હું ઘણી વખત એવાં લોકોને મળતો હોવ છું કે જેઓ મને કહેતા હોય છે કે પોતાને તેમનાં સાથી સાથે નથી બનતું. “અમારા મત મળતાં નથી, અમારી આદતો, અમારા ધ્યેયો જુદાં-જુદાં છે, અમારી વચ્ચે કોઈ અનુકુળતા નથી.” મોટાભાગે પુરુષોને વધુ સ્વતંત્રતા અને વ્યક્તિગત અવકાશ જોઈતાં હોય છે તો સ્ત્રીઓને વધુ સલામતી અને ગુણવત્તા ભર્યો સમય જોઈતો હોય છે (કોઈ વખત, જો કે ભાગ્યે જ, તેનાંથી ઉલટું પણ હોય છે).

જયારે બે જણને નથી બનતું હોતું, તેનો અર્થ એ નથી કે તેમને બની જ ન શકે. તેમાં ઘણું કામ માંગી લે (અને ધીરજ પણ) પરંતુ જો તે બન્ને કટિબદ્ધ હોય, તો કામ બની શકે છે.

અનુકુળતા એ પ્રેમનો કોઈ માપદંડ નથી. આ અસામાન્ય છે. શક્યતા તો એ છે કે જો બંને વ્યક્તિઓ એકસમાન હોય તો તેઓ એકબીજા પ્રત્યે આકર્ષાય પણ નહિ કારણકે કુદરતનાં નિયમ પ્રમાણે વિરોધાભાસને જ એકબીજા પ્રત્યે આકર્ષણ હોય છે. જયારે અમુક સમયે આપણને અમુક ચોક્કસ લોકો સાથે અન્ય કરતાં વધુ બનતું હોય છે, પરંતુ સત્ય તો એ છે કે એક સાચા સંબંધમાં પ્રેમ સમયની સાથે વધતો જાય છે. એક પ્રમાણિક સંબધમાં તફાવતો અને સુસંવાદીતતા કુદરતીપણે જ ઉઠતાં હોય છે. તે બન્ને સાથે જ ચાલતાં રહે છે.

હું એવું નથી કહી રહ્યો કે પુરુષને સફેદ અને રંગીન કપડા અલગ-અલગ ધોવાની ખબર પડે છે કે નહિ કે ક્રિકેટની રમત જોવી એ પુરુષ માટે ધાર્મિક ક્રિયા કરવાં બરાબર છે તેની સ્ત્રીને ખબર છે કે નહિ. જો કે આવા મુદ્દાઓ સંબધની ગુણવત્તાને અસર કરતાં હોય છે, પરંતુ હું તો કઈક મૂળભૂત વસ્તુની વાત કરી રહ્યો છું – પ્રેમ માટેની આપણી સમજણ અને તેનાં પ્રત્યેની આપણી અપેક્ષા. મોટાભાગે આપણે જયારે પ્રેમનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ત્યાં કોઈ દુઃખ નથી, આપણને ક્યારેય કશું દુ:ખશે નહિ, જીવન આપણા સ્વપ્નો મુજબ જ આકાર લેશે. પ્રેમ, હકીકતમાં, તેનાંથી ઉલટો હોય છે.

સી. એસ. લેવીસનાં શબ્દોમાં, “પ્રેમ કરવો એટલે ભેદ્ય થઇ જવું. કશાને પણ પ્રેમ કરો અને તમે જોશો કે તમારું હૃદય મરોડાઈ જશે અને શક્યત: તૂટી પણ જાય. જો તમારે એ કાળજી રાખવી હોય કે તે સલામત રહે તો તમારે તમારું હૃદય કોઈને આપવું ન જોઈએ, કોઈ પ્રાણીને પણ નહિ. તેને સાવચેતીપૂર્વક પોતાનાં શોખ અને થોડી આરામદાયક સવલતો સાથે વીંટાળી દો; બધાં ગૂંચવાડાઓને ટાળી દો. તમારા સ્વાર્થની શબપેટીમાં તેને બંધ કરી દો. પણ શબપેટીનાં અંધારામાં તે સલામત, હલનચલન વગર અને હવા વગર રહીને તેનામાં એક બદલાવ આવી જશે. તે તૂટશે તો નહિ; તે અતુટ, અભેદ્ય અને અવિમોચન (જેને પુન: પૂર્વસ્થિતીમાં પાછુ પ્રસ્થાપિત ન કરી શકાય તેવું) બની જશે. પ્રેમ કરવો એટલે અતિસંવેદનશીલ-ભેદ્ય બની જવું.”

પ્રેમમાં સંપૂર્ણત: અભેદ્ય રહેવું શક્ય જ નથી. અને, આ અતિસંવેદનશીલતા જ છે કે જે મોટાભાગનાં સંબંધોને પડકારદાયી (અને લાભપ્રદ) બનાવે છે. કારણકે, જયારે તમે સંવેદનશીલ હોવ છો ત્યારે તમે ખરેખર તો તમે જ નથી હોતા. તમે એવું બધું કહો છો અને કરો છો કે જેવું તમારે નથી કરવું હોતું. તમે ખોટા જ નિર્ણયો લઇ બેસો છો. શું કરવું? ચોક્કસ, તમે તમારીજાતને પ્રેમ પ્રત્યે બંધ ન કરી દઈ શકો, નહિતર જીવન અસહ્ય થઇ જાય. અને તમે તમારી જાતને સંપૂર્ણત: સંવેદનશીલ પણ ન રાખી શકો, નહિતર તમે વારંવાર ઘવાશો. વચલો રસ્તો છે, એક આશા છે. ચાલો હું તમને પ્રેમનો એક સોનેરી નિયમ આપું:

જયારે તમને દુઃખ થયું હોય ત્યારે તમે વળતું દુઃખ ન આપો. તોફાન પછી ઉડેલી ધૂળને પ્રથમ બેસી જવા દો અને પછી તમારી જાતને અહિંસક પણે અભિવ્યકત કરો, દયાપૂર્વક. આને હું પ્રેમ કહું છું. કેમ કે તમારો પ્રેમ સાચો છે માટે આ તોફાન જતું રહેશે.

જયારે આપણને કોઈએ દુઃખ આપ્યું હોય ત્યારે શા માટે આપણે તેમને વળતું દુઃખ ન આપવું જોઈએ? કારણકે પ્રેમ એ ફક્ત સારું અનુભવવાની વાત માત્ર નથી; જે તમારા માટે કાળજી કરતુ હશે તેનાં માટે એવો ભાવ રાખવો તો સરળ વાત છે. કોઈને મેળવવાની ઉત્કટ ઈચ્છા રાખવી તે પણ પ્રેમ નથી. પ્રત્યેકજણને પ્રેમાળ સાથી તો જોઈતો જ હોય છે. તમે સામેની વ્યક્તિને પ્રેમ કરો છો તે અભિવ્યક્ત કરવું પણ પ્રેમ નથી. અરે એક પોપટ પણ શોર મચાવી શકે છે. નિ:શંક આ લાગણીઓ, ઇચ્છાઓ અને શબ્દો પણ પ્રેમ બતાવે છે. પરંતુ, આ પ્રેમનાં લક્ષણો છે. કારણકે, પ્રેમ પોતે પોતાની રીતે તો આ બધાંથી ક્યાંય પરે જઈને બેસે છે. કોઈનાં પણ પ્રેમની ઊંડાઈ જોવા માટેનો એકમાત્ર માર્ગ છે તેમનું વર્તન જુઓ. પ્રેમ એ વર્તન છે. તે એક વલણ છે. જો બીજી વ્યક્તિ પ્રત્યેનાં આપણા વર્તનમાં પ્રમાણિકતા, સમજણ, સમાનુભૂતિ અને કાળજી નહિ હોય, તો એ પ્રેમ નથી. કદાચ બહું બહું તો જુઠ્ઠો-પ્રેમ હોઈ શકે.

મોહમાં મોટાભાગે તમને પોતાને જેની પરવા હોય છે તેની જ તમે કિંમત કરતાં હોવ છો. અને પ્રેમમાં, તમે બીજી વ્યક્તિને મન શેની કિંમત છે તેની પરવા કરો છો. તમે કોઈને પ્રેમ કરો છો એવું તમે વિચારતાં હોવ અને ખરેખર તમે તેમને પ્રેમ કરો છો એ બે વચ્ચેનો આ મૂળભૂત તફાવત છે. આ પ્રકારનો પ્રેમ ન તો સરળ છે ન તો સામાન્ય. જો કે, તમે ટન ભર ધૂળ ખોદો પછી ફક્ત મુઠ્ઠીભર હીરા જ હાથ લાગતાં હોય છે. ખાણમાંથી માણેક મેળવતા પહેલાં તમે ખોદો છો, છાણો છો, ચાળો છો, ગાળીને દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ સુધી ધુઓ છો. પ્રેમ એ હીરો છે જે સંબંધની ખાણમાંથી નીકળે છે. તમને હીરો હાથ લાગે તે પહેલાં ત્યાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની.

હકીકતમાં, તમારો વિરોધ કરે, તમને ચુનોતી આપે તેવાં સાથી હોવાં તે એક સારી બાબત પણ હોઈ શકે. તે તમને સાચા બની રહેવા માટે અને તમારા પગ જમીન પર ટકાવી રાખવાં માટે મદદરૂપ બને છે. તમે સ્વીકાર કરવાનું અને તમારા મતભેદો ઉપર કામ કરવાનું શીખો છો. પ્રેમ એ કોઈ સ્પર્ધા કે ભાગદોડ નથી. આ કોઈ યુદ્ધ પણ નથી કે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં હંમેશાં વધારે મજબુત કે વધારે સારું છે. તમે ક્યારેય એની નોંધ લીધી છે કે લગ્નની વીંટીમાં ફક્ત એક જ હીરો હોય છે? થોડા કાપા અને ધાતુ તેની સુંદરતામાં વધારો કરતાં હોય છે. કોઈવખત, તમે તમારા સંબધમાં એ હીરો બની જાવ અને કોઈ બીજા સમયે સામે વાળી વ્યક્તિને તે હીરો બની જવા દો. કોઈવાર તમે સહકાર આપવાનો ભાગ ભજવો તો કોઈ બીજા સમયે તમે દોરવણી આપનાર બની રહો. આ જ લાંબા સમય સુધી ટકી રહેનાર સંબંધનો આધાર છે. જો તમે હંમેશાં તમારા જ માર્ગે ચાલતાં રહેવાનું ધ્યેય રાખો તો પછી બહુ જલ્દી જ ત્યાં કોઈ માર્ગ નહિ બચે.

મુલ્લા નસરુદ્દીનને પોતાની પત્ની સાથે દલીલ થઇ ગયી. તેનાં પ્રકોપથી ડરીને, તે બીજા રૂમમાં પુરાઈ ગયાં.

“દરવાજો ખોલો!” પત્ની ચિલ્લાઈ.
“ના!” મુલ્લાએ ભયભીત થઇને કહ્યું અને દરવાજો અંદરથી દબાવી રાખ્યો.
“ખોલો!” તેને દરવાજા ઉપર જોશ જોશથી હાથ પછાડતાં કહ્યું. “હું કહું એ કરો નહિતર તમે મરી ગયા!”
“નાં! હું તું કહું એમ તો નહિ જ કરું,” મુલ્લા ચિલ્લાયા. “હું તને બતાવી દઈશ કે આ ઘરનો માલિક કોણ છે!”

પ્રેમમાં, કોઈ એક વ્યક્તિ માલિક નથી હોતી, કારણકે તમે, તમારા પ્રેમ અને તમારા સાથી વચ્ચે પ્રેમ જ ફક્ત એક માલિક હોય છે. જયારે કોઈ બે વ્યક્તિઓ પ્રેમમાં હોય, ત્યારે તે ફક્ત “પ્રેમ”ને જ અનુસરે છે. પ્રેમની એ ભક્તિમાં, આ સંવેદનશીલતામાં જ એક મોટી સલામતી રહેલી હોય છે. મન કદાચ આ ધારણાનો સ્વીકાર ન કરે પણ હૃદય જાણતું હોય છે. માટે જ, તમે દુઃખી થાવ છો તેમ છતાં પણ તમે પ્રેમ કરવાનું નથી છોડી દેતાં. તમે ફરી ઘવાવ છો અને ફરી પાછા તમે પ્રેમ કરો છો. આ જ પ્રેમ છે, આ જ જીવન છે.

જયારે તમે પોતે દુઃખી થયાં હોય છતાં તમે વળતું દુઃખ ન આપતાં હોવ ત્યારે, અને જયારે તમે તમારા વિચારો, શબ્દો અને કર્મો પ્રત્યે સજાગ હોવ ત્યારે જ પ્રેમને એક સાચા અર્થમાં અનુભવી શકાતો હોય છે. આવાં દ્રશ્યમાં તમે નકારાત્મકતા અને તુચ્છ લાગણીઓથી ઉપર ઉઠો છો. જે વ્યક્તિઓ પોતાની જ ઇચ્છાઓથી અંધ બની જાય છે તે પોતાનાં અહંકાર (અને નહિ કે સારાપણા)થી દોરવાઈ જતાં હોય છે અને તેઓ ક્યારેય પ્રેમમાં નથી પડી શકતાં.

એક જ સરોવરમાં જ્યાં એક સુંગધિત કમળ, મધમાખી અને પતંગિયાને આકર્ષી શકે છે ત્યાં જ એક દેડકો, આ સુંદરતા અને ભવ્યતાથી બિલકુલ અજાણ એવો, ત્યાં બેસી રહીને લગાતાર કાંવકાંવ કર્યે રાખતો હોય છે. તમે તે કમળ, મધમાખી કે દેડકો બની શકો છો. કાળજીપૂર્વક, પ્રેમપૂર્વક પસંદ કરો. પ્રેમ વગરનાં જીવનનો બહુ નજીવો અર્થ છે.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email