એક દિવસે મેં એના પ્રજ્ઞા ડગ્લાસની The Hidden Lamp માંથી પટાકારાની વાર્તા વાંચી હતી. પ્રસ્તુત છે તેનાં અમુક અંશો:

અમુક ૨૫૦૦ વર્ષ પહેલાં, પટાકારા ભારતમાં એક શ્રીમંત ગૃહે જન્મી હતી પરંતુ અંતે તે એક નોકરનાં છોકરા સાથે પરણી હતી. જયારે તે પોતાનાં બીજા બાળકની માં બનવાની હતી ત્યારે તેની સાથે એક દુર્ઘટના ઘટી ગઈ. એક જ દિવસમાં તેણે પોતાનું આખું કુટુંબ ગુમાવી દીધું. દંતકથા એવી છે કે તેનાં પતિનું જે દિવસે ઝેરી સર્પ કરડવાથી મૃત્યુ થાય છે ત્યારે જ તેનાં નવા જન્મેલા બાળકને બાજ પક્ષી ઉપાડી જાય છે. થોડી મિનીટોમાં જ તેનાં માતા-પિતાનું ઘર તૂટી પડે છે અને તેનો ભાઈ, માતા અને પિતા મૃત્યુ પામે છે અને તેનો મોટો પુત્ર નદીમાં ડૂબી જાય છે.

દુઃખમાં ગુસ્સે થઇ ગયેલી પટાકારા પોતાનાં કપડા ફાડી નાખે છે અને એક પાગલની જેમ ભટક્યા કરે છે. નગ્ન અને અસ્તવ્યસ્ત, તે ઘણાં સમય સુધી લક્ષ્યહીન થઇને રખડતી રહે છે, એક દિવસે તે જેતવનમાં કે જ્યાં બુદ્ધ ઉપદેશ આપી રહ્યાં હોય છે ત્યાં આવી ચડે છે.
તેની ધૃણિત અને અશોભનીય અવસ્થા જોઇને, કેટલાંક મોટા સંન્યાસીઓ ઉભા થઇને તેને સંતની દ્રષ્ટીથી દુર લઇ જાય છે. બુદ્ધ પોતાનો હાથ ઉંચો કરીને તેમને રોકે છે.

પટાકારા તેમનાં પગે પડી જાય છે. તેનાં આંસુઓ તો ક્યારનાંય સુકાઈ ગયા હોય છે. તેનાં વાળમાં ગાંઠો પડી ગઈ હોય છે, તેનું શરીર દુર્ગંધ મારતું હોય છે અને માટીથી મેલું થઇ ગયેલું હોય છે. તે વારાફરતી હૈયાફાટ રુદન અને હીબકા ભરે છે.
“અરે, ઉમદા નારી,” બુદ્ધે ખુબ જ મૃદુતાભર્યા સ્વરે કહ્યું, “સજાગ બન.”

તેમનાં કરુણાભર્યા શબ્દોથી, પટાકારાએ પોતે પ્રસામાન્યતા અનુભવી અને તુરત જ પોતે બિલકુલ નગ્ન હોવાનું ભાન થયું. એક વ્યક્તિએ પોતાનું વસ્ત્ર તેને આપ્યું અને પટાકારાએ તેનાંથી પોતાનું શરીર ઢાંક્યું. તેણે પોતાની કરુણાંતિકા બુદ્ધ સમક્ષ વર્ણવી અને મદદ માટે ભીખ માંગી.

“હું તને મદદ કરી શકું તેમ નથી,” બુદ્ધે કહ્યું. “કોઈ નહિ કરી શકે. તું ઘણાં જન્મોથી તારા પ્રિય વ્યક્તિઓ માટે રડી છે. તારા આંસુઓથી ચાર સમુદ્ર ભરાઈ શકે. પણ કોઈની પાસે દુઃખથી સલામત રહેવા માટે સંતાઈને રહેવાનું સ્થળ નથી. આ જાણવાથી, એક ડાહ્યી વ્યક્તિ સજાગતાનાં પંથે ચાલતી હોય છે.”

તેનું સમગ્ર અસ્તિત્વ બુદ્ધની ઉપસ્થિતિ અને તેમનાં ઊંડા અર્થસભર શબ્દોથી શાંતિ અનુભવીને અભિભૂત થઇ ગયું. સંત ત્યારબાદ ધમ્મપદ (૨૮૮-૨૮૯)માંથી નીચેનો શ્લોક બોલે છે:

“કોઈ બાળક નથી જેણે શરણું આપવાનું છે, કોઈ પિતા, કોઈ કુટુંબને પણ નહિ કેમ કે મૃત્યુ દરેકને ખેંચી જતું હોય છે, સગા સંબંધીઓને પણ નહિ. જે આ બાબતથી જાગૃત છે, જે જ્ઞાની છે, તેણે પોતે સદ્દગુણોથી સંચિત થઇને નિર્વાણનો માર્ગ નિશ્ચિત કરવો જોઈએ.”

પછી તો તે સંઘમાં જ ભળી ગઈ અને બુદ્ધે તેને “અસ્થાઈત્વતા” ઉપર ધ્યાન ધરવાનું કહ્યું.

“પટાકારા,” તેમને કહ્યું, “દરેકજણ એક દિવસે મૃત્યુ પામે છે. દરેક માનવજીવે મરવું જ પડે છે. અસ્થાઈત્વતાનાં આ સત્યને સો વર્ષ સુધી જીવીને પણ તેને નહિ જાણવા કરતાં તો તેને એક ક્ષણ માટે પણ જોઈ લેવું વધારે સારું.”

અસ્થાઈત્વતા એ અસ્તિત્વનો સાર છે. આપણું વિશ્વ, આપણું બ્રહ્માંડ અસ્તિત્વ ધરાવી રહ્યું છે અને ટકી રહ્યું છે કે કેમ કે તે સતત બદલાતું જતું હોય છે. અને આપણા સંઘર્ષોનાં મૂળમાં આ સ્થાઈત્વતા-કાયમીપણાની ઈચ્છા રહેલી હોય છે, જાણે કે કોઇપણ રીતે એવું નિશ્ચિત કરી લેવું કે આપણા જીવનમાં જે કઈ પણ સારું હોય તે જેમનું છે તેમ ટકી રહેવું જોઈએ. સુસંવાદીતતા અને ઉત્ક્રાંતિ, જો કે, કોઈ બીજા જ સિદ્ધાંત ઉપર વિકસતાં હોય છે – સ્વતંત્રતાનાં સિદ્ધાંત ઉપર.

તમે જેને પણ વળગીને બેસી રહ્યાં હોય તેને ખતમ કરતાં શીખો. કોઈપણને ટકી રહેવાં માટે, તેની પાસે અમુક માત્રામાં સ્વતંત્રતા હોવી જોઈએ. કલ્પના કરો કે આકાશ છે તે વાદળાઓને વળગીને જ રહે અને તેને ક્યારેય જવા જ ન દે તો!. તો પછી ક્યારેય વરસાદ પડે જ નહિ, અંતે તો સમુદ્રો પણ સુકાઈ જતાં હોય છે અને આ પૃથ્વીનું પણ અસ્તિત્વ ખતમ થઇ જશે. કુદરત ફક્ત અસ્થાઈત્વતાનાં સિદ્ધાંત ઉપર જ ટકી રહ્યું છે. જાગૃત થવાનો અર્થ છે તમારા સતત બદલાતાં જતાં જીવન સાથે હળવા થઇને રહેવું. તે કદાચ સરળ ન હોઈ શકે પરંતુ તે કરી શકો તેવું તો તે ચોક્કસ છે જ.

જો કોઈ તમારા જીવનમાં ન જ રહેવા ઇચ્છતું હોય, તો પછી તે વ્યક્તિને જવા દો. સાથી, વ્યક્તિ કે તમને નોકરી આપનારને ચીટકી રહેવામાં કોઈ ડહાપણ નથી. પ્રત્યેક વસ્તુ અને પ્રત્યેકજણને અંતે તો નાશ પામવું જ પડતું હોય છે. આપણને જે કઈ પણ પ્રિય હોય તેનાંથી અલગ થવું તેનાં માટે કોઈ “જો”નો સવાલ નથી પરંતુ એ તો સવાલ છે “ક્યારે”નો. તે અનિવાર્ય જ છે, ફક્ત સમયની જ વાર છે. આપનું બાળપણ, તરુણાવસ્થા, યુવાની, વૃદ્ધાવસ્થા, એમ દરેક તબક્કા પસાર થઇ જતાં હોય છે. જે કોઈ તમને ગઈકાલે ઊંડો પ્રેમ કરતુ હોય તે આવતીકાલે તમારો તિરસ્કાર પણ કરે તેવું બને. જેમને તમે એક દિવસે પ્રગાઢ પ્રેમ કરતાં હોય તેમની યાદો હવે તમને ફક્ત દુઃખ જ આપતી હોય તેવું પણ બને. આ સંસાર છે – ચક્રીય અને ક્ષણિક.

જે ક્ષણે તમને એવો બોધ થાય છે કે કશું પણ કાયમી નથી ચાલતું અને તમને તેની સાથે કોઈ વાંધો નથી ત્યારે જ્ઞાનનો આવિર્ભાવ ત્યાં જ થઇ જતો હોય છે. તેમાંથી જ શાંતિ અને સુસંવાદીતતાની અવસ્થા જન્મતી હોય છે.

“હની,” સવારનો નાસ્તો ટેબલ પર કરતાં એક સ્ત્રીએ પોતાનાં પતિને કહ્યું, “ગઈકાલે, મને એવું સ્વપ્ન આવ્યું હતું કે તે મને મોતીનો એક હાર આપ્યો હતો. એનો અર્થ શું થાય તને શું લાગે છે?”
“સ્મિત કરતાં, પતિએ પોતાની પત્નીને ચૂમી ભરતાં તેનાં કાનમાં હળવેથી કહ્યું, “આજે રાતે તું જાણી જઈશ.”

ચોક્કસ તે સાંજે તે જયારે ઘરે આવ્યો ત્યારે તે પોતાની સાથે એક સુંદર નાનકડું પેકેટ લઇને આવ્યો હતો. તે રમતિયાળ સ્મિત કરતાં તે પેકેટ પત્નીને આપે છે. તેની પત્નીતો ખુશીથી કુદી પડે છે અને ભેટ ખોલવા માટે પલંગ પર બેસી જાય છે. તે રીબીન ખોલે છે, અને ધીમે રહીને પેકેટ ખોલે છે.
તેમાંથી એક પુસ્તક નીકળે છે, શીર્ષક હોય છે, “સ્વપ્નાઓનો અર્થ”

આપણે છે તે જીવન આપણને મોતીઓનો હાર આપતું હોય તેવાં સ્વપ્નાઓ જોતાં હોઈએ છીએ જયારે જીવન છે તે આપણને સ્વપ્નાઓનો અર્થ આપવા માંગતું હોય છે. મોટાભાગનાં લોકોનું લાગણીનાં ચગડોળે ચડવાનું મુખ્ય કારણ જ આ ખોટો તાલમેળ હોય છે. તેમને કાયમીપણું જોઈતું હોય છે, અમુક પ્રકારની ખાતરી, જયારે જીવનમાં તો કશું એવું છે જ નહિ. સત્ય એ છે કે તમામ બાબતો અસ્થાઈ છે, એક પસાર થતો જતો તબક્કો.

समय पाय फल होत है, समय पाय झरी जात|
सदा रहे नहिं एक सी, का रहिम पछितात||

જયારે સમય આવે ત્યારે વૃક્ષ ફળોથી છવાઈ જતું હોય અને ત્યાર બાદ સમય આવ્યે તે ફળો અને પાંદડાઓને ખેરવી પણ નાંખતું હોય છે. તું શેના ઉપર શોક કરી રહ્યો છે, રહીમ કહે છે, જયારે બધાં જ પ્રકારનો સમય પસાર થઇ જતો હોય છે.

અસ્થાઈત્વતાનાં સત્યને તમારા હૃદયમાં આત્મસાત કરવાં માટેની આ એક સૌથી પ્રબળ અભિપુષ્ટિ છે. જયારે પણ તમે નિરાશા કે પરેશાની અનુભવતાં હોવ, જયારે પણ તમે અટવાઈ ગયા હોય કે દુઃખ અનુભવતાં હોય, ત્યારે તમારા હૃદય ઉપર હાથ રાખીને તમારી જાતને કહો કે આ સમય પણ પસાર થઇ જશે. સહન કરવું એ પણ જીવનનો એક ભાગ છે. તે પણ એક ઋતુ છે. તમારા હૃદય ઉપર હાથ રાખીને હળવાં સ્પર્શથી ટકોરો મારતા કહો કે આ અઘરો સમય પણ કાયમ નથી ટકવાનો.

જયારે પણ તમે ચંદ્ર પર પહોંચી જાવ અને તમને લાગે કે તમારી પાસે ઉત્તમ જિંદગી છે, ત્યારે તમારા હૃદયને ફરી ટપારો અને તમારી જાતને યાદ અપાવો કે આ સમય પણ કાયમ નહિ ચાલે. આ પણ એક ઉડતી જતી ઋતુ જ છે. તમારા મનની શાંતિ ઉપર આ ક્રિયાથી એક વિચિત્ર પરંતુ ખુબ જ હકારાત્મક અસર થાય છે. તમે વધુ કેન્દ્રિત અને સ્થિર બનો છો.

સમયની પૂર્ણતામાં, વર્તમાન ક્ષણે આવનાર વર્તમાન ક્ષણ માટે જગ્યા કરવી પડતી હોય છે. વર્તમાનને ભવિષ્યને સમર્પિત થવું જ પડતું હોય છે. ઉભરતી અને પસાર થઇ જતી આ ક્ષણોની રમત સતત ચાલતી રહેતી હોય છે અને તે જ આ જીવનનાં અણધાર્યાપણાને એક સુંદરતા બક્ષે છે. આ આપણી સમજણ અને કાબુની બહાર છે. ઉત્તમ તો એ છે કે તમે તેને જીવી શકો, પ્રેમ કરી શકો અને તેમાં આનંદ ઉઠાવી શકો. કૃતજ્ઞતાપૂર્વક. આ શાંતિનો માર્ગ છે. અને શાંતિ, હું કહી દઉં, કે તે એકમાત્ર ખજાનો છે. બાકીનું બધું થોડા સમય માટેનો સંગ્રહ માત્ર છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email