જીવનમાં અમુક વસ્તુઓ એવી હોય છે કે જેને આપણે બદલી શકીએ છીએ, અમુક વસ્તુઓને આપણે પ્રભાવિત કરી શકીએ છીએ. પરંતુ, એવી ઘણી બધી બાબતો પણ છે કે જેનાંથી આપણે ટેવાવું પડતું હોય છે. આ એક બહુ મોટી ચુનોતી છે. જીવન તમને જેવી રીતે રાખે તેવી રીતે રહેવા માટે ટેવાવું સરળ નથી. આ, જો કે, ખુશીનો સરળમાં સરળ માર્ગ છે.

આટલું કહ્યાં પછી, આજનું મારું કેન્દ્રબિંદુ બાંધછોડ કરીને ખુશી “અનુભવવાનું” નથી (જો કે તેનાંથી ઘણો લાભ થતો હોય છે ખરો). એનાં બદલે, મારું કેન્દ્રબિંદુ તો ખુશ “થવા” ઉપરનું છે. તમે જ્યાં સુધી પરિપૂર્ણતા નથી અનુભવતાં ત્યાં સુધી ખુશ કે સુખી “થઈ” શકતાં નથી. ખુશ થવું એ પરિપૂર્ણ થવાનાં સમાન અર્થમાં આવે છે. માટે, પરિપૂર્ણતા અનુભવવા માટે તમારે શું કરવું જોઈએ?

ગત અઠવાડિયાની આપણી ખુશીની સફરને આગળ ધપાવતાં, આજે હું તમારી સાથે વિલ ડ્યુરાન્ટનું એક સુંદર લખાણ વહેચીશ કે જે મેં તેમનાં Light From Many Lamps નામનાં પુસ્તકમાંથી વાંચ્યું હતું.

ઘણાં વર્ષો સુધી હું ખુશીની ખોજ કરતો રહ્યો. સૌ પ્રથમ મને તે, કદાચ, મારી માંનાં સ્તનની ઉષ્મામાં મળી હતી, તેનાં હાથનાં પ્રેમાળ સ્પર્શમાં અને તેની આંખોની નરમીની ચમકમાં મળી. પછી તે મને રમતમાં મળી, કારણ કે રમતમાં મળતી હારની અંદર મને બચપણની રમતોમાં જે કુદરતી ખુશી હોય છે તે મળી. મને તે મારા પ્રથમ પ્રેમમાં મળી; જેનો અનુભવ મને ત્યારે થયો જયારે એક સરળ યુવતીએ તેનાં બે હાથ મારી બાહુમાં આપ્યાં, અને તેનાં વાંકડિયા ખુશ્બુભર્યા કેશ મારા એટલાં નજીક આવ્યા કે મારા હોઠ તેને સ્પર્શી ગયા, મેં તેને ખબર ન પડે તેમ તેને ચૂમી લીધા. અને ત્યાર બાદ તે મારાથી દુર ચાલી ગઈ, અને ખુશી પણ દુર થઇ ગયી.

પછી તે મને અન્ય લોકોની જિંદગી બનાવવામાં દેખાઈ. અને હું આગળ ધપીને જગત સુધારણામાં લાગી ગયો. મેં લોકોને દોષીત ગણ્યાં, અને મારા સમયનાં પછાતપણા માટે પશ્ચાતાપ કર્યો, અને ભૂતકાળનાં તેમજ આવનાર ભવિષ્યનાં ગુણગાન ગાયા.

મારે એવા ઘણાં બધાં કાનુન કાયદાઓ જોઈતાં હતાં કે જે મારું તેમજ યુવાનોનું જીવન સરળ બનાવે. પરંતુ દુનિયા છે તે કઈ સાંભળે જ નહિ ને, પરિણામે મારામાં એક કડવાહટ વધતી ગઈ. મેં માનવમૂર્ખતાની દંતકથાઓ ભેગી કરવાં લાગી, અને લોકોની જડતા અને અન્યાયને લલકાર્યા. એક દિવસે, એક દુશ્મને કહ્યું, “તું જે બીજામાં દોષો જોઈને જેની ધ્રુણા કરે છે તે તમામ દોષો તારા ખુદમાં જ ભરેલાં છે; તું, પણ સ્વાર્થી અને લોભી બનવાં માટે સક્ષમ છે, અને દુનિયા જેવી છે તેવી લોકોની બનેલી છે, અને તે લોકોમાંનો તું પણ એક છે.”

હું જયારે એકાંતમાં બેઠો ત્યારે તે મને સાચું લાગ્યું. ત્યારે મને ભાન થયું કે સુધારણાની શરૂઆત તો ખુદથી જ થવી જોઈએ; અને ત્યારબાદ મને જગતને સુધારવાનો સમય જ ન મળ્યો.

મને લાગ્યું કે જો જીવને મને જે કામ કરવાં માટે બનાવ્યો છે તે જ જો હું કરું, તો મને એક પરિપૂર્ણતા અનુભવાશે, અને મને ખુશીનો એક શાંત માર્ગ જડી જશે. મેં આનંદપૂર્વક મારી જાતને કુદરતનાં ઊંડા ડહાપણ ઉપર વિશ્વાસ રાખી તેનાં પ્રેમ અને પિતૃત્વનાં સહારે સમર્પિત કરી દીધી, જેમ કે દાન્તે જયારે પેરેડાઈઝ લખ્યું ત્યારે તેને ખબર પડી કે – તેની ઈચ્છા અને સેવામાંજ આપણી શાંતિ રહેલી છે.”

આ મેં વાંચેલી ખુશીની એક ખુબ જ સમજદાર અને ગીતમય વ્યાખ્યા છે. ખાસ કરીને, છેલ્લાં ફકરામાં જે કહ્યું છે તે ખુબ જ અદ્દભુત છે. આપણામાંનાં દરેકજણનો એક હેતુ હોય છે. તે દરેકજણ માટે સમાન ન હોઈ શકે, અને નથી જ. કોઈવાર, આપણે જુદા પ્રકારનાં જીવન માટે ઝઝુમતા રહેતાં હોઈએ છીએ, એવી આશાએ કે વર્તમાન જીવનમાં રહેલી દરેક અડચણોને દુર કરી દેવાથી આપણને આપણા સ્વપ્નની જિંદગી મળી જશે.

સત્ય તો એ છે કે, જો કુદરતે તમને એક ચોક્કસ પ્રકારની તાકાત, કૌશલ્ય, સક્ષમતા આપી રાખી છે, જે તમને ગમે કે ન ગમે, તે તમારી પાસે તેનો ભરપુર ઉપયોગ લેશે. પછી ભલે ને તમે ગમે ત્યાં કેમ ન ચાલ્યા જાઓ, તે તમને કુદરતની રમતનાં મેદાનમાં ખેંચીને લઇ આવશે કે જ્યાં તમે તેનાં કાર્યમાં અને સાધનમાં સૌથી મોટું પ્રદાન આપશો.

માટે જે ભગવાને જોડીને રાખેલું છે, માણસે તેનાં ટુકડે-ટુકડાં ન કરવાં જોઈએ. 
(માર્ક ૧૦:૯)

જીવનને તમને જે કહેવું હોય તેને સાંભળવામાં જ સાર છે.

સંત ફ્રાન્સીસ આસ્સીસી દ્વારા રચેલી પ્રાર્થનાં ખુબ જ હૃદયસ્પર્શી છે. કારણકે, તેમાં ખુશીનો સાર છે. પરોપકાર અને સમર્પણની ભાવનાનાં ઈરાદાથી જોઈએ તો, લાંબા સમય સુધી ચાલતી ખુશી માટે તે બન્ને આવશ્યક છે, તેમાં બધું જ આવી જાય છે.

હે પ્રભુ, મને તારી શાંતિનું શસ્ત્ર બનાવ; જ્યાં નફરત હોય, ત્યાં મને પ્રેમનુ પ્રદર્શન કરવાં દે, જ્યાં ઘાવ હોય, ત્યાં માફીનું; જ્યાં શંકા હોય, ત્યાં શ્રદ્ધાનું; જ્યાં હતાશા હોય, ત્યાં આશાનું; જ્યાં અંધકાર હોય, ત્યાં પ્રકાશનું; જ્યાં દુઃખ હોય, ત્યાં આનંદનું.

ઓ દિવ્ય ગુરુ, મને આશિષ આપો કે હું મને બહુ આશ્વાસન મળે તેની અપેક્ષા નહિ રાખતાં, હું અન્યને આશ્વાસન આપવા વાળો બનું; મને કોઈ સમજે તેવી અપેક્ષા નહિ રાખતાં હું અન્યને સમજુ, મને કોઈ પ્રેમ કરે તેવી અપેક્ષા નહિ રાખતાં હું અન્યને પ્રેમ કરતો થાવ; પોતાનાં માટે મરીને આપણે અનંત જીવન જીવવા માટે જન્મતાં હોઈએ છીએ. આમીન. 

જો આ ખુશી નથી, તો બીજું શું છે? જો આ પરિપૂર્ણતા નથી, તો બીજું શું છે?

મુલ્લા નસરુદ્દીન એક દિવસ પોતાનાં નવાં ગધેડાને લઇને ઘરે જઈ રહ્યાં હતાં જયારે રસ્તામાં તેમનાં એક મિત્રે તેમને ઉભા રાખ્યા.

“આ નવું ગધેડું છે, મુલ્લા?”

તેની સાથે વાતચીતમાં કોઈ રસ નહિ હોવાથી મુલ્લા ખાલી ડોકું હલાવીને હા પડી.

“પણ તેને તમે ક્યાં રાખશો? તમારી પાસે તો ફક્ત એક જ ઓરડો, એક પત્ની અને છ બાળકીઓ છે.”
“કેમ? તે પણ અમારી સાથે અમારા ઓરડામાં જ રહેશે.”
“તમે દુર્ગંધનો વિચાર પણ કર્યો છે ખરો?”
“તું ચિંતા ન કરીશ,” મુલ્લાએ તેનો વાંધો બાતલ કરતાં કહ્યું, “મારી જેમ, તે પણ તેનાંથી ટેવાઈ જશે.”

મને લાગે છે જીવન માટે પણ એવું જ છે. આપણે પણ આપણા ગધેડાઓ ખરીદીને ભેગા કરતાં જ જઈએ છીએ એવું વિચારીને કે તેઓ પણ આપણી જીવન જીવવાની રીતને અનુકુળ થઇ જશે. જીવન જો કે બીજી બાજુ તેનાંથી ઉલટું વિચારતું હોય છે – તે ગધેડાને અનુકુળ થતું રહેતું હોય છે.

જો કે જીવન જીવવાની કોઈ એક રીતને અનુકુળ થવું એટલે જીવવું એવો અર્થ નથી થતો. તેને સમગ્રપણે જીવવા માટે કોઈ વાર તમારે તમારા આત્માનાં અવાજને પણ સાંભળવો પડે. જીવનને ઈચ્છા અને જવાબદારીઓની ધૂળ હેઠળ દાટી દેવાંથી તે ક્ષીણ થઇ જાય છે. સફાઈ કરવાનું ચાલુ કરે અને તરત તે તમને દેખાશે. તેને બચાવી લો. જો તમે મારો વિશ્વાસ કરતાં હોય તો, આ મહેનત કરવાં જેવી છે કારણકે તે તમને તમારા આંતરિક સાદ તરફ લઇ જશે.

અને તમારા સાદને સમર્પણ કરવામાં સૌથી સુંદર બાબત એ છે કે તેનાં પછી તમે જે કઈ પણ પગલાં લેશો તે ખુબ જ ઊંડી પરિપૂર્ણતાનો અનુભવ કરાવશે. યાત્રાનો આનંદ પણ મુકામનાં સ્થળે પહોંચવાં જેટલો જ આનંદકર થઇ જશે.

શોધી કાઢો કે તમારા માટે શું મહત્વનું છે અને તમારી પાસે જે છે તે બધું જ તેને આપી દો. તમારું જીવન ક્યારેય ફરી હતું તેવું નહિ રહે. આ છે ખુશીનો સાદ.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email