એક દિવસે મને કોઈએ પૂછ્યું, “જો મારું સત્ય કોઈને નારાજ કરતું હોય તો તેમ છતાં પણ મારે સત્ય બોલવું જોઈએ? હું કશું ખોટું નથી કરી રહ્યો પરંતુ મારા સાથીને મારું સત્ય સાંભળવું જ નથી હોતું.”

મને આ સવાલ અનેક વાર જુદી-જુદી રીતે પૂછાતો હોય છે. આપણી આ દુનિયામાં જ્યાં જુઠનાં કાંટાઓ ફુલતાં-ફાલતાં રહ્યાં છે અને સત્યનાંપુષ્પો કરમાઈ જતાં જોવા મળે છે, ત્યાં આ એક સામાન્ય દુવિધા છે.

પાંચ વર્ષ પહેલાં, ૨૦૧૧ની શરૂઆતમાં, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે હું ફક્ત સત્ય જ બોલીશ. આ સહેલું નહોતું. નાં, એટલાં માટે નહિ કે મારે તમારી પાસેથી કશું છુપાવીને રાખવાનું હતું. એ અઘરું એટલાં માટે હતું કે સત્ય હંમેશાં શ્રોતા માટે આરામદાયક નથી હોતું. કદાચ, એટલાં માટે આપણામાંનાં ઘણાં બધાં લોકો હંમેશાં ખોટું જ બોલતાં હોય છે. અરે એક બાળક તરીકે પણ, તમને સત્ય બોલવા માટે ઠપકો આપવામાં કે તમને રોકવામાં આવતાં હોય છે, પણ તમે ખોટું બોલીને તણાવ અને સંઘર્ષને ટાળી શકો છો (ઓછાનામે થોડા સમય માટે તો ખરું જ). આટલું કહ્યાં પછી, એ સમજવું તો એકદમ સરળ છે કે એક જુઠ્ઠાબોલી વ્યક્તિને ક્યારેય શાંતિ નથી મળતી.

મેં એક વાર રાજેન્દ્ર અરુણની रोम रोम में राम નામનાં પુસ્તકમાં એક વાર્તા વાંચી હતી.

એક નાના ગામડામાં, એક કસાઈ એક રખડતી ગાયને પકડીને લઇ જાય છે. તે જયારે આ ભોળા પ્રાણીની હત્યા કરવાં માટે પોતાની છરીની ધાર કાઢી રહ્યો હોય છે ત્યારે, આ ગાય છે તે ગમે તેમ કરીને ભાગી જાય છે. થોડી ક્ષણો પછી, જયારે તેને ભાન થાય છે કે ગાય તો હવે ત્યાં નથી, તે તેને શોધવા માટે નીકળે છે.
ગામની બહાર એક સંન્યાસી રહેતાં હતાં. તેમને ગાયને પોતાની ઝુપડી આગળથી પસાર થતાં જોઈ. સંન્યાસી બહાર નીકળીને ગાયની પાછળ જવા માટે નીકળે છે પરંતુ પોતે હજી પગમાં પગરખાં પહેરે તે પહેલાં તો પેલો કસાઈ તેમને અટકાવે છે

“તમે આ બાજુ કોઈ ગાયને જતાં જોઈ છે?” તે પૂછે છે.

કસાઈની આંખ ગુસ્સાથી લાલ થઇ ગયેલી હોય છે અને તેણે હાથમાં છરી પકડી રાખેલી હોય છે. સંન્યાસી ગાયનો જીવ જુઠ્ઠું બોલીને બચાવી શક્યાં હોત (કાં પછી મૌન રહીને પણ) પરંતુ તેમને લાગ્યું કે પોતાનું સત્યનું પ્રણ વધારે કિંમતી છે.

“હા,” તેમણે કસાઈને ગાયની દિશામાં આંગળી ચીંધતા કહ્યું, “તે પેલી બાજુ ક્યાંક હોવી જોઈએ.”

કસાઈ ગાયની દિશામાં ધસી જાય છે અને તેની હત્યા કરી નાંખે છે, થોડા વર્ષો પછી, સંન્યાસી મૃત્યુ પામે છે અને નર્કમાં જાય છે.

અત્યંત નવાઈ સાથે તે યમરાજને પૂછે છે, “હું જાણું છું ત્યાં સુધી હું હંમેશાં સત્ય બોલ્યો છું, હું નર્કને લાયક નથી. મને અહી શાં માટે લાવવામાં આવ્યો છે?”
“તારા સત્યની શું કિંમત જો તેનાંથી એક નિર્દોષ, મૂંગા, પ્રાણીનો જીવ જતો હોય?” યમરાજે જવાબ આપતા કહ્યું.
“લગાવ નહિ પરંતુ દયા એ એક શુદ્ધ સત્યનું મૂળ છે.”

આ વાર્તાનો સારાંશ એ નથી કે આપણે જુઠ્ઠું બોલવું જોઈએ કારણકે સત્ય બહુ મોંઘુ પડી જતું હોય છે. તેનો સરળ અર્થ છે કે કોઈ ચોક્કસ સિદ્ધાંત કે નિયમને ચુસ્ત રીતે વળગી રહેવા કરતાં તમારે સમય, સ્થળ અને સંજોગોને પણ ધ્યાનમાં લેવાં જોઈએ. આ વાત મને તેનાં સાર તરફ લઇ જાય છે. બે પ્રકારનાં સત્ય હોય છે. શુદ્ધ અને અશુદ્ધ.

એક અશુદ્ધ સત્યમાં, તમે ફક્ત જેને સત્ય માની રહ્યાં હોવ છો તેને ટાંકી રહ્યાં છો એ બાબતનો વિચાર કર્યા વગર કે તમારા બોલવાનું બીજા ઉપર શું પરિણામ થશે. મેં એક વાર એક વાક્ય વાંચ્યું હતું, “અમુક લોકો એટલાં બધાં ઘાતકી સત્યવક્તા હોય છે કે એવું જ લાગે કે તેઓ પોતે સાચા હોવાં કરતાં ઘાતકી હોવાનો વધુ આનંદ માણે છે.” સત્ય બોલવાનો અર્થ એ નથી કે તમારે કડવા અને તીખા વેણ જ ઉચ્ચારવા. તમે હળવા શબ્દો બોલીને પણ તમારો મુદ્દો રજુ કરી શકો. જયારે તમે શુદ્ધ સત્ય બોલો ત્યારે, જો કે, તમે એક ક્ષણ માટે અટકી જઈને તમારા બોલની બીજા ઉપર શું અસર થશે તેનો વિચાર કરો છો. શુદ્ધ સત્ય ફક્ત ઉમદા ઈરાદાઓ અને દયાભરી લાગણીમાંથી ફૂટતું હોય છે. શુદ્ધ સત્યનાં કિસ્સામાં તમે કશું સાબિત કરવાં નથી માંગતા હોતાં. પરંતુ, તમે બીજાનાં ફાયદાને ધ્યાનમાં રાખીને ધીમેથી સત્ય ઉચ્ચારો છો (ફક્ત તમારો મત નહિ).

અશુદ્ધ સત્યમાં, વાક્ય ગમે તેટલું સાચું કેમ ન હોય, તે ફક્ત તમારા અહંકારને પુષ્ટિ આપે છે અને બીજાને કોઈ મદદરૂપ નથી થતું કેમ કે જેવો તમે તમારો અવાજ ઉંચો કરો છો કે અપમાનજનક વેણ બોલો છો, કે તરત જ તમે એક શ્રોતાને ગુમાવો છો. તે તમારા ધ્યેયને જ હરાવી મુકે છે. જયારે બીજી બાજુ, એક શુદ્ધ સત્યમાં તમે જે જાણો છો તેને વહેંચવાની વાત છે (કહેવાની નહિ). તેમાં અન્ય વ્યક્તિને તમારો દ્રષ્ટિકોણ જોવા માટે અને તમારે તેનો દ્રષ્ટીકોણ સમજવા માટેની વાત છે.

ભૂતકાળમાં, ઘણાં પ્રવચનોમાં મેં માજ્હીમા નિકાય – બૌદ્ધિક સૂત્રમાંથી મારા પ્રિય મુદ્દાઓ ટાંક્યા છે:

સહાનુભુતિ એ સત્ય કરતાં વધારે શક્તિમાન છે. ફકત સત્ય જાણવું અને બોલવું એ પુરતું નથી. સત્ય બોલતાં પહેલાં, સત્યની પાંચ અવસ્થા અને તેનાં માટેનો યોગ્ય સમય જોવો જોઈએ (છઠ્ઠી ગણતરી). એક વખતે, રાજકુમાર અભયે બુદ્ધને પૂછ્યું કે એમને ક્યારેય કટુ અને અસહમતીભર્યા શબ્દો ઉચ્ચાર્યા છે ખરા, બુદ્ધે જવાબમાં કહ્યું કે આ પ્રશ્નનો કોઈ હાં – કે – નાંમાં જવાબ નથી અને ત્યારબાદ, પૂજનીય એવા બુદ્ધે કહ્યું:

શબ્દોની બાબતમાં તથાગત જાણે છે કે જે અવાસ્તવિક છે, અસત્ય છે, બિનફાયદાકારક (કે પછી જેનો કોઈ ધ્યેય સાથે સંબંધ નથી)છે, અપ્રીતિકર છે અને જેની સાથે કોઈ સહમત ન થઇ શકતું હોય તેવાં શબ્દો જે છે, તે તથાગત ક્યારેય બોલતાં નથી.

શબ્દોની બાબતમાં તથાગત જાણે છે કે જે વાસ્તવિક છે, સત્ય પણ છે પરંતુ જો તે કોઈનાં માટે બિનફાયદાકારક, અપ્રીતિકર અને જેની સાથે કોઈ સહમત ન થઇ શકતું હોય તેવાં શબ્દો જે છે, તે તથાગત ક્યારેય બોલતાં નથી.

શબ્દોની બાબતમાં તથાગત જાણે છે કે જે વાસ્તવિક છે, સત્ય છે અને કોઈના માટે ફાયદાકારક પણ છે પરંતુ તે અપ્રીતિકર અને જેની સાથે કોઈ સહમત ન થઇ શકતું હોય તેવાં શબ્દો જે છે, તેને તથાગત યોગ્ય સમય જોઈને બોલે છે.

શબ્દોની બાબતમાં તથાગત જાણે છે કે જે અવાસ્તવિક છે, અસત્ય છે અને કોઈના માટે બિનફાયદાકારક છે પરંતુ તે પ્રીતિકર અને જેની સાથે કોઈ સહમત થઇ શકતું હોય તેવાં શબ્દો જે છે, તેને તથાગત ક્યારેય બોલતાં નથી.

શબ્દોની બાબતમાં તથાગત જાણે છે કે જે વાસ્તવિક છે, સત્ય છે, અને કોઈના માટે બિનફાયદાકારક છે પરંતુ તે પ્રીતિકર અને જેની સાથે કોઈ સહમત થઇ શકતું હોય તેવાં શબ્દો જે છે, તેને તથાગત ક્યારેય બોલતાં નથી.

શબ્દોની બાબતમાં તથાગત જાણે છે કે જે વાસ્તવિક છે, સત્ય છે, ફાયદાકાર છે, અને પ્રીતિકર તેમજ જેની સાથ કોઈ સહમત થઇ શકતું હોય તેવાં શબ્દો છે જે, તે તથાગત યોગ્ય સમય જોઇને બોલે છે. એવું શા માટે? કારણકે તથાગતને દરેક જીવ માટે સહાનુભુતિ છે.
[Abhaya Sutta: To Prince Abhaya (MN 58), translated from the Pali by Thanissaro Bhikkhu.]

જો તમે ખરેખર એ શાંતિનો અનુભવ કરવાં માંગતા હોવ કે જે સત્યપૂર્ણ જીવનમાંથી મળતી હોય, તો હું તમને ભારપૂર્વક ભલામણ કરું છું કે ઉપરોક્ત ફકરાઓ ઉપર ચિંતન કરજો અને તેને જીવનમાં ઉતારજો. ઓછા નામે, હું પોતે તો મારા મુખમાંથી શબ્દો નીકળી પડે તે પહેલાં તેનું મુલ્યાંકન આ રીતે કરતો હોવ છું. તેનો તમે જયારે થોડા મહિનાઓ માટે અભ્યાસ કરશો, ત્યારબાદ એક અદ્દભુત વસ્તુ બનશે. તમે તમારા શબ્દો માટે ખુબ જ ઉત્તરોત્તર સજાગ બનતાં જશો. જેવા તમે સત્યનાં માર્ગે ચાલતાં રહેશો, તેમ તેમ તમારી ચેતના વિકસતી જશે.

એક હોશિયાર છોકરો પોતાનાં સહાધ્યાયીને કહે છે કે દરેક પુખ્ત વ્યક્તિનાં જીવનમાં એક કાળું રહસ્ય હોય છે અને પછી બધું જ શક્ય છે જયારે તમે તેમને ધમકી મારીને એમ કહો કે તમે તેમનું રહસ્ય જાણો છો.

પેલો બીજો છોકરો તો ઘરે જાય છે અને ત્યારે જ તેની માં ફોન પર વાત કરીને મુકતી હોય છે, ત્યાં તે જઈને કહે છે: “મને આખા સત્યની ખબર છે.”
તેની માં જલ્દી તેને ૨૦ રૂપિયા કાઢીને આપે છે અને કહે છે, “વચન આપ કે તું તે તારા સુધી જ રાખીશ.”
પોતાની સરળ કમાણી ઉપર ખુશ થઇ જાય છે, અને સાંજે પોતાનાં પિતાનાં કાનમાં કહે છે, “મને આખા સત્યની ખબર છે.”
પિતા તેને ૫૦ રૂપિયા આપે છે અને કહે છે, “મહેરબાની કરીને, તારી મમ્મીને એક શબ્દ પણ કહેતો નહિ.”
બીજા દિવસે, તે પોતાનાં ઘરનાં દરવાજે ટપાલીને જુવે છે. થોડા પૈસા કમાવાની આશાએ, પેલો છોકરો ટપાલીને આવકારે છે અને કહે છે, “મને આખા સત્યની ખબર છે.”
“તું જાણે છે?” ટપાલી નવાઈ સાથે પોતાનાં ઘૂંટણીયે બેસી જાય છે. પોતાનો થેલો બાજુ પર રાખીને, પોતાનાં બન્ને હાથ ફેલાવીને બુમ પાડે છે, “તો પછી આવ તારા પપ્પાને એક આલિંગન આપ!”

રમુજ પમાડે એવી વાત તો એ છે કે એક જુઠ્ઠાણા વ્યક્તિ માટે કોઈ બીજા નહિ પણ તેનું પોતાનું મન જ બધાં સમયે તેને ધમકી આપીને કામ કરાવતું હોય છે. જેટલું વધુ જુઠ્ઠું આપણે બોલીએ ત્યારે અંદરની ચટરપટર એટલી જ વધુ જોર કરતી હોય છે અને ભય અને અસલામતી પણ એટલી જ વધારે વધી જતી હોય છે. સત્યમાં કોઈ વ્યગ્રતા હોતી નથી. એક સત્યપૂર્ણ જીવન એક અર્થપૂર્ણ જીવન છે.

સત્યપૂર્ણ જીવન દ્વારા હું એમ નથી કહી રહ્યો કે તમે જે પણ કઈ કહો કે કરો તેની લોકોમાં જાહેરાત કરતાં રહો. તમને તમારી અંગતતા જાળવવાનો પૂરો અધિકાર છે. સત્યપૂર્ણતા દ્વારા મારા કહેવાનો અર્થ છે કે એક માત્રામાં રહેલું ખુલ્લાપણું એક પારદર્શિતા. સત્ય એ નથી કે એવા શબ્દો બોલવાં કે જેનાંથી બીજો છેતરાઈને એ વાતને માને કે જે તમે જાણો છો કે અસત્ય છે. મહદ્દ અંશે, કર્મ કરતાં પણ અસત્ય બીજી વ્યક્તિને વધુ દુઃખ આપતું હોય છે.

મેં મારા જીવનમાં જેટલી વસ્તુઓની કોશિશ કરી છે, તેમાંનું કોઈપણ એટલું લાભદાયી નથી જેટલું એક સત્યપૂર્ણ જીવન જીવવામાં હોય. જ્યાં બીજું બધું નિષ્ફળ જતું હોય છે, ત્યાં સત્ય કામ કરી જતું હોય છે. જયારે બીજા કશાથી મદદ નથી મળતી, ત્યારે સત્ય મદદ કરી જતું હોય છે. એક સારા જીવનમાં સત્ય એ એકમાત્ર લાંબા સમય માટેનો સહારો છે. તે તમને મુક્ત કરે છે. વાસ્તવમાં, સત્યનો માર્ગ એકમાત્ર મુક્તિનો માર્ગ છે. કારણકે, સત્ય પોતે જ એક મોક્ષ છે. એ જ એકમાત્ર અંત છે. બાકીના બીજા બધાં ઉપાયો છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email