હું અગિયાર વર્ષનો હતો અને મારા પિતા સાથે ટ્રેઈનમાં મુસાફરી કરી રહ્યો હતો. અમને બન્નેને બાજુબાજુમાં જ બેસવાની જગા નહોતી મળી પણ તેમ છતાં અમે ખુશ હતાં કે અમને આરક્ષણ તો મળ્યું. હું બારીની બાજુમાં બેઠો હતો અને મારી સામે એક માણસ બેઠો હતો જે તેની ત્રીસીમાં હશે. તેમણે લાલ ટીશર્ટ, જીન્સ અને હાથમાં એક સરસ ઘડિયાળ પહેર્યું હતું. અમે એકબીજા સાથે ઘણાં કલાકો બેસવાનાં હતાં (૨૪ કલાકથી વધુ). માટે, તેમણે મારી સાથે વાતો કરવાની શરૂઆત કરી. હું એટલાં માટે એમ કહું છું કે તેમણે શરૂઆત કરી કેમ કે એક અંતર્મુખી હોવાનાં લીધે, હું ભાગ્યે જ વાત કરવાની શરૂઆત કરતો.

“તું કોઈ રમત રમે છે?” તેમણે મને પૂછ્યું.
“ક્રિકેટ, કોઈ કોઈ વાર,” મેં જવાબ આપ્યો.
“બીજું કઈ?”
“ચેસ”
“એ રમત છે?”
“તે ઇન્ડોર રમતમાં આવે છે.”
“તમે રમો છો?” મેં પૂછ્યું.
“હા, હું કમાવા માટે રમું છું,” તેને વાંકા હોઠે છૂપું સ્મિત કરતાં કહ્યું.
“ઓહ ખરેખર!” મને નવાઈ લાગી કારણકે તે મને કઈ એટલાં રમતવીર જેવાં નહોતાં લાગ્યા. “શું રમો છો તમે?”
“હું દિલો સાથે રમું છું.” પોતાનું માથું ઊંચું કરીને જોરથી હસવા લાગ્યા. મને આ મજાકમાં બહુ ખબર ન પડી (વારુ, હું આજની પેઢીનાં અગિયાર વર્ષનાં છોકરા જેટલો હોશિયાર નહોતો).
“હું એક કાર્ડિયોલોજીસ્ટ છું,” તેમને કહ્યું.

અમે બન્ને હસવા લાગ્યા કારણકે હવે હું સમજ્યો હતો કે તેમનો કહેવાનો અર્થ શું હતો. થોડા કલાકો પછી, વરસાદ પડવા માંડ્યો. અમે બન્ને અમારી કોણી બારીમાં ટેકવીને બહાર જોવા લાગ્યા. મેં તરત જ મારો હાથ અંદર ખેંચી લીધો.

“શું થયું?” તેમણે પૂછ્યું.
“વરસાદ પડે છે!”
“તો શું થયું? થોડો મજબુત બન.” અને તેમણે પોતાનો હાથ બહાર રાખ્યો અને તેની ઉપર વરસાદનાં મોટા મોટા ફોરા પડવા દીધા.
“જો તું ભાગી જઈશ, તો મજબુત કેવી રીતે થઈશ?”
મેં મારી કોણી પાછી બહાર કાઢી.
“બિલકુલ બરાબર!” તેમણે ખુશ થતાં કહ્યું. “મજબુત બન! વરસાદ કઈ તને કટાવી નહિ નાંખે.”

મજબુત બન. (હા, બરાબર)

આ રીતની સલાહ આપણને સૌને જીવનમાં અસંખ્ય વાર મળતી હોય છે. જો બાળક પડી જાય, હજી તો રડે તે પહેલાં જ, આપણે બાળકને કહી દઈએ છીએ કે કશું નથી થયું, કે પછી તે તો બહુ મજબુત છે, ના રડે. આપણે નથી ઇચ્છતાં કે તે રડે. આપણે તેમનું દર્દ એવી રીતે બાજુ પર રાખી દઈએ છીએ કે જેથી કરીને તે તેને વ્યક્ત ન કરતાં અંદર શોષી લે. મોટા થતાં, મોટા થઇ ગયા પછી, ઘરડા થયાં પછી પણ કોઈને કોઈ તો એવું આજુબાજુ રહેવાનું જ કે જે તમને મજબુત બનવાની સલાહ આપે. તે તમને કહેશે કે જે તમને મારી નથી શકતું તે તમને મજબુત બનાવે છે. નિ:શંક તેમની આ સલાહ તેમનાં સારા ઈરાદાઓમાંથી જ આવતી હોય છે. પરંતુ, તે કઈ હંમેશાં સાચું સુચન નથી હોતું.

કોઈ કોઈ વાર મજબુત બની રહેવામાં કશું ખોટું નથી પરંતુ બાકીના મોટાભાગનાં સમયે આપણે આપણી જાતને વ્યક્ત કરવાનો કોઈ માર્ગ શોધવો જોઈએ. મજબુત હોવાનો અર્થ એવો ક્યારેય નથી કે આપણે બધું સહન કરી લેવું. શક્તિનો અર્થ સહનશીલતા નથી. શક્તિનો અર્થ છે તમે સાથે સાથે કેટલું ખેંચી શકો છો અને સહનશીલતાનો અર્થ થાય છે તમે કેટલું સહન કરી શકો છો. મજબુત બની રહેવાનો અર્થ છે તમે કોઈ વસ્તુ કે પરિસ્થિતિનો હિંમત સાથે સામનો કરો છો પણ તેનો અર્થ એ બિલકુલ નથી કે તમારે તેવું મૌન રાખીને કરવું. જો મને પૂછો તો એ કોઈ પ્રતિરોધક્ષમતા નહિ પણ નર્યું અજ્ઞાન છે. તમારા દર્દને રડીને વ્યક્ત કરવામાં કશું ખોટું નથી. હા, તમે છોકરો કે પુરુષ હોવ તો પણ, તમારા આંસુને રોકી ન રાખો તો કશું ખોટું નથી. કોઈપણ સમયે આપણે દબાવી રાખવા કરતાં વ્યક્ત કરવાની બાબતને પ્રોત્સાહન આપવું જોઈએ. કુદરતી જેવા છીએ તેવાં બની રહેવું, માનવ બની રહેવું તે મજબુત બની રહેવા કરતાં ક્યાંય વધુ મહત્વનું છે. લોકો તમે કાયમ સ્મિત ટકાવી રાખો તેવી અપેક્ષા રાખે છે. આપણો સમાજ આપણને દુનિયાની સાથે ચાલતાં રહેવા માટે અને આપણી ખરી લાગણીઓને અંદર છુપાવી રાખવા માટે ઘણું દબાણ કરે છે. કોઈને રડતું બાળક પસંદ નથી હોતું.

અન્ય લોકોને ખુશ કરવાં માટે આપણે આપણી જાતને અવગણવાનું ચાલુ કરીએ છીએ, આપણે એવી રીતે અભિનય કરવાનું ચાલુ કરી દઈએ છીએ જાણે કે આપણી લાગણીઓ, આપણી જરૂરિયાતો આપણા માટે કોઈ મહત્વ નથી ધરાવતી. આપણે મજબુત છીએ. આપણે તેની સાથે કામ લઇ શકીએ તેમ છીએ. આ એક બહુ મોટી ભૂલ છે.

મજબુત બની રહેવાનો એક બહુ મોટો ગેરફાયદો છે. મજબુત લોકો આંચકા જ ખાધે રાખે છે. તમેં રેસ્ટોરન્ટમાં ક્યારેય શાંતિથી ખાવાનો આનંદ નથી લઇ શકતાં કારણકે, હું કહી દઉં કે, તમે કાયમ બધાં માટે ખાવાનું ઓર્ડર કરવામાં જ વ્યસ્ત રહો છો. તમે જોશો કે તમે દરેક નાની-નાની વસ્તુ માટે ચિંતિત રહો છો કેમ કે તમારી આજુબાજુનાં લોકોએ બધું તમારી ઉપર છોડી દીધું હોય છે કારણ કે તમે તો મજબુત છો.

જો તમે મજબુત બની રહેશો તો તમે દુઃખી પણ બની રહેવાનાં. તમારી અંદર એક ખિન્નતા બની રહેવાની. એક દિવસે તમને બહુ એકલું લાગશે કારણકે તમારું દુઃખ વહેંચવા માટે તમારી આજુબાજુ કોઈ નહિ હોય. એવું શા માટે? કારણ કે તમે તો મજબુત છો. તેઓ તો તમને એવું જ પૂછશે તમને થયું છે શું? તમે તમારી હદ સુધી પહોંચી જાવ તે પહેલાં તમારી જાતને વ્યક્ત કરવી અને તમારા હાથ ઊંચા કરી દેવાં તે એક સર્વોચ્ચ બાબત છે, મારા મત પ્રમાણે તો. તમારી જાતને એટલી પણ ન દબાવો કે એક દિવસે તૂટી જાવ.

અને એક ગેરવ્યાજબી તાકાત એ જ કરતી હોય છે. તે તમને તોડી પાડતી હોય છે. બહારથી તો બધું સામાન્ય અને વાસ્તવિક લાગતું હોય છે. તમારી આજુબાજુનાં લોકોને તે એકદમ બરાબર લાગતું હોય છે. પરંતુ અંદરથી, તમને વિચાર આવે છે કે તમને જીવનમાં ખુશીની એક પણ ઝલક ફરી મળશે કે કેમ. તમે ગંભીરતાથી તમારી જાતને પૂછો છો કે તમે તમારી જાતને ફરી ક્યારેય પસંદ કરી શકશો કે કેમ. તમારી જાત જોડે આવું ન કરશો. મુક્તપણે એવું કહેતા શીખો, “હું થાકી ગયો/ગયી છું…મારે થોડા આરામની અને કાળજીની જરૂર છે.”

આ બહુ નાની જિંદગી છે અને જો તમે તમારું જીવન નહિ જીવો, તો તમને જણાશે કે તમે કોઈ બીજાનું જીવન જીવી રહ્યાં છો. આવા જીવનની દરેક ક્ષણ એક અત્યંત દુઃખ અને ત્યાગથી ધેરાયેલી રહે છે. મજબુત બની રહેવામાં તમે હર સમયે થોડા થોડા તુટતાં જાવ છો, તે તમને જ્યાં સુધી તમે રાખ ન બની જાવ ત્યાં સુધી ધીમેધીમે કચડી નાંખે છે.

મજબુત બની રહેવાનું દબાણ ન અનુભવો. એનાં બદલે માનવ બની રહો, જેવાં છો તેવાં બની રહો. તમે જીવનને વધુ સારી રીતે સમજી શકશો. સમજણમાં ડર અને સંઘર્ષ બન્ને અદ્રશ્ય થઇ જાય છે. સાચી તાકાત કઈ હંમેશાં હકારાત્મક સૂચનોમાંથી કે જોખમો ખેડે રાખવાથી નથી આવતી. તે તો આવતી હોય છે આંતરિક દ્રઢ સમજણથી અને શાંતિથી. જો તમે અંદરથી શાંત હશો, તો તમે કુદરતીપણે જ મજબુત હોવાનાં. આવી તાકાત તમને તોડી નહિ નાંખે. અને, આંતરિક શાંતિ, હું થોડું વધુ ઉમેરતાં કહીશ કે, તમારી જાતને કે પછી તમે જેની કાળજી કરતાં હોવ તેને અવગણવામાંથી નથી આવતી. તમે તમારા આત્માનાં અવાજને દબાવી રાખી શકો, તમે તમારા હૃદયનાં આલાપને ડુબાડી રાખો. પરંતુ બહુ લાંબા સમય સુધી તેવું નહિ કરી શકો. એક દિવસ તે જ્વાળામુખીની જેમ ફાટી જશે અને તમને જીવનનાં એવા કોઈ ચાર રસ્તે ફેંકી દેશે કે જ્યાં તમને તમારી પોતાની ખુશી અને તમારા જીવનનો અર્થ અને હેતુ ઉપર વિચારવા માટે તમને ફરજ પડે.

એક ધાર્મિક માણસે એક સ્ત્રી કે જેને અકસ્માત થયો હતો તેને કહ્યું કે જો તેને પોતાને ખરી શ્રદ્ધા હોત, તો તેની સાથે આવું ન થયું હોત. પોતાની શ્રદ્ધા શુદ્ધ અને પૂરી મજબુત નથી તે જાણીને પેલી સ્ત્રી તો હતપ્રભ થઇ ગયી. તેને પોતાનાં ગુરુને પૂછ્યું કે પોતે પોતાનું શુદ્ધિકરણ કઈ રીતે કરી શકે.

“તારે તને એવું કહેનાર માણસને એક શેરડીનો દંડો ફટકારવાનો હતો,” ગુરુએ જવાબ આપ્યો, “અને એવું કહેવાનું હતું કે જો તને શ્રદ્ધા હશે તો તને નહિ વાગે.”

મજબુત હોવાનો અર્થ એ નથી કે તમને દર્દનો અનુભવ ન થાય. અને જો તમને દર્દ થતું જ હોય તો, નથી થતું એવો અભિનય શા માટે કરવાનો? ઓછા નામે, બધાં સમયે તો નહિ જ.

હવે પછી ક્યારેય કોઈ તમને મજબુત બની રહેવાનું કહે તો તેની સલાહ માટે તેનો આભાર માનો અને તમારું હૃદય તમને જે કહેતું હોય તેને અનુસરો. જો તમારી મજબૂતાઈ હકીકતમાં તમને નબળા બનાવતી હોય તો ના બની રહેશો એવાં મજબુત. હળવાશથી લો. શું વાવાઝોડામાં જયારે મહાકાય વૃક્ષો પડી જતાં હોય છે ત્યાં નાજુક ઘાસ નથી ટકી રહેતું હોતું?

તમારે ભીનાં ન થવું હોય તો કોણી અંદર ખેંચી લેવામાં કશું ખોટું નથી. જીવન કોઈ બૂટકેમ્પ નથી કે તમે ફક્ત એક કઠોર અને આકરી તાલીમથી જ શીખી શકો. કદાચ કલાનું અદ્દભુત કાર્ય અને થોડા રંગો, થોડા હલકા પીછીનાં લસરકા, સુંદરતાને જોઈ શકે તેવી દ્રષ્ટી બસ આટલું જ જોઈતું હોય છે જીવનને એક ધ્યેય આપવા માટે, તેની કદર કરવાં માટે અને તેને માણવા માટે. ચાલો આપણા જીવનમાં હળવેથી રંગો પુરીએ, સુંદર રીતે, જરૂરી નથી મજબુતપણે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email