પ્રેમ કરવો એક કલા છે અને કદાચ સૌથી મહત્વની કલા છે, કારણકે પ્રેમ એ ફક્ત સંબંધોની સામંજસ્યતાનું મૂળભૂત ઘટક જ નહિ પરંતુ આપણા અસ્તિત્વનો આધાર પણ છે. તે એકમાત્ર એવી વસ્તુ છે કે જેની પ્રાપ્તિ દરેકજણ ઇચ્છતું હોય અને હૃદયપૂર્વક તે બીજાને આપતું પણ હોય છે, અને છતાં, તે હંમેશાં ભ્રામક રહી જતું હોય છે. કાં તો ઓછાનામે તેવું કદાચ અનુભવાતું હોય છે.

જો કદાચ હોય તો સાચા પ્રેમની ચાવી કઈ છે?

જયારે પ્રેમ વિશેની વાત આવે છે, ત્યારે જૂની કહેવત, અન્ય સાથે એવો વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે થાય એવું ઇચ્છતાં હોવ, તે નથી કામ આવતી. પ્રેમ એ જુદા જ સિદ્ધાંત ઉપર કામ કરે છે. ચાલો હું તમને તાઓ ધર્મમાં આવતાં ચુંગ ત્ઝુંની એક વાર્તા કહું.

પ્રાચીન ચીનમાં, એક શિષ્ય કે જેને એ સમજવાની ઈચ્છા હતી કે લોકોને કેવી રીતે પ્રેમ કરવો, તે પોતાનાં ગુરુ પાસે માર્ગદર્શન માટે જાય છે.
“ગુરુજી,” તે પૂછે છે, “એવું કહેવાય છે કે દુનિયા સાથે કામ લેવામાં તમારે ફક્ત એટલું જ જાણી લેવાની જરૂર છે કે બીજાની સાથે એવો વ્યવહાર કરો જેવો તમે તમારી સાથે થાય એવું ઇચ્છતાં હોવ. તમને આ વિશે શું લાગે છે?
“ચાલ હું તને લુનાં એક ભદ્ર માણસની વાત કહું કે તે કેવી રીતે એક સમુદ્ર પક્ષીની સંભાળ લેતો હતો,” ગુરુએ જવાબ આપતાં કહ્યું.

“એક દિવસે એક દુર્લભ અને સુંદર સમુદ્રી પક્ષી તોફાનમાં ફંટાઈને દુર સુધી આવી ગયું. તે લુની રાજધાનીમાં આ ભદ્રમાણસનાં રાજવી બગીચામાં આવી ચડ્યું. આવું દુર્લભ, નવું અને અદ્દભુત પક્ષી જોઈને તેણે તે પક્ષી પકડી લીધું. તેણે આ પંખીને પોતાનું ખાસ મહેમાન બનાવી દીધું અને તેને એક મોટા ઓરડામાં રાખ્યું કે જે ખાસ મહેમાન માટે આરક્ષિત રાખવામાં આવતો હોય.

“તે ભદ્ર વ્યક્તિએ નૃત્યગાન માટેનાં કલાકારો રાત દિવસ તેનાં માટે રાખ્યા હતાં, અને તેને ભુંજેલુ માંસ અને સ્વાદિષ્ટ દારૂ, આકર્ષક દાણાઓ અને બીજા સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતાં. પંખી, જોકે, ખુબ જ ભયભીત અને મૂંઝાઈ ગયું હતું, અને તે કશું જ ખાતું કે પીતું નહોતું. ત્રણ દિવસ પછી, તે મૃત્યુ પામ્યું.”
“તને શું લાગે છે કે પંખી કેમ મૃત્યુ પામ્યું?”
“કારણકે તે ભૂખ્યું અને તણાવગ્રસ્ત થઇ ગયું હતું…” શિષ્યે પોતાને જે લાગ્યું તે તેણે કહ્યું.
“બિલકુલ નહિ,” ગુરુએ કહ્યું. “પંખી એટલાં માટે મરી ગયું કે પેલો ભદ્ર વ્યક્તિ તેનું મનોરંજન એવી રીતે કરી રહ્યો હતો જે તેને પોતાને પસંદ હોય, અને નહિ કે તે સમુદ્ર પક્ષીને પસંદ હોય.”

આ દંતકથા પ્રેમ ઉપરનાં હજાર પુસ્તકો કરતાં પણ વધુ કિંમતી છે. પ્રેમનો સારાંશ જ આ છે. સામે વાળી વ્યક્તિને તેને પોતાને પસંદ હોય તેવી રીતે પ્રેમ કરવો તે પ્રેમ છે. બાકીનું બધું પ્રેમની ભ્રમણા માત્ર છે, બહુ બહુ તો લગભગ લાગી શકે એવો પ્રેમ..ટૂંકમાં, તેમને તે ખવડાવો જે તેમને ભાવતું હોય.

વાર્તામાંનું પંખી મરી નહોતું ગયું, જો તમે મને પૂછો તો. તેને મારી નાંખવામાં આવ્યું હતું. પેલા ભદ્ર વ્યક્તિએ તેને તેની અનુકુળતાનું ધ્યાન નહિ રાખીને તેનો જીવ લીધો હતો. અને આવું જ પ્રેમની બાબતમાં હોય છે. પ્રેમ મરી જતો નથી. પણ, તેને મારી નાંખવામાં આવતો હોય છે. જયારે બે વ્યક્તિઓ પોતાની ઈચ્છાઓને આધીન થઇને કે પછી વ્યક્તિગત પ્રાથમિકતાઓને આધીન થઇને એક આંધળાની જેમ વર્તણુક કર્યે રાખે, તો પ્રેમની ઉપર ઘા થતો હોય છે. અને, પ્રેમ વધારે સહન નથી કરી શકતો હોતો.

હું એવું નથી કહી રહ્યો કે તમારે તમારું જીવન ન જીવવું જોઈએ કેમ કે તમે કોઈ સંબધનાં તાંતણે બંધાયેલા છો. હું તો ફક્ત એમ કહી રહ્યો છું કે જો તમે સામેવાળી વ્યક્તિને પ્રેમ કરતાં હોવ તો તેને શું પસંદ છે અને તેને પોતાને કેવી રીતે પ્રેમ કરવામાં આવે તો તેને ગમશે તે શોધી કાઢવાનો તમે પ્રયત્ન કરશો.

એક યુવાન માતાએ પોતાની નવજાત બાળકીને ઊંઘાડી. તે પોતાનાં પતિ સાથે પારણાંની નજીક ઉભી રહી, અને આ ઊંઘતી નાની સુંદર દીકરીને જોઈ રહી અને પોતે કેવી રીતે મોટી થઇ તે યાદ કરવાં લાગી.

“મારું બાળપણ ખુબ જ ખરાબ રહ્યું હતું,” તેને કહ્યું. “મારે હંમેશાં ચિત્રકામ શિખવું હતું પણ મારા માં-બાપે મને બળજબરી કરીને પિયાનો શિખવા મોકલતાં. તેઓએ ક્યારેય મારે શું જોઈએ છે તેની દરકાર નથી રાખી. મને પિયાનો પ્રત્યે સખત નફરત હતી.”
“આપણે ધ્યાન રાખીશું કે આપણી દીકરીને આવું સહન ન કરવું પડે,” પતિએ તેનાં ખભા ઉપર હાથ રાખતાં કહ્યું.
“બિલકુલ! હું ક્યારેય મારી દીકરીને પિયાનો નહિ શિખવા દઉં. ઉલટાનું, એ તો ચિત્રકામ શીખશે.”

દરેક સંબધોમાં રહેલાં સંઘર્ષોનાં મૂળમાં આ જ કારણ રહેલું છે. આપણે આપણા સ્વપ્નાઓ બીજી વ્યક્તિ દ્વારા જોવા હોય છે. આપણે એવું ઇચ્છતાં હોઈએ છીએ કે બીજી વ્યક્તિ આપણી ઇચ્છાઓ પૂર્ણ કરે. કદાચ, આપણું એવું ઇચ્છવું તે કદાચ કુદરતી હશે. આખરે, એટલાં માટે જ તો લોકો સંબંધ બાંધતા હોય છે જેથી કરીને તેઓ એક પરિપૂર્ણતા અને સંપૂર્ણતા અનુભવે.

જો કે આ તર્ક બરાબર સમજી શકાય તેવો છે તેમ છતાં મોટાભાગનાં સાથીઓ એકબીજાને નિરાશા આપે છે. એવું શા માટે, ખબર છે? ત્રુટક અને નિષ્ફળ સંબધોમાં, બન્ને વ્યક્તિઓ એ વાત ઉપર જોર આપે છે કે પોતે બીજા માટે કેટલું અને કેવું બધું કરે છે. તેઓ પોતના સાથી કેવી રીતે તેનો પ્રત્યુત્તર આપવામાં નિષ્ફળ જાય છે તેનાં ઉપર એક મહાનિબંધ લખી શકે તેમ હોય છે. તેમાં કોઈ શંકા નથી. બન્ને એ બાબતે એકદમ સ્પષ્ટ છે કે સામે વાળી વ્યક્તિ શું નથી કરી રહી.

જે તેઓ વારંવાર નથી કરતાં હોતાં તે એ કે તેમનાં સાથીને ખરેખર શું જોઈતું હોય છે તેની દરકાર. અને, આ શોધ ફક્ત એક સરળ સવાલ સામેવાળી વ્યક્તિને પૂછીને થઇ શકે છે, “આપણા સંબધમાં તને શેનાંથી ખુશી મળશે?” કે પછી, “એવું હું શું કરી શકું તમને એ બતાવવાં માટે કે મારા માટે તમે કેટલાં મહત્વનાં છો, હું કેટલો તમને પ્રેમ કરું છું અને તમારા માટે કાળજી કરું છું?”

તેનાંથી સામેવાળી વ્યક્તિ વિચારતી થઇ જશે અને પોતાની તમારા પ્રત્યેની તેની અપેક્ષાઓનો સમન્વય કરતાં શીખશે. વધુમાં, તમને એ ખબર પણ પડશે કે સમુદ્રપંખીને શું જોઈએ છે અને તે પોતે શેનાંથી ખુશ રહેશે. અરે આપણને પણ કોઈ પ્રેમ કરે તેમ આપણે ઇચ્છતાં હોઈએ છીએ, પરંતુ સત્ય તો એ છે કે, આપણામાંના દરેકજણ તેમને પોતાને પોતાની જુદી જુદી રીતે પ્રેમ થાય એવું ઇચ્છતાં હોય છે. તમારી ચેષ્ટા કે શબ્દોનું તમારે મન કોઈ મુલ્ય નથી હોતું પણ તે તમારા સાથીનું હૃદય ઘભરાવી મૂકતું હોય છે. પરંતુ, તમને તેનાં વિશે ક્યારેય ખબર નહિ પડે જ્યાં સુધી તમે એ પૂછશો નહિ કે સમજશો નહિ કે તે પોતે પોતાને કેવી રીતે પ્રેમ કરવામાં આવે તેવું ઇચ્છતાં હોય છે.

આ લાંબા ચાલતાં સંબધનો એક સરળ સિદ્ધાંત છે: તેમને તેઓ ઇચ્છતાં હોય તેવી રીતે પ્રેમ કરો અને નહિ કે તમે તેમને જેવી રીતે પ્રેમ કરવાનો વિચાર કરતાં હોય તેવી રીતે.

પ્રેમ એ સામેવાળી વ્યક્તિને તમારા મગજમાં તમે ધારણ કરી રાખેલી સંપૂર્ણતાની પ્રતિમા મુજબ ઘડવાની વાત નથી. તેનાં માટે તો એક વધારે સારો શબ્દ છે – મૂર્ખતા. ઉલ્ટાનું પ્રેમ તો, અસમમિતિ અને અપૂર્ણતાને પણ સમાવી લેવાની વાત છે. તેમાં માનવ સહજ ખામીઓ અને નબળાઈઓને વ્યાજબીપણે સ્વીકારી લેવાની વાત છે. આખરે, આપણી અપૂર્ણતાઓમાં પ્રેમની ઉચ્ચ સંવેદના જેમ કાળી ખાણમાં હીરો સંતાઈને રહેતો હોય છે તેમ રહેલી હોય છે.

પ્રેમને પકડી લો, તેને થોડો ઘસી નાંખો અને તમે જોશો કે આ અમુલ્ય હીરો શિયાળાની પૂર્ણિમાનાં ચંદ્રની માફક ચમકી ઉઠશે. પ્રેમ આ માવજતને ફક્ત લાયક જ નહિ, પરંતુ તેને તેની જરૂર પણ હોય છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email