સંન્યાસી હોવાનું એક સૌથી મોટું ચુનોતીભર્યું કામ જો કોઈ હોય તો તે છે દુનિયામાં જોવા મળતાં પીડા અને દુઃખનો વ્યાપ. કદાચ ડોક્ટર, મનોચિકિત્સક, થેરાપીસ્ટ વિગેરે લોકો માટે પણ એવું જ હશે જો બિલકુલ સમાન નહિ હોય તો. કોઈવાર, હું જયારે લોકોને મળું છું ત્યારે મને સમજાય છે કે બુદ્ધે શા માટે એવું કહ્યું હતું કે જીવન એક પીડા છે કે પછી જેમ કે ગુરુ નાનકે પણ કહ્યું છે ને કે આખું જગત પીડાય છે.

જે કોઈ પોતાનાં બે છેડા માંડ ભેગા કરી શકતું હોય તેનાંથી માંડીને જે કોઈ પોતાનો અંગત ટાપુ ખરીદી શકે તેટલા સમર્થ હોય તેવાં તમામ પ્રકારનાં લોકોને હું મળતો હોવ છું. તેમાંના બહુ ઓછા લોકો એવા હોય છે કે જે પોતાનાં જીવનથી ખુશ હોય છે. આ પીડાનાં મૂળમાં છે આપણી માન્યતાઓ અને મતોનો વળગાડ. શ્રીમંત લોકો સાથે સવાલ એ છે કે તેમનાં ધંધામાં ગમે તેટલો તણાવ કેમ ન મળતો હોય, તેઓ તેમાંનું કશું પણ છોડવા તૈયાર હોતા નથી. તમે જો કે તેમને દોષ ન દઈ શકો, કારણકે, સંભવતઃ, સરકારી બસ કરતાં BMWમાં બેસીને રડવું વધારે આરામદાયક હોય છે.

આટલું કહ્યાં પછી, મને લાગે છે કે આપણી પીડાનું મૂળ કારણ છે આપણી એવી અપેક્ષા કે આપણે મોટાભાગે જે કઈ પણ કરીએ તે આપણી ખુશીમાં પરિણમવું જોઈએ. આપણે બીજા લોકો તરફ જોઈએ અને આપણને એવું લાગે છે કે તેમની પાસે “જે કઈ” છે તેનાં લીધે તેઓ ખુશ છે. સત્ય તો એ છે કે આ “જે કઈ” ક્યારેય કોઈના પણ જીવનમાં સાશ્વત ખુશી નથી લાવી શક્યું. તમે “કોણ” છો અને “કેવું” જીવન જીવો છો તેનાં આધારે ખુશી નક્કી થતી હોય છે.

તમારી ખુશીને ચોક્કસપણે બરબાદ કરવાનો કોઈ માર્ગ હોય તો તે છે તમારી જાતની બીજા સાથે સરખામણી કરવી અથવા તો તેમનાં જેવું જીવન હોવાની લાલચ કરવી. આ મુદ્દાની કોઈ આધુનિક બાજુ હોય તો તે છે તમારા મિત્રોનું ફેસબુક ચકાસ્યા કરવાની ટેવ (અને એવા લોકોનાં ફેસબુક કે જેમને તમે જાણતા પણ નથી હોતા કે મળ્યાં પણ નથી હોતા કે ક્યારેય મળવાનાં પણ નથી). તમે તેમનાં હસતાં ફોટા, તેમનાં કુટુંબનાં, આનંદ માણતાં ફોટા જુઓ છો અને તમે વિચારવાં લાગો છો કે તેમનું જીવન કેવું સરસ છે. વ્યવહારુ રીતે જોઈએ તો, આ સામાજિક માધ્યમોએ સમાજનાં દુઃખમાં અત્યંત વધારો કરી દીધો છે, મને એવું લાગે છે.

અલબત્ત, કોઈ પોતાનાં પાશ્ચચિત્રમાં પોતાનો રડતો ફોટો નથી મુકવાના. તેઓ જયારે કોઈ મિજબાનીમાં ગયા હશે, ક્યાંય રજા ગાળવા ગયા હશે અને જ્યાં મજાનો સમય ગાળ્યો હશે તેનાં જ ફોટા મુકવાનાં છે. કોઈ પોતાનાં સાથી સાથે સાથેનાં ઝઘડાનું વિડીઓ રેકોર્ડીંગ કરીને ઓનલાઈન બધાંને જોવા માટે નથી મુકવાનું. જયારે તમે તમારા જીવનની સતત બીજા લોકોના સાથે તેમનાં ઓનલાઈન જીવનમાં ડોકિયા કરીને સરખામણી કર્યે રાખો છો ત્યારે તમે દુઃખ માટે તમને તૈયાર કરો છો.

એક માણસે એક ભયાનક અકસ્માતમાં પોતાનો જમણો હાથ ગુમાવ્યો. તેણે પોતાની નોકરી છોડી દીધી અને ખરેખર એક નકારાત્મક અને કડવો વ્યક્તિ બની ગયો. પોતાનો સ્વભાવ નહિ બદલી શકવાનાં કારણે, તેની સ્ત્રી-મિત્ર તેને છોડીને જતી રહે છે. આ યુવાન માણસ ઊંડા તણાવમાં આવીને દરેકજણને પોતાનાં જીવનમાંથી દુર કરી દે છે. કેટલાંય મહિનાઓ સુધી તે કોઈની સાથે મળતો કે પોતાનાં મિત્રો સાથે વાત કરતો હોતો નથી. જયારે તેનાં ઘાવ રૂઝાવા લાગે છે, ત્યારે તે પોતે ઓનલાઈન જઈને જુએ છે કે પોતાની ભૂતપૂર્વ સ્ત્રી-મિત્ર શું કરી રહી છે. તેને તો તે જાણીને ખુબ જ આઘાત લાગે છે કે પેલી તો કોઈ બીજા સાથે પરણી પણ ગઈ છે.

તે તેનાં ફોટા જુવે છે. તે ઘણી ખુશ દેખાય છે, હસતી, અને તેમાંના દરેકજણ સાથે મસ્તી કરતી જણાય છે. તે તો વળી પાછો પોતાનાં અન્ય મિત્રોનાં ફેસબુક પણ ચકાસે છે. કોઈને નોકરીમાં બઢતી મળી ગઈ હોય છે, કોઈને બાળક આવી ગયું હોય છે. દરેકજણ મોજ કરતુ હોય તેવું દેખાય છે.

“મારું જીવન જ નક્કામું છે,” તેને લાગ્યું. “મારો જમણો હાથ કપાઈ ગયો, મારી નોકરી, મારો પ્રેમ અને મારા મિત્રો પણ ચાલી ગયા. કોઈને મારી ઈચ્છા નથી કે મારી જરૂર નથી અને કોઈને મારી પડી પણ નથી.” નકારાત્મક વિચારો તેનાં ઉપર એટલાં હાવી થવા લાગ્યાં કે તેણે પોતાનાં જીવનનો અંત લાવી દેવાનું નક્કી કરી દીધું.

તે પોતાની ઈમારતની ટોચ પર ગયો અને પડતું મુકવાનાં ઈરાદા સાથે નીચે જોયું. બસ ત્યારે જ તેને એક અદ્દભુત દ્રશ્ય જોવા મળ્યું.

ત્યાં એક પદયાત્રી રસ્તાની બાજુ પર ખુબ જ આનંદથી નાચતો દેખાયો, જાણે કે કોઈ તેને જોતું જ ન હોય. એટલું જ નહિ, તેને બે હાથ અને બાહુઓ પણ નહોતાં અને તેમ છતાં પણ તે ખુબ જ આનંદિત થઇને નાચી રહ્યો હતો.
મરવાનો વિચાર છોડીને, તે પેલા માણસની ખુશીનું રહસ્ય જાણવા માટે દોડતો નીચે જાય છે.

“સર,” તે એકદમ નમ્રતાથી પેલા માણસને સંબોધે છે, “હું તમારા હકારાત્મક વલણથી ખુબ જ પ્રભાવિત થયો છું. હું જોઈ શકું છું કે તમારે બન્ને હાથ નથી અને તેમ છતાં પણ તમે નાચી રહ્યાં છો. તમારી આ ખુશીનું રહસ્ય શું છે?”
“ખુશી? નાચ?” તે તો કઈ વિચિત્ર હાવભાવથી જવાબ આપતા પૂછે છે, જો કે નાચવાનું તો ચાલુ જ રાખે છે.
“ભાઈ, મને નીચે ચળ આવે છે તેને ખંજોળવાની કોશિશ કરું છું. આ કઈ સહેલું નથી તને કહી દઉં.”

તો હવે તમને ખબર પડી કે જયારે તમે લોકોને નાચતા અને મિજબાની કરતાં જુઓ છો ત્યારે ખરેખર તેમની ખુશીનું રહસ્ય શું છે. તેઓ ખાલી ખંજોળતા હોય છે.

ખુશી એ તમારું અંગત સ્તર છે, એક અંગત બાબત (જોકે તમે તેને જેટલી વહેંચી શકો તેટલી જ તમારી ખુશીમાં વધારો થતો રહેવાનો). જયારે તમે જીવનમાં સારું ન જોઈ શકો (અને દરેકનાં જીવનમાં ભરપુર પ્રમાણમાં સારું હોય છે જો તમે તમારો દ્રષ્ટિકોણ બરાબર રાખો તો), તો કશું સારું બાકી પણ નહિ રહે. સરળ બનો, કૃતજ્ઞ બનો. દેખાડા વાળું અને ભપકાભર્યું જીવન કદાચ ધ્યાન ખેંચી શકે ખુશી નહિ. તમને સુવિધાઓ મેળવવાનો હક છે, પરંતુ ઉડાઉપણું એક રોગ છે.

સોક્રેટીસ એક કરકસરભર્યું જીવન જીવતાં હતાં અને તેઓ માનતાં હતાં કે ફક્ત એક હોશિયાર વ્યક્તિ જ કરકસરતાની અને સાદગીની સુંદરતાને સમજી શકતો હોય છે. એવું કહેવાય છે કે તે પોતે ક્યારેય શુઝ પણ નહોતાં પહેરતા તેમ છતાં તેઓ બજારમાં પ્રદર્શનમાં મુકેલી કેટલીય વસ્તુઓ સામું કલાકો નાં કલાકો સુધી તાક્યા રહેતાં.

“તમે બજારમાં તમારો સમય શા માટે બરબાદ કરો છો,” તેમનાં એક મિત્રે તેમને એક વખત પૂછ્યું, “જયારે તમે કશું ય ખરીદતાં તો નથી?”
“કારણકે,” સોક્રેટીસે જવાબ આપતા કહ્યું, “જયારે હું બજાર જઉં છું ત્યારે મને ખબર પડે છે કે એવી કેટલી બધી વસ્તુઓ છે કે જેનાં વગર હું બિલકુલ ખુશ રહી શકું છું.”

મને નથી લાગતું ખુશીમાં સિવાય ઉમદા કર્મો, કૃતજ્ઞતા અને સંતોષથી વધુ કશું હોય. નિ:શંક, ખુશી એ કોઈ ફક્ત એક લાગણી નથી પરંતુ તમારી હસ્તીનું એક સ્તર છે.

અને બધાંથી પરે, ખુશી એક વલણ છે. જયારે તમે તમારું જીવન હકારાત્મકતાથી તમારા જીવનમાં જે પણ કઈ સારું છે તેનાં પ્રત્યે કૃતજ્ઞ રહેવાનું અને તેને બીજાની ચળ સાથે સરખામણી નહિ કરવાનું નક્કી કરો છો, ત્યારે તમારી દુનિયા હજારો સૂર્યથી પ્રકાશિત થઇ જાય છે.

“તમને શું લાગે છે આજે હવામાન કેવું રહેશે?” મુલ્લા નસરુદ્દીનનાં એક મિત્રે તેમને પૂછ્યું.
“જેવું મને પસંદ હોય છે તેવું,” તેમને પોતાનાં ગધેડાની પીઠ થાબડતા આગાહી કરી.
“તમે કેવી રીતે ચોક્કસપણે તેમ કહી શકો?”
“મારે જે જોઈતું હોય તે કાયમ ન મળે એનું મને ભાન હોવાથી મને જે મળે તેને પસંદ કરવાનું હું શીખ્યો છું,” મુલ્લાએ કહ્યું. “ માટે, મને ચોક્કસ ખબર છે આજનું હવામાન અદ્દભુત હશે.”

જયારે આપણે આ ગ્રહ ઉપર આવી જ ગયાં છીએ, અમુક ચોક્કસ જીવનકાળ લઈને કે જે આપણી ઈચ્છા મુજબ ખર્ચ કરી શકીએ તેમ છીએ, તો પછી ચાલો થોડું અદાથી જીવી લઈએ. તમને જે પણ કઈ આશિર્વાદરૂપે મળ્યું હોય તેનો ઉપયોગ કરીને પોતાની ખુશીનો માર્ગ જાતે જ કેમ ન કંડારવો?

તમે જે કઈ પણ કમાવ્યું હશે, તમે જે કોઈને પણ જાણતા હશો તે તમામ એક દિવસે તમારાથી અલગ થઇ જવાનું છે. એટલાં માટે શાણપણ એમાં છે કે તમારી પાસે જે કઈ અત્યારે હોય તેની કદર કરવી. કારણકે કશું પણ કાયમ નથી હોતું (હીરા પણ જો કે તેમાં આવી જાય છે). ચાલો જીવન – જે એક આશિર્વાદ છે તેને જીવીએ અને તેની કદર કરીએ.

વિશેષમાં, મને એ જણાવતા આનંદ થાય છે કે મારું When All Is Not Well, ડીપ્રેશન અને દુઃખ ઉપરનું પુસ્તક હવે ભારતમાં ઉપલબ્ધ છે. તે હાર્પર એન્ડ કોલીન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને તમે તમારી પ્રત અહી ઓર્ડર કરી શકો છો. વાંચકોએ મને જણાવ્યું છે કે આ એક ખુબ જ સરસ પુસ્તક છે અને એક ડઝન ઓર્ગેનિક કેળાની કિંમત કરતાં પણ સસ્તું છે. હું સહમત છું. તો તમે જો એક બંદર ન હોવ તો તમારે પુસ્તકને બદલે કેળા લેવાની જરૂર નથી. તમારી પ્રત આજે જ ખરીદો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email