મેં એક વાર એક વાક્ય વાંચ્યું હતું, “મૌન એ સોનેરી વસ્તુ છે…જો તમારે ઘેર કોઈ નાનું બાળક ન હોય તો. કેમ કે તે કિસ્સામાં મૌન એ શંકાસ્પદ છે.”

તમે ક્યારેય રાતનાં ઊંડા મૌનમાં એક મોટી સાંત્વનાનો અનુભવ કર્યો છે? ખાસ કરીને કુદરતનાં ખોળે હોય તેવું સ્થળ. ત્યાંની હવામાં એક અવર્ણનીય તાજગી હોય છે. તમને એક શાંત અને સુખદાયક હવા તમારી ત્વચા સાથે અથડાતી અનુભવાશે, તમે તારલા મઢેલ આકાશ તરફ તાકી રહેશો, તમને પાંદડાનું એક કલાત્મક કંપન સાંભળવા મળશે. મોટાભાગનું જગત સુઈ ગયું હશે પણ તમે આ આનંદમય રાત્રીમાં જાગતાં હશો. આ એકદમ રહસ્યમય હશે. ત્યાં તમે જેનો પણ અનુભવ કરશો તે તમને શાંતચિત્ત બનાવી દેશે.

આ છે મૌનનો આનંદ.

દરેક પ્રકારનાં સાક્ષાત્કાર અને જ્ઞાનનો ઉદય મૌનમાં થતો હોય છે જેવી રીતે વરસાદમાં ધોધનું નિર્માણ થાય છે તેમ. ધ્યાનનો હેતુ મનને ત્યાં સુધી શાંત કરવાનો છે કે જ્યાં તેનો બબડાટ તમારી અંદર રહીને ઓછો થઇ જાય. જેવો તમારા મગજમાં અવાજ શાંત થઇ જાય કે તમે દરેક વસ્તુને એક નવા પ્રકાશમાં જોઈ શકશો. આટલું કહ્યાં પછી, જેમ કે શરૂઆતમાં મેં લખ્યું છે, કે એક નાના બાળકનું મૌન એક યોગીના મૌન કરતાં ખુબ જ જુદા પ્રકારનું હોઈ શકે છે. એક નાના બાળક દ્વારા મારો અર્થ એ નથી કે ખરેખર કોઈ બાળક કે જે દીવાલ ઉપર લીટા પાડતું હોય કે તમારો ફોન બાથટબમાં મૂકી દે જયારે પાણીમાં સાબુનું ફીણ બરાબર થયું હોય. મારો અર્થ બાળસહજ માનસનો છે – એક બેચેન મન.

આજે મારી સાથે જોડાયેલા રહો, કેમ કે હું એક ખુબ જ સુક્ષ્મ બાબત દર્શાવવા જઈ રહ્યો છું: મૌનની પ્રકૃતિ. જો હું તમને મૌનનાં ચાર રંગ સમજાવવા માટે સફળ રહીશ તો, તમે ધ્યાન, નિર્મળતા અને શાંતચિત્તતા વિશે જાણવા જેવું બધું જ જાણી લેશો.

નકારાત્મક મૌન

જયારે એક બેચેન મન શાંત થઇ જતું હોય છે, ત્યારે તેને હંમેશાં આનંદનો અનુભવ નથી થતો હોતો. મોટાભાગનાં સંજોગોમાં તે એક ઉદાસીન અવસ્થા બની જાય છે. અને આ છે મૌનનો પ્રથમ રંગ: નકારાત્મકતા. શાંત મન પાસે જયારે કરવાં જેવું કશું કાર્ય હોતું નથી ત્યારે તણાવગ્રસ્ત અને દુઃખી વિચારો તેને પકડી પાડતાં હોય છે. નકારાત્મક મૌનમાં, તમારું મન ખરેખર શાંત નથી હોતું. તે ખરેખર એક દુઃખ અને વિચિત્રતાનો અનુભવ કરી રહ્યું હોય છે, તે આ નિરાશામાં એક પ્રકારની હાશ અનુભવે છે. તે તમને તમારી નકારાત્મક અવસ્થામાં ઊંડે અને ઊંડે ખેંચી જાય છે અને તમને એવું લાગે છે કે તમે દરેકજણને તમારા જીવનમાંથી દુર કરી દો. અલબત્ત, આ અસ્થાયી લાગણી હોય છે. આ છે બેચેન મનનું મૌન. અને તે એક નાના બાળકનાં મૌન જેવું હોય છે. તે તમારા પાકીટ સાથે રમી રહ્યું હોય છે (પૈસાની નોટો ફાડી, બેંક કાર્ડ વાળી દઈને અને તમારી રશીદને ચાવી – પોતાની લાળમાં બધું પલાળી નાંખ્યા પછી).

હકારાત્મક મૌન

બીજી બાજુ એક હકારાત્મક મૌન તમને દરેક વસ્તુ માટે સારું અનુભવડાવે છે. તમે પ્રસન્ન, આશાવાદી અને નિશ્ચિંત રહો છો. તમારી અંદર આ ઉર્જાની એક લહેર ઉઠે છે કે જે મૌનનાં થોડા સમય બાદ, તમને ઉઠીને કામ કરવાની ફરજ પાડે છે. આ પ્રકારનાં મૌનનું મહત્વ છે કારણકે તે એક રીતે તમારી બેટરી રીચાર્જ કરે છે અને તમને ફરી દોડતા કરે છે. જાણે કે નાનું બાળક થોડા સમય માટે જતું રહ્યું છે અને બારી નજીક બેસીને બહારનો ટ્રાફિક જુવે છે. હવે પાકીટમાં તેને રસ નથી પડતો (ચામડું હવે સ્વાદિષ્ટ નથી લાગતું) અને તુરંત જયારે ટ્રાફિક જોઈને કંટાળી જાય છે, ત્યારે તે પાછું આવી જાય છે અને કોઈ બીજી વસ્તુ ઉપર પોતાનો હાથ અજમાવી જુવે છે. પરંતુ, બાળક હવે ખુશ અને હસતું હોય છે. અસ્થાઈ સમય માટે જ જો કે.

રહસ્યમય મૌન

કોઈવાર જો કે, અને આ ભાગ્યે જ થતું હોય છે, તમારું મૌન નથી હકારાત્મક હોતું કે નથી નકારાત્મક. તે નથી હોતું આશાવાદી કે નિરાશાવાદી. તે તટસ્થ પણ નથી હોતું. તેનાં બદલે તે ઊંડાણપૂર્વકનું આધ્યાત્મિક હોય છે. તે એક આહા ક્ષણમાં પરિણમતું હોય છે, તમે એક સાક્ષાત્કારની ક્ષણમાં જકડાઈ જાવ છે. જ્યાં સુધી આ મૌનનો સમય સમાપ્ત થાય ત્યાં સુધી તમે કઈક એવું વધારે જાણી લેતાં હોવ છો કે જે આ પહેલાં તમે ક્યારેય નથી જાણ્યું હોતું. તમે અત્યાર સુધી જે જાણતા હોવ તેનાંથી બિલકુલ જુદા જ પ્રકારનું. તમે એક નવી વ્યક્તિ તરીકે ઉભરી આવો છો. આ એક રહસ્યમય ભર્યું મૌન હોય છે. જીસસ, કૃષ્ણ, મોહમ્મદ કે બુદ્ધ દ્વારા જે સત્ય બહાર આવ્યું હતું તે આ મૌનમાંથી ઉત્પન્ન થયેલું હતું. તે આ મૌનની ક્ષણ હતી કે જેમાં આઇન્સ્ટાઇનને સાપેક્ષતાવાદનું જ્ઞાન થયું હતું કે ન્યુટનને ભૌતિકશાસ્ત્રનાં નિયમોનું જ્ઞાન થયું હતું. અને તે આ કારણોસર જ રહસ્યમય હોય છે: તમે એવું શોધો છો કે જે તમને હંમેશાં માટે બદલી નાંખે છે. તે એવું હોય છે કે એક નવા તમે જન્મો છો, જાણે કે તમારી બ્રહ્માંડીય ચેતનાએ તમને તમારા અંગત અસ્તિત્વની એક ઝાંખી આપી દીધી હોય. આટલું જ નહિ. મૌનમાં તેનાંથી પણ કઈક વધુ છે: ચોથો પ્રકાર.

નિરપેક્ષ મૌન

આ એટલું સરળ અને સ્પષ્ટ હોય છે કે કદાચ તમે તેને ચુકી પણ જાવ. એક પ્રખ્યાત ઝેન કહેવત છે, “સાક્ષાત્કાર પહેલાં: પર્વતો એ પર્વતો હોય છે અને પાણી તે પાણી. જાગૃતિ દરમ્યાન: પર્વતો એ પર્વતો નથી હોતા અને પાણી એ પાણી નથી હોતું. અને સાક્ષાત્કાર પછી: પર્વતો એ ફરી પર્વતો હોય છે અને પાણી તે પાણી.” અને મૂળભૂત રીતે આ છે મૌનનો ચોથો રંગ.

આ ફક્ત એક મૌન હોય છે. કોઈ પણ પ્રકારની આલોચના વગરનું મૌન. નિરપેક્ષ મૌન. ચોથો પ્રકાર. તમે તારા, ચંદ્ર, નદીઓ, ધોધ, પર્વતો અને વૃક્ષોની સુંદરતાને તમારા અસ્તિત્વનાં એક-એક કણમાં ધારણ કરીને જુવો છો. જીવનનાં આનંદથી ઉભરાતાં તમે એક દ્રષ્ટા માત્ર હોવ છો જે કે આ ભવ્ય રમતને એક વૈરાગ્યની સમજણ સાથે ફક્ત નિહાળી રહો છે. તમે ત્યાં આનંદ ઉઠાવવા માટે હોવ છો, ફક્ત જે છો તે બની રહેવા માટે, કશું જ બંધન તમે નથી બાંધી રહ્યું હોતું. કશું પણ તમને બાંધી જ નથી શકતું. કારણકે તમારામાં જે છે તે છે સ્વતંત્રતાનું મૌન.

જયારે મૌનની વાત આવે ત્યારે, હકારાત્મક એ નકારાત્મકનું વિરોધી નથી હોતું. ઉલટાનું, નકારાત્મકનું વિરોધી મૌન હોય છે. જયારે તમારું મન એ સાચા મૌનથી ભરપુર હોય છે ત્યારે તમારી અંદર કોઈ ભય કે કોઈ નકારાત્મકતા બાકી નથી રહેતી.

એક ફિલસુફે બીજા ફિલસૂફને કહ્યું, “તો તમે એવું માનો છો કે બિલકુલ સત્ય જેવું કશું નથી હોતું?”
“હા.”
“ખરેખર?”
“હા.”
“તમને પાક્કી ખાતરી છે?”
“બિલકુલ!” તેમણે જવાબ આપ્યો.

જયારે તમે મૌનનો અનુભવ તેનાં હકારાત્મક, નકારાત્મક કે રહસ્યમય જેવા રંગોથી પરે કરી લો છો, ત્યારે તમે દરેક પરમ સિદ્ધાંતો અને મતોથી ઉપર ઉઠી જાવ છો. તમને ભાન થાય છે કે જીવન એ કોઈ પણ પ્રકારની આલોચના કે કઠોર માન્યતાઓ વગરનું પણ હોઈ શકે. કે તમારે કશાને પણ વળગવાની જરૂર નથી હોતી. કે, જીવનની શાશ્વતપણે ચાલતી મુસાફરીમાં તમે ફક્ત એક મુસાફર છો. તમે કોઈ વાર પ્રવાસી તરીકે વર્તી શકો, પણ મોટાભાગે તો તમે એક મુસાફર જ હોવ છો. અગણિત જીવનકાળ દરમ્યાનનાં એક પુનરાવર્તિત મુસાફર. આપણે બધાં જ એ છીએ.

મૌન એ ઝેનનો એકમાત્ર માર્ગ છે. તેમાં કોઈ આવન જાવન નથી, તેમાં કોઈ શોધ કે સિદ્ધિ નથી. પ્રવાસીનું કોઈ સીમાચિન્હ કે યાત્રાક્રમ નથી, આ તો ફક્ત છે પ્રવાસીનું એક સાહસ. મૌનનાં ચોથા પ્રકાર તરફની તમારી પ્રગતિ જ જ્ઞાન છે.

જીવન એ વિરોધાભાસ, વિડંબના અને સંઘર્ષથી ભરપુર છે. અને જીવન તે બધાં સહીત બરાબર લાગે છે. તે ચોક્કસપણે એ બાબતે મૌન છે. આ છે જીવન. આ જ છે ઝેન.

શાંતિ.
સ્વામી

નોંધ: ૨૦૧૬માં, હું ફક્ત બે જ ધ્યાન શિબિર કરી રહ્યો છું (એક કેનેડામાં અને એક ભારતમાં). પ્રથમ શિબિર કેનેડામાં મેં મહિનામાં છે. ૬૫ જગ્યા છે. વધુ વિગતો માટે અહી ક્લિક કરો. રજીસ્ટ્રેશન ફેબ્રુઆરી ૧૬, ૨૦૧૬ સુધી.

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email