એવું કહેવાય છે કે જયારે ભગવાન બુદ્ધ પોતાનાં આત્મસાક્ષાત્કાર પછી પોતાનાં કુટુંબને મળવા માટે જાય છે, ત્યારે તેમનું એક રાજવીપણે સ્વાગત કરવામાં આવે છે. તેમનાં પિતા, કે જે પોતે એક રાજા હોય છે તે બુદ્ધની આગતાસ્વાગતા એક રાજકુંવરની જેમ જ કરે છે કે જે બુદ્ધ પોતે પહેલાં હતાં. પ્રધાનગણ અને રાજવી કુટુંબનાં સભ્યો તેમને ખુબ જ પૂજ્યભાવથી આવકારે છે.

તેમનો પોતાનો પુત્ર રાહુલ, તેમની પાસે દોડતો જઈને તેમને ખુબ જ જોરથી ભેટી પડે છે. સાત વર્ષ સુધી તેણે પોતાનાં પિતા વિશે ખુબ જ સાંભળ્યું હતું અને તે તેમને જોવા માટે આતુર હતો. રંજીની ઓબેયેસીકેરનાં યશોધરા – બોધીસત્વની પત્ની, પુસ્તકમાંથી આ દ્રશ્ય ચાલુ રાખું છું:

યશોધરા, રાહુલની માતા, ત્યાં આવતી નથી.રાજા યશોધરા માટે કહેણ મોકલે છે, પણ તે જવાબમાં કહે છે, “જો હું ખરેખર કોઈ સન્માનની અધિકારી હોઈશ, તો સિદ્ધાર્થ મને પોતે જાતે મળવા આવશે.”

જે પરમ સ્વરૂપ છે તેવાં બુદ્ધ પોતાનાં સંબંધીઓ અને મિત્રોને મળ્યાં પછી પૂછે છે, “યશોધરા ક્યાં છે?”

અને જયારે તેમને યશોધરાએ ત્યાં આવવાની ના પાડી છે તેવું જણાવવામાં આવ્યું ત્યારે તેઓ પોતે ઉભા થઇને સીધા તેનાં કક્ષ તરફ જાય છે.

“હું મુક્ત છું,” પરમ સ્વરૂપ બુદ્ધે પોતાનાં શિષ્ય શરીપુત્ર અને મૌદગલ્યાયનને કહ્યું કે જે તેમને સાથ આપવા માટે રાજકુમારીનાં કક્ષ સુધી આવ્યાં હતાં. “પરંતુ રાજકુમારી પોતે હજુ મુક્ત નથી થઇ. મને લાંબા સમય સુધી નહિ જોવાથી તે અત્યંત દુઃખમાં છે. જ્યાં સુધી તેનું દુઃખ પોતાનો માર્ગ નહિ કરી લે ત્યાં સુધી તેનું હૃદય ચોટેલું રહેશે. જો તે પવિત્ર તથાગતને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે તો તમારે કોઈએ તેને રોકવાનો પ્રયત્ન ન કરવો.”

યશોધરા પોતાનાં કક્ષમાં નીચે, જુના કપડામાં પહેરીને અને માથાનાં વાળ કાપીને બેઠી હતી. જેવા બુદ્ધ તેનાં ઓરડામાં પ્રવેશ કરે છે, કે તે લાગણીનાં ઘોડાપુરમાં, જાણેકે કોઈ ઉભરાઈ ગયેલા વાસણની જેમ પોતાનો પ્રેમ કાબુ નથી કરી શકતી. તે ભૂલી જાય છે કે જે પુરુષને પોતે પ્રેમ કરતી હતી તે બુદ્ધ હતાં, સમગ્ર વિશ્વનાં સ્વામી, સત્યનાં ઉપદેશક. તે તેમનાં ચરણ પકડીને એક કડવું રુદન કરી ઉઠે છે.

જોકે તેને એ ભાન થતાં કે શાકય રાજા અને બુદ્ધનાં પિતા શુદ્ધોધન મહારાજ પોતે ત્યાં ઉપસ્થિત છે, તે લજ્જાપૂર્વક ઉભી થઇને ગરિમાપૂર્વક થોડા અંતરે જઈને બેસી જાય છે.

રાજા પોતે રાજકુમારી વતી માફી માંગતા કહે છે, “આ તેની ઊંડી લાગણીમાંથી ઉઠી આવ્યું છે કે જે કોઈ એક અસ્થાયી લાગણી કરતાં કઈક વધારે છે. સાત વર્ષ દરમ્યાન તેને પોતાનો પતિ ગુમાવી દીધો હતો અને જયારે તેને ખબર પડી કે સિદ્ધાર્થે પોતાનાં મસ્તક ઉપર મુંડન કરાવી દીધું છે, તો તેણે પણ પોતાનાં માથે મુંડન કરાવી દીધું; જયારે તેને ખબર પડી કે સિદ્ધાર્થે અત્તર અને દાગીનાનો ત્યાગ કરી દીધો છે, તો પોતે પણ તેનો ઉપયોગ કરવાની ના પાડી દીધી. પોતાનાં પતિની જેમ જ તેણે પણ નિશ્ચિત સમયે માટીનાં વાસણમાં ભોજન કર્યું છે. સિદ્ધાર્થની જેમ જ પોતે પણ ઊંચા ઢોલિયે સુવાનું અને કિંમતી રજાઈ ઓઢવાનું છોડી દીધું છે અને અન્ય રાજકુમારોએ જયારે તેની સાથે લગ્ન કરવા માટે કહ્યું ત્યારે તેણે કહેલું કે તે પોતે હજી સિદ્ધાર્થની જ છે. માટે હે બુદ્ધ તેને માફ કરી દેજો.”

આપણા જીવનનો મોટાભાગનો સંઘર્ષ દુઃખને ટાળવાનો અને ખુશીઓનું સંવર્ધન કરવાં માટેનો હોય છે. જો જીવન પ્રત્યેની આપણી અપેક્ષાઓ સંતોષાય તો આપણે ખુશ, નહિ તો દુઃખી. આપણી નકારાત્મક લાગણીઓને જો કોઈ વધુ ખરાબ કરતુ હશે તો તે છે આપણી આ લાગણીઓ જેવી ઉઠે તેવી તેને સરખી કરી શકવાની અસમર્થતા. આપણે એક અસહાયતા અનુભવવી છીએ, આપણે રડીએ છીએ, આપણે ગુસ્સે થઇએ છીએ, આપણે નથી થવું હોતું, પણ આપણે થઇ જઈએ છીએ. ઉપરોક્ત વાર્તામાં ખાસ કરીને બે ઉક્તિઓ જુદી તરી આવે છે:
“જ્યાં સુધી તેનું દુઃખ પોતાનો માર્ગ નહિ કરી લે ત્યાં સુધી તેનું હૃદય ચોટેલું રહેશે.” અને, “આ તેની ઊંડી લાગણીમાંથી ઉઠી આવ્યું છે કે જે કોઈ એક અસ્થાયી લાગણી કરતાં કઈક વધારે છે.”

જયારે બધું ભાંગી પડતું હોય ત્યારે આપણે જેટલાં વધુ કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે જોડાયેલાં રહીશું, તેટલું જ વધારે પ્રમાણમાં દુઃખ થતું હોય છે. જેવી રીતે એક નદી પોતાનો માર્ગ જાતે જ કરી લેતી હોય છે તેમ દુઃખ પણ પોતે પોતાનાં પ્રવાહમાં જ વહેતું હોય છે. તમે નદીનું વહેણ બદલી શકો, પણ તેને કાયમ માટે વહેતી બંધ ન કરી શકો. અંતે, તેને જાતે સુકાઈ જવું પડતું હોય છે અને કાં તો તેને બીજી નદી કે પછી સમુદ્રમાં ભળવું જ પડતું હોય છે. એવી રીતે દુઃખ કાં તો કોઈ બીજી મોટી લાગણી દ્વારા શોષાઈ જવું જોઈએ. નહી તો પછી તે ક્યારેય ઓછું નથી થતું. કારણકે, બીજી લાગણીઓની જેમ દુઃખ એ કોઈ અસ્થાઈ કે ક્ષણિક લાગણી નથી. તે ખુબ ઊંડા પ્રેમમાંથી બહાર આવતું હોય છે. દુઃખની સરિતા ફક્ત કૃતજ્ઞતાની સરિતા સાથે જ ભળી શકે, તે ફક્ત પ્રેમનાં જ મહાસાગરમાં ભળી જઈ શકે. જયારે કોઈ પ્રેમાળ વ્યક્તિ તમારા જીવનમાંથી વિદાય પામે ત્યારે તે ખુબ જ દર્દ આપતું હોય છે. અને, જ્યાં સુધી તમે કોઈ બીજાને તેટલી જ તીવ્રતાથી પ્રેમ કરતાં ન થાવ, ત્યાં સુધી તમે તમારા જીવનમાં જે છે તેની ખોટ પડી જતાં જે દુઃખ થાય છે તેમાંથી બહાર આવી શકો નહિ.

કાં તો તમે કોઈ બીજાને મેળવી શકવા અને તેને તમારી પૂરી ક્ષમતા સાથે પ્રેમ કરી શકવા જેટલાં નસીબદાર હોવ છો કાં તો તમે તમારું ધ્યાન બીજે ક્યાંક લગાડવાંનું શીખી લો છો; દુઃખમાંથી બહાર આવવાનાં કઈ બહુ વધારે વિકલ્પો નથી. તે સમય સાથે જ રૂઝાતું હોય છે. કાં તો દુઃખનો સ્રોત બદલી નાંખો કાં તો તેને પ્રેમથી ફરી ભરી દો. કોઈ પણ કિંમતે, દુઃખી થવા માટે દિલગીરી ન અનુભવશો. કારણકે, દુઃખ એ કોઈ પસંદગી નથી પરંતુ લાગણી છે. અને વધુમાં, દુઃખ થતું હોય તેનાં માટે ખરાબ લગાડવાનું તો નિરર્થક છે. તે તમારા મનને ફક્ત વધુ વ્યથિત જ કરતું હોય છે. એનાં બદલે, અમુક લાગણીઓ તમારી અંદર ઉઠે, તો તેનો સ્વીકાર કરો અને તેને તેનું વહેણ જાતે નક્કી કરવાં દો. તેને જાતે ગાયબ થઇ જવા દો.

અહી હું સાવધાની માટેનાં બે શબ્દ કહીશ: દુઃખને તેનાં માર્ગે જાતે વહેવા દો દ્વારા મારા કહેવાનો અર્થ એ નથી કે તમે તેનાં વિશે ચિંતન કે ચિંતા કરો. તમારા દુઃખ વિશે વિચાર કર્યે રાખવાથી તેનો પ્રવાહ ખરેખર તો લાંબો થઇ જતો હોય છે. જો કે તમારે દુઃખી થવા માટે દુઃખ લગાડવાની જરૂર નથી તેમ છતાં પણ તમે તમારું ધ્યાન બીજે કશે (કશુંક હકારાત્મક કે સંતોષજનક હોય તેવામાં) પોરવાય તેનાં માટે તમારે કોશિશ તો કરવી જ જોઈએ. તે તમારી જાતને અને તમારા મનને આ પરિસ્થિતિમાંથી બહાર ખેંચી કાઢવામાં મદદરૂપ બનશે.

એક શિષ્યે પોતાનાં ગુરુને પૂછ્યું, “મને ક્રોધ બહુ આવે છે. હું ખુબ જ ગુસ્સે થઇ જાવ છું. હું શું કરું?”
“એમ…” ગુરુએ પોતાની શ્વેત દાઢીમાં હાથ સહેલાવતા કહું, “મારે તારા ગુસ્સાની તીવ્રતા ચકાસવા માટે તારો ગુસ્સો જોવો પડશે. ચાલ મારા ઉપર ગુસ્સે થા.”
શિષ્ય તો સંદેહભરી નજરે તાકી રહ્યો, અને બોલ્યો, “હું તમને અત્યારે ને અત્યારે તે કેવી રીતે બતાવી શકું? એવું નથી કે હું ગમે ત્યારે ગુસ્સે થઇ શકું!”
“ઓહ,” ગુરુએ કહ્યું, “જો તું તારો ગુસ્સો મને તું ઈચ્છે તે સમયે ન બતાવી શકે તેમ હોય તો તેનો અર્થ એ છે કે તે તારો સાચો સ્વભાવ નથી. તેનો સુમેળ કરવાં માટે મૂળ સ્રોત તરફ પાછો જા.”

હતાશા અને આનંદ, દુઃખ અને સુખની જેમ એક જ સ્રોતમાંથી ઉઠે છે – આપનું મન. આપણે આ લાગણીઓને આપણા હૃદયમાં અનુભવીએ છીએ પરંતુ તે જન્મતી હોય છે આપણા મનમાં. આપણી લાગણીઓ સમુદ્રમાં ઉઠતાં મોજા જેવી હોય છે, સતત અને છૂટી ન પાડી શકાય તેવી. એ જ સમુદ્રમાં કે જેમાંથી તમને કિંમતી મોતીઓ અને અમુલ્ય રત્નો મળતાં હોય છે, તેમાં તમને સફેદ શાર્ક અને કીલર વ્હેલ પણ મળતી હોય છે. મનનાં સમુદ્રમાં, જીવનના મહાસાગરમાં, આપણી લાગણીઓ સતત, જટિલ અને એકબીજા સાથે જોડાયેલી હોય છે. કાયમ માટે ખુશ રહેવું કે દુઃખી રહેવું અશક્ય છે. જયારે આપણે આપણી દુનિયામાં ડૂબકી મારીએ ત્યારે લાગણીઓનાં દરેક સ્વરૂપ સાથે આપણો ભેટો થતો હોય છે.

સમુદ્રજીવોની જેમ, આપણી લાગણીઓને પણ તેમનો પોતાનો જીવનકાળ હોય છે. શાંતિથી રહેવા માટે તેનો સ્વીકાર કરો. જે ક્ષણથી તમે તમારી અંદર જે બધું છે તેની સાથે પૂરી સુસંવાદીતતા સાથે રહેવા લાગો છો, ત્યારે તમે કુદરતી રીતે જ એક શાંત અવસ્થામાં પહોંચી જાવ છો. અને સુસંવાદીતતામાં કેવી રીતે આવવું? સજાગ બનો. કૃતજ્ઞ બનો. પ્રેમ અને કૃતજ્ઞતા એ બે જ માત્ર દુઃખનાં અંતિમ સ્થળ છે.

પ્રાર્થનાથી પણ મદદ મળતી હોય છે. કેવી રીતે? ફરી કોઈ બીજા સમયે જોઈશું.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email