આપણી અંદરનાં ઊંડાણમાં આપણે એક સ્વતંત્ર અસ્તિત્વ હોઈએ છીએ. જન્મ બાદ ગર્ભનાળને પણ કાપીને આપણી સ્વતંત્રતા ઉપર મહોર મારવામાં આવતી હોય છે, આપણા બંધનોને કાપીને જાણે કે આપણને એવું સૂચવવામાં આવતું હોય છે કે આપણો મુખ્ય સંબંધ એ આપણી જાત સાથેનો છે અને નહિ કે અન્ય કોઈ સાથે. અરે ક્યારેક તો પ્રેમની ખોજમાં પણ કે જે આપણને દોરવણી આપતું હોય છે, આપણે ખરેખર તો સ્વતંત્રતાને જ શોધતાં હોઈએ છીએ. સંબંધમાં આપણે જેટલાં વધુ મુક્તતાનો અનુભવ કરતાં હોઈએ તેટલાં જ વધુ આપણે સંપૂર્ણતાને પણ અનુભવતાં હોઈએ છીએ. હું સમજુ છું જયારે લોકો એવું કહેતાં હોય છે, કે હું આ પુરુષ કે આ સ્ત્રીને પ્રેમ કરું છું કેમ કે તેની સાથે હું પોતે જે છું તે બની રહી શકું છું. તેનો સાર એ છે કે આપણે એમ કહીએ છીએ કે હું જેને પ્રેમ કરું છું તેની સાથે હોવ ત્યારે હું મારી જાતને મુક્ત અનુભવું છું.

હું હંમેશાં સ્વતંત્ર અને નિર્ભય જીવન જીવવા વિશે કહેતો હોવ છું. મેં અનેકવાર તમારી જાતને ચાહો, તમે જે છો તે બની રહો તે ઉક્તિનો પ્રયોગ વારંવાર કર્યો છે. એક વસ્તુ કે જે મેં નથી કરી તે છે સ્વતંત્રતા ઉપરનાં મારા વિચારો ઉપર પ્રકાશ પાથરવાનું કાર્ય. શું સ્વતંત્રતાનો અર્થ એ છે કે તમે બહાર જઈને ગમે તે કરી શકો? શું તમારે સ્વતંત્ર પસંદગીઓ કરવી જોઈએ કે કરી શકો ખરા જો તે કોઈ નિર્દોષ વ્યક્તિને દુઃખ પહોંચાડતી હોય? અહી કોઈ એક ચોક્કસ જવાબ નથી કે નથી કોઈ માર્ગદર્શન કરી શકે તેવો સિદ્ધાંત. તે વ્યક્તિગત પ્રસંગ ઉપર આધાર રાખે છે. આટલું કહ્યાં પછી, હું ચોક્કસ તમારી સાથે, હું પોતે સ્વતંત્રતાને કેવી રીતે જોઉં છું તેનાં વિશે આજે વાત કરીશ. ચાલો હું એક નાનકડી વાર્તા સાથે શરૂઆત કરું:

એક છ વર્ષનાં બાળકને થોડા કલાકો સુધી ઘરમાં એકલાં રહેવાનું થયું. તેને એકલો મુકતા પહેલાં તેની માંએ તેને ભરપેટ ભોજન કરાવ્યું અને તેને સલામતી માટેની અનેક સુચનાઓ આપી. તેણે ખાસ કરીને એ પણ જણાવ્યું કે રસોઈઘરથી અને બીજા કાચના સામાનથી દુર રહેવું. એક સારો છોકરો હોવાથી તે સહમત થયો અને પોતાની માંને ખાતરી આપી કે તે બધું સમજી ગયો છે.

પરંતુ, એક નાનો છોકરો હોવાથી તે પોતાની જાતને એ કરતાં રોકી ન શક્યો જે કરવાની તેને નાં પાડવામાં આવી હતી કે રસોઈઘરમાં ન જવું. જેવી તેની માં ગઈ કે તેને ફ્રીજમાંથી દૂધનો જગ કાઢીને થોડું દૂધ પીવાનું નક્કી કર્યું. જેવું તેને દૂધ રેડવાનું શરુ કર્યું કે જગમાંથી દૂધ આડું અવળું ઢોળવા લાગ્યું. અડધું દૂધ બહાર ઢોળાયું અને થોડું ગ્લાસમાં. તે બીકમાં ને બીકમાં જગને ઉંચો નીચો કરવાં ગયો કે તેનાં હાથમાંથી પકડ છૂટી ગયી. બીજી જ ક્ષણે, કાચનો જગ, જમીન પર પડ્યો અને તૂટી ગયો અને આખી ફરસ પર બધે દૂધ ઢોળાઈ ગયું.

તે તો બીકનો માર્યો રસોડામાંથી પોતાનાં રૂમમાં દોડીને જતો રહ્યો. તેને ખબર હતી કે પોતાનાંથી બધું બગડી ગયું છે પણ ખબર નહોતી પડતી કે તેને સરખું કેવી રીતે કરવું. તેને કોઈ પણ રીતે ઢાંકી દેવાય તેવું તો હતું જ નહિ. તેનાં મગજમાં, પોતાને આ ઘટનાની બિલકુલ ખબર નથી સહિતનાં ઘણાં બધાં બહાના બતાવવાનાં વિચારો આવી ગયા. પરંતુ, અંદરથી પોતાને એ પણ ખબર હતી કે પોતાની માંને ગળે વાત ઉતારવી ખુબ જ અઘરી હતી.

માં ઘરે પછી ફરી અને જેવી તેને રસોડાની હાલત જોઈ, કે તે પોતાનાં પુત્ર પાસે ગઈ. છોકરાએ એક પછી એક બધાં બહાના બતાવ્યાં. તેને એમ પણ કહ્યું કે પોતે જયારે દૂધ ગ્લાસમાં રેડતો હતો ત્યારે ભૂતે તેને બીવડાવ્યો હતો. માં થોડી મીનીટો સુધી ચુપચાપ બધું સાંભળી રહી પછી તેને પોતાનાં પુત્રનો હાથ કાંડેથી પકડીને પોતાની તરફ નજીક ખેંચ્યો. ધીરેથી અને પ્રેમપૂર્વક.

“દરેકજણથી ભૂલ થઇ જાય, બેટા.” તેને કહ્યું. “ખરેખર, આપણા બધાંથી થઇ જાય. અને તેમાં કશો વાંધો નહિ. આપણને ભૂલ કરવાની છૂટ છે. પણ, આપણે જે કામ કર્યું હોય તેની જવાબદારી આપણે માથે લેવાની પણ આપણી ફરજ છે અને આપણે તેનો એક સભ્યતા સાથે સ્વીકાર કરવો જોઈએ.”
તેને પોતાનાં છોકરાને રસોડું સાફ કરવામાં પોતાની મદદ કરવાં કહ્યું, “જો તું જગ તોડે, તો તારે સફાઈ પણ કરવી પડે.”

આ છે સ્વતંત્રતાની કીમત. જીવનમાં તમે જેટલી સ્વતંત્રતા માણો છો તેની માત્રા સીધી તમારી જવાબદારીની સમજનાં પ્રમાણસર રહેલી હોય છે. સ્વતંત્રતાની કિંમત તમારી જવાબદારીમાં છે. સત્તા, મોભો, સંપત્તિ, ભણતર વિગેરેથી પ્રાપ્ત થતી સ્વતંત્રતા તમારા ખભા ઉપર તેટલી જવાબદારી પણ મુકતી હોય છે. તમે જેટલાં વધુ જવાબદાર રહો, તેટલાં જ વધુ તમે સ્વતંત્ર પણ રહો છો. નેલ્સન મંડેલાનાં શબ્દોમાં, “મુક્ત થવું એટલે ફક્ત કઈ તમારી સાંકળોનો ત્યાગ કરવો એવું નહિ, પરંતુ એવી રીતે જીવવું કે જેનાથી બીજાની સ્વતંત્રતાને માન અને વૃદ્ધિ મળે.”

દાખલા તરીકે, સ્વતંત્રતાનો અર્થ એ નથી કે ફક્ત તમે વધુ શક્તિશાળી છો એટલાં માટે થઇને તમે જયારે બીજા દેશ સાથે લડાઈ થાય કે તમે તેનાં ઉપર બોમ્બ ફેંકો. તેનો અર્થ એ નથી કે તમે સામે વાળી વ્યક્તિને અવગણો કે તેને અપમાનિત કરો ફક્ત એટલાં માટે કે તમે તેમ કરી શકો તેમ હોવ છો. વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમારા મગજમાં જે પણ કઈ આવે તે તમે કહી નાંખો. સ્વાધીનતા એ એક મોટા સોભાગ્યની વાત હોવાની સાથે જ તે ખરેખર તો એક મસમોટી જવાબદારીનું પણ નામ છે. સાચી સ્વતંત્રતા હંમેશાં શિસ્તની સીમારેખામાં ખીલી ઉઠતી હોય છે, તેમાં એક ક્રમ રહેલો હોય છે. સીમારેખા વિનાની સ્વતંત્રતા, પછી તે અંગત, સામાજિક, નૈતિક કે કાનૂની સ્તરની હોય તે હંમેશાં જીવલેણ હોય છે.

મેં જયારે વિક્ટર ફ્રેન્કલની “Man’s Search for Meaning” વાંચી ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા. હું ડૉ. ફ્રેન્કલની ફિલસુફી ઉપર ફરી કોઈ વાર બીજો એક લેખ લખીશ. અત્યારે, હું તમારી સાથે એ પુસ્તકમાંથી એક ગહન ખ્યાલ તમારી સાથે વહેંચું છું.

સ્વતંત્રતા, જો કે, કોઈ અંતિમ શબ્દ નથી. સ્વતંત્રતા તો વાર્તાનો એક ભાગ માત્ર છે અને અડધું સત્ય છે. સ્વતંત્રતા તો એક સંપૂર્ણ ઘટનાનું એક નકારાત્મક પાસું છે કે જેનું હકારાત્મક પાસું છે જવાબદારીપણું. વાસ્તવમાં, સ્વતંત્રતા જો જવાબદારીની ભાવના સાથે નહિ જીવાય તો એ મનમાનીમાં પરિવર્તિત થઇને વિકૃત થઇ જવાના ભય હેઠળ છે. એટલાં માટે, મારી ભલામણ છે કે પૂર્વ કિનારાનું સ્ટેચ્યુ ઓફ લીબર્ટી પશ્ચિમ કિનારે સ્ટેચ્યુ ઓફ રિસ્પોન્સિબિલિટી મૂકીને તેને પરિપૂર્ણ કરવું જોઈએ.

ઓસ્વીઝ (યહૂદીઓ ની સમૂહ હત્યા માટેનાં નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પ) પછી આપણને ખબર છે કે માનવ શું કરી શકે તેમ છે. અને હિરોશીમામાં જે થયું તેનાં પછી આપણે જાણીએ છીએ કે શું હંમેશાં દાવ પર લાગેલું છે.

જયારે આપણે રસોઈઘરમાં ના પાડવા છતાં ફરવું હોય, તો પછી આપણા માટે જગને કેવી રીતે પકડવો તે પણ શીખી લેવું સારું રહેશે. અને જો, ભૂલમાં, આપણાંથી જગ તૂટી જાય તો આપણે જવાબદારીનો સ્વીકાર કરીને નુકશાનને કાબુમાં કરવા માટે પણ કુદી પડવું જોઈએ.

આપણી સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી જો આપણે તેનો ઉપયોગ કોઈનું રક્ષણ કરવાં માટે ન કરી શકતાં હોઈએ, કે બીજાને કોઈ એમને પ્રેમ કરે છે એવો અનુભવ આપવા માટે ન કરી શકીએ? સ્વતંત્રતાનો કોઈ અર્થ નથી જો આપણે તેનો ઉપયોગ કોઈને દુઃખ આપવા માટે કરતાં હોઈએ અને તે પણ ફક્ત એટલાં માટે કે આપણે તેમ કરી શકીએ તેમ હોઈએ? સાચી સ્વતંત્રતામાં એક સુસંવાદીતતાની સમજ રહેલી હોય છે. અને સુસંવાદીતતા, એક સંબંધમાં કે સમાજમાં, ક્યારેય સાધી નથી શકાતી જો આપણા કર્મ, વાણી અને વર્તનમાં જવાબદારીપણું ન હોય.

એક માણસ એક ફોર્ચ્યુન ૫૦૦ કંપનીમાં વરિષ્ઠ પ્રબંધકની જગ્યા માટે ઈન્ટરવ્યું આપવા ગયો.

“સપૂર્ણ થઇ જવું” અને “ખતમ થઇ જવું” આ બે વચ્ચે શું ફરક છે,” ઈન્ટરવ્યું લેનારે પૂછ્યું.

આ એક થોડો બુદ્ધિશાળી પ્રશ્ન હતો કારણકે કોઈ પણ કામ સંપૂર્ણ થઇ જાય અને તેમ છતાં ખતમ ન થયું હોય તેવું પણ બની શકે અથવા તો કામ ખતમ થઇ જાય પણ સંપૂર્ણ ન થયું હોય તેવું પણ બની શકે.

પ્રચલિત મેનેજમેન્ટની ભાષાથી થોડા દુર થઇને તેને જવાબ આપ્યો, “જો તમે એક સાચી સ્ત્રી સાથે લગ્ન કરો તો તમે “સંપૂર્ણ” છો. અને જો તમે કોઈ ખોટી સ્ત્રી સાથે લગ્ન કરો તો, તમે “ખતમ થઇ જાવ છો.”

તેને નોકરી મળી ગઈ. હકીકતમાં, સ્વતંત્રતાનો એ જ ટુંકસાર છે. જયારે તમે તમારા સ્વાતંત્ર્યને સાચી રીતે ભોગવો છો ત્યારે તે તમને સંપૂર્ણ બનાવે છે અને તે એક સપૂર્ણ પરિણામ તરફ દોરે છે. અને, જો તમે અજ્ઞાનતા અને અવિવેકનો અંચળો સ્વતંત્રતાનાં નામે ઓઢેલો રાખો તો તમે સ્વાધીનતાનાં બીજ ને જ નષ્ટ કરી રહ્યાં છો. તમને સંપૂર્ણતાનો અનુભવ નહિ થાય. ઉલટાનું, તમને બેચેની અનુભવાશે, કદાચ ગ્લાની પણ.

સ્વતંત્રતા મને-કશી-નથી-પડી કે જે-હોય-તે એવા સ્વભાવની વાત નથી, એ તો નર્યું અજ્ઞાન છે. સાચી સ્વતંત્રતા તો છે મને-ખબર-છે-શું-દાવ-પર-લાગેલું-છે-અને-માટે-હું-એ-રીતે-જવાબદારીપૂર્વક-મારું-વર્તન-કરીશ.

જવાબદાર બનો અને સ્વતંત્ર રહો.

શાંતિ.
સ્વામી

તમારા મિત્રોને મોકલવા માટે અહી ક્લિક કરો: Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin
Email to someone
email