એક સ્ત્રી મને આશ્રમમાં મળવા માટે આવી હતી. તે પોતે માઈન્ડ થેરાપીસ્ટ અને હિલર (તેનો જે અર્થ થતો હોય તે) હતી, અને પોતે સાત ચક્રોનાં ખ્યાલથી સુપરિચિત હતી. તે વાસ્તુ, ફેંગશુઈ અને ટેરોટમાં પણ વિશ્વાસ કરતી હતી. આ બધાં, હકીકતમાં જોકે તેનાં વ્યવસાયનાં સાધનો પણ હતાં. એ દિવસે તે પોતે થોડી ચિંતિત હતી કારણકે એક પ્રખ્યાત ‘ચક્ર-વિશેષજ્ઞએ’ તેને કહ્યું હતું કે તેનાં ચક્રની ગતિ બરાબર નથી અને તે તેનાં વ્યવસાયને પણ અસર કરી રહ્યું છે.

“ફરીથી કહે તો,” મેં પૂછ્યું, “તારા ચક્રોને શું થયું છે?”
“ગતિ,” તેને જવાબ આપ્યો, “મારા ચક્રોની ગતિ બરાબર નથી.”
“કોણ છું તું?” હું હસ્યો, “કોઈ મોટરકાર છું તો તારી ગતિ બગડી ગઈ છે?”

ખબર નહિ, હું ગંભીર હતો કે મજાક કરી રહ્યો હતો, તેને પોતે થોડી છોભેલી પડી જતાં સ્મિત કર્યું. જો કે હું મનમાં થોડી ક્ષણો માટે હસતો હતો પરંતુ હું મજાક નહોતો કરી રહ્યો. વાસ્તવમાં, મેં તેનાં માટે દિલગીરી અનુભવી, જેવી રીતે હું એ તમામ સાધકો માટે અનુભવું છું કે જેઓ આવા ‘ચક્ર-વિશેષજ્ઞો’ દ્વારાગેરમાર્ગે દોરવાતા હોય છે.

“તો તેણે તને બીજું શું કહ્યું?” મેં પૂછ્યું.
“તેણે મને એક ચક્રનું તાવીજ પહેરવા કહ્યું અને અમુક સુગંધની અગરબત્તી સળગાવવાનું કહ્યું.”
“બરાબર, અને પછી શું થાય છે?”

“તે મારા ચક્રોને સંતુલિત કરશે,” અને તેણે તાવીજ બહાર કાઢીને બતાવ્યું. તે ઘણું મોંઘુ લાગતું હતું. સફેદ સુવર્ણમાંથી બનાવેલા ચાર સુંદર કમલપત્રોની ઉપર વચ્ચે એક રત્ન જડેલું હતું અને પાંદડીઓ ઉપર પન્ના, માણેક, સ્ફટિક અને પોખરાજ જડેલા હતાં. “આ મારા હૃદયને અડવું જોઈએ,” તેણે કહ્યું.

“તે તારા હૃદયને અડી રહ્યું છે, બરાબર, પણ તેમ છતાં તે તારા માટે બાકીનું કામ નથી કરી રહ્યું, એ જ વાત છે ને?”

તેનાં ચહેરાનો રંગ ઉડી ગયો અને તેનાં હોઠ હતાશાથી નીચે વળી ગયાં.

“એવું કેમ થાય છે, સ્વામી? મેં એનાં ઉપર કેટલાં બધાં પૈસા ખર્ચ્યા છે.”
“વીણા,” મેં કહ્યું, “આ એક બેકાર વસ્તુ છે.” (નામ બદલ્યું છે).

તે ઉદાસ અને ગુસ્સે થઇ ગઈ, જાણે કે કોઈએ તેને હીરાની કીમતમાં કાચનો ટુંકડો ન વેચ્યો હોય.
“પણ મને લાગ્યું કે ચક્રોની વાત ખરી છે.”
“બિલકુલ, ચક્રો ખરેખર હોય જ છે, વીણા!”
“તો પછી?”
“મારો કહેવાનો અર્થ એ છે કે આ ચક્રોને સંતુલિત કરવાની વાત અને બીજી બધું અગડમ-બગડમ એ ફક્ત લોકોને મુર્ખ બનાવવાનો ધંધો છે. કુંડલિનીને જાગૃત કરવાનો એક માત્ર માર્ગ લાંબા સમય માટે ધ્યાન કરવાનો જ છે, બસ.”
“તો પછી આ ચક્રનું તાવીજ મારા માટે એ કામ ઝડપથી નહિ કરે?”
“જો તું નવ સ્ત્રીઓને એકસાથે સગર્ભા કરીને, એક મહિનામાં બાળકનો જન્મ કરાવી શકે તો,” મેં કહ્યું, “તો પછી મને લાગે છે તું કુંડલિનીને પણ ઝડપથી જાગૃત કરી શકે ખરી.”
“શું એવું શક્ય છે, સ્વામી?” તેને મને ખુબ જ ગંભીરતાથી પૂછ્યું.

હું ખડખડાટ હસી પડ્યો. મને લાગ્યું કે આપણને બધાંને ખરેખર શેમાં વિશ્વાસ કરવો હોય છે, તે ખરેખર અદ્દભુત વાત છે.

વીણાનો કિસ્સો કોઈ એકલદોકલ નથી. હું એવા હજારો ભોળા સાધકોને કાયમ મળતો હોવ છું જેમને જલ્દી ઉપાય જોઈતો હોય છે. મને ખુબ મજા આવે છે જયારે લોકો સુંદર રીતે શણગારેલા સ્થળે જાય છે, જ્યાં ઉત્તેજિત મંદ પ્રકાશ કરેલો હોય છે, નાની પરંતુ મોંઘી અને પુરાતન લાગે તેવી બુદ્ધ કે શિવની મૂર્તિ એક ખૂણામાં મુકેલી હોય છે જે એક કૃત્રિમ દીવાથી પ્રકાશિત કરેલી હોય છે. સુંગધિત તેલનાં ધૂપિયામાંથી સુંગધ હવામાં રેલાતી હોય છે, પાર્શ્વભૂમિમાં સરસ સંગીત વાગતું હોય છે, મખમલનાં ગાલીચા હોય છે, લાકડાનું ફર્નીચર હોય છે અને તેઓ મને પૂછતાં હોય છે, “ઓહ, તો શું તમને અહી આ સ્થળે એક ઉર્જાનો અનુભવ થાય છે, સ્વામી?” હું સામાન્ય રીતે સ્મિત કરતો હોવ છું અને તેને જવા દઉં છું. પણ તેઓ કઈ ઉર્જાની વાત કરતાં હોય છે તેનાં વિશે મને આછો અણસાર પણ આવતો નથી હોતો.

હા, તમને સુંદર લાગે છે, સારું અનુભવાય છે, પણ તેને ચક્રો અને ઉર્જા સાથે કોઈ સ્નાનસુતકનો ય સંબંધ નથી. એ તો ફક્ત એક પ્રકારનું વાતાવરણ હોય છે. અંગત રીતે, તમે કોઈ સારા આયુર્વેદિક સ્પાની અંદર તમારો સમય વિતાવો એ વધારે સારું રહેશે, કે જ્યાં ઓછાનામે તમને તમારા ખર્ચેલા પૈસાનું વળતર તો મળે છે, કે તેઓ તમને એક ગ્રાહક ગણીને તમારી સેવા-સ્વાગતા કરે છે નહિ કે કોઈ બીજાના ખેતરમાં ભૂલથી આવી ચડેલી કોઈ ગરીબ, અજ્ઞાન, દોરવાઈ ગયેલી ગાય સમજીને કોઈ દોહી લેતું હોય.

ચક્ર માળા, માદળિયાં, અગરબત્તી, પાથરણું, ચટ્ટાઈ, કપડાં, દીવાલ પર ટાંગીને રાખવાનું, ચક્ર સંગીત અને બીજાં બધાં આકર્ષક સામાનોને ચક્રની ખરી સાધના સાથે બિલકુલ કોઈ લેવાદેવાં નથી. કોઇપણ તમારા કપાળને(કે પછી ગમે તેને) સ્પર્શ કરીને તમારી કુંડલિની જાગૃત કરવાનું કહેતું હોય, તો તે તમારી સાથે ખોટું બોલી રહ્યું છે, પછી ભલે ને તે વ્યક્તિ ગમે તેટલી સાચી કે આકર્ષક કે ન લાગતી હોય.

અને પછી કેટલાંક એવા લોકો પણ છે કે જે તમારા ચક્રોને વાંચી શકતાં હોવાનો દાવો કરતાં હોય. તેઓ પણ તમને ફુદરડી ફેરવતાં હોય છે. કોઈના ચક્રને જોઈ શકવા અને અતીન્દ્રિય દ્રષ્ટીને કોઈ સંબંધ નથી. જયારે ચક્રોની વાત આવતી હોય ત્યારે ત્યાં કશું જોવાનું કે વાંચવાનું છે જ નહિ. તમારા ચક્રો કોઈ પુસ્તકનાં પ્રકરણો નથી કે તેને કોઈ વાંચી શકે. લોકો ચક્રોને ખોલવાનાં અને બંધ કરવાનાં દાવા કરતાં હોય છે જાણે કે ચક્રો તો કોઈ બિસ્કીટ ભરવાની બરણી ન હોય કે જેની ઉપરનું ઢાંકણું તમે ગમે ત્યારે ખોલી શકો ને બંધ કરી શકો. તમારી કરોડરજ્જુ પર સર્પ સરકતો હોય તેવું અનુભવાતું હોય તો તેનો અર્થ કુંડલિની જાગૃત થઇ રહી છે એવો નથી થતો. જો આ લાગણી લાંબો સમય સુધી ચાલતી હોય તો કોઈ ન્યુરોલોજિસ્ટ પાસે તપાસ કરાવો.

તમે કદાચ એવું સાંભળ્યું હશે કે દરેક ચક્રને અમુક ચોક્કસ નંબરની પાંદડીઓ હોય છે અને તેનાં ઉપર જુદા જુદા અક્ષરો હોય છે, જેનાં ઉપર કોઈ દેવતાં અધિષ્ઠિત હોય છે, અમુક દેવતાંનાં સેવકો હોય છે, જુદા જુદા આકારો હોય છે અને એવું બીજું ઘણું બધું. હું તમને કહી દઉં, આ બધી બિનજરૂરી જટિલતાઓ છે. ચક્રોનાં ખરા સત્યને સમજવું એ એક તદ્દન જુદી જ રમત છે.

न रूपमस्येह तथोपलभ्यते
नान्तो न चादिर्न च संप्रतिष्ठा ।
अश्वत्थमेनं सुविरूढमूल-
मसङ्गशस्त्रेण दृढेन छित्त्वा ॥

ततः पदं तत्परिमार्गितव्यं
यस्मिन्गता न निवर्तन्ति भूयः ।
तमेव चाद्यं पुरुषं प्रपद्ये
यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥

(ભગવદ્દગીતા અધ્યાય ૧૫.૩,૪)

સિદ્ધિ પ્રાપ્તિ પછી સાધકને ખબર પડે છે કે સત્ય એ નથી કે જે તેમને જણાવવામાં આવ્યું હોય. જીવનવૃક્ષનો સાચો આકાર તો સમજી ન શકાય તેવો છે; તેનો કોઈ પ્રારંભ કે અંત નથી. જે કોઈ તેને મહાન વૈરાગ્ય વડે મૂળથી કાપી નાંખે છે, તે શાંતિનાં સ્તરે પહોંચી જાય છે. એ એવા કિનારે પહોંચી જાય છે કે જ્યાંથી પાછું વળી શકાતું જ નથી. તે પોતાનાં મૂળ સ્રોતમાં પાછું ફરે છે.

કુંડલિનીનું પણ સત્ય છે, ચક્રોનું પણ. તમે જે કઈ પણ જોયું હોય, સાંભળ્યું હોય કે તેનાં વિશે વાંચ્યું હોય તે સત્ય નથી, ઓછા નામે પૂર્ણ સત્ય તો નથી જ. જે દિવસે તમે ખરેખર ચક્રોનાં છેદનને કે કુંડલિનીની જાગ્રત અવસ્થાનો અનુભવ કરી લેશો ત્યારે તમે આનંદનાં એક એવા સ્તરને પ્રાપ્ત કરી લેશો કે જ્યાંથી પાછું વળવું શક્ય જ નહિ હોય.

દૂધમાંથી એક વખત માખણ બની ગયા પછી તેને પાછુ દૂધમાં ફરી રૂપાંતર કરી નથી શકાતું. એવી જ રીતે, જયારે તમે તમારો ખરો સ્વભાવ શોધી કાઢો, ત્યારે ગમે તે થાય, તમારા જુના વલણો, તમારી નકારાત્મક લાગણીઓ તમને બિલકુલ છોડીને જતી રહે છે. તમામ જીવ માત્રનાં કલ્યાણનો એક નિ:સ્વાર્થ ભાવ તમારી અંદર કુદરતી રીતે ઉગી ઉઠે છે. જેમ તમે તમારા પગરખાંથી મોટા થઇ જાવ છો તેમ. એવું નથી કે તમને કોઈ મારે તો દર્દનો અનુભવ નહિ થાય. ચોક્કસ, તમે દર્દ અનુભવશો. પણ તમારી જૂની જાતની જેમ, બદલાયેલાં એવાં તમે તમને કોઈ દુઃખ આપતું હશે તેનાં પ્રત્યે ગુસ્સે નહિ થાવ.

કુંડલિનીને જાગૃત કરવી એટલે તમારા ઊંડા આનંદ અને શાંતિનાં આંતરિક સ્વરૂપ સુધી પહોંચી જવું. આ અવસ્થા દસ સ્તરોથી ઢંકાયેલી હોય છે જે છે – ઈચ્છા, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, ઝનુન, ઈર્ષ્યા, ધ્રુણા, ભય અને સ્વ-ચિંતા. જેવાં તમે આધ્યાત્મિકતામાં ઉપર ઉઠો છો, તેમ તેમ તમે આ બધાં આવરણોને દુર કરતાં જાવ છો. આ આવરણો તમારા ખરા સ્વરૂપને ઢાંકી રાખે છે. તમારું ખરું સ્વરૂપ કે જે દર્દ અને દુઃખ, સારું અને ખરાબ, નૈતિક અને અનૈતિક જેવા દ્વંદ્વોથી પરે હોય છે. કુંડલિની સાધનાનાં પંથે જાગૃતિ એ સતત અને ધીરે-ધીરે થતી પ્રક્રિયા છે. આ કોઈ તરત પ્રાપ્ત થઇ જતું જ્ઞાન નથી. તે ધીમે ધીમે બંધાતું હોય છે, તે તમારી અંદર ઉગતું હોય છે. એક એક સ્તરની જાગૃતિથી, તમે તમારા નવા સ્વરૂપ વિશે થોડું વધારે જાણો છો અને તમારા જૂનાં સ્વરૂપને થોડા-થોડા તમે ખેરવતાં જતાં હોવ છો.

કુંડલિનીનું વિજ્ઞાન એ એક પ્રાચીન વિદ્યા છે કે જે મૌખિક રીતે એક ચુસ્ત શિસ્તતાથી જે કોઈ પણ તેને લાયક હોય તેને કહેવામાં આવતી રહેલી છે. આ વિજ્ઞાન અત્યારે પણ એટલું જ રહસ્યમય રહેલું છે. તેનાં માટે જરૂરી છે ફક્ત એક મોટી કટિબદ્ધતા અને દ્રઢતા સાથે આ માર્ગે ચાલતાં રહેવું.

ચાલો, હું તમને લઇ જઉં તેનાં મૂળ સુધી, કારણકે જે મૂળમાં રહેલું છે તેને પર્ણોમાં ક્યારેય નથી સમજી શકાતું. તેની ડાળોમાં તમે ન ફસાઈ જતા. તેનાં ફળોથી તમે વિચલિત ન થઇ જતાં. તમારે ફક્ત તેનાં મૂળની માવજત કરવાની છે અને આખું વૃક્ષ તમારું બની રહેશે.

આ છે મારા આવનાર પુસ્તક કુંડલિની – એક અકથિત કથાની પ્રસ્તાવના. તમે તેને ભારતમાં અહી આગળ ખરીદી શકો છો અને વિદેશમાં અહી આગળથી. ઈ-બુક હજી ભારતમાં ઉપલબ્ધ નથી, ફક્ત વિદેશમાં છે (અહી ક્લિક કરો).

હું ન્યુ-દિલ્હીમાં આ પુસ્તકનું અનાવરણ તારીખ ૨૬-એપ્રિલ-૨૦૧૬નાં રોજ સાંજે ૬-૮ વાગ્યાની વચ્ચે કરવાનો છું. તમારે ત્યાં આવવું હોય તો તમારું સ્વાગત છે જ્યાં હું એકાદ પ્રકરણનું વાંચન પણ કરીશ, પ્રશ્નોનો ઉત્તર પણ આપીશ અને પુસ્તક ઉપર સહી પણ કરીશ. વધુ વિગતો માટે અહી ક્લિક કરો.

શાંતિ.
સ્વામી

નોંધ: હું મારી આજીવિકા માટે લખું છું. જો તમે મારા પુસ્તક વાંચતા હોવ, તો હું આશા કરું છું કે તમે એમેઝોન ઉપર તેનાં માટે એક અભિપ્રાય લખશો. અભિપ્રાયથી મદદ મળતી હોય છે. હું તે માટે તમારો કૃતજ્ઞી છું.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email