહિ કરે. તમે પોતે કરશો, જો તમને આવું કહેવામાં આવે તો? કદાચ નહિ.

દરેક હસતાં લોકો જે આપણે આપણી આજુબાજુ જોઈએ છીએ, કોને ખબર રોજબરોજ તેમનાં પોતાનાં અંગત જીવનમાં શું ચાલી રહ્યું હોય છે. દરેકજણ થોડી દયા, પ્રેમ, ભલાઈ અને સહાનુભુતિથી કામ કરી જ શકે. આપણે સામેવાળી વ્યક્તિની દરેક ભૂલો બતાવવી જ એવું જરૂરી નથી. કોઈવખત, આપણે તેને અવગણી પણ શકીએ. કોઇપણ કીમતે, જો તમારી પાસે કશું સારું કહેવાનું ન હોય તો કદાચ આપણે ચુપ રહી શકીએ, કોઈપણ પ્રકારની નિર્ણયાત્મકતા દાખવ્યા વગર.

ગરમ અને તીખું પુરણ પીરસતા પહેલાં, તેને એક સ્વાદિષ્ટ બ્રેડ અને થોડા કચુંબર વચ્ચે દબાવી દો. સારાઈનો થોડો રસ ચોપડી દો. શ્રોતા માટે તમારી સેન્ડવીચ થોડી પચવામાં હળવી રહે તેવી બનાવો. અને તેમનાંમાં સારું શું છે તે જોવાનું અને કહેવાનું પણ ચૂકશો નહિ. તેનાંથી બહુ મોટો ફરક પડતો હોય છે. અને, આપણામાંનાં દરેકજણ અહી કઈક ફરક પાડવા માટે જ આવ્યા છીએ. આપણા માટે, બીજા માટે અને આ દુનિયા માટે. થોડી હળવાશથી કરો. દયાપુર્વક અને સજાગપણે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email