જીવનમાં એવા મિત્રો હોવાં કે જેમની ઉપર આપણે ભરોસો કરી શકીએ અને જેમની સાથે આપણે દરેક વસ્તુ વહેંચી શકીએ એ જીવનનાં સૌથી મોટા આશિર્વાદ સમાન છે. સમયની સાથે, મિત્રતાનું કાપડ પાતળું પડતું જાય છે, પણ અમુક લોકો જીવનપર્યંત મિત્રતા રાખી જાણતા હોય છે. એક વિશ્વાસુ મિત્ર હોવો તે એક વફાદાર સાથી હોવાં (કે જેને ખરેખર તમે પ્રેમ કરતાં હોવ) જેટલી ઉત્તમ વાત છે.

હું એવા કેટલાંય યુવાન લોકોને મળતો હોવ છું કે જેમનું જીવન સંપૂર્ણપણે તેમનાં મિત્રોની આસપાસ ફરતું હોય છે. તે પોતાનાં મિત્રને ખુશ રાખવાં માટે એટલી હદે જતાં હોય છે કે તે ગમે તેવું પણ કોઈ કામ કરી છૂટવા માટે તૈયાર હોય છે કે જે સામાન્ય રીતે તેઓ ન કરે. કોઈવાર, તેને મિત્રોનું દબાણ પણ કહેવામાં આવતું હોય છે. એક વખત કોઈએ મને પૂછ્યું હતું, “મને કેવી રીતે ખબર પડે કે મારો સાચો મિત્ર કોણ છે?” મને લાગે છે કે આ સવાલ ઉપર થોડું ધ્યાન આપવું જોઈએ.

ચાલો હું તમને ગ્યોકુકો કાર્લસનની એક દંતકથા કહું છું કે જે The Hidden Lampમાં આવે છે.

એક દિવસ મૌરીન સ્ટુઅર્ટ એક દિવસની શિબિર લઇ રહ્યાં હતાં, અને તેમની એક શિષ્યા પુજારી તરીકે નિયુક્ત થઇ હતી. આ શિષ્ય કિનહીન (એક પ્રદક્ષિણા ધ્યાન જેવી વિધિ) દરમ્યાન મૌરીનની પાછળ-પાછળ ચાલી રહી હતી, ત્યારે તેને એક બીજી સ્ત્રીને ડગમગીને પડી જતાં જોઈ. કઈપણ વિચાર્યા વગર પેલી શિષ્યાએ તેનો હાથ લાંબો કરીને પેલી સ્ત્રીને મદદ કરી. મૌરીને પેલી શિષ્યાનાં હાથમાં જોશથી ફટકાર્યું, બે વાર. પેલી બીજી સ્ત્રી પડતાં બચી ગઈ.

બીજા દિવસે સવારે, જયારે તેમની શિષ્યા નાસ્તા માટે કપમાં ચા રેડી રહી હતી, ત્યારે મૌરીને તેની તરફ ફરીને પુછ્યું, “તારે જાણવું છે કે મેં તને કાલે કેમ મારી હતી?”
“હા,” તેને કહ્યું.
“તું બહુ વધારે પડતી મદદરૂપ બની રહી હતી. તારે લોકોને તેમનું પોતાનું સમતોલન જાતે જાળવવા દેવું જોઈએ. તારે તેમના માટે ટેકાની લાકડી ન બનવું જોઈએ.”

શિષ્યા પૂરી શ્રદ્ધા સાથે નમી પડી.

મને લાગે છે આ મિત્રતાનો સાર છે. એક સારો મિત્ર જયારે તમે પડતાં હશો ત્યારે તમને ઝીલી લેશે પણ તમારી ટેકાની લાકડી નહિ બને. મિત્રતાનો અર્થ એ નથી કે તમે સામેની વ્યક્તિને ક્યારેય ચુનોતી નહિ આપો કે તેમને જે કરવું કે કહેવું હોય તેની સાથે તમે સહમત થઇ જશો. તેનો અર્થ તો એ છે કે તમારે તમારો પ્રામાણિક મત આપવો અને તેમને પોતાની પસંદગી તેમને યોગ્ય લાગે તે કરવાં દેવી. જયારે તમે ટેકા માટેની લાકડી બનો છો, ત્યારે ખરેખર તો તમે તેમનો વિકાસ અવરોધો છો. એક ઈયળ સંઘર્ષ વગર પતંગિયામાં રૂપાંતર ક્યારેય નથી પામી શકતું, એક બીજને છોડ બનવા માટે ધરતીમાંથી સંઘર્ષ કરીને પોતાનો માર્ગ કરવો પડતો હોય છે.

એ મિત્ર કે જે તમારી સાથે આંધળી રીતે સહમત થઇ જતાં હોય કે જેથી કરીને તમે ખુશ રહો, કે પછી એ કે જે ફક્ત ત્યારે જ ખુશ રહેતાં હોય જયારે તમે તેઓ જે ઇચ્છતાં હોય તે જ કરો, આવી વ્યક્તિ તમારી મિત્ર નથી હોઈ શકતી કારણકે સાચી મિત્રતા તો સ્વતંત્રતામાં ખીલતી હોય છે અને સમાનતાની સમજણમાં વિકસતી હોય છે. કોઈપણ સંબધ, કે જેમાં એક વ્યક્તિને બીજી વ્યક્તિને ખુશ રાખવા માટે કાયમ ખડે પગે ઉભા રહેવું પડતું હોય, તો તેવો સંબંધ એક દિવસે પડી ભાંગે છે. તેમાં કોઈ શંકા જ નથી. કારણકે આ કોઈ વ્યવહારુ વાત નથી અને બહુ જલ્દી તેમાં થાકી જવાતું હોય છે. અસહમત થવા માટે જે સહમત હોય એવા જ બે મિત્રો કોઈ પણ અનિચ્છનીય દલીલનો અંત લાવી શકે છે.

એક સાચી મિત્રતા તમે જે જીવન તમારા માટે પસંદ કર્યું હોય તેને જીવવા માટેની એક અંગત જગ્યા કરી આપતી હોય છે. અને એક સારો મિત્ર, જીવનભર, મેળવવા માટેનો એકમાત્ર માર્ગ છે તમે પોતે તેવાં બનો. રાલ્ફ વાલ્ડો ઈમર્સનને એવું જ કઈક કહ્યું છે.

મારે કઈ સામાન્ય તારણો નથી કાઢવા, પરંતુ મેં જોયું છે કે, પુરુષોની સરખામણીમાં, સ્ત્રીઓ જીવનભરની મિત્રતા ટકાવવામાં વધુ સારી હોય છે. જયારે બે પુરુષ મિત્રો મળતાં હોય છે, ત્યારે તેઓ રમતગમત, રાજકારણ, ગાડી, ગેજેટ્સ, ધંધાનો કોઈ વિચાર વિગરે ઉપર ઘણી વાતો કરતાં હોય છે, પણ પોતાનાં વિશે, પોતાનાં જીવનમાં શું ચાલી રહ્યું છે તેનાં વિશે, તેમને જે સતાવી રહ્યું હોય તેનાં વિશે ભાગ્યે જ કશું બોલતાં હોય છે. બે સારા પુરુષ મિત્રો મળે છે, આખો દિવસ ક્રિકેટ જુવે છે સાથે ડ્રીંક લે છે, અને તો પણ એક વાક્ય પણ એકબીજા સાથે ન બોલે તેવું બની શકે. તેમને અસ્થાઈપણે પોતે થોડા હળવા થયાં હોય તેવું લાગી શકે પણ જેવાં તેઓ મળીને પોતાનાં ઘરે જાય ત્યારે તેમનામાં બહુ ઓછી રૂઝ આવી હોય છે કેમ કે તેમણે પોતાની છાતી પરનો ભાર બિલકુલ હળવો નથી કર્યો હોતો.

બીજી બાજુ, જયારે બે સ્ત્રી સખીઓ એક દિવસ માટે બહાર મળી હોય તો, તેઓ ખરીદી વિગેરે વિશે વાતો કરે છે, પણ તેમાં પોતાનાં વિશેની વાત કરવાનો અવકાશ પણ રહેતો હોય છે. તેઓ પોતાનાં જીવનમાં શું ચાલી રહ્યું છે તેનાં વિશે વાતો કરે છે (જો તેઓ સાચી મિત્રો હશે તો). મિત્રતામાં તમને સાંભળવામાં આવે છે કોઈ પણ પ્રકારની નિર્ણયાત્મકતા વગર. અને એટલાં માટે જ મિત્રતા તમને બદલવામાં મદદરૂપ થાય છે તે પણ તેનું એક કારણ છે. અને માટે જ સાચો મિત્ર એ છે: કે જેનો તમે વિશ્વાસ કરો છો અને જે તમને કોઈપણ નિર્ણયાત્મકતા વગર સાંભળે છે.

એક પત્ની રાત્રે ખુબ મોડી ઘરે આવે છે અને પોતાનાં પતિનો સામનો કરે છે.
“આટલો બધો વખત ક્યાં હતી?” પતિ શંકાસ્પદ થઇને પૂછે છે.
“હું મારી ખાસ મિત્ર સાથે બહાર ગઈ હતી.”
“કોણ છે તે?”
“મારે એનું નામ તમને કહેવાની જરૂર નથી.”

તે તો આટલાથી માનતો નથી, અને તે તેની છ બહેનપણીઓને ફોન કરે છે પણ તે દરેકેદરેક તેની સાથે હોવાની ના પાડે છે. છતાં, તે એવું વિચારીને કે એવું કશું હશે કે જે તે હવે મને કહેવા નથી માંગતી એમ કરીને જતું કરે છે.

એકાદ અઠવાડિયા પછી પતિ એક દિવસ ઘરે સવારે ૩ વાગ્યે આવે છે. તેણે દારૂ પીધો હોય છે અને સીધો પથારીમાં ફસડાઈ પડે છે. થોડા કલાકો પછી જયારે તે ઉઠે છે, ત્યારે પત્ની તેને તે જ સવાલ કરે છે.
“હું મારા ખાસ મિત્ર સાથે ગઈ રાતે બહાર ગયો હતો.”
“કોણ છે તે?”
“મારે તને તેનું નામ કહેવાની કોઈ જરૂર નથી.”

પત્નીએ તો તેનાં દસ ખાસ મિત્રોનાં નંબર લઈને તેમને ફોન કરવાનું ચાલુ કર્યું. તેમાંનાં બધાંએ એમ કહ્યું, “હા, ચોક્કસ એ અમારી સાથે હતો. તે રાતે બહુ મોડો ગયો હતો.” એક મિત્રે તો વળી ત્યાં સુધી ખાતરી આપતા કહ્યું કે તેનો પતિ હજી પણ તેનાં ઘરે જ સુતો છે.

ઉપરોક્ત ટુચકામાંથી તમે જાતે જ સાચા મિત્રનો અર્થ તારવી લો.

સાચા મિત્રો એકબીજાની પસંદગીઓનું માન રાખે છે અને એકબીજાને મોકળો અવકાશ પણ આપે છે. તે એક ગુચ્છામાં રહેલાં વિવિધ પુષ્પો જેવા હોય છે. તેમાંના દરેકજણ ગુલદસ્તાની સુંદરતામાં વધારો કરતાં હોય છે. આખો ગુલદસ્તો એકસાથે પૂરી રીતે સુંદર દેખાય છે અને કોઈ એક પુષ્પ જુદું નથી પડી જતું.

જો તમારા જીવનમાં આશિર્વાદ સમાન કોઈ મિત્ર કે મિત્રો હોય, તો તેમને જવાં ન દેશો. હું એવું પણ નથી કહી રહ્યો કે તેમને વળગીને બેસી રહો. તમારી મિત્રતાની જો કે કદર કરતાં શીખો. કેમ ખબર છે? આપણે જેની કદર નથી કરી શકતાં, તેને આપણે ટકાવી રાખી પણ નથી શકતાં. આ એક નાનકડું જીવન છે કે જેને આપણે સ્વીકારવા જેટલી કાળજી કરીએ તેનાંથી પણ વધુ ઝડપે પસાર થઇ રહેલું છે.

આપણા હૃદયમાં ફરિયાદો ભરી રાખીને આપણી જ પોતાની શાંતિનો ભંગ કરવાનો કોઈ અર્થ નથી. તો પછી આ કિંમતી જીવન એક મોટો બોજ બની જશે.

સમુદ્રમાં અમુક સમયે ભરતી આવતી રહેતી હોય છે પરંતુ સમુદ્ર મોજાનો ત્યાગ ક્યારેય નથી કરતો. એજ રીતે, મિત્રતામાં તફાવતો અને અસંમતીઓનો અર્થ એ નથી કે તમે મિત્રોનો જ ત્યાગ કરી દો.

એક મોટું હૃદય રાખો અને તમે જોશો કે તમે તમારા પ્રિયજનોની ભૂલોથી ઉપર ઉઠી શકશો. જેમ કે મેં પહેલાં પણ લખ્યું છે કે, તમારું જીવન તમે રાખેલા સુંદર સંબંધો જેટલું જ સુંદર હોય છે. બીજા લોકોની સાથે, અને તમારી પોતાની જાત સાથેનાં સબંધથી પણ.

તમારા જીવનની દરેક ક્ષણ સમુદ્રમાં રહેલાં એક ટીપા સમાન છે. જેવી રીતે દરેક ટીપામાં એક મનમોહક મોતી બની શકવાની ક્ષમતા રહેલી છે તેમ દરેક ક્ષણમાં અનંત સુંદરતાની એક યાદ બની રહેવાનું વચન છુપાયેલું છે.

જીવનની કિંમત જીવનની યાદોમાં આપણે જે કહ્યું હોય, કર્યું હોય, વિચાર્યું હોય કે અનુભવ્યું હોય તેનાં જેટલી જ માત્ર હોય છે. ચાલો, તેમાં સારી વસ્તુઓ ભરીએ.

જીવનનાં મિત્ર બનો. તેની કદર કરો. પ્રેમ કરો જેથી કરીને જીવન પણ તમને વળતો પ્રેમ કરે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email